JS-21. સાધનાની શ્રેષ્ઠતમ પ્રાપ્તિઃ સમર્પણ – પ્રવચન : ૨
February 20, 2021 Leave a comment
સાધનાની શ્રેષ્ઠતમ પ્રાપ્તિ સમર્પણ, શક્તિભંડાર સાથે – પોતાને જોડો જન્મશતાબ્દી પુસ્તકમાળા – ૨૧
ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ત્રિપદા ગાયત્રીનાં ત્રણ ચરણ વાસ્તવમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગરૂપી ત્રણ પગથિયાં છે. તેમના દ્વારા ઉપાસનાના ઊંડાણ સુધી પહોંચીને રિદ્ધિ સિદ્ધિઓ મેળવી શકાય છે. પ્રથમ બે પગથિયાં સાધકની પ્રારંભિક અવસ્થા છે. વાસ્તવમાં ભક્તિયોગ સુધી પહોંચવું અને પરમ સત્તામાં પોતાનું સમર્પણ અને વિસર્જન કરી દેવું એ જ સાધકનું લક્ષ્ય હોય છે. અગ્નિમાં સમર્પિત થનારું ઈંધણ અગ્નિરૂપ બની જાય છે એવી આ અવસ્થા છે. ભક્તની સમગ્ર ભાવસંવેદના ઈશ્વર જેવી ઉદાર અને મહાન બનતી જાય છે. આદર્શોના સમૂહ એવા પરબ્રહ્મની સાથે જોડાઈને આત્મા પરમાત્મામાં સમર્પિત થઈ જાય છે. આ જ સમર્પણ સાધના છે. એને જ અદ્વૈત ચિંતન કહે છે. તાદાસ્ય સધાતાં ઈશ્વર દર્શનનો એવો રસાસ્વાદ થવા માંડે છે કે તેની તરસમાં જીવ કસ્તુરી મૃગની જેમ દરેક દિશામાં દોડતો ફરે છે. તેથી ભક્તિયોગને સૌથી ઊંચો માનવામાં આવ્યો છે. મીરા કહેતાં હતાં કે “સબસે ઊંચી પ્રેમસગાઈ’.
અધ્યાત્મની ત્રણ અવસ્થાઓ છે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પ્રારંભિક સ્થિતિમાં જાણકારી મેળવવી તે જ્ઞાનયોગ છે. પોતાના વિચારો તથા વિશ્વાસને મજબૂત કરીને પછી કર્મ કરવું, આચરણને તે બીબામાં ઢાળવું તે કર્મયોગ તરુણાવસ્થા છે. જ્ઞાન અને કર્મના આધારે મનોભૂમિ પરિપક્વ બને છે અને દૃષ્ટિકોણ ઉચ્ચ બને છે. તેના લીધે ત્યાગ, સેવા, ઉદારતા અને પ્રેમનો નિરંતર પ્રવાહ અંતઃકરણમાંથી ફૂટી નીકળે છે. તે પ્રેમના પ્રવાહને ઈશ્વરની, નરનારાયણની ઉપાસનામાં પ્રવાહિત કરવો તે ભક્તિયોગ વૃદ્ધાવસ્થા છે. બીજા શબ્દોમાં વિદ્યાર્થી અવસ્થા જ્ઞાનયોગનો સમય છે. યુવાની કર્મયોગની સ્થિતિ છે. તેમાં કર્તવ્યપરાયણતાનું પાલન કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા પ્રેમ, પરોપકાર અને આત્મીયતાનો ફેલાવો કરવાની ભક્તિયોગની અવસ્થા છે.
ભક્તિયોગ આધ્યાત્મિક વૃદ્ધાવસ્થાની સાધના છે. જ્ઞાન અને કર્મ દ્વારા પુષ્ટ થયેલા વૃક્ષ ઉપર ભક્તિનું ફળ લાગે છે. ભક્તિમાં તન્મયતા હોય છે, આવેશ હોય છે, લગન હોય છે, ઉન્માદ હોય છે, રસ હોય છે, વ્યાકુળતા હોય છે અને પોતાના પ્રેમીમાં ભળી જવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. ભક્ત પોતાને ભૂલી જાય છે.
ગાયત્રી સાધનામાં સ્થૂળ શરીર કર્મયોગથી અને સૂક્ષ્મ શરીર જ્ઞાનયોગથી શુદ્ધ તથા પવિત્ર બને છે. કારણ શરીરને સુસંસ્કારી બનાવવા માટે ભક્તિયોગનું વિધાન છે. તેની અંતર્ગત ઉપાસના પણ આવે છે. જપ, ધ્યાન વગેરે બધી ક્રિયાઓનો સમાવેશ ઉપાસનામાં થાય છે. ગાયત્રી મહામંત્રના જપની સાથે જો તલ્લીન થવાનો, ભાવવિહળ થવાનો, માનો પાલવ પકડવાનો અને પોતાને વિસર્જિત કરી દેવાનો ભાવ જાગે તો માનવું જોઈએ કે આપણે ભક્તિયોગની સાધના કરી રહ્યા છીએ. ત્રિપદા ગાયત્રીની સાધના એવી રીતે કરવી જોઈએ કે જેની સાથે જ્ઞાન, કર્મ તથા ભક્તિયોગનો સમન્વય હોય. પ્રથમ બેનું કાર્ય પૃષ્ઠભૂમિ બનાવવાનું છે, જયારે ભક્તિયોગનું પરાકાષ્ઠાવાળું રૂપ સાધનાનું સર્વોચ્ચ સોપાન છે. આપણે ત્યાં સુધી પહોંચવા માટે સતત પ્રયાસ કરવો જોઈએ. ગાયત્રી સાધના અને એમાં પણ સંધિકાળની સાધના આના માટે સર્વશ્રેષ્ઠ અવસર છે તથા માનવ માત્ર માટે એક સૌભાગ્ય છે.
સમર્પણ માટે ભગવાન એટલું જ કહે છે કે તમારી વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને અને તમારા અને ઈશ્વરને સમર્પિત કરી દો. ત્યાર પછી સમર્પણનો જે સાચો લાભ મળવો જોઈએ તે અનેક પ્રકારની કૃપાના રૂપે ભક્તને મળે છે. વ્યક્તિનું સમષ્ટિમાં, સંકીર્ણતાનું ઉદારતામાં અને નિકૃષ્ટતાનું ઉત્કૃષ્ટતામાં વિસર્જન કરવું પડે છે. આધ્યાત્મિક સિદ્ધાંતોમાં સમર્પણનું મહત્ત્વ અનેક સ્થળે જુદી જુદી રીતે બતાવવામાં આવ્યું છે.
ગોપીઓ સાથે કૃષ્ણ રાસ રમતા એની પાછળ એ જ પ્રેરણા છે કે ભક્તની બધી પ્રવૃત્તિઓ આત્માના પોકારનું, વેણુનાદનું અનુસરણ કરે. અર્જુનને પણ ભગવાન કૃષ્ણ આવું જ કરવાનું કહ્યું હતું. ભક્તિયોગનાં અનેક કૃત્યો પૂજા, સ્તવન, અર્ચના વગેરેમાં સમર્પણની ભાવનાને પ્રબળ બનાવવાનો જ અભ્યાસ કરવામાં આવે છે. ભક્તિયોગમાં સમર્પણની જ પ્રધાનતા છે. વેદાંતમાં અદ્વૈતના પ્રતિપાદનમાં ભક્તિયોગનું, સમર્પણયોગનું જ સમર્થન કરવામાં આવ્યું છે.
સમર્પણનાં ચમત્કારી પરિણામો બધે જ જોવા મળે છે. બીજની શક્તિ સાવ થોડી તથા નગણ્ય હોય છે, પણ જ્યારે તે તુચ્છતામાંથી બહાર નીકળીને ધરતી માતાની ગોદમાં સમર્પણ કરે છે ત્યારે તેમાંથી નાનકડો અંકુર ફૂટે છે. સૂર્યનાં કિરણો તેને શક્તિ આપે છે. પવન તેને પંખો નાખે છે. મેઘ તેનું અભિસિંચન કરે છે. સમગ્ર પ્રકૃતિ તેની સેવા કરે છે અને તેના વિકાસ માટે મંડી પડે છે. બીજ ઉપર વધે છે અને પોતાનાં મૂળ ધરતીની અંદર મજબૂત કરી દે છે. તે ઊંચે વધે છે અને એક વિશાળ વૃક્ષ બની જાય છે. તેની છત્રછાયામાં સેંકડો જીવજંતુઓને પોષણ અને વિશ્રામ મળે છે. તે એક નાનકડું બીજ પોતાના સમગ્ર જીવન દરમિયાન બીજાં કરોડો બીજ પેદા કરવાનું ગૌરવ પ્રાપ્ત કરે છે. નાનકડા બાળકમાં કોઈ શક્તિ હોતી નથી, પરંતુ સમર્પણના આધારે તેને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
સમર્પણનું ચમત્કારી પરિણામ દાંપત્યજીવનમાં પણ જોવા મળે છે. પતિ આગળ પોતાના તન, મન અને આત્મા સર્વસ્વનું સમર્પણ કરનારી પત્ની કશું ગુમાવતી નથી, પરંતુ બધું જ પ્રાપ્ત કરે છે. તે ઘરની માલિક બની જાય છે. પતિને જે અધિકારો અને સગવડો મળે છે તે તેને પણ વગર પ્રયત્ન મળી જાય છે.
સમર્પણનો અર્થ છે – વિસર્જન, વિલય. આગમાં પડીને લાકડું પણ અગ્નિ સ્વરૂપ બની જાય છે. દૂધ અને પાણી ભેગાં મળતાં એક બની જાય છે. ગંદી ગટર ગંગામાં ભળી જતાં ગંગાની વિશેષતાઓ પ્રાપ્ત કરે છે. ભક્ત પણ સમર્પણ કરીને ભગવાન જેવો જ બની જાય છે. એમના ગુણોને તેણે પોતાના જીવનમાં ઉતારવા પડે છે. ભક્તિનો અર્થ આજીજી કે ખુશામત નથી, પરંતુ પ્રખર પરાક્રમ માટે પોતાને તૈયાર કરવાનો છે. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને પરમાત્માના આદર્શોને અનુરૂપ બનાવવાં પડે છે. ભક્ત અને ભક્તિની એક જ કસોટી છે કે શ્રેષ્ઠ ઉદેશ્યો માટે તે શરીર, મન અને અંતઃકરણથી કેટલું સમર્પણ કરે છે. શરીરની ક્રિયાશીલતા, મગજની વિચારણા અને અંતઃકરણની ઉદારતાનો પરમાર્થનાં કાર્યો માટે કેટલો વધારે ઉપયોગ કરે છે.
સમર્પણ ભક્તિની તથા નિષ્ઠાની પરખ છે. એક સંતે કહ્યું છે કે સમર્પણનો અર્થ છે – “મન પોતાનું, પણ વિચાર ઈષ્ટના, હૃદય પોતાનું, પણ ભાવનાઓ ઈષ્ટની અને શરીર પોતાનું, પરંતુ કર્તવ્ય ઇષ્ટનું” આ વ્યાખ્યા પ્રમાણે જીવે પોતાના અહંકારમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થવું પડે છે. શરીર, મન અને અંતઃકરણ પર પોતાનું આધિપત્ય હોવા છતાં પણ એમની વિશેષતાઓ અને ક્ષમતાઓ સંપૂર્ણ રીતે ઈષ્ટદેવ માટે અર્થાતુ ઉચ્ચ કાર્યો માટે વપરાવી જોઈએ. સમર્પણ માટે એ ભાવનાને સદાય પરિપુષ્ટ કરવી પડે છે કે “હું પતંગિયા જેવો છું અને ઈષ્ટદેવ દીવો છે. અનન્ય પ્રેમના કારણે વૈતમાંથી અદ્વૈત તરફ આગળ વધી રહ્યો છું. પોતાના ઈષ્ટની સાથે, પ્રિયતમની સાથે એક થઈ રહ્યો છું. જે રીતે પતંગિયું દીપક ઉપર આત્મસમર્પણ કરે છે, તેના પ્રકાશપુંજમાં લીન થઈ જાય છે એ જ રીતે હું મારા અસ્તિત્વને, આ અહંકારને છોડીને બ્રહ્મમાં, સમષ્ટિ ચેતનામાં વિલીન થઈ રહ્યો છું.” એ સમર્પણમાં આશાઓ તથા આકાંક્ષાઓ માટે કોઈ સ્થાન નથી. પરમાર્થની સાધના કે મોક્ષ માટે સમર્પિત થઈને બધી કામનાઓનો ત્યાગ કરવો પડે છે.
અંતઃકરણમાં કોઈ છળ કે કપટ નથી હોતું. પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ, સક્રિયતા, પ્રગતિ એ બધું જ ધ્યેય માટે સમર્પિત કરવામાં આવે એ જ સાચી સાધના છે. એમ કરવાથી આપણું પ્રયોજન સાંસારિક હોય કે આધ્યાત્મિક, છતાં અડધી મંજિલ તો તરત જ પૂરી થઈ જાય છે. સાથે સાથે એ સમર્પિત આત્માને ઈશ્વરના સાંનિધ્યનો એક એવો દિવ્ય લાભ મળે છે કે જેના માટે જન્મજન્માંતરો સુધી યોગાભ્યાસ અને બીજી લાંબી સાધનાઓ કરવી પડે છે. સત્પ્રવૃત્તિઓ તથા ઉચ્ચ આદર્શો માટે સમર્પિત જીવનનો અર્થ છે – પરમાત્માને સમર્પિત જીવન. આવા સાધક માટે જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે, “તું તારું મન અને બુદ્ધિ મારાં ઈશ્વરીય કાર્યોમાં વાપર. આ રીતે તું મારામાં જ નિવાસ કરીશ અને મને જ પ્રાપ્ત કરીશ એમાં કોઈ શંકા નથી.” સાચા સમર્પણની આ જ ફળશ્રુતિ છે.
પ્રતિભાવો