JP-42. કર્મકાંડ અને ભાવનાઓનો સમન્વય કરો : અધ્યાત્મનો મર્મ સમજો-પ્રવચન : ૪
February 14, 2021 Leave a comment
કર્મકાંડ અને ભાવનાઓનો સમન્વય કરો : અધ્યાત્મનો મર્મ સમજો
સાથીઓ! આ રીતે આપે કર્મકાંડ અને ભાવયોગના ફરકને અને સમન્વયને સમજવા પડશે. જો આપ અધ્યાત્મના માર્ગે ચાલવા માગતા હો, તો બંને કદમ મેળવીને ચાલવાથી જ એ મંજિલને પાર કરી શકાય છે. એક કદમથી મંજિલ પાર થઈ શકતી નથી. કેવળ કર્મકાંડ આપ ગમે તેટલાં કેમ ન કરી લો, આપ ગમે તેટલાં અનુષ્ઠાન કેમ ન કરી લો, પરંતુ જો આપ એ ક્રિયાઓની, જેની તુલના હું આહારવિહાર સાથે કરું છું, જેને હું આત્મસંશોધન અને આત્મપરિષ્કાર કહું છું તેની આપ ઉપેક્ષા કરવા લાગશો, જો આપ એવું માનશો કે જપ કરવા પૂરતા. છે, રામાયણ વાંચવું પૂરતું છે, તો પછી હું આપની નિંદા કરીશ અને એમ કહીશ કે આપ મકસદ સુધી પહોંચી નહિ શકો અને જે ફાયદો લેવો જોઈએ તે આપ લઈ નહિ શકો.એટલા માટે આપ વાસ્તવિકતા જેટલી જલદી સમજી લો એટલું સારું. કર્મકાંડ નિરર્થક નથી. હું તેની નિંદા નથી કરી રહ્યો, પરંતુ કર્મકાંડની સાથે વ્યક્તિત્વનું જોડાયેલું હોવું, મનુષ્યનું જીવન પરિષ્કૃત હોવું, માણસનું સાચા હોવું, ખૂબ આવશ્યક છે. આધ્યાત્મિકતાની આ પહેલી શરત છે. જો આપ આ શરત પૂરી ન કરી શકો તો પછી સફળતા કેવી રીતે મળી શકે? આ શરત અનિવાર્ય છે, આવશ્યક છે. આ શરતની ઉપેક્ષા થઈ શકતી નથી.
સાચી સલાહ
મિત્રો ! સ્વાધ્યાયની દૃષ્ટિએ જો આપે ક્યારેક બેમાંથી એક – વ્યાયામ કે આહારવિહારની ઉપેક્ષા કરવી જ પડે, તો હું વ્યાયામની ઉપેક્ષા કરવા માટે આપને છોડી શકું. ગુરુજી ! અમે તો ઘણા દિવસ સુધી જીવવા અને સ્વસ્થ રહેવા માગીએ છીએ. સારું, તો આપ બેમાંથી એક પસંદ કરો. જો આપ વ્યાયામ માટે કહેશો તો અમે આહારવિહાર બરાબર નહિ રાખીએ. જો આપ આહારવિહાર માટે કહેશો તો વ્યાયામ બરાબર નહિ કરીએ. બેટા,બંનેને મેળવીને ચાલવામાં શું તકલીફ છે? ના સાહેબ, બંને તો અમે નહિ કરીએ. એક કરી લઈશું. આપ સૂવાની, જાગવાની, બ્રહ્મચર્યની, આહારવિહાર વગેરેની વાતો ન કહેશો, અમે ફક્ત વ્યાયામ કરતા રહીશું. બેટા, બંને કરી લઈશ તો તારું શું બગડશે? ના મહારાજજી ! આપ બેમાંથી એકનો ફેંસલો કરી દો. એ જ અમે કરીશું. ઠીક છે બેટા, તો પછી હું એ વાતની સલાહ આપીશ કે તું તારો આહારવિહાર બરાબર રાખ. જો તું વ્યાયામ નહિ કરે તો કંઈ એટલું બધું નુકસાન નહિ થાય. હા, જો આહારવિહાર બરાબર રાખવાની સાથે વ્યાયામ પણ કરીશ તો તારી જિંદગી લાંબી થઈ શકે છે. તું મજબૂત બની શકે છે, પણ જો તું એ જ વાતની હઠ લઈશ કે હું એક જ ચીજ કરીશ તો તું બરાબર આહાર લે, સમયસર સૂવાનું અને જાગવાનું રાખ. સંયમ રાખ, બ્રહ્મચર્યનું પાલન કર, તો જ વાત બનશે.
ઊંડા કુસંસ્કાર
મિત્રો! એટલે અધ્યાત્મ માટે મારે લોકોને વારંવાર આ નાનીમોટી વાતો વિશે કહેવું પડે છે. ગયા વખતે જ્યારે આપ આવ્યા હતા ત્યારે પણ આ જ કહ્યું હતું. પછી આપ કહો છો કે ગુરુજી, આ વાત આપ પહેલાં પણ કહેતા હતા, એ જ અત્યારે પણ કહી રહ્યા છો. શું કરું બેટા, આપને હજી સુધી આ વાત સમજાઈ નથી અને હું જાણતો નથી કે કેટલા સમયમાં તે સમજાશે.ચાલો, આને હું આધ્યાત્મિક્તાના ક્ષેત્રનો કુસંસ્કાર કહું છું. આ કુસંસ્કાર એટલો ઊંડો છે કે લોકોએ એમ સમજી લીધું છે કે પૂજાપાઠની પ્રક્રિયા કર્યા પછી માણસને ભગવાન પાસે જવાની સંમતિ મળી જાય છે અને ભગવાન તથા દેવીદેવતાઓનો પ્રેમ મળી જાય છે. આને હું કુસંસ્કાર કહું છું. આ કુસંસ્કાર કાઢવા માટે મારે વારંવાર આપની સાથે લડાઈ કરવી પડે છે. વારંવાર સત્યનારાયણની કથા કહેવી પડે છે અને વારંવાર ગાયત્રી મંત્રના જપ કરવાની વાત કહેવી પડે છે. વારંવાર એકની એક જ વાત કહેવી પડે છે, જેથી આ કુસંસ્કાર આપના મનમાંથી નીકળી જાય. આને ભક્તિ કે યોગ ન કહેતાં હું કુસંસ્કાર જ કહીશ, જેને આપે સર્વસ્વ માની લીધાં છે. જો આ કુસંસ્કાર આપના મનમાંથી નીકળી ગયા, તો હું સમજીશ કે મારો પરિશ્રમ સાર્થક થઈ ગયો અને આપને આધ્યાત્મિકતાના દ્વારમાં પ્રવેશવાનો અને અંદર જવાનો માર્ગ મળી ગયો.
શિક્ષણ ક્રમવાર જ સંભવ
મિત્રો ! જો આપ વાત સમજી ગયા હોત અને આપે આ વાત પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હોત કે અમે અમારા જીવનની રીતિનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કરીશું, અમારા કાર્યોમાં ફેરફાર કરવાનું શરૂ કરીશું, અમારી વિચાર કરવાની પ્રક્રિયામાં અને દૃષ્ટિકોણમાં ફેરફાર કરીશું, તો હું આપને આગળનો પાઠ ભણાવત. પછી હું આપને કુંડલિની યોગનું શિક્ષણ આપત, ચક્રજાગરણનું શિક્ષણ આપત. પછી આપને કેવું કેવું શિક્ષણ આપત? કેટલુંય શિક્ષણ મારી પાસે પડેલું છે, પરંતુ હું જોઉં છું કે જો હું સીધો એમ.એ. નો પાઠ ભણાવવાનું શરૂ કરી દઉ તો આ બાળકો પર જુલમ થશે. અરે, એમનેતો હજી ગણતરી કરતાં પણ આવડતું નથી, પલાખાં સુધ્ધાં નથી આવડતાં,કવિતા નથી આવડતી અને હું એમને ફિઝિક્સ ભણાવવાનું શરૂ કરી દઉં, કેમેસ્ટ્રી ભણાવવાનું શરૂ કરી દઉં, એના કરતાં તો એમને ન ભણાવું એ વધુ સારું. એમને એમ કહ્યું કે પહેલાં આપ કક્કો વાંચતાં શીખો, અક્ષરજ્ઞાન મેળવો, ગણતરી કરતાં શીખો, લખતાં શીખો, જ્યારે આપ આટલું શીખી લો ત્યારે હું આપને ફિઝિકસ શીખવવા તૈયાર છું. ના મહારાજજી! આપ તો ફિઝિક્સની નિંદા કરતા હતા. હા બેટા, એટલા માટે નિંદા કરતો હતો કે તું સમયથી પહેલાં જ જિદ લઈને બેઠો છે. જે કામ પૂરું કરવું જોઈએ તે કામ પૂરું કરવા માગતો નથી, આકાશમાં છલાંગ મારવા માગે છે, એટલે હું તેની નિંદા કરવા લાગું છું.
આપ પુખ્ત બની જાઓ
મિત્રો ! જ્યારે નાનું બાળક કહે છે કે પિતાજી. મારાં લગ્ન કરી દો. અરે બેટા, તારી વહુ તો કાણી છે. કાણી વહુ સાથે તારાં લગ્ન નહિ કરીએ. મારા દીકરા માટે સારામાં સારી વહુ લાવીશું. કેવડી મોટી વહુ લઈશ? દીવાલ જેટલી. ના, આ દીવાલ તો બહુ મોટી હોય છે, નાની લઈશ. સારું કેવડી મોટી, આ બળદગાડા જેવડી? હા, બળદગાડા જેવડી વહુ લઈશ. ઠીક છે. આપ સૌને મારે આમ જ ફોસલાવવા પડે છે કારણ કે આપ સૌને પાંચ-છ વર્ષમાં કેવી રીતે વહુ લાવીને આપું? ના સાહેબ, મારાં લગ્ન કરી દો. ભાઈનાં લગ્ન થઈ ગયાં છે, મારાં નથી થયાં. બેટા, હજી તું છ વર્ષનો છે અને મોટો ભાઈ બાવીસ વર્ષનો થઈ ગયો છે. તું જ્યારે બાવીસ વર્ષનો થઈ જઈશ ત્યારે તારા માટે પણ વહુ લાવી દઈશ. તને નોકરીએ પણ વળગાડી દઈશ. સારું તો મને સાઈલ લાવી આપો. ના બેટા, હજી તું છ વર્ષનો છે, તારાથી ચડી પણ નહિ શકાય, પડી જઈશ. તું થોડો મોટો થઈ જ, પછી લાવી આપીશ.
મિત્રો! આધ્યાત્મિક ક્ષેત્રમાં હવે આપે પણ મોટા થવું જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપે પુખ્ત બનવું જોઈએ. જ્યારે આપ પુખ્ત થશો ત્યારે હું કે મારા પછી કોઈ બીજું શીખવશે. તે આપને કર્મકાંડ, જેને આપ જાદુ માનો છો અને જેની હું ઠેકડી ઉડાવતો રહું છું કે તે માત્ર જાદુ છે. ના બેટા, એ જાદુ નથી. અધ્યાત્મની ઉપાસનાઓ, સાધનાઓ જાદુ નથી. એ સત્ય છે, પરંતુ હું આપને જાદુ એટલા માટે કહું છું કે માટીમાંથી સોનું બની શકે છે, રૂપિયા બની શકે છે, પરંતુ શરત એટલી જ છે કે તેને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે. જમીનમાં ખેતી કરો અને તેમાંથી રૂપિયા કમાઓ એ રીત સાચી છે. માટીમાંથી આપ સીધા રૂપિયા કમાવા માગો છો, એનો મતલબ એ થયો કે આપ કર્મકાંડથી, પૂજા ઉપાસનાથી, મંત્રતંત્રથી ચમત્કાર ઇચ્છો છો. મંત્રતંત્રમાંથી ચમત્કાર મળતા હોત, તો આ બાબાજીઓ અને પંડિતોએ ક્યારના બધા ચમત્કારો ભેગા કરીને પોતાની ઝોળીમાં ભરી લીધા હોત અને આપને તમાશો જોવા પણ ન મળત.એવું થઈ શકતું નથી. આપ ક્રમવાર વાંચો, વર્ગવાર આગળ વધો, નંબરથી વધો અને જે લાભ ઉઠાવી શકો તે લાભ ઉઠાવો. સમયથી પહેલાં આપ કહેશો કે અમને મૂછ લગાવી દો. સારું બેટા, લાવ ચાર આના, જે અત્યારે જ તને મૂછ લગાવી દઉં છું. અરે આ કેવી મૂછ છે? આ તો નીકળી ગઈ ! તારે કેવી મૂછ જોઈતી હતી? આપના જેવી મૂછ જોઈતી હતી, જે ખેંચવા છતાંય નીકળતી નથી. બેટા, તો અત્યારે થંભી જા. હજી તું છ વર્ષનો છે. વીસ વર્ષ પછી તને અસલી મૂછ આવશે. હજી તારી ઉંમર એટલી મોટી નથી થઈ.
પ્રતિભાવો