JP-42. વિધિથી અધ્યાત્મ સમજાશે નહિ : અધ્યાત્મનો મર્મ સમજો-પ્રવચન : ૨
February 12, 2021 Leave a comment
વિધિથી અધ્યાત્મ સમજાશે નહિ : અધ્યાત્મનો મર્મ સમજો
મિત્રો, આ ભૂલ આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ થતી રહે છે. લોકો ક્રિયાકલાપને, કર્મકાંડોને જ સર્વસ્વ માની લે છે. ગુરુજી! આપે કુંડલિની જગાડવા માટે કયો મંત્ર જપ્યો, કેવા પ્રાણાયામ કર્યા ? કૃપા કરીને તેના નિયમો બતાવી દો. ચક્રવેધન માટે શું શું કર્યું? ચાલો, હમણાં જ બતાવી દઉં છું. તો ગુરુજી, અમારું પણ ચક્રવેધન થઈ જશે? ના, આપનું નહિ થઈ શકે. તો પછી આપ તેની વિધિ છપાવી રહ્યા હશો. ના બેટા, હું વિધિ નથી છુપાવતો. મેં જે વિધિ કરી છે તે જ હું બતાવું છું, પણ એ વિધિ કર્યા પછી પણ આપ કોઈ ફાયદો નહિ ઉઠાવી શકો. આપની મહેનત, આપનો શ્રમ બેકાર જશે અને આપને નિરાશા મળશે. આપ મંત્રને વગોવશો, વિધિ બતાવનારને વગોવશો અને વિધાનને પણ વગોવશો. એટલા માટે હું આપને નથી બતાવતો. તો મહારાજજી! ફક્ત વિધિથી સફળતા નથી મળતી? ના, વિધિથી સફળતા મળી શકતી નથી. તો શું, વિધિ નકામી છે? હું ક્યાં નકામી કહું છું?
પરેજી – આહારવિહારનું મહત્ત્વ
બેટા, મેં આપને ક્યારે કહ્યું કે દવાખાવી નકામી છે? દવા બહુ જરૂરી છે, પરંતુ દવાની સાથે પરેજી પાળવી વધુ જરૂરી છે. પરેજી ન પાળીએ અને દવા ખાતા રહીએ તો? તો દવા નકામી. દવાના પૈસા બગાડવા જેવું થશે. ડૉક્ટર, વૈદ્ય, આપ અને દવાઓ બધું જ બેવકૂફ સાબિત થશે. અરે મહારાજજી ! દવાઓની હમણાં આપ પ્રશંસા કરી રહ્યા હતા, હવે ગાળો દો છો, શું વાત છે? બેટા, હું ગાળ એટલા માટે દઉં છું કે આપ આહારવિહાર પર કાંઈ ધ્યાન નહિ આપો, પરેજી નહિ પાળો, ઇચ્છો એવું ખાશો, ઇચ્છો એમ રહેશો અને પછી વિચારશો દવા ખાઈને સારા થઈ જઈશું, તો એમાં આપને કોઈ ફાયદો થઈ શકે નહિ અને આપના પૈસા પણ બગાડશે. જે હકીમે આપને એમ કહ્યું હોય કે ફક્ત દવા ખાઓ અને સારા થાઓ તો હું એ હકીમ અને દર્દી બંનેને ખોટા કહું. બંનેએ એ જાણવું અને સમજવું જોઈએ કે જેટલી કિંમત દવાની છે તેનાથી વધારે પરેજીની છે. પરેજી પાળો તો આપ દવા વિના પણ સારા થઈ શકો છો. કુદરત આપનું સ્વાથ્ય ઠીક કરી દેશે. જંગલોના ભીલ અને બીજા આદિવાસી લોકો સારા થઈ જાય છે તેમ આપ પણ સારા થઈ જશો. આપ મોંઘામાં મોંઘી અને સો થી શ્રેષ્ઠ દવા ખાઓ અને આપના આહારવિહારનું ઉલ્લંઘન કરતા રહો, તો બધી જ દવા નકામી બની જશે.
મિત્રો, ઉપાસનાનું, રામનામનું મહત્ત્વ આકાશ -પાતાળ જેટલું બતાવવામાં આવ્યું છે એ તો બરાબર છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે એક ખેડૂતની જમીનમાં ખૂબ સારો પાક થાય છે અને બીજાની જમીનમાં નથી થતો એનું શું કારણ છે? જે બીજ આપે વાવ્યાં એ જ અમે વાવ્યાં. બીજ અને વાવણીની પ્રક્રિયા તો સરખા જ રહી, પરંતુ જમીનમાં આકાશપાતાળ જેટલો ફરક રહ્યો. આપે આપની જમીનમાં ન પાણી સીંચ્યું, ન ખાતર નાંખ્યું, ન ગોડ માર્યો. બસ, બીજ વાવી દીધું અને હવે આપ કહો છો કે આપના ખેતરમાં વધુ પાક થયો અને મારા ખેતરમાં પાક કેમ ન થયો? બીજ વાવવાની ક્રિયા જે આંખથી દેખાય છે તેને તો આપ માની લો છો, પણ જમીનને બરાબર રાખવા, ભેજવાળી રાખવા સિંચાઈ, નીંદવા માટે, ખાતર માટે મહેનત કરવામાં આવતી રહી અને સાધનો ભેગાં કરવામાં આવતાં રહ્યાં એ આપે ન જોયું. બી વાવશું અને પાક લણીશું, સાહેબ! રામનું નામ લઈ લીધું અને ચમત્કાર પામીશું, મંત્રજપ કરીશું અને ચમત્કાર પામીશું અને કુંડલિની જાગરણ કરીશું, ચમત્કાર પામીશું.
ક્રિયાની સાથે ભાવ પણ
ક્રિયા પોતાની રીતે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે ભાવયોગનો સમન્વય પણ વધુ જરૂરી છે. આપની પાસે ધનુષબાણ છે.તેનાથી આપ શિકાર ખેલી શકો છો, પરંતુ તેના માટે હાથનાં કાંડાંમાં તાકાત હોવી પણ જરૂરી છે. તલવારનું મહત્ત્વ ઓછું કેવી રીતે આંકીએ? આપની તલવાર ગમે તેટલી કિમતી કેમ ન હોય, પણ તે પકડવા માટે હાથના કાંડામાં બળ હોવું જોઈએ. ના સાહેબ! મારા કાંડામાં તો જોર નથી, તાવમાં પડ્યો છું. આપ તલવાર આપો, હું ડાકુઓનો સામનો કરીશ. ના બેટા, ડાકુ તારી તલવાર છીનવી જશે અને તારી પચાસ રૂપિયાની તલવાર પણ જશે. તું ન જા. તારું જવાનું નકામું છે. તલવાર ચલાવીશ તો તારું કાંડું મચકોડાઈ જશે. ના મહારાજજી ! તલવારથી હું બધાને મારી નાંખીશ. ઠીક છે. લે આ શિવાજીવાળી તલવાર, પણ તેનાથી તું કોઈને મારી નહિ શકે કારણ કે તારા કાંડામાં જોર નથી.
પ્રતિભાવો