JP-26. આધ્યાત્મિક કાયાકલ્પનું વિધિવિધાન ભાગ-૨ – પ્રવચન : ૧
February 11, 2021 Leave a comment
આધ્યાત્મિક કાયાકલ્પનું વિધિવિધાન ભાગ-૨
ગાયત્રી મંત્ર મારી જોડે બોલો –
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યું ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |
મિત્રો કલ્પ એટલે પરિવર્તન. પરિવર્તન ક્યાં કરવાનું? પરિવર્તન કોણ કરશે? કેવી રીતે શક્ય છે? તમે થોડો સહકાર આપજો અને હું તમને મદદ કરીશ. કાલે મેં તમને કહ્યું હતું કે તમારે તમારી અંદરના દૃષ્ટિકોણને બદલવો પડશે. નિત્યક્રમ પણ એમાં મદદરૂપ થાય છે. એટલે તમારી પાસે જપ કરાવીએ છીએ, ધ્યાન કરાવીએ છીએ. ભોજનમાં પણ આહારની સાધના કરાવીએ છીએ. આ ક્રિયાનો અર્થ એ થાય કે તમારા આંતરિક દૃષ્ટિકોણ, ચિંતન, ચરિત્ર, સ્વભાવ, રુચિ અને આકાંક્ષાને બદલો. તમે જો એવું માનતા હો કે ફક્ત અનુષ્ઠાન અને નિત્યક્રમ પ્રમાણે કાર્ય કરવાથી જાદુ થઈ જશે અને બધી સિદ્ધિઓ મળી જશે, તો એ ભ્રમ દૂર કરી દેજો. પ્રયત્ન તમારે જ કરવો પડશે. તમે જો ગુરુદેવ અને માતાજીના આશીર્વાદથી બદલાવા ઇચ્છતા હો અને જાતે પ્રયત્ન કરવા તૈયાર ન હો તો સફળતા મળશે નહિ. તમારો સમય નકામો જશે. સારું તો એ છે કે પહેલાં તમે વાસ્તવિકતાને સમજી લો, પછી જ કાયાકલ્પની શરૂઆત કરો.
મહામના માલવીયાજીએ કાયાકલ્પ સાધના કરી હતી. તેઓ પણ એવું વિચારતા હતા કે કાયાકલ્પ થઈ જશે. મેં તમને જણાવી દીધું છે કે શરીરનો કાયાકલ્પ થતો નથી, પરંતુ મનનો કાયાકલ્પ કરવા માટે એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે છે જે શરીરના કાયાકલ્પ માટે પહેલાં ઉપયોગમાં લેવાતી હશે. મહામના માલવીયાજીનો કાયાકલ્પ કેવી રીતે થયો ? મથુરા જિલ્લામાં કોસી નામની એક જગ્યા હતી. ત્યાં નજીકના જંગલમાં એક મહાત્મા રહેતા હતા. એમનું નામ તપસીબાબા હતું. તેમણે માલવીયાજીનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું તમારો કાયાકલ્પ કરાવી દઈશ. એમણે માલવીયાજીને પંચકર્મ કરાવ્યું. શરીરના શુદ્ધિકરણને પંચકર્મ કહે છે. એમાં સ્નેહન, વમન, વિરેચન અને બસ્તી વગેરે દ્વારા શરીરનું શુદ્ધિકરણ થાય છે. પંચકર્મમાં વમન અને વિરેચન દ્વારા આમાશયમાં જે મળ અને ઝેર હોય તે દૂર થાય. આંતરડામાં જે ઝેર હોય તે ઊલટી અને જુલાબ દ્વારા કાઢી નાખવામાં આવે છે. સ્વેદનમાં વરાળ આપી પરસેવા દ્વારા શરીરમાં જ્યાં પણ વિષાણુ અને કચરો હોય તેમને કાઢી નાખવામાં આવે છે. કલ્પનું પહેલું કાર્ય શુદ્ધિકરણનું છે. પછી બીજું કાર્ય ચાલીસ દિવસનું અનુષ્ઠાન એક જ ઝૂંપડીમાં બેસીને કરવાનું, જે બધી બાજુથી બંધ હતી. આ ક્રિયા મનઃક્ષેત્રના કાયાકલ્પ માટે હતી. એનાથી પોતાની અંદર રહેલા દોષદુર્ગુણોને શોધવાનો અવસર મળે અને બીજું એકાંતસેવનનો મહાવરો થાય. ત્રીજું એમને એ દરમ્યાન એવો આહાર આપવામાં આવ્યો કે જેનાથી એમના શરીરમાં નવા કોષો બને અને નવજીવન પ્રાપ્ત થાય. એમાં ગળો જેવી ઔષધિઓ હતી. તેમને સાત દિવસ થર્મોસમાં બંધ રાખવામાં આવતી, પછી લસોટીને પિવડાવવામાં આવતી, જેનાથી શરીરમાંથી જૂની ગંદકી નીકળી જતી અને નવી શક્તિ એટલે કે સગુણોની શરૂઆત થતી. આ કાર્યક્રમ ચાલીસ દિવસ સુધી ચાલ્યો. ચાલીસ દિવસમાં શું લાભ થયો એની તો મને ખબર નથી, પણ માલવીયાજીએ એનો લાભ એ છાપ્યો હતો કે મારી યાદશક્તિ વધી ગઈ છે અને સફેદ વાળ કાળા થઈ ગયા. આવા ઘણા લાભ તેમને થયા હતા, પરંતુ આપણે તો માનસિક કાયાકલ્પ જ કરવાનો છે. એના માટે આ સિદ્ધાંતો બરાબર પાળવાના છે. પહેલાં તમારે તમારી અંદર રહેલા દોષદુર્ગુણ, મનોવિકાર તથા પાપનાં આવરણોને દૂર કરવા તનતોડ મહેનત કરવી પડશે.
તમારું જીવન કેવા કુસંસ્કારોથી ભરેલું છે અને એ કુસંસ્કારોને દૂર કરવા તમારે શું કરવું પડે ? મારી પ્રાયશ્ચિત્ત પદ્ધતિમાં બતાવ્યું છે કે માણસની આધ્યાત્મિક ઉન્નતિમાં તેણે કરેલાં પાપો અને કુકર્મો બાધારૂપ બને છે. કરેલાં દુષ્કર્મો પથ્થરની જેમ નડે છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દેતા નથી. વારંવાર એ ખરાબ મન આગળ વધતાં રોકે છે કારણ કે એને દંડ ભોગવવાનો છે. એટલે સારા કામમાંથી મન હઠી જાય છે. આથી દરેક સાધકે પહેલાં પોતાને શુદ્ધ અને પવિત્ર બનાવવો પડે છે. રંગવાનું કામ કરતાં પહેલાં કપડાંને ધોવાનું કામ કરવું પડે છે. મેલા કપડાને રંગી શકાતું નથી. એટલે પહેલાં તેને ધોવું જ પડે છે. કલ્પસાધનામાં પણ તમારે મનને પવિત્ર બનાવવું જ પડે છે. કુકર્મ છોડવા તમારા પર દબાણ કરવામાં આવશે, ઉત્સાહ પેદા કરવામાં આવશે. તમારા ખરાબ સ્વભાવ, પાપ, કુકર્મો તથા ખરાબ આદતોને તમે દૂર કરો, છોડી દો. મન મક્કમ કરી દોષો તથા દુષ્કર્મો સામે સંઘર્ષ કરો. જો તમે આ કાર્ય નહિ કરો તો મેં તમને કાયાકલ્પનું જે રંગીન સ્વપ્ન બતાવ્યું છે કે તમે દેવ જેવું જીવન જીવી શકશો અને તમે સારા તથા શાનદાર માણસ બનશો એ શક્ય નહિ બને. જો તમે તમારાં દુષ્કર્મોને નહિ છોડો અને પહેલાં જેવું નીચ જીવન જીવશો તો પછી હું શું કરી શકું? તમારી પૂજા ઉપાસના શું કરી શકે? તમને જપ અને અનુષ્ઠાન ચમત્કાર કેવી રીતે બતાવી શકે? અધ્યાત્મ કોઈ જાદુ કે ચમત્કાર નથી. માનસિક પુરુષાર્થને અધ્યાત્મ કહે છે. માનસિક પુરુષાર્થનું જ આ એક કાર્ય કરવાનું છે.
બીજું કામ તમારે એક મહિના સુધી શાંતિકુંજમાં એકાંતસેવન કરવાનું છે. એટલે તમને એક રૂમ આપવામાં આવી છે કે જેથી તમે અનુભવો કે તમે એકલા જ છો, તમારે એકલા જ જવાનું છે. એ એકાંતસેવન છે. એને જ કુટિપ્રવેશ કહે છે. એને જ ગુફાપ્રવેશ કહે છે. પ્રાચીનકાળમાં સંત મહાત્માઓ ગુફામાં રહેતા હતા અને આ સંસારના કુચક્રમાંથી પોતાની જાતને મુક્ત કરતા હતા. સમસ્યાઓના સમાધાન માટે એકાંત જરૂરી છે. એકાંત વગર તમે શાંતિથી વિચાર નહિ કરી શકો કે મારે શું કરવું જોઈએ? દુષ્કર્મો અને દોષદુર્ગુણોમાંથી કેવી રીતે છુટકારો મેળવવો? સદ્ગણ અને પવિત્રતા કેવી રીતે વધારવાં ? આ માટે એકાંતસેવન બહુ મહત્ત્વનું છે.
માતાના ગર્ભમાં બાળક રહે છે તેમ તમારે શાંતિકુંજમાં જ રહેવાનું છે. તમારે ભાવના કરવાની છે કે હું માતાજીના ગર્ભમાં છું. મારો નવો જન્મ થઈ રહ્યો છે. તમે તમારો કાયાકલ્પ કરાવી રહ્યા છો. માતાના પેટમાં જે ગર્ભ હોય છે તે ચૂપચાપ બેસી રહે છે, ગરબડ કરતો નથી. મા જે આપે છે એનાથી એનું પોષણ થાય છે. માતા જેવી રીતે રાખે છે તેમ રહે છે. તેવી જ રીતે તમારે પણ અહીં રહેવાનું છે. શાંતિકુંજ ગુરુજીનો વાસણ પકવવાનો ભઠ્ઠો છે. આ ભઠ્ઠામાં તમને પકવવામાં આવે છે. જો તમે એક મહિના સુધી ભઠ્ઠામાં પાકતા રહેશો અને ગરબડ નહિ કરો તો મઝા આવી જશે. તમે તમારા મનને અહીંતહીં ભટકવા દેશો નહિ. ઘરવાળાંને યાદ ના કરશો. દુનિયાની સમસ્યાઓ ઉપર ધ્યાન ના આપશો. વાસણ કહે કે દિવસે અમે બજારમાં ફરી આવીએ, રાત્રે ભટ્ટામાં પાછા આવી જઈશું તો વાસણ પાકી શકે ખરાં? એટલે તમે બહારની ચિંતા છોડો અને મનને બીજે ભટકવા ના દેશો. તો શું કરીએ? જો ત્રીજું કામ પૂરું કરો તો સમજી લેજો કે તમારી કલ્પસાધનાનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો. ટોનિક સેવન કરવું પડશે. ટોનિક સેવનનો અર્થ તમારામાં જે સુવિચારોનો અભાવ છે એ વિચારોનું ફરીથી સેવન કરવાનું ચાલુ કરી દો. આ ટોનિક તમને મળ્યું નથી, એટલે તમે કુપોષણનો શિકાર બન્યા છો. એટલે જ તમારું માનસિક સ્વાથ્ય બગડ્યું છે. તો એના માટે શું કરવાનું છે? તમારે હંમેશાં એવી વિચારધારાની સાથે, એવા લોકોની સાથે, ઉચ્ચ લક્ષ્ય સાથે, મહાન સત્તાની સાથે સંપર્ક રાખવો પડશે કે જે તમને મહાન બનાવી શકે તેવી સમર્થ હોય, જે તમને સહારો આપી શકે, ઊંચા ઉઠાવી શકે. એવી મહાન સત્તાના સંપર્કમાં
આવો, સાથે સાથે ભગવાન સાથે પણ સંપર્ક રાખો. નકામી દુનિયામાંથી તમારું મન પાછું વાળી લો. થોડા સમય સુધી એમ માનો કે હું અને મારો ભગવાન બે જ છીએ, તો લક્ષ્યની પ્રાપ્તિ જલદી થઈ જશે.
ભગવાન કોને કહેવામાં આવે છે ? ભગવાન એટલે સદ્દગુણો, સત્પ્રયાસો, આદર્શો. એક ભગવાન એ છે જે વિશ્વને સંભાળે છે. એ ભગવાન વિશ્વવ્યાપી છે. તમે એમના કાયદાનું પાલન કરો અને ફાયદો મેળવો. કાયદો તોડ્યો તો માર ખાવો પડશે. ભગવાન માણસ માટે ન્યાય અને નિયમનનું કામ કરે છે, પરંતુ જે આપણને વ્યક્તિગત મદદ કરી શકે છે તે આપણો અંતરાત્મા છે. અંતરાત્માને જ પરમાત્મા કહે છે. ગુણ, કર્મ તથા સ્વભાવની વિશેષતાનું નામ જ પરમાત્મા છે. તમે એની સાથે તમારી જાતને જોડી દો. અત્યાર સુધી તમારો સંબંધ કુસંસ્કારો સાથે, નિમ્નસ્તરના વિચારો સાથે હતો, ખરાબ અને નીચલી કક્ષાના લોકો સાથે હતો. ચારે તરફ જે ખરાબ વાતાવરણ છે તે તમને પતન સિવાય બીજું શું આપે ? થોડા સમય માટે એ બધામાંથી તમે બહાર આવો અને એવા માણસો સાથે સંબંધ રાખો કે જેમની સાથે રહેવાથી તમારો સ્વભાવ, સંસ્કાર અને વિચારો ઊંચા બની શકે. ઋષિઓ સાથે સંબંધ રાખો, સંતો અને દેવતાઓ સાથે સંબંધ રાખો. ભગવાન સાથે સંબંધ જોડો.
શાંતિકુંજમાં તમારી ચારે બાજુ સંતો, ઋષિઓ અને તેમની સાથે સાથે આદર્શો છવાયેલા છે, સારો દૃષ્ટિકોણ અને પ્રેરણાઓ છવાયેલી છે. તમે ઊંચે ઊઠી શકો એવું માર્ગદર્શન મોજૂદ છે. તમે એમની સાથે સંબંધ રાખો. તમે પાછલી જિંદગીને ના જુઓ, આગલા જીવનને જુઓ. તમે મહાનતા સાથે જોડાઈ જાઓ, આદર્શો સાથે જોડાઈ જાઓ. એક મહિના સુધી જાગૃત રહીને આ કાર્ય કરો. તમારી જાતને સાધનામાં લીન રાખવાની છે. શ્રેષ્ઠ ચિંતન અને મનન કરવાનું છે. સાથે સાથે જપ અને અનુષ્ઠાન પણ કરવાનું છે. યોગાભ્યાસ પણ કરવાનો છે. દોષ દુર્ગુણોમાંથી છુટકારો મેળવી પવિત્ર બનવાનું છે. કુવિચારોમાંથી મુક્તિ મેળવી સુવિચારોના ઢાંચામાં ઢળવાનું છે. આ બધું મારા એકલાથી થશે? ના, તમે એકલા નથી. હું તમારી પાછળ છું. અને તમને જરૂર મદદ કરીશ. પરીક્ષામાં બાળકો જ પાસ થાય છે. અભ્યાસ તો એમણે જ કરવો પડે છે. સ્કૂલ પણ એમણે જ જવું પડે છે. શું બાળકો નિશાળે જાય છે અને પોતાના બળે જ પાસ થઈ જાય છે ? ના, માતા એના માટે ખાવાપીવાની વ્યવસ્થા કરે છે. ફીની વ્યવસ્થા એના પિતાજી કરે છે. શિક્ષક એમને ભણાવે છે ત્યારે એ ભણી શકે છે. હું પણ તમારા માટે આ ત્રણેય જરૂરિયાતની વ્યવસ્થા કરવા તૈયાર છું. માતાજી તમારા ભોજનની વ્યવસ્થા કરશે. તમને ઊંચા ઉઠાવવા માટે મારી અને મારા ગુરુની શક્તિ તમને મદદ કરવા માટે શાંતિકુંજમાં હાજર છે.
ગુરુસત્તાની મદદથી આ શાંતિકુંજ બનાવ્યું છે. એમની જ આજ્ઞાથી કલ્પસાધનાની શિબિરો ભરવામાં આવી છે. એવી પરમ ગુરુસત્તા તમને ગુરુના રૂપમાં માર્ગદર્શન આપવા તૈયાર છે અને સહર્ષ અહીંયાં હાજર પણ છે. તમે એમની શક્તિનો લાભ ઉઠાવો. તમે ઇચ્છો તો મને વડીલ તરીકે માની શકો છો. મારી પાસે જે તપ છે, પુણ્ય છે, જ્ઞાન છે, ચરિત્ર છે એનો એક ભાગ તમને આપીશ. પિતા પોતાનાં બાળકોને શિક્ષણ આપે ને સાથે સાથે મદદ પણ કરે છે. મારું શિક્ષણ પણ તમને મળશે. માતાજીનો સ્નેહ અને કૃપા પણ મળશે. ત્રણ બાજુથી તમારી ઉપર સૌભાગ્યની વર્ષા થશે. તમે કેટલા ભાગ્યશાળી છો. તમે માતાજીનો સ્નેહ મેળવી રહ્યા છો તથા પિતાનું અનુશાસન અને સહયોગ પ્રાપ્ત કરી રહ્યા છો. એવી ગુરુસત્તા સાથે જોડાઈ ગયા છો કે જે આખા વિશ્વને સત્પ્રવૃત્તિનું માર્ગદર્શન આપી શકે તેવી સમર્થ છે. આખા જમાનાને બદલવા માટેની શક્તિ ધરાવે છે. તમને માતાપિતા અને ગુરુનો સહયોગ મળતો રહેશે. તમારા માટે કલ્પસાધનાનો લાભ સુનિશ્ચિત છે. તમારું પાછલું જીવન ભલે ગમે તેવું હોય, એ અહીં જ રહી જશે. તમે નવી વિચારધારા ઉત્સાહ અને શાનદાર જીવન લઈને અહીંથી જજો. જીવન જીવવાની મજા આવી જશે.
અત્યાર સુધી તમે પાંજરામાં કેદ હતા એ બંધનો તોડવાની મારી ઇચ્છા છે. તમે પણ પ્રયત્ન કરો અને હું પણ પ્રયત્ન કરીશ. તમે તમારી પાંખો મજબૂત કરો, ઊડવાનું તમારે છે. મારી મદદનો લાભ તમે ઉઠાવો. અહીંના વાતાવરણનો લાભ લો. મારા માર્ગદર્શનને જીવનમાં ઉતારો અને તમારા ભાગ્યને અને ભવિષ્યને શાનદાર બનાવવા કમર કસીને તૈયાર થઈ જાઓ.
તમે ગુફામાં રહો, એકાંતસેવન કરો, હૃદયની ગુફામાં રહો, અંતર્મુખી બનો. બહારની વાતોમાં ધ્યાન ન આપો. ફક્ત તમારી વિચારધારાને બદલો. બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ભવિષ્યનો વિચાર કરો. તમારા પાછલા જીવનનો વિચાર કરી ભવિષ્યમાં સુખી થવા સુવિચારોનું આયોજન કરો. મારા સહયોગનો ઉપયોગ તમારી જરૂરિયાત પ્રમાણે કરો. મેં તમને થાળીમાં ભોજન પીરસ્યું છે. ભોજન ખાવાની અને પચાવવાની જવાબદારી તમારી છે. બંનેના સહયોગથી અને ભગવાનની કૃપાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તો તમારું શિબિરમાં આવવું સફળ થશે. તમે તમારા તરફથી ઉત્સાહ બતાવો, મનોબળ વધારો. પછી જુઓ, આ કલ્પસાધના સત્ર તમારા માટે કેટલું શાનદાર અને સહાયક બને છે, તમારું ભવિષ્ય અવશ્ય સુધરી જશે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
પ્રતિભાવો