SJ-01 : વિચારક્રાંતિનું બીજારોપણ, ફરીથી હિમાલયનું આમંત્રણ-૧૧, મારું વિલ અને વારસો
February 26, 2021 Leave a comment
વિચારક્રાંતિનું બીજારોપણ,
ફરીથી હિમાલયનું આમંત્રણ જેના માધ્યમથી કરોડો લોકોનાં મન અને મગજને બદલી નાખવાનો સંકલ્પ પૂરો કરી બતાવવાનો મારો દાવો આજે સાચો પડતો દેખાય છે તે વિચારક્રાંતિ અભિયાને મથુરામાં જ જન્મ લીધો હતો. સહસકુંડી યજ્ઞ તો પૂર્વજન્મમાં મારી સાથે જોડાયેલા અને જેમણે ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની હતી તેવા પરિજનોના સમાગમનું એક માધ્યમ હતો. આ યજ્ઞમાં એક લાખ કરતાં પણ વધારે લોકોએ સમાજમાંથી, પરિવારમાંથી તથા પોતાની અંદરથી બુરાઈઓ દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ યજ્ઞ નરમેધ યજ્ઞ હતો. એમાં મેં સમાજ માટે સમર્પિત લોકસેવકોની માગણી કરી અને સમયાનુસાર મને બધા સહાયકો મળતા રહ્યા, આ આખો ખેલ જેમણે મને માધ્યમ બનાવીને સમગ્ર પરિવર્તનનો ઢાંચો ઊભો કરીને બતાવ્યો તે મારા અદેશ્ય જાદુગર દ્વારા જ ભજવાયો હતો એમ હું માનું છું.
મથુરામાં જ નૈતિક, બૌદ્ધિક તથા સામાજિક ક્રાંતિ માટે ગામેગામ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા તથા ઘેરઘેર અલખ જગાવવા માટે સર્વત્ર ગાયત્રી યજ્ઞની સાથે યુગ નિર્માણ સંમેલનોનાં આયોજનોની એક વ્યાપક યોજના બનાવવામાં આવી. મથુરામાં સહગ્નકુંડી યજ્ઞ વખતે જે પ્રાણવાન પરિજનો ત્યાં આવ્યા હતા એમણે પોતાને ત્યાં એક શાખા સંગઠન ઊભું કરવા તથા એક આવું જ યજ્ઞ આયોજન રાખવાની જવાબદારી પોતાના માથે લીધી. અથવા એમ કહો કે એ દિવ્ય વાતાવરણમાં અંત:પ્રેરણાએ એમને એ જવાબદારી સોંપી, જેથી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક હજાર પ્રાણવાન અને વિચારશીલ વ્યક્તિઓને પોતાની આજુબાજુના વિસ્તારોમાંથી શોધીને પોતાના સહયોગી બનાવે. આયોજનો ચાર ચાર દિવસનાં રાખવામાં આવ્યાં. તેમાં ત્રણ દિવસ ક્રાંતિઓની વિસ્તૃત રૂપરેખા અને કાર્યપદ્ધતિ સમજાવતાં સંગીત અને પ્રવચનો રાખવામાં આવ્યાં. છેલ્લા ચોથા દિવસે યજ્ઞના અગ્નિ સમક્ષ જે લોકો અનિચ્છનીય બાબતો છોડવા અને યોગ્ય પરંપરાઓ અપનાવવા માટે તૈયાર હતા એમને વ્રત ધારણ કરવાનું કહ્યું.
આવાં આયોજનો જ્યાં જ્યાં થયાં ત્યાં તે ઘણાં સફળ થયાં. એના માધ્યમથી આશરે એક કરોડ વ્યક્તિઓએ મિશનની વિચારધારાને સાંભળી અને લાખો લોકોએ અનૈતિકતા, અંધવિશ્વાસ અને કુરિવાજોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ આયોજનોમાં દહેજ અને ધૂમધામ વગર ઘણાં લગ્નો થયાં. મથુરામાં ફરી વાર એક સો કુંડી યજ્ઞમાં ૧૦૦ આદર્શ લગ્નો કરાવવામાં આવ્યાં. ત્યારથી આ રિવાજ બરાબર ચાલે છે અને દર વર્ષે આ પ્રકારનાં આંદોલનોથી અનેક વ્યક્તિઓ લાભ મેળવી રહી છે.
હજારકુંડી યજ્ઞ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રસંગો તથા અનેક રહસ્યમય ઘટનાઓનું વિવરણ કરવું તે હમણાં લોકકલ્યાણની દૃષ્ટિએ ઉપયોગી નથી. આ શરીરને છોડ્યા પછી રહસ્ય ખુલ્લું કરવામાં આવે એવો પ્રતિબંધ મારા માર્ગદર્શકનો છે. તેથી મેં એનો ઉલ્લેખ કર્યો નથી. આ મહાયજ્ઞથી મને પ્રત્યક્ષ રીતે ઘણું મળ્યું છે. એક મોટું સંગઠન રાતોરાત ગાયત્રી પરિવારરૂપે ઊભું થઈ ગયું. યુગનિર્માણ યોજનાના, વિચારક્રાંતિ અભિયાન તથા ધર્મતંત્રથી લોકશિક્ષણના રૂપમાં એની ભાવિ ભૂમિકા પણ બની ગઈ. અનેક સ્થળોએથી આવેલા લોકોએ પોતાને ત્યાં શાખા સ્થાપવાનો સંકલ્પ કર્યો. લગભગ ૨૦ વર્ષ પછી તે સ્થળોએ પ્રજ્ઞા સંસ્થાન તથા સ્વાધ્યાય મંડળો સ્થપાયાં. અમે મથુરા છોડ્યા પછી, જે સ્થાયી કાર્યકર્તાઓએ પ્રેસ-પ્રકાશન, સંગઠન-પ્રચારની જવાબદારી પોતાના ખભે લીધી હતી તે આ જ મહાયજ્ઞથી જોડાયા હતા. વર્તમાનમાં શાંતિકુંજમાં સ્થાયીરૂપે કાર્યરત મોટાભાગના સ્વયંસેવકોની પૃષ્ઠભૂમિ આ મહાયજ્ઞ અથવા તે પછી દેશભરમાં થયેલાં આયોજનોની મુખ્ય ભૂમિકા રહી છે. આને લીધે મારી પોતાની સંગઠન કરી શકવાની શક્તિનો વિકાસ થયો છે. ગાયત્રી તપોભૂમિના સીમિત વિસ્તારમાં જ એક અઠવાડિયાની, નવ દિવસની, એક એક મહિનાની કેટલીયે શિબિરોનાં આયોજનો કર્યા. આત્મોન્નતિ માટે પંચકોશી સાધના શિબિર, સ્વાસ્થ્ય-સંવર્ધન માટે કાયાકલ્પ સત્ર અને સંગઠનના વિસ્તાર માટે પરામર્શ તથા જીવન સાધના સત્ર વગેરે મુખ્ય મુખ્ય આયોજનો સહસ્ત્ર કુંડી અને સો કુંડી યજ્ઞ પછી મથુરામાં મારા માર્ગદર્શકના આદેશ અનુસાર સંપન્ન કર્યા. ગાયત્રી તપોભૂમિમાં આવેલા પરિજનો પાસેથી મને જે પ્રેમ મળ્યો, પરસ્પર આત્મીયતાની જે ભાવના વિકસી એણે એક વિશાળ ગાયત્રી પરિવારને જન્મ આપ્યો. આ એ જ ગાયત્રી પરિવાર છે કે જેનો દરેક સભ્ય મને પિતાના રૂપમાં; આંગળી પકડી ચલાવનાર માર્ગદર્શકના રૂપમાં; ઘર, પરિવાર અને મનની સમસ્યાઓને હલ કરનાર ચિકિત્સકના રૂપમાં જતો આવ્યો છે.
જે મારે ત્યાં આવ્યા હતા એમના સ્નેહ અને સદૂભાવને લીધે મારે પણ એમને ત્યાં જવું પડ્યું. કેટલીય જગ્યાએ નાનાં નાનાં યજ્ઞ આયોજનો થતાં હતાં. ક્યાંક સંમેલન તો ક્યાંક બુદ્ધિજીવી સમુદાયની વચ્ચે તર્ક, તથ્ય અને પ્રતિપાદનોના આધારે ગોષ્ઠિનાં આયોજનો થયાં. મેં જ્યારે મથુરા છોડી હરિદ્વાર જવાનો નિશ્ચય કર્યો, ત્યારે લગભગ બે વર્ષ સુધી આખા ભારતનો પ્રવાસ કરવો પડ્યો. પાંચ સ્થળોએ તો મથુરા જેવાં સહસ્ર કુંડી યજ્ઞનાં આયોજનો થયાં હતાં. એ સ્થળો હતાં ટાટાનગર, મહાસમુન્દ, બહરાઇચ, ભીલવાડા અને પોરબંદર. મેં એક દિવસમાં ત્રણ ત્રણ સ્થળોએ રોકાઈને હજારો માઈલની મુસાફરી અજ્ઞાતવાસમાં જતાં પહેલાં કરી. આ પ્રવાસથી મને સમર્પિત સમયદાની કાર્યકર્તાઓ મળ્યા. એવા અસંખ્ય લોકો મારા સંપર્કમાં આવ્યા, જેઓ પૂર્વજન્મમાં ઋષિ જેવું જીવન જીવ્યા હતા. એમની સમગ્ર શક્તિને ઓળખીને મેં એમને પરિવારમાં જોડ્યા અને આ રીતે કૌટુંબિક ભાવનાથી બંધાયેલું એક વિશાળ સંગઠન ઊભું થયું.
મને વર્ષો પહેલાં મારા માર્ગદર્શકનો આદેશ મળ્યો હતો કે મારે છે માસ માટે હિમાલય જવું પડશે, પણ ફરીથી મથુરા જવાના બદલે હંમેશને માટે ત્યાંનો મોહ છોડી હરિદ્વાર, સપ્ત સરોવરમાં સપ્ત ઋષિઓની તપસ્થલીમાં ત્રષિપરંપરાની સ્થાપના કરવી પડશે. મેં મારી બધી જ જવાબદારી ધીરેધીરે મારી ધર્મપત્નીને સોંપવાની શરૂઆત ઘણા સમય પહેલાંથી કરી દીધી હતી. તે પાછલા ત્રણ જન્મમાંથી બે જન્મોમાં મારી જીવનસંગિની બનીને રહી હતી. આ જન્મમાં પણ એણે અભિન્ન સાથી સહયોગીની ભૂમિકા નિભાવી હતી. ખરેખર મારી સફળતાના મૂળમાં એમનાં સમર્પણ અને એક નિષ્ઠ સેવાભાવનાને જ જેવી જોઈએ. મેં જે ઈચ્છયું, જે પ્રતિકૂળતાઓમાં જીવન જીવવાનું કહ્યું તે મુજબ તે ઓ સહર્ષ જીવ્યાં. મારા કુટુંબની પૃષ્ઠભૂમિ ગ્રામીણ જમીનદારની હતી. જ્યારે એમની એક ધનિક શહેરી ખાનદાનની હતી, પરંતુ જ્યારે એકબીજામાં ભળી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે અમે એકરૂપ થઈ ગયાં. મેં મારી ગામની જમીન વિદ્યાલય બાંધવા માટે આપી દીધી તથા જમીનના બોન્ડમાંથી મળેલા પૈસા ગાયત્રી તપોભૂમિ (મથુરા)ની જમીન ખરીદવામાં વાપર્યા. તો મારી ધર્મપત્નીએ પોતાનાં બધાં જ ઘરેણાં તપોભૂમિનાં મકાનો બાંધવા માટે આપી દીધાં. આ ત્યાગ અને સમર્પણ એમનું છે, જેમણે મને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડવામાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
મારી બીજી વારની હિમાલયની યાત્રા વખતે મારી ગેરહાજરીમાં સંપાદન – સંગઠનની જવાબદારી એમણે ઉઠાવી હતી. આ વખતે ૧૦ વર્ષ પછી ૧૯૭૧માં એક મોટો પરિવાર મૂકીને હિમાલય જઈ રહ્યો હતો. ગાયત્રી પરિવારને દશ્યરૂપે પોતાના એક સંરક્ષકની જરૂર હતી, જે એમને સ્નેહ અને મમતા આપી શકે. એમના દુઃખમાં આંસુ લૂછવાનું કામ માતા જ કરી શકે. માતાજીએ આ જવાબદારી સારી રીતે નિભાવી. હિમાલયના પ્રવાસે જતાં પહેલાં ત્રણ વર્ષથી લાંબા પ્રવાસે જતો હતો. એ સમયે મથુરા આવતા પરિજનોને મળવાનું અને આશ્વાસન આપવાનું કામ તેમણે પોતે જ ઉઠાવી લીધું હતું. અમારા સામાજિક જીવનમાં મને તેમનો સતત સહયોગ મળતો રહ્યો. ૨૦૦ રૂપિયામાં પાંચ વ્યક્તિઓનું ગુજરાન અને આવનાર અતિથિઓનો યોગ્ય સત્કાર પણ તેઓ કરતાં રહ્યાં. કોઈનેય નિરાશ થઈને જવું પડ્યું નથી. મથુરાનું અમારું જીવન એક અમૂલ્ય થાપણ જેવું છે. એનાથી માત્ર મારા ભાવિ ક્રાંતિકારી જીવનનો પાયો નખાયો, એટલું જ નહિ, ધીરેધીરે મારી જવાબદારી સંભાળી શકે એવાં નરરત્નો પણ મળ્યાં.
પ્રતિભાવો