ખચકાટ દૂર થાય સફૂર્તિ જાગે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
ખચકાટ દૂર થાય સફૂર્તિ જાગે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
કેટલાંય બાળકોને પોતાના સગાંસંબંધીઓ સાથે તો સહજતાથી બોલવાની ટેવ હોય છે, પરંતુ ઓછા ઘનિષ્ઠ અથવા અપરિચિત લોકો સાથે બોલવામાં તેઓ ખચકાટ અનુભવે છે. પૂછવામાં આવેલી વાતનો સીધો જવાબ પણ આપી શકતા નથી. આવા શરમાળ છોકરાઓને બુદ્ધુ માનવામાં આવે છે અને તેમની ઉપેક્ષા થાય છે. વાતચીત કરતી વખતે એવું વિચારવું જોઈએ કે આ વ્યક્તિ પારકી છે. તેમને પોતાના જ સમજીને ખચકાટ વિના વાતચીત કરવી જોઈએ. એવા છોકરાઓને હોશિયાર માનવામાં આવે છે.
ઉંમર વધતાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે વાતચીતમાં થોડો ખચકાટ જરૂર અનુભવવામાં આવે છે, પરંતુ નાના છોકરા – છોકરીઓ વચ્ચે કોઈ પ્રકારના અંતરની આવશ્કયતા નથી. એવું અતર રાખવાથી નર ને નારી વચ્ચેની ખાઈ મોટી થાય છે. છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ વધવા દેવો જોઈએ નહિ. પ્રાથમિક શાળામાં તેઓ સાથે ભણે તો કોઈ નુકસાન નથી. હાઈસ્કૂલ કોલેજમાં અલગ અલગ શિક્ષણ હોય તો સારું રહે, કારણ કે ત્યાં સુધીમાં તેઓ કિશોરાવસ્થામાં ગયાં હોય છે.
બાળસંસ્કારશાળાનો ઉદ્દેશ એ છે કે સ્કૂલ સિવાય બચેલો સમય બાળકો આવારાપણામાં અથવા કુસંગમાં ન ગાળે. એ સમયનો ઉપયોગ સારા વાતાવરણમાં થાય મનોરંજન પણ મળતું રહે અને થોડું શિક્ષણ પણ મળતું રહે. ઘરમાં બાળકો બધાં સાથે હળીમળીને રહે તો એમનો વ્યવહાર સારો રહે છે. નાની નાની વાતમાં અપશબ્દો બોલવાની અથવા લડાઈ ઝઘડા કરવાની ટેવ પડે તો એ ટેવને છોડાવવા માટે જરૂરી છે કે બહારના લોકો અને ઘરવાળાઓ સાથે તેઓ ખુલ્લા મનથી હળેમળે અને પારકાપણું છોડીને શિષ્ટાચાર અપનાવે તથા સાથે રહેવાનું શીખે. નહીંતર તેમને એવી ટેવ પડી જશે કે ઘરના લોકો સાથે તો ખુલ્લા મનથી વાત કરી શકશે, પરંતુ બહારના લોકો સાથે ખચકાટ અનુભવશે. આ
અતડાપણાની ટેવ છોડાવવા માટે, ઢબુ યા બુદ્ધાપણાની ટેવ છોડાવવા માટે બાળકોને સામાજિક સ્વભાવના બનાવવા જોઈએ. આ લાભ સ્કૂલના વર્ગમાં કે ખેલકૂદની ટીમમાં તેમને મળતો જ હોય છે, પરંતુ બાળસંસ્કાર શાળામાં એથી પણ વધુ નજીકનાં બાળકો હોવાથી દિલ ખોલીને વાત કે વ્યવહાર કરવામાં વધારે સુવિધા રહે છે. એટલા માટે આવી પાઠશાળાઓ દસ વિસથી વધારે સંખ્યાવાળી ન હોવી જોઈએ, નહિતર એમની વચ્ચે ઘનિષ્ઠ વ્યવહાર નહિ સ્થપાય.
બાળકોને ઘણીવાર આળસની ટેવ પડી જાય છે. કોઈ કામ કરતા હોય ત્યારે એવી રાહ જુએ કે કોઈ બીજો આવીને એ કરી નાંખે, પોતે હાથપગ ન ચલાવવા પડે, આગળ પડીને કામ કરવું ન પડે. આ પણ અશિષ્ટતા અને અસ્વચ્છતા જેવી ખરાબ ટેવ છે. કોઈ કામ કરવાનું હોય અથવા કરવાનું કહેવામાં આવે ત્યારે સ્વયં આગળ આવીને તેમણે કરવું જોઈએ. આવા સ્ફૂર્તિલા બાળકો આગળ જતાં તેજસ્વી બને છે અને પ્રગતિ કરે છે. જેઓ મહેનત કરવાથી ડરે છે, આળસુ પ્રકૃતિના હોય છે તેઓ આગળ જતાં બધી વાતમાં પાછા પડે છે. આ આળસની ટેવ આગળ ઉપર એમની ઉન્નતિમાં ડગલે ને પગલે અડચણ ઊભી કરે છે. ઉત્સાહી બાળકોના ચહેરા ફૂલ જેવા ખીલેલા રહે છે, પરંતુ જેઓ સુસ્ત હોય છે તેઓ મહેનત કરવામાંથી તો બચી જાય છે, પરંતુ તેમના ચહેરા નિસ્તેજ થઈ જાય છે. તેમને અશિષ્ટ માનવામાં આવે છે. બાળકોની સુંદરતા એમાં છે કે તેઓ દડાની જેમ ઊછળતા – કૂદતા રહે. કોઈ કામ સામે દેખાય તો સ્વયં એને હાથમાં લે અને સારી રીતે એને પૂરું કરે.
રમવાની વસ્તુઓ, પુસ્તકો, આસન વગેરે જે વસ્તુઓ વિદ્યાલયની હોય એમને કામ પૂરું થયે જ્યાંથી લીધી હોય, ત્યાં બરાબર મૂકીને તાળું મારીને બીજા કરતાં આગળ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સુસ્ત ના બનવું જોઈએ.
પ્રતિભાવો