સહજ દોષોથી બચાવ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

સહજ દોષોથી બચાવ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

બીજાની વસ્તુ અથવા મહેનતનો લાભ પોતે ઉઠાવવાની અનુચિત પ્રક્રિયા એક રીતે ચોરી જ છે. આ દુર્ગુણ કોઈ પણ બાળકમાં પેદા ન થવા દેવો જોઈએ. બાળકોને પોતાનાં પારકાંનું ભાન નથી હોતું. આથી જે વસ્તુ પ્રત્યે તે આકર્ષાય છે તેને લઈ લેવાનો પ્રયત્ન કરે છે. ખરીદવા માટે પૈસા હોતા નથી, માગવાથી મળવાની આશા નથી હોતી, એટલે તે એને ચોરવા લાગે છે. નાનાં બાળકોમાં આ દોષ અકારણ શરૂ થાય છે. ટેવ પડવાથી સાથીદારોની પેન્સિલ, નોટ, રબર વગેરે વસ્તુઓ ચોરવા લાગે છે. ખાવાપીવાની કોઈ મીઠાઈ જેવી વસ્તુઓ ઘરમાં લાવ્યા હોય અને ભાગ પાડીને બીજા ભાઈબહેનની વસ્તુ અલગ રાખી હોય, તો તક મળતાં એમાંથી ચોરી લે છે. આ ઉમરે એને નૈતિકતા – અનૈતિકતાનું જ્ઞાન હોતું નથી. આ ભૂલ એને નાની ઉંમરે જ સમજાવી દેવી જોઈએ કે બીજાના હકની વસ્તુને મેળવવા પ્રયત્ન ન કરવો જોઈએ. માગવાથી આપણી માનહાનિ થાય છે, પોતાને ભિખારી સ્તરનો માનવામાં આવે છે અને પૂછ્યા વગર લેવી એ ચોરી છે. સમાજમાં ચોરનું અપમાન પણ થાય છે અને દંડ પણ મળે છે. એટલે જે કોઈ ચીજ માટે મન લલચાય એને મેળવવા માટે કોશિશ ન કરવી જોઈએ. આપણા મનને કાબૂમાં રાખવું જોઈએ. જો વસ્તુ જરૂરી હોય તો માતાપિતાને વિનંતી કરીને એને ખરીદવાનો અથવા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોરીની લત પડી જવાથી મનુષ્ય મોટો થયે મોટી ચોરી કરવા લાગે છે અને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે તથા દંડ પણ મળે છે. એના પરથી બીજાઓનો વિશ્વાસ ઊઠી જાય છે. આટલું સતત સમજાવવાથી ધીમેધીમે સુસંસ્કાર જાગ્રત થાય છે.

આ રીતે બાળપણમાં બીજો દોષ જૂઠું બોલવાની આવી જાય છે. કોઈ ખોટું કામ કર્યાથી એનો દંડ મળવાના ભયથી બાળક જૂઠું બોલે છે. બાળકોને શરૂઆતથી જ શિક્ષણ આપવું જોઈએ કે તેઓ પરીક્ષામાં પાસ થવાના લોભમાં કોઈનામાંથી ચોરી કે નકલ ન કરે. કોઈના ફોસલાવવાથી પોતાની પ્રશંસા ન કરે. મોટેભાગે નાનાં બાળકોને ચોરી અને જૂઠની ટેવ પડી જાય છે. આ બંનેને કારણે કેટલું અપમાન થાય છે, કેટલો વિશ્વાસ ઊઠી જાય છે અને કેટલો દંડ મળે છે એ વાતો બધાને સમજાવી દેવી જોઈએ. કોઈ બાળક ભૂલ કરી બેસે તો વસ્તુ પાછી અપાવીને ભૂલ માટે માફી માગવાનો દંડ તરત જ કરવો જોઈએ, જેથી તે ભવિષ્યમાં એવું ન કરે. મોટા થયા પછી બીજી ખરાબ ટેવો પણ પડે છે, ખોટાં બહાના બતાવીને અથવા ચોરી કરીને ઘેરથી પૈસા લઈ જવા અને એ ખોટા કામમાં વાપરવા. કોઈ કોઈવાર ખરાબ છોકરાઓની દેખાદેખીમાં અપશબ્દો અર્થાતુ ગાળો બોલવાની ટેવ પડી જાય છે. આવી કુટેવોની ખબર પડે ત્યારે બાળકને પ્યારથી સમજાવવો જોઈએ કે આ કુટેવ વધવાથી મનુષ્ય કેટલો તિરસ્કાર મેળવે છે અને લોકોની દૃષ્ટિએ ધૃણાસ્પદ બને છે.

આ વાતો કિસ્સાઓ કે વાર્તાઓના માધ્યમથી પણ સમજાવી શકાય છે કે કઈ કુટેવોને કારણે કેટલું પસ્તાવું પડે છે અને કેવી રીતે વ્યક્તિનું માન અને વિશ્વાસ ઘટી જાય છે. “મોટાઓનું બાળપણ’ જેવાં પુસ્તકો વારંવાર વંચાવવાં તથા સંભળાવવાં જોઈએ, જેથી તેઓ સમજી શકે કે મોટા થઈને મહાનતા મેળવવા માટે નાનપણથી જ સારી ટેવોનો અભ્યાસ કેટલો આવશ્યક છે.

કિશોર છોકરાઓની ચાલચલગત પર ખૂબ કડક નજર રાખવી જોઈએ, કારણ કે તેઓ ખરાબ છોકરાઓના કુસંગથી બીજા કેટલાય પ્રકારની કુટેવો શીખી લે છે અને બુદ્ધિનો વિકાસ થયો હોવાથી એવી ચતુરતા વાપરે છે કે ભૂલ પકડાય નહિ. એમને વિશેષરૂપે કુસંગથી બચાવવા જોઈએ અને એવા લોકો સાથે સંપર્ક રાખવાનું પ્રોત્સાહન આવવું જોઈએ કે જેમની સાથે રહીને તે સભ્ય વ્યવહાર,  સદ્ગુણો સભ્યતા, સુસંસ્કારિતા વગેરે શીખે.

સ્કૂલમાં આખો દિવસ બાળકો બંધનમાં રહી શકતાં નથી. ઘેર આવ્યા પછી પણ એટલી તીક્ષ્ણ નજર રાખી શકાતી નથી કે તેઓ કોઈ ખોટા કામમાં તો પ્રવૃત્ત નથી ને. રમતગમત પણ રોકી શકાય નહિ. ઝાડ પર ચડવું, ગિલ્લીદંડા રમવા વગેરે એવી રમતો છે કે જેનાથી આંખ કે બીજાં અંગોને નુકસાન થઈ શકે છે. આવા સંજોગોમાં એ ઉપાય સર્વોત્તમ છે કે બાળસંસ્કાર શાળાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પોતાનાં અને સાથે સાથે આજુબાજુના લોકોનાં બાળકોનું હિત સચવાય. આમાં બાળકોનું હિત તો છે જ, પણ જેની પાસે ફાજલ સમય છે તેઓ આવાં રચનાત્મક કામોમાં પોતાનો સમય ખર્ચીને સમાજનું હિત પણ કરી શકે છે અને પરમાર્થનાં કાર્યોમાં પ્રવૃત્ત રહી આત્મકલ્યાણ પણ કરી શકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: