SJ-01 : ગુરુદેવનું પ્રથમ તેડું, ડગલે ને પગલે પરીક્ષા-૦૬, મારું વિલ અને વારસો
February 21, 2021 Leave a comment
ગુરુદેવનું પ્રથમ તેડું, ડગલે ને પગલે પરીક્ષા
ગુરુદેવ દ્વારા મને હિમાલય બોલાવવાની વાત મલ્યાવતારની. જેમ વધતી ગઈ. પુરાણની કથા એવી છે કે બ્રહ્માજીના કમંડળમાં ક્યાંકથી એક માછલીનું બચ્ચું આવી ગયું. હથેળીમાં આચમન માટે કમંડળ લીધું તો જોતજોતામાં તે હથેળી જેટલી લાંબી થઈ ગઈ. બ્રહ્માજીએ એને ઘડામાં નાંખી દીધી. ક્ષણવારમાં તો તે એનાથીય બમણી થઈ ગઈ. બ્રહ્માજીએ એને પાસેના તળાવમાં નાંખી દીધી, તો એમાં પણ તે સમાઈ નહિ. ત્યાર પછી એને સમુદ્રમાં નાંખી. તો એ સમુદ્ર જેટલી વિશાળ બની ગઈ ત્યારે બ્રહ્માજીને એ માછલી નહિ પણ ભગવાનનો અવતાર છે એનું જ્ઞાન થયું. એમણે એમની સ્તુતિ કરી અને આદેશ માગ્યો. વાત પૂરી થયા પછી મસ્યાવતાર અદશ્ય થયા અને જે કાર્ય માટે તેઓ પ્રગટ થયા હતા તે કાર્ય સુંદર રીતે પૂર્ણ થયું. મારી સાથેનો ઘટનાક્રમ પણ બરાબર એવો જ રહ્યો છે. ગુરુદેવે પરોક્ષ રૂપે મહામના માલવિયાજી પાસે ગુરુદીક્ષા અપાવી ત્યારથી જ આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ હતી. જનોઈ આપી હતી અને ગાયત્રી મંત્રની નિયમિત ઉપાસના કરવાનું વિધિવિધાન બતાવ્યું હતું. નાની ઉંમર હતી, પણ એનું વિધિવત્ પાલન કર્યું. કોઈ દિવસ એવો નથી ગયો જે ખાલી ગયો હોય. “સાધના નહિ તો ભોજન નહિ એ સિદ્ધાંત અપનાવ્યો. તે આજ સુધી બરાબર રીતે ચાલ્યો છે અને વિશ્વાસ છે કે જીવનના અંતિમ દિન સુધી ચોક્કસ ચાલશે.
એ પછી પ્રકાશના સ્વરૂપમાં ગુરુદેવનો સાક્ષાત્કાર થયો. તેમણે આત્માને બ્રાહ્મણ બનાવવા માટે ૨૪ વર્ષની ગાયત્રી પુરશ્ચરણ સાધના બતાવી. તે પણ યોગ્ય સમયે પૂરી થઈ. એ દરમિયાન બેટરી ચાર્જ કરાવવા માટે તથા પરીક્ષા આપવા માટે વારંવાર હિમાલય આવવાનો આદેશ મળ્યો. સાથેસાથે દરેક યાત્રા વખતે એક એક વર્ષ અથવા એનાથી ઓછો સમય દુર્ગમ હિમાલયમાં રહેવાનો નિર્દેશ પણ મળ્યો. તે ક્રમ પણ સારી રીતે ચાલ્યો. પરીક્ષામાં પાસ થતાં નવી જવાબદારી પણ ખભા પર લદાઈ. એટલું જ નહિ, એ નિભાવવા માટે અનુદાન પણ મળ્યું કે જેથી દુર્બળ બાળક લથડી ન જાય. જયાં ગબડી જવા જેવી સ્થિતિ ઊભી થઈ ત્યાં મારા માર્ગદર્શક ગોદમાં ઊંચકી લીધો.
એક વર્ષ પણ નહોતું થયું ને એટલામાં બિનતારી સંદેશો મારા અંતરાલમાં હિમાલયનું આમંત્રણ લઈ આવ્યો. ઉત્સુકતા તો હતી, પણ ઉતાવળ નહોતી. જે નથી જોયું એ જોવાની ઉત્કંઠા તથા જે અનુભવ મળ્યો નથી તે પ્રાપ્ત કરવાની આકાંક્ષા માત્ર હતી. સાથેસાથે જેમાં બીજા લોકો ત્યાં જતા નથી એવી ઋતુનું તથા ઠંડી, આહાર, સૂમસામ નિર્જનતા, હિંસક પ્રાણીઓ વગેરે કેટલાય ભય મનમાં ઊભા થતા, પરંતુ છેવટે વિજય પ્રગતિનો થયો. સાહસની જીત થઈ. સંચિત કુસંસ્કારોમાં એક અજાણ્યો ડર પણ હતો. એમ પણ થતું હતું કે સુરક્ષિત રહીને સુવિધાપૂર્વક જીવવું કારણ કે ઘરની પરિસ્થિતિ સારી. હતી. બંને વૃતિઓ વચ્ચે કૌરવો અને પાંડવોની લડાઈ જેવું મહાભારત ચાલ્યું, પણ એ બધું ર૪ કલાકથી વધારે ટક્યું નહિ. બીજા જ દિવસે હું યાત્રા માટે નીકળી પડ્યો. ઘરનાંને એના પ્રયોજનની જાણ કરી. ઊલટી સલાહ આપનારા પણ ચૂપ રહ્યા. તેઓ જાણતા હતા કે મારો નિર્ણય બદલાતો નથી.
અઘરી પરીક્ષા આપવી અને શ્રેષ્ઠ પુરસ્કાર મેળવવો એ ક્રમ મારા જીવનમાં ચાલતો આવ્યો છે. પુરસ્કારની સાથે આગળનું નવું વિરાટ કદમ ભરવાનું પ્રોત્સાહન પણ મળતું. મારા મત્સાવતારનો આ જ ક્રમ ચાલતો આવ્યો છે.
પ્રથમવાર હિમાલય જવાનું થયું ત્યારે એ પ્રથમ સત્સંગ હતો. હિમાલય દૂરથી તો પહેલાંય જોયો હતો, પરંતુ ત્યાં રહેવામાં કઈ કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે એની કોઈ માહિતી મને નહોતી. એ અનુભવ પહેલી વાર જ થયો. સંદેશો આવતાં જ જવાની તૈયારી કરી. માત્ર દેવપ્રયાગથી ઉત્તરકાશી સુધી એ વખતે સડક અને મોટરની વ્યવસ્થા હતી. એ પછીના આખા રસ્તે પગપાળા પ્રવાસ કરવો પડતો હતો. ઋષીકેશથી દેવપ્રયાગ સુર પણ પગપાળા યાત્રા કરવી પડતી હતી. ખભા અને પીઠ ઉપર કેટલો સામાન લાદીને ચાલી શકાય એનો અનુભવ નહોતો. આથી થોડો વધારે સામાન લઈ લીધો. ઊંચકીને ચાલવું પડ્યું ત્યારે ખબર પડી કે એ ભારે છે. એટલો સામાન લઈને પગપાળા કોઈ યાત્રી ચાલી ન શકે. આથી શક્તિ બહારની વસ્તુઓ રસ્તે બીજા યાત્રીઓને વહેંચતાં વહેંચતાં જેટલું ખાસ જરૂરી હોય અને ઊંચકી શકાય તેટલું જ રહેવા દીધું.
આ યાત્રામાં ગુરુદેવ એક જ પરીક્ષા લેવા ઈચ્છતા હતા કે વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા જેટલી મનઃસ્થિતિ પકવ બની છે કે નહિ. આથી ધાર્યા કરતાં યાત્રા વધારે મુશ્કેલ બનતી ગઈ. બીજો કોઈ હોત તો ગભરાઈ જાત. તે કાં તો પાછો વળી જાત અથવા બીમાર પડી જાત, પરંતુ ગુરુદેવ મને શીખવવા માગતા હતા કે જો મનઃસ્થિતિ મજબૂત હોય તો પરિસ્થિતિઓનો સામનો કરી શકાય અને તેને અનુકૂળ બનાવી શકાય અથવા તો સહન કરી શકાય. મહત્ત્વપૂર્ણ સફળતા મેળવવા માટે મનુષ્ય એટલા મજબૂત થવું જ જોઈએ. એમ કહેવાય છે કે જ્યારે ધરતીનું સ્વર્ગ અથવા હ્રદય કહેવાતો હિમાલયનો ભાગ દેવોનું નિવાસ સ્થાન હતો ત્યારે ઋષિઓ ગોમુખથી નીચે અને ઋષીકેશની ઉપરના ભાગમાં રહેતા હતા, પરંતુ હિમયુગ પછી પરિસ્થિતિઓ એકદમ બદલાઈ ગઈ. દેવતાઓએ કારણ શરીર ધારણ કરી લીધો અને અંતરિક્ષમાં વિચરણ કરવા લાગ્યા. પુરાતનકાળના ઋષિઓ ગોમુખથી ઉપર જતા રહ્યા. નીચેનો ભાગ હવે સહેલાણીઓ માટે રહ્યો છે. ત્યાં ક્યાંક ક્યાંક સાધુ બાવાઓની ઝૂંપડીઓ જોવા મળે છે. પણ જેને ઋષિ કહી શકાય એવા મળવા મુશ્કેલ નથી.
મેં એવું પણ સાંભળ્યું હતું કે હિમાલયની યાત્રામાં રસ્તે આવતી ગુફાઓમાં સિદ્ધયોગીઓ રહે છે. એવું કંઈ જોવા મળ્યું નહિ. જોયું કે નિર્વાહ તથા આજીવિકાની દૃષ્ટિએ તે મુશ્કેલીઓથી ભરેલું ક્ષેત્ર છે. આથી ત્યાં મનમોજી લોકો આવે છે તો ખરા, પણ કોઈ રહેતા નથી. જે સાધુ સંત મળ્યા એમની મુલાકાત થતાં ખબર પડી કે તેઓ પણ જિજ્ઞાસા વશ યા કોઈની પાસેથી કંઈક મળી જાય એ આશાએ ત્યાં આવ્યા હતા. એમનામાં ઊંચું તત્ત્વજ્ઞાન પણ નહોતું કે નહોતી તપસ્વી જેવી
એમની દિનચર્યા. થોડીવાર પાસે બેસતાં તેઓ પોતાની જરૂરિયાતો વ્યક્ત કરતા હતા. આવા લોકો બીજાને શું આપી શકે એમ વિચારીને સિદ્ધપુરુષોની શોધમાં લોકો નકામા ભટકે છે એમ માનીને આગળ વધ્યો. યાત્રીઓને આધ્યાત્મિક સંતોષ સહેજ પણ નહિ થતો હોય એમ વિચારીને મન દુઃખી થયું.
એમના કરતાં તો મને પથ્થરો પર દુકાન માંડીને બેઠેલા પહાડી દુકાનદારો સારા લાગ્યા. તેઓ ભોળા અને ભલા હતા. લોટ, ચોખા, દાળ વગેરે ખરીદીએ તો તેઓ રાંધવાનાં વાસણો ગણ્યા વગર અને ભાડું લીધા વગર જ આપતા હતા. મોટે ભાગે તેઓ ચા વેચતા હતા. બીડી, દીવાસળી, ચણા, ગોળ, સાતુ, બટાટા વગેરે વસ્તુઓ યાત્રીઓને મળતી હતી. યાત્રીઓ શ્રદ્ધાળુ તો હતા, પણ ગરીબ હતા. એમના કામની વસ્તુઓ જ દુકાનો પર વેચાતી હતી. ત્યાના બનેલા કબલ રાત ગાળવા પૂરતા ભાડે મળતા હતા. ઠંડીની ઋતુ અને પગપાળા ચાલવું એ બંને પરીક્ષાઓ અઘરી હતી. એ ક્ષેત્રમાં રહેનારા સાધુ સંન્યાસીઓ એ ઋતુમાં ગુજારાની વ્યવસ્થા કરવા માટે નીચેના ગરમ પ્રદેશોમાં ઊતરી આવે છે. જ્યાં ઠંડી વધુ છે ત્યાંના ગામવાસીઓ પણ પશુઓ ચરાવવા નીચેના પ્રદેશમાં ઊતરી આવે છે. ગામડાંઓમાં સન્નાટો છવાઈ જાય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારે ઉત્તરકાશીથી નંદનવન સુધીની યાત્રા પગપાળા પૂરી કરવાની હતી. દરેક દષ્ટિએ આ યાત્રા ખૂબ મુશ્કેલ હતી.
સ્થાન તદ્દન એકાકી હતું. રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વન્યપશુઓ નિર્ભીકપણે ફરતાં હતાં. આ બધી સ્થિતિ બહુ કષ્ટદાયક હતી. તે વખતે ખૂબ ઠંડી પડતી હતી. સૂર્ય ઊંચા પહાડોની પાછળ છુપાઈ રહેવાના કારણે લગભગ દસ વાગ્યે દેખાય અને લગભગ બે વાગ્યે શિખરોની પાછળ સંતાઈ જાય. શિખરો પર તો તાપ દેખાય પણ જમીન ઉપર મધ્યમ પ્રકારનું અંધારું. રસ્તામાં ભાગ્યે જ કોઈ માણસ ભટકાઈ જાય. જેમને કોઈ ખાસ કામ હોય અથવા તો કોઈનું મૃત્યુ થયું હોય તો જ તેઓ બહાર નીકળતા. દરેક રીતે તે ક્ષેત્ર મારા માટે નિર્જન હતું. મારા સહચરો હતા છાતીમાં ધડકતું હૃદય અને અનેક વિચારો કરતું મન. આવી પરિસ્થિતિમાં લાંબી યાત્રા મારાથી થાય છે કે નહિ તેની કસોટી થઈ રહી હતી. હૃદયે નિશ્ચય કર્યો કે જેટલા દિવસ શ્વાસ ચાલવાનો છે તેટલા દિવસ અવશ્ય ચાલશે. ત્યાં સુધી તો કોઈ મારી શકવાનું નથી. મન કહેતું કે વૃક્ષો અને વનસ્પતિમાં પણ જીવન છે. એમની ઉપર પક્ષીઓ રહે છે. પાણીમાં જળચરો હાજર છે. જંગલમાં વન્ય પશુઓ ફરે છે. બધાં જ ખુલ્લા શરીરે અને બધાં જ પાછો એકલાં. જ્યારે આટલાં બધાં પ્રાણીઓ આ વિસ્તારમાં રહે છે તો તારા માટે બધું સૂમસામ કેવી રીતે ગણાય? પોતાની જાતને સંકુચિત ન બનાવ. જો “વસુધૈવ કુટુંબકમ્’ માં માનતો હોય તો આટલાં બધાં પ્રાણીઓ હોવા છતાં તું એકલો કેવી રીતે? મનુષ્યોને જ પ્રાણી શા માટે માને છે? આ બધાં પ્રાણીઓ શું તારાં નથી? જો તારાં હોય તો પછી સૂનું કેમ લાગે છે?
મારી યાત્રા ચાલતી રહી. સાથેસાથે ચિંતન પણ ચાલતું રહ્યું. એકલા રહેવામાં મન પર ભાર રહે છે, કારણ કે માણસ હમેશાં સમૂહમાં રહેવા ટેવાયેલો છે. એકલવાયાપણાથી એને ડર લાગે છે. અંધારું પણ ડરનું એક મોટું કારણ હોય છે. મનુષ્ય આખો દિવસ પ્રકાશમાં રહે છે. રાત્રે દીવો સળગાવે છે. જ્યારે ઊંઘ આવે છે ત્યારે જ બિલકુલ અંધારું થાય છે. એમાં પણ સૂમસામ અંધકારમાં જેટલો ડર લાગે છે તેટલો બીજા કોઈ સમયે લાગતો નથી. એકાકીપણામાં ખાસ કરીને મનુષ્યના મનને ડર લાગે છે. યોગીએ આ ડરથી નિવૃત્ત થવું જોઈએ. “અભયને અધ્યાત્મનો અત્યંત મહત્ત્વનો ગુણ માનવામાં આવ્યો છે. એ જો એનામાં ન હોય તો એણે ગૃહસ્થની જેમ સાધન સરંજામ એકઠો કરીને સંરક્ષણની વ્યવસ્થા કરીને રહેવું પડે છે. મન કાચું બની રહે છે.
હિમાલય ક્ષેત્રમાં એક્લતાનું બીજું સંકટ એ છે કે ત્યાં ખાસ કરીને હિંસક પશુઓનો ડર લાગે છે. કોલાહલ વગરના ક્ષેત્રમાં જ તેઓ વિચરે છે. રાત્રિ જ એમના માટે ભોજન શોધવાનો સમય છે. દિવસે વિરોધનો સામનો કરવાનો ડર તો એમને પણ લાગે છે.
રાત્રે અંધારામાં એક્તા હોઈએ ત્યારે હિંસક પશુઓનો મુકાબલો થવો એક સંકટ છે. સંકટ જ નહિ, મોત સાથે બાથ ભીડવા જેવું છે. કોલાહલ અને વસતી ન હોવાથી હિંસક પશુઓ દિવસે પણ પાણી પીવા યા તો શિકાર શોધવા નીકળી પડે છે. આ બધી પરિસ્થિતિઓનો સામનો મારે મારી યાત્રા વખતે કરવો પડ્યો હતો.
યાત્રામાં જ્યાં રાત વિતાવવી પડી ત્યાં સાપ રખડતા હતા અને અજગર હૂંફાડા મારતા હતા. નાની જાતના વાઘ ત્યાં ઘણા હોય છે. એમનામાં ખબર સિંહની તુલનામાં વધુ સ્કૂર્તિ હોય છે. શરીરના પ્રમાણમાં એમનામાં તાકાત ઓછી હોય છે. તેથી તે નાનાં જાનવરો ઉપર હાથ અજમાવે છે. શાકાહારી પ્રાણીઓમાં પહાડી રીંછ આક્રમણખોર હોય છે. શિવાલિકની ટેકરીઓ તથા હિમાલયના નીચલા પ્રદેશમાં જંગલી હાથીઓ પણ રહે છે. એ બધાનો સ્વભાવ એવો હોય છે કે એમની અને આપણી નજર એક ન થાય અને જો એમને આપણે છેડીએ નહિ તો તેઓ પોતાના રસ્તે ચાલ્યાં જાય છે. નહિ તો સહેજ પણ ભય અથવા ક્રોધનો ભાવ એમના મનમાં જાગે તો તેઓ આક્રમણ કરે છે.
અજગર, સાપ, મોટી ગરોળી, રીંછ, ચિત્તા, દીપડા, હાથી વગેરે સાથે યાત્રીઓની અવારનવાર મુલાકાત થાય છે. લોકોનો મોટો સમૂહ હોય તો તેઓ રસ્તો છોડીને એક બાજુ થઈને નીકળી જાય છે, પરંતુ જો કોઈ મનુષ્ય યા પશુ એકલું સામે આવે તો તેઓ બચતાં નથી. એવે વખતે મનુષ્ય જ એમના માટે રસ્તો છોડવો પડે છે, નહિ તો તેઓ આક્રમણ કરે જ.
આવી મુલાકાતો કે સામનો તો રાત દિવસમાં થઈને લગભગ પંદર વીસ વખત તો થઈ જતો હતો. માણસને એક્લો જોઈને તેઓ નિર્ભય થઈને ચાલતાં હતાં અને રસ્તો છોડતાં નહોતાં. આથી મારે જ એમને રસ્તો કરી આપવો પડતો. આ બધું લખવા-વાંચવામાં તો સહેલું લાગે, પણ ખરેખર જ્યારે એવું બને ત્યારે છક્કા છૂટી જાય. કારણ કે એ પ્રાણીઓ સાક્ષાત મૃત્યુ સ્વરૂપે સામે આવતાં હતાં. ક્યારેક તો મારી સાથે સાથે ચાલતાં તો ક્યારેક પાછળ પાછળ આવતાં. શરીરને મોત સૌથી વધુ બિહામણું લાગે છે. હિંસક પશુઓ તથા આક્રમણવૃત્તિ ધરાવનાર જંગલી નર નીલ (ગાય) પણ આક્રમણખોર હોય છે. ભલે કદાચ તેઓ આક્રમણ ન કરે તો પણ એટલો બધો ડર લાગતો કે જાણે સાક્ષાત મોતની ક્ષણ આવી ગઈ હોય. એકાદવાર આવું બને તો તો ઠીક, પણ લગભગ દર કલાકે એકવાર મોતનો ભેટો થતો અને દર વખતે પ્રાણ નીકળી જવાનો ડર લાગતો. એ પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હતો. હૃદય ધડકવા માંડતું. હજુ તો ધડકન બંધ ન થઈ હોય તે પહેલાં બીજી નવી મુસીબત સામે આવતી અને ફરી પાછું હૃદય ધડક્વા માંડતું. એ પ્રાણીઓ એજ્યાં નહોતાં, ઝુંડનાં ઝુંડ સામે આવતાં. જો તેઓ એકએક જ બચકુંભરે તો ક્ષણવારમાં આપણું અસ્તિત્વ નષ્ટ થઈ જાય
પરંતુ અહીં પણ વિવેક વાપરવો પડ્યો. સાહસ કરવું પડ્યું. મોત મોટું હોય છે, પણ તે જીવન કરતાં મોટું નથી હોતું. આપણી અંદર નિર્ભયતા અને મૈત્રીની ભાવના હોય તો હિંસક પ્રાણીઓની હિંસા પણ ઠંડીગાર બની જાય છે અને તેમનો સ્વભાવ બદલાઈ જાય છે. આખા પ્રવાસ દરમિયાન લગભગ ત્રણસોથી ચારસો વખત આવી બિહામણી મુલાકાતો થઈ. લથડતા સાહસને દર વખત સંભાળવું પડ્યું. મૈત્રી અને નિશ્ચિતતાનો ભાવ રાખવો પડ્યો. મૃત્યુ વિશે વિચારવું પડ્યું કે એનો પણ એક સમય હોય છે. જો અહીં આ રીતે જ મરવાનું હશે તો પછી એનાથી ડરવાને બદલે હસતાં હસતાં એનો સામનો શા માટે ન કરવો? એવા વિચાર મનમાં આવ્યા તો નહિ, પણ બળપૂર્વક કરવા પડ્યા. આખો રસ્તો બિહામણો હતો. અંધારું, એકલતા અને મૃત્યુ ત્રણેયના દૂતો ભેગા થઈને મને ડરાવવાનો પ્રયત્ન કરતા રહ્યા અને મને પાછા ફરવાની સલાહ આપતા રહ્યા, છતાં સંકલ્પશક્તિએ સાથ આપતી રહી અને યાત્રા આગળ વધતી રહી.
પરીક્ષાનું એક પ્રશ્નપત્ર એવું હતું કે નિર્જનતાનો, એકલતાનો ડર લાગે છે કે નહિ? થોડાક જ દિવસોમાં દિલ મજબૂત થઈ ગયું અને એ ક્ષેત્રમાં રહેનારાં પ્રાણીઓ પોતાનાં લાગવા માંડ્યાં. ડર તો કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયો તેની ખબર ન પડી. સૂનકાર સુંદર લાગવા માંડ્યો. મને કહ્યું કે પ્રથમ પ્રશ્નપત્રમાં ઉત્તીર્ણ થવાની શરૂઆત થઈ ગઈ. આગળ વધવામાં દ્વિધા પેદા થતી હતી તે પણ દૂર થઈ ગઈ.
બીજું પ્રશ્નપત્ર હતું ઠંડી ઋતુનું. વિચાર કર્યો કે મોં, નાક, આંખો, માથું, કાન, હાથ વગેરે ખુલ્લાં રહે છે. ટેવ પડી ગઈ છે તેથી એમને ઠંડી નથી લાગતી. તો પછી બીજે શાથી લાગે? ઉત્તરધ્રુવ, નોર્વે, ફિનલેન્ડમાં હમેશાં તાપમાન શૂન્યથી નીચે રહે છે. ત્યાં એસ્કિમો અને બીજી જાતિના લોકો રહે છે. તો અહીં તો દસબાર હજાર ફૂટની જ ઊંચાઈ છે. અહીં ઠંડીથી બચવાનો ઉપાય શોધી શકાય. ત્યાં રહેતા એક માણસ પાસેથી તે ઉપાય જડી ગયો. પહાડમાં ગુફાઓ હોય છે. તે ધાર્યા કરતાં ગરમ હોય છે. કેટલીક ખાસ પ્રકારની ઝાડી એવી હોય છે જે લીલી હોય છતાં સરસ સળગે છે. લાંગડા, માર્યા વગેરે શાકભાજી જંગલોમાં ઊગે છે. તે કાચી ખાઈ શકાય છે. ભોજપત્રના થડ પર ઊગેલી ગાંઠોને ઉકાળવામાં આવે તો એવી ચા બને છે કે જેનાથી ઠંડી ઊડી જાય. પેટમાં ઢીંચણ અને માથું અડકાડીને ટૂંટિયું વાળીને બેસવાથી પણ ઠંડી ઓછી લાગે છે. ઠંડી ખૂબ છે એવું મનથી જો વિચારીએ તો વધારે ઠંડી લાગે છે. નાનાં છોકરાંને થોડાંક કપડાં હોય તોય ઠંડી નથી લાગતી. એમને કોઈ પરેશાની નથી થતી. ઠંડી વધુ લાગવાનું કારણ માનસિક છે. વૃદ્ધ, બીમારી માટે ન કહી શકાય, પરંતુ જુવાન માણસ ઠંડીથી મરી જતો નથી. આ બધી વાતો સમજાઈ ગઈ અને એ બધા ઉપાયો અજમાવતાં ઠંડી પણ સહન થવા લાગી. બીજી પણ એક વાત એ છે કે ઠંડી ઠંડી એવું રટણ કરવાના બદલે મનમાં ઉત્સાહ પેદા થાય એવી કોઈ વાત વિચારીએ તો પણ ઠંડી લાગતી નથી. એટલી મહત્ત્વપૂર્ણ વાતો એ વિસ્તારની સમસ્યાઓનો સામનો કરવાથી શીખવા મળી. વળી જંગલી હિંસક પ્રાણીઓની વાત બાકી રહી ગઈ. તેઓ મોટે ભાગે રાત્રે જ નીકળે છે. એમની આંખો ચમકે છે. મનુષ્યથી બધાં પ્રાણીઓ સિંહ પણ ડરે છે. જો આપણે પોતે એમનાથી ન ડરીએ, એમને છેડીએ નહિ તો તેઓ મનુષ્ય પર આક્રમણ કરતાં નથી. એમનાં મિત્ર બનીને રહે છે.
શરૂઆતમાં મને આવો ડર લાગતો હતો, પછી સરકસનાં પ્રાણીઓને શીખવનારા માણસો યાદ આવ્યા. તેઓ એમને કેટલા બધા ખેલ શીખવે છે! ટાન્ઝાનિયાની એક યુરોપિયન મહિલાની વાત વાંચી હતી. “બોર્ન ફ્રી જેનો પતિ વનવિભાગના કર્મચારી હતો, તેની પત્નીએ પતિની મદદથી માબાપથી વિખૂટાં પડેલાં સિંહનાં બે બચ્ચાં પાળ્યાં હતાં. તે મોટાં થઈ ગયાં, છતાં ખોળામાં સૂતાં હતાં. આપણા મનમાં જબરદસ્ત નિર્ભયતા યા પ્રેમભાવના હોય તો ગીચ જંગલોમાં પણ આનંદથી રહી શકાય. વનવાસી ભીલ લોકો લગભગ એ વિસ્તારમાં જ રહે છે. એમને ત્યાં રહેવામાં બીક લાગતી નથી કે જોખમ પણ લાગતું નથી. આ બધાં ઉદાહરણો યાદ કરવાથી નિર્ભયતા આવી ગઈ અને વિચાર્યું કે એક દિવસ એવો આવશે જ્યારે હું જંગલમાં ઝૂંપડી બનાવીને રહીશ અને ગાય તથા વાઘ એક જ ધાટ પર પાણી પીતાં હશે. મન નિર્બળ પણ હોય અને સમજાવીએ તો સમર્થ પણ બની જાય છે. મેં એ નિર્જન જંગલમાં મનમાંથી ભય દૂર કરીને યાત્રા ચાલુ રાખી. અનુકૂળ પરિસ્થિતિની અપેક્ષા રાખવાના બદલે મનઃસ્થિતિને મજબૂત બનાવવાનું વિચાર્યું. મનને એ દિશામાં વાળતો ગયો અને જે પ્રતિકૂળતાઓ શરૂઆતમાં ખૂબ બિહામણી લાગી હતી તે હવે બિલકુલ સરળ અને સ્વાભાવિક લાગવા માંડી. મન ધીરે ધીરે એ વીસ દિવસની યાત્રામાં કાબૂમાં આવી ગયું. એ ક્ષેત્ર એવું લાગવા માંડ્યું જાણે કે હું ત્યાં પેદા થયો હતો અને ત્યાં જ મરવાનું છે.
ગંગોત્રી સુધી રાહદારીઓ દ્વારા બનેલો ભયંકર રસ્તો છે. ગોમુખ સુધી એ વખતે માત્ર એક પગદંડી હતી. એના પછી મુશ્કેલી હતી. તપોવન ખૂબ ઊંચાઈ પર છે. રસ્તો પણ નથી. અંત:પ્રેરણા અથવા તો ભાગ્યના ભરોસે ચાલવું પડે છે. તપોવનનો વિસ્તાર ચોરસ છે. એ પછી પહાડીઓની એક ઊંચી શૃંખલા છે. એ પછી નંદનવન આવે છે. મને અહીં બોલાવવામાં આવ્યો હતો. સમયસર પહોંચી ગયો. જોયું તો ગુરુદેવ ત્યાં ઊભા હતા. આનંદની સીમા ન રહી. મારા આનંદની તથા એમના આનંદની. તેઓ પહેલીવાર મારે ઘેર આવ્યા હતા. આ વખતે હું તેમના ઘેર આવ્યો. આ ક્રમ જીવનભર ચાલતો રહે એમાં જ અમારા સંબંધની સાર્થકતા છે.
આ વખતે ત્રણ પરીક્ષાઓ થવાની હતી. સાથી વગર કામ ચલાવવાનું. ઋતુઓના પ્રકોપની તિતિક્ષા સહન કરવી અને હિંસક પશુઓની સાથે રહેવા છતાં વિચલિત ન થવું. ત્રણેયમાં હું પાસ થયો છું એમ મેં માન્યું અને મારા પરીક્ષકે પણ એવું જ માન્યું. વાતચીતનો ક્રમતો થોડીવારમાં જ પૂરો થઈ ગયો. “અધ્યાત્મ શક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રચંડ મનોબળ મેળવવું. પ્રતિકૂળતાઓને દબાવી દઈ અનુકૂળતામાં ફેરવી નાખવી, વાઘ-સિંહથી તો શું પણ મોતથી પણ ન બીવું એવી સ્થિતિ ઋષિકલ્પ આત્માઓ માટે તો એકદમ જરૂરી છે. તારે આવી પરિસ્થિતિઓમાં જ જીવનનો મોટો ભાગ પસાર કરવાનો છે.” એ વખતની વાત પૂરી થઈ ગઈ. જે ગુફામાં તેઓ રહેતા હતા ત્યાં સુધી લઈ ગયા. ઈશારાથી બતાવેલા સ્થાને સૂઈ ગયો. એટલી ગાઢ નિદ્રા આવી કે રોજ કરતાં બમણી કે ત્રણગણી ઊંઘ આવી ગઈ હોય તો આશ્ચર્ય નહિ. આખા રસ્તાનો થાક આ રીતે દૂર થઈ ગયો. જાણે કે હું બિલકુલ ચાલ્યો જ ન હોઉં!
ત્યાં વહેતા ઝરણામાં સ્નાન કર્યું. સંધ્યાવંદન પણ કર્યું. જીવનમાં પહેલીવાર બ્રહ્મકમળ અને દેવકંદ જોયાં. બ્રહ્મકમળ એવું હોય છે કે જેની સુગંધથી થોડીવારમાં જ ઊંઘ યા તો યોગ નિદ્રા આવી જાય છે. દેવકંદ શક્કરિયાંની જેમ જમીનમાંથી નીકળે છે. તેનો સ્વાદ શિંગોડાં જેવો હોય છે. તે પાકું થાય ત્યારે લગભગ પાંચ શેરનું થાય. એનાથી એક સપ્તાહ સુધી સુધા તૃપ્ત થઈ શકે છે. ગુરુદેવની આ જ બે પહેલી પ્રત્યક્ષ ભેટ સોગાદો હતી. એક શારીરિક થાક દૂર કરવા અને બીજી મનમાં ઉમંગ ભરવા માટે. એ પછી તપોવન તરફ નજર કરી. આખા વિસ્તારમાં ફૂલોનો – મખમલનો ગાલીચો હતો. એ વખતે ભારે હિમવર્ષા નહોતી થઈ. જ્યારે બરફ પડે છે ત્યારે એ બધાં ફૂલો પાકીને જમીન ઉપર ખરી પડે છે – બીજા વર્ષે ઊગવા માટે.
પ્રતિભાવો