જીવનચર્યાનું સહજ શિક્ષણ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
જીવનચર્યાનું સહજ શિક્ષણ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
પ્રારંભિક શિક્ષણ, સ્વચ્છતાથી શરૂ કરવું જોઈએ. એની રીત એ છે કે વાલી સ્વયં સાફસૂથરા રહે. ખાતા પહેલાં હાથ ધોવા ખાધા પછી કોગળા કરી મોં સાફ રાખવું, કપડાં – બૂટ વગેરે યોગ્ય જગ્યાએ મૂકવાં, કોઈ વસ્તુ મેલી થઈ જાય તો એને ઘરના સભ્યોને કહીને ધોવડાવી લેવી, પથારી, રૂમ વગેરે અસ્તવ્યસ્ત હોય તો વ્યવસ્થિત રાખવાં, પોતાનાં પુસ્તકો, પેન, સ્લેટ, પેન્સિલ વગેરે યોગ્ય જગ્યાએ રાખે, કોઈ પણ વસ્તુ ગમે તેમ ન પડી રહે, મળમૂત્રનો ત્યાગ કરવાનું સ્થાન અને સમય નિશ્ચિત રહે. આને સ્વચ્છતા અથવા સુવ્યવસ્થા કહે છે. જે વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ એમને સંભાળીને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે મૂકવાનું કામ વાલી પોતે પણ કરે અને બાળકોને પણ એના લાભ સમજાવે. બાળક ભૂલ કરે ત્યારે તેને રોકવામાં આવે અથવા માતાપિતા સ્વયં સંભાળ રાખે. એ સારસંભાળ વખતે બાળકને પણ સાથે રાખવો જોઈએ, જેનાથી એને સારસંભાળનો, સફાઈનો અભ્યાસ થશે.
અરીસો જોવાની ટેવ પાંચ વર્ષ પછી જ પાડવી જોઈએ, જેથી વાળ, દાંત, નાક વગેરે મેલાં કે ગંદાં તો નથી ને એની જાણકારી એને મળે અને સુધારવાની ઇચ્છા થાય. નખ વધવા ન દેવા જોઈએ. તે અઠવાડિયામાં એકવાર તો કાપવા જ જોઈએ. નખ દ્વારા રોગનાં જંતુઓ પેટમાં જાય છે અને કેટલીય બીમારીઓ થાય છે. પગે કાદવ કે બીજી ગંદકી ચોંટેલાં ના હોવાં જોઈએ. પગના નખનાં મૂળ મુલાયમ હોય છે. એની સાથે ચોંટેલી ગંદકી પણ શરીરમાં પ્રવેશે છે.
બાળક થોડું સમજદાર થઈ જાય એટલે તેને દાતણ કે બ્રશ કરતાં શિખવાડવું જોઈએ. ખોટી રીતે બ્રશ કરવાથી પેઢાં છોલાઈ જાય છે અને એ બગડી જવાનો ભય રહે છે. દાંતની સફાઈ ન કરવાથી તે પીળા પડી જાય છે. રોગ થવાની અને દાંત પોલા થઈ જવાની પણ શક્યતા રહે છે. વાળ ઓળવાનું શિખવાડવું જોઈએ, જેથી એના મૂળમાં જૂ યા ખોડો ન થાય. સાબુનો યોગ્ય ઉપયોગ પણ આવડવો જોઈએ. જેથી ચામડી પર ક્યાંય મેલ ન જામે અને સાબુ પણ બિનજરૂરી રીતે વધુ ન વપરાય.
બાળકને પ્રેમ કરવો જોઈએ, વહાલ કરવું જોઈએ. એની ઇચ્છા સાથે ફરવા જવાની હોય છે. એટલે એને તેડીને અથવા આંગળી પકડીને થોડે સુધી ફરવા લઈ જવું જોઈએ. એવી ટેવ ન પાડવી જોઈએ કે તે હંમેશાં ઊંચકવાનો જ આગ્રહ રાખે. જ્યારે પોતાના હાથે તે ખાવાનું ખાવા લાગે ત્યારે તેને થોડું થોડું આપવું જોઈએ, જેથી એંઠુ ન છોડે. બાળકોને પોતાના ખોરાકની માત્રા અને સમય યાદ રહેતાં નથી. એટલે તેઓ વારંવાર ખાવાનું માગે છે. જે ખાવા બેસે એમની સાથે બેસી જાય છે અને જરૂર કરતાં વધારે ખાય છે. આનાથી એમનું પેટ બગડે છે. ભારે, ગળી અને મસાલેદાર વસ્તુઓ પણ તેમને અનુકૂળ નથી આવતી. એટલે સુપાચ્ય ભોજન ઉચિત માત્રામાં ઓછામાં ઓછા ત્રણ કલાકનો ગાળો રાખીને આપવું જોઈએ. દાંત આવ્યા પછી ભોજન ચાવીને ખાવાની ટેવ પાડવી જોઈએ. આ માટે એની પાસે બેસીને શિખવાડવું જોઈએ, નહીંતર એને ચાવ્યા વિના ગળી જવાની ટેવ પડી જશે. ફળ, શાક, ભાત, ખીચડી, દૂધ, થૂલી જેવી વસ્તુઓ આપવી યોગ્ય છે. મીઠાઈ અથવા તળેલી વસ્તુઓ ખાવાની ટેવ ન પાડવી જોઈએ. ભોજન કરતાં કરતાં વચમાં થોડુંક પાણી પીવાની ટેવ પણ પાડવી જોઈએ.
પ્રતિભાવો