JP-42. પહેલવાનની નકલ : અધ્યાત્મનો મર્મ સમજો-પ્રવચન : ૧
February 11, 2021 Leave a comment
પહેલવાનની નકલ : અધ્યાત્મનો મર્મ સમજો
દેવીઓ, ભાઈઓ ! પહેલવાનની નકલ દેવીઓ, ભાઈઓ ! એક પહેલવાનની ચોમેર ખ્યાતિ ફેલાઈ ગઈ. ઠેકઠેકાણે તેને આમંત્રણ મળવા માંડ્યાં. અખાડામાં જીતીજીતીને તે નામ કમાવા લાગ્યો. અખબારોમાં તેના ફોટા છપાવા લાગ્યા. લોકોને ઈચ્છા થઈ કે આપણે પણ પહેલવાન બનવું જોઈએ. તેઓ પહેલવાન પાસે ગયા અને જોયું કે પહેલવાન શું કરે છે. તેને દંડ પીલતાં જોયો, બેઠક કરતાં જોયો. આ જોઈને કેટલાય માણસોએ દંડ પીલવાનું અને બેઠક કરવાનું શરૂ કરી દીધું, પરંતુ દંડ પીલવામાં અને બેઠક કરવામાં ઘણો લાંબો સમય વીતી ગયા પછી પણ એકેય માણસ પહેલવાન ન બની શક્યો કે પહેલવાન જેવી ખ્યાતિ ન મેળવી શક્યો. તેઓ ફરીથી તેની પાસે ગયા અને કહ્યું, દોસ્ત, સાચેસાચું કહો કે જે અમે કરીએ છીએ એ જ તમે કરો છો? પહેલવાને જોયું, નિરીક્ષણ કર્યું અને કહ્યું કે જેવું તમે કરો છો એવું જ હું કરું છું. કોઈ ફરક નથી. લોકોએ કહ્યું કે તો પછી અમે કેમ પહેલવાન ન બની શક્યા અને તમે જ કેમ પહેલવાન બની ગયા?
માત્ર કસરત નહિ, કંઈક વિશેષ
પહેલવાને કહ્યું કે આપે જે ચીજ આંખોથી જોઈ તેની તો નકલ કરી લીધી, પણ જે આંખોથી નથી જોયું તેની નકલ ન કરી. એ કઈ ચીજ હતી, જે આંખોથી ન જોઈ? તેણે કહ્યું કે આપે મારા આહારવિહાર, સંયમ અને બ્રહ્મચર્ય વિશે ધ્યાન ન આપ્યું. હું મારા આહારવિહાર અંગે બહુ સાવધાન રહું છું. સૂવા જાગવાનું હું બહુ ધ્યાન રાખું છું. હું બ્રહ્મચર્યપૂર્વક રહું છું. આપ રહો છો? ના સાહેબ, બ્રહ્મચર્યની કોઈ જરૂર નથી, અમે તો કસરત કરીએ છીએ. હું મારા આહાર પર નિયંત્રણ રાખું છું. અને આપ? તેમણે કહ્યું કે નિયંત્રણથી શો ફાયદો? આહારવિહારની, બ્રહ્મચર્યની જરૂર શું છે? આપ પણ દંડ પીલો છો, અમે પણ દંડ પીલીશું. પહેલવાને કહાં કે આપનું કહેવું ખોટું છે. વ્યાયામની ખૂબ આવશ્યક્તા છે અને તે ખૂબ મહત્ત્વનો છે, પરંતુ વ્યાયામ કરતાં સોગણું, હજારગણું મહત્ત્વ એ બાબતનું છે કે માણસની રહેણીકરણી અને આહારવિહાર કેવા પ્રકારનાં છે? આપ રહેણીકરણી અને આહારવિહારની ઉપેક્ષા કરશો અને ફક્ત આંખથી જે કસરત દેખાય છે તેને જ સર્વસ્વ માની લેશો, તો પછી ફાયદો કેવી રીતે થઈ શકે? તેની વાત સાચી હતી.
પ્રતિભાવો