SJ-01 : મથુરાના કેટલાક રહસ્યમય પ્રસંગો-૧૨, મારું વિલ અને વારસો
February 27, 2021 Leave a comment
મથુરાના કેટલાક રહસ્યમય પ્રસંગો
શરૂઆતમાં મથુરામાં રહીને જે કાર્યક્રમો ચલાવવા માટે હિમાલયથી આદેશ થયો હતો એ કાર્યક્રમો મારી શક્તિથી ચલાવવાનું કામ મુશ્કેલ હતું. મારી પાસે નહોતાં સાધન, નહોતા સાથીઓ, નહોતો અનુભવ કે નહોતી આવડત. પછી આટલું મોટું કામ કેવી રીતે થાય? મારી હિંમત તૂટતી જોઈને મારા માર્ગદર્શકે પરોક્ષ રીતે લગામ પોતાના હાથમાં લઈ લીધી. મારા શરીરનો જ ઉપયોગ થયો. બાકીનું બધું કામ કઠપૂતળીને નચાવનાર એ જાદુગર કરતા રહ્યા. લાકડાના ટુકડાનું શ્રેય એટલું જ કે તેણે તાર મજબૂત પકડી રાખ્યો અને જે રીતે નાચવાનો સંકેત થયો તે પ્રમાણે કરવાની ના ન પાડી.
ચાર કલાક નિત્ય લખવાનું નક્કી કર્યું. વ્યાસ અને ગણેશનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો હોઉં એવું લાગતું. પુરાણ લખવામાં વ્યાસજી બોલતા હતા એવું અહીં બન્યું. આર્ષગ્રંથોના અનુવાદનું કામ ઘણું મુશ્કેલ હતું. ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો, છ દર્શન, ચોવીસ સ્મૃતિઓ વગેરે બધા ગ્રંથોના અનુવાદમાં મારી કલમ અને આંગળીઓનો ઉપયોગ થયો. બોલનાર અને લખાવનાર કોઈ બીજી જ અદશ્ય શક્તિ હતી. નહિતર આટલું અઘરું કામ આટલું જલદી બને એવી શક્યતા ન હતી. ધર્મતંત્રથી લોકશિક્ષણનું પ્રયોજન પૂર્ણ કરનાર સેંકડો પુસ્તકો માત્ર એક વ્યક્તિની શક્તિથી કેવી રીતે લખી શકાય? આ લેખન કાર્યનો જે દિવસથી આરંભ થયો છે ત્યારથી આજ દિન સુધી બંધ થયું નથી. એ સાહિત્ય વધતાં વધતાં મારા શરીરના વજન જેટલું થઈ ગયું છે.
પ્રકાશન માટે પ્રેસની જરૂર પડી. મેં મારી શક્તિ પ્રમાણે એક હેન્ડપ્રેસ ગમે તેમ કરીને વસાવ્યો. જેઓ કામ કરવા ઈચ્છતા હતા તેઓ આટલો નાના બાળક જેવો પ્રયત્ન જોઈ હસી પડ્યા. પ્રેસનો વિકાસ થયો. એક પછી એક યંત્રો, ઓટોમેટિક મશીન, ઓફસેટ મશીન વગેરે આવવા લાગ્યાં. એ બધાની કિંમત અને પ્રકાશિત સાહિત્યનું ખર્ચ લાખો રૂપિયા ઉપર થઈ ગયું.
“અખંડ જ્યોતિ’ પત્રિકાના મારા પુરુષાર્થથી માત્ર બે હજાર જ ગ્રાહક બન્યા. પછી માર્ગદર્શક મદદ કરી તો તે વધીને અત્યારે આશરે દોઢ લાખ જેટલી સંખ્યામાં છપાય છે, જે એક કીર્તિમાન છે. હજુ એનાથી દસ ગણા ગ્રાહક વધવાની શક્યતા છે. “યુગનિર્માણ યોજના હિન્દીમાં, “યુગ શક્તિ ગાયત્રી ગુજરાતીમાં, “યુગશક્તિ’ ઉડિયામાં આ બધાની સંખ્યા પણ આશરે દોઢ લાખની થાય છે. એક વ્યક્તિ દ્વારા આટલી ઉચ્ચ કોટિનું સાહિત્ય, બીજા કોઈની જાહેરાત સ્વીકાર્યા વગર આટલા મોટા પ્રમાણમાં સામયિના સ્વરૂપે છપાતું હોય અને ખોટ ખિસ્સામાંથી પૂરી ન કરવી પડતી હોય એ એક કીર્તિમાન છે. આવું ઉદાહરણ દેશમાં બીજે ક્યાંક જોવા મળશે નહિ.
ગાયત્રી પરિવારનું સંગઠન કરવાના નિમિત્તે મહાપુરશ્ચરણની પૂર્ણાહુતિના બહાને હજાર કુંડી યજ્ઞ મથુરામાં થયો હતો, એના સંબંધમાં જો કહીએ કે આટલું મોટું આયોજન મહાભારત પછી આજ સુધી થયું નથી, તો એમાં અતિશયોક્તિ નથી. એની કેટલીક રહસ્યમય વિશેષતાઓ એવી હતી કે જેના વિશે સાચી વાતની ભાગ્યે જ કોઈને ખબર હશે. એક લાખ નૈષ્ઠિક ગાયત્રી ઉપાસકોને દેશના ખૂણે ખૂણેથી આમંત્ર્યા. તે બધા એવા હતા, જેમણે ધર્મતંત્રથી લોકશિક્ષણનું કામ હાથોહાથ ઉપાડી લીધું અને એટલું બધું કામ થઈ ગયું કે એટલું ભારતનાં બધાં જ ધાર્મિક સંગઠનો ભેગાં મળીને પણ પૂરું ન કરી શકે. એ વ્યક્તિઓનો મને બિલકુલ પરિચય નહોતો, છતાં એ બધાંની પાસે જેવા આમંત્રણ પત્રો પહોંચ્યા કે તરત તેઓ પોતાનું ગમે તેવું કામ પડતું મૂકીને પોતાના ખર્ચે દોડી આવ્યા. આ એક કોયડો છે, જે ઉકેલવાનું મુશ્કેલ છે.
દર્શનાર્થીઓની સંખ્યા દરરોજ દસ લાખ જેટલી થતી ગઈ. એમને સાત માઈલના વિસ્તારોમાં ઉતારો આપવામાં આવ્યો હતો. કોઈને પણ ભૂખ્યા જવા ન દીધા. કોઈની પાસે જમવાના પૈસા માગ્યા નથી. મારી પાસે અનાજ તથા બીજી સામગ્રી એટલી ઓછી હતી કે તેનાથી ૨૦ હજાર માણસ એક ટંક પણ ન જમી શકે. આમ છતાં ભોજન ભંડારો અક્ષય પાત્ર બની ગયો. પાંચ દિવસના આયોજનમાં પાંચ લાખથી પણ વધારે લોકો જમ્યા, છતાંય ભોજન સામગ્રી વધી અને તે જરૂરિયાતવાળા લોકોને વિના મૂલ્ય વહેંચી દેવામાં આવી. વ્યવસ્થા એટલી અદ્ભુત હતી કે હજાર કર્મચારીઓ કે નોકરો રાખવામાં આવે તો પણ આટલી સુંદર વ્યવસ્થા ન થઈ શકે.
આ રહસ્યમય ઘટના છે. આયોજનનું પ્રત્યક્ષ વર્ણન તો મેં આપી દીધું, પણ જે રહસ્યમય હતું તે મારા સુધી જ સીમિત રહ્યું છે. કોઈ એ અનુમાન ન લગાવી શક્યું કે આટલી વ્યવસ્થા, આટલી બધી સાધન સામગ્રી ક્યાંથી મેળવી હશે. આ બધો અદશ્ય સત્તાનો પ્રતાપ હતો. સૂક્ષ્મ શરીરથી એ બધા ઋષિ મુનિઓ હાજર હતા, જેમનાં દર્શન મેં હિમાલયની પ્રથમ યાત્રા વખતે કર્યા હતાં. આ બધાં કાર્યોની પાછળ જે શક્તિ કામ કરી રહી હતી એના વિશે સાચી હકીકતની જાણ કોઈનેય નથી. લોકો આને મારો ચમત્કાર કહેતા રહ્યા. પણ ભગવાન સાક્ષી છે કે હું તો જડભરતની જેમ, માત્ર દર્શકની જેમ આ આખો પ્રસંગ જોતો રહ્યો. જે શક્તિ આ વ્યવસ્થા કરી રહી હતી એના વિશે ભાગ્યે જ કોઈને કંઈ આભાસ થયો હશે.
ત્રીજું કામ જે મારે મથુરામાં કરવાનું હતું તે હતું ગાયત્રી તપોભૂમિનું નિર્માણ. એટલા મોટા કાર્યક્રમ માટે નાની ઈમારતથી કામ ચાલી શકે તેમ ન હતું. તે બનાવવાની શરૂઆત થઈ. નિર્માણ કાર્ય શરૂ થયું અને ત્યાંથી મારા જતા રહ્યા પછી પણ હજી સુધી કામ બરાબર ચાલી રહ્યું છે. પ્રજ્ઞાનગરના રૂપમાં વિસ્તૃત વિકાસ થયો છે. જેઓ મથુરા ગયા છે તેઓ ગાયત્રી તપોભૂમિની ઈમારત, ત્યાંના પ્રેસ, મહેમાનો માટેની વ્યવસ્થા અને કાર્યકર્તાઓનો સમર્પણભાવ વગેરે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આટલો સામાન્ય દેખાતો માણસ કેવી રીતે આટલી ભવ્ય ઈમારતની વ્યવસ્થા કરી શકે? આ રહસ્ય જેઓ જાણવા ઈચ્છતા હોય તેમણે મારી પાછળ કામ કરનાર શક્તિને જ એનું શ્રેય આપવું પડશે, વ્યક્તિને નહિ. અર્જુનનો રથ ભગવાન સારથિ બનીને ચલાવી રહ્યા હતા. અર્જુનને એમણે જ જિતાડ્યો હતો, છતાં જીતનું શ્રેય અર્જુનને મળ્યું અને રાજ્યના અધિકારી પાંડવો બન્યા. આને કોઈ ઈચ્છે તો પાંડવોનો પુરુષાર્થ-પરાક્રમ કહી શકે છે, પણ ખરેખર વાત એવી ન હતી. જો તેઓ પરાક્રમી હોત તો દ્રૌપદીનાં ચીર એમની આંખો સામે કેવી રીતે ખેંચાયાં હોત? વનવાસ દરમિયાન જ્યાં ત્યાં છુપાઈને ગમે તેવી નોકરી કેમ કરવી પડત?
મારી ક્ષમતા નહિવત્ છે, પણ મથુરા જેટલા દિવસ રહ્યો, ત્યાં રહીને આટલાં પ્રકટ અને અપ્રકટ કાર્યો કરતો રહ્યો તેની કથા આશ્ચર્યજનક છે. એનાં લેખાજોખાં લેવાનું જો કોઈ ઈચ્છે તો તે મારી જીવન સાધનાનાં તથ્યોને ધ્યાનમાં રાખે અને મને કઠપૂતળીથી વધારે કશું જ ન માને. આ સમર્પણભાવ જ મારી જીવનગાથાનું કેન્દ્ર રહ્યો છે. મેં મારા સંપર્કમાં આવનારાઓને પણ આ જ શીખવાડ્યું છે. ઋષિસત્તા દ્વારા થતા પરોક્ષ સંચાલન માટે પોતાને એક નિમિત્ત જ માનીને ઉપાસના, સાધના અને આરાધનાના ત્રિવિધ પ્રસંગોનું રહસ્ય યથાયોગ્ય સમયે છતું કર્યું છે. જેઓ ઈચ્છે તેઓ એ પ્રસંગો દ્વારા મારી આત્મકથાના તત્ત્વદર્શનને સમજી શકે છે.
પ્રતિભાવો