BD-1 : તીર્થોની ઉપયોગિતા – ૩ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
February 8, 2021 Leave a comment
તીર્થોની ઉપયોગિતા, કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
તીર્થસ્થળોના મહાત્મ્યનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. ચાર-ધામ, સાત પુરી, બાર જ્યોતિર્લિગ અને અનેક નદીઓ, સરોવરો વન, ઉપવનને તીર્થોની શ્રેણીમાં ગણવામાં આવે છે. એમનાં દર્શન, નિવાસ, સ્નાન, ભજન, પૂજન, અર્ચન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવી દૃઢ માન્યતા હિદુઓમાં છે. આ તીર્થોમાં લાખો-કરોડો લોકો ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને જાય છે. વિશેષ તહેવારો ઉપર તો ખૂબ જ ભીડ થાય છે. કરોડો રૂપિયાની આવા પ્રસંગે હેરફેર થાય છે. આધુનિક યુગ બુદ્ધિવાદી યુગ કહેવાય છે. આ યુગમાં દરેક બાબતને બુદ્ધિવાદના ત્રાજવામાં તોલવામાં આવે છે.
જ્યારે દરેક વિષયોમાં સંશોધનો થાય છે, ત્યારે ધાર્મિક પ્રથાઓના સંબંધમાં વિચાર કરવો જોઈએ. તીર્થોના વિષયમાં પણ નવી પેઢીની બુદ્ધિવાદી જનતા વિચારે કરે છે, પરંતુ એ નવવિકસિત બાળક બુદ્ધિ તેની વાસ્તવિક્તા અને ઉપયોગિતાને બરાબર સમજી શકતી નથી, તેથી તર્ક કરવા લાગે છે. તીર્થોની મુલાકાતને અનુપયોગી, હાનિકારક અને બિનજરૂરી પણ માનવામાં આવે છે. આવો આ પ્રશ્ન ઉપર એક વિવેચનાત્મક દ્રષ્ટી નાંખીએ.
તીર્થોની સ્થાપના દ્વારા આપણા પૂર્વજોએ તેમની તત્વદર્શી બુદ્ધિનો પરિચય કરાવ્યો છે. જે જગાએ તીર્થ સ્થળો બનાવ્યાં છે તે પાણી તેમજ વાયુની દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. જે નદીઓનું પાણી વિશેષ શુદ્ધ, ઉપયોગી, હલકું અને સ્વાસ્થ્ય પ્રદ લાગ્યું છે, ત્યાં તીર્થની સ્થાપના કરી છે. ગંગા નદીના તટ ઉપર સૌથી વધારે તીર્થો છે, કારણ કે ગંગાનું પાણી સંસારની બધી જ નદીઓનાં પાણી કરતાં વધારે ઉપયોગી છે. આ પાણીમાંથી સુવર્ણ, પારો, ગંધક અને અબરખ જેવા ઉપયોગી ખનિજ પદાર્થો મળે છે. તેમના સંમિશ્રણથી ગંગાજળ એક દવા જેવું બની જાય છે. જેનાથી પેટના રોગ, ચામડીના રોગ તથા લોહીવિકાર આશ્ચર્યજનક રીતે દૂર થાય છે. કુષ્ઠ રોગ દૂર કરવાની ક્ષમતા પણ ગંગાજળમાં છે. આ જ પ્રમાણે અન્ય નદીઓનાં પાણીમાં પોતપોતાના ગુણ છે. આ ગુણોની ઉપયોગિતાનું તીર્થસ્થળોના નિર્માણમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આજકાલ હવાફેર માટે લોકો પહાડ ઉપર જાય છે. રોગી અને દુર્બળ લોકોને ડોકટર હવાફેર માટે કોઈ સ્વાસ્થ્ય પ્રદ જગ્યાએ જવાનું કહે છે. આ જ દષ્ટિકોણ તીર્થો માટે પણ છે. ભૂમિ વનસ્પતિ, ઋતું વગેરેના આધારે જયાંની હવા સ્વાસ્થ્ય પ્રદ લાગી છે ત્યાં તીર્થો બનાવ્યાં છે. આ જગ્યાએ થોડોક સમય રહીને ત્યાંની હવાનું થોડોક સમય સેવન કરવાથી તીર્થ યાત્રીઓના સ્વાસ્થ્ય ઉપર સારો પ્રભાવ પડે છે. તેથી આ કારણોસર આચાર્યોએ પ્રોત્સાહિત થઈને ત્યાં આગળ તીર્થોનું નિર્માણ કર્યું છે.
તીર્થયાત્રામાં પગપાળા પ્રવાસ કરવાનું વધારે મહત્વ બતાવ્યું છે. ચાલવાથી શરીર સુગઠિત બને છે તથા નાડીઓ અને માંસપેશીઓ બળવાન બને છે. આયુર્વેદમાં મધુપ્રમેહ (ડાયાબીટીસ)માં સો યોજન અર્થાત ચારસો કોસ પગપાળા ચાલવાનો આદેશ આપ્યો છે. વધારે ચાલવાથી સાથળોની નાડીઓ અને માંસપેશીઓને સારો વ્યાયમ મળે છે અને તે પરિપુષ્ટ બને છે. ઢીલી નસો-નાડીઓની સંકુચન શક્તિ શિથિલ થઈ જવાથી વીર્ય જલદીથી સ્ત્રવિત થઈ જાય છે અને તેના કારણે સ્વપ્નદોષ, પ્રમેહ, પેશાબમાં ચીકણો પદાર્થ જવો, વીર્યનું શીધ્રપતન થવું વધારે વખત પેશાબ થવો જેવા રોગો થાય છે. આ રોગોથી મુક્તિ મેળવવા માટે કમર તથા સાથળની માંસપેશીઓ અને નાડીઓને મજબૂત કરવી પડે છે. આયુર્વેદની દૈષ્ટિએ આનો સારામાં સારો ઉપચાર નિયમિત પગપાળા ચાલવું તે છે. જેનાથી કમર, પેટ અને સાથળ મજબૂત થાય છે. તીર્થયાત્રાઓ આ ઉદેશ્યને સારી રીતે પૂરો કરે છે. પગપાળા ચાલવાથી શરીર એટલું સ્વસ્થ રહે છે કે ક્યારેય પ્રમેહ કે મૂત્રરોગની તક્લીફ થતી નથી અને એ રોગમાંથી વગર પૈસા ખર્ચ્યે અને કોઈપણ જાતની દવા લીધા વગર હંમેશને માટે મુક્તિ મળે છે.
જે લોકો લાંબી યાત્રા નથી કરી શક્તા અને દૂરનાં સ્થળોએ નથી જઈ શક્તા તેમના માટે કોઈ એક તીર્થની પરિક્રમા કરવાનું કહ્યું છે. પેટના સહારે દંડવત કરીને કોઈ એક તીર્થની પરિક્રમા કરવાથી આંતરડાના રોગ મટી શકે છે. બરોળ અને હૃદય પણ ચાલવાથી મજબૂત બને છે અને તેનાથી ઘણા બધા વિકારો પણ દૂર થાય છે. ઘણી જગ્યાએ પર્વતો ઉપર ખૂબ ઊંચે તીર્થો બનાવ્યાં છે. ઊંચે સુધી ચઢવાથી હાડકાંના સાંધા મજબૂત બને છે તથા સંધિવા થવાનો ભય રહેતો નથી. ફેફસાંને મજબૂત બનાવવા ઉપર-નીચે ચઢવું-ઊતરવું ખૂબ જ ઉપયોગી છે. પહાડી પ્રદેશોમાં રહેનાર માણસો જેઓ રોજ ઊંચે સુધી ચઢે ઊતરે છે. તેઓ પહોળી છાતીવાળા હોય છે અને તેમને ક્યારેય દમ જેવા ફેફસાના રોગો થતા નથી. ખભા ઉપર કાવડ મૂકીને શિવરાત્રીના તહેવારે યાત્રા કરવામાં આવે છે. આનાથી ખભાની નસો ઉપર દબાણ આવે છે. આ નસોનો મૂલાધાર ચક્રની ગુદાનાડીઓ સાથે સંબંધ છે. તેથી ગુદાસ્થાન ઉપર તેનો પ્રભાવ હોય છે અને તેથી જ હરસ (મસા) જેવા રોગો થવાની કોઈ જ સંભાવના રહેતી નથી.
સ્વાસ્થ્ય લાભના આપેલ દ્રષ્ટીકોણથી તીર્થયાત્રા મહત્વપૂર્ણ છે. આ સિવાય દેશાટનથી જ્ઞાન વૃદ્ધિનો જે લાભ થાય છે તે પણ કંઈ ઓછો ઉપયોગી નથી. જીવનના સર્વાગી વિકાસ માટે મનુષ્યજાતિના સ્વભાવ, આચાર, વિચાર, વ્યવહાર, રહેણીકરણી, રિવાજ, વિશ્વાસ, કાર્યક્રમ, પરંપરાઓ અર્થ નીતિ વગેરેનું અધ્યયન કરવાની ખૂબ જ જરૂર છે. દેશાટન કરવાથી મૂર્ખ માણસો પણ થોડા ઘણા બુદ્ધિશાળી બને છે તેમજ ઘરની બહાર પગ ન મૂકનારા દેડકાવૃત્તિવાળા માણસો ખૂબ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા છતાં અડધા મૂર્ખ હોય છે. દેશાટન માત્ર મનોરંજન નથી, પણ એક જાતનું શિક્ષણ છે. જેટલું જ્ઞાન માણસ બે વર્ષ દેશાટન કરવાથી મેળવે છે તેટલું બે વર્ષમાં પુસ્તકો વાંચીને નથી મેળવી શક્તો. ઉચ્ચ કક્ષાના વિદ્વાન માણસો દર વર્ષે પોતાનું આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક જ્ઞાન વધારવા માટે સમય કાઢીને પણ દેશાટન માટે નીકળે છે. બેવકૂફ઼ લોકો વિચારે છે કે આ રીતે રખડવામાં સમય વાપરવો વ્યર્થ છે, પરંતુ સાચી વાત તો એ છે કે જો માણસ દસ ક્લાક પરિશ્રમ કરે તેના કરતાં એટલો સમય જો તે ફરવા નીકળે તો ઘણું બધું જ્ઞાન મેળવી શકે છે. દેશાટનથી અનેક સ્થળો જોવાનો, વિભિન્ન પ્રકારના મનુષ્યોને મળવાનો અને વિવિધ પ્રકારના સ્થળોની વિશેષતાઓને જાણવાનો અવસર મળે છે. રસ્તામાં અનેક પ્રકારની મુકેલીઓ ઉપરાંત દુષ્ટ ચોર, ઠગ, ધૂર્ત લોકોનો સામનો કરવો પડે છે. આ સંધર્ષમાં માણસની ચેતના, જાગરૂકતા, સતર્કતા અને વિવેચન શક્તિ વધે છે. યાત્રાના અનુભવો માણસનું બૌદ્ધિક સ્વાસ્થ્ય પણ વધારે છે અને તે શારીરિક સ્વાસ્થ્ય ટલું જ જરૂરી છે.
દેશના જુદાં જુદાં સ્થળોએ લોકો જ્યારે એક જ સમયે અને સ્થળે એક્ઠા થાય છે તે પ્રસંગ એ સુવર્ણ પ્રસંગ હોય છે. વેપારીઓ પોતાની વસ્તુઓ લોકોને વેચે છે. ગ્રાહકો પણ વેપારીઓ પાસેથી નવી નવી વસ્તુઓ ખરીદે છે અને જે વસ્તુઓ ખરેખર દુર્લભ હોય તે પણ ખરીદી લે છે. આનાથી દેશની વ્યાપારિક, ઔધોગિક અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. એકઠા થયેલા લોકો એક જ જગ્યાએથી વિવિધ પ્રદેશોમાંથી આવેલા લોકો પાસેથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એકબીજાનો પરિચય મેળવી શકે છે. જેમાં પ્રચારક આવાં તીર્થસ્થાનોમાં એક જગ્યાએ બેસીને પણ પોતાના વિચારોને અનેક વ્યક્તિઓ સુધી પહોંચાડી શકે છે. જનસંપર્કના આ સુંદર પ્રસંગથી આગંતુકને લાભ મળે તે હેતુથી તીર્થસ્થળોમાં આવાં આયોજનો થતાં હતાં. ક્લા, પ્રદર્શન, વકતવ્ય કીર્તન, પ્રવચન, સત્સંગ, સભા, સંમેલન, અભિનય, વગેરે દ્વારા આગંતુકોને ઉપયોગી જ્ઞાન મેળવવાની અહીયાં ખૂબ જ સગવડ રહે છે.
તીર્થસ્થળે પુરોહિત-બ્રાહ્મણો, તપસ્વી, વિદ્વાન, બુદ્ધિશાળી, માર્ગદર્શક, ઋષિકલ્પ તથા નિ:સ્પૃહ બ્રહ્મવેત્તાઓના આશ્રમમાં જઈને યાત્રીઓ રહેતા હતા. સ્થાવર અને જંગમ બંને પ્રકારનાં તીર્થસ્થળોમાં સ્નાન કરીને લોકો તન અને મનથી સ્વસ્થ પુષ્ટ ચૈતન્યશીલ અને પ્રફુલ્લિત બની જતા. પૃથ્વી ઉપર મંદિર, સરોવરો, વગેરેના સ્વરૂપમાં જે છે તેને સ્થાવર તીર્થ કહે છે અને ઋષિ, તપસ્વી તથા પરોપકારી ઉચ્ચ આત્માઓને જંગમ તીર્થ છે. શાસ્ત્રકારોએ સ્થાવર કરતાં જંગમ તીર્થોનું મહત્વ વધારે બતાવ્યું છે. તીર્થયાત્રામાં બને તીર્થોને સમાવેશ થાય છે તેથી શારીરિક અને બૌદ્ધિક બને દૃષ્ટિએ ત્યાં જનારા લોકોને ફાયદો થતો હતો.
જીવનની વ્યાવહારિક મુશ્કેલીઓને દૂર કરવામાં તીર્થના પુરોહિતો સારું માર્ગદર્શન આપતા હતા. તેમને વિવિધ સ્થળોની ઘણી બધી જાણકારી રહેતી હતી. પરિણામ-સ્વરૂપે છોકરા-છોકરીનાં લગ્ન, પાક, વ્યાપારિક સ્થિતિ, આજીવિકા, શિક્ષણ, ચિકિત્સા, વગેરે અનેક વિષયોની માહિતી આવાં તીર્થ સ્થળોએથી મળતી હતી અને આ માહિતીથી એટલા બધા લાભ થતા હતા કે જે યાત્રા દરમિયાન ખર્ચાયેલ સમય અને પૈસા કરતાં અનેકગણા મૂલ્યવાન કહી શકાય. યાત્રીઓને એટલા બધા ફાયદા થતા હતા કે વ્યાપારી અને, સાંસારિક દૈષ્ટિએ પણ યાત્રીને જ ફાયદો થતો હતો.
તીર્થસ્થળોનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું બધું છે. તે જગ્યા સાથે આપણા પૂર્વજો, મહાપુરુષોનાં પવિત્ર ચરિત્રોનો સીધો સંબંધ છે. તે સ્થાન એ મહાપુરુષોના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓની યાદ અપાવે છે. તેનાથી દર્શકોને પ્રેરણા, પ્રોત્સાહન, જીવનબળ, સાહસ અને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. ઈતિહાસ પોતે જીવનને નિર્માતા છે. ભૂતકાળના અનુભવો સાથે ભવિષ્યના નિર્માણને અત્યંત ઘનિષ્ટ સંબંધ છે. પુસ્તકોમાંથી વાંચેલા ઈતિહાસની અપેક્ષાએ જે તે સ્થળો સાથે સંબંધિત સ્મૃતિ ચિહનોના આધારે મળેલી માહિતી વધારે પ્રેરણાદાયક હોય છે તેમજ હદયને આનંદ આપનારી હોય છે.
તીર્થોની સ્થાપના એ પ્રમાણે કરવામાં આવી છે કે જેથી દેશના મહત્વપૂર્ણ ભાગોની યાત્રા ચાલુ જ રહે. ચારધામ (બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા) દેશના ચાર ખૂણાઓમાં આવેલાં છે. આ ચારધામની યાત્રા કરનાને આખા દેશની પરિક્રમા કરવી પડે અને ભારતની તમામ સંસ્કૃતિઓ, નીતિઓ, ભાષાઓ તથા ભાવનાઓના સંપર્કમાં આવવું પડે છે. જયોતિર્લિંગ, પુરીઓ, પવિત્ર નદીઓ તથા ક્ષેત્રોની યાત્રાનો ક્રમ પણ એવો જ છે કે તેમની યાત્રા કરતાં માર્ગમાં અનેક સામાજિક, રાજનૈતિક, આર્થિક અને બૌદ્ધિક ઉન્નતિ માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે.
માનવીય વિધુત વિજ્ઞાનની દષ્ટિએ એ પણ સિદ્ધ થયું છે કે જે સ્થળોએ વિશિષ્ટ આત્મબળવાળા મહાપુરુષોએ નિવાસ કર્યો છે ત્યાંનું વાતાવરણ એમની આત્મ વિદ્યુત શક્તિથી ભરેલું છે. જ્યાં કોઈ અહિસાની સાધના કરનાર તેજસ્વી મહાત્માએ નિવાસ ર્યો છે ત્યાનું વાતાવરણ એટલું બધું શાંતિદાયક હોય છે કે ગાય અને સિહ નિર્ભય બનીને જોડે જોડે બેસે છે. તેઓ પોતાનું આપસનું વેર ભૂલી જાય છે. આ જ પ્રમાણે જ્યાં કોઈ અવતારી પુરુષો અને અલૌકિક આત્માઓએ નિવાસ કર્યો હોય ત્યાંનું વાતાવરણ એમના દિવ્ય તેજથી પરિપૂર્ણ હોય છે અને તે ઘણા લાંબા સમય સુધી રહે છે. તપસ્વીઓ પોતાની તપશ્ચયાં માટે એટલા માટે જ આવાં સ્થળોની પસંદગી કરે છે કે પહેલેથી જ તેમાં આત્મતેજ રહેલું હોય છે, કારણ કે આનાથી તેમને બળ પ્રાપ્ત થાય છે અને સાધનાના માર્ગમાં આવતાં વિઘ્નો પોતાની મેળે જ દૂર થઈ જાય છે. આ પરંપરા અનુસાર એવા સ્થાનો ઉપર એક પછી એક એમ અનેક મહાત્માઓનું આત્મતેજ રહેલું હોય છે. ત્યાંની ભૂમિ વાયુ પાણી તથા આકાશની અંદર તે દિવ્ય તેજ રહેલું હોય છે. યુગ-યુગાન્તરોથી અસંખ્ય મહાત્માઓ અને અવતારી પુરુષોનું સુદઢ આત્મતેજ જે સ્થાનમાં સ્થિર થયેલું છે, ત્યાં તત્વદર્શી મનીષીઓ દ્વારા તીર્થોની સ્થાપના થાય છે. ખરેખર તે સ્થાને ‘સિદ્ધપીઠ’ છે. ત્યાંના વાતાવરણમાં સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે તત્વોના પ્રભાવથી આધ્યાત્મિક માર્ગના પથિકોને અભૂતપૂર્વ સફળતા મળે છે. જેમ વૃક્ષના છાંયડામાં બેસવાથી બધા જ માણસોને શીતળતાને અનુભવ થાય છે તેવી જ રીતે સિદ્ધપીઠોની છાયામાં પ્રવેશ કરતા જ સુખ-શાંતિ મળે છે અને આપણી તક્લીફો દૂર થાય છે. ક્યારેક તો એવો આશ્ચયજનક લાભ લોકોને મળે છે કે તેને દેવીકૃપા તીર્થમહાત્મ્ય કે પછી પૂર્વજન્મનું ફળ કહેવું તેની જ ખબર પડતી નથી.
એ સાચું છે કે આજે તીર્થોની સ્થિતિ શરમજનક બની ગઈ છે. તીર્થસ્થાનોમાં અનાચાર, વ્યભિચાર, ઠગવૃત્તિ, ધૂર્તતા વગેરેની બોલબાલા વધી ગઈ છે. આ એક વાસ્તવિક્તા છે અને તેને કોઈ ઈન્કાર કરી શકતું નથી. સંસારમાં વ્યાપેલી અનૈતિક્તાથી તીર્થો પણ અળગાં રહી શક્યાં નથી. દરેક ક્ષેત્રમાં રહેલાં દૂષણો તીર્થોમાં પણ ઘૂસી ગયાં છે. ચોર, ઠગ, પાખંડી, ધૂર્ત, બેઈમાન, અપરહરણકારો, વ્યભિચારી, લોભી, નીચ, નિર્લજજ વ્યક્તિઓ ધર્મને અંચળો ઓઢીને આવી પવિત્ર જગ્યાએ રહેવા લાગ્યા છે. હત્યારાઓ. ડાકુ તથા ભયંકર અપરાધીઓ પણ પોતાની સુરક્ષા માટે તથા આજીવિકાની સુવિધા માટે સાધુ બની જાય છે. આ જ પ્રમાણે બ્રાહ્મણત્વ વગરના તથા પુરોહિતના ગુણ ન ધરાવતા હોય એવા માણસો પણ બ્રાહ્મણ બનીને જનતાને લૂંટે છે. સાચા બ્રાહ્મણ અને મહાત્માઓની અછત તથા ધૂર્ત અને ચોરોની સંખ્યા વધી જવાથી આજે તીર્થસ્થળો બદનામ થઈ ગયાં છે. તીર્થસ્થળોને આજે ધૂર્ત, બદમાશ અને ઢોંગીઓનું ઘર માનવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં લોકોની આ માન્યતા સાચી છે. આ બધું હોવા છતાં તીર્થોના અસ્તિત્વને આધાર તેમની ઉપયોગિતા ઉપર રહેલો છે અને તીર્થોનું મહત્વ સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે એમ નથી.
ચંદનના વૃક્ષને ઝેરી સાપ વીટળાયેલા હોવાથી તેને ત્યાગ કરવામાં નથી આવતો. કાંટાળી ડાળી ઉપર રહેલું ગુલાબનું ફૂલ નિદનીય નથી હોતું. ગંગા નદીમાં અનેક ગંદી ગટરો ભળે છે, ક્યાં પણ તેનાથી તેનું મહત્વ ઘટી જતું નથી. તેવી રીતે સ્વાર્થી, ધૂર્ત તથા દુષ્ટ લોકોના રહેવાથી તીર્થોનું મહત્વ પણ ઘટી જતું નથી નુકસાન વિકારો ઉત્પન્ન થાય તો તે વિકારોને દૂર કરવા જોઈએ. તે વિકારોથી ગભરાઈને મૂળ વસ્તુને ત્યજી દેવામાં બુદ્ધિમત્તા નથી. જૂઓની બીકથી કોઈ કપડાં ફેકી દેતું નથી કે માથાનું મૂંડન પણ કરાવતું નથી. ખાટલામાં માંકણ હોય તો પણ કોઈ ખાટલામાં સૂવાનું છોડી દેતું નથી. તેથી થોડાક સ્વાર્થીઓની દુષ્ટતાને કારણે તીર્થોની ઉપયોગિતાનું મહત્વ ઓછું આંકી શકાય નહી કારણ કે એમનાથી થતા લાભ એટલા બધા મહાન હોય છે કે આવા તુચ્છ કારણોને લીધે તેમની ઉપેક્ષા કરી શકાય નહી.
તીર્થોમાં જે દૂષણો ઉત્પન્ન થયાં છે તેમને દૂર કરવાં જોઈએ.
(૧) દર્શનીય સ્થળોને સ્વચ્છ, સુંદર અને સ્વાસ્થ્ય પ્રદ બનાવવા જોઈએ.
(૨) ભીડમાં સ્ત્રીઓની છેડતી કરનાર, ખિસ્સા-કાતરુ, અપહરણકારો, ઠગ, પાખંડીઓને પકડવા જોઈએ.
(૩) મંદિરમાં આવનારી રકમનો મોટો ભાગ લોકલ્યાણનાં કાર્યોમાં વાપરવો જોઈએ.
(૪) નિ:સ્વાર્થ, સેવાભાવી, નિર્લોભી, વિદ્વાન, સત્યવક્તા, સદાચારી અને સદ્ભયી બ્રાહ્મણે જોડે સંપર્ક રાખવો જોઈએ.
(૫) દાન આપતી વખતે પાત્ર-કુપાત્રની પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઇએ.
(૬) યાત્રીઓને અતિથિ સમજી તેમની સેવા કરવા માટે સમિતિઓ હોવી જોઈએ.
(૭) સત્યવક્તા વિદ્વાન બ્રાહ્મણોએ તીર્થોમાં એવા આશ્રમોની સ્થાપના કરવી જોઈએ કે જ્યાં જિજ્ઞાસુઓને પોતાની આધ્યાત્મિક ભૂખ સંતોષવા સાચું બૌદ્ધિક ભોજન મળી રહે.
(૮) દરેક તીર્થમાં ત્યાંનો પરિચય આપતી ચોપડીઓ સસ્તા ભાવે મળવી જોઈએ. તેમાં ત્યાંના ઐતિહાસિક તથ્યોનું તર્કસંગત વૈજ્ઞાનિક વિશ્લેષણ હોવું જોઇએ. આવાં પુસ્તકોથી લોકશિક્ષણ થઈ શકે છે.
(૯) દેવમંદિરોમાં વેજીટેબલ ધી, વિદેશી વસ્ત્રો, ચરબીયુક્ત મીણબત્તીઓ વગેરે અપવિત્ર પદાર્થોનો ઉપયોગ થવો જોઇએ નહી.
(૧૦) યાત્રીઓને તીર્થસ્થળ દરેક દ્રષ્ટીએ ઉપયોગી બને તે માટે એવી વ્યવસ્થા કરનારી શાળાઓ અને સંસ્થાઓ ખોલવી જોઈએ.
(૧૧) પગપાળા તીર્થયાત્રા કરનારાઓને પ્રોત્સાહન મળવું જોઈએ.
આ પ્રકારની વ્યવસ્થા અને સુધારો થાય તો તીર્થોનું વાસ્તવિક મહત્વ ફરીથી ઉજજવલ બની શકે. જે દોષો દેખાય છે તેમને દૂર કરીને તીર્થોની ઉપયોગિતાનો આપણે બધાએ લાભ મેળવવો જોઈએ.
પ્રતિભાવો