SJ-01 : અણઘડ મન હાર્યું, હું જીત્યો-૦૯, મારું વિલ અને વારસો

અણઘડ મન હાર્યું. હું જીત્યો

મારી પહેલી યાત્રામાં જ સિદ્ધપુરુષો, સંતોની બાબતમાં વસ્તુ સ્થિતિની ખબર પડી ગઈ. હું પોતે જે ભ્રમમાં હતો તે દૂર થઈ ગયો અને બીજા જે લોકો મારી જેમ વિચારતા હશે એમના ભ્રમનું પણ નિરાકરણ થઈ જશે. મારા સાક્ષાત્કારના પ્રસંગને યાદ કરતાં ખાતરી થઈ જશે કે જો આપણે આપણી પાત્રતા પહેલેથી જ અજિત ન કરી લીધી હોય તો તેમની સાથે મુલાકાત થઈ જાય એ અશક્ય છે. કારણ કે તેઓ સૂક્ષ્મ શરીરમાં હોય છે અને યોગ્ય અધિકારીની આગળ જ પ્રગટ થાય છે. પહેલાં મને આની ખબર નહોતી.

પુસ્તક મોટું છે. વિવરણ પણ વિસ્તૃત છે, પરંતુ એમાં મહત્ત્વની વાતો થોડી જ છે. સાહિત્ય વિવેચન વધારે છે. હિમાલય અને ગંગા કિનારો સાધના માટે વધારે ઉપયોગી શા માટે છે એનું કારણ મેં એમાં જણાવ્યું છે. એકાંતમાં સૂનકારનો જે ભય લાગે છે એમાં ચિંતનની દુર્બળતા જ કારણભૂત છે. મન જો મજબૂત હોય તો સાથીઓની શોધ શા માટે કરવી પડે ? તેઓ ન મળવાથી એકલવાયાપણાનો ડર શા માટે લાગે? જંગલી પશુપક્ષીઓ એકલાં જ રહે છે. એમની ઉપર હિંસક પ્રાણીઓ આક્રમણ કરવા બેઠાં જ રહે છે. છતાં મનુષ્યથી તો બધાં જ ડરે છે. સાથેસાથે એનામાં આત્મરક્ષણ કરવાની સૂઝ હોય છે. મનમાં જો ડર હોય તો આખું જગત બિહામણું લાગશે. જો સાહસ હોય તો હાથપગ, આંખો, મો, મન તથા બુદ્ધિ એટલાં સાથે હોવા છતાં ડરવાનું શું કારણ? વન્ય પશુઓમાં થોડાંક જ હિંસક હોય છે. જો મનુષ્ય નિર્ભય રહે, એમના પ્રત્યે સાચા અંતરની પ્રેમ ભાવના રાખે તો ખતરાની સંભાવના બહુ ઓછી રહે છે. રાજા હરિશ્ચંદ્ર સ્મશાનમાં બળતી ચિતાઓ વચ્ચે રહેતા હતા. કેન્યાના મસાઈ લોકો સિંહોની વચ્ચે ઝૂંપડાં બનાવીને રહે છે. વનવાસી આદિવાસીઓ સાપ અને વાઘની વચ્ચે જ રહે છે, તો પછી જ્યાં ખતરો હોય ત્યાં સૂઝબૂજવાળો માણસ ન રહી શકે એવું કોઈ કારણ નથી.

આત્મા, પરમાત્માના ઘરમાં એકલો જ આવે છે. ખાવું, સૂવું, હરવું, ફરવું એકલાથી જ થાય છે. ભગવાનને ઘરે પણ એકલા જ જવું પડે છે, તો પછી બીજા પ્રસંગોએ પણ તમને તમારું ભાવુક અને પરિષ્કૃત મન ઉલ્લાસનો અનુભવ કરાવતું રહે તો એમાં શું આશ્ચર્ય ? અધ્યાત્મના પ્રતિફળ રૂપે મનમાં આટલું પરિવર્તન તો થવું જ જોઈએ. શરીરને જેવી ટેવ પાડીએ એવી પડે. ઉત્તરધ્રુવના એસ્કિમો માત્ર માછલીઓની મદદથી જીવન ગુજારે છે. દુર્ગમ હિમાલય તથા આર્ષ પર્વતના ઊંચા ભાગોમાં રહેનારાઓ અભાવગ્રસ્ત હોવા છતાં સ્વસ્થ લાંબું જીવન જીવે છે. પશુ પણ ઘાસ ખાઈને જીવે છે. મનુષ્ય પણ જો ઉપયોગી પાંદડાં પસંદ કરીને પોતાનો આહાર નક્કી કરી લે તો એને ટેવ ન પડે ત્યાં સુધી જ થોડી ગરબડ રહે છે. પછીથી ગાડી પાટા ઉપર આવી જાય છે. આવા આવા અનેક અનુભવો અને એ પ્રથમ હિમાલય યાત્રા વખતે થયા હતા. મન માણસને ક્યાંથી ક્યાં ખેંચી જાય છે, તે કાબૂમાં આવી ગયું અને કુકલ્પનાઓના બદલે આનંદ અને ઉલ્લાસ ભરી અનુભૂતિઓ અનાયાસ જ આપવા લાગ્યું. મારા ઉપર્યુક્ત પુસ્તકનો સાર આ જ છે. ઋતુઓની પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે ભગવાને ઉપયોગી માધ્યમો રાખ્યાં છે. જ્યારે આસપાસ બરફ પડે છે ત્યારે પણ ગુફાઓની અંદર થોડીક ગરમી રહે છે. ગોમુખ ક્ષેત્રની અમુક લીલી ઝાડીને સળગાવવાથી સળગે છે. રાત્રે પ્રકાશ આપવા માટે એક વનૌષધિ ઝગમગતી રહે છે. તપોવન અને નંદનવનમાં શક્કરિયાં જેવા મધુર સ્વાદવાળું “દેવકંદ” જમીનમાં થાય છે. ઉપરથી તો તે ઘાસ જેવું દેખાય છે, પણ ખોદી કાઢતાં તે એટલું મોટું નીકળે છે કે કાચું યા શેકીને ખાવાથી એક અઠવાડિયું ચાલે. ભોજપત્રની ગાંઠોને વાટીને તેનો ઉકાળો (ચા) બનાવવામાં આવે તો મીઠું નાખ્યા વિના પણ તે ઉકાળો સ્વાદિષ્ટ લાગે છે. ભોજપત્રની છાલ એવી હોય છે કે એ પાથરવા, ઓઢવા તથા પહેરવાના કામમાં આવી શકે છે. આ વાતો અહીં એટલા માટે લખવી પડે છે કે ભગવાને દરેક ઋતુનો સામનો કરવા માટે બધી વ્યવસ્થા કરી રાખી છે. મનુષ્ય પોતાના મનની દુર્બળતાથી કે અભ્યસ્ત વસ્તુઓની નિર્ભરતાથી પરેશાન થાય છે. જો મનુષ્ય આત્મ નિર્ભર રહે તો તેની પોણા ભાગની સમસ્યાઓનો હલ થઈ જાય.આ ભાગ માટે તો કોઈ વિકલ્પ શોધી શકાય છે અને એની મદદથી સમય પસાર કરવાનો અભ્યાસ કરી શકાય છે. મનુષ્ય દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થઈ શકે છે. એ હેરાન ત્યારે જ થાય છે કે એ જ્યારે ઈચ્છે કે બીજા બધા લોકો એની મરજી મુજબના બની જાય, પરિસ્થિતિઓ અને અનુકુળ જ રહે. જો તે પોતાને અનુકૂળ બનાવી લે તો દરેક પરિસ્થિતિમાં ઉલ્લાસપૂર્વક જીવી શકે છે.

આ વાતો તો પહેલાંય વાંચી અને સાંભળી હતી. પણ એનો અનુભવ તો આ વર્ષે જ પ્રથમ હિમાલય યાત્રામાં થયો. આ અભ્યાસ એક સારી એવી તપશ્ચર્યા હતી, જેનાથી પોતાની ઉપર નિયંત્રણ રાખવાનો સારી રીતે અભ્યાસ થઈ ગયો. હવે મને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવતાં કોઈ મુશ્કેલી નથી પડતી. પ્રતિકૂળતાને અનુકૂળતાની જેમ વ્યવહારમાં ઉતારતાં વાર લાગતી નથી. એકાકી જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની કોઈ તક નહોતી. આથી એમનો સામનો કરવાનો પ્રશ્ન ઊભો થયો નહિ. પરીક્ષારૂપે જે ભય અને પ્રલોભનો સામે આવ્યાં તેમને હસી કાઢ્યાં. અહીં સ્વાભિમાન પણ કામ કરી શક્યું નહિ. વિચાર્યું કે હું આત્મા છું. પ્રકાશનો પૂંજ અને સમર્થ છું. પતન કરનાર પ્રલોભનો અને ભય ન તો મને પાડી શકશે કે ન એ તરફ ખેંચી શકશે. મનનો સુદઢ નિશ્ચય જોઈને પતન અને પરાભવના જે જે અવસરો આવ્યા તે હારીને પાછા વળી ગયા. એક વર્ષના એ હિમાલય નિવાસમાં જે એવા અવસરો આવ્યા એનો ઉલ્લેખ અહીં કરવો જરૂરી નથી, કારણ કે હજુ હું જીવું છું. આથી મારી ઉચ્ચ ચારિત્ર નિષ્ઠામાં કોઈને આત્માશ્લાઘાની ગંધ કદાચ આવે. અહીં તો મારે માત્ર એટલું જ કહેવાનું છે કે અધ્યાત્મના માર્ગે જનારને અવારનવાર ભય અને પ્રલોભનોની સામે ટક્કર લેવી પડે છે. એ માટે એણે કમર કસીને તૈયાર રહેવું જોઈએ. જો આટલી તૈયારી નહિ કરે તો એને પાછળથી પેટ ભરીને પસ્તાવું પડશે.

ઉપાસના, સાધના અને આરાધનામાં “સાધના જ મુખ્ય છે. ઉપાસનાનો કર્મકાંડ તો કોઈ નોકરીની જેમ પણ કરી શકે છે. આરાધના પુણ્ય પરમાર્થને કહે છે. જેણે પોતાને સાધી લીધો એના માટે બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. ઉત્કૃષ્ટ મન પોતાના માટે સૌથી વધુ લાભદાયક વ્યવસાય – પુણ્ય પરમાર્થને જ માને છે. એમાં જ એની અભિરુચિ કેળવાય છે અને તે પ્રવીણ બને છે. હિમાલયના પ્રથમ વર્ષમાં મારે આત્મસંયમની મનોનિગ્રહની સાધના કરવી પડી, મને જે કાંઈ ચમત્કારો પ્રાપ્ત થયા છે તે એનું જ ફળ છે. ઉપાસના તો સમય પસાર કરવાનો એક વ્યવસાય બની ગઈ.

ઘેર ચાર કલાકની ઊંઘ લેતો હતો. તે વધારીને અહીં છ કલાકની કરી દીધી. કારણ કે ઘેર તો અનેક પ્રકારનાં કામ કરવાં પડતાં, પરંતુ અહીં તો દિવસ ઊગે તે પહેલાં માનસિક જપ કરવા સિવાય બીજું કાંઈ કરવું અશક્ય હતું. પહાડોમાં ઊંચાઈના કારણે અજવાળું મોડું થાય છે અને અંધારું વહેલું થઈ જાય છે. આથી બાર કલાકના અંધારામાં છ કલાક સૂવા માટે અને છ કલાક ઉપાસના માટે પૂરતા છે. સ્નાનનું બંધન ત્યાં નહોતું. બપોરે જ નાહી શકાતું અને કપડાં સૂકવાતાં, આથી પરિસ્થિતિને અનુરૂપ દિનચર્યા બનાવવી પડી હતી.

પ્રથમ હિમાલય યાત્રા કેવી રહી?” એ પ્રશ્નના જવાબમાં કહી શકાય કે પરિસ્થિતિઓને અનુરૂપ મનને ઢાળી દેવાનો અભ્યાસ સારી રીતે થઈ ગયો. એમ પણ કહી શકાય કે અડધો રસ્તો પાર કરી લીધો. આ રીતે પ્રથમ વર્ષ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો, છતાં પણ એમાં કાચું લોખંડ તીવ્ર આગની ભઠ્ઠીમાં એવું શુદ્ધ લોખંડ બની ગયું, જે આગળ જતાં કોઈ પણ કામમાં આવી શકવા યોગ્ય બની ગયું.

આ પહેલાંનું જીવન તદ્દન જુદા પ્રકારનું હતું. સગવડો અને સાધનોની મદદથી ગાડી ગબડતી હતી. બધું જ સીધું અને સરળ લાગતું હતું. પરંતુ હિમાલય પહોંચતાં જ બધું બદલાઈ ગયું. ત્યાંની પરિસ્થિતિઓ જ એવી હતી કે ત્યાં ટકવું માત્ર એવા લોકો માટે જ શક્ય હતું, જેઓ યુદ્ધના સમયમાં થોડીક જ તાલીમ લઈને સીધા મોરચા પર ચાલ્યા જાય છે અને એવી શૂરવીરતા બતાવે છે કે જેવી અગાઉ કદી બતાવી ન હોય.

પ્રથમ હિમાલય યાત્રાનું પ્રત્યક્ષ ફળ તો એ જ હતું કે અણઘડ મન હાર્યું અને હું જીતી ગયો. પ્રત્યેક નવી અગવડ જોઈને મારા મને, નવા વાછરડાની જેમ હળે જોડાવામાં ઓછી આનાકાની નહોતી કરી, પણ એને ક્યાંય સમર્થન ન મળ્યું. અગવડો જોઈને તેણે બેસી જવાની ઈચ્છા કરી હતી, પણ એવા ખેડૂત જોડે એને પનારો પડ્યો હતો કે જે એને મારી નાખવા પણ તૈયાર હતો. છેવટે ઝખ મારીને મનને હળે જોડાવવાનું સ્વીકારવું પડ્યું. જો મન પાછું પડ્યું હોત તો આજે જે સ્થિતિ છે તે શક્ય ન બની શક્ત. આખું વરસ નવી નવી પ્રતિકૂળતાઓ આવતી રહી. વારંવાર એવી મુશ્કેલીઓ ઊભી થતી અને એવું લાગતું હતું કે આટલી અઘરી પરીક્ષામાં મારી તબિયત બગડી જશે. ભવિષ્યની સાંસારિક પ્રગતિના દરવાજા બંધ થઈ જશે. આથી આખી સ્થિતિ વિશે પુનઃ વિચારણા કરવી જોઈએ.

એકવાર તો મનમાં એવી તમોગુણી વિચાર પણ આવ્યો, જે છુપાવવો યોગ્ય નથી. તે એ હતો કે જેવી રીતે ઢોંગીઓએ હિમાલયનું નામ લઈને પોતાની ધર્મ ધજા ફરકાવી દીધી છે એવું કંઈક કરીને સિદ્ધપુરુષ બની જવું જોઈએ અને એની મદદથી આખી જિંદગી લહેર કરવી જોઈએ. એવા લોકોના ચારિત્ર્ય અને એશઆરામનો મને સંપૂર્ણ પરિચય છે. આવો વિચાર જ્યારે આવ્યો કે તરત જ તેને જૂતાં નીચે કચડી નાખ્યો. સમજાઈ ગયું કે મનની પરીક્ષા લેવામાં આવી રહી છે. વિચાર્યું કે જો મારી સામાન્ય પ્રતિભાના બળે એશઆરામ ભોગવી શકાય છે, તો પછી હિમાલયને, સિદ્ધપુરુષોને, સિદ્ધિઓને, ભગવાનને અને તપશ્ચર્યાને બદનામ કરવાથી શું ફાયદો?

એ પ્રથમ વર્ષે મારા માર્ગદર્શક ઋષિસત્તાના સાક્ષાત્કારે મને ધરમૂળથી બદલી નાંખ્યો. અણઘડ મનની સાથે નવા પરિષ્કૃત મનનું મલ્લયુદ્ધ થતું રહ્યું. એમ કહી શકાય કે અંતે સંપૂર્ણ વિજય મેળવીને હું પાછો આવ્યો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: