SJ-01 : સમર્થ ગુરુની પ્રાપ્તિ – એક અનુપમ સુયોગ-૦૩, મારું વિલ અને વારસો
February 18, 2021 Leave a comment
સમર્થ ગુરુની પ્રાપ્તિ – એક અનુપમ સુયોગ
રામકૃષ્ણ વિવેકાનંદને શોધતા એમને ઘેર ગયા હતા. શિવાજીને સમર્થ ગુરુ રામદાસે શોધ્યા હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને પકડી લાવ્યા હતા. મારી બાબતમાં પણ આવું જ છે. મારા માર્ગદર્શક સૂક્ષ્મ શરીરથી મારી ૧૫ વર્ષની ઉંમરે મારે ઘેર આવ્યા હતા અને આસ્થા જગાવીને એમણે મને એક વિશિષ્ટ દિશા તરફ વાળ્યો. વિચારું છું કે જ્યારે અસંખ્ય લોકો સદ્ગુરુની શોધમાં ફરે છે અને ધૂર્ત લોકો દ્વારા મુંડાઈને ખાલી હાથે પાછા ફરે છે, ત્યારે બીજી બાજુ એક દિવ્યશક્તિ વગર બોલાવ્યું વેચ્છાપૂર્વક મારે ઘરે આવે અને અનુગ્રહ વરસાવે એનું કારણ કદાચ મારી પાત્રતા જ હશે. એનો ઉત્તર એક જ હોઈ શકે છે – જન્માંતરોથી પાત્રતા વિકસિત કરવાનો પ્રયાસ. આ કામ એકદમ થતું નથી. વ્રતશીલ બનીને લાંબા સમય સુધી કુસંસ્કારો સામે લડવું પડે છે.
સંક્લ્પ, ધર્મ અને શ્રદ્ધાનો ત્રિવિધ સુયોગ અપનાવવાથી મનોભૂમિ એવી બને છે જેથી અધ્યાત્મના દિવ્ય અવતરણને ધારણ કરી શકાય. આ પાત્રતા જ શિષ્યત્વ છે, જેની પૂર્તિ ગમે ત્યાંથી પણ થઈ શકે છે. પાત્રતા વિકસિત કરવામાં સમય લાગે છે, ગુરુ મળવામાં નહિ. એક્લવ્યના માટીના દ્રોણાચાર્ય અસલી કરતાં પણ વધારે શક્તિશાળી પુરવાર થયા હતા. કબીરજી અછુત હોવાથી જ્યારે રામાનંદે દીક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો ત્યારે તેમણે એક યુક્તિ શોધી કાઢી. કાશીઘાટ પર જ્યાં રોજ રામાનંદ સ્નાન કરવા જતા હતા તેનાં પગથિયાં પર પ્રભાત થતાં પહેલાં જ કબીરજી સૂઈ ગયા. રામાનંદનો પગ અંધારામાં કબીરજીની છાતી ઉપર પડ્યો. આથી રામાનંદના મુખમાંથી રામનામ નીકળી ગયું. કબીરે આને જ દીક્ષા સંસ્કાર માની લીધા અને રામનામને મંત્ર માન્યો તથા રામાનંદને પોતાના ગુરુ કહેવા લાગ્યા. આ શ્રદ્ધાનો વિષય છે. જો પથ્થરની પ્રતિમા દેવ બની શક્તી હોય તો શ્રદ્ધાના બળે કોઈ ઉપયુક્ત વ્યક્તિત્વને ગુરુકેમ ન બનાવાય? એ માટે વિધિવત સંસ્કાર કરાવવા જ પડે તે જરૂરી નથી.
અધ્યાત્મ પ્રયોજનો માટે ગુરુ કક્ષાના સહાયકની જરૂર એટલા માટે પડે છે કે એમણે પિતા અને શિક્ષક એ બંનેની જવાબદારી નિભાવવી પડે છે. પિતા પોતાની કમાણીનો એક અંશ બાળકને આપી બધી જ સાધન સામગ્રી લાવી આપે છે. શિક્ષક એના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. બંનેના સહયોગથી જ બાળકોનો નિર્વાહ અને શિક્ષણ ચાલે છે. ભૌતિક નિર્વાહની આવશ્યકતા તો પિતા પણ પૂરી કરી શકે છે, પરંતુ આત્મિક ક્ષેત્રમાં પ્રગતિ માટે જે વસ્તુઓની જરૂર છે એમાં મનઃસ્થિતિ પ્રમાણે માર્ગદર્શન કરવા તથા સોંપેલું કાર્ય કરી શકવા માટે જરૂરી શક્તિ ગુરુ પોતાના સંચિત તપ ભંડારમાંથી કાઢીને પોતાના શિષ્યને આપે છે. એના વગર અનાથ બાળકની જેમ શિષ્ય એકાકી પુરુષાર્થના બળે પોતાને જે કરવું જોઈએ તેટલું કરી શકતો નથી. આ જ કારણે, “ગુરુ બિનુ હોહિ ન જ્ઞાન’ની ઉક્તિ અધ્યાત્મ ક્ષેત્રમાં વિશેષરૂપે વપરાય છે.
બીજા લોકો ગુરુની શોધ કરતા ફરે છે, પરંતુ સુયોગ્ય ગુરુ સુધી પહોંચ્યા પછી પણ નિરાશ થાય છે. સ્વાભાવિક છે કે ઘોર પરિશ્રમ અને અનેક કષ્ટો સહન કરીને મેળવેલી કમાણી એવા કુપાત્રને વિલાસ, અહંકાર, અપવ્યય વગેરે માટે આપી શકાય નહિ. આપનારમાં એટલી બુદ્ધિ તો હોય છે કે લેનારની પ્રામાણિકતા ક્યા સ્તરની છે, જે આપવામાં આવી રહ્યું છે તેનો ઉપયોગ ક્યા કામમાં થશે તે તપાસી શકે. જે લોકો આ કસોટીમાં ખોટા સાબિત થાય છે તેમને એ દિવ્ય અનુગ્રહ મળતો નથી. એમને તો એવા જ લોકો મૂંડે છે કે જેમની પાસે આપવા માટે કંઈ હોતું નથી. માત્ર શિકારને ફસાવીને ગમે તે બહાને તેની પાસેથી દાન દક્ષિણા મુંડતા રહે છે. આનંદની વાત એ છે કે આ ઉપહાસાસ્પદ પ્રચલિત કુચક્રમાં મારે ન ફસાવું પડ્યું. હિમાલયની એક સત્તા અનાયાસ જ મને માર્ગદર્શન આપવા સામે ચાલીને મારે ઘેર આવી. મારું જીવન ધન્ય બની ગયું
મને એટલા સમર્થ ગુરુ અનાયાસ જ કેવી રીતે મળ્યા? આ પ્રશ્નનો એક જ ઉત્તર છે કે લાંબા સમયથી જન્મજન્માંતરોમાં પાત્રતા મેળવવા ધૈર્યપૂર્વક કરેલી તૈયારી કરવામાં આવી. ઉતાવળ કરવામાં આવી નહોતી. વાતોમાં ફસાઈને કોઈ ગુરુનું ખિસું કાપી લેવા જેવી ઉસ્તાદી કરવામાં આવી નહોતી, પરંતુ પ્રતીક્ષા કરવામાં આવી હતી કે પોતાના ગંદા નાળાને કોઈ પવિત્ર સરિતામાં ભેળવી દઈને પોતાના અસ્તિત્વનું એમાં સમાપન કરી દેવું. કોઈ ભૌતિક પ્રયોજન માટે આ સુયોગની પ્રતીક્ષા કરવામાં નહોતી આવી, પરંતુ વારંવાર એ વિચારાતું રહ્યું કે જીવન સંપદાની શ્રદ્ધાંજલિ કોઈ દેવતાનાં ચરણોમાં સમર્પિત કરીને ધન્ય બનીએ.
મહર્ષિ દયાનંદે પોતાના ગુરુ વિરજાનંદની ઈચ્છા પ્રમાણે પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો. વિવેકાનંદ પોતાની બધી ઈચ્છાઓ છોડીને ગુરુને સંતોષ થાય એવાં કષ્ટસાધ્ય કાર્યો કરવામાં પ્રવૃત્ત થયા હતા. એ જ સાચી ગુરુભક્તિ અને ગુરુદક્ષિણા છે. હનુમાને રામ આગળ સમર્પણ કરીને પ્રત્યક્ષ રીતે તો બધું ખોયું જ હતું, પણ પરોક્ષ રીતે તેઓ સંત સમાન બની ગયા હતા અને માત્ર રામ જ કરી શકે તે કાર્યો તેમણે કર્યા હતાં. સમુદ્ર ઓળંગવો, પર્વત ઉખાડી લાવવો, લંકા સળગાવવી એ બધું બિચારા હનુમાનજી કરી શકે એમ નહોતા. તેઓ તો પોતાના માલિક સુગ્રીવને વાલીના અત્યાચારમાંથી પણ છોડાવી શકતા નહોતા. એમણે કરેલા સમર્પણે જ બંને વચ્ચે એકાત્મકતા ઉત્પન્ન કરી દીધી. ગંદી ગટરમાં થોડું ગંગાજળ રેડીએ તો તે પણ ગંદકી બની જશે, પરંતુ જો વહેતી ગંગામાં થોડી ગંદકી ભળી જાય તો તે ગંદકીનું અસ્તિત્વ રહેશે નહિ. તે ગંગાજળ બની જશે. જેઓ પોતે સમર્થ નથી તેઓ સમર્થો પ્રત્યે સમર્પિત થઈને એમના જેવા શક્તિશાળી બની ગયા છે. ઈંધણ જંયારે આગમાં પડે ત્યારે તેની એ જ સ્થિતિ રહેતી નથી, પણ તે પણ અગ્નિ સમાન પ્રખર બની જાય છે, તે તદ્રુપ બની જાય છે.
શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન છે અને એને જ પ્રાપ્ત કરવાનો હોય છે, પરંતુ એ અદશ્યની સાથે સંબંધ જોડવા માટે કોઈ દશ્ય પ્રતીકની મદદ લેવી પડે છે. આ કાર્ય દેવની મૂર્તિ દ્વારા પણ સંપન્ન કરી શકાય છે અને જો દેહધારી ગુરુ આ સ્તરના હોય તો આવશ્યકતા પૂર્ણ કરાવી શકે છે. મારા આ મનોરથો અનાયાસ જ પૂરા થઈ ગયા. અનાયાસ એટલા માટે કે એના માટે પાછલા જન્મોથી પાત્રતા ઉત્પન્ન કરવાની સાધના શરૂ કરી દેવામાં આવી હતી. કુંડલિની જાગરણ, ઈશ્વરદર્શન, સ્વર્ગ મુક્તિ વગેરે તો બહુ પાછળની બાબત છે. સૌથી પહેલાં તો દેવી અનુદાનો મેળવી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરવી પડે છે. નહિ તો જે વજન ઊંચકી ન શકાય, જે ભોજન પચી ન શકે તે ઊલટું વધારે મોટી આફત ઊભી કરે છે.
પ્રથમ મિલનના દિવસે સમર્પણ કરવામાં આવ્યું અને સાચું છે કે જૂઠું તેની પરીક્ષા તે જ વખતે શરૂ થઈ. બે બાબતો વિશેષ રૂપે કહેવામાં આવી, “સંસારી લોકો શું કરે છે અને કહે છે એ તરફ ધ્યાન ન આપતાં નિર્ધારિત લક્ષ્ય તરફ એકાકી સાહસના બળે ચાલતા રહેવું. બીજું એ કે પોતાને વધારે પવિત્ર અને પ્રખર બનાવવા માટે તપશ્ચર્યા કરવામાં લાગી જવું. ચોવીસ વર્ષમાં ૨૪ ગાયત્રી મહાપુરશ્ચરણની સાથે જવની રોટલી અને છાશ પર નિર્વાહ કરવાનું અનુશાસન રાખ્યું. સામર્થ્યનો વિકાસ થતાં જ અધ્યાત્મ માર્ગના સાધકોને જે મળે છે તે બધું જ પ્રાપ્ત થશે, પરંતુ તે મળશે વિશુદ્ધ પરમાર્થ માટે, તુચ્છ સ્વાર્થ સાધવામાં એ દૈવી અનુદાનોનો ઉપયોગ ન કરવો.” વસંત પર્વનો આ દિવસ ગુરુ અનુશાસનને ધારણ કરવાનો દિવસ મારા માટે નવો જન્મ બની ગયો. યાચકોની ખોટ નથી. સત્પાત્રો માટે બધું લુંટાવી દેનાર સદ્ભય મહામાનવોની પણ ખોટ નથી. કૃષ્ણ સુદામાં માટે બધું લુંટાવી દીધું હતું. સદ્ગુરુની પ્રાપ્તિ મારા જીવનનું અનન્ય અને પરમ સૌભાગ્ય બની રહ્યું.
પ્રતિભાવો