BD-1 : આદેશનું બીજું નામ – વિવેક – ૧ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
February 2, 2021 Leave a comment
આદેશનું બીજું નામ વિવેક કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
સિદ્ધાંતોનું પરીક્ષણ કરવું જરૂરી છે, કારણ કે ચારે બાજુ પરસ્પર વિરોધી સિદ્ધાંતો જોવા મળે છે. એક બાજુ હિસા, બલિદન અથવા કુરબાનીને કેટલાક ધમોએ સમર્થન આપ્યું છે તો કેટલાક એવા પણ ધર્મો છે, જ્યાં જીવહત્યા તો દૂર રહી, પણ જીવોને દુખ પહોચાડવું એને પણ પાપ સમજવામાં આવે છે. આ જ રીતે ઈશ્વર પરલોક પુનર્જન્મ, અહિંસા, પવિત્ર ધર્મમાંથી અવતાર પૂજાવિધિ, કર્મકાંડ દેવતા વગેરે અનેક વિષયોની બાબતમાં ઘણા મતભેદે પ્રવર્તે છે. સામાજિક ક્ષેત્રે વર્ણભેદુ સ્ત્રીઅધિકાર, શિક્ષણ, રોટીબેટી વગેરે પ્રશ્નોની બાબતમાં અનેક પરસ્પર વિરોધી વિચારોનું બાહુલ્ય જોવા મળે છે. રાજ્ય પ્રણાલીમાં પણ પ્રજાતંત્ર, સામાજ્યવાદ પંજીવાદ, સરમુખત્યારશાહી, સમાજવાદ, સામ્યવાદ વગેરે એકબીજાથી પરસ્પર વિરોધી વિચારધારાઓ પ્રવર્તે છે. ઉપરોક્ત બધા જ પ્રકારની વિચારધારાઓ વારંવાર એકબીજા સાથે ટકરાયા કરે છે. દરેક વિચારધારાના સમર્થકો અને વિરોધીઓ પણ આની સાથે જોડાય છે અને વિશાળ સંખ્યા ઊભી થાય
જ્યારે સિદ્ધાંતોમાં આ પ્રકારના ભયંકર મતભેદો અસ્તિત્વ ધરાવે છે, ત્યારે એક નિષ્પક્ષ જિજ્ઞાસુ માટે–સત્યશોધક માટે તેનું પરીક્ષણ ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આનો નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી ક્યો પક્ષ સાચો અને ક્યો ખોટો ? કોની વાત સાચી અને તેની ખોટી ? તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે અને જ્યાં સુધી ઉચિત-અનુચિતનો નિર્ણય ન કરી શકાય ત્યાં સુધી સત્ય સુધી પહોંચી શકાતું નથી. પરીક્ષા અને સમીક્ષાના આધાર વિના ઉપયોગી અને બિનઉપયોગીની પરખ કરી શકાય નહી.
“મહાજનો યે ન ગતો સ પન્થા’ ઉક્તિ મુજબ મહાપુરુષો-મોટા માણસોનું અનુસરણ કરવામાં આવે છે અને એ પ્રણાલી પણ છે. સામાન્ય રીતે લોકો સૈદ્ધાંતિક બાબતોમાં માથાકૂટ કરતા નથી. બીજાઓનું અનુકરણ કરવું વધારે સહેલું પડે છે. નાની મોટી વ્યક્તિ, આગળ પડતી વ્યક્તિ જે કહે તેને માની લેવામાં મસ્તિષ્કને વધારે શ્રમ કરવો પડતો નથી અને મોટા ભાગના લોકે આવું જ માનસ ધરાવે છે. પરંતુ આ પ્રણાલિકાથી સત્ય-અસત્યની સમસ્યા ઉકેલાતી નથી કારણ કે જેમને આપણે વડીલ માનીએ છીએ, તેઓ પણ કદાચ ભ્રમમાં રહ્યા હોય અને બીજા લોકો જેને મહાપુરુષ સમજે છે તેમની વાત કદાચ સાચી પણ હોય. જ્યારે કેટલીય વ્યક્તિઓ સમાન વિચારધારા ધરાવનાર મહાપુરુષની વાતને સ્વીકારીને ચાલે છે. એ જ રીતે બીજી વિચારધારા ધરાવનાર કેટલીય વ્યક્તિઓ બીજા મહાપુરુષના કથન મુજબ ચાલે છે અને જયારે આવું ચાલે છે ત્યારે એ કહેવું મુશ્કેલ થઈ જાય છે કે કોની વાત સાચી છે અને કોની ખોટી.
મહાપુરુષો બે રીતે પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે (૧) કલમ દ્વારા (૨) વાણી દ્વારા. વાણી દ્વારા વ્યક્ત કરેલા વિચારો ક્ષણિક હોય છે. આ ક્ષણિક વિચારોને ચિરસ્થાયી કરવા માટે લખીને છાપવામાં આવે છે. વિચારોને વ્યવસ્થિત ક્રમમાં લખીને, છાપીને પ્રગટ કરવામાં આવે છે, ત્યારે તેને પુસ્તક કે ગ્રંથ કહેવામાં આવે છે. જે પુસ્તકોમાં ધાર્મિક અથવા આધ્યાત્મિક વિચારોને ગ્રંથબદ્ધ કરવામાં આવે છે. તેમને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રોને લોકો એક સ્વતંત્ર સત્તાનું સ્થાન આપે છે. જેમ દેવતાઓને એક સ્વતંત્ર સતા સમજવામાં આવે છે, તેમ શાસ્ત્રો પણ સ્વતંત્ર સત્તા બનવા લાગ્યાં છે, પરંતુ વાસ્તવમાં તે સાચું નથી. જેમ મહાપુરુષો ભ્રાન્ત હોઈ શકે છે, તેમ શાસ્ત્રો પણ હોઈ શકે છે. એક શાસ્ત્ર દ્વારા બીજા શાસ્ત્રના મતનું ખંડન કરવું તે એ બતાવે છે કે પ્રાચીનકાળમાં પણ એક જ કક્ષાના મહાપુરુષો આ રીતે એક બીજાનો મતનું ખંડન કરતા. એકબીજાનો વિરોધ કરતા. આજે આપણા નેતાઓ પણ અનેક સમસ્યાઓ વિશે એક્બીજા સાથે મતભેદ ધરાવે છે.
આજે નેતાઓના વિરોધી વિચારો અને મતભેદોમાંથી જે આપણી બુદ્ધિને વધારે યોગ્ય અને વધારે જરૂરી લાગે તેને ગ્રહણ કરીએ છીએ. કોઇક નેતાના મતને આપણે સ્વીકારતા ન હોવા છતાં, તેના પ્રત્યે આદરભાવ રાખીએ છીએ. એ જ રીતે આપણા પ્રાચીન સ્વર્ગીય મહાપુરુષો દ્વારા રચિત ગ્રંથો અને વિચારોની બાબતમાં પણ હોવું જોઈએ. શાસ્ત્રનું આંધળુ અનુકરણ કરવું જોઈએ નહીં, પરંતુ તેના પ્રકાશમાં સત્યને શોધવું જોઈએ. આંધળું અનુકરણ કરવું પણ ન જોઈએ. કારણ કે એક જ શાસ્ત્રમાં કેટલીક વાર બે વિરોધી આદર્શો જોવા મળે છે. આપણાં શાસ્ત્રોમાં જીવતાં પ્રાણીઓને મારીને અગ્નિમાં હોમી દેવાનું વિધાન છે અને જીવમાત્ર પર દયા રાખવાનું પણ વિધાન છે. બંને આદેશ આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં આપેલા છે. આ શાસ્ત્રો આપણા માટે ખૂબ જ પવિત્ર અને આદરણીય છે, છતાં આ બને આદેશોમાંથી આજે આપણે આપણી બુદ્ધિને વધારે ઉચિત અને વધુ તર્કસંગત લાગે તેનું જ આચરણ કરીએ છીએ.
હિંદુ ધર્મ કોઈ પણ વ્યક્તિના લખેલા વિચારોને વધારે મહત્વ આપતો નથી, પછી ભલેને તે વ્યક્તિ ગમે તેટલી મોટી સંત, ઋષિ, દેવદૂત કે મહાપુરુષ કેમ ન હોય ! હિંદુ ધર્મમાં સિદ્ધાંતોની સમીક્ષા અને તેના બુદ્ધિ-સંગત અંશોને ગ્રહણ કરવાની પરિપાટીને જ સમર્થન આપવામાં આવે છે. મોટામાં મોટા મહાપુરુષ કે ધર્મગ્રંથ સાથે મતભેદ કરવાની તથા સ્વીકાર–અસ્વીકાર કરવાની સંપૂર્ણ છૂટ છે, પણ કોઇની મહાનતાને હલકી પાડવાની આજ્ઞા નથી. મહાપુરુષો અને પવિત્ર ગ્રંથોનો સંપૂર્ણ આદર કરીને તેમની સંમતિમાંથી બુદ્ધિસંગત વિચારોને ગ્રહણ કરવાનો આદેશ છે. આજ આદેશના આધારે પ્રાચીન સમયમાં સાચા જિજ્ઞાસુઓએ સત્યની શોધ કરી હતી અને આજે પણ એ જ માર્ગ અપનાવવાનો હોય છે.
હિંદુ ધર્મમાં ભગવાન બુદ્ધને ઇશ્વરનો અવતાર માનવામાં આવે છે. દશ અવતારોમાં એમની ગણના થાય છે. એનાથી વધારે ઊંચો બીજે ક્યો આદરસત્કાર હોઈ શકે ? બીજા અવતારોની જેમ જ હિન્દુઓ માટે ભગવાન બુદ્ધ પૂજ્ય છે. એમના મહાન વ્યક્તિત્વ, ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને સાધના આગળ સહજ રીતે દરેક વ્યક્તિનું મસ્તક ઝૂક્યા વિના રહેતું નથી. એમનાં ચરણોમાં હૃદયના ઊંડાણમાંથી ઊઠેલી, શ્રદ્ધાનાં ચઢાવીને આપણે આપણી જાતને ધન્ય માનીએ છીએ. આટલું હોવા છતાં હિંદુ ધર્મમાં ભગવાન બુદ્ધના વિચારોનો તો વિરોધ જ છે. જગદ્દગુરુ શંકરાચાર્ય તે એમના વિચારોનું પોતાની જાતને હોડમાં મૂકીને પણ ખંડન ક્યું છે. બૌદ્ધ વિચારો તથા તેમના સંપ્રદાયોને કોઈ હિ સ્વીકારવા તૈયાર નથી, છતાં તેમના વ્યક્તિત્વમાં દરેક હિદ ભગવાનનાં દર્શન કરે છે.
મુખ્ય વાત એ છે કે વ્યક્તિત્વ અને સિદ્ધાંત બંને ભિન્ન બાબતો છે. કોઈ સિદ્ધાંતને અમુક મહાપુરુષે કે અમુક ગ્રંથ ફેલાવ્યો છે માટે તે માન્ય થઈ જતો નથી. એ જ રીતે જોઈ ધૃણિત અથવા વિરોધી વ્યક્તિના કહેવાથી કે તેનો વિરોધ કરવાથી કોઈ સિદ્ધાંત અમાન્ય પણ બની જતો નથી. જે કોઇ ચોર એમ કહે કે “સાચું બોલવું જોઈએ” તો આ બાબતનો અસ્વીકાર માત્ર એટલા માટે જ ન કરી શકાય કે એવું ચોરે કહ્યું છે. ચોરનું વ્યક્તિત્વ એક બાબત છે અને “સત્ય બોલવાનો” સિદ્ધાંત એ બીજી બાબત છે. આ બંનેને ભેગાં કરવાથી એક મોટો અનર્થ પેદા થશે. જોકે ચોરે સત્ય બોલવાનો સિદ્ધાંત રજૂ કર્યો છે તેથી તે સિદ્ધાંત ખોટો સાબિત થતો નથી. આ જ રીતે કોઇ મોટા મહાત્મા બિનઉપયોગી વાતનો ઉપદેશ આપે તો તે સાચો મનાતો નથી. કોઇ અઘોરી સાધુ માંસાહાર કરે અને ઉગ્ર તપશ્વર્યા પણ કરે, છતાં કોઇ તેમના આચરણનું અનુકરણ કરતું નથી. ખરેખર વ્યક્તિત્વ અલગ ચીજ છે અને સિદ્ધાંત અલગ ચીજ છે. મહાત્મા કાર્લમાર્કસ, એજિલ લેનિન વગેરેનું ચરિત્ર ખૂબ જ ઊંચું હતું. તેઓ પોતપોતાના વિષ્યના વિદ્વાન હતા. તેમના ઉજજવળ વ્યક્તિત્વ આગળ દુનિયા માથું ઝુકાવે છે. પણ તેમનો અનિશ્વરવાદી અભિગમ યોગ્ય નથી.
પ્રાચીન સમયમાં પણ આજની જેમ પરસ્પર વિરોધી મતો પ્રચલિત હતા. જેવી રીતે આજે અનેક વિચારધારાઓના મતભેદ ઉપર સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પછી તેનામાં રહેલા યોગ્ય તથ્યનો સ્વીકાર કરવામાં આવે છે. આવું પ્રાચીન સમયમાં પણ હતું. આધુનિક મહાપુરુષોના વિચારોમાંથી આપણને જીવનનિર્માણના કાર્યમાં મદદ મળે છે, તેવી જ રીતે પ્રાચીન સમયના સ્વર્ગીય મહાપુરુષોના વિચારો– ધર્મગ્રંથોમાંથી લાભ મેળવવો જોઈએ. પરંતુ કોઈના આંધળા ભક્ત ન બનવું જોઈએ. એ સાચું છે કે પ્રાચીનકાળ અને આજની સ્થિતિમાં ખૂબ જ ફરક પડી ગયો છે. તેથી તે વખતના વિચારો આજે ઉપયોગી ન પણ બને. એ પણ શક્ય છે કે એમણે કઈ બાબતને જે જે દ્રષ્ટિકોણથી જોઇ હોય એ જ બાબતને આજે અન્ય દષ્ટિકોણથી જોવામાં આવતી હોય. પહેલાં એવું માનવામાં આવતું હતું કે ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીએ છે. જ્યારે આજે પ્રાણીશાસ્ત્રના સમીક્ષકોએ ક્યું છે, કે ચાતક પક્ષી રોજ પાણી પીએ છે. હંસ મોતી ચરે છે કે દૂધ અને પાણીને અલગ કરે છે આવી બાબતોને આજે અવિશ્વસનીય માનવામાં આવે છે. આ પ્રમાણે બીજી પણ ઘણી બાબતોમાં પ્રાચીન સમયના સિદ્ધાંતો અને આજની શોધોમાં અંતર પડી ગયું છે. આ અંતરોના સંબંધમાં નિરીક્ષક બુદ્ધિથી આપણે કોઈ ચોક્કસ મત નક્કી કરવો પડે છે. આધુનિક કે પ્રાચીન હોવાથી શ્રેષ્ઠ સિદ્ધાંત સાચો કે ખોટે સાબિત થતો નથી. શાસ્ત્રકારોનો મત છે કે જો બાળકનાં વિધાનો પણ યુક્તિપૂર્વકનાં હોય તો તે સ્વીકારવાં જોઈએ. પરંતુ જે સ્વયં બ્રહ્માનાં વચનો યુક્તિપૂર્વકનાં ન હોય તો તેને પણ ઘાસની માફક તુચ્છ ગણી તેને ત્યાગ કરવો જોઈએ.
શાસ્ત્રો અને વિવેક્ના પ્રશ્નોને પણ આપણે આ રીતે જ ઉકેલવા જોઈએ. શાસ્ત્રોની સંખ્યા ખૂબ મોટી છે અને એમાં પસ્પર વિરોધી સિદ્ધાંતોની પર્યાપ્ત સામગ્રી ભરેલી છે. એમાંથી કોને સાચું માનવું અને કોને ખોટું ને આપણે આપણી વિવેકબુદ્ધિથી દેશ, કાળ, આજની પરિસ્થિતિ અને આવશ્યક્તાઓને જોઈને નક્કી કરવાનું છે.
પ્રતિભાવો