તપ જ કલ્પવૃક્ષ છે, સાધકો માટે સંદેશ
March 22, 2017 Leave a comment
તપ જ કલ્પવૃક્ષ છે :
ભૂલોકનું કલ્પવૃક્ષ તપ છે, ઉત્સાહ, સ્ફૂર્તિ, લગન, ધૂન, પરિશ્રમ પ્રિયતા, સાહસ, ધૈર્ય, દૃઢતા અને મુશ્કેલીઓ જોઈને વિચલિત ન થવું તે તપના લક્ષણ છે. જેણે તપ દ્વારા આ ગુણોનો વિકાસ કર્યો હોય, પોતાના ઇચ્છિત લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે પરસેવો પાડયો હોય તે એક પ્રકારનો સિદ્ધ પુરુષ છે. કલ્પવૃક્ષની સિદ્ધિ તેની આગળ હાથ જોડીને ઊભી રહે છે. એવા લોકો જે ઇચ્છે છે તે કરે છે, જે ઇચ્છે છે તેને પ્રાપ્ત કરી લે છે. નેતૃત્વ, લોકસેવા, ધન કમાવું, પ્રતિષ્ઠા, જ્ઞાન, ભોગ વગેરે સંપત્તિ મેળવવાની જેના મનમાં ઇચ્છા હોય તેણે સૌથી પહેલાં પોતાને તપસ્વી બનાવવો જોઈએ. આળસ, પ્રમાદ, સમયનો અપવ્યય, બકવાસ, નિરાશા, નિરુત્સાહ, અસ્થિરતા વગેરે દુર્ગુણોને દૂર કરીને તપશ્ચર્યાના સદ્ગુણોને પોતાની અંદર ધારણ કરવા જોઈએ. આ પ્રગતિ જેટલા પ્રમાણમાં થાય છે એટલાં જ પ્રમાણમાં સંપત્તિ અને વૈભવ આપણી સામે પ્રગટ થાય છે.
યાદ રાખો કે તપ જ કલ્પવૃક્ષ છે. જે કોઈએ આ દુનિયામાં કંઈક મેળવ્યું છે તે પરિશ્રમથી જ મેળવ્યું છે. તમે પણ જો કંઈક મેળવવા ઇચ્છતા હો તો અદમ્ય ઉત્સાહપૂર્વક કઠોર પરિશ્રમ કરવાની ટેવ પાડો. આ સાધનાના પરિણામે તમને કલ્પવૃક્ષ જેવી પ્રતિભા મળશે અને તેના દ્વારા તમે બધી ઇચ્છાઓ, આકાંક્ષાઓને સહેલાઈથી પૂરી કરી શકશો.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૪પ, પેજ-૧૯
પ્રતિભાવો