JP-25. કલ્પસાધનાનો ઉદ્દેશ્ય અને સ્વરૂપ – પ્રવચન : ૨

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો -ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્  |

કલ્પસાધનાનો ઉદ્દેશ્ય અને સ્વરૂપ

સંચિત પાપકર્મોનું ફળ રોગ, શોક, ક્ષોભ, નુકસાન, વિપત્તિ વગેરેના રૂપમાં મળે છે તે હકીકત છે. દુખો ભોગવવાં પડે છે તેનું મૂળ કારણ મનુષ્યનું ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણ જ હોય છે. પાપકર્મોનાં બીજ સૌપ્રથમ દુષ્પવૃત્તિના રૂપમાં અંકુરિત થાય છે. ત્યાર બાદ તે મોટાં વૃક્ષો બનીને જ્યાં સુધી ફળવા યોગ્ય નથી થતાં ત્યાં સુધી તેમનું સ્વરૂપ પતન કરનાર દુરાચરણ જેવું હોય છે. કાળાંતરે તેઓ જયારે પરિપક્વ થઈ જાય છે ત્યારે આધિ, વ્યાધિ, વિપત્તિ, હાનિ, નિંદા વગેરેના રૂપમાં દુખ પહોંચાડે છે. દુષ્કર્મોના ફળથી બચવાનો, દૈવી પ્રકોપ તથા સામાજિક તિરસ્કારથી બચવાનો પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેની મદદથી મનુષ્ય આત્મશુદ્ધિનું પ્રયોજન પૂરું કરી શકે છે.

પ્રગતિના માર્ગે આગળ વધવા માટે માણસને જે તપસાધના કરવી પડે છે તેનાં બે સ્વરૂપ છે – પહેલું એ કે આંતરિક અવરોધોથી પીછો છોડાવવો અને બીજું છે આત્મબળ દ્વારા અનુકૂળતા પેદા કરવી. આ જ આત્મિક પુરુષાર્થનું એક માત્ર સાચું સ્વરૂપ છે. ઉપવાસ તથા સુસંસ્કારી અન્નથી શરીરની શુદ્ધિ થાય છે અને મનમાં પ્રજ્ઞાનો પ્રકાશ વધે છે. આત્મિક કાયાકલ્પ માટે પણ શરીરનાં તપતિતિક્ષા દ્વારા જ મદદ મળે છે. ઇન્દ્રિયસંયમ, અર્થસંયમ અને વિચારસંયમનો અભ્યાસ કરવાથી અનિચ્છનીય દુષ્પવૃત્તિઓથી સહજ રીતે છુટકારો મળે છે. જો કુસંસ્કારો ઘટશે તો આંતરિક પ્રખરતા આપોઆપ વધશે.

અન્નને બ્રહ્મ તથા પ્રાણની ઉપમા આપવામાં આવી છે. સામાન્ય રીતે ખોરાક દ્વારા ભૂખ મટાડવાની અને સ્વાદની તૃપ્તિની વાત જ વિચારવામાં આવે છે, પરંતુ એ માન્યતા અધૂરી છે. ભોજન એક યા બીજી રીતે આપણું જીવન છે. જો તેની આરાધના સારી રીતે કરી શકાય તો શરીરને આરોગ્ય, મનને જ્ઞાન અને અંતઃકરણને વરદાન પ્રાપ્ત થાય છે. વ્યક્તિત્વ પ્રતિભાશાળી બને છે અને ભવિષ્યને ઉજજવળ સંભાવનાઓથી જાજવલ્યમાન બનાવી શકાય છે.

સાધનાનું પ્રથમ ચરણ આહારશુદ્ધિ છે. તમોગુણી, ઉત્તેજક, અનીતિથી મેળવેલું તથા કુસંસ્કારી વ્યક્તિએ રાંધેલું યા પીરસેલું ભોજન મનોવિકાર ઉત્પન્ન કરે છે. એટલું જ નહિ, રક્તને અશુદ્ધ તથા વિકૃત કરીને સ્વાથ્યનું સંકટ પણ ઊભું કરે છે. આત્મિક પ્રગતિમાં તથા સાધનાની સફળતામાં તો કુધાન્યનો, અભક્ષ્ય ખોરાકનો ઝેર જેવો પ્રભાવ પડે છે. મન એટલું બધું ચંચળ થઈ જાય છે કે તે સામાન્ય કાર્યો કરવામાં પણ એકાગ્ર થઈ શકતું નથી, તો પછી સાધના માટે જરૂરી માનસિક એકાગ્રતા આહારશુદ્ધિ વગર કઈ રીતે પ્રાપ્ત થઈ શકે?

પિપ્પલાદ ઋષિ પીપળાનાં ફળો ખાઈને નિર્વાહ કરતા હતા. કણાદ ઋષિ જંગલી ધાન્ય ભેગું કરીને તેનાથી પોતાની ભૂખ શાંત કરતા હતા. ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતાં સૂતાં ધર્મોપદેશ આપી રહ્યા હતા ત્યારે દ્રૌપદીએ પૂછ્યું, “દેવ ! જ્યારે ભરી સભામાં મારાં વસ્ત્રો ખેંચાઈ રહ્યાં હતાં ત્યારે આપે કૌરવોને આ ઉપદેશ કેમ ના આપ્યો?” તેમણે કહ્યું, “તે વખતે મારાં શરીરમાં કુધાન્યથી બનેલું રક્ત વહી રહ્યું હતું. તેથી બુદ્ધિ પણ એવી જ બની ગઈ હતી. હવે ઘા પડવાના કારણે તે લોહી બહાર નીકળી ગયું છે. તેથી મારી મનઃસ્થિતિ યોગ્ય વિચારીને સાચી સલાહ આપવા યોગ્ય બની ગઈ છે.” ઉચ્ચ સાધનાઓમાં ઉપવાસનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. સાધના માટે મન સાત્ત્વિક હોવું ખૂબ જરૂરી છે. મનને શાંત, સ્થિર તથા સાત્ત્વિક બનાવવા માટે અન્નની સાત્વિકતા તથા ઉપવાસ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

સાધના દરમિયાન જે આહાર લેવામાં આવે તે દરરોજના કરતાં અડધો કે તેના કરતાં પણ ઓછો લેવો જોઈએ. તે સાત્ત્વિક તથા સુપાચ્ય હોવો જોઈએ. વરાળથી રાંધેલા અન્નને વૈજ્ઞાનિક તથા શાસ્ત્રીય બંને મતે શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. તેલ, મીઠું, મરચું, મસાલા, ગળપણ વગેરેથી ટેવાયેલું મન પોતાની આદત એકદમ છોડી શકતું નથી, પરંતુ ધીરે ધીરે સ્વાદ વગરનો આહાર તેને રુચિકર લાગવા માંડે છે. હવિષ્યાન્ન, અમૃતાશન વગેરે એકલાં અથવા શાક નાંખીને વરાળથી રાંધીને દિવસમાં બેવાર અડધી માત્રામાં ગ્રહણ કરવાનું વિધાન છે.

પ્રાયશ્ચિત્તનાં ત્રણ પાસાં છે – (૧) વ્રત, ઉપવાસ જેવી તિતિક્ષા (૨) સંચિત કુસંસ્કારોનો નાશ કરીને તેમની જગ્યાએ ઉચ્ચ સ્તરની શાલીનતાની સ્થાપના કરવાનો અંતર્મુખી પુરુષાર્થ (૩) ખોદેલી ખાઈને પૂરવા માટે પુણ્યપરમાર્થનું સાહસ. આ ત્રણેયનો સમાવેશથી જ પ્રાયશ્ચિત્તની પ્રક્રિયા પૂરી થાય છે. એકાંતસેવન, આહાર સંયમ તથા નિર્ધારિત ચિંતન આ ત્રણ કલ્પસાધનાના આધાર છે. રોગી ચિકિત્સકને પોતાના રોગનું સ્વરૂપ તથા તેનો ઇતિહાસ પણ જણાવે છે. તેના આધારે નિદાન કરી ઉપચારની વ્યવસ્થા કરવામાં આવે છે. કલ્પસાધનામાં સાધકે પોતાના માર્ગદર્શકને પોતાનાં સંચિત પાપકર્મોનું વિસ્તૃત વર્ણન, સ્વભાવગત દોષદુર્ગુણો તથા આત્મિક અવરોધોનું વિવરણ કરવું પડે છે. આ બંને બાબતો પર ઊંડું ચિંતન કર્યા પછી જ દરેક વ્યક્તિને વિશેષ સલાહ આપી શકાય છે તથા ઉપાય અને ઉપચાર બતાવી શકાય છે. એની સાથે સાથે દરેક સાધકને તેની સ્થિતિને અનુરૂપ વિશિષ્ટ સાધના પણ બતાવવામાં આવે છે. આને કોઈ કુતૂહલ કે સામાન્ય ચિહ્નપૂજા માનવામાં આવતી નથી. માત્ર યાંત્રિક રીતે એવી સાધના કરવાથી તેનું પ્રયોજન સિદ્ધ થતું નથી. એમાં ગંભીર થવું પડે છે અને નક્કી કરેલા અનુશાસનનું કઠોરતાપૂર્વક પાલન કરવું પડે છે.

ઉપવાસ સાથેનાં અનુષ્ઠાન તો અવારનવાર થતાં રહે છે, પરંતુ અંતઃકરણના કાયાકલ્પની સાધના એનાથી આગળની બાબત છે. એ માટે તેને અનુરૂપ તીર્થ જેવું પવિત્ર વાતાવરણ, યોગ્ય સાધના અને ઋષિ જેવા મહાપુરુષનું માર્ગદર્શન જરૂરી છે. આ જરૂરિયાત શાંતિકુંજમાં જેટલી સારી રીતે પૂરી થઈ શકે છે તેટલી બીજે ક્યાંય પૂરી થવી મુશ્કેલ છે. એ સાધના દરમિયાન સાંસારિક ચિંતનને સાવ છોડી દઈને માત્ર આધ્યાત્મિક આવશ્યકતાઓ અને આંતરિક સમસ્યાઓને હલ કરવામાં જ પોતાના ચિત્તને સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખવું જોઈએ. ભૌતિક જીવનની સમસ્યાઓ એટલી મુશ્કેલ હોય છે કે તેમને હલ કરવાનાં સાધનો ભેગાં કરવામાં લગભગ આખું જીવન ખર્ચાઈ જાય છે. આત્મિક જીવન તો આના કરતાં પણ વધારે વ્યાપક અને મહત્ત્વપૂર્ણ છે. તેની ગૂંચવણો ઉકેલવા અને પ્રગતિ માટેનો સરંજામ ભેગો કરવા માટે નવેસરથી સાહસ એકઠું કરવું પડે છે. આટલા મોટા કામ માટે નિયત સાધના એ જ છે કે એમાં ભૌતિક ચિંતનને સહેજ પણ સ્થાન ન આપવું જોઈએ. પોતાના સમય અને મનોયોગને  નક્કી કરેલાં પ્રયોજનો પાછળ જ ખર્ચવા જોઈએ. મનને સહેજ પણ અસ્તવ્યસ્ત થવા દેવું ન જોઈએ.

સાધનાને વ્રત, તપ તથા “કલ્પ’ના નામે પણ ઓળખવામાં આવે છે. વ્રત અર્થાત્ સંયમ, અનુશાસન નક્કી કરીને તેનું પાલન કરવું. તપ અર્થાત્ સંચિત કુસંસ્કારો સામે સંઘર્ષ કરવો અને શાલીનતા કેળવવાનો અભ્યાસ તથા પુરુષાર્થ કરવો. કલ્પ અર્થાત પાછલી ખરાબ સ્થિતિને બદલીને તેના સ્થાને ઉત્કૃષ્ટતાની સ્થાપના કરવી. આ ત્રણેય પ્રયત્નો જ્યારે એક સાથે કરવામાં આવે છે ત્યારે જ્ઞાન અને કર્મની ગંગાયમુના મળતાં ભક્તિભાવનાની એક નવી ધારા દિવ્ય જીવનની સરસ્વતીના રૂપમાં પેદા થાય છે. આ સમન્વયથી ત્રિવેણી સંગમ બને છે. તેમાં ડૂબકી મારનાર મનુષ્ય આ ધરતી પર સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કરે છે, જીવનમુક્ત બને છે અને મનુષ્યના રૂપમાં દેવતા કહેવાય છે. આ પરમ લક્ષ્યને પૂરું કરવું તે આંતરિક કાયાકલ્પની સાધનાનો મૂળભૂત ઉદેશ્ય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: