SJ-01 : ઋષિમંત્ર સાથે દુર્ગમ હિમાલયમાં સાક્ષાત્કાર-૦૭, મારું વિલ અને વારસો
February 22, 2021 Leave a comment
ઋષિમંત્ર સાથે દુર્ગમ હિમાલયમાં સાક્ષાત્કાર
નંદનવનમાં પહેલો દિવસ ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવામાં તથા એમાં પરમ સત્તાનાં દર્શન કરવામાં પસાર થઈ ગયો. ખબર ન પડી કે જ્યારે સૂર્ય આથમી ગયો અને રાત પડી ગઈ. પરોક્ષ રૂપે નિર્દેશ મળ્યો. નજીકની એક નક્કી કરેલી ગુફામાં જઈને સૂવાનો. મને લાગતું હતું કે એમાં સૂવાનો નહિ, પરંતુ સ્થૂળ શરીર પર ઠંડીનો પ્રકોપ ન થાય એ માટે સુરક્ષિત સ્થળે પહોંચવાનો ઉદ્દેશ્ય હતો. રાત્રે ફરીથી ગુરુદેવનાં દર્શન થવાની સંભાવના હતી. એવું થયું પણ ખરું.
એ રાત્રે એકાએક ગુરુદેવ ગુફામાં આવી પહોંચ્યા. પૂર્ણિમા હતી. ચંદ્રમાનો સુંદર પ્રકાશ આખા હિમાલય પર ફેલાઈ રહ્યો હતો. તે વખતે એવું લાગ્યું કે હિમાલય સોનાનો છે. દૂર દૂર બરફના ટુકડા વરસી રહ્યા હતા. એવું લાગતું હતું કે જાણે સોનું વરસી રહ્યું છે. માર્ગદર્શકના આવવાથી મારી ચારે બાજુ ગરમીનું એક વર્તુળ બની ગયું. નહિ તો રાત્રિના સમયે એ વિકટ ઠંડી અને પવનના સૂસવાટામાં બહાર નીકળવું શક્ય નહોતું. દુઃસાહસ કરવા જતાં એવા વાતાવરણમાં શરીર જકડાઈ જાય એમ હતું.
કોઈ વિશિષ્ટ પ્રયોજન માટે જ કૃપા થઈ છે એવું હું પહેલેથી જ સમજી ગયો હતો. આથી આ સમયે આવવાનું કારણ પૂછવાની જરૂર ન પડી. એમની પાછળ પાછળ ચાલવા માંડ્યું. પગ જાણે જમીનથી અધ્ધર હતા એમ લાગતું હતું. આજે એ જાણ્યું કે ઉપર હવામાં ઊડવાની, અંતરિક્ષમાં ચાલવાની સિદ્ધિની શું જરૂર પડે છે. એ બરફવાળા ખાડા ટેકરાવાળા હિમખંડો ઉપર ચાલવું એ પાણી પર ચાલવા કરતાંય વધુ મુશ્કેલ હતું. આજે એ સિદ્ધિઓની ભલે જરૂર ન પડે, પણ એ વખતે હિમાલય જેવાં દુર્ગમ ક્ષેત્રોમાં આવાગમનની મુશ્કેલી સમજનારાઓ માટે ચોક્કસ એની જરૂર પડતી હશે.
હું ગુફામાંથી નીકળીને ઠંડીથી કાંપતો સોનેરી હિમાલય પર અધ્ધર અધ્ધર ગુરુદેવની પાછળ એમની પૂંછડીની જેમ એમની ખૂબ જ નજીક ચાલી રહ્યો હતો. આજની યાત્રાનો ઉદ્દેશ પુરાતન ઋષિઓની તપ સ્થલીઓનું દર્શન કરવાનો હતો. સ્થૂળ શરીરનો એ બધાએ ત્યાગ કર્યો હતો. એમનામાંથી મોટા ભાગનાં શરીર સૂક્ષ્મ હતાં. એને ભેદીને કોઈ કોઈનાં કારણ શરીર પણ ચમકી રહ્યાં હતાં. મસ્તક નમી ગયું અને બે હાથ જોડાઈ ગયા. આજે મને હિમાલયમાં સૂક્ષ્મ તથા કારણ શરીર ધારણ કરીને રહેતા ઋષિઓનાં દર્શન અને પરિચય કરાવવાનો હતો. મારા માટે આજની રાત જીવનની સૌભાગ્ય ક્ષણોમાં સૌથી વધારે મહત્ત્વની વેળા હતો.
ઉત્તરાખંડની કેટલીક ગુફાઓ તો આવતી વખતે જોઈ હતી, પરંતુ એવી ગુફાઓ જોઈ હતી કે જે જતાં-આવતાં જોવી સુલભ હતી, પણ આજે જાણ્યું કે જેટલું જોયું એના કરતાં ન જોયું હોય એવું અનેકગણું છે. જે નાની ગુફાઓ હતી, તે જંગલી પશુઓને કામમાં આવતી હતી, પરંતુ જે મોટી હતી. સ્વચ્છ અને વ્યવસ્થિત હતી તે ઋષિઓનાં સૂક્ષ્મ શરીરો માટે હતી. પૂર્વ અભ્યાસના લીધે તેઓ આજે પણ એમાં ક્યારેક ક્યારેક નિવાસ કરે છે.
તેઓ બધા એ દિવસે ધ્યાન મુદ્રામાં હતા. ગુરુદેવે કહ્યું કે તેઓ મોટે ભાગે આ જ સ્થિતિમાં રહે છે. અકારણ ધ્યાન તોડતા નથી. મને એકએકનાં નામ બતાવ્યાં અને સૂક્ષ્મ શરીરનાં દર્શન કરાવ્યાં. આ ક્ષેત્રની સંપદા, વિશિષ્ટતા અને વિભૂતિ આ જ છે. ગુરુદેવની સાથે હું આવવાનો છું એ વાતની પહેલેથી જ બધાને ખબર હતી. તેથી અમે બંને જેની જેની પાસે ગયા એ બધાંનાં નેત્રો ખૂલી જતાં. તેમના ચહેરા પર સ્મિત ફરકતું અને જાણે કે અભિવાદનનો પ્રત્યુત્તર આપતા હોય એમ મસ્તક સહેજ જ નમતું. કોઈની સાથે કાંઈ જ વાતચીત ન થઈ. સૂક્ષ્મ શરીરને જ્યારે કાંઈક કહેવું હોય છે ત્યારે તે વૈખરી યા મધ્યમા વાણીથી નહિ, પરંતુ પરા અને પશ્યંતી વાણીથી, કર્ણછીદ્રોના માધ્યમથી નહિ, અંતઃકરણમાં ઊઠતી પ્રેરણારૂપે કહે છે, પણ આજે તો માત્ર દર્શન જ કરવાનાં હતાં. કાંઈ જ કહેવાનું કે સાંભળવાનું નહોતું. એમની નાતમાં એક નવો વિદ્યાર્થી દાખલ થવા આવ્યો છે. તેથી એને ઓળખી લેવાનો તથા જયારે જેવી મદદ કરવાની જરૂર પડે તેવી એને આપવાનું નક્કી કરવાનો ઉદેશ હતો. કદાચ એમને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હશે કે એમનાં અધૂરાં કાર્યોને સમયની અનુકૂળતા પ્રમાણે પૂરાં કરવા માટે સ્થૂળ શરીરધારી બાળક પોતાની રીતે શું કરવાનો છે અને ભવિષ્યમાં એની કેવી ભૂમિકા હશે.
સૂક્ષ્મ શરીરથી અંત:પ્રેરણા જગાડવાનું અને શક્તિધારા પ્રદાન કરવાનું કામ થઈ શકે છે. પરંતુ બધા લોકોને પ્રત્યક્ષ સલાહ સૂચન આપવાનું અને અન્ય કાર્યો કરવાનું કામ સ્થૂળ શરીરનું જ છે. આથી દિવ્યશક્તિઓ કોઈ સ્થૂળ શરીરધારીને પોતાનાં પ્રયોજનો માટે સાધન બનાવે છે. અત્યાર સુધી હું એક જ માર્ગદર્શકનું વાહન હતો. પરંતુ હવે હિમાલયવાસી એ દિવ્ય આત્માઓ પણ મારી પાસે વાહન તરીકે કામ લઈ શકતા હતા અને તે અનુસાર પ્રેરણા, યોજના તથા ક્ષમતા પ્રદાન કરી શક્તા હતા. ગુરુદેવ આવી જ ભાવવાણીમાં એ બધા સાથે મારો પરિચય કરાવી રહ્યા હતા. તેઓ બધા લોકાચાર કે શિષ્ટાચાર કર્યા વગર અને સમય બગાડ્યા વગર એક સંકેત દ્વારા પોતાની સ્વીકૃતિ આપી રહ્યા હતા. આજ રાતની દિવ્યયાત્રા આ જ સ્વરૂપે ચાલતી રહી. પ્રભાત થતાં પહેલાં જ તેઓ મારી સ્થૂળ કાયાને નિર્ધારિત ગુફામાં છોડીને પોતાના સ્થાને પાછા જતા રહ્યા.
આજે ઋષિ લોકોનું પહેલીવાર દર્શન થયું. હિમાલયનાં વિભિન્ન ક્ષેત્રો-દેવાલયો, સરોવરો, સરિતાઓનું દર્શન તો યાત્રા કાળમાં પહેલેથી જ થતું રહ્યું. એ પ્રદેશને ઋષિઓના નિવાસના કારણે દેવાત્મા પણ માનવામાં આવે છે, પરંતુ આ પહેલાં એવી ખબર નહોતી કે ક્યા ઋષિને કઈ ભૂમિ પ્રત્યે આકર્ષણ છે. તે આજે પ્રથમ તથા અંતિમવાર જોયું. પાછા મૂકી જતી વખતે માર્ગદર્શક કહી દીધું કે, “એ બધા ઋષિઓ સાથે પોતાના તરફથી સંપર્ક સાધવાનો પ્રયત્ન ન કરીશ. એમના કાર્યમાં અવરોધ ઊભો ન કરીશ. જો કોઈને કંઈ નિર્દેશ આપવો હશે તો તેઓ પોતે જ એમ કરશે. મારી સાથે પણ તારે એમ જ સમજવાનું, પોતાના તરફથી બારણાં ખખડાવવાનાં નહિ, જ્યારે મને કોઈ કામ માટે તારી જરૂર પડશે ત્યારે હું જ તારી પાસે આવીશ અને એ પૂર્ણ કરવા માટે જરૂરી સાધન, શક્તિ એકત્ર કરી આપીશ. જેમના તને દર્શન કરાવવામાં આવ્યાં છે એ ઋષિઓની બાબતમાં પણ તારે આમ જ સમજવાનું. આ દર્શનને માત્ર કુતૂહલ જ ન માનતો, પરંતુ સમજજે કે મારો એકલીનો નિર્દેશ તારા માટે સીમિત નથી. આ મહાત્માઓ પણ એ જ રીતે પોતાનાં બધાં પ્રયોજનો તારી પાસે પૂરાં કરાવતા રહેશે, કારણ સ્થૂળ શરીર વગર તેઓ એ કરી શકે એમ નથી. જનસંપર્ક મોટે ભાગે તારા જેવાં સત્પાત્રો-વાહનોના માધ્યમથી જ કરાવવાની પરંપરા છે. ભવિષ્યમાં એમનાં નિર્દેશનોને પણ મારા આદેશની જેમ જ માથે ચઢાવજે અને જે કહેવામાં આવે તે કરવા માંડજે.” હું સ્વીકૃતિ સૂચક સંકેત સિવાય બીજું કહું પણ શું? તેઓ અંતર્ધ્યાન થઈ ગયા.
પ્રતિભાવો