હૃદય મંદિર માંથી શાંતિ, સાધકો માટે સંદેશ
July 29, 2016 Leave a comment
હૃદય મંદિર માંથી શાંતિ : જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખિન્ન થઈ રહ્યું હોય, નિરાશાના વાદળો ચારે બાજુ છવાયેલા હોય, અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમતેમ ના ભટકશો. પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતારાઓથી ઘેરાઈ જતા છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે.
આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હૃદય મંદિરમાં ચાલ્યા જાઓ. બહારની બધા વાતોને ભૂલી જાઓ. પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો. તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો. ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઓરડામાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હૃદય મંદિરમાં મળશે. થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો. એવું જોવામાં આવ્યું છે કે કેટલાય દિવસોથી દુઃખથી પીડાતા લોકોને જ્યારે આરક્ષિત અભેદ્ય કિલ્લાના પ્રવેશ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ આનંદથી ઝોકાં ખાવા લાગ્યા અને તેમનું બાહ્ય શરીર પણ નિદ્રાને વશ થઈ ગયું.
આવા શાંતિદાયી સ્થાનમાં એકાએક પ્રવેશ મેળવી શકવો મુશ્કેલ હોય છે, તેથી પહેલેથી જ તેનો અભ્યાસ શરૂ કરી દો. સવારે સાંજે જ્યારે પણ અવસર મળે ત્યારે એકાંત સ્થાનમાં જાઓ અને કોઈ આરામ ખુરશીમાં બેસીને શરીરને બિલકુલ ઢીલું રાખીને પડી રહો. પોતાના હૃદય મંદિર વિશે ઊંચામાં ઊંચી શાંતિ દાયક ભાવના કરો. એવી ભાવના કરો કે દુનિયામાં જે કાંઈ શાંતિ દાયક વસ્તુઓ હોઈ શકે છે એ બધી આની અંદર ભરેલી છે. હૃદય મંદિરનો અર્થ અહીં માસનો પિંડ એવો નથી, પરંતુ સૂક્ષ્મ હૃદય સાથે છે, જે તેના આંતરિક ભાગમાં રહે છે અને જ્ઞાન ચક્ષુઓથી જ દેખાય છે. હવે પોતાને બિલકુલ એકલા અનુભવીને સંસારને સંપૂર્ણ રીતે ભૂલી જતા ધીરેધીરે ઊંડા ઊતરો અને જેવા અંતર પ્રદેશમાં ઊંડે સુધી જાઓ ત્યારે પોતાના સારા કે ખોટા બધા વિચારોને બહાર છોડી દો. તમે બિલકુલ વિચાર રહિત થઈ ગયા છો એવું માનો. આનંદ સિવાય બીજા કોઈ પ્રકારનો વિચાર ન આવવા દો. આ રીતે તમે તમારા અખંડ કિલ્લામાં બેસીને થોડીક ક્ષણ માટે વિષમય બંધનોમાંથી છુટકારો મેળવી શકશો અને તે સમયમાં વધારો કરતા કરતા શાશ્વત સમાધિ સુધી પહોંચી શકશો.
-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૧, પૃષ્ઠ-પ
પ્રતિભાવો