BD-1 : શ્રાદ્ધનું રહસ્ય – ૨ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
February 8, 2021 Leave a comment
શ્રાદ્ધનું રહસ્ય, કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે. શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે. સત્કાર્યો માટે, સજજનો તરફ આદર તથા કૃતજ્ઞતાની ભાવના રાખવી તેને શ્રાદ્ધ કહે છે. ઉપકારક અને સારી બાબતો પ્રત્યે આદર પ્રક્ટ કરવો, જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે. આવી શ્રદ્ધા હિન્દુ ધર્મની કરોડરજજુ છે. આ શ્રદ્ધાને જો દૂર કરવામાં આવે તો હિન્દુ ધર્મની મહત્તા નાશ પામશે અને તે સત્વહીન બની જશે. શ્રદ્ધા હિન્દુ ધર્મનું એક અંગ છે. માટે શ્રાદ્ધ એ એનું ધાર્મિક કાર્ય છે.
માતા, પિતા અને ગુરુના પ્રયત્નથી બાળકને વિકાસ થાય છે. આ ત્રણને ઉપકાર મનુષ્ય ઉપર સૌથી વધારે છે. આ ઉપકારના બદલામાં આ ત્રણ વ્યક્તિઓ પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખવાનો શાસ્ત્રકારોએ આદેશ આપ્યો છે. “માતા દેવ છે, પિતા દેવ છે, આચાર્ય દેવ છે.” આ પંક્તિઓમાં તેમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના ઉપર શ્રદ્ધા રાખવા માટે કહ્યું છે. સ્મૃતિકોએ માતાને બ્રહ્મા, પિતાને વિષ્ણુ અને આચાર્યને શિવ માન્યા છે. આ કૃતજ્ઞતાની ભાવના હંમેશાં રહે તેના માટે ગુરુજીને ચરણ સ્પર્શ, તેમને નિત્ય વંદન કરવાનો, રોજનાં ધર્મકાર્યોમાં સમાવેશ કર્યો છે. આ કૃતજ્ઞતાની ભાવના સદૈવ મનમાં રહે તે ખૂબ જ જરૂરી છે. ગુરુજનોને સ્વર્ગવાસ થાય ત્યારે પણ મનુષ્યની આ શ્રદ્ધા રહેવી જોઈએ. માટે જ મૃત્યુ પછી પણ પિતૃઓના મૃત્યુની પુણ્ય તિથિના દિવસે શ્રાદ્ધ કરવાની વિધિ શ્રુતિ-સ્મૃતિ ગ્રંથોમાં જણાવવામાં આવી છે. નિત્ય સંધ્યાની સાથે તર્પણ જોડાયેલું છે. પાણીની એક અંજલિ ભરીને આપણે સ્વર્ગીય પિતૃઓને સમર્પિત કરીએ છીએ. એમનાં નિત્ય ચરણસ્પર્શ કરવાની વિધિ આ રીતે પૂરી થાય છે. જીવિત અને મૃત પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવાનું આ ધર્મકાર્ય કોઈને કોઈ રૂપમાં મનુષ્ય પૂરું કરીને એક પ્રકારનો આત્મસંતોષ અનુભવે છે.
આવા વિશેષ પ્રસંગો ઉપર શ્રાદ્ધપર્વમાં આપણે આપણા પૂર્વજો માટે બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર, વાસણ, વગેરેનું દાન કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આ વસ્તુઓ આપણા પૂર્વજોને પ્રાપ્ત થાય. આ સંબંધમાં આજે એક તર્ક ઉપસ્થિત થયો છે કે દાન કરેલી વસ્તુઓ પિતૃઓને પહોંચતી નથી. સ્થળ અને ભૌતિક દ્રષ્ટિકોણથી વિચારતાં આ તર્ક યોગ્ય છે. જે વસ્તુ શ્રાદ્ધમાં દાન કરવામાં આવે છે તે તેની પાસે જ રહે છે કે, જેને તે આપવામાં આવે છે. ખવડાવેલું ભોજન નિમંત્રિત વ્યક્તિના પેટમાં જાય છે. તેમજ અન્ન, વસ્ત્ર વગેરે તેના ઘરમાં જાય છે. આ વાત એટલી સ્પષ્ટ છે કે, તેના માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તે પણ જાણે છે કે જે વસ્તુઓ દાનમાં આપી છે તે ક્યાંય નથી ગઈ, પણ જેને દાનમાં આપી છે તેના ઘરે ગઈ છે. આવી પ્રત્યક્ષ વાતમાં કોઈ તર્કની આવશ્યક્તા જ નથી.
હવે પ્રશ્ન દાનના ફળના સંબંધમાં છે. જો એમ કહેવામાં આવે કે, દાનના પુણ્યનું ફળ દાન આપનારને જ મળે છે. તો પણ આ દલીલથી શ્રાદ્ધ ઉપયોગી નથી, એવું સિદ્ધ ન થાય. લોભના કારણે દાન વગેરે સત્કર્મો કરવામાં મોટે ભાગે માણસને રુચિ થતી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આચાયોએ કેટલાંક પર્વો તથા ઉત્સવો, સ્થળ અને કાળ નિશ્ચિત કર્યો છે અને તે સમયે કે સ્થળે દાન કરવા માટે લોકોને વિશેષ પ્રેરણા આપી છે. આ વિશિષ્ટ પર્વ અને અવસરોના દિવસે કરવાના દાનના વિવિધ પ્રકારો અને તેમનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. વિવેક બુદ્ધિને અનુસરવા કરતાં રુઢિને અનુસરવાનું વલણ માણસમાં વધુ અંશે જોવા મળે છે. તબિયત સારી ન હોવા છતાં તહેવારના દિવસે રુઢિ-રિવાજને કારણે લોકો મિષ્ટાન બનાવે છે અને ખાય છે. તે જ રીતે નિયત અવસરે અથવા પ્રસંગે લોકોને ઈચ્છા ન હોવા છતાં દાન વગેરે સત્કર્મ કરવાં પડે છે. સત્કર્મ ચાહે સ્વેચ્છાએ કર્યું હોય કે, અનિચ્છાએ અથવા કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય તો પણ ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ હોય છે. શ્રાદ્ધ નિમિતે જે દાનધર્મ કરવામાં આવે છે. તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે પ્રાપ્ત ન થતું હોય તો પણ દાન કરનાર વ્યક્તિ માટે તે કલ્યાણકારક છે જ. સત્કર્મ કદાપિ નકામું જતું નથી. શ્રાદ્ધની ઉપયોગિતા એટલા માટે સ્વીકારવી જોઈએ કે શ્રાદ્ધના રિવાજના કારણે અનિચ્છાએ પણ લોકો ધર્મ કાર્ય કરવા વિવશ થાય છે.
શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધા જીવિત રહે છે. શ્રદ્ધાને પ્રક્ટ કરવા માટે જે પ્રદર્શન થાય છે, તેને શ્રાદ્ધ કહે છે. જીવિત પિતૃઓ અને ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા પ્રક્ટ કરવા માટે એમની અનેક પ્રકારે સેવાપૂજા કરી તેમને સંતુષ્ટ કરવા જોઇએ, પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા, પોતાની કૃતજ્ઞતા પ્રક્ટ કરવા કોઈ નિમિત્તનું નિર્માણ કરવું પડે છે. આ નિમિત્ત એ શ્રાદ્ધ છે. સ્વર્ગીય ગુરુજનોનાં કાર્યો-ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાથી છૂટી જવાતું નથી. આપણે અવતારો, દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો અને પૂજનીય પૂર્વજોની તિથિઓ ધામધૂમથી ઉજવીએ છીએ, એમના ગુણોનું વર્ણન કરીએ છીએ. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનાં ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવીએ છીએ. જો એમ કહેવામાં આવે કે, મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે, તો પછી તેમની તિથિ ઊજવવાનો શો અર્થ ? તો આ તર્ક ખોટો છે. મનુષ્ય માટીનું રમકડું નથી કે જે તૂટી જવાથી તેને કચરાના ઢગલામાં તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવે. તેમને યશરૂપી દેહ તો યુગો સુધી રહે છે અને તે એટલું જ કામ કરે છે, જેટલું જીવિત શરીર કરે છે. આજે મર્યાદા પુરુષોત્તમ રામ, યોગેશ્વર કૃષ્ણ, પ્રહલાદ, વીર હકીક્તરાય. બંદા વૈરાગી, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધ્રુવ. દાનવીર કર્ણ, શિવાજી, રાણાપ્રતાપ, તપસ્વી તિલક, શંકરાચાર્ય, ગૌતમ બુદ્ધ, મહાવીર, નાનક, કબીર વગેરે જીવિત નથી, પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે. જેટલું જીવિત શરીર કરતું હતું. કરોડો વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે.
મનુષ્ય ભાવનાપ્રધાન પ્રાણી છે. તે દરેક વસ્તુને વ્યાપારી દ્રષ્ટીકોણથી નથી જોતો. પરંતુ તે લગભગ બધાં જ કાર્યો પોતાની આંતરિક વૃત્તિઓને તૃપ્ત કરવા માટે કરે છે. વૃદ્ધ માણસોની સેવા, બાળકોના ભરણપોષણની તક્લીફ, પીડિતોની સહાયતા, પુણ્ય, પરોપકાર વગેરેમાં વ્યાપારી દ્રષ્ટિએ કોઈ ફાયદો નથી. જો કેવળ વ્યાપારી બુદ્ધિ જ મુખ્ય હોય તો માણસ પોતાનાં ઘરડાં મા-બાપને ખાવાનું શા માટે આપે ? બાળકોનું પાલન પોષણ કરવું, તેમને ભણાવવાં, લગ્ન કરવાં વગેરેની ઝંઝટમાં શા માટે પડે? દીન-દુ:ખીઓની સેવા કરવા સમય અને પૈસા શા માટે ખર્ચે ? જો આવું થાય તો આખી માનવજાતિ પિશાચોની સેના બની જાય, પરંતુ આપણું સૌભાગ્ય છે કે આવું નથી. મનુષ્ય ભાવનાશીલ પ્રાણી છે. તે પ્રત્યક્ષ લાભના બદલે હૃદયની ભાવનાઓ–લાગણીઓને પ્રધાનતા આપે છે. કૃતજ્ઞતા તેની શ્રેષ્ઠ વૃત્તિ છે. તે ભાવના તેમજ લાગણીઓને ફક્ત જીવિતો પ્રત્યે પ્રગટ કરવાથી સંતુષ્ટ નથી થતો. મૃતકોના ઉપકારા માટે શ્રાદ્ધ પણ કરવું પડે છે.
વિશ્વના બધા જ દેશોમાં, બધા ધર્મોમાં બધી જાતિઓમાં કોઈને કોઈ રૂપે મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. મૃતકોનાં સ્મારકો, કબરો, મકબરાઓ સંસારમાં જોવા મળે છે. પૂર્વજોના નામે નગર મહોલ્લા, સંસ્થાઓ, મકાન, કૂવા, તળાવો, મંદિર વગેરે બનાવી તેમના નામ અને યશને કાયમી સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમની સ્મૃતિમાં ઉત્સવો અને પુણ્યતિથિઓનું આયોજન કરવામાં આવે છે. આ અલગ અલગ પ્રકારનાં શ્રાદ્ધ છે “ શું ફાયદો ” વાળો તર્ક માત્ર હિન્દુ શ્રાદ્ધમાં જ નહી, પરંતુ સમસ્ત સંસારની માનવપ્રવૃત્તિને પણ લાગુ પડે છે. સાચી વાત એ છે કે પ્રેમ, ઉપકાર, આત્મીયતા અને મહાનતા માટે મનુષ્ય સ્વભાવથી જ કૃતજ્ઞ હોય છે અને જ્યાં સુધી એ કૃતજ્ઞતાને પ્રક્ટ કરવા પ્રતિ ઉપકાર ન કરે ત્યાં સુધી તેને બેચેની રહ્યા કરે છે. આવી બેચેનીને તે શ્રાદ્ધ દ્વારા દૂર કરે છે. તાજમહાલ શું છે ? એક પત્નીનું એક પતિ દ્વારા કરેલું શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધથી તે પતિને ફાયદો થયો તેની ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આનાથી પતિના અંતરાત્માને ખૂબ જ શાંતિ મળી હશે.
શાહજહાને તેના પુત્ર ઔરંગઝેબે જેલમાં પૂરીને તે પોતે બાદશાહ બની ગયો હતો. જેલમાં સડતાં સડતાં શાહજહાં જ્યારે મરવા પડ્યો. ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં. તેણે વિચાર્યું કે “ મારા ઇસ્લામ પરસ્ત પુત્ર કરતાં તો પેલા કાફર (હિન્દુ) સારા છે કે, જે પોતાના મરી પરવારેલા પિતૃઓને (શ્રાદ્ધ અને અંજલિ દ્વારા) તૃપ્ત કરે છે.” શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મીયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે. આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ-શાંતિ માટે અત્યંત આવશ્યક છે. આવી આવશ્યક વૃત્તિઓનું પોષણ કરનાર શ્રાદ્ધ જેવાં અનુષ્ઠાન પણ જરૂરી છે જ.
હિંદુ ધર્મનાં કર્મકાંડનો અડધાં કરતાં પણ વધુ ભાગ શ્રાદ્ધ વિધિથી ભરેલો છે. સૂર્ય, ચન્દ્ર ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી, અગ્નિ પાણી, કૂવો. તળાવ, નદી, ખેતર, સ્મશાન, ખળું ભોજન, ઘંટી, ચૂલો, તલવાર, કલમ, ઘરેણાં, રૂપિયા, ઘડાં, પુસ્તક વગેરે નિર્જીવ પદાર્થોની લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ખાસ પ્રસંગે પૂજા થાય છે. તુલસી, પીપળો, વડ, આંબલી વગેરે વૃક્ષ તથા ગાય, બળદ, ઘોડા, હાથી, પશુઓ પણ પૂજાય છે. આવી પૂજાથી તે જડ પદાર્થો અને પશુઓને કોઈ લાભ થતો નથી, પરંતુ પૂજા કરનારના “મનમાં શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ જરૂર પેદા થાય છે. જે જડ-ચેતન પદાર્થોથી આપણને લાભ થાય છે, તેમના પ્રત્યે આપણા મનમાં ઉપકૃત ભાવ હોવો જોઈએ અને તે કોઈને કોઈ રૂપમાં પ્રક્ટ થતો હોવો જોઈએ. આ એક પ્રકારનું શ્રાદ્ધ જ છે. મૃતકો જ નહીં, પરંતુ જીવિત, પરિચિતોનું પણ આપણે શ્રાદ્ધ કરીએ છીએ. આવા શ્રાદ્ધનો આપણાં શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે.
મૃત વ્યક્તિને શ્રાદ્ધ દ્વારા કંઈ લાભ થાય છે કે નહીં ? આ પ્રશ્નના જવાબમાં કહી શકાય કે હા, તેમને લાભ થાય છે. સંસાર એક સમુદ્ર જેવો છે. તેમાં પાણીના બિંદુની માફક દરેક જીવ હોય છે. વિશ્વ એક શીલા છે, તો માણસ તેને એક પરમાણુ છે. દરેક આત્મા જે આ સૃષ્ટિ ઉપર જીવિત કે મૃત સ્વરૂપે આ વિશ્વમાં હાજર છે તે અન્ય દરેક આત્મા સાથે સંબંધિત છે. દુનિયામાં ક્યાંય પણ જો યુદ્ધ, અનાચાર, અત્યાચાર, થાય છે તો દૂર બીજા દશમાં રહેલા લોકોના મનમાં પણ ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. જ્યારે ઉનાળો આવે છે, ત્યારે દરેક વસ્તુનું ઉષ્ણતામાન વધી જાય છે. નાનો યજ્ઞ કરવામાં આવે તો પણ તેની દિવ્ય સુગંધ તથા દિવ્ય ભાવના આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. આ જ પ્રમાણે કૃતજ્ઞતાની ભાવના પ્રકટ કરવા માટે કરેલું શ્રાદ્ધ બધાં જ પ્રાણીઓમાં શાંતિ અને સદ્દભાવ પેદા કરે છે. આ સૂક્ષ્મ ભાવની લહેરો પુષ્પની સુગંધની જેમ તૃપ્તિકારક, આનંદદાયક અને ઉલ્લાસવર્ધક હોય છે. સદ્ભાવનાની સુગંધ જીવિત અને મૃત દરેક આત્માને તૃપ્ત કરે છે. આ બધામાં આપણા સ્વર્ગીય પિતૃઓ પણ આવે છે. એમને પણ આ શ્રાદ્ધ યજ્ઞની દિવ્ય લહેરો-આત્મિક શાંતિ અર્પણ કરે છે.
મૃત્યુ પામ્યા પછી જીવ નાશ પામતો નથી. તેનો અંશ કોઈને કોઈ રૂપમાં આ સંસારમાં રહે જ છે. સ્વર્ગ, નરક, ગર્ભ સદેહ-વિદેહે વગેરે કોઈને કોઈ અવસ્થામાં તે આ સંસારમાં રહે છે. એના પ્રત્યે બીજાઓની સદભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે. સ્થૂળ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ મુક્લીથી પહોચે છે. જ્યારે સૂક્ષ્મ તત્વોને આ મુશ્કેલી પડતી નથી. તેઓ ખૂબ સહેલાઈથી અહીયાથી ત્યાં પહોંચી શકે છે. હવા, ગરમી, પ્રકાશ, શબ્દ વગેરેને ગમે તેટલો મોટો રસ્તો કાપવામાં પણ મુશ્કેલી નથી પડતી. જયારે વિચાર અને ભાવ તો એનાથી પણ સૂક્ષ્મ છે. જે વ્યક્તિ માટે વિચાર કરવામાં આવે છે ત્યાં તે તરત જ પહોંચી જાય છે. દુખી વ્યક્તિના આત્માને જે દુખ પહોંચે છે તેનો શાપ શબ્દભેદી તીર કે એટમ બોમ્બની જેમ નિશ્ચિત સ્થાને જઈને પડે છે. સેવાથી સંતુષ્ટ ઉપકાર કરાયેલ, અહેસાનમંદ કષ્ટમાંથી બચાવેલી વ્યક્તિના વરદાન, આશીર્વાદ વગેરે પણ એ જ રીતે ઉપકાર કરનાર વ્યક્તિ પાસે પહોંચે છે. કોઈ વ્યક્તિ જીવિત હોય કે મૃત્યુ પામેલી એ જ્યાં રહે છે. ત્યાં લોકોનાં શાપ, વરદાન પહોંચે છે. તેને ખબર હોય કે ન હોય, તો પણ શાપ કે વરદાન તેના માટે સુખ કે દુઃખદાયક પરિણામો પેદા કરે છે. આ જ પ્રમાણે કૃતજ્ઞતા અને શ્રદ્ધાની ભાવના પણ તે વ્યક્તિ પાસે પહોચી જાય છે કે જેના માટે તે મોક્લવામાં આવી હોય. પછી તે વ્યક્તિ ભલેને ગમે તે યોનિ કે અવસ્થામાં હોય. શ્રાદ્ધ કરનારનો પ્રેમ, આત્મીયતા અને કૃતજ્ઞતા, પુણ્યયુક્ત સદ્દભાવના તેના પિતાના આત્મા પાસે પહોંચી જાય છે અને તેને આકસ્મિક અનાયાસ, અધિક સુખ, શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા અને બળ આપે છે. ઘણી વાર કોઈ વ્યક્તિને અચાનક અકારણ આનંદ અને સંતોષનો અનુભવ થાય છે. ત્યારે સંભવ છે કે તેના પૂર્વજન્મના સંબંધીએ કરેલાં એ પરિણામ હોય.
શ્રદ્ધા-કૃતજ્ઞતા આપણા ધાર્મિક જીવનની કરોડરજજુ છે. જો આ શ્રદ્ધા નીકળી જાય તે બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ. નીરસ અને પ્રયોજન વગરની બની જાય. જે શ્રદ્ધા ન હોય તો યજ્ઞ કરવો અને ભઠ્ઠી સળગાવવી બંને એક જ છે. દેવોની મૂર્તિઓ અને બાળકેનાં રમકડાંઓમાં, શાસ્ત્રો સાંભળવામાં અને વાર્તા કહેવામાં પ્રવચનો કરવામાં અને ટેપરેકોર્ડર સાંભળવામાં કોઈ ફરક ન રહે. અશ્રદ્ધા એક દાવાનળ છે. અશ્રદ્ધાથી ઇશ્વર, પરલોક કર્મફળ, ધર્મ સદાચાર, દાન, પુણ્ય પરોપકાર, પ્રેમ અને સેવામાંથી વિશ્વાસ ઊઠી જાય છે અને અંતમાં અશ્રદ્ધાળુ વ્યક્તિ ખુદ પોતાની ઉપર પણ અવિશ્વાસ રાખે છે. ભૌતિક્વાદી નાસ્તિક દૃષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દૈષ્ટિકોણમાં મુખ્ય તફાવત આ જ છે. ભૌતિકવાદી નીરસ, શુષ્ક, ક્ઠોર દષ્ટિકોણવાળો માણસ સ્થળ બુદ્ધિથી વિચારે છે. તે કહે છે કે, પિતા મૃત્યુ પામ્યા હવે મારે અને એમને શું સંબંધ ? જ્યાં હશે ત્યાં પોતાનાં કર્યા ભોગવતા હશે. એમના માટે હું શું કામ દુ:ખી થાઉ ? આનાથી બિલક્લ ઊલટું ધાર્મિક દૃષ્ટિવાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે. તે ઉપકારમયી, સ્નેહમયી, દેવોપમ સ્વર્ગીય મૂર્તિના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતાં એનું હૃદય ભરાઈ જાય છે. એનું હૃદય પોકારે છે “હે સ્વર્ગીય પિતૃઓ, તમે સશરીર અહીયાં નથી, પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો છે જ. તમારા ઋણથી દબાયેલો હું બાળક તમારાં ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરું છું” આ ભાવનાથી પ્રેરિત તે બાળક પાણીની એક અંજલિ ભરીને તર્પણ કરે છે.
તર્પણ કરેલું તે પાણી પિતા પાસે ન પહોંચ્યું પરંતુ ત્યાં જ ક્યાંય પૃથ્વી ઉપર પડીને સુકાઈ ગયું. આ એક સત્ય છે. યજ્ઞમાં આપેલી આહુતિની સામગ્રી ત્યાં જ બળીને ભસ્મ થઈ ગઈ. આ પણ એક સત્ય છે, પરંતુ “આ યજ્ઞ કે તર્પણથી કોઈને કંઈ લાભ ન થયો તે અસત્ય છે. ધાર્મિક કર્મકાંડ સ્થૂળ રીતે તો કાંઈ ખૂબ મહત્વ ધરાવતાં નથી પરંતુ તે બધાની પાછળ જે ભાવનાઓ રહેલી છે તે જ મહત્ત્વની છે. મનુષ્ય ભાવનાશીલ પ્રાણી છે. દૂષિત, તમોગુણી, રાક્ષસ અને શેતાન બની શકે છે અને ઊંચી, સાત્વિક, પવિત્ર, ધર્મયુક્ત ભાવનાઓ ધારણ કરવાથી તે મહાપુરુષ, ઋષિ દેવતા બની જાય છે. આ ભાવનાઓ જ માણસને સુખી, સમૃદ્ધ સ્વસ્થ, સંપન્ન, વૈભવશાળી, યશસ્વી, પરાક્રમી અને મહાન બનાવે છે અને આ ભાવનાઓને કારણે તે દુ:ખી, રોગી, દીન, તિરસ્કૃત અને તુચ્છ બની જાય છે. શારીરિક દ્રષ્ટિએ તો બધા જ લગભગ એકસરખા છે, પણ તેમની વચ્ચે જે જમીન-આસમાનનો ફરક છે તે ભાવનાઓને છે. ધાર્મિક દૈષ્ટિકોણ, સદ્ભાવના, સાત્વિક્તા અને પારમાર્થિક વૃત્તિઓને ઊંચે લાવે છે. ધાર્મિક કર્મકાંડોનું આયોજન આ આધાર ઉપર જ થયું છે. ધર્મ હૃદયનું જ્ઞાન છે. અંતરાત્મામાં રહેલ સદ્ગુણોમાં તરલતા ઉત્પન્ન કરવી એ ધર્મ અને ધાર્મિક કર્મકાંડનું મુખ્ય પ્રયોજન છે. બધા જ કર્મકાંડોની રચનાનો આધાર આ જ છે. સ્થૂળ વ્યાપારિક બુદ્ધિ દ્વારા ધાર્મિક કાર્યો અને ભાવનાઓની ઉપયોગિતા કોઈની સમજમાં આવે કે ન આવે આ દષ્ટિએ તો તેનું અસાધારણ મહત્વ તો છે જ. આ કર્મકાંડ પાછળ થોડેક સમય અને ધન અવશ્ય ખર્ચાય છે, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તે પરમ તત્વ પ્રાપ્ત થાય છે જે મનુષ્યના પ્રેરણા કેન્દ્રનું નિર્માણ કરે છે. તેના બાહ્ય અને આાંતર જગતને સુખ-શાંતિથી પૂર્ણ કરે છે.
બ્રાહ્મણત્વ વગરના, વિદ્યા, વિવેક, આચરણ, ત્યાગ અને તપસ્યા વિનાના માણસો શૂદ્રો જેવા છે, પરંતુ વંશપરંપરાને કારણે તે બ્રાહ્મણ કહેવાય છે. તેમને શ્રાદ્ધ કે બીજું કોઈ પણ દાન સ્વીકારવાનો કોઈ અધિકાર નથી. શ્રાદ્ધ નિમિત્તે કરેલું દાન કે ભોજન સાચા બ્રાહ્મણોને આપવું જોઈએ. જે ખરેખર તેના અધિકારી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મણો અગ્નિમુખ છે. તેમને આપેલું અન્ન દેવતાઓ અને પિતૃઓને પ્રાપ્ત થાય છે. એનાથી વિશ્વનું કલ્યાણ થાય છે, પરંતુ તે સાચા બ્રાહ્મણ હોવા જોઈએ. અગ્નિમુખ. એટલે શું? ત્યાગ, તપસ્યા, વિદ્યા અને વિવેકના યજ્ઞનો અગ્નિ જેના અંત:કરણમાં પ્રજવલિત છે તે હવન સામગ્રી જો અગ્નિના બદલે કીચડમાં નાંખવામાં આવે તો તેનાથી શું જ પુણ્ય મળતું નથી. તેવી જ રીતે અગ્નિમુખ બ્રાહ્મણો સિવાય બીજા કોઈને આપેલું દાન નિરર્થક બને છે. શાસ્ત્રમાં એવું વિધાન છે કે જો કુપાત્રને દાન આપવામાં આવે તો તે દાન આપનાર પણ નરકમાં જાય છે.
શ્રાદ્ધ જીવિત અને મૃત બન્નેનું કરવું જોઇએ. જે લોકોએ કોઈ સારું કાર્ય ક્યું હોય તેને વારંવાર પ્રક્ટ કરવું જોઈએ, કારણ કે આનાથી ઉપકાર કરનારાઓને સંતોષ અને પ્રોત્સાહન મળે છે. તેઓ અન્યને અધિક પ્રેમ કરે છે અને ઘનિષ્ટ બને છે. સાથે સાથે કોઈને અહેસાન સ્વીકારવાથી તેનામાં નમ્રતા અને મધુરતા વધે છે. ઉપકારનો બદલો ચૂક્વવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. જેથી આપણી ઉપર રહેલો ઋણનો બોજો હલકો બને. જે ઉપકારી, પૂજનીય આત્માઓ સ્વર્ગે સિધાવ્યા છે એમના પ્રત્યે આપણે મનમાં કૃતજ્ઞતા રાખવી જોઈએ અને સમય આવ્યે કૃતજ્ઞતા પ્રક્ટ કરવી જોઈએ. પાણીની એક અંજલિ દીપક કે પુષ્પ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય. શ્રાદ્ધમાં ભાવના મહત્ત્વની છે. શ્રદ્ધા અને ભાવનાનો આપણે ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. જો શ્રદ્ધાની પરંપરા નાશ પામશે તો પિતાને કેદ કરનાર ઔરંગઝેબ જ ચારે બાજુ દેખાવા લાગશે.
પ્રતિભાવો