JS-21. શક્તિ ભંડાર સાથે પોતાને જોડો – પ્રવચન : ૧

શક્તિ ભંડાર સાથે પોતાને જોડો,    (પ્રવચન)     પં. શ્રીરામ શર્મા આચાર્ય

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

મનુષ્યની સામાન્ય શક્તિ મર્યાદિત હોય છે. પ્રત્યેક પ્રાણીને ભગવાને એટલું આપ્યું છે કે જેના દ્વારા તે પોતાનું જીવન ગુજારી શકે. કીડી મંકોડા અને પશુપક્ષીઓને ફક્ત એટલું જ્ઞાન, સાધનો, શક્તિ અને ઇન્દ્રિયો મળી છે કે જેનાથી તેઓ પોતાનું પેટ ભરી શકે અને પ્રકૃતિની ઈચ્છા પૂરી કરવા બચ્ચાં પેદા કરી શકે. તેમની પાસે એનાથી વધારે કશું જ નથી, પરંતુ તમારી પાસે ઘણું બધું છે. એના કરતાં વધારે મેળવવું હોય, જાણવું હોય, તો તમારે એ જગ્યાએ જવું પડશે, જ્યાં શક્તિના ભંડાર ભરેલા છે. એક જગ્યા એવી છે, જ્યાં બહુ શક્તિ ભરેલી છે, સંપત્તિનો તોટો નથી, સમૃદ્ધિનો પાર નથી. આખા વિશ્વનો માલિક કોણ? ભગવાન. આ માલ સામાન તેમનો છે. એનાથી એમણે આ દુનિયા બનાવી છે. અહીં તમે જે જુઓ છો એ ભગવાનના ભંડારનો એક નાનો ચમત્કાર છે. પૃથ્વી સિવાય બીજા લોક પણ છે. એ બધા લોકમાં પણ ભગવાનના ભંડાર ભરેલા છે. ભગવાન બહુ માલદાર છે. તમને જો સંપત્તિની, સફળતાની, વિભૂતિની જરૂર હોય તો તમારો પુરુષાર્થ ભગવાનના કામમાં વાપરો. એ પુરુષાર્થરૂપી ખર્ચ દ્વારા ભગવાન સાથે તમારો સંબંધ જોડી લો. એમની સાથે જોડાવામાં જો તમે સમર્થ બન્યા તો એ તમારા જીવનનો સૌથી મોટો પુરુષાર્થ કહેવાશે. જો તમે ભગવાન સાથે સંબંધ જોડશો તો તમારું જીવન ધન્ય બની જશે.

માલદાર માણસ સાથે સંબંધ જોડવાથી કેટલો લાભ છે! લાલબહાદુર શાસ્ત્રી કદમાં ઠીંગણા માણસ હતા, પરંતુ પંડિત નહેરુ સાથે એમણે ગાઢ સંબંધ બાંધ્યો હતો. એના લીધે તેઓ એમ.પી. બન્યા. એમની મદદથી તેઓ યુ.પી.ના મિનિસ્ટર પણ બન્યા અને જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી તેઓ વડાપ્રધાન પણ બન્યા. લાલબહાદુર શાસ્ત્રી શાનદાર હતા. એમના પુરુષાર્થનું એટલું ફળ ન હતું કે જેટલું નહેરુની મદદનું હતું. નહેરુની નજરમાં લાલબહાદુરની ઇજ્જત વસી ગઈ હતી. એમણે જોયું કે આ માણસ ખૂબ ઉપયોગી છે. એને મદદ કરવી જોઈએ. આ જ વાત બધે લાગુ પડે છે. ભગવાન એક સર્વશક્તિમાન સત્તા છે. એમની સાથે જો તમે સંબંધ જોડી લો તો તમારી સમૃદ્ધિ અપરંપાર થઈ જશે. તમે જલારામબાપાની જેમ સંપન્ન બની જશો. તમે સુદામાની જેમ માલદાર બની શકો છો, વિભીષણ અને સુગ્રીવની જેમ મુસીબતોથી બચીને ખોયેલું સામ્રાજ્ય પાછું મેળવી શકો છો. નરસિંહ મહેતાની જેમ તમારી પર હુંડી વરસી શકે છે. અહીં કોઈ પણ પ્રકારની કમી નથી. તમને એટલા માટે અહીં બોલાવ્યા છે કે તમે ભગવાન સાથે સંબંધ બાંધી લો. તમે જે પૂજા, ઉપાસના અને ભજન કરો છો એનો મતલબ એ થયો કે તમે આ માધ્યમો દ્વારા ભગવાન સાથે તમારો સંબંધ જોડી લો. એક ગરીબ છોકરીનું લગ્ન માલદાર પતિ સાથે થઈ જાય તો એ બીજા દિવસથી જ એ સંપત્તિની માલિક બની જાય છે, કારણ કે એણે પતિ સાથે સંબંધ જોડી દીધો છે.

સંબંધ જોડવા માટે શું કરવું પડે? એના વિશે જ હું તમને કહેવા માગું છું. સંબંધ જોડવામાં લાંચ આપવી પડશે, ખુશામત કરવી પડશે એ ખ્યાલ તમારા મનમાંથી કાઢી નાખો. એવો વિચાર પણ ના કરશો કે મીઠી વાતો કરીને, ખુશામત કરીને ચાલીસા કે પાઠ કરીને ભગવાનને આપણા બનાવી દઈશું. ભગવાન સાથે ભાગીદારી કરવામાં વિશ્વાસ રાખજો. ભગવાન તમારી જુબાનને નહિ, તમારી દાનતને જુએ છે, દષ્ટિકોણને જુએ છે, ચરિત્રને જુએ છે. તમારા ચિંતનને અને તમારી ભાવનાને જુએ છે. જો તમે આમાં કંગાળ હશો, તો તમારા કર્મકાંડની બહુ અસર થશે નહિ. તમે જાણો છો ને કે એવા કેટલાય પંડિતો છે, જે બધા પ્રકારનાં વિધિવિધાન અને કર્મકાંડ જાણે છે, છતાં પણ તેઓ દરિદ્ર હોય છે. તમે જોયું છે કે સાધુ, મહાત્મા જપ કરે છે, પૂજાપાઠ કરે છે, સ્નાન કરે છે, ધ્યાન ધરે છે, તીર્થયાત્રા કરે છે, પરંતુ એમની દાનત, ભાવના અને દૃષ્ટિકોણ શ્રેષ્ઠ ન હોય, વ્યક્તિત્વ ઊંચું ન હોય, અંતઃકરણ સાફ ન હોય, તો લાલ પીળાં કપડાં પહેરે એને એક પ્રકારનો આડંબર કહેવાય. જે નિત્યકર્મ તેઓ કરે છે એ પણ બેકાર જાય છે અને સામાન્ય માણસ કરતાં પણ ગઈ ગુજરી જિંદગી જીવે છે.

ભગવાનની કૃપા એમને ક્યાં મળે છે? ભગવાનને મેળવવાનો સાચો રસ્તો તમારે જાણવો જ જોઈએ. એના માટે તમારે શું કરવું પડશે? ભગવાન સાથે જોડવું પડશે. ભગવાન સાથે જોડાઈ જવું એને જ ઉપાસના કહે છે. ઉપાસનાનો અર્થ છે પાસે બેસવું. ભગવાન સાથે કેવી રીતે જોડાઈ જવું એનાં થોડાં ઉદાહરણ આપું છું. તમે અગ્નિમાં લાકડાને સમર્પિત થતાં જોયું છે ને? લાકડાની કિંમત કોડીની છે, પણ તે અગ્નિને સમર્પિત થઈ જાય છે તો જોતજોતામાં અગ્નિ બની જાય છે, ત્યારે આપણે એને અડકી શકતા નથી. જે ગુણ અગ્નિમાં છે તે ગુણ લાકડામાં આવી જાય છે. એ જ રીતે વ્યક્તિ અર્થાત જીવાત્મા પરમાત્મા સાથે મળી જાય તો પરમાત્માના ગુણ વ્યક્તિમાં ઊતરી આવે છે. એના માટે શું કરવું પડે? તમે ભગવાનની નજીક આવો. નજીક આવવાનો એક જ રસ્તો છે – આપણી જાતને ભગવાનને સોંપી દેવી. ભગવાનની મરજી પ્રમાણે જીવન જીવવાનું.

વ્યક્તિ જ્યારે પરમાત્મામાં ભળી જાય છે તો એ પરમાત્મામય બની જાય છે. તમારી અને મારી ઇચ્છા હોય કે આપણે ભગવાન સાથે ભળી જઈએ, તો આપણે આપણી ઇચ્છાઓ એમને સોંપી દેવી પડશે. આપણી ઇચ્છા પ્રમાણે ભગવાનને નહિ નચાવીએ, પણ આપણે ભગવાનની મરજી મુજબ ચાલીશું. એનું નામ સમર્પણ છે, વિલય અને વિસર્જન છે, એનું નામ જ શરણાગતિ છે. ઉપાસનાનું તત્ત્વજ્ઞાન એના પર ટકેલું છે કે તમે ભગવાનના અનુયાયી છો કે નહિ, એમનું અનુશાસન માનો છો કે નહિ, ભગવાનની ઇચ્છા મુજબ ચાલો છો કે નહિ.

તમારી એ માન્યતા બરાબર નથી કે તમે તમારી મરજી પ્રમાણે ભગવાનને ચલાવો. ભગવાન તમારી મરજી પ્રમાણે શા માટે ચાલે? ભગવાનના પોતાના પણ કેટલાક નીતિનિયમો છે, મર્યાદાઓ છે, કાયદાઓ છે. તમારી પ્રશંસાને કારણે તમારી મનોકામના પૂરી કરવા કરવા માટે ભગવાન એમના નીતિનિયમો છોડી દેશે? મર્યાદા અને કાયદા કાનૂન છોડી દેશે ? ના, ભગવાન એવું નહિ કરી શકે. તમે તમારી જાતને એમને સોંપી દો. પછી જુઓ તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો? નાનું સરખું વરસાદનું ટીપું સમુદ્રમાં પડે છે અને પોતાના અસ્તિત્વનું સમુદ્રમાં વિસર્જન કરી દે છે, તો તે સમુદ્ર બની જાય છે. ગંગામાં ભળી જતી ગંદી ગટરો ગંગાજળ બની જાય છે. આ કેવી રીતે બની ગયું? ગટરે પોતાની જાતને સમર્પિત કરી દીધી.

પારસ લોખંડને અડકે તો સોનું બની જાય છે એ તમે સાંભળ્યું હશે. જો લોખંડ પારસને એમ કહે કે તમે લોખંડ બની જાઓ, તો પારસ લોખંડ બની શકતો નથી. લોખંડે જ બદલાવું પડે છે. ચંદનનાં વૃક્ષો પાસે ઉગેલા છોડ ચંદન પાસેથી સુગંધ લઈ ચંદન જેવા બની જાય છે, પણ તમે તો એવું વિચારો છો કે ચંદને જ આપણા જેવા બની જવું જોઈએ, પરંતુ ચંદન તમારા જેવું બની શકતું નથી. નાના છોડે જ ચંદન જેવા સુગંધીદાર બનવું પડે છે. તમે ભગવાનની સાથે વેલની જેમ લપેટાઈ જાઓ. વેલને તમે જોઈ છે ને? તે વૃક્ષ સાથે લપેટાઈ જાય છે અને વૃક્ષ જેટલું ઊંચું હોય છે એટલી વેલ પણ ઊંચી થઈ જાય છે. જો વેલ પોતાની મરજી પ્રમાણે ફેલાતી રહે તો ફક્ત જમીન ઉપર જ પથરાઈ શકે. સહારા વિના ઊંચે ચઢવું એના માટે શક્ય જ નથી. તમે પણ ભગવાન સાથે ભળી જાઓ, પછી જુઓ કે તમારી ઊંચાઈ પણ ઝાડ સાથે લપેટાયેલી વેલ જેટલી થઈ જશે. એમના અનુશાસનનું પાલન કરો. એમની ઇચ્છા પ્રમાણે ચાલો, પછી જુઓ ભગવાનની કમાલ. પતંગ પોતાની જાતને બાળકના હાથમાં સોંપી દે છે. બાળકના હાથમાં પતંગનો દોરો હોય છે, જેને ઝટકા મારી મારીને પતંગને આકાશમાં પહોંચાડી દે છે. પતંગ જો પોતાનો દોરો બાળકના હવાલે ન કરે તો એણે જમીન ઉપર જ પડી રહેવું પડે.

તમે તમારા જીવનની દોરી ભગવાનના હાથમાં ન સોંપો, તો પતંગની જેમ આકાશમાં ઊડવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? દર્પણ સામે જેવી વસ્તુ હોય એવું એનું પ્રતિબિંબ દેખાય છે. તમારા જીવનમાં પણ દોષ, દુર્ગણ અને મનોવિકારો ભરેલા છે, એટલે તમારું દર્પણ પણ, માનસિક સ્તર પણ એવો જ બની ગયો છે, પરંતુ જો તમે ભગવાનને તમારી સમક્ષ રાખશો, તેમની નજીક જશો તો પછી જુઓ કે તમારા જીવનમાં પણ ભગવાનનો દિવ્યપ્રકાશ, ભગવાનની શક્તિ તમને પ્રાપ્ત થશે. બંસરી પોતાને પોલી અને ખાલી કરી દે છે. પોલી અને ખાલી થઈ ગયા પછી એ વગાડનાર પાસે જાય છે અને કહે છે કે તમે મને વગાડો, તમે જે કહેશો એ હું ગાઈશ. વગાડનાર ફૂંક માર્યા કરે છે અને વાંસળી વાગે છે. ભગવાનને ફૂંક મારવા દો અને તમે વગડાવવા તૈયાર થઈ જાઓ.

કઠપૂતળીના દોરા એના ચાલકના હાથમાં હોય છે. ચાલકની આંગળીઓના ઈશારે કઠપૂતળી વગર કહે નાચવાનું શરૂ કરી દે છે. દુનિયા જુએ છે કે કઠપૂતળીનો ડાન્સ કેટલો સરસ છે. આ કઠપૂતળીની જેમ જો તમે ભગવાનના હાથમાં તમારી જિંદગીરૂપી દોરી સોંપી દેશો તો જીવનમાં મજા આવી જશે. તમે જનરેટર સાથે જોડાઈ જાઓ તો જ બલ્બ સળગશે, પંખા ચાલશે. તમે ભગવાનની વાત સાંભળો નહિ, તેમની સાથે જોડાશો નહિ, તો જ્યાં છો ત્યાં જ પડી રહેશો. તમારી કિંમત કશું નહિ રહે. તમે પ્રકાશ આપી શકશો નહિં. અનંત શક્તિ સાથે જોડાશો તો તમે ખૂબ કમાલ કરી. શકશો. એટલે માણસની મોટામાં મોટી સમજદારી એ છે કે પોતાની જાતને ભગવાન સાથે જોડી દે. એમની શક્તિ જોડે પોતાની સત્તાને જોડી દે. આ કામ જરા પણ અઘરું નથી. નળ પાણીની ટાંકી સાથે જોડાઈ જાય છે, તો પાણી મળ્યા કરે છે. નળ એકલો કશા કામનો હોતો નથી, પરંતુ જ્યારે તે ટાંકી સાથે સંબંધ બાંધી લે છે તો એની કિંમત વધી જાય છે.

થોડાક સમય માટે હોય તો પણ શું? જો તમે સાચા મનથી, એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ રહો, તો ભગવાનની જે સંપત્તિ છે, જે વિભૂતિ છે તે ભક્તની બની જાય છે, પરંતુ તમારે તમારું સમર્પણ કરવું પડે છે. બીજ બનવું પડશે. એ બીજ ભગવાનના ખેતરમાં વાવવું પડશે, પછી કેવો પાક તૈયાર થાય છે? મકાઈનો એક દાણો ખેતરમાં વાવો છો અને છોડ ઊગે છે. એ છોડ પર અનેક ડોડા લાગે છે. એ ડોડામાં કેટલા બધા દાણા હોય છે. એક દાણાના સેંકડો દાણા થઈ જાય છે. એવી જ રીતે તમે તમારી જાતને ભગવાનના ખેતરમાં વાવો અને અંકુરિત થવા દો. પછી જુઓ તમારી સ્થિતિ કેવી થઈ જાય છે અને તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો. તમે હિંમત નહિ કરો, બીજને આખી જિંદગી પોટલીમાં બાંધી રાખશો અને આશા રાખો કે જમીન અમારાં ખેતરોને લહેરાવી દે અને અમારે ઓગળવું ન પડે તો એવું શક્ય છે ખરું?

તમને ખબર છે ને કે ભગવાન પહેલાં ભક્ત પાસે માગે છે. પહેલાં હાથ ધરે છે પછી આપવાની વાત કરે છે. એમના હાથમાં તમે કશું નહિ મૂકો તો તમે શું મેળવી શકશો? કંકુ, ચોખા ચઢાવી અને અગરબત્તી કરીને તમે ભગવાનને ખરીદી શકતા નથી. પૂજાપાઠ કરીને ભગવાનની કક્ષાના અધિકારી નહિ બની શકો. તો પછી શું કરવું પડે ? તમારે તમારો દૃષ્ટિકોણ, ચિંતન અને ચરિત્ર, ભાવના અને લક્ષ્ય બધું જ ભગવાનની સાથે જોડવું પડશે. જ્યારે તમે આવું કરવા તૈયાર થશો તે દિવસે ભગવાનની કૃપા તમને આપમેળે મળી જશે. ભગવાનની ઇચ્છા તમે પૂરી કરો, પછી તમને બધું મળે છે કે નહિ એ જુઓ. ભગવાન તમારી દાનત જુએ છે. સુદામાએ પહેલાં પૌઆની પોટલી આપી, પછી ભગવાને સુદામાને ન્યાલ કરી દીધા. શબરી પાસે ભગવાન ગયા હતા, તો સોનું, ચાંદી કે હીરામોતી લઈને ગયા ન હતા. તેઓ માગવા ગયા હતા. કહ્યું કે હું ભૂખ્યો છું, કશુંક ખાવાનું આપો. શબરી પાસે એઠાં બોર હતાં. જે કંઈ હતું એ બધું ભગવાનને આપી દીધું. ભગવાન ગોપીઓ પાસે ગયા હતા. ગોપીઓને ભગવાન પ્રેમ કરતા હતા. એમને પૂછતા કે મારા માટે શું લાવ્યાં છો? કશું ન હોય તો છાશ પણ આપો. ભગવાન કર્ણ પાસે પણ ગયા હતા. બલિ પાસે પણ માગવા ગયા હતા. ભગવાન જ્યાં પણ જાય છે ત્યાં મનુષ્યની પાત્રતા પરખવા માટે, એની મહાનતાને વિકસાવવા માટે પહેલાં માગે છે. જો તમે બધું જ ભગવાનને હવાલે નહિ કરો, તો ભગવાનને તમે તમારા નહિ બનાવી શકો.

ભગવાનની ભક્તિ તમે કોને કહો છો ? સમર્પણને, પરંતુ તમે તો એમને કઠપૂતળીની જેમ નચાવવામાં અને ભક્તિના બદલામાં ઉચિત કે અનુચિત ફાયદો મેળવવામાં માનો છો. તમે તમારી ભક્તિની આ વ્યાખ્યા બદલો. ભક્તિ એટલે સમર્પણ. સમર્પણ કરો તો જ ભગવાનની કૃપા અને પ્રેમ મેળવી શકો. એના માટે શું કરવું પડે? તમે ભગવાનની ઇચ્છા પ્રમાણે ચાલવા તૈયાર થઈ જાઓ. ભગવાને તમને મનુષ્યનું શરીર આપ્યું છે એના આધારે તમે ઘણું બધું કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારી પાસે કોઈ કમી નથી. તમારા હાથ કેટલા શક્તિશાળી છે. તમારામાં કેટલી બધી બુદ્ધિ છે ! તમારી આંખો અને જીભ કેટલી તેજ છે ! તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવાની ભગવાન પાસે અપેક્ષા ન રાખશો. તમે જે પુરુષાર્થથી કમાઓ છો એનાથી સંતોષ માનો. તમે તમારી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા ભગવાનને મજબૂર કરશો? તેઓ એમના કર્તવ્યને છોડી દે અને તમારા માટે પક્ષપાત કરવા તૈયાર થાય એવું બની શકે નહિ. ભગવાનને ન્યાયના માર્ગ પર ચાલવા દો. જો કે તમે આવું ઇચ્છશો તો પણ ભગવાન એવું નહિ કરે.

એનો એક જ રસ્તો છે કે તમે એ શક્તિભંડાર સાથે જોડાઈ જાઓ. તમે એમની ઈચ્છા પ્રમાણે ચાલો. તમે તમારી ઈચ્છાઓને ખતમ કરી દો. તમે એમના બની જાઓ. તમે ભગવાનના બની જશો, તો ભગવાન પણ તમારા બની જશે. રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે એકવાર વેચાયા હતા, ભગવાન પણ વેચાવા માટે ચૌટે ઊભા છે. કહે છે કે જે મને ખરીદશે એની સેવા કરીશ, એમની સાથે રહીશ. તમે ઇચ્છો તો ખરીદી શકો છો. શું કિંમત છે એમની? તમે પહેલાં ભગવાનના હાથોમાં વેચાઈ જાઓ, પછી ભગવાનને તમે ખરીદી લો. સ્ત્રી પોતાના પતિને સમર્પિત થઈ જાય છે અને એના બદલામાં એ પતિને ખરીદી લે છે. બસ, આ જ દોસ્તી અને ભક્તિનો રસ્તો છે. તમે તમારા ખરાબ ચિંતનને બદલો, દૃષ્ટિકોણ વિશાળ બનાવો. લોભ અને લાલચને છોડી દો. ભગવાનની સુંદર દુનિયાને સજાવવા માટે, શાનદાર બનાવવા માટે એમના રાજકુમારની જેમ એમની સંપત્તિની રક્ષા કરો. દુનિયાને શ્રેષ્ઠ બનાવવા તનતોડ મહેનત કરો. તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ. એમનું શરણું ગ્રહણ કરો, એમનામાં વિલીન થઈ જાઓ. બીજની જેમ ઓગળી જાઓ. વૃક્ષની જેમ ઊગવા તૈયાર થઈ જાઓ. જો તમે ત્યાગ નહિ કરો, તો પ્રાપ્ત કેવી રીતે કરી શકશો? જપ કરવા જરૂરી છે, પણ એકલા જપથી કામ નહિ ચાલે. એના માટે તમારા વિચારોને તથા દૃષ્ટિકોણને બદલો. ૐ શાંતિઃ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: