આનંદની શોધ, આનંદની શોધ
July 29, 2016 Leave a comment
આનંદની શોધ : માણસ સ્વભાવથી આનંદ પ્રિય છે. તે કાયમ આનંદ શોધતો રહે છે. તે જે કાંઈ વિચારે છે કે કરે છે તે સુખ મેળવવા માટે જ કરે છે, પરંતુ તે અજ્ઞાનમાં ભૂલો પડી જાય છે. ઊંટને ઘડામાં શોધે છે. લોકો દાદરને ખૂબ ખંજવાળે છે. તેમને લાગે છે કે કદાચ અહીં સુખ મળશે, પરંતુ જેની ખંજવાળ વધતી જાય તે કેવું સુખ ? છેવટે તો ચામડી છોલાઈ જાય છે અને લોહી નીકળે છે. દાદરના ઘામાં પણ ખંજવાળ આવે છે. તે ઘા પર ખંજવાળવામાં જેવું સુખદુઃખ મળે છે તેવું જ સામાન્ય રીતે બધા લોકો ભોગવે છે. ખંજવાળ નું સુખ લેવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઘા બમણો વધી જઈને અસહ્ય વેદના પેદા કરે છે.
અજ્ઞાનથી છુટકારો મેળવવા માટે આગળ વધવું તે જ એકમાત્ર ઉપાય છે. અજ્ઞાન રૂપી અંધકાર માંથી છુટકારો મેળવવા માટે પ્રકાશ તરફ ચાલવું જોઈએ. માયા તરફથી પાછા વળીને ઈશ્વર તરફ મોં રાખવું જોઈએ. ત્યારે જ વાસ્તવિકતાનું ભાન થશે અને બધી વસ્તુઓ નું સાચું સ્વરૂપ સમજાશે. અંધારામાં પાણી સમજીને ખડિયાની શાહી પી જવાથી મોં કડવું થઈ જાય છે. તે કડવાશ ને દૂર કરવાનો ઉપાય શાહીમાં ગળપણ નાખીને પીવી એ નથી. સાચો ઉપાય એ છે કે અજવાળું કરો અને જુઓ કે જે વસ્તુમાં આપણે અટવાયા હતા તે વાસ્તવમાં શું છે ?
એ પ્રકાશ દ્વારા જ તમને ખબર પડશે કે પાણી કયાં રાખ્યું છે ? ઠંડું પાણી પીવાથી જ તમારી તરસ છીપશે. તે અંધકાર માં નહિ, પરંતુ પ્રકાશમાં જ દેખાશે. અધ્યાત્મને માર્ગ પ્રકાશનો માર્ગ છે. સાચી વાતની ખબર પ્રકાશમાં જ પડે છે. પ્રકાશનું મૂળ આત્મામાં રહેલું છે. આત્મસ્વરૂપનું દર્શન કરીને જ બધા દુખ તથા શોકને જાણીને તેમનો ત્યાગ કરી શકાય છે. આત્મા સુખનું મૂળ છે. જીવનનો સાચો આનંદ ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતિ કહે છે, “તમસો મા જયોતિર્ગમય” અર્થાત્ અંધકાર માંથી પ્રકાશ તરફ જાઓ. હે વાચકો, આપ પણ અઘ્યાત્મના માર્ગ તરફ વળો.
-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪૧, પૃ. પ
પ્રતિભાવો