SJ-01 : સોંપવામાં આવેલા કાર્યક્રમોનું તનમનથી પાલન-૦૫, મારું વિલ અને વારસો
February 20, 2021 Leave a comment
સોપવામાં આવેલા કાર્યક્રમોનું તન મનથી પાલન
આ પ્રથમસાક્ષાત્કાર વખતે માર્ગદર્શક સત્તાએ ત્રણ કાર્યક્રમ સોંપ્યા હતા. બધા જ નિયમ-ઉપનિયમ સાથે ર૪ વર્ષમાં ૨૪ ગાયત્રી મહાપુરશ્ચરણ પૂરાં કરવાનાં હતાં. સાથેસાથે ઘીનો અખંડ દીવો પણ રાખવાનો હતો. મારી પાત્રતામાં ક્રમશઃ ઊણપો દૂર કરવાની સાથેસાથે લોકમંગલનું કાર્ય કરવા માટે સાહિત્ય-સર્જન કરવું તે બીજી મહત્ત્વપૂર્ણ જવાબદારી હતી. આ માટે ઊંડો અભ્યાસ પણ કરવાનો હતો, જે એકાગ્રતાની સાધના હતી. સાથે સાથે જનસંપર્કનું કામ પણ કરવાનું હતું, જેથી ભાવિ કાર્યક્ષેત્રને નજરમાં રાખીને મારી સંગઠન શક્તિનો વિકાસ થાય. ત્રીજી મહત્ત્વની જવાબદારી હતી
સ્વતંત્રતા સંગ્રામમાં એક સ્વયં સેવક સૈનિકની ભૂમિકા નિભાવવાની. આમ જોઈએતો બધી જ જવાબદારીઓ શૈલી અને સ્વરૂપની દૃષ્ટિએ એક્બીજાથી વિરોધી હતી, પરંતુ સાધના અને સ્વાધ્યાયની પ્રગતિમાં આ બધામાંથી કોઈ અવરોધરૂપ બની નથી. એ દરમિયાન બે વાર તો મારે હિમાલય જવું પડ્યું, છતાં પણ બધાં જ કાર્યો એક સાથે એવી સરસ રીતે થતાં ગયાં કે એ માટે મને જ આશ્ચર્ય થાય છે. એનું શ્રેય એ માર્ગદર્શક દૈવી સત્તાના ફાળે જાય છે, જેમણે મારા જીવનનું સુકાન શરૂઆતથી જ પોતાના હાથમાં લઈ લીધું હતું તથા સતત રક્ષણ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ઋષિ દૃષ્ટિકોણની દીક્ષા જે દિવસે મળી તે દિવસ એ પણ કહી દેવામાં આવ્યું કે આ પરિવાર સંબદ્ધ તો છે, પણ વિજાતીય દ્રવ્ય જેવો છે એટલે કે એનાથી બચવા જેવું છે. એના માટે કોઈ તર્ક કે દલીલોનો વિચાર સુધ્ધાં કરવો નહિ. આથી સાંભળવાનું બધાનું, પણ કરવાનું પોતાના મનનું ધાર્યું. એમની સલાહને, આગ્રહને, દબાણને જો મહત્ત્વ આપ્યું અને એ સ્વીકારી લીધું તો પછી લક્ષ્ય સુધી પહોંચવું બહુ મુશ્કેલ બની જશે. શ્રેય અને પ્રેયની દિશાઓ એકબીજાની વિરૂદ્ધ જાય છે. બંનેમાંથી એકને જ અપનાવી શકાય છે. સંસાર પ્રસન્ન થશે તો આત્મા રુઠશે અને જો આત્માને સંતુષ્ટ કરવામાં આવશે તો સંસારની, સ્વજનોની નારાજગી સહન કરવી પડશે. સામાન્ય રીતે આવું જ થતું રહેશે. ભાગ્યે જ કોઈ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, જ્યારે સંબંધીઓએ આદર્શવાદિતા અપનાવવા માટે અનુમોદન આપ્યું હોય. આત્માને તો અનેકવાર સંસારની સામે ઝૂકવું પડ્યું છે.ઊંચા નિશ્ચયો બદલવા પડ્યા છે અને જૂના ઢાંચામાં પાછા આવવું પડ્યું છે.
આ મુશ્કેલી મારી સામે પહેલા દિવસથી જ આવી. વસંત પર્વના દિવસે જ્યારે નવો જન્મ મળ્યો તે જ દિવસે નવો કાર્યક્રમ પણ મળ્યો. પુરશ્ચરણોની શૃંખલાની સાથેસાથે આહારવિહારનાં તપસ્વી કક્ષાનાં બંધનો પણ લાગુ પડ્યાં. ધમાલ મચી ગઈ. જેણે સાંભળ્યું તે બધા પોતપોતાની રીતે સમજાવવા લાગ્યાં. મીઠા અને કડવા શબ્દોની વર્ષા થવા લાગી. બધાનું મંતવ્ય એક જ હતું કે જે રીતે બધા લોકો જીવન જીવે છે, કમાય છે, ખાય છે, પીવે છે એ જ રસ્તો યોગ્ય છે. એમાં મુશ્કેલી પડે એવાં ડગલાં ન ભરવાં જોઈએ. જો કે પિતાની સંપત્તિ એટલી બધી હતી કે તેનાથી ત્રણ પેઢી સુધી ઘેર બેઠાં જ ગુજરાન ચાલી શકે, પણ એ દલીલને કોઈ સાંભળવા પણ તૈયાર ન થયું. નવું કમાઓ, નવું ખાઓ. જે છે એને ભવિષ્ય માટે, કુટુંબીઓ માટે જમા રાખો. બધા લોકો પોતપોતાના શબ્દોમાં એક જ વાત કહેતા હતા. સાંભળનાર હું એકલો જ, કહેનારા સેંકડો. દરેકને ક્યાં સુધી અને શું જવાબ આપવો? અંતે હારીને ગાંધીજીના ત્રણ ગુરુઓમાંથી એકને મારા પણ ગુરુ બનાવી લીધા. મૌન રહેવાથી રાહત મળી. “ભગવાનની પ્રેરણા’ એમ કહી દેવાથી થોડું કામ ચાલી જતું, કારણ કે એની સામે એમની પાસે કોઈ નક્કર દલીલો નહોતી. નાસ્તિકતા સુધી જવાની યા તો અંત:પ્રેરણાનું ખંડન કરવા જેવી દલીલો કરવાનું એમનામાંથી કોઈ શીખ્યું નહોતું. આથી વાત ટાઢી પડી ગઈ. મેં મારુ વ્રત એવી રીતે ચાલું કરી દીધું જાણે કે મારે કોઈને જવાબ આપવાનો નહોતો. કોઈની સલાહ પણ લેવાની નહોતી. અત્યારે વિચારું છું કે જો એટલી દઢતા ન રાખી હોત તો નાવ બેચાર ઝોલાં ખાઈને ડૂબી ગઈ હોત. જે સાધનાના બળે આજે મારું પોતાનું અને બીજાઓનું કંઈક ભલું થઈ શક્યું છે તેનો અવસર જ ન આવત. ઈશ્વરની સાથે એ સંબંધ બંધાત જ નહિ જે પવિત્રતા અને પ્રખરતા મેળવ્યા સિવાય બાંધી ન શકાય.
આ પછી બીજી પરીક્ષા બચપણમાં જ જ્યારે કોંગ્રેસનું અસહકારનું આંદોલન શરૂ થયું ત્યારે મારી સામે આવી. ગાંધીજીએ સત્યાગ્રહના આંદોલનનું બ્યુગલ વગાડ્યું. દેશ ભક્તોને આહ્વાન કર્યું અને જેલમાં જવા માટે તથા ગોળીઓ ખાવા માટે ઘેરથી નીકળી જવાનું કહ્યું.
મેં અંતરાત્માનો પોકાર સાંભળ્યો અને સમજ્યો કે આ ઐતિહાસિક અવસર છે. ગમે તેમ થાય પણ એ ચૂક્વો ન જોઈએ. મારે સત્યાગ્રહીઓની સેનામાં ભરતી થઈ જ જવું જોઈએ. મારી મરજીથી એ માટે ભરતી કેન્દ્રમાં નામ લખાવી દીધું સાધન સંપન્ન ઘર છોડીને મીઠાના સત્યાગ્રહ માટે નિર્ધારિત મોરચે જવાનું હતું. એ દિવસોમાં ગોળીઓ છૂટવાની ચર્ચા બહુ જોરશોરથી ચાલતી હતી. કાળા પાણીની લાંબી સજાઓ થશે એવી પણ અફવાઓ થતી. આવી અફવાઓ સરકારના ભાડૂતી પ્રચારકો જોરશોરથી ફેલાવતા હતા, જેથી કોઈ સત્યાગ્રહી ન બને. ઘરના લોકોએ માટે તેમને રોકે. મારી બાબતમાં પણ આમ જ બન્યું. સમાચાર જાણતાં જ મિત્રો, પડોશીઓ, સંબંધીઓ, કુટુંબીઓ બધાં જ આ વિપત્તિમાંથી બચવા માટે ભારે દબાણ કરવા લાગ્યાં. એમની દષ્ટિએ તો જાણે આ આત્મહત્યા જેવો પ્રયત્ન હતો.
વાત વધતાં વધતાં છેલ્લી હદે પહોંચી. કોઈએ અનશનની ધમકી આપી. તો કોઈએ મરી જવાની. મારાં માતાજીને કોઈએ મને એવું કહેવાનું શીખવાડ્યું કે બાપદાદાની સંપત્તિ મને નહિ આપે ને બીજા ભાઈઓને વહેંચી દેશે. ભાઈઓએ કહ્યું, “પછી ઘર સાથે તારો કોઈ સંબંધ નહિ રહે અને તને ઘરમાં નહિ પેસવા દઈએ.” આ ઉપરાંત પણ ઘણી ધમકીઓ મળી. તને ઉઠાવીને લઈ જઈશું અને ડાકુઓના નિયંત્રણમાં રહેવાની તને ફરજ પાડીશું.
આ કડવીમીઠી ધમકીઓ હું શાંતિથી સાંભળતો રહ્યો. અંતરાત્મા સામે એક જ પ્રશ્ન રહ્યો કે સમયનો પોકાર મહાન છે કે સ્વજનોનું દબાણ ? અંતરાત્માની પ્રેરણા મોટી છે કે મનને ડગાવી મૂકનાર દ્વિધાયુક્ત સ્થિતિ? અંતિમ નિર્ણય કોની પાસે કરાવું? આત્મા અને પરમાત્મા બન્ને જ સાક્ષી માનીને એમના નિર્ણયને અંતિમ નિર્ણય માનવાનું નક્કી કર્યું
આ સંદર્ભમાં પ્રહલાદની ફિલ્મ મનઃચક્ષુ આગળ દેખાવા લાગી. એ પૂરી નહોતી થઈ તે પહેલાં તો ધ્રુવની વાત મસ્તકમાં ઘૂમવા માંડી. એનો અંત આવે તે પહેલાં પાર્વતીનો નિશ્ચય ઊછળીને આગળ આવ્યો. આ શરૂઆત થયા પછી તો મહામાનવોની, વીર બલિદાનીઓની. સંત સુધારક અને શહીદોની અનેક કથાઓ નજર સમક્ષ આવવા માંડી. એમાંથી કોઈના કુટુંબીઓએ, મિત્રો કે સંબંધીઓએ એમના સાચા ત્યાગનું સમર્થન કર્યું ન હોતું. તેઓ પોતાના એકલાના આત્મબળની મદદથી જ પોતાની ફરજ અદા કરવાના નિશ્ચયમાં અડગ રહ્યા પછી પોતાની આસપાસના લોકો શું કહે છે અને શું કરે છે એ વિચારવું વ્યર્થ છે. એમની વાતો સાંભળવાથી આદર્શોનું પાલન નહિ થઈ શકે. જો આદર્શો નિભાવવા હોય તો પોતાના મનની ઈચ્છાઓ, લાલસા સામે ઝઝૂમવું પડશે. એટલું જ નહિ, પણ જેઓ માત્ર પેટ અને પ્રજનનના કુચક્રમાં ફરે છે અને બીજાને ફરવાની સલાહ આપે છે એ લોકોની સલાહની ઉપેક્ષા કરવી પડશે. નિર્ણય આત્માના પક્ષે ગયો. હું અનેક વિરોધ અને બંધનોને તોડીને લપાતો-છુપાતો નિર્દિષ્ટ સ્થાને પહોંચ્યો અને સત્યાગ્રહની ભૂમિકા નિભાવતાં જેલમાં ગયો. જે કાલ્પનિક ભયનો આતંક ઊભો કરવામાં આવ્યો હતો તેમાંથી એક પણ ચરિતાર્થ ન થયો.
બીજી એક ઘટના આ બંને પ્રયોજનો માટે વધારે સાહસ આપતી રહી. ગામમાં એક વૃદ્ધ ઝાડવાળી ઘાથી પીડાતી હતી. ઝાડા પણ થઈ રહ્યા હતા. ઘામાં કીડા પડી ગયા હતા. ખૂબ ચીસો પાડતી હતી, પણ તે અછૂત હોવાને કારણે કોઈ એને ઘેર જતું નહોતું. મેં એક ચિકિત્સકને આનો ઈલાજ પૂછયો. મેં એકલાએ જ એની દવાઓની વ્યવસ્થા કરી અને એને ઘેર નિયમિતરૂપે જવા માંડ્યો. તેની દવા કરવા માટે, તેની સારવાર કરવા માટે તથા ભોજન આપવા માટે પણ. આ બધાં કાર્યો મેં મારા માથે લીધાં. મહેતરાણીના ઘરમાં જવું. એનાં મળમૂત્રવાળાં કપડાં ધોવાં એ આજથી ૭૫ વર્ષ પહેલાં તો જાણે મોટો ગુનો હતો. નાત બહાર મૂકવામાં આવ્યો. ઘરવાળાંએ પણ ઘરમાં પેસવા નદીધો. ગામના ચોરે પડી રહેતો અને ઘરવાળાં જે કાંઈ આપી જતાં એ ખાઈને ગુજરાન ચલાવતો. આટલું થવા છતાં પણ મેં મહેતરાણીની સેવા ન છોડી. પંદર દિવસ સુધી તે ચાલી. પછી તે સારી થઈ ગઈ. તે જ્યાં સુધી જીવી ત્યાં સુધી મને ભગવાન કહેતી રહી. એ વખતે ૧૩ વર્ષની ઉંમરમાં પણ એકલો હતો. આખું ઘર અને ગામ બધાં એકબાજુ. એમની સામે લડતો રહ્યો. હાર્યો નહિ. હવે તો ઉંમર પણ થો વધી હતી. હવે શા માટે ?
સ્વતંત્રતા સંગ્રામ માટે કેટલીયવાર જેલયાત્રા, ૨૪ મહાપુરશ્ચરણોનું વ્રત, એની સાથેસાથે મહેતરાણીની સેવા સાધના આ ત્રણ પરીક્ષાઓ મારે નાની ઉંમરે જ પસાર કરવી પડી. આંતરિક દુર્બળતા અને સંબંધીઓના સાથે બેવડા મોરચે લડ્યો. એ આત્મ વિજયના પરિણામે જ આત્મબળનો સંગ્રહ કરવામાં વધારે લાભ મેળવવાની તક મળી. એ બધી ઘટનાઓથી મારું મનોબળ મજબૂત બનતું ગયું તથા જેનો મને સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો, તે બધા જ કાર્યક્રમોનું પાલન મારાથી થતું ગયું.
મહાપુરશ્ચરણોની શૃંખલા નિયમિત રીતે ચાલતી રહી. જે દિવસે ગુરુદેવના આદેશથી એ સાધનાનો શુભારંભ કર્યો હતો એ જ દિવસે અખંડ ઘીના દીવાની પણ સ્થાપના કરી હતી. એની જવાબદારી મારાં ધર્મપત્નીએ સંભાળી કે જેમને હું માતાજી કહીને બોલાવું છું. નાના બાળકની જેમ અખંડ જ્યોતિનું ધ્યાન રાખવું પડતું હતું. નહિ તો ગમે ત્યારે ઓલવાઈ જાય. એ અખંડ દીપક આટલા લાંબા સમયથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સતત જલતો રહ્યો છે. એના પ્રકાશમાં બેસીને જ્યારે પણ સાધના કરું છું તો મનમાં અનાયાસ જ દિવ્ય ભાવનાઓ ઊભરાતી રહે છે. ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો મારી સામાન્ય બુદ્ધિ માટે શક્ય ન બને ત્યારે એ અખંડ જ્યોતિનાં પ્રકાશ કિરણો અનાયાસ જ એ સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે. રોજ ૬૬ માળાના જપ. ગાયત્રી માતાના ચિત્રનું ધૂપ, દીપ, નૈવેદ્ય, અક્ષત, પુષ્પ અને જળથી પૂજનની સાથેસાથે પ્રાતઃકાળના ઊગતા સવિતાદેવનું ધ્યાન. અંતમાં સૂર્યાર્ઘ દાન. આટલી નાનકડી વિધિવ્યવસ્થા અપનાવવામાં આવી. એની સાથે બીજમંત્ર-સંપુટ વગેરેનું કોઈ તાંત્રિક વિધિવિધાન જોડવામાં નથી આવ્યું, પરંતુ શ્રદ્ધા અતૂટ રહી. સામે રહેલા ગાયત્રી માતાના ચિત્ર પ્રત્યે અસીમ શ્રદ્ધા ઊમટતી રહી. જાણે સાક્ષાત એ પોતે જ સામે બેઠાં હોય એમ લાગતું. ક્યારેક ક્યારેક તેમના પાલવમાં મોં છુપાવી પ્રેમાશ્રુ વહાવવાનું મન થતું હતું. ક્યારેય એવું નથી બન્યું કે સાધનામાં મન ન લાગ્યું હોય યા ક્યાંક બીજે ગયું હોય. તન્મયતા નિરંતર ગાઢ બનતી રહી. સમય પૂરો થતો ત્યારે જુદું એલાર્મ વાગતું. નહિ તો ઊઠવાનું મન જ થતું નહોતું. ઉપાસનામાં એક્ય દિવસ વિઘ્ન આવ્યું નથી.
આવું જ અધ્યયનની બાબતમાં પણ બન્યું છે. એના માટે જુદો સમય ફાળવવો નથી પડ્યો. કોંગ્રેસનાં કાર્યો માટે ખૂબ દૂરદૂર જવું પડતું. જ્યારે વાતચીત કે કાર્યક્રમનો સમય થતો ત્યારે વાંચવાનું બંધ થઈ જતું અને જેવું ચાલવાનું શરૂ થતું કે તરત જ વાંચવાનું પણ શરૂ થઈ જતું. પુસ્તક સાઈઝનાં ૪૦ પાન દર કલાકે વાંચવાની ઝડપ હતી. દરરોજ ઓછામાં ઓછા બે કલાક વાંચવા મળી જતું. કોઈવાર વધારે સમય પણ મળતો. આ રીતે બે કલાકમાં ૮૦ પાન, મહિનામાં ૨૪૦૦પાન, વર્ષમાં ૨૮ હજાર પાન, ૬૦ વર્ષમાં મેં સાડાઅઢાર લાખ પાન મારી અભિરુચિના વાંચ્યાં છે. લગભગ ૩ હજાર પાન નિત્ય વિહંગમ રૂપે વાંચી લેવાં તે મારા માટે સ્નાન અને ભોજનની જેમ સહેલી બાબત રહી છે. આ ક્રમ ૬૦ વર્ષ કરતાંય વધુ સમયથી ચાલતો આવ્યો છે અને એટલા દિવસોમાં મારે જરૂરી વિષયોનાં પુસ્તકોનાં અસંખ્ય પૃષ્ઠો વાંચી નાંખ્યાં. મહાપુરશ્ચરણો પૂરાં થતાં તે પછી વધારે સમય મળવા લાગ્યો. ત્યારે મેં ભારતનાં જુદાં જુદાં પુસ્તકાલયોમાં જઈને ગ્રંથો-પાંડુલિપિઓનું અધ્યયન કર્યું. એ મારા માટે અમૂલ્ય ભંડાર બની ગયાં.
મનોરંજન માટે મેં કદી એક પાન પણ નથી વાંચ્યું. પોતાના વિષયમાં જાણે મારે પ્રવીણતાની ઉપાધિ પ્રાપ્ત કરવાની હોય એટલી તન્મયતાથી વાંચ્યું છે. આથી વાંચેલા વિષયો મનમાં એકાકાર થઈ ગયા. જ્યારે પણ કોઈ લેખ લખતો અથવા તો વાર્તાલાપમાં કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરતો હતો ત્યારે વાંચેલું અનાયાસ જ યાદ આવી જતું. લોકો મારી પાછળ કહેતા કે, “આ તો હરતો-ફરતો એન્સાઈક્લોપીડિયા” છે. “અખંડ જ્યોતિ’ પત્રિકાના લેખ વાંચનારાઓને એમાં એટલા બધા સંદર્ભો મળે છે કે તેઓ આશ્ચર્યચક્તિ થઈ જાય છે અને વિચારે છે કે એક લેખ માટે કોણ જાણે કેટલાં પુસ્તકો અને સામયિકોની સામગ્રી એકઠી કરવામાં આવી છે! આ બાબત “યુગ નિર્માણ યોજના” તથા યુગશક્તિ’ સામયિકોની બાબતમાં પણ છે, પરંતુ સાચી વાત તો એટલી જ છે કે મેં જેટલું વાંચ્યું છે તે મન લગાવીને વાંચ્યું છે અને ઉપયોગી હોય એટલું જ વાંચ્યું છે. આથી લખતી વખતે બધા સંદર્ભો અનાયાસે જ સ્મૃતિપટ ઉપર આવી જાય છે. એ ખરેખર તો મેં તન્મયતાથી કરેલી સાધનાનો જ ચમત્કાર છે.
મારા વતનમાં પ્રાથમિક શાળા હતી. સરકારી સ્કૂલની દષ્ટિએ તો આટલું જ ભણ્યો છું. સંસ્કૃત અમારી વંશપરંપરાથી ચાલી આવતી ભાષા છે. પિતાજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. ભાઈઓ પણ એવા હતા. બધાની રુચિ પણ એ તરફ જ હતી. અમારા બાપદાદાનો ધંધો પુરાણોની કથા કહેવાનો તથા પુરોહિત કર્મ કરવાનો છે. તેથી તેનું પણ પૂરતું જ્ઞાન મળી ગયું. આચાર્ય કક્ષાના વિદ્યાર્થીઓને પણ મેં ભણાવ્યા છે, જ્યારે મારી પાસે એવી ડિગ્રીધારી યોગ્યતા નહોતી.
આ પછી બીજી ભાષાઓ ભણવાની વાત મનોરંજક છે. જેલમાં લોખંડનાં પતરાં પર કાંકરાથી અંગ્રેજી લખવાનું શરૂ કર્યું. એક દૈનિક પેપર “લિડર’ જેલમાં હાથમાં આવી ગયું. એનાથી ભણવાનું શરૂ કર્યું. સાથીઓને પૂછી લેતો. આ રીતે એક વર્ષ પછી જ્યારે જેલમાંથી છૂટ્યો તો અંગ્રેજીની સારી એવી યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યો હતો. અંદરોઅંદરની ચર્ચાથી દરેક વખતની જેલયાત્રામાં અંગ્રેજીનું શબ્દ ભંડોળ વધતું ગયું અને ધીરે ધીરે વ્યાકરણ પણ શીખી લીધું. બદલામાં મેં મિત્રોને સંસ્કૃત અને રૂઢિપ્રયોગોવાળી હિન્દુસ્તાની ભાષા શીખવી દીધી. બીજી ભાષાઓનાં સામયિકો તથા શબ્દકોશની મદદથી રસ્તે ચાલતાં ચાલતાં બીજી ભાષાઓ પણ શીખી લીધી. ગાયત્રીને બુદ્ધિની દેવી કહેવાય છે. બીજાઓને એવો લાભ મળ્યો કે નહિ તેની મને ખબર નથી, પરંતુ મારા માટે તો આ ચમત્કારિક લાભ પ્રત્યક્ષ છે. “અખંડજ્યોતિ ની સંસ્કૃતિનિષ્ઠ હિન્દીએ હિન્દીના પ્રાધ્યાપકોને પણ માર્ગદર્શન આપ્યું છે. આ બધું જ્યારે હું જોઉં છું ત્યારે એ મહાપ્રજ્ઞાને જ એનું શ્રેય આપું છું. અત્યંત વ્યસ્તતા રહેવા છતાંય જ્ઞાનની વિભૂતિ આટલી બધી માત્રામાં હસ્તગત થઈ ગઈ એનાથી મને પૂર્ણ સંતોષ થાય છે અને બીજાઓને આશ્ચર્ય ગુરુદેવના આદેશનું પાલન કરવા માટે મેં કોંગ્રેસના સત્યાગ્રહમાં ભાગ તો લીધો, પણ શરૂઆતમાં તો દ્વિધા જ રહી કે જ્યારે ૨૪ વર્ષનો એક સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે ૫ અને ૧૯ વર્ષના એમ બે ભાગ શા માટે પાડવામાં આવ્યા? આંદોલનમાં તો હજારો સ્વયંસેવકો હતા, તો જો હું એક્લો એમાં ન હોત તો તેનાથી શું બગડી જવાનું હતું?
મારી દ્વિધાને ગુરુદેવ સાક્ષાત્કાર વખતે જ જાણી ગયા હતા. જ્યારે સંગ્રામમાં જવાનો સમય આવ્યો ત્યારે તેમની પરાવાણીથી માર્ગદર્શન મળ્યું કે, “યુગધર્મનું પોતાનું મહત્ત્વ છે. એને સમયનો પોકાર માનીને બીજાં આવશ્યક કાર્યો છોડીને પણ જેમ આગ લાગે ત્યારે બધાં કામ પડતાં મૂકીને પાણી લઈને દોડીએ છીએ એવી રીતે દોડી જવું જોઈએ. ભવિષ્યમાં તારે જનસંપર્કનાં અનેક કાર્યો કરવાનાં છે અને એ માટે જુદી જુદી જાતના લોકો સાથે સંપર્ક સાધવાનો બીજો કોઈ અવસર આવવાનો નથી. આ એક એવા ઉદેશને પૂરો કરવાનું પ્રથમ ચરણ છે, જે માટે ભવિષ્યમાં ખૂબ શ્રમ અને સમય ખર્ચવો પડશે. શરૂઆતના દિવસોમાં જે પાઠ ભણ્યા હતા, પૂર્વજન્મોમાં જેનો અભ્યાસ ર્યો હતો એનું રિહર્સલ કરવાનો અવસર પણ મળી જશે. આ બધાં કાર્યો પોતાના અંગત લાભની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ નથી. સમયની માગતો એનાથી જપૂરી થાય છે.
વ્યાવહારિક જીવનમાં તને ચાર પાઠ ભણાવવાના છેઃ (૧) સમજદારી (૨) ઈમાનદારી (૩) જવાબદારી (૪) બહાદુરી. આ ચારેયની મદદથી જ સાચું વ્યક્તિત્વ ખીલે છે અને પ્રતિભા તથા પરાક્રમનો વિકાસ થાય છે. હથિયારો બુઠ્ઠાં તો નથી થઈ ગયાં. જૂનાં પાઠ ક્યાંક ભુલાઈ તો નથી ગયા એની તપાસ નવેસરથી થઈ જશે. આ દષ્ટિએ તથા ભાવિ ક્રિયા પદ્ધતિની રૂપરેખા સમજવા માટે તારે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવો જરૂરી છે.” દેશ માટે મેં શું કર્યું, કેટલાં કષ્ટો સહન કર્યા. સોપેલાં કાર્યોને કેટલી ખૂબીપૂર્વક નિભાવ્યાં એ બધાની ચર્ચા અહીં કરવી તે તદ્દન અપ્રાસંગિક ગણાશે. એ જાણવાની જેને જરૂર લાગે તે પરિજન ઉત્તર પ્રદેશ સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત “આગ્રા સંભાગ કે સ્વતંત્રતા સંગ્રામ સેનાની’ પુસ્તક વાંચી લે. એમાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોની સાથે મારો ઉલ્લેખ છે. “શ્રીરામ મત્ત’ એ મારું તે વખતનું પ્રચલિત નામ છે. અહીં તો ફક્ત એ ધ્યાનમાં રાખવાનું છે કે મારા માર્ગદર્શક મારા હિતનો ખ્યાલ મનમાં રાખીને આ આદેશ આપ્યો.
આ દસ વર્ષોમાં જેલમાં તથા જેલની બહાર અનેક પ્રકૃતિના લોકો સાથે મળવાનું થયું. સ્વતંત્રતા સંગ્રામના સમયે જનજાગૃતિ ચરમસીમાએ હતી. શૂરવીર, સાહસિક, સંલ્પબળવાળા અનેક લોકો સંપર્કમાં આવ્યા, જેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. જનસમુદાયને લાભાન્વિત કરવા અને નૈતિક ક્રાન્તિ જેવા મોટા કાર્ય માટે મારા પ્રશંસક, સમર્થક, સહયોગી બનાવવા માટે કઈ રીતિનીતિ અપનાવવી જોઈએ એ મને માત્ર બે જ વર્ષમાં શીખવા મળ્યું, નહિ તો આ માટે આખી જિંદગી ગાળવા છતાંય આવો સુયોગ પ્રાપ્ત ન થાત. વિચિત્ર પ્રકારની વિચિત્ર પ્રકૃતિઓનું અધ્યયન કરવાની એટલી તક મળી જેટલી દેશના મોટા ભાગનો પ્રવાસ કરવાથી મળી શકે. મારા મનમાંથી ઘર, ગૃહસ્થી તથા મારા અને પારકાંનો મોહ છૂટી ગયો અને એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એટલી પ્રસન્નતાપૂર્વક જીવન જીવ્યો કે તેનાથી મને શક્તિ ઉપર વિશ્વાસ થતો ગયો. સૌથી મોટી બાબત તો એ છે કે મારો સ્વભાવ સ્વયંસેવક જેવો બનતો ગયો, જેનાથી આજે આ ચરમ અવસ્થાએ પહોંચ્યા પછી પણ હું વિનમ્ર રહ્યો છું. મારી દ્વિધાનું સમાધાન એ વખતે બનેલા સ્વતંત્રતા સંગ્રામના પ્રસંગોથી થઈ ગયું કે મને શા માટે બે ભાગમાં અનુષ્ઠાન કરાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસ સ્થાપનાને એક શતાબ્દી થઈ ગઈ. પણ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું હતું તે અલગ હતી. એમાં કામ કરવાના મને વિલક્ષણ અનુભવો થયા છે. અનેક મૂર્ધન્ય પ્રતિભાઓ સાથે સંપર્ક સાધવાની તકો અનાયાસ મળતી રહી. હમેશાં વિનમ્ર અને અનુશાસનરત સ્વયંસેવકની હેસિયતથી જ હું રહ્યો. આથી મૂર્ધન્ય નેતાઓની સેવામાં કોઈ વિનમ્ર સ્વયંસેવકોની જરૂર પડતી તો મને જ પ્રથમ નંબર આપવામાં આવતો. ઉંમર પણ એને યોગ્ય હતી. આ સંપર્કથી હું મોટી મોટી વિશેષતાઓ શીખ્યો. અવસર મળતાં એમની સાથે રહેવાનો પણ સુયોગ પ્રાપ્ત થયો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સાથે અને પવનાર આશ્રમમાં વિનોબાની સાથે રહેવાનો લાભ મળ્યો છે. બીજાઓ એમની પાસે રહેવા છતાં દર્શન માત્ર કરતા હતા અથવા તો ત્યાં રહીને પાછા ફરતા, જયારે મેં તો એમના સંપર્કથી ઘણું જાણ્યું છે અને શીખ્યો છું. એ બધાની સ્મૃતિઓનો ઉલ્લેખ કરવો અહીં અપ્રસ્તુત ગણાશે, પણ કેટલીક ઘટનાઓ એવી છે જે મારા માટે કલ્પવૃક્ષની જેમ મહત્ત્વની સાબિત થઈ.
સન ૧૯૩૩ ની વાત છે. કલકત્તામાં ઈન્ડિયન નેશનલ ક્રોંગ્રેસનું અધિવેશન હતું. તે વખતે કોંગ્રેસ ગેરકાયદેસર હતી. જે તેમાં જતા તેમને પકડવામાં આવતા. એમાં જનાર ઉપર ગોળીઓ પણ છોડવામાં આવી. એમાં જે આગેવાનો હતા તેમને બર્દવાન રેલવે સ્ટેશન પર પકડી લેવામાં આવ્યા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જમાનામાં ગોરાઓ માટે બનાવવામાં આવેલી એક ખાસ જેલ (આસનસોલ) માં મોકલી આપવામાં આવ્યા. એમાં હું પણ આગ્રા જિલ્લાના મારા ત્રણ સાથીઓ સાથે પકડાયો હતો. અહીં અમારી સાથે મદનમોહન માલવિયાજી ઉપરાંત ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, શ્રી જવાહરલાલ નહેરુની માતા સ્વરૂપાણી, રફી અહમદ કિડવાઈ, ચંદ્રભાન ગુપ્તા, કનૈયાલાલ ખાદીવાલા, જગનપ્રસાદ રાવત વગેરે મૂર્ધન્ય લોકો હતા. ત્યાં અમે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી સાંજે રોજ મહામના માલવિયાજીનું ભાષણ થતું હતું. માલવિયાજી તથા માતા સ્વરૂપરાણી બધાની સાથે સગાં બાળકો જેવો વ્યવહાર રાખતાં હતાં. એક દિવસ એમણે પોતાના ભાષણમાં એ વાત પર બહુ ભાર મૂક્યો કે આપણે આંદોલનને આગળ વધારવા માટે દરેક પુરુષ પાસેથી એક પૈસો અને દરેક સ્ત્રી પાસેથી એક મુઠ્ઠી અનાજ માગી લાવવું જોઈએ, જેથી બધાને લાગે કે ક્રોગ્રેસ અમારી છે. અમારા પૈસાથી બનેલી છે. બધાને એમાં પોતાપણું લાગશે અને મુઠ્ઠીભર ફંડથી કોંગ્રેસ આર્થિક રીતે સધ્ધર થઈ જશે. આ બાબત બીજાઓ માટે મહત્ત્વની ન હતી, પણ મેં એ ગાંઠે બાંધી લીધી. ઋષિઓનો આધાર આ ભિક્ષા’ જ હતી. એના જ આધારે તેઓ મોટાં મોટાં ગુરુકુળો અને આરણ્યકો ચલાવતા હતા. મને ભવિષ્યમાં ખૂબ મોટાં કાર્યો કરવાનો ગુરુદેવે સંકેત આપ્યો હતો. એના માટે પૈસા ક્યાંથી આવશે એની ચિંતા મને રહ્યા કરતી હતી. આ વખતે જેલમાં એનો ઉપાય મળી ગયો. જેલમાંથી છૂટ્યા પછી જ્યારે મોટાં કાર્યો પૂરાં કરવાની જવાબદારી માથે આવી ત્યારે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. દરરોજ દસ પૈસા અથવા એક મુઠ્ઠી અનાજ અંશદાનના રૂપમાં લેવાનું રાખ્યું અને એ રીતે અત્યાર સુધી લાખો નહિ, પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
કોંગ્રેસ ગાયત્રીની જેમ મારી જીવનધારા રહી. જયારે સ્વરાજ્ય મળી ગયું ત્યારે મેં એવાં કાર્યો પાછળ ધ્યાન આપવા માંડ્યું કે સાચા અર્થમાં સ્વરાજ મળે. રાજનેતાઓએ દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ સંભાળવી જોઈએ, પણ નૈતિક ક્રાન્તિ, બૌદ્ધિક ક્રાન્તિ અને સામાજિક ક્રાન્તિ તેનાથી વધારે મહત્ત્વની છે. એને મારા જેવા લોકો જ પૂર્ણ કરી શકે. આ ધર્મતંત્રની જવાબદારી છે. મારા આ નવા કાર્યક્રમ માટે મારા બધા ગુરુજનોના આશીર્વાદ લીધા અને ક્રોગ્રેસનો એક જ કાર્યક્રમ મારા માથે લીધો. એ છે ખાદી પહેરવી, આ ઉપરાંત જે દિવસે સ્વરાજ મળ્યું ત્યારથી બીજા બધા કાર્યક્રમોમાંથી ખસી ગયો. આની પાછળ બાપુના આશીર્વાદ હતા. દૈવી સત્તા તરફથી મને મળેલો એ નિર્દેશ હતો. લગભગ ૨૦ વર્ષ સુધી સતત કામ કરતા રહેવાથી જ્યારે મિત્રોએ સ્વતંત્રતા સંગ્રામના સેનાનીના નાતે નિર્વાહની રકમ લેવા માટેનું ફોર્મ મોકલ્યું તો મેં હસીને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. મને રાજનીતિ ક્ષેત્રમાં શ્રીરામ મત્ત અથવા મત્તજી એવા નામથી ઓળખવામાં આવે છે. જે લોકો જાણે છે, તે વખતના જે મૂર્ધન્યો જીવે છે તેમને ખબર છે કે આચાર્યજી(મત્તજી) કોંગ્રેસના આધારસ્તંભ હતા અને મુશ્કેલમાં મુકેલ કામમાં આગલી હરોળમાં ઊભા રહ્યા હતા, પરંતુ જ્યારે શ્રેય લેવાનો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે તેમની જાતને પડદા પાછળ રાખી.
ત્રણેય કાર્યો યથાવતપૂર્ણ તત્પરતા અનેતન્મયતાપૂર્વક પૂર્ણ કર્યા અને સાથેસાથે જ્યારે ગુરુદેવે હિમાલય બોલાવ્યો ત્યારે જતો રહ્યો. વચલા ગાળાના બે આમંત્રણોમાં એમણે મને છ-છ મહિના રોક્યો. ત્યારે એમણે કહ્યું, “કોંગ્રેસનું કામ સ્વતંત્રતા પ્રાપ્તિની દષ્ટિએ અત્યારે જરૂરી છે તેથી તારે અહીં છ મહિના રોકાવું પર્યાપ્ત છે.” એ મહિનામાં છ મહિનામાં મારી પાસે શું કરાવવામાં આવ્યું તેથા શું કહેવામાં આવ્યું તે બધાએ જાણવું જરૂરી નથી.દશ્ય જીવનના જ અસંખ્ય પ્રસંગો એવા છે જેને હું અલૌકિક તથા દૈવી શક્તિની કૃપાનો પ્રસાદ માનું છું. એને યાદ કરીને કૃતકૃત્ય થઈ જાઉં છું.
પ્રતિભાવો