પં. શ્રી શ્રીરામ શર્મા આચાર્યજીનો સંક્ષિપ્ત પરિચય
February 25, 2021 Leave a comment
પં. શ્રી શ્રીરામ શર્મા આચાર્યજીનો સંક્ષિપ્ત પરિચય
આજે સર્વત્ર અવિશ્વાસ, અનીતિ, ચૂસણનીતિ અને સ્વાર્થ ઇત્યાદિની બોલબાલા છે તથા વિશ્વભરમાં કોઈ ને કોઈ રીતે સંઘર્ષ, અશાંતિ, કલેશ અને દુઃખ જ જોવા- સાંભળવા મળે છે. એવા સમયમાં એક નવા અને યુગાનુસારી સંદેશાને આપીને પૂજ્ય શ્રી શ્રીરામ શર્મા આચાર્યજીને દૈવી યોજનાઓ જગતના દુઃખી અને માર્ગ ભૂલેલા લોકોને સાચો માર્ગ બતાવવા અને સાચા અર્થમાં સુખી કરવા મોકલ્યા. તેઓશ્રી આવ્યા ને પોતાનું યુગ કાર્ય એક દૃષ્ટિએ પૂર્ણ કરીને બીજી રીતે તે કાર્યને સંપૂર્ણ રીતે સફળ કરવા હિમાલયના સંપર્કમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા પણ ગયા હતા.
પોતાની ૪૦ વર્ષની ઉંમર સુધી પોતાના દિવ્ય ગુરુના આદેશ મુજબ કેવળ ઉગ્ર તપશ્ચર્યા જ તેઓ કરતાં રહ્યા. તેમની ૧૬ વર્ષની નાની ઉંમરમાં તેઓશ્રીને તેમના દિવ્ય ગુરુજીએ દર્શન દીધેલાં અને ગાયત્રી ઉપાસના કરવાનો આદેશ આપેલો. તેઓશ્રીની એ આજ્ઞા મુજબ પૂજ્ય આચાર્યજીએ સર્વ રસોનો ત્યાગ કરી કેવળ જવના લોટની ભાખરી અને કેવળ મોળી છાશ ઉપર રહીને સતત ૩૦ વર્ષ ગાયત્રી ઉપાસના કરેલી. એ ઉપાસનાકાળ દરમિયાન અનેક વાર તેઓશ્રીને તેમના દિવ્ય ગુરુજીનાં દર્શન થતાં ને તેમના તરફથી મળતી બધી જ આજ્ઞાઓનું પૂજ્ય આચાર્યજી પાલન કરતા. પૂજ્ય ગુરુજી ૬૦૦ વર્ષની ઉંમરના છે ને હિમાલય પ્રદેશમાં અજ્ઞાતરૂપે જ રહે છે. ગાયત્રી ઉપાસનાની સાથોસાથ એ દિવ્ય ગુરુએ પૂજ્ય આચાર્યજીને પ્રાચીન ભારતીય સમગ્ર વેદ સાહિત્યનું અનુશીલન અને પ્રકાશન કરવાની આજ્ઞા આપેલી તે મુજબ પૂજ્ય આચાર્યજીએ સમગ્ર વેદો, સર્વ ઉપનિષદો, સર્વ સ્મૃતિઓ, બ્રાહ્મણ-ગ્રંથો, ષટ્દર્શનનો, ઇતિહાસ ગ્રંથો, બધાં પુરાણો અને અનેક તંત્ર-ગ્રંથો વગેરેનો અભ્યાસ કર્યો ને એકલે હાથે એ સંપૂર્ણ સાહિત્યનાં હિન્દી ભાષામાં ભાષ્યો કર્યા. જીવનના થોડાં વર્ષોમાં એટલા સંપૂર્ણ ગ્રંથો કેવળ વાંચવા જ અતિ મુશ્કેલ ગણાય, એ સ્થિતિમાં ગ્રંથોનાં ભાષ્ય કરવાનું કાર્ય તો ખરેખર અલૌકિક જ ગણાય. તેઓશ્રીએ ચારે વેદો, ૧૦૮ ઉપનિષદો, બધી સ્મૃતિઓ, મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો, બધાં પુરાણો, ષટ્દર્શનો તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા ઇત્યાદિ ગ્રંથોને સરળ હિન્દીમાં ઉતારીને તે ગ્રંથોને બધા લોકો માટે સુલભ અને સુગમ બનાવી ભારતીય સંસ્કૃતિ પર મોટો ઉપકાર કર્યો છે.
પૂજ્ય આચાર્યજીના દિવ્ય ગુરુનું નામ શ્રી સર્વેશ્વરાનંદજી છે. પૂ. આચાર્યજીની ૧૬ વર્ષની નાની ઉંમરમાં જ્યારે તેઓશ્રીએ તેમને પ્રથમ વાર દર્શન આપ્યાં ત્યારની મનઃસ્થિતિનું વર્ણન પૂજ્ય આચાર્યજીએ સ્વમુખે કહ્યું છે.
“એક ઓરડામાં એક દિવસ હું ગાયત્રીજપ કરતો હતો ત્યાં એકાએક મારી આસપાસ બધે તેજ ફેલાઈ ગયું. એ અલૌકિક તેજને જોઈને હું ગભરાઈ ગયો, મને ડર લાગ્યો, તેથી મેં ઊઠીને બહાર દોડી જવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં મને સફળતા મળી નહિ. મારાં અંગો જકડાઈ જ ગયાં ન હોય તેવો મેં અનુભવ કર્યો. છેવટે બૂમ પાડીને કોઈને બોલાવી એ સ્થિતિમાંથી મુક્તિ મેળવવાના હેતુએ બૂમ પાડવા પ્રયત્ન કર્યો, પણ બૂમ જ પડાય નહિ. આવી સ્થિતિ થોડીવાર રહી. અંતે એ પ્રકાશપુંજમાં એક તેજસ્વી વૃદ્ધ પુરુષનાં દર્શન થયાં. આ પણ મારી ગભરામણમાં વધારો કરનાર જ દશ્ય હતું. પણ એ સૌમ્ય મૂર્તિએ મને ઉદેશીને કહ્યું ““ગભરાઈશ નહિ, હું તારો માર્ગદર્શક છું. તને તારા છેલ્લા ત્રણ ત્રણ જન્મોથી માર્ગદર્શન આપતો આવ્યો છું. તું એક દેવી કાર્યને માટે પેદા થયો છે ને એ કાર્ય તારે પૂરું કરવાનું છે. આ જન્મે પણ તને સદા મારું માર્ગદર્શન મળતું રહેશે. આંખો બંધ કર, હું તને બતાવું.’ એમ તેમના કહ્યા પછી આચાર્યજીએ આંખો બંધ કરતાં તેમને તેમના ત્રણ જન્મોનો ઇતિહાસ એક ચલચિત્રની જેમ દેખાડ્યો ને એ જન્મોની તપશ્ચર્યા વિષે પણ તેમની સ્મૃતિ તાજી થઈ. આમ દર્શન દઈને તથા ગાયત્રી ઉપાસનાનો બોધ આપીને એ દિવ્યમૂર્તિ અદશ્ય થઈ ગઈ અને પૂજ્ય આચાર્યજી તન, મન, ધનથી તે દિવ્ય પુરુષના સાચા શિષ્ય બની રહ્યા.
આ રીતે અનેક જન્મોથી જે મહાપુરુષ એક વિશિષ્ટ દૈવી કાર્ય માટે તપશ્ચર્યા કરી રહ્યા હતા તે મહાપુરૂષ આગ્રા નજીકના આંવલખેડા ગામમાં પં. રૂપરામ શર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણને ત્યાં જન્મેલા. તેઓશ્રીના પિતા ૫. રૂપરામ શર્મા એક સારા વિદ્વાન, ભાગવત કથાકાર, સંસ્કારી બ્રાહ્મણ અને વિદ્વાનોના મિત્ર હતા. સ્વ. પંડિત મોતીલાલ નહેર તથા વિખ્યાત પંડિત સ્વ. મદનમોહન માલવિયાજી તેમના મિત્રો હતા. પૂજ્ય આચાર્યજીને યજ્ઞોપવીત સંસ્કાર પંડિત મદનમોહન માલવિયાજીએ કરાવેલા. પંડિત રૂપરામ શર્મા એક બહુ મોટા જમીનદાર હતા. આમ પૂજ્ય આચાર્યજી એક શ્રીમંત અને સંસ્કારપૂર્ણ પરિવારમાં જન્મેલા.
૩૦ વર્ષની તપશ્ચર્યા (ગાયત્રી મંત્રના ૨૪ મહાપુરશ્ચરણો માટેનો સમય) દરમિયાન ભારતીય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને તેઓશ્રીએ અનેક રીતે ચકાસેલા અને તે પ્રમાણે જીવન જીવવાનો આગ્રહ રાખેલો. પોતે જીવનમાં જેનું આચરણ કર્યું ન હોય એવી કોઈ વાતનો ઉપદેશ તેઓએ કદી આપ્યો નથી. અર્થાત્ તેઓના ઉપદેશની વાતો તેમના જીવનમાં પ્રત્યક્ષ અનુભવોની ચાળણીએ ચળાઈને પ્રગટી છે. આચરણ કરીને બતાવે તેનું નામ આચાર્ય. આ દષ્ટિએ પણ પૂજ્ય આચાર્યજી સાચા આચાર્ય છે. અન્ય અનેક અર્થોમાં તેઓનું આ નામ સાર્થક છે. ગૃહસ્થાશ્રમમાં રહીને ભારતીય તત્ત્વવિદ્યાના સિદ્ધાંતો અનુસાર જીવન જીવી કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ જીવનનો આનંદ અને સ્વર્ગીય સુખ પ્રાપ્ત કરી શકે છે એમ તેઓ માનતા. એ વાતનો દાખલો બેસાડવા તેઓશ્રી સંપૂર્ણ ત્યાગી અને સંયમી રહેવા છતાં – મહાન સંત અને યોગી હોવા છતાં, સંન્યાસી કે સાધુ સંતો જેવો વેશ તેમણે ધારણ કરેલો નહિ કે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરેલો નહિ અને સર્વ રીતે સામાન્ય ગૃહસ્થોના જેવો જ રહેવાનો આગ્રહ રાખેલો. સંપૂર્ણ ખાદીનાં ભારતીય કપડાં ને કેનવાસનાં પગરખાં તેમનો નિત્યનો પોશાક હતો. અન્ય લોકોને તેઓ પોતાનાથી જુદા છે એમ ન લાગે માટે કપાળમાં ચંદન કે ચાંલ્લો વગેરે જેવા સાધુતાનાં બાહ્ય ચિહ્નો તેમણે સદાયે દૂર રાખેલાં.
અનેક દિવ્ય સિદ્ધિઓને પ્રાપ્ત કરેલા મહાત્માઓના જીવન વિષે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ, પરંતુ આ મહાપુરુષ એવી અનેક અકથ્ય અને અલૌકિક સિદ્ધિઓ અને યોગ્યતાઓથી પરિપૂર્ણ હોવા છતાં તદ્દન સાદા અને નિરાભિમાની ગૃહસ્થ તરીકે રહેલા. યોગી, યતિ, મહાત્મા કે મહાપુરુષ હોવાનો દાવો તેમના તરફથી કદી થયેલો નહિ.
ભારતીય તત્ત્વવિદ્યાનું મનન, ચિંતન ને નિદિધ્યાસન કર્યા પછી તેઓશ્રીની દૃઢ માન્યતા હતી કે એ વિદ્યાના સિદ્ધાંતો જ વિશ્વને સાચી સુખશાંતિ આપી શકે એમ છે અને એ સિદ્ધાંતો દ્વારા જ વિશ્વમાં એક આદર્શ યુગનું-સ્વર્ગનું નિર્માણ કરી શકાય એમ છે. ભારતીય તત્ત્વવિદ્યાના સિદ્ધાંતોનું જે વિકૃત સ્વરૂપ આજે જોવા મળે છે તેને સાચા સ્વરૂપમાં મૂકવા માટે અને લોકોના મગજમાંથી અજ્ઞાનજન્ય ભ્રમો દૂર કરવા માટે તેઓશ્રીએ અથાક પ્રયત્નો કર્યા છે. આજના જીવનને ધ્યાનમાં રાખીને આજના અજ્ઞાનજન્ય જનમાનસને ગળે ઊતરે એ રીતે નવીન ને શુદ્ધ સ્વરૂપમાં ભારતીય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને તેમણે સ્પષ્ટ કર્યા છે. આ દિશામાં તેઓશ્રીના પ્રયત્નો વિશેષ મહત્ત્વપૂર્ણ કહી શકાય.
જીવનમાં ત્યાગ અને પ્રેમ એમના જીવનના મહાન સિદ્ધાંતો હતા. આ બંને આદર્શો અને ભાવનાઓને તેઓશ્રીએ એ રીતે જીવનમાં ઉતાર્યા હતા કે ત્યાગ અને પ્રેમના તો તેમને અવતાર જ કહી શકાય. કોઈ પણ જાણીતી કે અજાણી વ્યક્તિ તેમના સંપર્કમાં આવતાં તેમનાથી આકર્ષિત થયા વિના રહી શકી નથી. તેઓશ્રીનું અંતર અત્યંત કરુણાર્દ છે. મહાપુરુષોની સાચી ઓળખ તો તેમના અંતરના વૈભવમાં જ રહેલી છે. કોઈનું પણ દુઃખ જોઈને તેઓ અતિશય કરુણાર્દ બની જાય ને તન, મન અને ધનથી તેનું દુઃખ દૂર કરવાનો તેઓ પ્રયત્ન કરે છે. આ રીતે લાખો માણસોને તેઓએ પોતાની અલૌકિક શક્તિઓ દ્વારા અનેક પ્રકારનાં કષ્ટો દૂર કરવામાં મદદ કરેલી અને આજે લાખો માણસો એવા છે કે જેઓ તેઓશ્રીના આજીવન ઋણી છે.
તેઓશ્રીના ત્યાગની બાબતમાં પણ એમ જ હતું. લાખોની પૈતૃકસંપત્તિ કેવળ લોકોપયોગી કાર્યોમાં ને યુગનિર્માણ પ્રવૃત્તિની પાછળ તેઓએ અર્પી દીધેલી. પોતાના પુસ્તકોના અધિકારો પણ વ્યક્તિગત ઉપયોગ માટે તેમણે રાખેલા નહિ. તેમના અંગત ઘરેણાં પણ આ રીતે જ અર્પી દીધેલાં. હિમાલય જતા પહેલાં તેઓશ્રીએ પોતાની ગણાતી સમગ્ર મિલકતનું જાહેર વિલ કર્યું હતું. તે અંગેનો તેઓશ્રીનો લેખ વાંચતા આ અંગે કદી કોઈ પણ મહાપુરુષે વિચાર્યું પણ ન હોય એવો તેમનો અભૂતપૂર્વ ત્યાગ જોઈ-જાણી શકાય છે. જનસંપર્કથી દૂર હિમાલય-નિવાસ પણ તેઓએ કેવળ વિશ્વકલ્યાણની ભાવનાથી જ અને ગુરુઆજ્ઞાથી અપનાવ્યો.
પૂજ્ય આચાર્યજીના જીવનના અનેક આકર્ષણો છે. તેઓ અનેક અલૌકિક અનેક અકલ્પ્ય સિદ્ધિઓને વરેલા સિદ્ધ તપસ્વી અને જ્ઞાની છે. તેઓ વિચારક હતા ને એ બધા કરતાં પણ વિશેષ આકર્ષક તો તેમનું એક માતા સરખું પ્રેમાળ ને કરુણાપૂર્ણ હૃદય છે. અન્ય કંઈ પણ કદાચ એમની પાસે ન હોય તો પણ એમની આ દૈવી સંપત્તિ-પ્રેમ છલોછલ હૃદય-તેમની મહાનતાને સિદ્ધ કરવા અને કોઈને પણ પોતાનું બનાવવા માટે પૂરતી હતી. એમની પાસે માતાની મમતા છે, પિતાનો મમતાભર્યો આગ્રહ છે અને એ દુર્લભ સંપત્તિથી જ તેઓ એક વિશાળ પરિવારના પરિજનોને સ્વેચ્છાએ વશ કરી શક્યા છે.
કેવળ વિશ્વકલ્યાણની ભાવના જેમની નસેનસમાં ઊભરાતી, એવા આ મહાન પુરુષનો મત છે કે વિશ્વના મોટા ભાગનાં દુઃખોનું મુખ્ય કારણ બુદ્ધિનો અભાવ છે. ગાયત્રી ઉપાસનાનું સમર્થન કરતાં તેઓશ્રી કહે છે કે ગાયત્રી મંત્ર એ સદ્દબુદ્ધિ માટેની ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના છે. ગાયત્રી મંત્ર નાનો છે છતાં તેના ૨૪ અક્ષરોના ભાષ્યરૂપે જ સર્વ વેદો, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત અને અન્ય અનેક આર્ષગ્રંથોની રચના થઈ છે. કોઈ પણ આર્ષગ્રંથ એવો નથી, જેણે ગાયત્રી મંત્રનું ભાષ્ય ન કર્યું હોય, કોઈ પણ મહાપુરુષ એવો નથી જેણે ગાયત્રી મંત્ર અંગે વિચાર્યું ન હોય. તે મંત્રના અક્ષરે અક્ષરમાં જીવનને ધન્ય બનાવે એવો ઉપદેશ અને શક્તિઓ ભર્યા છે. ગાયત્રી વેદોની માતા છે અને ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય તત્ત્વવિદ્યાનો સાર છે. આ માટે આજના યુગના લોકોને ગાયત્રીમંત્ર દ્વારા ઈશ્વરોપાસનાની ખાસ જરૂર છે. ભારતીય સંસ્કૃતિના પ્રાણરૂપ ગાયત્રી મંત્ર ઉપરાંત, ભારતીય તત્ત્વજ્ઞાનની યજ્ઞ ભાવનાને પણ તેઓ મહત્ત્વપૂર્ણ ગણતા. ગાયત્રી માતા છે તો યજ્ઞ પિતા છે. આથી તેઓ ગાયત્રીયજ્ઞો કરવાની અને યજ્ઞની ઉદાત્ત ભાવના કેળવવાની જરૂરિયાત પર પુષ્કળ ભાર મૂકે છે.
વિશ્વમાં એક નવા આદર્શ યુગનું નિર્માણ થાય, એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ હેતુથી પૂજ્યશ્રીએ એક આદર્શ ““યુગ નિર્માણ યોજના” તૈયાર કરેલી છે. વર્ષો સુધી એ મહાન યોજનાનો પ્રચાર અને પ્રસાર તેઓ કરતા રહ્યા. તેઓશ્રીના એ પ્રયત્નોના પરિણામે આ દેશમાં ને અન્યત્ર ગાયત્રી પરિવાર શાખાઓ અને યુગ નિર્માણ પરિવાર શાખાઓ સ્થપાયી છે. આ દેશમાં ને વિદેશોમાં પૂજ્ય આચાર્યજીના ૫૦ લાખથી વિશેષ સંખ્યામાં શિષ્યો છે. આ બધા શિષ્યોને તેઓ “અખંડ જ્યોતિ” તથા ““યુગ નિર્માણ યોજના” નામનાં બે માસિકો દ્વારા નિયમિત માર્ગદર્શન આપતા. યુગ નિર્માણ યોજનાના અનુસંધાનમાં તેઓશ્રીએ સામાન્યમાં સામાન્ય માણસો ઉચ્ચ જીવનને લગતા સિદ્ધાંતોને સમજી શકે એ માટે ત્રણસોથી વધુ સંખ્યામાં નાની પુસ્તિકાઓ તૈયાર કરી છે. આ પુસ્તિકાઓમાં વિધવાવિવાહ, બાળલગ્ન, મૃત્યુ પાછળના ખોટા ખર્ચા, આદર્શ સંસ્કાર, પદ્ધતિઓ, આદર્શ બાળઉછેર, બાળકેળવણી, અનાજનો પ્રશ્ન, સંતતિ નિયમનનો પ્રશ્ન, આર્થિક મુશ્કેલીઓનો પ્રશ્ન, દેવદર્શન ને તીર્થયાત્રા વગેરે જેવા વિષયોમાં અંધ માન્યતાઓ, ખોટા રીતરિવાજ, જ્યોતિષ વગેરેની ઘેલછા, હરિજનોદ્ધાર, સ્ત્રીઓની ઉન્નતિ વગેરે સંખ્યાબંધ વિષયો પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા છે, તે કોઈ પણ વિચારવંત માણસને આકર્ષ્યા વિના રહેતા નથી. ગાયત્રી પરિવારના પરિજનોને માટે નિત્ય પઠનીય અને મનનીય એવી એક સંહિતા તેઓશ્રીએ તૈયાર કરેલી, એનું નામ યુગનિર્માણ સત્સંકલ્પ છે. આ સત્સંકલ્પ દરેક પરિજને નિત્ય નજર સમક્ષ રાખવાનો છે. આ આખો સત્સંકલ્પ મિશનના આદર્શોનો સાર છે. તેમાં જીવન ઘડતર માટેના ઉચ્ચ આદર્શોના આદર્શો છે, જે કોઈ પણ મનુષ્યને માટે જીવન સાફલ્યની ચાવીરૂપ ગણી શકાય એવા છે. એમાં ત્યાગ, પ્રેમ, કર્તવ્યપરાયણતા, પરમાર્થ, ચારિત્ર્ય, સ્વાધ્યાય ઇત્યાદિ અનેક ઉચ્ચ ગુણોનો આગ્રહ રાખવાનો ઉપદેશ છે.
પૂજ્ય આચાર્યજીના યુગનિર્માણને લગતા અનેક પ્રયત્નોમાં આપણા ઉત્સવો, તહેવારો વગેરે ઊજવવાની આદર્શ અને વિચારપ્રેરક એવી નવી પ્રણાલી વિશેષ ધ્યાન ખેંચે એવી છે. પરિજનોને શિવરાત્રિ, નવરાત્રિ, દશેરા, દીવાળી, જન્માષ્ટમી ઇત્યાદિ ઉત્સવો વિશિષ્ટ અને જીવનમાં પ્રેરક બની રહે એ રીતે ઊજવવાની યોજના અને આજ્ઞા વિશેષરૂપે વિચારવા જેવી છે. વસંતપંચમીનો ઉત્સવ ખાસ પદ્ધતિએ ઊજવવાનો તેમનો આદેશ છે. ને આ ઉત્સવ ગાયત્રી-પરિવાર માટે સંગઠન, સ્નેહ અને સેવાનો પ્રેરક મહાન ઉત્સવ ગણાય છે. દરેક વ્યક્તિએ પોતે જીવનમાં કંઈક કરવું જોઈએ ને નિરર્થક ભારરૂપ જીવન જીવીને કેવળ વર્ષો પર વર્ષો ગોઠવ્યાં નથી એવું એને વારંવાર મરણ થતું રહે તે માટે દરેક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ વિશિષ્ટ પ્રેરક રીતે ઊજવવો જોઈએ એવો પૂજ્ય આચાર્યજીનો આદેશ છે. આ માટે એક સુંદર પદ્ધતિ તેઓશ્રીએ પ્રચારમાં આપી છે.
પૂજ્ય આચાર્યજીની યુગ નિર્માણને લગતી બધી જ પ્રવૃત્તિઓનું સંચાલન યુગનિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, વૃંદાવન રોડ, મથુરાથી થાય છે. તેમનું બધું સાહિત્ય હિન્દી ભાષામાં છે. તે સમસ્ત સાહિત્યને સર્વત્ર સર્વસુલભ અને સુગમ બનાવવા ભારતની બધી જ ભાષાઓમાં તથા વિશ્વની મુખ્ય ભાષાઓમાં તેનું ભાષાંતર કરાવવાની એક મોટી યોજના થઈ છે. ગુજરાતી ભાષામાં પણ હવે એ સાહિત્ય સુલભ બન્યું છે.
ગાયત્રી મહાવિદ્યાને લગતું તમામ સાહિત્ય તેઓશ્રીએ અનેક પ્રયત્નો દ્વારા પ્રકાશમાં આપ્યું અને એ વિષયમાં પ્રવર્તતા અનેક ભ્રામક ખ્યાલોને તેમણે દૂર કર્યા. આ વિદ્યા અંગે લગભગ તમામ બાબતો તેઓશ્રીના પ્રયત્નોને પરિણામે સમાજને માટે અસુલભ રહી નથી. પુસ્તકો અને લેખો દ્વારા તેઓશ્રીએ ગાયત્રી યજ્ઞ વિજ્ઞાનનું વિશદ્ વિવેચન કર્યું અને યજ્ઞોની ઉપયોગિતા અને મહત્તા પર પ્રકાશ પાડ્યો છે. ગાયત્રી-મહાવિજ્ઞાન નામના શરૂઆતના તેમના ત્રણ દળદાર ગ્રંથો દ્વારા આખા દેશમાં તેઓ છેલ્લાં ૨૦ વર્ષ પહેલાંથી જાણીતા થયેલા.
સમાજના ઉત્થાનને માટે, યુગનિર્માણ યોજના અંગેના પ્રયત્નોમાં અનેક પદ્ધતિઓ તેઓએ અપનાવેલી. પોતાના પ્રાણવાન સાહિત્ય દ્વારા, વર્ષોવર્ષ નિયમિત ચલાવવામાં આવતી અધ્યાત્મ શિક્ષણ શિબિરો દ્વારા, રેકર્ડો દ્વારા, ભાષણો દ્વારા, હિમાલય જતા પહેલાંના તેઓશ્રીના છેલ્લાં થોડાં વર્ષોમાં દેશભરમાં પોતાની એ પ્રવૃત્તિથી કરોડો માણસોને તેમણે વાકેફ કરેલા, આકર્ષેલા ને તેમને પ્રકાશ આપેલો.
ગાયત્રી તપોભૂમિ, મથુરામાં એક આદર્શ વિદ્યાલય પણ પૂજ્ય આચાર્યજીના પ્રયત્નોના પરિણામે ચાલે છે. આ વિદ્યાલયમાં ૧૫-૧૬ વર્ષની ઉંમરનાં બાળકોને એક વર્ષની તાલીમ આપવામાં આવે છે. તેમાં તેમને ચારિત્ર્ય ઘડતર તથા જીવનોપયોગી કળાઓની તાલીમ આપવામાં આવે છે. અહીં તાલીમ લેતા વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપી તેની સ્વાભાવિક શક્તિઓ ખીલે એવા સભાન પ્રયત્નો થાય છે. નાના નાના ઉદ્યોગોમાં પ્રેસનું કામ, સાબુ, મીણબત્તી જેવા ઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે. અહીં એક વર્ષ તાલીમ મેળવીને આવેલું બાળક અન્ય બાળકોની સરખામણીએ અનેક રીતે જુદી વિશેષતાઓવાળું દેખાય છે. સંસ્કારિતા, નિયમિતતા, કર્તવ્ય પ્રત્યે સભાનતા, નમ્રતા જેવા ગુણો તેનામાં અચૂક જોવા મળે છે.
પૂજ્ય આચાર્યજીના નામે દેશમાંથી અને દુનિયામાંથી રોજ ૧૦૦-૨૦૦ પત્રો તો હોય જ. એ બધાના નિયમિત ઉત્તરો પણ વળતી ટપાલે લોકોને મળતા. બે ત્રણ કુટુંબીજનોને કાર્યાલયની મદદથી અનેકાનેક કામોની વચ્ચે પણ આ જવાબો આપવાનું કામ અત્યંત ઝડપથી થતું. કદી કોઈને પોતાના પત્રના ઉત્તરની રાહ જોવી પડેલી નહિ. તેઓશ્રીનાં ધર્મપત્ની પૂ. ભગવતી દેવી (માતાજી) તેઓશ્રીની જેમ જ પરિજનોને મમતાપૂર્વક સર્વ રીતે માર્ગદર્શન પૂરું પાડે છે.
આવી વિવિધ પ્રવૃત્તિઓના ધામ સમી આ ગાયત્રી તપોભૂમિ (મથુરા) એક આંતરરાષ્ટ્રિય તીર્થ જેવી બની છે. આ તપોભૂમિની સ્થાપના પણ પૂજ્ય આચાર્યજીના ગુરુદેવના આદેશથી થયેલી. આ ભૂમિ પણ અત્યંત પ્રેરક અને પવિત્ર છે. અનેક પ્રાચીન ઋષિ-મુનિઓએ આ સ્થળે તપ કરેલું અને તેઓની દિવ્ય ચેતના આ સ્થળે લોકોને પ્રેરણા ને ઉત્સાહ આર્પે છે. અહીં એક ગાયત્રી મંદિર બનેલું છે ને નિત્ય અખંડ અગ્નિમાં અહીં નિયમિત ગાયત્રી હવન થાય છે. એ યજ્ઞના પ્રભાવથી અહીંનું વાતાવરણ સદૈવ પ્રેરક અને પવિત્ર લાગે છે.
પોતાનું યુગકાર્ય પૂજ્ય આચાર્યજીએ તેમના દિવ્ય ગુરુના આદેશાનુસાર કરેલું. જ્યારે એ દિવ્ય મહાત્માએ તેઓશ્રીને જે જે આજ્ઞાઓ કરેલી તેનું અક્ષરશ: પાલન તેઓશ્રીએ કરેલું ને ગુરુભક્તિનો જીવંત આદર્શ પૂરો પાડેલ છે.
પૂજ્ય આચાર્યજી પૂજ્ય માતાજી દ્વારા બેવડા સામર્થ્યથી અને તપશ્ચર્યાને વિશેષ પ્રભાવથી અદશ્ય પ્રેરણા દ્વારા યુગનિર્માણની ઈશ્વરીય યોજનાના સાફલ્ય માટે પ્રયત્નશીલ છે. એ મહાન મિશનની ધુરા હવે પૂજ્ય માતાજીએ ધારણ કરેલી છે. શાંતિકુંજ, હરીદ્વારની પોતાની તપોભૂમિમાં રહી પૂજ્ય માતાજી એ સર્વ પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યાં છે.
તેઓશ્રીનું મિશન સફળ થવાનું જ છે, એક આદર્શ યુગનું નિર્માણ અનિવાર્ય રીતે થવાનું છે, એ દેવેચ્છા સફળ થવાની જ છે. ભારત પાછું પોતાની આધ્યાત્મ વિદ્યાના બળે વિશ્વનું માર્ગદર્શન કરી શકે એવી સ્થિતિ નિશ્ચિત રીતે ઉત્પન્ન થવાની જ છે. વિશ્વના વિચાર-પ્રવાહો સૂક્ષ્મ રીતે એ દિશામાં રહ્યા છે. એ સત્ય સૂક્ષ્મ રીતે અવલોકન કરનારના ધ્યાનમાં આવ્યા વિના રહે એવું નથી. પૂજ્ય આચાર્યજીની એવી દઢ શ્રદ્ધા સફળ થવાની જ. તે માટે લોકો એ દેવેચ્છાની સફળતામાં નિમિત્ત રૂપ બને તો તેમાં અંતે યશ જ પ્રાપ્ત થવાનો છે.
પ્રતિભાવો