SJ-01 : જીવનના સૌભાગ્યનો સૂર્યોદય-૦૨, મારું વિલ અને વારસો
February 17, 2021 Leave a comment
જીવનના સૌભાગ્યનો સૂર્યોદય
મારા જીવનનું પંચોતેરમું વર્ષ પૂરું થઈ ગયું. આટલા લાંબા સમયગાળામાં માત્ર એક જ કામ કરવાનું મન થયું અને એની પાછળ મંડી પડ્યો. એ કામ હતું. “સાધનાથી સિદ્ધિનું અન્વેષણ-પર્યવેક્ષણ. જેવી રીતે વૈજ્ઞાનિકોએ આખી જિંદગી ગાળીને શોધખોળો કરી અને એ દ્વારા આખી માનવજાતિની મહાન સેવા કરી, એ જ રીતે મને લાગ્યું કે પુરાતનકાળથી ચાલી આવતી “સાધનાથી સિદ્ધિની પ્રક્રિયાનો સિદ્ધાંત સાચી છે કે ખોટો એની કસોટી કરવી જોઈએ. એનું પરીક્ષણ બીજાઓના બદલે મારી પોતાની ઉપર જ કરવું જોઈએ. આવા વિચાર દસ વર્ષની ઉંમરથી આવવા લાગ્યા તથા પંદર વર્ષની ઉંમર સુધી મનમાં ઘુમરાતા રહ્યા. આ દરમિયાન બનેલી ઘટનાઓનો પરિચય આપવાનો હોય તો એટલું જ કહી શકે કે મારા પિતાજીએ એમની સાથે અભ્યાસ કરનાર મહામના પંડિત મદનમોહન માલવિયાજી પાસે મારા ઉપનયન સંસ્કાર કરાવ્યા. એને જ “ગાયત્રી દીક્ષા” ગણવામાં આવી. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. પિતાજીએ જ ‘લઘુકૌમુદી’ તથા “સિદ્ધાંત કૌમુદી’ની મદદથી વ્યાકરણ ભણાવ્યું. તેઓ શ્રીમદ્ભાગવતની કથાઓ કરવા રાજામહારાજાઓને ત્યાં જતા હતા. મને પણ સાથે લઈ જતા. આ રીતે આખા ભાગવતનું વૃત્તાંત યાદ રહી ગયું. આ દરમિયાન લગ્ન પણ થઈ ગયું. પત્ની અનુશાસનપ્રિય, પરિશ્રમી, સેવાભાવી અને મારા નિર્ણયોમાં સાથ આપે તેવી હતી. બસ, માની લેવું જોઈએ કે પંદર વર્ષ પૂરાં થયાં.
સંધ્યાવંદન મારો નિયમિત ક્રમ હતો. માલવિયાજીએ ગાયત્રી મંત્રની વિધિવત્ દીક્ષા આપી હતી અને કહ્યું હતું કે “આ બ્રાહ્મણની કામધેનુ છે. એનો સતત જપ કરતો રહેજે. પાંચ માળા અનિવાર્ય, જેટલી વધારે થાય તેટલી ઉત્તમ’ – એ આદેશનું હું સતત પાલન કરતો રહ્યો. ભગવાનની અનુકંપા પંદર વર્ષની ઉંમરે જ મારી ઉપર અનાયાસે વરસી અને એવો જ સુયોગ બનતો ગયો જે વિધાતા દ્વારા મારા માટે પૂર્વયોજિત હતો. બચપણમાં વિચારેલા સંકલ્પને પ્રયાસરૂપે પરિણત થવાનો સુયોગ મળી ગયો.
પંદર વર્ષની ઉંમર હતી. પ્રાતઃકાળની ઉપાસના ચાલી રહી હતી. વસંત પર્વનો દિવસ હતો. એ દિવસે બ્રાહ્મમુહૂર્તમાં મારી ઓરડીમાં જ પ્રકાશપુંજનાં દર્શન થયાં. આંખો ચોળીને જોયું કે આ ભ્રમ તો નથી? પ્રકાશ પ્રત્યક્ષ હતો. એવો વિચાર આવ્યો કે કોઈ ભૂતપ્રેત કે દેવદાનવની આકૃતિ તો નથી? ધ્યાનથી જોવા છતાં પણ એવું કાંઈ લાગ્યું નહિ. એક બાજુ વિસ્મય થતું હતું તો બીજી બાજુ ડર પણ લાગતો હતો. હું સ્તબ્ધ હતો. પ્રકાશ વચ્ચે એક યોગીનું સૂક્ષ્મ શરીર દેખાયું. સૂક્ષ્મ એટલા માટે કે એમની છબી તો દેખાતી હતી, પણ તે પ્રકાશપુંજની વચ્ચે અધ્ધર લટકતી હતી. આ કોણ છે? આશ્ચર્ય થયું.
એ છબીએ બોલવાનું શરૂ કર્યું અને કહ્યું, “હું તારી સાથે ત્રણ જન્મથી જોડાયેલો છું. તને માર્ગદર્શન આપતો આવ્યો છું. તારું બચપણ પૂરું થતાં જ આ વખતે પણ જરૂરી માર્ગદર્શન આપવા આવ્યો છું. કદાચ તને પૂર્વજન્મોની સ્મૃતિ નથી તેથી ભય અને આશ્ચર્ય થાય છે. તારા પાછલા જન્મોનું વિવરણ જો અને તારી શંકાનું નિવારણ કર.” એમની અનુકંપા થઈ અને યોગનિદ્રા જેવાં ઝોકાં આવવા લાગ્યાં. હું બેસી રહ્યો, પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ કે જાણે હું ઊંઘતો હોઉં. તંદ્રા જેવું આવવા લાગ્યું. યોગનિદ્રા કેવી હોય એનો અનુભવ મને જીવનમાં પહેલીવાર થયો. આવી સ્થિતિને જ જાગૃત સમાધિ પણ કહે છે. આ સ્થિતિમાં ડૂબકી મારતાં જ એક પછી એક એમ પાછલા ત્રણ જન્મોનાં દશ્યો મને એવાં ક્રમશઃ દેખાવા માંડ્યાં કે જાણે એ કોઈ સ્વપ્ન નથી પણ પ્રત્યક્ષ બનતી ઘટનાઓ જ છે. ત્રણ જન્મોની ત્રણ ફિલ્મો આંખો આગળથી પસાર થઈ ગઈ.
આજે યાદ આવે છે કે જે સિદ્ધપુરુષે મારી પંદર વર્ષની ઉંમરે ઘેર પધારીને પૂજાની ઓરડીમાં પ્રકાશના રૂપમાં દર્શન આપ્યાં હતાં, એમનું દર્શન કરતાં જ મનમાં તે વખતે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. સામાન્ય રીતે જિજ્ઞાસુ લોકો સદ્દગુરુની શોધમાં ઠેરઠેર ભટકે છે. જેને તેને પૂછે છે. કોઈ કામના હોય તો તે પૂરી કરવા વરદાન માગે છે, પણ મારી સાથે જે ઘટનાઓ બની રહી હતી તે આનાથી બિલકુલ વિપરીત હતી. માલવિયાજી પાસે ગાયત્રી મંત્રની દીક્ષા તો પિતાજીએ આઠ વર્ષની ઉંમરે જ અપાવી દીધી હતી. એને જ પ્રાણદીક્ષા ગણાવી હતી. ગુરુ કરવાની વાત ત્યાં જ પતી ગઈ હતી. બીજા કોઈ ગુરુ મળવાની તો કદી કલ્પના જ નહોતી આવી, છતાં અનાયાસે એ લાભ કેવી રીતે મળ્યો જેના વિશે અનેક કિંવદંતીઓ સાંભળીને મને પણ આશ્ચર્ય થયું.
શિષ્યો ગુરુઓની શોધમાં ફરતા હોય છે. વિનંતી કરે છે. ક્યારેક તેમનાં દર્શન કે મુલાકાત થઈ જાય તો પોતાને ભાગ્યશાળી માને છે. એમની પાસે કંઈક મેળવવાની આશા રાખે છે, તો પછી એવું ક્યું કારણ છે કે મને અનાયાસે જ આવા સિદ્ધપુરુષની કૃપા પ્રાપ્ત થઈ? આ કોઈ છળકપટ તો નથી? ભૂતપ્રેત એકાએક દેખા દે છે અને એમની મુલાકાત થાય તે કોઈ અશુભ-અનિષ્ટનું કારણ માનવામાં આવે છે. દર્શન થયા પછી મનમાં આ જ વિચારો આવવા લાગ્યા. શંકા થઈ કે વિપત્તિમાં ફસાવવા માટે કોઈ અશુભ તત્ત્વ તો પાછળ નથી પડ્યું ને?
મારી આ દ્રિધાને તેઓ સમજી ગયા. છતાં ગુસ્સે ન થયા. પરંત વસ્તુ સ્થિતિને જાણ્યા પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની અને તે પછી જ આગળ પગલાં ભરવાની વાત એમને ગમી. આ બાબત એમની પ્રસન્ન મુખમુદ્રા જોઈને સ્પષ્ટ સમજી શકાતી હતી, કારણ પૂછીને સમય વેડફવા કરતાં પોતાનો પરિચય, આવવાનું કારણ અને પૂર્વજન્મોની સ્મૃતિ તાજી કરાવીને વિશેષ પ્રયોજન માટે મને પસંદ કરવાનો હેતુ પોતે જ મને સમજાવી દેવો તે તેમને યોગ્ય લાગ્યું. કોઈ આપણે ઘેર આવે ત્યારે એનો પરિચય અને આવવાનું કારણ પૂછવાનો એક રિવાજ પણ છે. કોઈ મોટા માણસ જેને ઘેર જાય તેને પણ સમાજમાં લોકો મોટો ગણે છે. આ કારણે કોઈ હલકા માણસને ઘેર જવાથી તો મહામાનવનું મહત્ત્વ પણ ઘટે છે અને કોઈ તર્કબુદ્ધિવાળા માણસના મનમાં આવું બનવા પાછળ કોઈ કારણ હશે જ એવી શંકા ચોક્કસ થાય છે.
પૂજાની ઓરડીમાં પ્રકાશપુંજના સ્વરૂપે રહેલા એ માનવે કહ્યું, “તારું. વિચારવું બરાબર છે. દેવાત્માઓ જેની સાથે સંબંધ બાંધે છે તેમની કસોટી કરે છે. પોતાની શક્તિ અને સમય ખર્ચતાં પહેલાં તપાસ પણ કરી છે. જે ઈચ્છે તેની આગળ પ્રગટ થતા રહે અને તેની ઈચ્છા પૂરી કરવા માંડે એવું નથી બનતું. સુપાત્ર-કુપાત્રને ઓળખ્યા વગર ગમે તેની સાથે સંબંધ બાંધવો એ કોઈ બુદ્ધિમાન અને સામર્થ્યવાન મનુષ્ય માટે કદી શક્ય બનતું નથી. ઘણા લોકો એવું વિચારે છે ખરા કે કોઈ સંપન્ન મહામાનવ સાથે સંબંધ બાંધવામાં લાભ છે, પણ તેઓ ભૂલી જાય છે કે સામી વ્યક્તિ પોતાનું સામર્થ્ય કોઈ નકામા માણસ માટે શું કરવા ગુમાવે?
“હું સૂક્ષ્મ દૃષ્ટિએ એવા સત્પાત્રની શોધ કરતો હતો, જેને સામયિક લોકકલ્યાણ માટે પસંદ કરી શકાય. મારું આ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરથી સ્થૂળ કાર્યો થતાં નથી. એ માટે કોઈ સ્થૂળ શરીરધારીને માધ્યમ બનાવવો પડે છે અને શસ્ત્રની જેમ તેનો ઉપયોગ કરવો પડે છે. આ વિષમ સમય છે. એમાં મનુષ્યનું અહિત થવાની ઘણી મોટી સંભાવનાઓ છે. એના સમાધાન માટે જ તને માધ્યમ બનાવવાનો છે. તારામાં જે ઊણપ છે તેને દૂર કરવાની છે. મારે તને માર્ગદર્શન અને સહયોગ આપવાનો છે. એટલા માટે હું તારી પાસે આવ્યો છું. અત્યાર સુધી તું તારા સામાન્ય જીવનથી જ પરિચિત હતો. પોતાને સામાન્ય વ્યક્તિ જ માનતો હતો. તારી દ્વિધાનું એક કારણ એ પણ છે. તારી પાત્રતાનું વર્ણન કરું તો પણ કદાચ તારી શંકાનું નિવારણ ન થાય. કોઈ બીજાની વાત પર અનાયાસ વિશ્વાસ રાખીએ એવો સમય પણ ક્યાં છે? એટલા માટે તને તારા પાછલા ત્રણ જન્મોની જાણકારી આપી.”
ત્રણેય પૂર્વજન્મોનું જન્મથી માંડી મૃત્યુ સુધીનું વિસ્તૃત વિવરણ દર્શાવ્યા પછી તેમણે એ પણ બતાવ્યું કે તેઓ આ ત્રણેય જન્મમાં કઈ રીતે સાથે રહ્યા અને સહાયક બન્યા. તેઓ બોલ્યા, “આ તારો દિવ્ય જન્મ છે. તારા આ જન્મમાં પણ હું તારો સહાયક રહીશ. અત્યારે જે જરૂરી છે તે કામ તારી પાસે કરાવીશ. સૂક્ષ્મ શરીરધારીઓ પ્રત્યક્ષ જનસંપર્ક કરી શકતા નથી અને ઘટનાક્રમ સ્થૂળ શરીરધારીઓથી સંપન્ન થતો નથી. આથી યોગીઓએ એમની મદદ લેવી પડે છે.”
તારા લગ્ન થઈ ગયાં તે ઠીક થયું. આ સમય એવો છે, જેમાં એકલા રહેવાથી લાભ ઓછો અને જોખમ વધારે છે. પ્રાચીનકાળમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ગણેશ, ઈન્દ્ર બધાને પત્નીઓ હતી. સાતેય ત્રષિઓને પણ પત્નીઓ હતી, કારણ કે ગુરુકુલ અને આરણ્યક કક્ષાના આશ્રમો ચલાવવા માટે માતાની પણ જરૂર પડે છે અને પિતાની પણ. ભોજન, વસ્ત્ર, નિવાસ, પ્રેમ વગેરે માટે માતા જોઈએ અને અનુશાસન, અધ્યાપન, અનુદાન આ બધું પિતા તરફથી મળે છે. ગુરુ જ પિતા છે અને ગુરુપત્ની જ માતા છે. ઋષિપરંપરાના નિર્વાહ માટે આ ઉચિત અને જરૂરી પણ છે. આજકાલ ભજનના નામે જે રીતે આળસુ લોકો સંત હોવાનો ઢોંગ કરીને પોતાની માયાજાળ ફેલાવે છે તે જોતાં તારાં લગ્ન થવાથી હું પ્રસન્ન થયો છું. એમાં વચ્ચે વ્યવધાન તો આવી શકે છે, પણ ફરીથી તને પૂર્વજન્મની તારી સહયોગિની પત્નીના સ્વરૂપે મળશે, જે આજીવન તારી સાથે રહીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, પાછલા બે જન્મોમાં તારે પત્ની સાથે રહેવું પડ્યું છે. એવું ન વિચારતો કે એનાથી તારા કામમાં અવરોધ આવશે. વસ્તુતઃ એનાથી આજની પરિસ્થિતિઓમાં તો સુવિધા રહેશે જ તથા યુગપરિવર્તનમાં પણ મદદ મળશે.
એ પાવન દિવસ વસંત પર્વનો દિવસ હતો. પ્રાત: બ્રાહ્મમુહૂર્તનો સમય હતો. રોજની જેમ સંધ્યાવંદનનો ક્રમ ચાલી રહ્યો હતો. પ્રકાશપુંજના રૂપમાં દેવાત્માનું દિવ્ય દર્શન, એ કુતૂહલથી મનમાં જાગેલી જિજ્ઞાસા અને એના સમાધાનનો આ ઉપક્રમ ચાલી રહ્યો હતો. એક નવો ભાવ જાગ્યો-ઘનિષ્ઠ આત્મીયતાનો. એમની મહાનતા, અનુકંપા અને સાથે સાથે મારી પોતાની કૃતજ્ઞતાનો. આ સ્થિતિએ મારા મનનો કાયાકલ્પ કરી દીધો. હજી ગઈકાલ સુધી જે પરિવાર પોતાનો લાગતો હતો તે હવે પારકો લાગવા માંડ્યો અને જે પ્રકાશપુંજ હજુ હમણાં જ મારી સમક્ષ ઉપસ્થિત થયો તે જ જાણે કે મારો આત્મા છે એવું લાગવા માંડ્યું. એમની સાથે મારો ભૂતકાળ જોડાયેલો હતો અને હવે જેટલા દિવસ જીવવાનું છે એ સમય પણ એમની સાથે જોડાયેલો રહેશે. પોતાના તરફથી કંઈ જ કહેવાનું નહિ, કોઈ ઈચ્છા રાખવાની નહિ, પરંતુ જે આદેશ મળે તેનું પ્રાણના ભોગે પણ પાલન કરવાનું, આનું જ નામ સમર્પણ છે. તે દિવસે મેં એ પ્રકાશપુંજ દેવાત્માને સમર્પણ કર્યું અને એમને માત્ર માર્ગદર્શક જ નહિ પરંતુ ભગવાન જેવા ગયા. આ સંબંધ નિભાવતાં લગભગ ૬૦ વર્ષ થયાં. કોઈ તર્કબુદ્ધિ વાપર્યા વગર કે કોઈપણ જાતની ક્ષતિ વગર એમના એક જ ઈશારા પર એક જ માર્ગ પર આગળ વધતો રહ્યો છું. એ કામ શક્ય છે કે નહિ. મારાથી એ થશે કે નહિ થાય, એનું પરિણામ શું આવશે આ બધામાંથી એક્ય પ્રશ્ન મારા મનમાં કદી ઉપસ્થિત થયો નથી.
એ દિવસ મને એક નવી વાત સમજાઈ કે સિદ્ધપુરુષોની અનુકંપા માત્ર લોકહિત માટે, સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે જ હોય છે. તેમનાં કોઈ સગાંસંબધી હોતાં નથી કે નથી હોતો કોઈ વિરોધી. કોઈને ખ્યાતિ, સંપત્તિ યા તો કીર્તિ અપાવવા માટે એમની કૃપા કદી વરસતી નથી. વિરાટ બ્રહ્મ-વિશ્વ માનવ જ એમનો આરાધ્ય હોય છે. એના જ કામમાં પોતાનાં સ્વજનોને તેઓ જોડે છે. મારી આ નવોદિત માન્યતાની પાછળ રામકૃષ્ણ-વિવેકાનંદ, સમર્થ રામદાસ-શિવાજી, ચાણક્ય ચંદ્રગુપ્ત, ગાંધી – વિનોબા, બુદ્ધ-અશોક વગેરેનો ગુરુ-શિષ્ય સંબંધ યાદ આવ્યો. જ્યાં આત્મીયતા જેવું કશું ન હોય અને માત્ર સિદ્ધિ ચમત્કાર કોઈ કૌતુક દેખાડવા યા શીખવવાની પ્રવૃત્તિ ચાલતી હોય તો સમજવું જોઈએ કે ત્યાં ગુરુ અને શિષ્યની ક્ષુદ્ર પ્રવૃત્તિ છે અને માત્ર જાદુગર જેવો બાલિશ ખેલ થઈ રહ્યો છે. ગંધબાબા જેને જે ગમે તે ફૂલ સુંઘાડતા હતા. વાઘબાબા પોતાની ઝૂંપડીમાં વાઘ બોલાવીને બેસાડતા હતા. સમાધિબાબા કેટલાય દિવસો સુધી જમીનમાં દટાઈ રહેતા હતા. સિદ્ધબાબા આગંતુકોની મનોકામના પૂરી કરતા હતા. આવી અનેક સાંભળેલી વાતો મારા મગજમાં ચકરાવા માંડી અને સમજાયું કે જો આ ઘટનાઓ પાછળ મેમેરીજમ કક્ષાની જાદુગરી જ હોય તો એ લોકો “મહાન કેવી રીતે બની શકે? ઠંડા પ્રદેશમાં ગુફામાં રહેવું એ બાબત પણ કુતૂહલવર્ધક જ છે. જે કામ કોઈ સામાન્ય મનુષ્ય ન કરી શકે તે કોઈ એક કરામતની જેમ કરી દેખાડે તો તેમાં માત્ર કહેવા પૂરતી જ સિદ્ધિ છે. મૌન રહેવું, હાથ પર મૂકીને ભોજન કરવું. એક હાથ ઊંચો રાખવો. હીંચકા પર પડી રહેવું વગેરે ચમત્કારો બતાવનારા માત્ર જાદુગર જ સિદ્ધ થઈ શકે, પરંતુ જો કોઈ સાચો સિદ્ધ અથવા શિષ્ય હશે તો તેણે લોકકલ્યાણ માટે જીવન જીવનારા પુરાતનકાળના ઋષિઓના રાજમાર્ગ પર જ ચાલવું પડ્યું હશે. આધુનિક યુગમાં પણ વિવેકાનંદ, દયાનંદ, કબીર, ચેતન્ય, સમર્થ વગેરેને પણ એ માર્ગે જ ચાલવું પડ્યું હશે. ભગવાન માત્ર પોતાનું નામ જપવાથી જ પ્રસન્ન નથી થતા. એને પૂજા કે પ્રસાદની જરૂર નથી. જેઓ એમના આ વિશ્વરૂપી બાગને સુરમ્ય અને સુવિકસિત કરવા પ્રયત્ન કરે છે તેમના જ નામ-જપ સાર્થક છે. આવા વિચાર મારા મનમાં એ જ વસંત પર્વના દિવસે આખો દિવસ આવતા રહ્યા. કારણ કે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે “પાત્રતામાં જે કમી છે તેને પૂરી કરવાની સાથેસાથે લોકમંગલનું કાર્ય પણ કરવાનું છે. એક પછી બીજું એમ નહિ, પણ બંને સાથેસાથે.” ચોવીસ વર્ષ એની સાથે ઉપાસના ક્રમ સમજાવ્યો. ગાયત્રી પુરશ્ચરણોની શૃંખલા બતાવી. પાલન કરવા માટેના નિયમો બતાવ્યા. સાથેસાથે સ્વતંત્રતા સંગ્રામમાં એક સાચા સ્વયંસેવક તરીકે કામ કરતા રહેવાનું પણ કહ્યું.
એ દિવસે એમણે મારો આખો જીવનક્રમ કઈ રીતે ચાલવો જોઈએ એનું સ્વરૂપ તથા સંપૂર્ણ વિવરણ બતાવ્યું. એટલું જ નહિ સ્વયં લગામ હાથમાં લઈને મને એ પ્રમાણે ચલાવ્યો પણ ખરો. માત્ર ચલાવ્યો જ નહિ, દરેક પ્રયત્નને સફળ પણ બનાવ્યો.
એ દિવસે મેં સાચા મનથી એમને સમર્પણ કર્યું. વાણીએ નહિ, આત્માએ, “જે કાંઈ મારી પાસે છે તે તમારા નિમિત્તે અર્પણ. ભગવાનને મેં જોયા નથી, પરંતુ તે જે કલ્યાણ કરી શકે તે જ આપ પણ કરી રહ્યા છો. તેથી આપ મારા ભગવાન છો. આજે આપે જે જીવન જીવવાનો ક્રમ બતાવ્યો છે એમાં રતીભાર પ્રમાદ નહિ કરું.”
એ દિવસે એમણે ભાવિ જીવનસંબંધી થોડીક બાબતો વિસ્તારપૂર્વક સમજાવી. (૧) ગાયત્રી મહાશક્તિનાં ચોવીસ વર્ષમાં ચોવીસ મહાપુરશ્ચરણ (૨) અખંડ ઘીનો દીવો રાખવો (૩) ચોવીસ વર્ષમાં તથા તે પછી પણ અમુક અમુક સમયે માર્ગદર્શન માટે ચાર વખત હિમાલયમાં મારા સ્થાનમાં આવવું અને લગભગ છ માસ મારી નજીકના ક્ષેત્રમાં રહેવું.
આ સંદર્ભમાં હજુ વધારે વિસ્તૃત વિવરણ એમને બતાવવું હતું તે બતાવી દીધું. સુજ્ઞ વાચકો માટે આટલી જાણકારી પૂરતી છે. એમના આદેશ પ્રમાણે બધાં કામ જીવનભર ચાલતાં રહ્યાં અને એવી ઉપલબ્ધિઓ હસ્તગત થતી ગઈ, જેણે મને આજે આ સ્થિતિએ લાવીને બેસાડ્યો છે.
પ્રતિભાવો