૧. વેદમાતા ગાયત્રીની ઉત્પત્તિ, ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧
February 26, 2021 Leave a comment
વેદમાતા ગાયત્રીની ઉત્પત્તિ,
વેદનો અર્થ છે જ્ઞાન. જ્ઞાનના ચાર વિભાગ છે ઋક, યજુ:, સામ અને અથર્વ કલ્યાણ, પ્રભુપ્રાપ્તિ, ઈશ્વરદર્શન, દિવ્યત્વ, આત્મશાંતિ, બ્રહ્મનિર્માણ, ધર્મભાવના, કર્તવ્યપાલન, પ્રેમ, તપ, દયા, ઉપકાર, ઉદારતા, સેવા આદિનો ‘ઋક’ માં સમાવેશ થાય છે. પરાક્રમ, પુરુષાર્થ, સાહસ, વીરતા, રક્ષણ, આક્રમણ, નેતૃત્વ, યશ, વિજય, પદ, પ્રતિષ્ઠા એ બધાં યજુ:’માં આવે છે. મનોરંજન, સંગીત, કલા, સાહિત્ય, સ્પેર્શેન્દ્રિયોના સ્થુલ ભોગોનું ચિંતન, પ્રિય, કલ્પના, રમતો, ગતિશીલતા, રુચિ, તૃપ્તિ આદિને “સામ’માં સ્થાન આપવામાં આવ્યું છે. ધન, વૈભવ, વસ્તુઓનો સંગ્રહ, શાસ્ત્ર, ઔષધિ, અન્ન, વસ્ત્ર, ધાતુ, ગૃહ, વાહન આદિ સુખસાધનોની સામગ્રીઓ એ અથર્વ’ના પ્રદેશમાં આવે છે.
કોઈ પણ જીવતા પ્રાણીને લો, એની સૂક્ષ્મ અને સ્થુલ, બહારની અને અંદરની ક્રિયાઓ અને કલ્પનાઓનું ગંભીર અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરો, તો તમને જણાશે કે આ ચાર ક્ષેત્રોમાં જ એની સમસ્ત ચેતના પરિભ્રમણ કરી રહી છે (૧) ઋક-કલ્યાણ (૨) યજુ: પૌરુષ (૩) સામ-ક્રીડા (૪) અથર્વ અર્થ, આ ચાર દિશાઓ સિવાય પ્રાણીઓની જ્ઞાનધારા બીજે ક્યાંય પ્રવાહિત થતી નથી. ઋકને ધર્મ, યજુ:ને મોક્ષ, સામને કામ અને અથર્વને અર્થ પણ કહેવામાં આવે છે. એ જ બ્રહ્માજીનાં ચાર મુખો છે. બ્રહ્માને ચતુમુર્ખ એટલા માટે કહે છે કે, એ એક મુખ હોવા છતાં પણ ચાર પ્રકારની જ્ઞાનધારાનું નિષ્ક્રમણ કરે છે. વેદ શબ્દનો અર્થ છે “જ્ઞાન.’ એ રીતે તે એક જ છે, પરંતુ એક હોવા છતાં પણ પ્રાણીઓના અંત:કરણમાં તે ચાર પ્રકારે જોવામાં આવે છે. એ માટે એક વેદને સગવડ ખાતર ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓ પણ એ જ છે. આ ચાર વિભાગોને ક્રમ પ્રમાણે સમજાવવા ચાર આશ્રમો અને ચાર વર્ણોની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળક ક્રીડાવસ્થામાં, તરુણ અર્થાવસ્થામાં, વાનપ્રસ્થ પૌરુષાવસ્થામાં અને સંન્યાસી કલ્યાણવસ્થામાં રહે છે. બ્રાહ્મણ ઋક છે, ક્ષત્રિય યજુ: છે, વૈશ્ય અથર્વ છે, શૂદ્ર સામ છે. આ પ્રકારે વેદના ચાર ભાગ પાડવામાં આવ્યા છે.
આ ચારે પ્રકારનું જ્ઞાન એક જ ચૈતન્ય શક્તિનું પ્રસ્તુરણ છે. એને સૃષ્ટિના આરંભમાં જ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી હતી અને એને જ શાસ્ત્રકારોએ ગાયત્રી એવું નામ આપ્યું છે. આ પ્રમાણે ચાર વેદોની માતા ગાયત્રી થઈ. તેથી એને વેદમાતા પણ કહેવામાં આવે છે. જેમ જલતત્ત્વ બરફ, વરાળ, (વાદળ, ઝાકળ આદિ) વાયુ (હાઇડ્રોજન, ઑકિસજન) તથા પાતળા પાણીના રૂપમાં, એમ ચાર રૂપોમાં જોવામાં આવે છે, જેમ અગ્નિતત્ત્વ જ્વાલા, ગરમી, પ્રકાશ તથા ગતિના રૂપમાં જોવામાં આવે છે, એ જ પ્રકારે એક “જ્ઞાન ગાયત્રી’ના ચાર વેદોનાં ચાર રૂપોમાં દર્શન કરવામાં આવે છે. ચાર વેદો તો ગાયત્રી માતાના ચાર પુત્રો છે.
આ તો થયું સૂક્ષ્મ ગાયત્રીનું, સૂક્ષ્મ વેદમાતાનું સ્વરૂપ. હવે તેના સ્થૂલ રૂપનો વિચાર કરીશું. બ્રહ્માએ ચાર વેદોની રચના કરતા પહેલાં ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી. એ એક મંત્રના એક એક અક્ષરમાં એવાં સૂક્ષ્મ તત્ત્વો સમાવવામાં આવ્યાં, જેમના પલ્લવિત થયા પછી ચાર વેદોની શાખા, પ્રશાખાઓ તથા શ્રુતિઓ ઉત્પન્ન થઈ. એક વડના બીજના ગર્ભમાં વડનું મહાન વૃક્ષ છુપાયેલું હોય છે. જ્યારે એ બીજ રોપના રૂપમાં ઊગે છે, વૃક્ષના રૂપમાં મોટું થાય છે, ત્યારે એ અસંખ્ય ડાળીઓ, પાંદડાં, ફળ, ફૂલ આદિથી લદાઈ જાય છે. એ બધાનો એટલો મોટો વિસ્તાર થાય છે કે એ વિશાળ વૃક્ષ વડબીજના કરતાં કરોડો, અબજો ગણું મોટું થાય છે. ગાયત્રીના ૨૪ અક્ષરો પણ એવું જ બીજ છે, જે પ્રફુટિત થઈને વેદોના મહા વિસ્તારના રૂપમાં પ્રગટ થયું
વ્યાકરણશાસ્ત્રનો ઉદ્દગમ શંકરજીના એ ચૌદ સૂત્રો છે, જે એમના ડમરૂમાંથી નીકળ્યાં હતાં. એક વાર મહાદેવજીએ આનંદમગ્ન થઈને પોતાનું પ્રિય વાદ્ય ડમરૂ વગાડ્યું. એ ડમરૂમાંથી ચૌદ ધ્વનિ નીકળ્યા. એ (અઈઉણ, ઋલૃક એઓડ્ ઐઔચ, હથવરટ, લણ વગેરે) ચૌદ સૂત્રોને આધારે પણિનિ મુનિએ મહાવ્યાકરણ રચ્યું. એ રચના થયા પછી એની વ્યાખ્યાઓ થતાં આજે એટલું મોટું વ્યાકરણ શાસ્ત્ર તૈયાર થયું છે, જેનું એક મોટું સંગ્રહાલય બની શકે. ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાંથી આ રીતે વૈદિક સાહિત્યનાં અંગ ઉપાંગોનો જન્મ થયો છે. ગાયત્રી સૂત્ર છે, તો વૈદિક ઋચાઓ એની વિસ્તૃત વ્યાખ્યાઓ છે.
બ્રહ્માની સ્ફુરણાથી ગાયત્રીનો આવિર્ભાવ અનાદિ પરમાત્મા તત્તે બ્રહ્મા દ્વારા આ સર્વ કંઈ ઉત્પન્ન કર્યું. સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો વિચાર થતાં જ બ્રહ્માના ચિત્તમાં એક સ્ફુણા થઈ જેનું નામ છે શક્તિ. શક્તિમાંથી બે પ્રકારની સૃષ્ટિ થઈ, એક જડ અને બીજી ચેતન. જડ સૃષ્ટિનું સંચાલન કરનારી શક્તિ તે પ્રકૃતિ અને ચૈતન્ય શક્તિને ઉત્પન્ન કરનારી શક્તિનું નામ સાવિત્રી છે.
પુરાણોમાં વર્ણન મળે છે કે સૃષ્ટિના આદિકાળમાં ભગવાનની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળના પુષ્પમાંથી બ્રહ્મા થયા, બ્રહ્માથી સાવિત્રી થઈ, સાવિત્રી અને બ્રહ્માના સંયોગથી ચાર વેદો ઉત્પન્ન થયા. ત્યાર પછી બ્રહ્માજીએ પંચભૌતિક સૃષ્ટિનું નિર્માણ કર્યું. આ અલંકારિક કથાનું રહસ્ય એ છે કે, નિર્લિપ્ત, નિર્વિકલ્પ પરમાત્મ તત્ત્વની નાભિમાંથી, કેન્દ્રભૂમિ માંથી, અંતઃકરણમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે પુષ્પની માફક ખીલી ઊઠ્યું. શ્રુતિએ કહ્યું કે સૃષ્ટિના આરંભમાં પરમાત્માની ઇચ્છા થઈ કે “એકોડહં બહુસ્યામિ, હું એકમાંથી અનેક થાઉં.’ એ એમની ઇચ્છા, સ્ફુરણા, નાભિપ્રદેશમાંથી નીકળીને સ્ફટિત થઈ અર્થાત કમળની લતા ઉત્પન્ન થઈ અને એની કળી ખીલી ઊઠી.
એ કમળ પુષ્પ પર બ્રહ્મા ઉત્પન્ન થાય છે. એ બ્રહ્મા સૃષ્ટિ નિર્માણની ત્રિવેદ શક્તિનો પ્રથમ અંશ છે. આગળ ચાલતાં તે ત્રિવેદ શક્તિ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું કાર્ય કરતી બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં રૂપોમાં દષ્ટિગોચર થઈ. આરંભમાં કમળ પુષ્પ પર કેવળ બ્રહ્માજી જ પ્રગટ થયા, કેમ કે સર્વ પ્રથમ તો ઉત્પન્ન કરનારી શક્તિની જરૂર હતી.
આ પછી બ્રહ્માજીના કાર્યનો આરંભ થયો, એમણે બે પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. એક ચૈતન્ય, બીજી જડ. ચૈતન્ય સૃષ્ટિની અંદર બધા જીવોનો સમાવેશ થાય છે. એ જીવોમાં ઇચ્છા, અનુભૂતિ, અહંભાવને જોવા મળે છે. ચૈતન્યની એક સ્વતંત્ર સૃષ્ટિ છે જેને વિશ્વનો “પ્રાણમયકોષ” કહેવામાં આવે છે. અખિલ વિશ્વમાં એક ચૈતન્ય તત્ત્વ ભરેલું છે જેને “પ્રાણ” તરીકે ઓળખવામાં આવે છે. વિચાર, સંકલ્પ, ભાવ એ આ પ્રાણતત્ત્વના ત્રણ વર્ગ છે અને સત્ત્વ, રજસ, તમસ એ એના ત્રણ વર્ણ છે. એ તત્ત્વો વડે જ આત્માઓનાં સૂક્ષ્મ, કારણ અને સ્થૂળ શરીરો બને છે. સર્વ પ્રકારનાં પ્રાણી આ પ્રાણ તત્ત્વમાંથી ચૈતન્ય તેમજ જીવનસત્તા પ્રાપ્ત કરે છે.
જડ સૃષ્ટિના સર્જન માટે બ્રહ્માજીએ પંચભૂતોનું નિર્માણ કર્યું. પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ દ્વારા વિશ્વના બધા પરમાણુમય પદાર્થો બન્યા. ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ રૂપોમાં પ્રકૃતિના પરમાણુ પોતાની ગતિવિધિ ચાલુ રાખે છે. નદીઓ, પર્વતો, ધાતુઓ અને ધરતી આદિનો સર્વ વિસ્તાર આ પંચભૌતિક પરમાણુઓનો ખેલ છે. પ્રાણીઓનાં સ્થૂળ શરીર પણ આ પ્રકૃતિજન્ય પંચતત્ત્વોનાં બનેલાં હોય છે.
ક્રિયા બંને સૃષ્ટિમાં છે. પ્રાણમય ચૈતન્ય સૃષ્ટિમાં અહંભાવ, સંકલ્પ અને પ્રેરણાની ગતિવિધિ અનેક રૂપોમાં જોવામાં આવે છે, ભૂતમય જડ સૃષ્ટિમાં શક્તિ, હલનચલન અને સત્તાએ ત્રણ આધારો દ્વારા વિવિધ પ્રકારના રૂપરંગ, આકાર પ્રકાર વગેરે બનતા અને નષ્ટ થતા રહે છે. જડ સૃષ્ટિનો આધાર પરમાણુ અને ચૈતન્ય સૃષ્ટિનો આધાર સંકલ્પ છે. બંને આધારો અત્યંત સૂક્ષ્મ અને અત્યંત બળવાન છે. એમનો નાશ થતો નથી, પણ કેવળ રૂપાંતર થતું રહે છે.
જડ-ચેતન સૃષ્ટિના નિર્માણકાર્યમાં બ્રહ્માની બે શક્તિઓ કામ કરી રહી છે. (૧) સંકલ્પશક્તિ અને (૨) પરમાણુશક્તિ. એ બેમાં પ્રથમ સંકલ્પ શક્તિની આવશ્યકતા જણાઈ. કેમ કે એના વિના ચૈતન્ય આવિર્ભાવ નથી પામતું અને ચૈતન્યના પરમાણુઓનો ઉપયોગ કોને માટે થાય ? અચેતન સૃષ્ટિ તો પોતે અંધકારમય હતી. કેમ કે ન તો એનું કોઈને જ્ઞાન હતું કે ન એનો કોઈને ઉપયોગ હતો. ચૈતન્યના પ્રગટીકરણની સગવડ માટે, એની સાધનસામગ્રીના રૂપમાં “જડ”નો ઉપયોગ થાય છે. આમ શરૂઆતમાં બ્રહ્માજીએ ચૈતન્ય બનાવ્યું. જ્ઞાનના સંકલ્પનો આવિષ્કાર કર્યો. પૌરાણિક ભાષામાં એમ કહી શકીએ કે સર્વ પ્રથમ વેદોનું ઉદ્ઘાટન થયું.
પુરાણોમાં વર્ણન છે કે, બ્રહ્માના શરીરમાંથી એક સર્વાંગસુંદર તરુણી ઉત્પન્ન થઈ. એ તરુણીની સહાયથી એમણે પોતાનું સૃષ્ટિ નિર્માણનું કામ જાળવી રાખ્યું. ત્યાર બાદ એ એકલી તરુણીને જોઈને એમનું મન વિચલિત થઈ ગયું અને એમણે એને પત્ની માનીને એની સાથે રમણ કર્યું. એ મૈથુનમાંથી મૈથુની સંયોજક પરમાણુમય પંચભૌતિક સૃષ્ટિ નિર્માણ થઈ. આ કથાના અલંકારિક રૂપના રહસ્યને ન સમજવાથી કેટલીક વ્યક્તિઓ એના તરફ ઊંધી અને અશ્રદ્ધાની નજરે જુએ છે. તેઓ ભૂલી જાય છે કે બ્રહ્મા કોઈ પુરુષ નથી અને એમનાથી ઉત્પન્ન થયેલ શક્તિ પુત્રી યા તો સ્ત્રી નથી. કોઈ પુરુષ કે સ્ત્રીની માફક એમની વચ્ચે કોઈ સમાગમ પણ નથી થતો. આ તો સૃષ્ટિ નિર્માણ કાળના એક તથ્યને ગૂઢ રૂપમાં અલંકારિક ભાષામાં પ્રસ્તુત કરીને કવિએ પોતાની કાવ્ય કલા શક્તિનો પરિચય આપ્યો છે. બ્રહ્મા નિર્વિકાર પરમાત્માની એ શક્તિ છે, જે સૃષ્ટિનું નિર્માણ કરે છે. એ નિર્માણ કાર્ય ચાલુ રાખવાને માટે કામમાં આવતી તેમની બે કલ્પિત ભુજાઓ ઉપયોગમાં આવી, જે ખરેખર તેમની સંકલ્પ અને પરમાણુ નામની શક્તિઓ જ કહેવાય. સંકલ્પ- શક્તિ ચેતન અને સત્માંથી ઉત્પન્ન થયેલા હોવાથી બ્રહ્માની પુત્રી ગણાય છે. પરમાણુ શક્તિ સ્થૂળ, ક્રિયાશીલ અને તમમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી બ્રહ્માની પત્ની ગણાય છે. આ પ્રકારે ગાયત્રી અને સાવિત્રી બ્રહ્માની પુત્રી તથા પત્ની તરીકે પ્રસિદ્ધ થઈ.
પ્રતિભાવો