પ્રાર્થનામાં શકિત માગો
July 29, 2016 Leave a comment
પ્રાર્થનામાં શકિત માગો : ઈશ્વરને આવી પ્રાર્થના કરવી જોઈએ – “આપ મને પ્રેરણા આપો, મારી અંદર તમારી શક્તિનો સંચાર કરી દો. મને સાહસ, ઉત્સાહ અને ધૈર્ય આપો.” આ જ વસ્તુઓ સૂક્ષ્મસત્તાના કેન્દ્ર માંથી આવે છે અને તેને જ આપણે ઈશ્વર પાસેથી મળેલી કહીએ છીએ. ઈશ્વર લોટ બાંધવા નહિ આવે, પરંતુ જો આપણે પ્રાર્થના કરીશું તો તે આપણી એ યોગ્યતાને જાગ્રત કરી દેશે, જેના દ્વારા તે કામ સહેલાઈથી કરી શકાય. તમે તમારું કર્તવ્ય અવશ્ય પૂરું કરો. મહેનત કરવામાં સહેજ પણ કસર ના રાખો તો જ પિતાના આશીર્વાદ મેળવી શકશો.
પ્રાર્થનાનું પહેલું પગથિયું એ છે કે આપણને જે સાંસારિક વસ્તુની જરૂર હોય તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. જે રીતે આજ્ઞાંકિત પુત્રને પિતા વધારે પ્રેમ કરે છે અને વધારે વસ્તુઓ આપે છે એ જ રીતે પૂરી શક્તિથી પ્રયત્ન કરવાની ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનારને જગત પિતાના વધારે સ્નેહ મળે છે. ભૂલમાં પણ અકર્મણ્ય બનીને ના બેસી રહો. એવું ના વિચારો કે હું તો ભજન કરીશ અને ઈશ્વર મારું આ કાર્ય કરી દેશે.
ઈશ્વરને એવા ભજન કે ખુશામતની કોઈ જરૂર નથી. બદલામાં તે તમારો ચૂલો સળગાવવા નહિ આવે. પ્રાર્થનાનું બીજું પગથિયું એ છે કે પોતાનું કર્તવ્ય પૂરું કરતા કરતા પણ પોતાના પ્રારબ્ધ કર્મોના કારણે, પોતાની ભૂલોના કારણે અથવા તો સમૂહ મનના દોષોના કારણે જે વિપત્તિઓ તમારી સામે આવે તેમનાથી કાયરની જેમ ડરો નહિ કે ગભરાઓ પણ નહિ, પરંતુ ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મને તે સહન કરવાની શકિત આપો, મારી અંદર ધીરજ ભરી દો, જેથી હું વિચલિત ન થાઉં. મુશ્કેલીઓ તો બધા પર આવે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, મોહમ્મદ, શિવ, દધીચિ, હરિશ્ચંદ્ર જેવા મહાન આત્માઓને પણ વિપત્તિઓએ છોડયા નથી, તો પછી આપણે તેમનાથી કઈ રીતે બધી શકીએ ? અપ્રિય પરિસ્થિતિ જોઈને બૂમો ના પાડવી જોઈએ કે ડરપોકની જેમ બાઘા જેવા પણ ન બની જવું જોઈએ. આપણે એવા સમયે દુખના નિવારણનો ઉપાય કરવો જોઈએ અને જયાં સુધી તે મુશ્કેલી હોય ત્યાં સુધી અવિચળ ધીરજ રાખીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.
-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૪૧, પૃ. ૬
પ્રતિભાવો