JP-25. આધ્યાત્મિક કાયાકલ્પનું વિધિવિધાન-૧, – પ્રવચન : ૧
February 11, 2021 Leave a comment
આધ્યાત્મિક કાયાકલ્પનું વિધિવિધાન-૧
ગાયત્રી મંત્ર મારી જોડે બોલો –
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |
કલ્પસાધના માટે તમે બધા શાંતિકુંજમાં આવ્યા છો. કલ્પ આખરે છે શું, જેના માટે મેં તમને અહીં બોલાવ્યા છે? કલ્પનો અર્થ થાય છે – પરિવર્તન. તમને બદલવાની મને ઇચ્છા છે. તમે અત્યાર સુધી દુઃખી જીવન જીવ્યા છો, તો હવે સુખી જીવન જીવો. અત્યાર સુધી મુશ્કેલીઓભર્યું જીવન જીવ્યા હો, તો હવે હસતી હસાવતી જિંદગી જીવો. જો તમે ઊતરતી કક્ષાનું, કમજોર અને ઉપેક્ષિત જીવન જીવ્યા હો, તો હવે એવું શાનદાર જીવન જીવો કે જે જોઈને તમારું મન પુલકિત થઈ જાય અને જોનાર પણ ખુશ થઈ જાય. તમે એવું જીવન જીવી શકો એવો તમારો કાયાકલ્પ કરવાનું મારું મન છે. તમે યુગશક્તિ ગાયત્રીમાં મારા આ વિચારો વાંચ્યા હશે અને તમે પ્રભાવિત થઈને અહીં આવ્યા હશો. તો હવે વિચારીએ કે કાયાકલ્પ કેવી રીતે થાય ? એના માટે શું કરવું પડે ?
સામાન્ય રીતે કલ્પસાધના માટે બધાના મનમાં એવો ભ્રમ હોય છે કે કલ્પ એટલે વૃદ્ધમાંથી જુવાન બની જવાય. વૃદ્ધમાંથી જુવાન બનવું શક્ય નથી, કારણ કે એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત છે. પ્રકૃતિના નિયમોને કોઈ બદલી શકતું નથી. સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. કોઈ દિવસ એવું બને ખરું કે સૂર્ય પશ્ચિમમાં ઊગી પૂર્વમાં અસ્ત થાય. ભગવાને પ્રકૃતિના નિયમો એવા બનાવ્યા છે કે સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહિ. એટલે ઘરડો માણસ જુવાન બને એ શક્ય જ નથી. પુરાણોમાં કથાઓ આવે છે કે ચ્યવન ઋષિ ઘરડા હતા અને જુવાન થઈ ગયા. તમે રાજા યયાતિની વાર્તા સાંભળી હશે કે તેમણે પુત્રની જવાની લઈ લીધી અને જુવાન બની ગયા. લોકોએ બહુ પ્રયત્ન કર્યા, યુરોપમાં પણ ઘણા પ્રયોગો કર્યા, પણ કોઈ વૃદ્ધ જુવાન થયો નહિ. પ્રકૃતિ સાથે બાથ ભીડવી શક્ય જ નથી. એટલે કોઈએ પણ આશા ના રાખવી જોઈએ કે અમે વૃદ્ધમાંથી જુવાન બની શકીશું, પણ આપણે એવું કરી શકીએ કે જે બીમારીને આમંત્રણ આપ્યું છે તેને આપણે દૂર ભગાડી શકીએ કારણ કે એ પ્રાકૃતિક નથી. પ્રાણીઓ જન્મે છે અને મરે છે, પણ કોઈ બીમાર અને કમજોર નથી હોતાં. જ્યારે કમજોરી આવે છે ત્યારે મોતના મુખમાં જતાં રહે છે. બીમાર અને અશક્ત જીવન જીવવાનું કોણ પસંદ કરે ? અશક્ત અને બીમાર જીવન પ્રકૃતિ વિરુદ્ધની વાત છે. એને આપણે દૂર કરી શકીએ છીએ. શરીરના કાયાકલ્પની આશાથી તમે અહીં આવ્યા હો તો એ શક્ય નથી. તમારી ઉંમર વધતી જ જશે. વૃદ્ધમાંથી જુવાન અને જુવાનમાંથી બાળક બને એવું ક્યારેય શક્ય નથી. તમારી ઉમર જરૂર વધશે, પણ તમારું માનસિક અને વૈચારિક સ્તર બદલાઈ જશે. આકૃતિ તો જેવી છે તેવી જ રહેશે, પણ પ્રકૃતિ બદલાઈ જશે. પ્રકૃતિને બદલી શકાય છે. તમે જાણો છો કે મનઃસ્થિતિનું નામ જ પરિસ્થિતિ છે. જો માણસ મનઃસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલાતાં વાર લાગતી નથી. બસ, આ જ કાયાકલ્પ છે.
તમારામાં રહેલી વિચારવાની શક્તિ જો બદલાઈ જાય તો પરિસ્થિતિ આપમેળે બદલાઈ જશે. કલ્પસાધનાનો અર્થ તમારો દૃષ્ટિકોણ, ચિંતન અને ચરિત્ર બદલાઈ જાય એ જ છે. તમે ઇતિહાસ ભણ્યા હશો, જેમાં મહાન ભક્તો થઈ ગયા કે જેઓ પહેલાં સામાન્ય જીવન જીવતા હતા. પરંતુ જયારે તેમણે એમનું મન, સ્તર અને દૃષ્ટિકોણ બદલ્યાં તો ક્યાંથી ક્યાં પહોંચી ગયા.એમની જિંદગી કેટલી ભવ્ય બની ગઈ ! જો એમણે એમની વિચારવાની દૃષ્ટિ ના બદલી હોત તો એમની સ્થિતિ સામાન્ય માણસ જેવી જ રહેત.
હું તમને એવી વ્યક્તિઓનાં નામ આપું છું કે જેમના જીવનમાં આમૂલ પરિવર્તન થઈ ગયું હતું. શંકરાચાર્યને તો તમે જાણો છો ને? શંકરાચાર્ય સામાન્ય ઘરના બાળક હતા. એમની માતાની ઇચ્છા તેમને પરણાવીને તેમનાં બાળકોને રમાડવાની હતી, પરંતુ શંકરાચાર્યે સંસારનાં બંધનોમાં બંધાવાની ના પાડી દીધી. તેમણે પોતાના ભવિષ્યનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આ દૃષ્ટિકોણ પોતે કેળવ્યો હતો. એમના જીવનની રૂપરેખા જાતે તૈયાર કરી હતી. પછી બીજા બધાની તેમને મદદ મળી હતી. શરૂઆત તેમણે જાતે જ કરી હતી. સામાન્ય શંકર શંકરાચાર્ય બની ગયા. એમને સાક્ષાત્ શંકર ભગવાનનો અવતાર માનવામાં આવે છે. જો આદિ શંકરાચાર્યે પોતાનો દૃષ્ટિકોણ ના બદલ્યો હોત અને એમની માતાની ઈચ્છા પ્રમાણે સામાન્ય ગૃહસ્થનું જીવન જીવ્યા હોત, તો તેઓ એક સામાન્ય પંડિત હોત, પરંતુ દષ્ટિકોણ બદલાઈ ગયો તો આદિ શંકરાચાર્ય તરીકે પૂજાય છે.
દરેક વ્યક્તિને એવો અધિકાર મળેલો છે કે એ જે બનવા માગે એ બની શકે છે. ભગવાને દરેક માનવીને લાયક બનાવ્યો છે. એ ધારે તો પોતાની જાતને બદલી શકે છે. વિવેકાનંદ એક સામાન્ય વિદ્યાર્થી હતા. પ્રતિભાવાનમાં તેમની ગણતરી થતી ન હતી. ઘરની પરિસ્થિતિ પણ નાજુક હતી. તેમના પિતાશ્રીના મૃત્યુ પછી ઘરની સઘળી જવાબદારી એમના પર હતી, છતાં એમણે નક્કી કર્યું કે હું મારી વિચારવાની પદ્ધતિ, દૃષ્ટિકોણ, મારા જીવનનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય બદલી નાખીશ. એ પ્રમાણે જીવનમાં ચાલ્યા પણ ખરા. એમણે દૃષ્ટિકોણ બદલવાનો ફેંસલો કર્યો, તો રામકૃષ્ણ પરમહંસ સાથે તેઓ જોડાઈ ગયા. તો શું રામકૃષ્ણ પરમહંસે તેમને મદદ કરી? ના, એવું નથી. રામકૃષ્ણ જો બધાને મદદ કરત તો એમની પાસે તો હજારો શિષ્યો આવતા હતા અને દીક્ષા લેતા હતા. હજારો માણસો એમના શિષ્ય કહેવાતા હતા, પરંતુ એક જ શિષ્ય વિવેકાનંદ બન્યો. તો શું રામકૃષ્ણ પરમહંસની કૃપા માત્ર એક પર જ વરસી હતી ? ના, કૃપા તો બધા ઉપર વરસતી હતી. પરંતુ બધાએ પોતાની જાતને બદલી ન હતી. જ્યારે વિવેકાનંદે પોતાને અંદરથી બદલી નાંખ્યા. દૃષ્ટિકોણ અને વિચારધારા બદલનારાને બધા જ મદદ કરે છે. તમારું લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ કરનારની દુનિયામાં કોઈ કમી નથી, પણ પોતે પોતાની મદદથી બદલાવું પડે, સુધરવું પડે, તો તમને બધા મદદ કરશે.
બીજા કોને મદદ મળી છે? સદનનું નામ સાંભળ્યું છે? તે કેવો માણસ હતો? તે કસાઈનો ધંધો કરતો હતો. પવિત્ર શાલિગ્રામના પથ્થરથી માંસ તોલીને વેચતો હતો, પણ ઈમાનદારીથી ધંધો કરતો હતો. બીજા માણસોની દષ્ટિએ તો તે કોડીનો માણસ હતો. એણે પોતાનો દૃષ્ટિકોણ બદલ્યો, ઈશ્વર સાથે એકાકાર થઈ ગયો, તો ભગવાનના ભક્તોમાં સદન કસાઈ સર્વશ્રેષ્ઠ ભક્ત ગણાવા લાગ્યો. મનઃસ્થિતિ બદલાઈ જાય તો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જાય છે. પહેલાં જેમને લોકો નફરતની દષ્ટિથી જોતા હતા તેમને પ્રણામ કરવા લાગ્યા, માથું નમાવવા લાગ્યા. વાલ્મીકિનું નામ તો તમે સાંભળ્યું હશે. એની જિંદગી કેવી હતી? એ ડાકુનું જીવન જીવતો હતો. લોકો તેનાથી ડરતા હતા, તેને ધિક્કારતા હતા, પરંતુ એણે પોતાની જાતને સુધારી લીધી તો સંત વાલ્મીકિ બની ગયા, ઋષિ બની ગયા. એમનું જીવન એટલું મહાન બની ગયું કે રામ ભગવાને સીતામાતાને પોતાનાં સંતાનોના શિક્ષણ અને સંસ્કાર માટે, ઉછેર માટે વાલ્મીકિના આશ્રમમાં મોકલ્યાં. એ વાલ્મીકિનું પૂર્વજીવન હલકા સ્તરનું હતું. એમનો કાયાકલ્પ થઈ ગયો. તેઓ સંત, ઋષિ તથા દેવપુરુષ બની ગયા આવો જ કાયાકલ્પ કરવા માટે તમે અહીં આવ્યા છો. તમારા વિચારોને, દૃષ્ટિકોણને બદલો, પછી જુઓ પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જાય છે કે નહિ? આમ્રપાલીનું નામ પણ તમે સાંભળ્યું હશે. જ્યારે તેણે પોતાની જાતને બદલી, તો આમ્રપાલી વેશ્યાને બદલે ભગવાન બુદ્ધની દીકરી બની ગઈ. એશિયા ખંડના મોટાભાગના દેશોમાં તે ધર્મપ્રચાર માટે ફરી. મહિલા સંગઠનની દષ્ટિએ એણે કેટલું કામ કર્યું હતું ! આ બધું કેવી રીતે બન્યું ? એણે પોતાને બદલી નાંખી અને એનો કાયાકલ્પ થઈ ગયો. કાયાકલ્પ તમારી અંદરના વિચારોને બદલવાથી થાય છે. તમારા સ્થૂળ શરીરને કાયાકલ્પ સાથે કોઈ લેવાદેવા નથી. આંતરિક કાયાકલ્પની વિદ્યા પ્રાચીનકાળમાં પણ હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ધ્રુવ પણ એક રાજકુમાર હતો. રાજાઓને ઘણાં બાળકો હોય. એકને ખોળામાં બેસાડ્યો અને બીજાને ખોળામાંથી ઉતારી મૂક્યો. આ પરિવારમાં બનતી એક સામાન્ય ઘટના હતી. આ ઘટનાથી ધ્રુવે પોતાની જીવનધારા બદલી નાખી. એણે કહ્યું કે જો રાજકુમાર બનવું હોય તો ભગવાનના રાજકુમાર કેમ નહિ? બસ, નિશ્ચય કર્યો અને નારદજીએ માર્ગ બતાવી દીધો. દઢ નિશ્ચય કર્યો. મદદ સામેથી મળી ગઈ. નારદજી ધ્રુવનાં બીજાં ભાઈબહેન પાસે કેમ ન ગયા? કારણ કે જે માણસ પોતાનો નિશ્ચય જાતે જ કરે છે એને જ બીજા બધા મદદ કરે છે. આ વાત સો ટકા સાચી છે. પ્રહલાદ એના દૈત્ય બાપના કહ્યા પ્રમાણે ચાલ્યો હોત તો તે પણ રાક્ષસ જ હોત. બાપદાદા જે કામ કરતા આવ્યા તે પ્રહલાદ પણ કરત, પરંતુ પ્રહલાદે પરંપરા તોડી, પોતાની વિચારધારા બદલી અને ઇતિહાસમાં અમર બની ગયો. ગુરુ નાનકના પિતા ઇચ્છતા હતા કે નાનક વેપારી બને. વેપાર માટે આપેલા પૈસા પરમાર્થમાં વાપરી નાખ્યા. પોતાના અંતરાત્માનો પોકાર અને ભગવાનનું કહેવું માની ગુરુનાનક મહાન બની ગયા. આજે પણ લોકો એમને પૂજે છે. નાનકનો કાયાકલ્પ થઈ ગયો. નાનક સંત બની ગયા.
શિવાજીના પિતાજી સૈનિક હતા, પણ શિવાજી પોતાની પ્રબળ ઇચ્છા અને મનોબળથી છત્રપતિ શિવાજી બની ગયા. ચાણક્ય ચંદ્રગુપ્તની પાત્રતા જોઈ અને તેની અંદરની મનઃસ્થિતિને બદલાતી જોઈ. ચંદ્રગુપ્તને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો એ તો તમે જાણો છો. ગાંધીજી એક સામાન્ય વકીલ હતા, પરંતુ જ્યારે એમણે નિશ્ચય કર્યો કે મારે જીવનમાં કંઈક બનવું છે, તો તેઓ મહાત્મા ગાંધી બની ગયા, લાખો માણસોને દિશા બતાવનાર બની ગયા. ખરેખર આવું બન્યું કેવી રીતે? ભગવાને બનાવી દીધા ? ના. તો ભાગ્યના જોરે બની ગયા ? ના. એમણે પોતાનો કાયાકલ્પ કરી નાખ્યો. પછી દુનિયામાંથી તેમને મદદ મળી ગઈ. બુદ્ધ ભગવાનની બાબતમાં પણ આવું જ છે. તે સામાન્ય રાજકુમાર હતા, પરંતુ નક્કી કર્યું કે લોકોનાં દુઃખ દૂર કરવા કંઈક મહાન કાર્ય કરવું છે, તો બુદ્ધનો કાયાકલ્પ થઈ ગયો અને તેઓ ભગવાન બુદ્ધ બની ગયા.
ઉપરનાં ઉદાહરણો એટલા માટે આપ્યાં કે તમે તમારી જાતનો કાયાકલ્પ કરી શકો છો. તમારી ઉપર જ આધાર છે કે મારે રડતાં કકળતાં જિંદગી પૂરી કરવી છે કે જીવનધારા બદલીને શાનદાર જીવન જીવવું છે ? જો તમારી બદલાવાની ઈચ્છા હોય તો સુરદાસનું ઉદાહરણ તમારી સામે છે. બિલ્વમંગળ નામનો કામી માણસ હતો, પરંતુ કાયાકલ્પ થઈ જતાં આંધળા બિલ્વમંગળને ભગવાન લાકડી પકડીને લઈ જતા હતા અને એ જ બિલ્વમંગળ સુરદાસ સંત તરીકે અમર થઈ ગયા. તુલસીદાસની પાછલી જિંદગી પણ કેવી હતી? પત્નીના મોહમાં અંધ બની મડદાને તરાપો અને સાપને દોરડું સમજી પત્ની પાસે પહોંચ્યા હતા. પત્નીએ કહ્યું કે જેટલો પ્રેમ અને કરો છો એટલો પ્રેમ જો તમે ભગવાન પ્રત્યે રાખ્યો હોત તો આજે તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. આ વાત તેમના મનમાં ઊતરી ગઈ અને રામાયણના રચયિતા સંત તુલસીદાસ બની ગયા. તુલસીદાસ ચંદન ઘસતા તો ભગવાન રામ એ ચંદનનું તિલક કરતા હતા.
ભગવાન રામ તુલસીદાસને તિલક કરતા અને કૃષ્ણ ભગવાન સુરદાસની લાકડી પકડીને લઈ જતા. આવું બની શકે ખરું? હા, એટલા માટે જ તમને શાંતિકુંજ બોલાવ્યા છે. વિશ્વાસ રાખજો, બધું જ બની શકે છે. તમે પ્રયત્ન કરો, હું તમને મદદ કરીશ. દર્દીએ દવા ખાવી પડે, ચરી પાળવી પડે, ચિકિત્સા કરનાર વૈદ્ય બીજા હોય છે. તમે તમારા ગયા જન્મના કુસંસ્કારોની કાંચળી ઉતારીને ફેંકી દો. ભક્તિ દ્વારા સુસંસ્કારોના રસ્તા પર પ્રયત્નપૂર્વક ચાલો. કુસંસ્કાર રૂપી બેડીઓ અને હાથકડી તોડવા તમે પ્રયત્ન કરશો તો હું તમને જરૂર મદદ કરીશ. તમને મદદ કરવા માટે જ શાંતિકુંજ બોલાવીએ છીએ, પરંતુ જો તમે એવું વિચારો કે મારી મદદથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે તો એ વાત શક્ય નથી. બંનેએ ભેગા મળીને કાર્ય કરવું પડશે. તમે મારા બતાવેલા રસ્તા પર ચાલો. હું તમને મદદ કરીશ. આંધળા અને લંગડાની જેમ એકબીજાની મદદથી નદી પાર કરીએ તો પરિસ્થિતિઓ બદલાઈ જશે અને જીવન જીવવાની મઝા આવી જશે.
કાયાકલ્પનો મારો મતલબ એ છે કે હું તમને મદદ કરું અને તમે બદલાઈ જાઓ. હું તમને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા અને બળ આપીશ અને દબાણ કરીશ કે તમારી પાછલી જિંદગી બરાબર ન હતી. તમે તમારા જીવનની રીતિનીતિ બદલવા દઢ સંકલ્પ કરો. સાહસ કરો, મહેનત કરો. હું તમને પૂરી મદદ કરીશ. વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસે મદદ કરી હતી. હું પરમહંસ તો નથી, પણ વિશ્વાસ રાખજો કે તમે શ્રેષ્ઠ વ્યક્તિ બનો એટલી મદદ જરૂર કરી શકીશ. તમે તૈયાર થઈ જાઓ. તમારું જીવન બદલાશે તો તે એટલું શાનદાર બની જશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે અહીંથી ઘેર જશો તો ઘરવાળાં પણ અચંબામાં પડી જશે. તમને જો આ વાત મંજૂર હોય તો તમે મક્કમ મને તૈયાર થઈ જાઓ, હિંમત કરો, સંઘર્ષ માટે તૈયાર રહો, અનુશાસન પાળવા સહર્ષ તૈયાર રહો. પછી જુઓ, આપના જીવનનો કાયાકલ્પ થઈ જાય છે કે નહિ.
ૐ શાંતિઃ
પ્રતિભાવો