SJ-01 : ભાવિ રૂપરેખાનું સ્પષ્ટીકરણ-૦૮, મારું વિલ અને વારસો

ભાવિ રૂપરેખાનું સ્પષ્ટીકરણ

નંદનવનના પ્રવાસનો બીજો દિવસ વધારે વિસ્મયજનક હતો. આગલી રાત્રે ગુરુદેવની સાથે ઋષિઓના સાક્ષાત્કારનાં દશ્યો ફિલ્મની જેમ મારી આંખોમાં તરવરી રહ્યાં હતાં. પુનઃગુરુદેવની પ્રતીક્ષા કરી રહ્યો હતો – ભાવિ નિર્દેશો માટે. જેવો તડકો નંદનવનના મખમલી ગાલીચા પર ફેલાવા લાગ્યો કે તરત લાગ્યું કે જાણે સ્વર્ગ ધરતી પર ઊતરી આવ્યું છે. જાતજાતનાં રંગબેરંગી ફૂલો ઠસોઠસ હતાં. દૂરથી જોતાં લાગતું હતું કે જાણે એક ગાલીચો પાથરી દીધો છે.

એકાએક સ્થૂળ શરીરના રૂપમાં ગુરુદેવનું આગમન થયું. એમણે જરૂરિયાત મુજબ એવું જ સ્થૂળ શરીર ધારણ કર્યું હતું, જેવું પ્રથમવાર પ્રકાશપુંજના રૂપમાં મારે ઘેર પધારીને મને દર્શન દીધાં ત્યારે હતું. વાતચીતનો આરંભ કરતાં એમણે કહ્યું કે, “મને તારા પાછલા બધા જન્મોની શ્રદ્ધા અને સાહસિકતાની ખબર હતી. આ વખતે અહીં બોલાવીને ત્રણ પરીક્ષાઓ લીધી અને તપાસ કરી કે મહાન કાર્યો કરવા યોગ્ય તારી મનોભૂમિ તૈયાર થઈ છે કે નહિ. આ આખી યાત્રા દરમિયાન હું તારી સાથે જ હતો અને ઘટનાઓ બની અને તેની પ્રતિક્રિયાઓ શું થઈ તે બધું હું જોતો રહ્યો. એનાથી વધારે નિશ્ચિતતા થઈ ગઈ. જો તારી સ્થિતિ સુદઢ અને વિશ્વાસ મૂકવા લાયક ન બની હોત તો અહીં રહેતા સૂક્ષ્મ શરીરધારી ઋષિઓ તને દર્શન ન આપત અને તેમના મનની વ્યથા ન કહેત. એમના કહેવાનું પ્રયોજન એ હતું કે એમનું જે કામ બાકી રહી ગયું છે તેને પૂર્ણ કરવામાં આવે. તને સમર્થ જોઈને જ એમણે પોતાના મનોભાવ પ્રગટ કર્યા, નહિ તો દીન, દુર્બળ અને અસમર્થ લોકો આગળ આટલા મોટા લોકો પોતાનું મન ક્યાંથી ખોલે.

તારું સમર્પણ જો સાચું હોય તો તારા શેષ જીવનની કાર્યપદ્ધતિ બતાવી દઉં છું. પરિપૂર્ણ નિષ્ઠા સાથે એને પૂર્ણ કરજે. પ્રથમ કાર્યક્રમ તો એ છે કે ૨૪ લાખ ગાયત્રી મંત્રનાં ર૪ મહાપુરશ્ચરણ ચોવીસ વર્ષમાં પૂરાં કર. એનાથી તારું મન મજબૂત થવામાં જે ઊણપ રહી ગઈ હશે તે પૂરી થશે. મોટાં અને ભારે કામ કરવા માટે મોટી શક્તિ જોઈએ. એ માટે આ પહેલું કામ સોંપવામાં આવ્યું છે. એની સાથેસાથે બીજા બે કાર્યો પણ ચાલતાં રહેશે. એમાં એક એ કે તારું અધ્યયન ચાલુ રાખજે. તારે કલમ પકડવાની છે. આર્ષગ્રંથોના અનુવાદ તથા પ્રકાશનની વ્યવસ્થા કરીને તેમને જન સાધારણ સુધી પહોંચાડવાના છે. એનાથી દેવસંસ્કૃતિની લુપ્ત થઈ ગયેલી કડીઓ જોડાઈ જશે અને ભવિષ્યમાં વિશ્વ સંસ્કૃતિનું માળખું ઊભું કરવામાં મદદ મળશે. આની સાથેસાથે જ્યાં સુધી સ્થૂળ શરીર વિદ્યમાન છે ત્યાં સુધી મનુષ્યમાં દેવત્વના ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરનાર સર્વસુલભ સાહિત્ય વિશ્વની શક્ય હોય તેટલી બધી જ ભાષાઓમાં લખવાનું છે. આ કાર્ય તારી પ્રથમ સાધના સાથે સંબંધિત છે. એમાં સમય આવ્યે તને મદદ કરવા માટે સુપાત્ર મનીષીઓ આવી મળશે, જે તારું બાકીનું કામ પૂરું કરશે.

ત્રીજું કામ સ્વતંત્રતા સંગ્રામમાં એક સિપાઈની જેમ પ્રત્યક્ષ અને પૃષ્ઠ ભૂમિમાં રહી લડતા રહેવાનું છે. આ કામ ઈ.સ.૧૯૪૭ સુધી ચાલશે. ત્યાં સુધી તારું પુરશ્ચરણ પણ ઘણુંખરું પૂરું થવા આવ્યું હશે. આ પ્રથમ ચરણ છે. એની સિદ્ધિઓ જન-સાધારણ આગળ પ્રગટ થશે. અત્યારે તો એવાં કોઈ લક્ષણો નથી કે જેથી લાગે કે અંગ્રેજો ભારતને સ્વતંત્ર કરીને જતા રહેશે, પરંતુ આ સફળતા તારું અનુષ્ઠાન પૂરું થતાં પહેલાં મળી જશે. ત્યાં સુધી તારું જ્ઞાન, યુગપરિવર્તન અને નવનિર્માણ કરવા માટે કોઈ તત્વવેત્તા પાસે હોવું જોઈએ એટલું વધી ગયું હશે.

પુરશ્ચરણ ત્યારે જ પૂર્ણ ગણાય કે જ્યારે એના માટે પૂર્ણાહુતિ યજ્ઞ પણ કરવામાં આવે. ૨૪ લાખના પુરશ્ચરણનો યજ્ઞ એટલો મોટો હોવો જોઈએ કે જેમાં ૨૪ લાખ મંત્રોની આહુતિઓ અપાય તથા એના દ્વારા તારું સંગઠન ઊભું થઈ જાય. આ કામ પણ તારે જ કરવાનું છે. એમાં લાખો રૂપિયાની રકમ જોઈશે અને લાખો સહાયકો પણ જોઈશે, તું કદી એમ ન વિચારીશ કે હું એકલો છું. મારી પાસે ધન નથી. હું તારી સાથે જ છું. સાથેસાથે તારી સાધનાનું ફળ પણ તારી પાસે છે. આથી શંકા રાખવાની કોઈ જરૂર નથી. સમય આવતાં બધું થઈ જશે. સાથેસાથે જનસાધારણને પણ ખબર પડી જશે કે સાચા સાધકની સાચી સાધનાનું કેવું ચમત્કારિક ફળ હોય છે. આ તારા કાર્યક્રમનું પ્રથમ ચરણ છે. તારી ફરજ બજાવતો રહેજે. એવું ન વિચારીશ કે મારી શક્તિ નગણ્ય છે. તારી શક્તિ કદાચ ઓછી હશે પણ જ્યારે આપણે બે ભેગા થઈ જઈએ ત્યારે એકને એક અગિયાર થઈ જશે. આમેય આ કાર્યક્રમ તો દૈવી સત્તા દ્વારા સંચાલિત છે. એમાં વળી શંકા કેવી? યથાસમયે બધી જ વિધિ અને વ્યવસ્થા થતી જશે. અત્યારથી યોજના બનાવવાની અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અધ્યયન ચાલુ રાખજે. પુરશ્ચરણ પણ કરતો રહેજે. સ્વતંત્રતા સૈનિકનું કામ પણ કરજે. બહુ આગળની વાતોનો વિચાર કરવાથી મનમાં નકામી ઉદ્વિગ્નતા વધશે. અત્યારે તારી માતૃભૂમિમાં રહે અને ત્યાંથી પ્રથમ ચરણનાં આ ત્રણેય કામ કર. ભવિષ્યની વાત સંકેતના રૂપમાં કહી દઉં છું. સાહિત્ય પ્રકાશન દ્વારા સ્વાધ્યાયનું અને વિશાળ ધર્મસંગઠન દ્વારા સત્સંગનું – આ બે કાર્ય મથુરા રહીને કરવાં પડશે. પુરશ્ચરણની પૂર્ણાહુતિ પણ ત્યાં જ થશે. પ્રેસ અને પ્રકાશન પણ ત્યાંથી જ ચાલશે. મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણની પ્રક્રિયા સુનિયોજિત રીતે ત્યાંથી જ ચાલ્યા કરશે. એ પ્રયાસ એક ઐતિહાસિક આંદોલન હશે. એના જેવું આંદોલન અત્યાર સુધી ક્યાંય થયું નથી.

ત્રીજું ચરણ આ સૂક્ષ્મ શરીરધારી ઋષિઓની ઈચ્છા પૂરી કરવાનું છે. ઋષિ પરંપરાનું બીજ તારે વાવવાનું છે. એનો વિશ્વવ્યાપી વિસ્તાર એની મેળે જ થતો રહેશે. આ કામ સપ્ત ઋષિઓની તપોભૂમિ સપ્ત સરોવર, હરિદ્વારમાં રહીને કરવું પડશે. ત્રણેય કાર્ય ત્રણેય જગ્યાએ યોગ્ય રીતે ચાલતાં રહેશે. હમણાં જ સંકેત કર્યો છે. ભવિષ્યમાં સમયાનુસાર આ કાર્યોની વિસ્તૃત રૂપરેખા હું તને અહીં બોલાવીને બતાવતો રહીશ. ત્રણ વખત બોલાવવાના ત્રણ ઉદેશ હશે.

ચોથીવાર તારે પણ ચોથી ભૂમિકામાં જવાનું છે અને અમારાં પ્રયોજનોનો બોજ આ સદીના અંતિમ દસકાઓમાં તારે તારા ખભે લેવાનો છે. તે વખતે આખા વિશ્વમાં વ્યાપેલી વિષમ સમસ્યાઓનું અત્યંત મુશ્કેલ અને અત્યંત વ્યાપક કાર્ય તારે તારા ખભે લેવું પડશે. પહેલેથી એ કહેવાથી કોઈ લાભ નથી. સમય પ્રમાણે જે જરૂરી હશે તેની તને ખબર પડતી જશે અને તે પૂર્ણ પણ થશે.”

આ વખતની મારી હિમાલય યાત્રામાં મનમાં એવી દ્વિધા હતી કે હિમાલયની ગુફાઓમાં સિદ્ધપુરુષો રહે છે અને એમનાં દર્શનથી જ વિભૂતિઓ પ્રાપ્ત થઈ જાય છે એવી લોકોક્તિ છે. મને એનો કોઈ પુરાવો ન મળ્યો. એ બધી વાતો માત્ર કિવદંતીઓ જ લાગે છે. તે હતી તો મારા મનની અસમંજસ પણ ગુરુદેવ કહ્યા વગર જ જાણી ગયા અને ખભા પર હાથ મૂકીને પૂછયું, “તારે સિદ્ધપુરુષોની શું જરૂર પડી? ઋષિઓનાં સૂક્ષ્મ શરીરનાં દર્શનથી તથા મારાથી મન ભરાયું નથી?”

મારા મનમાં અવિશ્વાસ! કોઈ બીજા ગુરુ શોધવાની વાત તો સ્વપ્ન પણ વિચારી નથી. મારા મનમાં બાળક જેવું કુતૂહલ માત્ર હતું. ગુરુદેવે જો એને અવિશ્વાસ માન્યો હશે તો શ્રદ્ધાની બાબતમાં મને કુપાત્ર માનશે. એવો વિચાર મનમાં આવતાં જ હું સ્તબ્ધ થઈ ગયો.

મારા મનને વાંચી લેનાર દેવાત્માએ હસતાં હસતાં કહ્યું, “તેઓ છે તો ખરા પણ બે બાબતો નવી બની ગઈ છે. એક તો સડકો અને વાહનોની સગવડ થઈ જવાથી યાત્રીઓ વધારે આવવા માંડ્યા છે. એનાથી એમની સાધનામાં વિઘ્ન આવે છે. બીજું એ છે કે તેઓ બીજે ક્યાંક જતા રહે તો શરીરના નિર્વાહ માટે મુશ્કેલી ઊભી થાય છે. આથી તેમણે સ્થૂળ શરીરોનો ત્યાગ કરી સૂક્ષ્મ શરીર ધારણ કર્યા છે, જેથી તે કોઈને દેખાય નહિ અને એના નિર્વાહ માટે સાધનોની જરૂર પણ ન પડે. આ જ કારણે એ લોકોએ માત્ર શરીર જ નહિ સ્થાન પણ બદલી નાખ્યાં છે. માત્ર સ્થાન જ નહિ પણ સાધનાની સાથે જોડાયેલ કાર્યક્રમ પણ બદલી નાખ્યો છે. જ્યારે બધું જ બદલાઈ ગયું હોય તો પછી તે દેખાય કઈ રીતે? વળી સત્પાત્ર સાધકોનો અભાવ થઈ જવાના કારણે તેઓ કુપાત્રોને દર્શન આપવામાં અથવા એમના પર અનુકંપા કરીને પોતાની શક્તિ ગુમાવવા માગતા નથી. આવી પરિસ્થિતિમાં બીજા લોકો જેની શોધ કરે છે તે મળવું અશક્ય છે. કોઈના માટે એ શક્ય નથી. ફરીવાર જ્યારે તું આવીશ ત્યારે હિમાલયના સિદ્ધપુરુષોનાં દર્શન કરાવી દઈશ.

પરબ્રહ્મના અંશને ધારણ કરનાર દેવાત્મા સૂક્ષ્મ શરીરમાં કઈ રીતે રહે છે તેનો પ્રથમ પરિચય તો મેં મારા માર્ગદર્શક જ્યારે મારે ઘેર આવ્યા ત્યારે જ પ્રાપ્ત કરી લીધો હતો. એમના હાથમાં મારી નાવને વિધિવત સોંપી દીધી હતી, છતાં પણ મારી બાળક બુદ્ધિ કામ કરી રહી હતી. હિમાલયમાં અનેક સિદ્ધપુરુષો રહે છે એવું સાંભળ્યું હતું. તેમને જોવાનું જે કુતૂહલ હતું તે ઋષિઓનાં દર્શન તથા મારા માર્ગદર્શકની સાંત્વનાથી પૂરું થઈ ગયું હતું. આ લાલસાને પહેલાં તો મારા મનના કોઈ ખૂણામાં છુપાવીને ફરતો હતો. આજે તે પૂરી થઈ એટલું જ નહિ, પર ભવિષ્યમાંય દર્શન થશે એવું આશ્વાસન મળી ગયું હતું. સંતોષ તો પહેલાં પણ હતો જ, પરંતુ હવે પ્રસન્નતા અને પ્રફુલ્લતાના સ્વરૂપે ખૂબ વધી ગયો હતો.

ગુરુદેવે આગળ કહ્યું કે, “હું જ્યારે પણ બોલાવું ત્યારે સમજવાનું કે મેં તને ૬ માસ યા તો એક વર્ષ માટે બોલાવ્યો છે. તારું શરીર અહીંની પરિસ્થિતિઓમાં નિર્વાહ કરી શકવા માટે યોગ્ય બની ગયું છે. આ નવા અભ્યાસને પરિપકવ કરવા માટે હજુ ત્રણેકવાર હિમાલયમાં રહેવું જોઈએ. તારા સ્થૂળ શરીર માટે જે વસ્તુઓની જરૂર લાગશે તેની વ્યવસ્થા હું કરાવી દઈશ. એની જરૂર એટલા માટે પણ છે કે ઘૂળમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી કારણ શરીરમાં પ્રવેશ કરવા માટે જે તિતિક્ષા કરવી પડે છે તે થતી રહેશે. શરીરને ભૂખ, તરસ, ઠંડી, ગરમી, નિદ્રા, થાક વગેરે પરેશાન કરે છે. આ છયે વસ્તુઓને ઘેર રહીને જીતવી મુશ્કેલ છે, કારણ કે ત્યાં બધી જ સગવડ હોવાથી તપ અને તિતિક્ષા માટે અવસર જ મળતો નથી. એ જ રીતે મન પર છવાઈ રહેતા છ કષાય-કલ્મષ પણ કોઈ ને કોઈ ઘટનાની સાથે ઘટિત થતા રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ દુશ્મનોનો સામનો કરવા માટે આરણ્યકોમાં રહીને અભ્યાસ કરવો પડે છે. તને ઘેર રહીને એ માટેની તક નહિ મળે. એટલા માટે અભ્યાસ માટે વસતિથી દૂર રહેવાથી એ આંતરિક મલ્લ યુદ્ધમાં પણ સરળતા રહે છે. હિમાલયમાં રહીને તું શારીરિક તિતિક્ષા અને માનસિક તપ કરજે. આ રીતે ત્રણવાર ત્રણ વર્ષ આવતા રહેવાથી અને બાકીનાં વર્ષોમાં લોકોના સંપર્કમાં રહેવાથી પરીક્ષા પણ થતી રહેશે કે હિમાલયમાં રહીને જે અભ્યાસ કર્યો હતો તે પરિપકવ થયો છે કે નહિ.”

આ કાર્યક્રમ દેવાત્મા ગુરુદેવે જ બનાવ્યો, પણ તે મેં ઈચ્છયું હતું તેવો જ હતો. એને મનોકામના પૂર્ણ થઈ એમ માનવું જોઈએ. સ્વાધ્યાય, સત્સંગ અને મનન-ચિંતનથી એ તથ્ય સારી રીતે હ્રદયગમ થઈ ગયું હતું કે દસ પ્રત્યક્ષ ઈન્દ્રિયો અને અગિયારમું અદશ્ય મન આ બધાંનો જો નિગ્રહ કરી લેવામાં આવે તો ધ્યાન વિકેન્દ્રિત થતું અટકે છે અને આત્મસંયમ આવી જતાં મનુષ્યની દુર્બળતાઓ નાશ પામે છે અને વિભૂતિઓ જાગૃત થાય છે. સશરીર સિદ્ધપુરુષ થવાનો આ જ રાજમાર્ગ છે. ઈન્દ્રિયનિગ્રહ, અર્થનિગ્રહ, સમયનિગ્રહ અને વિચારનિગ્રહ – આ ચાર સંયમ છે. એમને કાબૂમાં લઈ લેનાર મહામાનવ બની જાય છે અને કામ, ક્રોધ, લોભ, મોહ આ ચારેયથી મનને અલિપ્ત રાખવાથી લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે.

હું તપશ્ચર્યા કરવા ઈચ્છતો હતો, પણ કરું કેવી રીતે? જે સમર્પિત હોય તે પોતાની ઈચ્છા પ્રમાણે કઈ રીતે આચરણ કરી શકે? હું જે ઈચ્છતો હતો તે ગુરુદેવના મુખથી આદેશના સ્વરૂપે જ્યારે સાંભળ્યું ત્યારે મને અત્યંત આનંદ થયો અને એ માટે સમય નક્કી થાય તેની રાહ જોવા લાગ્યો.

ગુરુદેવ બોલ્યા – “હવે વાત પૂરી થઈ. તું હવે ગંગોત્રી ચાલ્યો જા. ત્યાં તારા આહાર, નિવાસ વગેરેની મેં વ્યવસ્થા કરી દીધી છે. ભગીરથ શિલા – ગૌરીકુંડ પર બેસીને તારી સાધના શરૂ કરી દે. એક વર્ષ પૂરું થાય ત્યારે ઘેર જતો રહેજે. હું નિયમિત રીતે તારી સારસંભાળ રાખીશ.”

ગુરુદેવ અદશ્ય થઈ ગયા. મને એમનો દૂત ગોમુખ સુધી મૂકી ગયો. એ પછી એમણે બતાવેલાં સ્થાને વર્ષના બાકીના દિવસો પૂરા કર્યા. સમય પૂરો થતાં હું પાછો આવ્યો. આ વખતે પાછા આવતાં, જતી વખતે જે મુશ્કેલીઓ ડગલે ને પગલે આવતી હતી. તેમાંની એક પણ ન નડી. એ તો પરીક્ષા હતી. તે પૂરી થઈ જતાં પાછા આવતી વખતે પછી શાની મુશ્કેલીઓ નડે?

હું એક વર્ષ પછી ઘેર પાછો આવ્યો. વજન ૧૮ પાઉન્ડ વધી ગયું. ચહેરો લાલ અને ગોળમટોળ થઈ ગયો હતો. શરીરની શક્તિ ખાસ્સી વધી ગઈ હતી. હમેશાં પ્રસન્નતા રહેતી હતી. પાછો ફર્યો ત્યારે લોકોએ ગંગાજીનો પ્રસાદ માગ્યો. બધાને ગંગોત્રીની રેતીની એક એક ચપટી આપી દીધી તથા ગોમુખના જળનો પ્રસાદ આપી દીધો. ત્યાંથી સાથે એ જ લાવ્યો હતો. જે આપી શકાય અને પ્રત્યક્ષ જોઈ શકાય એવો એકમાત્ર પ્રસાદ એ જ હતો. ખરેખર તો તે મારા જીવનનો એક મહત્ત્વનો વળાંક હતો. જો કે એ પછી પણ હિમાલય જવાનો ક્રમ તો જળવાઈ રહ્યો અને ગંતવ્ય સ્થાન પણ એ જ છે, છતાં પણ ગુરુદેવની સાથે વિશ્વવ્યવસ્થાનું સંચાલન કરનારી પરોક્ષ ઋષિસત્તાનું પ્રથમ દર્શન મારા અંતર પર કદી ન ભૂંસાય એવી છાપ મૂકી ગયું. મને મારા લક્ષ્ય, ભાવિ જીવનક્રમ, જીવનયાત્રામાં સહયોગી બનનારા જાગૃત પ્રાણવાન આત્માઓનો આભાસ પણ આ જ યાત્રામાં થયો. હિમાલયની મારી પહેલી યાત્રા અનેક અનુભવોની કથા છે, બીજા અનેક લોકો માટે પ્રેરણાપ્રદ સાબિત થઈ શકે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: