JP-26. આધ્યાત્મિક કાયાકલ્પની સાધનાનું – તત્ત્વદર્શન – પ્રવચન : ૨

આધ્યાત્મિક કાયાકલ્પની સાધનાનું – તત્ત્વદર્શન

આયુર્વેદિક શરીરકલ્પના જેવો જ આધ્યાત્મિક ભાવકલ્પ પણ છે. એકમાં કાયાને દુર્બળતા, રુણતા, જીર્ણતા વગેરે પરિસ્થિતિઓમાંથી મુક્ત કરવામાં આવે છે, તો બીજામાં આસ્થા, આકાંક્ષા તથા અભ્યાસ પર ચડેલા કુસંસ્કારોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

શરીરની રચના એવી અદ્ભુત છે કે જો સંયમ રાખવામાં આવે તો સો વર્ષ કરતાં વધારે જીવી શકાય છે. મરણ તો પ્રકૃતિનો ધર્મ છે, પરંતુ જીર્ણશીર્ણ થઈને જીવવાનું કારણ મનુષ્ય પોતે છે. શરૂઆતથી જ સન્માર્ગે ચાલવામાં આવે તો ઉત્તમ. જો જીવનના મધ્યભાગમાં પણ જીવનપદ્ધતિ બદલી નાખવામાં આવે તો પણ અદ્ભુત સુધાર થઈ શકે છે.

ચેતનાતંત્રની રચના પણ આવી જ છે. ઈશ્વરનો અંશ હોવાના કારણે મનુષ્યમાં પણ ઉચ્ચકક્ષાની વિભૂતિઓ રહેલી છે. શરીર બ્રહ્માંડનું નાનકડું રૂપ છે. પરમાત્માની નાની પ્રતિકૃતિ જ આત્મા છે. પ્રકૃતિમાં વ્યાપક પ્રમાણમાં જે તત્ત્વો જોવા મળે છે તે બધાં મનુષ્યના પિંડમાં રહેલાં છે.

કલ્પસાધનાથી માત્ર આરોગ્ય જ સુધરતું નથી, પરંતુ તપશ્ચર્યાની ઊર્જાથી એવું ઘણુંબધું મેળવી શકાય છે કે જે રહસ્યમય પ્રકૃતિમાં જોવા મળે છે. પ્રકૃતિ પર સિદ્ધપુરુષોનું આધિપત્ય હોય છે. એનું કારણ એ છે કે તેમણે પોતાની કાયામાં જ પ્રકૃતિનાં તત્ત્વોને બીજરૂપમાં વિકસિત કર્યા હોય છે. એના પરિણામે તેમની કાયા અને પ્રકૃતિ વચ્ચે આદાનપ્રદાન થવા લાગે છે. જેવી રીતે પૃથ્વીનું ધ્રુવ કેન્દ્ર બ્રહ્માંડમાંથી પોતાને જરૂરી તત્ત્વોને ખેંચે છે અને ઉપયોગ કરે છે એ જ રીતે સિદ્ધ પુરુષોનું શરીર બ્રહ્માંડ વ્યાપી માયા સાથે, પ્રકૃતિ સાથે આદાનપ્રદાન કરે છે. એટલું જ નહિ, ચેતનાત્મક વિશેષતાના કારણે કેટલીક વાર તેની પર આધિપત્ય પણ સ્થાપી દે છે. તપસ્વીઓની અલૌકિક ચમત્કારિક સિદ્ધિઓનું રહસ્ય આ જ છે.

શારીરિક કે કોઈ પદાર્થપરક હલચલનું નામ યોગ નથી. સામાન્ય રીતે આસન, પ્રાણાયામ, નેતિ, ધૌતી વગેરેને યોગ કહેવામાં આવે છે. તે તો માત્ર શરીર અને મનનો વ્યાયામ છે. તે એક યા બીજી રીતે આત્મશુદ્ધિમાં મદદરૂપ બને છે. વાસ્તવમાં યોગ એ અંતરાત્મા પર ચડેલા કુસંસ્કારોને દૂર કરવાની અને તેમની જગ્યાએ ઉચ્ચ કક્ષાના સદ્ગુણોની સ્થાપના કરવાની એક ભાવનાત્મક પ્રક્રિયા છે. એમાં ટેવોના રૂપમાં સ્વભાવનું અંગ બની ગયેલા કુસંસ્કારોનાં મૂળિયાં કાપવાં પડે છે અને એમની જગ્યાએ ઉચ્ચ આસ્થાઓની સ્થાપના કરી તેમને પરિપુષ્ટ કરવી પડે છે. અંતરનું આ સમુદ્રમંથન જ યોગ છે. પ્રાચીનકાળમાં ખારા જળાશયનું મંથન કરીને વિષ તથા વાણીને દૂર કરીને અમૃત જેવી અનેક વિભૂતિઓ મેળવવામાં આવી હતી. ટૂંકમાં આંતરિક શુદ્ધિનું નામ જ યોગ છે. ક્રિયામાં સંયમ તથા અનુશાસનનો સમાવેશ કરવો તેને તપ કહેવામાં આવે છે. આ પ્રયોજન પૂરું કરવા માટે કેટલાક ઉપચાર તથા પ્રયોગો કરવા પડે છે. કલ્પસાધનાની પ્રક્રિયા આવા જ નિર્ધારણોથી ભરેલી છે.

કલ્પસાધકો એ ઉપવાસ, જપ, સ્વાધ્યાય, સત્સંગ જેવાં દૈનિક કૃત્યો તો શાસ્ત્ર પરંપરા પ્રમાણે કરવાં જ જોઈએ, પણ સાથે સાથે એ ન ભૂલવું જોઈએ કે તે બધું વાસ્તવમાં તો અંતરની ગાંઠોને ખોલવા માટે કરવામાં આવતા મંથન માટે જ છે. તેને જ ચિંતન અને મનન કહે છે. આ પ્રક્રિયાને ચાંદ્રાયણ વ્રતની કરોડરજ્જુ માનવી જોઈએ.

સાધનાકાળમાં આસ્થા તથા વિચારણાના ક્ષેત્રમાં નવનિર્માણનો પ્રયત્ન પૂરી તત્પરતા સાથે કરવો જોઈએ. શરીર દ્વારા તપના અનુશાસનનું પાલન કરવું જોઈએ. વિચારપ્રવાહને ભૌતિક બાબતોમાંથી હઠાવીને અંતર્મુખી બનાવવો જોઈએ.

ભૌતિક ચિંતાઓ તથા સમસ્યાઓમાંથી મુક્ત રહેવું જોઈએ. એ દિવસોમાં ગંભીરતાપૂર્વક ચિંતનમનન કરવું જોઈએ. અત્યાર સુધી આંતરિક સફાઈ તરફ ધ્યાન પણ નહોતું ગયું. અંત:કરણને સ્વચ્છ, સુંદર તથા સુસજ્જિત બનાવવા માટે તત્પરતા અને તન્મયતાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ.

ચિંતનનો વિષય છે આત્મશુદ્ધિ. મનનનો ઉદેશ્ય છે આત્મપરિષ્કાર. બંનેને એકબીજાના પૂરક કહેવાં જોઈએ. મળત્યાગ પછી પેટ ખાલી થઈ જાય છે ત્યારે ભૂખ લાગે છે અને ભોજન કરવાની રુચિ થાય છે. કપડાંને ધોયા પછી રંગવામાં આવે છે. પાયો ખોદ્યા પછી જ દીવાલ ચણાય છે. શ્વાસ બહાર કાઢયા પછી જ નવો શ્વાસ લેવાય છે. એ જ રીતે આત્મપરિષ્કાર પ્રથમ અને આત્મવિકાસનો ક્રમ બીજો છે.

ચિંતનનો વિષય અનુશાસન છે. તેને જ સંયમ કહેવામાં આવે છે. ઇન્દ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમને પોતાના જીવનમાં સ્થાન મળ્યું છે ખરું ? એમાં ક્યાં ત્રુટી રહે છે તેની એક નિષ્પક્ષ નિરીક્ષક તથા પરીક્ષકની જેમ તપાસ કરવી જોઈએ. પોતાના તરફ પક્ષપાત રાખવો તે  મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ છે. લોકોને બીજાઓના દોષ શોધવાની તથા પોતાના દોષોને છુપાવવાની ટેવ હોય છે. કડકાઈપૂર્વક આત્મસમીક્ષા કરવી તે આધ્યાત્મિક પ્રગતિનું પહેલું ચિહ્ન છે. પાપકર્મોને પ્રગટ કરવા અને પ્રાયશ્ચિત્તનું સાહસ કરવું તે એ વાતનું પ્રમાણ છે કે આત્મિક ક્ષેત્રમાં પ્રગતિ માટે જરૂરી શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ જ શૃંખલાનું આગલું કદમ સ્વાધ્યાય તથા સત્સંગ દ્વારા સલાહસૂચન તથા પ્રકાશ પ્રાપ્ત કરવાનું છે. ચિંતનમાં, ગુણ, કર્મ તથા સ્વભાવમાં ઘૂસી ગયેલી ખરાબ બાબતોને ઝીણી નજરે શોધી કાઢવી પડે છે. સાથે સાથે તેમને જીવનમાંથી દૂર કરવા માટે એવી દિનચર્યા નક્કી કરવી પડે છે કે જેનાથી ઉપરોક્ત ચારેય સંયમોનું પાલન થતું રહે. કુટેવોને બદલવા માટે તેમની વિરોધી સારી આદતોને જીવનમાં અપનાવવી પડે છે. જેના લીધે અસંયમ આવી જતો હોય એ કારણોને પણ દૂર કરવા પડે છે.

જે લોકો માત્ર પૂજાઉપચારની પ્રક્રિયા પૂરી કરે છે તેનાથી આત્મિક પ્રગતિની તમામ જરૂરિયાતો પૂરી થતી નથી. જે રીતે શરીરને સ્નાન તથા દાંતને મંજન કરવું પડે છે, કપડાંને ધોવાં પડે છે તથા ઓરડામાંથી કચરો વાળવો પડે છે એ જ રીતે મનની સ્વચ્છતા માટે પણ દરરોજ પ્રયત્ન કરવો પડે છે. માત્ર ભજનથી જીવન લક્ષ્ય પૂરું થતું નથી. એ માટે આત્માને શ્રદ્ધા, પ્રજ્ઞા તથા નિષ્ઠા જેવા ગુણોથી યુક્ત કરવો પડે છે. શરીરને સત્યવૃત્તિઓમાં નિયોજિત કરવા માટે લોકમંગલની સાધના અચૂક કરવી પડે છે. દુર્લભ મનુષ્યજન્મ એટલા માટે મળ્યો છે. કે ઈશ્વરના આ વિશ્વરૂપી બગીચાને સુંદર બનાવવા માટે કુશળ માળીની ભૂમિકા નિભાવવામાં આવે, વિશ્વની વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતા વધારવા માટે ભગવાનને મદદરૂપ બની શકાય. લોકમાનસની ભાવનાત્મક શુદ્ધિનો કાર્યક્રમ ઘડીને તેમાં પોતાનાં સાધનોનો મોટો ભાગ ખર્ચીએ તો જ ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. સાથે સાથે આત્મકલ્યાણ તથા આત્માનો ઉત્કર્ષ કરવાનું પ્રયોજન પણ પૂરું થાય છે.

મનનનો એક જ વિષય છે કે જીવનચર્યામાં સેવાસાધનાનો સમન્વય કેટલો અને કેવી રીતે કરવામાં આવે કે જેનાથી આત્મકલ્યાણ થઈ શકે. આત્મસંતોષ, લોકસન્માન અને દૈવીકૃપા મેળવવા માટે માત્ર ઉપાસના જ પૂરતી નથી. એના માટે સંયમની સાધના અને લોકકલ્યાણની આરાધનાનો સમન્વય કરીને પોતાના જીવનક્રમને ત્રિવેણી સંગમ જેવો બનાવવો પડે છે. તે કઈ રીતે થઈ શકે એના માટે ચિંતન મનન કરવું જોઈએ. કલ્પસાધના દરમિયાન ભાવિ જીવનચર્યાનો શુભારંભ તથા પ્રાથમિક પ્રયોગનો અભ્યાસ કરવો પડે છે. જો આ પરિવર્તનનો ક્રમ આજીવન ટકી રહે તો તે સાર્થક થાય છે. જરૂરિયાત તથા સ્થિતિને અનુરૂપ કાર્યક્રમો તો બનતા અને બદલાતા રહે છે. મૂળ પ્રશ્ન એ છે કે તેમને પૂરા કરવાની શક્તિ તથા સામગ્રી ક્યાંથી પ્રાપ્ત થાય? આ માટે શરીર તથા પરિવારની લિપ્સા તથા તૃષ્ણાઓ પાછળ મોટાભાગની જે શક્તિ ખર્ચાઈ જાય છે તેમાં કાપ મૂકી આત્મકલ્યાણ માટે જે કાંઈ થઈ શકે તે કરવું જોઈએ. આ પ્રક્રિયા સમયદાન અને અંશદાનના રૂપમાં આ સનાતન પરંપરા અપનાવવા માટે દરેક જાગરૂક આત્માને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે જ છે.

ગાયત્રી પરિવારના નવા સભ્યોને ઓછામાં ઓછો એક કલાકનો સમય અને એક રૂપિયો દરરોજ જ્ઞાનયજ્ઞ માટે ખર્ચતા રહેવાનું કહેવામાં આવે છે. જાગ્રત આત્માઓ તથા પ્રાણવાન પ્રજ્ઞાપુત્રોને એના કરતાં કંઈક વધારે કરવા માટે દબાણ કરવામાં આવે છે. એમને મહિનામાં એક દિવસની આજીવિકા તથા નવરાશનો સમય યુગપરિવતનના કાર્ય માટે કાઢવાનું કહેવામાં આવે છે. જીવનમાં જો કંજૂસાઈ તથા નિષ્ઠુરતા જ રહે, શ્રદ્ધા ન જાગે અને ઉદારતા તથા સેવાસાધના કરવામાં ન આવે તો માનવું જોઈએ કે પથરાળ જમીનમાં ખેતી કરવાની જેમ નિરર્થક વિડંબના જ થઈ રહી છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: