તણાવમુક્ત સહજ શિક્ષણ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
તણાવમુક્ત સહજ શિક્ષણ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
બાળકોને આપણે રમવાનો સમય આપવો જોઈએ. રમકડાં એવાં ન હોય કે જે ગંદકી ફેલાવે, પરંતુ એવાં હોવાં જોઈએ કે જેનાથી તેઓ ચાલવાનું, બેસવાનું વગેરે શીખે અને તેમની રચનાત્મક બુદ્ધિનો પણ વિકાસ થાય. ફોટાવાળાં પુસ્તકો બાળકો વધારે સરળતાથી વાંચે છે. અક્ષરો પણ મોટા મોટા હોવા જોઈએ, જેથી એમની આંખો પર બિનજરૂરી ભાર ન પડે. સ્કૂલમાં ભણવાનો ક્રમ એવો હોવો જોઈએ કે જેમાં વચ્ચે વચ્ચે થોડો અવકાશ મળતો રહે. સતત ભણવાથી તેઓ કંટાળે છે. ભણાવતી વખતે એમને પ્રશ્ન પૂછવા અને એમને જવાબ આપવાનો સમય આપવો જોઈએ, જેથી તેઓ બાહ્ય જ્ઞાન પણ મેળવતાં રહે. સામાન્ય જ્ઞાનની જાણકારી મેળવવાથી બુદ્ધિનો વિકાસ પણ થાય અને સાથે મનોરંજન પણ મળે. સફાઈની સાથે શિષ્ટાચાર અને ભણવાની સાથે અનેક વિષયોના સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરાવવો જોઈએ. આના માટે પ્રશ્નોત્તર પદ્ધતિ જ યોગ્ય ઉપાય છે. જ્ઞાનવૃદ્ધિ અને મનોરંજનનું મિશ્રણ એદશ વર્ષ સુધીનાં બાળકોને ભણાવવાની યોગ્ય રીત છે. જે વાલીઓ પોતાનાં બાળકોને હોશિયાર બનાવવા માગે છે, જલદી ઊંચી તૈયારી કરાવવા માગે છે તેઓ સ્કૂલ, ટ્યુશન અને જાતે ભણાવવું એમ ત્રણગણું દબાણ કરે છે. એનું પરિણામ એ આવે છે કે બાળકનું વ્યક્તિત્વ કરમાવા લાગે છે અને જે સ્વાભાવિક માનસિક વિકાસ થવો જોઈએ તેમાં અડચણ આવે છે. આવાં બાળકોનું શારીરિક સ્વાથ્ય પણ બગડે છે અને માનસિક દૃષ્ટિએ પણ તેઓ ઢબૂ થઈ જાય છે. એટલે સ્કૂલમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ખેલકૂદનો પણ સમય મળે, આગળ વધવાની પ્રતિસ્પર્ધા જાગ્રત થાય તથા ઉત્સાહ વધે.
શારીરિક તાલીમના આજકાલ કેટલાય પ્રકાર હોય છે. એમાં લશ્કરી અનુશાસનનો સમાવેશ પણ હોય છે અને અંગકસરતનો પણ સુનિયોજિત ક્રમ હોય છે, જેથી કોઈ અંગ પર વધારે અથવા અથવા કોઈ અંગ પર ઓછું દબાણ ન આવે. તે વૈજ્ઞાનિક પણ છે. સ્કાઉટિંગ વગેરેમાં પણ આને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમાં આપણી ગ્રામીણ અને ક્ષેત્રીય રમતોનો પણ સમાવેશ કરી શકાય.
માનસિક શિક્ષણ માટે પુસ્તકિયું ભણતર અને શારીરિક બળ માટે ડ્રીલ તથા બીજી રમતોનો સમાવેશ કરવો જોઈએ, પરંતુ એમાં કોઈ એવી ન હોય કે જે કોઈ અવયવને મોટું નુકસાન પહોંચાડે. મલ્લવિદ્યા, પહેલવાની, દંડબેઠક જેવી મુશ્કેલ રમતોની સરખામણીમાં કવાયત પદ્ધતિ ઘણી સારી છે. સ્કાઉટીંગના શિક્ષણમાં આ પ્રકારના પાઠ્યક્રમનો સમાવેશ છે. આ બાબતમાં વધુ જાણકારી મેળવી શકાય છે અને એમાંથી જેટલો ભાગ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે શક્ય હોય તેટલો અપનાવવો જોઈએ.
દશવર્ષથી ઉપરનાં બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. એનાથી સ્વાથ્ય, ઉત્સાહ અને પ્રતિસ્પર્ધાનો ભાવ જાગે છે. પરંપરાગત રમતોમાં એમનો જ સમાવેશ કરવો જોઈએ કે જેમાં આંખ વગેરે કોમળ અંગોને નુકસાન થવાનો ભય ન હોય.
પ્રતિભાવો