સંવેદનશીલ અનુકરણીય ઉંમર, ‘બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
સંવેદનશીલ અનુકરણીય ઉંમર, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
બાળપણ એ શીખવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન અચેતન મન એટલું બધું સચેત હોય છે કે તે જે કાંઈ ગ્રહણ કરે છે તેને આજીવન સંઘરી રાખે છે. બાળકોની પ્રત્યક્ષ સમજ તો ઓછી હોય છે, પરંતુ તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ એટલી બધી હોય છે કે તેને આધારશિલા કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી.
દશ વર્ષ સુધી બાળપણ માનવામાં આવ્યું છે. એના પછીનાં બીજાં દશ વર્ષ સુધીનો બાળક અર્થાત્ વીસ વર્ષની ઉંમર સુધીના કિશોર કહેવાય છે. આ જ ઉંમરમાં વાલીઓની, શિક્ષકોની, સગાસંબંધીઓની, હિતેચ્છુઓની સૌથી વધારે જવાબદારી રહેલી છે. વીસ વર્ષે સામાન્ય રીતે માણસ સમજદાર થઈ જાય છે, પોતાનું સારું-નરસું સમજવા લાગે છે અને પોતાની બુદ્ધિના આધારે પોતાના સારા-નરસાનો નિર્ણય કરી શકે છે. આમ આ ઉમરે પણ શ્રેષ્ઠ સજ્જનોના સંગની આવશ્યકતા રહે છે.
દશ વર્ષ સુધી ગુણ, કર્મ તથા સ્વભાવનું નિર્માણ વાલી અને પરિવારના સભ્યો કરે છે. દશ વર્ષ સુધી બાળક સામાન્ય રીતે માતાપિતા અને વાલીઓ સાથે રહે છે. સ્કૂલમાં ભણવા જાય છે ત્યાં બધા અજાણ્યા હોય છે. મોટા ભાગનો સમય તે ઘર-પરિવારમાં વિતાવે છે. આ સમય દરમિયાન તે જે કાંઈ શીખે છે, સમજે છે તેમાં પરિવારના સભ્યો જ એના સાચા શિક્ષક હોય છે.આ ઉંમરે બાળકની તર્કબુદ્ધિ એટલી વિકસિત નથી હોતી કે તે કોઈ મુદ્દા પર ચર્ચા કરી શકે, પરંતુ તે જે કાંઈ જુએ છે એની નકલ કરવા લાગે છે. અચેતન મનમાં એ વાતાવરણનો સાર સ્વયં અંકિત થતો જાય છે. આ અનુકરણનો સમય છે. એટલે બાળકનો સ્વભાવ જેવો બનાવવો હોય તેવો સ્વભાવ માતાપિતાએ તથા પરિવારના સભ્યોએ પોતે પણ બનાવવો જોઈએ. મોટા ભાગે તે એમના ઉપર જ આધાર રાખતો હોય છે. શિક્ષકો સાથે આ ઉંમરે ઘનિષ્ઠતા સ્થપાતી નથી, એટલે એમનું કહેવું તે ડરના કારણે માને છે, પરંતુ પરિવારના સભ્યોને પોતાના સમજે છે અને તેમનું અનુકરણ આત્મીયતાના કારણે સહજ શ્રદ્ધાથી કરે છે.
પ્રતિભાવો