SJ-01 : : પ્રવાસનું બીજું ચરણ તથા કાર્યક્ષેત્રનું નિર્ધારણ-૧૦, મારું વિલ અને વારસો

પ્રવાસનું બીજું ચરણ તથા કાર્યક્ષેત્રનું નિર્ધારણ

પ્રથમ પરીક્ષા આપવા માટે હિમાલય બોલાવ્યાને લગભગ ૧૦ વર્ષ વીતી ગયાં, ફરીથી બોલાવવાની જરૂર ન લાગી. એમનાં દર્શન પહેલાં થયાં હતાં એ જ મુદ્રામાં થતાં રહ્યાં. “બધું બરાબર છે” એટલા જ શબ્દો બોલીને પ્રત્યક્ષ સંપર્ક પૂરો થતો રહ્યો. અંતરાત્મામાં એમનો સમાવેશ સતત થતો રહ્યો. ક્યારેય એવું નથી લાગ્યું કે હું એકલો છું. હમેશાં બંને સાથે રહેતા હોઈએ એવી અનુભૂતિ થતી રહી. આ રીતે દશ વર્ષ વીતી ગયાં.

સ્વતંત્રતા સંગ્રામ ચાલી જ રહ્યો હતો. એ દરમિયાન અનુકૂળ ઋતુ જોઈને હિમાલય જવાનો ફરીથી આદેશ આવ્યો. બીજા જ દિવસે જવાની તૈયારી કરી. આદેશની ઉપેક્ષા કરવાનું, વિલંબ કરવાનું મારા માટે શક્ય ન હતું. ઘરના સભ્યોને જવાની ખબર આપી. પ્રાત:કાળે બ્રાહ્મમુહૂર્તમાં નીકળવાની તૈયારી કરી લીધી. તે વખતે પણ સડક ઉત્તરકાશી સુધી જ બની હતી. ત્યાંથી આગળનું કામકાજ શરૂ થયું હતું.  રસ્તો મારો જોયેલો હતો. પહેલી વાર જેટલી ઠંડી આ વખતે ન હોતી. રસ્તે આવતા જતા લોકો મળતા. નાની નાની ધર્મશાળાઓ પણ સાવ ખાલી નહોતી. આ વખતે કોઈ મુશ્કેલી ન પડી. સામાન પણ વધારે નહોતો. ઘર જેવી સગવડ તો ક્યાંથી હોય, પણ પરિસ્થિતિ અસહ્ય ન હોતી, ક્રમ યથાવત્ ચાલતો રહ્યો.

અગાઉ જે ત્રણ પરીક્ષાઓ લીધી હતી એમાંની એકેય આ વખતે આપવી ન પડી, જે પરીક્ષા એકવાર લેવાઈ ગઈ છે એ વારંવાર લેવાની જરૂર એમને પણ ન લાગી. ગંગોત્રી સુધીનો રસ્તો તે એવો હતો. જેના માટે કોઈને પછવાની જરૂર નહોતી. ગંગોત્રીથી ગોમુખના ૧૪ માઈલનો રસ્તો એવો છે કે તે બરફ ઓગળી ગયા પછી દર વર્ષે બદલાઈ જાય છે. મોટી શિલાઓ તૂટી જાય છે અને તે આમતેમ ગબડે છે. નાનાં ઝરણાં પણ પથ્થરોથી રસ્તો રોકાઈ જવાના કારણે પોતાનો માર્ગ આડોઅવળો કરી લે છે. નવા વર્ષે ત્યાંના કોઈ જાણકાર માણસને સાથે લઈને જવું પડતું હતું અથવા તો પછી પોતાની વિશેષ વિવેકબુદ્ધિની મદદથી અનુમાન કરી આગળ વધવાનો અને માર્ગમાં કોઈ અવરોધ આવે તો પાછા વળીને બીજો રસ્તો શોધવાનો ક્રમ ચાલતો રહ્યો, આમ કરતાં કરતાં ગોમુખ પહોંચી ગયો. ત્યાંથી આગળ ગુરુદેવના સંદેશવાહકની સાથે જવાનું હતું. તે પણ સૂક્ષ્મ શરીરધારી હતો. છાયા પુરુષ અથવા તો વીરભદ્રની કક્ષાનો હતો. જરૂર પડ્યે તેઓ એની પાસે અનેક કામ કરાવતા હતા. જેટલી વાર મારે હિમાલય જવું પડ્યું તેટલી વાર નંદનવન તથા આગળ ઊંચે સુધી તથા પાછા વળતાં ગોમુખ સુધી મને પહોંચાડી જવાનું કામ તેના માથે હતું. તેથી એ મદદનીશની મદદથી હું ધાર્યા કરતાં ઓછા સમયમાં ખૂબ સહેલાઈથી પહોંચી થયો. આખે રસ્તે બંને મૌન રહ્યા.

નંદનવન પહોંચતાં જ જોયું તો ગુરુદેવનું સૂક્ષ્મશરીર પ્રત્યક્ષ સ્વરૂપે મારી સામે હતું. એ પ્રગટ થતાં જ હું ભાવવિભોર બની ગયો. હોઠ કંપવા લાગ્યા. નાકમાં પાણી આવી ગયું. એવું લાગ્યું જાણે કે મારા પોતાના શરીરનું કોઈ ખોવાયેલું અંગ ફરીથી પાછું મળી ગયું અને તેના અભાવે જે અપૂર્ણતા હતી તે પૂરી થઈ ગઈ. તેઓ મસ્તક પર હાથ મૂકે તે એમના મારા પ્રત્યેના અગાધ પ્રેમનું પ્રતીક હતું. અભિવાદન અને આશીર્વાદનો શિષ્ટાચાર આટલામાં જ પૂર્ણ થઈ ગયો. ગુરુદેવે મને સંક્ત કર્યો-ઋષિઓ પાસેથી ફરીથી માર્ગદર્શન લેવા જવા માટે. હૃદયમાં રોમાંચ થઈ ગયો.

સતયુગના લગભગ બધા જઋષિઓ હિમાલયના એદુર્ગમ વિસ્તારમાં રહે છે, જ્યાં મને એમનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો. સ્થાન નક્કી કરવાની દૃષ્ટિએ દરેકે પોતાની એક એક ગુફા નક્કી કરી લીધી છે. જો કે શરીરચર્યા માટે તેમને સ્થાન નિયત કરવાની કે સાધનો ભેગાં કરવાની કોઈ જરૂર નથી, તો પણ પોતપોતાનાં નિર્ધારિત કાર્યો પૂરાં કરવા તથા જરૂર પડ્યું – એકબીજાને મળવા માટે બધાએ પોતાનાં સ્થાન નક્કી કરી લીધાં છે.

પહેલી યાત્રામાં હું તેમને માત્ર પ્રણામ જ કરી શક્યો હતો. આ બીજી યાત્રામાં ગુરુદેવ મને વારાફરતી ઋષિઓની મુલાકાત માટે લઈ ગયા. પરોક્ષરૂપે આશીર્વાદ મળ્યા હતા, હવે એમનો સંદેશ સાંભળવાનો હતો. તેઓ આછા પ્રકાશપુંજ જેવા દેખાતા હતા, પરંતુ જયારે એમનું સૂક્ષ્મ શરીર સાચું બની ગયું. ત્યારે એ ઋષિઓનું સતયુગમાં હતું તેવું શરીર દેખાવા માંડ્યું. ઋષિઓના શરીરની સંસારી લોકો જેવી કલ્પના કરે છે એવાં જ એમનાં શરીર હતાં. શિષ્ટાચારનું પાલન કરવામાં આવ્યું. એમનાં ચરણોમાં માથું ટેકવી દીધું. એમણે મારા માથા પર હાથ મૂક્યો એનાથી રોમાંચ થઈ ઊઠ્યો. આનંદ અને ઉલ્લાસ ઉભરાવા લાગ્યા.

કામની વાત શરૂ થઈ. દરેકે પરાવાણીમાં કહ્યું કે અમે સ્થૂળ શરીરથી જે કાર્યો કરતા હતા તે, અત્યારે બિલકુલ નામશેષ થઈ ગયાં છે. માત્ર ખંડિયેરના અવશેષો બચ્યા છે. જ્યારે અમે દિવ્યદૃષ્ટિથી એ ક્ષેત્રોની વર્તમાન સ્થિતિ જોઈએ છીએ ત્યારે અત્યંત દુઃખ થાય છે. ગંગોત્રીથી માંડીને હરિદ્વાર સુધીનું આખું ક્ષેત્ર ઋષિક્ષેત્ર હતું. એ એકાંત ક્ષેત્રમાં માત્ર તપશ્ચર્યા કરવામાં આવતી હતી.

ઉત્તરકાશીમાં જેવું જમદગ્નિનું ગુરુકુળ આરણ્યક હતું એવા અનેક ઋષિઓના આશ્રમો ઠેર ઠેર હતા. બીજા ઋષિઓ પોતપોતાના ભાગે આવતી શોધખોળોની તપશ્ચર્યા કરવામાં સંલગ્ન રહેતા. આજે અમે જ્યાં રહીએ છીએ ત્યાં દેવોનાં સ્થાન હતાં. હિમયુગ પછી માત્ર સ્થાન જ બદલાઈ ગયાં. એટલું જ નહિ, પરંતુ અમારી પરંપરા તદ્દન ભુલાઈ ગઈ. એનાં માત્ર ચિહ્નો જ રહ્યાં છે.

ઉત્તરાખંડમાં ઠેરઠેર દેવદેવીઓનાં મંદિરો તો બની ગયાં છે, જેથી એમાં ધન આવતું રહે અને પૂજારીઓનું ગુજરાન થયા કરે. ઋષિઓ કોણ હતા, ક્યાં રહેતા હતા, શું કરતા હતા એ પૂછનાર કે બતાવનાર આજે કોઈ નથી. એમની કોઈ નિશાની પણ બચી નથી. અમારી દષ્ટિએ તો ઋષિપરંપરાનો જાણે પ્રલય જ થઈ ગયો છે.

લગભગ આ જ વાત બીજા જે ઋષિઓની સાથે મારી મુલાકાત કરાવવામાં આવી તે બધાએ કહી. વિદાય આપતી વખતે બધાંની આંખોમાં આંસુ હતાં. મને લાગ્યું કે બધા જ વ્યથિત છે. બધાંનું મન ઉદાસ અને ભારે છે, પણ હું એમને શું કહ્યું? આટલા બધા ઋષિઓ ભેગા થઈને જે ભાર ઉઠાવતા હતા એ ઉઠાવવાની મારામાં શક્તિ નથી. એ બધાનું ભારેખમ મન જોઈને મારું મન પણ દ્રવિત થઈ ગયું. વિચાર કરતો રહ્યો. ભગવાને જો મને કોઈ કામ માટે લાયક બનાવ્યો હોત તો આ દેવપુરુષોને આટલા બધા દુઃખી જોઈને હું મૌન ન સેવત. મારી ઉપર પણ સ્તબ્ધતા છવાઈ ગઈ. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. આટલા બધા સમર્થ ઋષિઓ આટલા બધા દુઃખી, અસહાય ! એમની એ વેદના મને વીંછીના ડંખની વેદનાની જેમ પીડા આપી રહી.

ગુરુદેવનો આત્મા અને મારો આત્મા સાથેસાથે ચાલી રહ્યા હતા. બંને એકબીજાને જોઈ રહ્યા હતા. એમના ચહેરા પર પણ ઉદાસીનતા છવાઈ ગઈ હતી. હે ભગવાન, કેવો વિષમ સમય આવ્યો છે કે કોઈ ઋષિનો એકેય ઉત્તરાધિકારી પેદા ન થયો? બધાનો વંશ નાશ પામ્યો ? ઋષિઓમાંથી કોઈની પણ પ્રવૃત્તિઓ ચાલતી નથી. કરોડોની સંખ્યામાં બ્રાહ્મણો છે અને લાખો સંતો છે, પરંતુ એમાંથી પંદર વીસ જીવંત હોત તો બુદ્ધ અને ગાંધીજીની જેમ ગજબ કરી દેત, પરંતુ આજે આ બધું કોણ કરે? કઈ શક્તિથી કરે?

રાજકુમારીની આંખોમાંથી આંસુ ટપક્યાં અને એણે એટલું જ કહ્યું કે “કો વેદાન ઉદ્ધરસ્યસિ? અર્થાત્ દેવોનો ઉદ્ધાર કોણ કરશે?” એના જવાબમાં કુમારિલ ભટ્ટે કહ્યું હતું કે “હજુ આ કુમારિક ભટ્ટ ભૂમિ ઉપર છે. વિલાપ ન કરો.” તે વખતે એક કુમારિલ ભટ્ટ જીવતો હતો. એણે જે કહ્યું હતું તે કરી બતાવ્યું, પણ આજે તો ક્યાંય કોઈ બ્રાહ્મણ નથી કે નથી કોઈ સંત. ઋષિઓની વાત તો બહુ દૂરની છે. આજે તો કપટી લોકો છદ્મવેશ ધારણ કરીને પેલા રંગાયેલા શિયાળની જેમ આખા વનપ્રદેશમાં હુંઆ હુઆ કરતા ફરી રહ્યા છે.

બીજા દિવસે પાછા ફર્યા પછી આવા વિચાર આખો દિવસ મને આવતા રહ્યા. જે ગુફામાં મારો નિવાસ હતો ત્યાં આખો દિવસ આ જ ચિંતન ચાલતું રહ્યું, પરંતુ ગુરુદેવ મારું મન વાંચી રહ્યા હતા. મારી પીડાથી એમને પણ દુઃખ થઈ રહ્યું હતું.

એમણે કહ્યું, “તો તું ફરી એવું કર. બીજી વાર આપણે એમને મળવા જઈએ ત્યારે તું એમને કહેજે કે આપ કહેતા હો તો તેનું બીજારોપણ હું કરી શકું છું. આપ ખાતરપાણી આપશો તો પાક ઊગી નીકળશે. નહિ તો એ દિશામાં પ્રયાસ કરવાથી મારા મનનો બોજ તો હલકો થશે જ.” સાથેસાથે એ પણ પૂછજે કે એની શુભ શરૂઆત કઈ રીતે કરવામાં આવે. એની રૂપરેખા બતાવો. હું જરૂર કંઈક કરીશ. જો આપ લોકોની કૃપા વરસશે તો આ સૂકા સ્મશાનમાં હરિયાળી ઊગી નીકળશે.”

ગુરુદેવના આદેશ પર તો હું એમ પણ કહી શકતો હતો કે બળતી આગમાં હું બળી મરીશ. જે થવાનું હશે તે થશે. પ્રતિજ્ઞા કરવામાં અને તેને નિભાવવામાં પ્રાણની સાક્ષીએ પ્રતિજ્ઞા તો કરી શકાય છે. આવા વિચારો મનમાં ચાલી રહ્યા હતા. ગુરુદેવ તે વાંચી રહ્યા હતા. આ વખતે મેં જોયું તો એમનો ચહેરો બ્રહ્મકમળની જેમ ખીલી રહ્યો હતો.

બંને સ્તબ્ધ હતા અને પ્રસન્ન પણ. ફરીથી પાછા જઈને બીજી વાર ઋષિઓને મળવાનો નિશ્ચય કર્યો. અમે હજુ તેમને રાતે જ મળ્યા હતા. બીજી વાર અમને પાછા આવેલા જોઈને એ બધા જ પ્રસન્ન થયા અને આશ્ચર્યચકિત પણ. હું તો હાથ જોડી માથું નમાવીને મંત્રમુગ્ધ થઈ ઊભો રહ્યો. ગુરુદેવે મારી કામના, ઈચ્છા અને ઉમંગ એમને પરોક્ષ પરાવાણીમાં કહી સંભળાવ્યાં. તેમણે કહ્યું, “આ નિર્જીવ નથી. એ જે કહે છે તે ખરેખર કરી બતાવશે. આપ એ બતાવો કે આપનું જે કાર્ય અધૂરું રહ્યું છે એનાં બીજ નવેસરથી કઈ રીતે વાવી શકાય. હું અને આપ એને ખાતર પાણી આપતા રહીશું તો એ પાછો નહિ પડે.”

આ પછી એમણે ગાયત્રી પુરશ્ચરણની પૂર્તિ માટે મથુરામાં થનાર સહગ્નકુંડી યજ્ઞમાં છાયારૂપે પધારવા એ સૌને આમંત્રણ આપ્યું અને કહ્યું, “આમ તો આ વાનર છે, પણ છે હનુમાન, આ રીંછ તો છે, પણ છે જાંબુવાન. આ ગીધ તો છે, પણ છે જટાયુ. આપ એને આદેશ આપો અને આશા રાખજો કે જે બાકી રહ્યું છે, તૂટી ગયું છે તેનું ફરીથી નિર્માણ થશે અને અંકુરમાંથી વૃક્ષ બનશે. આપણે લોકો નિરાશ શા માટે થઈએ? આની ઉપર આશા શા માટે ન રાખીએ? એણે પાછલા ત્રણેય જન્મોમાં સોંપવામાં આવેલી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે.” ચર્ચા એક જ ઋષિ સાથે ચાલી રહી હતી. પણ નિમંત્રણ પહોંચતાં જ એક ક્ષણમાં તો બધા જ ઋષિઓ એક એક કરીને ભેગા થઈ ગયા. નિરાશા ગઈ, આશા બંધાઈ અને ભવિષ્યનો કાર્યક્રમ એવો બન્યો કે આપણે બધા જે કરી રહ્યા છીએ એનું બીજ એક ખેતરમાં વાવવામાં આવે અને નર્સરી તૈયાર કરવામાં આવે. એના રોપા સર્વત્ર રોપાશે અને ઉદ્યાન મહોરી ઊઠશે.

આ શાંતિકુંજ બનાવવાની યોજના હતી. મથુરા નિવાસ પછી મારે એ પૂર્ણ કરવાની હતી. ગાયત્રીનગર વસાવવાની અને બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન ઊભું કરવાની યોજના પણ વિસ્તારથી સમજવી. સંપૂર્ણ ધ્યાનથી એનો એકેએક અક્ષર હૃદયપટલ ઉપર લખી લીધો અને નિશ્ચય કર્યો કે ૨૪ લાખનું પુરશ્ચરણ પૂરું થતાં જ આ કાર્યક્રમની રૂપરેખા બનાવીને કામ શરૂ કરીશ. જેને ગુરુદેવનું સંરક્ષણ મળ્યું હોય એ નિષ્ફળ જાય એવું કદી બને જ નહિ.

એક દિવસ વધુ ત્યાં રોકાયો. એમાં ગુરુદેવે પુરશ્ચરણની પૂર્ણાહુતિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું તથા કહ્યું કે “પાછલાં વર્ષોની સ્થિતિ અને ઘટના ક્રમને હું બારીકાઈથી જોતો આવ્યો છું અને એમાં જ્યાં કંઈક બિનજરૂરી લાગ્યું એ સુધારતો રહ્યો છું. હવે ભવિષ્યમાં શું કરવાનું છે તેનું સ્વરૂપ સમજાવવા માટે તને આ વખતે બોલાવવામાં આવ્યો છે. પુરશ્ચરણ પૂરાં થવામાં હવે વધુ વખત બાકી નથી. જે બાકી રહ્યાં છે તે મથુરા જઈને પૂરાં કરવાં જોઈએ. હવે તારા જીવનનું બીજું ચરણ મથુરાથી શરૂ થશે.

પ્રયાગ પછી મથુરા જ દેશનું મધ્ય કેન્દ્ર છે.આવાગમનની દષ્ટિએ તે સગવડવાળું પણ છે. સ્વરાજ મળ્યા પછી તારું રાજનૈતિક કાર્ય તો પૂરું થઈ જશે, પણ તારું કામ હજુ પૂરું નહિ થાય. રાજનૈતિક ક્રાંતિ તો થશે. આર્થિક ક્રાંતિ તથા તેને લગતાં બીજાં કાર્ય પણ સરકાર કરશે, પરંતુ એ પછી પણ બીજી ત્રણ ક્રાંતિઓ બાકી રહે છે, જેને ધર્મતંત્રના માધ્યમથી પૂર્ણ કરવાની છે. એના વિના પૂર્ણતા આવી શકશે નહિ. દેશ પરાધીન અને જર્જરિત થયો એનું કારણ એ નથી કે અહીં શૂરવીરો નહોતા. તેઓ આક્રમણખોરોને પરાસ્ત નહોતા કરી શક્તા, પરંતુ તેમની આંતરિક દુર્બળતાઓએ એમને પતનની ખાઈમાં ધકેલી દીધા હતા બીજાઓએ તો એ દુર્બળતાનો લાભ જ ઉઠાવ્યો છે.

તારે નૈતિક ક્રાંતિ, બૌદ્ધિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિ કરવાની છે. એના માટે ઉપયુક્ત લોકોને ભેગા કરવા તથા જે કરવાનું છે એ સંબંધી વિચારો અત્યારથી જ વ્યક્ત કરવા ખૂબ જરૂરી છે. આથી તું તારું ઘર ગામ છોડીને મથુરા જવાની તૈયારી કર. ત્યાં એક નાનું ઘર લઈને એક માસિક શરૂ કર. સાથેસાથે ત્રણેય ક્રાંતિઓ સંબંધી જરૂરી માહિતીનું પણ પ્રકાશન કર. અત્યારે તારાથી આટલું થઈ શકશે. થોડા દિવસોમાં જ તારે દુર્વાસા ઋષિની તપોભૂમિમાં મથુરાની પાસે જ એક ભવ્ય ગાયત્રી મંદિર બનાવવાનું છે. તારા સહકાર્યકરો આવે ત્યારે ત્યાં તેમને રહેવા માટે જરૂરી મકાનની પણ વ્યવસ્થા કરવાની છે. આ ઉપરાંત ૨૪ મહાપુરશ્ચરણ પૂરાં થયા પછી પૂર્ણાહુતિ સ્વરૂપે એક મહાયજ્ઞ કરવાનો છે. અનુષ્ઠાનોની પરંપરામાં જપની સાથે યજ્ઞ કરવાનો હોય છે.તારાં ૨૪ લાખનાં ૨૪ અનુષ્ઠાનો પૂરાં થવાની તૈયારીમાં છે. એના માટે એક હજાર કુંડવાળી યજ્ઞશાળામાં એક હજાર માંયાંત્રિકો દ્વારા ૨૪ લાખ આહુતિઓના યજ્ઞનું આયોજન કરવાનું છે. એ પ્રસંગે જ એવું વિશાળકાય સંગઠન ઊભું થઈ જશે, જેના દ્વારા તાત્કાલિક ધર્મતંત્રની મદદથી જનજાગૃતિનું કાર્ય શરૂ કરી શકાય. અનુષ્ઠાનની પૂર્તિનું આ પ્રથમ ચરણ છે. લગભગ ૨૪ વર્ષોમાં આ જવાબદારી પૂર્ણ કર્યા પછી તારે સપ્ત સરોવર, હરિદ્વાર જવાનું છે. ત્યાં રહીને જેના માટે ઋષિઓની ભુલાઈ ગયેલી પરંપરાઓને પુનઃજાગૃત કરવાની તને સ્વીકૃતિ આપી છે એ કામ કરવાનું છે.

મથુરાનું કાર્ય શરૂઆતથી માંડીને અંત સુધી કઈ રીતે પૂર્ણ કરવાનું છે એની સુવિસ્તૃત રૂપરેખા એમણે સમજાવી. આ દરમિયાન આર્ષગ્રંથોનો અનુવાદ, પ્રકાશન, પ્રચાર તથા ગાયત્રી પરિવારનું સંગઠન અને એના સભ્યોને કામ સોંપવું વગેરેની રૂપરેખા પણ એમણે બતાવી દીધી.

મેં પ્રથમની જેમ આ વખતે પણ આશ્વાસન આપ્યું કે જે આદેશ આપવામાં આવ્યો છે એમાં કોઈપણ પ્રકારની ભૂલ નહિ રહેવા દઉં. પણ એક જ શંકા રહે છે કે આટલા વિશાળ કાર્ય માટે જે ધન અને માણસોની જરૂર પડશે તે હું ક્યાંથી લાવીશ?

મારા મનને વાંચી રહેલા ગુરુદેવ હસી પડ્યા. “એના માટે તું ચિંતા ન કરીશ. જે તારી પાસે છે એને વાવવાની શરૂઆત કર. એનો પાક સો ગણો ઊતરશે અને જે કામ સોંપ્યાં છે તે બધાં પૂરાં થવા માંડશે.” મારી પાસે જે છે તેને ક્યાં અને કેવી રીતે વાવવાનું છે, એનો પાક ક્યારે પાકશે, કઈ રીતે પાકશે તેની માહિતી પણ તેમણે આપી દીધી.

એમણે જે કહ્યું તે ગાંઠે બાંધી લીધું. ભૂલી જવાનો તો પ્રશ્ન જ નહોતો. જયારે ઉપેક્ષા કરીએ ત્યારે જ ભૂલી જવાય છે. સેનાપતિનો આદેશ સૈનિક ક્યાં ભૂલી જાય છે? મારા માટે પણ અવજ્ઞા કે ઉપેક્ષા કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. વાત પૂરી થઈ ગઈ. આ વખતે છ જ મહિના હિમાલય રોકાવાનો આદેશ થયો. જ્યાં રહેવાનું હતું ત્યાં બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુદેવનો વીરભદ્ર મને ગોમુખ સુધી મૂકી ગયો. ત્યાંથી હું તેમણે બતાવેલ સ્થાને ગયો અને ૬ મહિના પૂરા કર્યા. જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે સ્વાથ્ય પહેલાં કરતાં પણ વધારે સારું હતું. પ્રસન્નતા અને ગંભીરતા વધી ગઈ હતી, જે પ્રતિભા રૂપે ચહેરાની આજુબાજુ છવાઈ ગઈ હતી. પાછો આવ્યો ત્યારે જેમણે મને જોયો તેમણે કહ્યું, “લાગે છે કે હિમાલયમાં ક્યાંક ખૂબ સુખસગવડવાળું સ્થળ છે. તમે ત્યાં જાઓ છો અને સ્વાથ્ય-સંવર્ધન કરીને પાછા આવો છો.” મેં હસવા સિવાય બીજો કોઈ જવાબ ન આપ્યો.

હવે મથુરા જવાની તૈયારી હતી. એકવાર દર્શનની દૃષ્ટિએ મથુરા જોયું તો હતું પણ ત્યાં કોઈની સાથે પરિચય નહોતો. ચાલીને ત્યાં ગયો અને “અખંડ જ્યોતિ’ના પ્રકાશનને લાયક એક નાનું મકાન ભાડે લેવાનો નિશ્ચય કર્યો. મકાનોની તો એ વખતે પણ ખેચ હતી. ખૂબ શોધવા છતાં જરૂરિયાત મુજબ મકાન મળતું નહોતું. શોધતાં શોધતાં ઘીયામંડી જઈ પહોંચ્યો. ત્યાં એક ખાલી મકાન પડ્યું હતું. એની માલિક એક ડોસી હતી. ભાડું પૂછ્યું તો એણે પંદર રૂપિયા કહ્યું અને ચાવી હાથમાં પકડાવી દીધી. અંદર જઈને જોયું તો નાના મોટા થઈને પંદર ઓરડા હતા. મકાન આમ તો જૂનું હતું, પરંતુ સરેરાશ દરેક ઓરડાનું એક રૂપિયો ભાડું હતું તેથી તે મોંધું તો નહોતું. એનાથી મારું કામ ચાલે એમ પણ હતું. મને ગમી ગયું અને એક મહિનાનું ભાડું એડવાન્સમાં આપી દીધું. ડોસી ખૂબ ખુશ થઈ ગઈ.

ઘેર જઈને બધો સામાન લઈ આવ્યો અને પત્ની તથા બાળકો સાથે એમાં રહેવા લાગ્યો.  આખા મહોલ્લામાં કાનાફૂસી થતી સાંભળી. જાણે કે હું ત્યાં રહેવા આવ્યો તે કોઈ આશ્ચર્યજનક બાબત ન હોય ! પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું કે આ ભૂતિયું મકાન છે. એમાં જે કોઈ રહેવા આવ્યા હતા તેમણે જાન ગુમાવ્યો છે. કોઈ એ ઘરમાં ટક્યુ નથી. અમે તો કેટલાયને ત્યાં આવતા અને દુઃખી થતા જોયા છે. તમે બહારના માણસ છો તેથી છેતરાઈ ગયા. આ તો તમને જણાવી દીધું. એવું કશું ન હોત તો ૧૫ ઓરડાવાળું ત્રણ માળનું મકાન વર્ષોથી ખાલી પડી રહે ખરું ? તમે જાણીબૂજીને એમાં રહેશો તો નુકસાન સહન કરવું પડશે.

આટલું સસ્તું અને આટલું ઉપયોગી મકાન બીજે ક્યાંય મળતું નહોતું. આથી, મેં તો એમાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ભૂતિયું મકાન હોવાની વાત સાચી હતી. આખી રાત મેડા ઉપર ધમાચકડી મચતી હતી. રડવાના, હસવાના અને લડવાના અવાજ આવતા. એ મકાનમાં વીજળી નહોતી. ફાનસ સળગાવીને હું ઉપર ગયો તો કેટલાંક સ્ત્રીપુરુષોની આકૃતિઓ નાસી જતી જોઈ, પરંતુ રૂબરૂ મુલાકાત ન થઈ. એમણે મને કોઈ નુકસાન ન પહોંચાડ્યું. આ પ્રમાણે લગભગ દસેક દિવસ સુધી બનતું રહ્યું.

એક રાત્રે હું લગભગ એક વાગ્યે મેડા ઉપર ગયો. હાથમાં ફાનસ હતું. નાસી જતાં પ્રેતોને થોભવાનું કહ્યું. તેઓ ઊભાં રહ્યાં. મેં કહ્યું, “તમે ઘણા દિવસોથી આ ઘરમાં રહો છો. તો આપણે એમ કરીએ કે ઉપરના સાત ઓરડામાં તમે લોકો રહો. નીચેના આઠ ઓરડાઓથી હું મારું કામ ચલાવીશ. આ રીતે આપણે રાજીખુશીથી સમજૂતી કરીને રહીએ. તેથી તમેય પરેશાન ન થાઓ અને મારે હેરાન ન થવું પડે.” એમનામાંથી કોઈએ જવાબ ન આપ્યો. બધાં ઊભાં રહ્યાં. બીજા દિવસથી બધું બંધ થઈ ગયું. મેં મારા તરફથી સમજૂતીનું પાલન કર્યું. તેઓ બધાં પણ મારી સાથે સંમત થઈ ગયાં. ઉપર કોઈના હરવા ફરવાનો અવાજ તો સંભળાતો, પણ મારી ઊંઘ હરામ થઈ જાય એવો કોઈ ઉપદ્રવ નહોતો થતો. બાળકો ડરે કે કામમાં વિઘ્ન પડે એવું પણ કંઈ થતું નહિ. ઘરમાં જે કાંઈ સમારકામ કરાવવા જેવું હતું તે મેં મારા પૈસે કરાવી દીધું. “અખંડ જ્યોતિ’ સામાયિક ફરીથી આ જ ઘરમાંથી પ્રકાશિત થવા માંડ્યું. પરિજનો સાથે પત્રવ્યવહાર અહીંથી જ શરૂ ર્યો. પહેલા જ વર્ષે લગભગ બે હજાર ગ્રાહક બની ગયા. ગ્રાહકો સાથે પત્રવ્યવહાર કરતો તથા વાતચીત માટે તેમને બોલાવતો. અધ્યયન તો રસ્તે ચાલતાં ચાલતાં કરી લેતો. રોજ ફરવા જતો હતો, તે વખતે બે કલાક રોજ વાંચતો. અનુષ્ઠાન પણ મારી પૂજાની નાની સરખી ઓરડીમાં ચાલતું રહ્યું. કોંગ્રેસના કામને બદલે હવે લેખન કાર્ય તરફ ધ્યાન આપવા માંડ્યું. “અખંડ જયોતિ’ માસિક, આર્ષ સાહિત્યનો અનુવાદ, ધર્મતંત્રથી લોકશિક્ષણની રૂપરેખા વગેરે વિષયો અંગે લખવા માંડ્યું. માસિક પોતાના હેન્ડપ્રેસ પર છપાતું. બીજું સાહિત્ય અન્ય પ્રેસમાં છપાવતો. આ રીતે ગાડું ગબડવા લાગ્યું, પરંતુ ચિંતા એક જ રહેતી કે ભવિષ્યમાં મથુરામાં જ રહીને પ્રકાશનનું મોટું કામ કરવાનું છે. પ્રેસ નાંખવાનું છે. ભવ્ય ગાયત્રી મંદિર અને તપોભૂમિ બનાવવાની છે. મહાભારત પછી કદી ન થયો હોય એવો વિશાળ યજ્ઞ કરવાનો છે. આ બધું ધન અને માણસો ક્યાંથી એકઠાં કરવાં? એ માટે ગુરુદેવનો “વાવો અને લણો એ સંદેશ મારા મનઃચક્ષુ આગળ ખડો થતો. એને હવે સમાજરૂપી ખેતરમાં કાર્યાન્વિત કરવાનો હતો. સાચા અર્થમાં અપરિગ્રહી બ્રાહ્મણ બનવાનું હતું. આ જ કાર્યક્રમની રૂપરેખા મગજમાં ઘૂમવા માંડી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: