સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો, સાધકો માટે સંદેશ
July 30, 2016 Leave a comment
સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો : જો તમારો આત્મા સત્ય, પ્રેમ અને ન્યાયનો સંદેશ સાંભળતો હોય તો ભગવાન તમારો હાથ પકડીને તમને તેમના મહાન ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સંદેશવાહક બનાવવા ઇચ્છે છે, તેથી હે વાચક ! ભૂલ ના કરીશ. આળસ અને પ્રમાદ માં પડી ના રહીશ, પરંતુ ગોપીઓની જેમ બધા બંધનો છોડીને મોરલીનો મધુર નાદ સાંભળતા જ દોડી પડજે અને પોકારજે – “હે નાથ ! હું તમારો છું. તમારા આદેશને પૂરો કરવા માટે આવું છું. તમારી વાણીના અવાજ પર નાચતો નાચતો આવું છું. હે પ્રભુ ! મારું કશું જ નથી. જે કાંઈ છે તે તમારું જ છે. તમારી વસ્તુ તમને પાછી સોંપવામાં મને કોઈ વાંધો નથી. તમે અવતરિત થઈ રહ્યા છો. મને તમારી વધાઈ વહેંચવામાં આનંદ મળે છે. તમે મારે ઘેર આવી રહ્યા છો. હું તમારા આવવાની સૂચના બધે જ પહોંચાડી દઉં છું.
આ પાપ તાપથી તપેલી પૃથ્વી પર હવે સત્ય તથા ધર્મની સ્થાપના થશે. અપાર વેદનાથી બળતાં પ્રાણીઓને સંતોષનો શ્વાસ લેવાનો અવસર મળશે. આ ગંગા અવતરણમાં સ્વાગત માટે હે નંદી ગણો ! તમે પ્રસન્ન થાઓ. આ કૃષ્ણ જન્મ માટે હે બાલગોપાલો, ઉત્સવ ઉજવો. એ રામાવતાર માટે હે દેવતાઓ, તમે પુષ્પ વરસાવો. હે જાગ્રત આત્માઓ, આગામી યુગના દૂત બનાવીને પ્રભુ એ તમને આ ધરતી પર મોકલ્યા છે. પોતાના કર્તવ્ય નું પાલન કરો. પ્રભુની ઈચ્છા પૂરી થવા દો. લોભમોહના બંધનોને દૂર ફેંકી દો અને સત્ય ધર્મનો પ્રચાર કરવામાં લાગી જાઓ. આ એક જ કાર્ય કરવા માંડો, ભગવાન સત્ય, આપનો જય હો. ભગવાન પ્રેમ, આપનો જય હો, ભગવાન ન્યાય, આપનો જય હો. આવો ઘ્વનિ પૃથ્વીના ખૂણ ખૂણામાં ગુંજાવવામાં લાગી જાઓ. આ કર્તવ્ય પૂર્ણ કરવું તે એક મહાન તપ છે. હે ભગીરથો, તપ કરવા માંડો, જેથી સ્વર્ગીય ગંગા આ ભૂલોક પર વહેલી તકે પ્રગટ થઈને મરેલા માણસોના મોં મા અમૃત ટપકાવી દે. હે તપસ્વીઓ, આ કાર્ય તમારા તપ દ્વારા જ પૂરું થશે, તેથી ઉઠો અને તપ કરવા મંડી પડો.
-અખંડ જયોતિ, જાન્યુઆરી ૧૯૪ર પૃ. ૪૭
પ્રતિભાવો