૩. ગાયત્રી-સાધનાથી શક્તિ-કોષોનો ઉદ્દભવ, ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧
February 28, 2021 Leave a comment
ગાયત્રી સાધનાથી શક્તિ-કોષોનો ઉદ્ભવ
આ પહેલાંના પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે કે, ગાયત્રી કોઈ દેવતા, ભૂત, પલિત આદિ નહીં પણ બ્રહ્માની સ્ફુરણાથી ઉત્પન્ન થયેલી આદિ શક્તિ છે. તે જગતના પ્રત્યેક પદાર્થનું મૂળ કારણ છે અને તે દ્વારા જ જડચેતન સૃષ્ટિમાં ગતિ, શક્તિ, પ્રગતિ, પ્રેરણા વગેરે પ્રગટ થાય છે. જેમ ઘરમાં રાખેલ રેડિયો યંત્ર દ્વારા વિશ્વ વ્યાપી ઈશ્વરના તરંગો સાથે સંબંધ સ્થાપીને દેશવિદેશમાં થનાર પ્રત્યેક બ્રોડકાસ્ટને સરળતાપૂર્વક સાંભળી શકાય છે, તે રીતે આત્મશક્તિનો વિશ્વવ્યાપી ગાયત્રી શક્તિ સાથે સંબંધ સ્થાપીને સૂક્ષ્મ પ્રકૃતિની બધી જ હિલચાલો જાણી શકાય છે અને સૂક્ષ્મ શક્તિને ઇચ્છાનુસાર વાપરવાની કલા જાણી લીધા પછી તમામ સાંસારિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિઓને મેળવી શકાય છે. જે માર્ગથી આ બધું થઈ શકે છે તેનું નામ છે–સાધના.
કેટલીક વ્યક્તિઓ વિચારે છે, “અમારો ઉદેશ ઈશ્વરપ્રાપ્તિ, આત્મદર્શન અને જીવનમુક્તિ છે. અમારે ગાયત્રીની સૂક્ષ્મ પ્રકૃતિના પ્રપંચમાં પડવાની શી જરૂર છે? અમારે તો કેવળ ઈશ્વરની આરાધના કરવી જોઈએ.’ એમ વિચાર કરનારાઓએ જાણી લેવું જોઈએ કે, બ્રહ્મ સર્વથા નિર્વિકાર, નિર્લેપ, નિરંજન, નિરાકાર, ગુણાતીત છે. એ કોઈની સાથે પ્રેમ કે દ્વેષ કરતું નથી. એ કેવળ દ્રષ્ટા તથા કારણરૂપ છે. ત્યાં સુધી પહોંચી શકાતું પણ નથી, કારણ કે જીવ અને બ્રહ્મની વચમાં સૂક્ષ્મ પ્રકૃતિ (એનરજી)નો સઘન પડદો છે. એ આચ્છાદનને પાર કરવાને માટે પ્રકૃતિનાં સાધનોથી જ કાર્ય કરવું પડશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કલ્પના, ધ્યાન, સૂક્ષ્મ શરીર, પચ્ચક્રો, ઈષ્ટદેવની પ્રતિમા, ભક્તિ, ભાવના, ઉપાસના, વ્રત, અનુષ્ઠાન, સાધના એ બધાં તો માયા નિર્મિત જ છે. એ બધાં વિના બ્રહ્મપ્રાપ્તિ થવાનો સંભવ જ કેવી રીતે છે ? જેમ ઉપર આકાશમાં પહોંચવા માટે વિમાનની જરૂર પડે છે, તેમ બ્રહ્મપ્રાપ્તિને માટે પણ પ્રતિમૂલક આરાધનાનો આશ્રય લેવો પડે છે. ગાયત્રીના આવરણમાંથી પસાર થયા પછી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. સાચું તો એ જ છે કે, સાક્ષાત્કારનો અનુભવ ગાયત્રીના ગર્ભમાં જ થાય છે. એનાથી ઉપર પહોંચ્યા પછી સુક્ષ્મ ઇન્દ્રિયો અને એમની અનુભવ શક્તિ પણ લુપ્ત થઈ જાય છે. તેથી મુક્તિ અને ઈશ્વરપ્રાપ્તિની ઇચ્છાવાળા પણ રાધેશ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણની ઉપાસના કરે છે. નિર્વિકાર બ્રહ્મનું સાયુજ્ય તો ત્યારે જ થાય, જ્યારે બ્રહ્મ ‘બહુમાંથી એક થવાની ઇચ્છા રાખે અને બધા આત્માઓને સમેટી લઈને પોતાનામાં ધારણ કરી લે. એથી અગાઉ બધા આત્માઓનું સવિકાર બ્રહ્મમાં જ સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય આદિ થઈ શકે છે. આ પ્રકાર ગાયત્રી મિશ્રિત સવિકાર બ્રહ્મ જ આપણું ઉપાસ્ય રહે છે. એની પ્રાપ્તિની જે કોઈ સાધનાઓ હોય, તે બધી જ સૂક્ષ્મ પ્રકૃતિ ગાયત્રી દ્વારા જ સફળ થવાની, તેથી એમ માનવું ઉચિત નથી કે બ્રહ્મપ્રાપ્તિને માટે ગાયત્રીની આવશ્યકતા નથી. એ તો અનિવાર્ય છે. નામની કોઈ ઉપેક્ષા અથવા વિરોધ કરે તે તેની મરજી. બાકી ગાયત્રી તત્ત્વ સિવાય અન્ય માર્ગે જઈ શકાય એ તો તદ્દન અસંભવ જ છે.
કેટલાક લોકો કહે છે કે અમે નિષ્કામ સાધના કરીએ છીએ. અમને કોઈ ફળની કામના નથી. તો પછી સૂક્ષ્મ પ્રકૃતિનો આશ્રય શા માટે લઈએ ? એવા લોકોએ જાણવું જોઈએ કે, નિષ્કામ સાધનાનો અર્થ ભૌતિક લાભની ઈચ્છા ન રાખતાં આત્મિક ઉન્નતિની સાધનાનો છે. પરિણામની ઇચ્છા વિના કે તે અંગે વિચાર્યા વિના કોઈ પણ કામની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી અને જો કંઈ તેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એમાં કેવળ સમય અને શક્તિનો દુર્વ્યય જ થાય. તેનાથી કંઈ પરિણામ ન જ આવે. નિષ્કામ કર્મનું તાત્પર્ય સત્ત્વગુણી, આત્મિક કામનાઓ છે. એવી મનોકામનાઓ પણ ગાયત્રીના પ્રથમ પાદના તત્ત્વમાં, સરસ્વતી ભાગમાં આવે છે. તેની નિષ્કામ ભાવની ઉપાસના પણ ગાયત્રીના ક્ષેત્રની બહાર નથી.
મંત્રવિદ્યાના વૈજ્ઞાનિકો જાણે છે કે, જીભમાંથી જે શબ્દો નીકળે છે તેમનાં ઉચ્ચારણ કંઠ, તાળવું, મૂર્ધા, હોઠ, દાંત, જિદ્ઘામૂળ આદિ મુખનાં વિવિધ અંગો દ્વારા થાય છે. ઉચ્ચાર કરતી વખતે મુખના જે ભાગોમાંથી ધ્વનિ નીકળે છે તે અંગોનાં નાડી-તંતુ શરીરના વિવિધ ભાગો સુધી ફેલાય છે. એ ફેલાવાના સમગ્ર ક્ષેત્રમાં કેટલીક ગ્રંથિઓ હોય છે, જેમના પર ઉચ્ચારણનો ભાર પડે છે. જે લોકોની કોઈ સૂક્ષ્મ ગ્રંથિઓ રોગી બને છે અથવા નષ્ટ થઈ જાય છે, તેમના મુખમાંથી કેટલાક ખાસ શબ્દો અશુદ્ધ અથવા અટકતા અટકતા નીકળે છે, જેને તોતડાપણું કહેવામાં આવે છે. શરીરમાં અનેક નાની મોટી દશ્ય-અદશ્ય ગ્રંથિઓ હોય છે. યોગી લોકો જાણે છે કે એ કોષોમાં કેટલીક વિશેષ શક્તિ છુપાયેલી છે. સુષુમ્ણા સાથે સંબંધ ધરાવતાં ષટ્ચક્રો પ્રસિદ્ધ છે. એવી અગણિત ગ્રંથિઓ શરીરમાં છે. વિવિધ શબ્દોના ઉચ્ચારણ એ વિવિધ ગ્રંથિઓ પર પોતાનો પ્રભાવ પાડે છે. એ પ્રભાવથી એ ગ્રંથિઓની શક્તિ-ભંડાર જાગૃત થાય છે. મંત્રોની ગોઠવણી એના આધાર પર જ થાય છે. ગાયત્રી મંત્રમાં ૨૪ અક્ષરો છે. એમનો સંબંધ શરીરમાં રહેલી ૨૪ ગ્રંથિઓ સાથે છે. તેમને જાગૃત કરવાથી તે સદ્બુદ્ધિ-પ્રકાશક શક્તિને સતેજ બનાવે છે. ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરની સિતારનાં ૨૪ સ્થાનોમાંથી ઝંકાર ઊઠે છે અને તેમાંથી એક એક સ્વર લહરી ઉત્પન્ન થાય છે, જેનો પ્રભાવ અદશ્ય જગતનાં તત્ત્વો પર પડે છે. એ પ્રભાવ જ ગાયત્રી સાધનાના ફળનો મુખ્ય હેતુ છે.
શબ્દોનો ધ્વનિપ્રવાહ એ તુચ્છ વસ્તુ નથી. શબ્દવિદ્યાના આચાર્યો જાણે છે કે શબ્દમાં કેટલી શક્તિ છે અને એની અજ્ઞાત પ્રક્રિયા દ્વારા શાં શાં કામો થઈ શકે છે ? શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મની સ્ફુરણા કંપન ઉત્પન્ન કરે છે – તે કંપન બ્રહ્મ સાથે અથડાઈને ઓમ ધ્વનિ સાત વાર ધ્વનિત થાય છે. જેમ ભીંત પર ટાંગેલી ઘડિયાળનું લોલક હાલ્યા કરીને ઘડિયાળને ચલાવ્યા કરે છે, તેમ પછી એ પ્રવાહમાં હીં, શ્રી, કલીની ત્રણ મુખ્ય સત, રજસ તમસમયી ધારાઓ વહે છે. જેની શાખા પ્રશાખાઓ થઈ જાય છે ને તે બીજમંત્રના નામે ઓળખાય છે. એ ધ્વનિઓ પોતપોતાના ક્ષેત્રમાં સૃષ્ટિનાં કાર્યોનું સંચાલન કરે છે. આ પ્રકારે સૃષ્ટિ સંચાલનનું કાર્ય શબ્દતત્ત્વ દ્વારા થાય છે. એવા તત્ત્વને તુચ્છ ન માનવું જોઈએ. ગાયત્રીની શબ્દાવલિ એવા ચૂંટેલા શબ્દોની બનાવવામાં આવી છે, જે ક્રમ અને ગૂંથણીની વિશેષતાને કારણે પોતાની રીતે એક અદ્ભુત શક્તિપ્રવાહ ઉત્પન્ન કરે છે.
દીપક રાગ ગાવાથી બુઝાયેલા દીવાઓ સળગી ઊઠે છે, મેઘમલ્હાર ગાવાથી વરસાદ પડવા માંડે છે, વેણુનાદ સાંભળીને સર્પ ડોલવા માંડે છે, મૃગ સાનભાન ભૂલી જાય છે, ગાયો વધારે દૂધ આપે છે. કોયલના બોલ સાંભળીને વિરહભાવ જાગૃત થાય છે. સૈનિકોના “તાલસે કદમ ચાલવાના શબ્દધ્વનિથી લોઢાનો પુલ પણ ભાંગી પડે છે, તેથી પુલને પાર કરતી વખતે સેનાને શિસ્ત મુજબ ન ચાલવાનું કહેવામાં આવે છે. અમેરિકન ડૉકટર હચિન્સને વિવિધ સંગીત ધ્વનિઓથી અનેક અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગો સારા કરવામાં સફળતા અને ખ્યાતિ મેળવી છે. ભારતવર્ષમાં તાંત્રિક લોકો થાળીને એક ઘડા પર રાખીને એક વિશેષ તાલથી વગાડે છે. એનાથી સર્પ, વીંછીનું ઝેર પણ ઊતરી જાય છે અને કંઠમાળ, વિષવેલ, ભૂતોન્માદ આદિના રોગીઓ મોટે ભાગે સારા થઈ જાય છે. તેનું કારણ એ છે કે, શબ્દોનાં કંપન સૂક્ષ્મ પ્રકૃતિમાંથી પોતાની જાતના અન્ય પરમાણુઓને લઈને ઈથરનું પરિભ્રમણ કરીને જ્યારે પોતાના ઉદ્દગમ કેન્દ્ર પર થોડી જ ક્ષણોમાં પાછા ફરે છે, ત્યારે એમનામાં એક પ્રકારની વિદ્યુત શક્તિ ભરેલી હોય છે અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય ક્ષેત્ર પર એ શક્તિનો એક વિશિષ્ટ પ્રભાવ પડે છે. મંત્રો દ્વારા વિલક્ષણ કાર્યો થાય છે તેનું પણ આ જ કારણ છે. ગાયત્રી મંત્ર દ્વારા પણ આ પ્રકારે શક્તિનો આવિર્ભાવ થાય છે. મંત્રોચ્ચારણમાં મુખનાં જે અંગો ક્રિયાશીલ થાય છે, એ ભાગોનાં નાડીતંતુ કેટલીક ગ્રંથિઓને ધ્રુજાવે છે. એની ફુરણા થવાથી એક વૈદિક છંદનો યૌગિક પ્રવાહ ઈથર તત્ત્વમાં ફેલાય છે અને થોડી જ ક્ષણોમાં પૂરી થનારી વિશ્વ પરિક્રમામાંથી પાછા આવતી વખતે એક સજાતીય સેનાને પાછી લઈ આવે છે, જે વાંછિત ઉદ્દેશની પૂર્તિમાં ભારે સહાયક થાય છે. શબ્દ સંગીતનાં શક્તિમય કંપનોનો પંચભૌતિક પ્રવાહ અને આત્મશક્તિની સૂક્ષ્મ પ્રકૃતિની ભાવના, સાધના, આરાધનાના આધાર પર ઉત્પન્ન કરવામાં આવેલો સંબંધ, એ બંને કારણો ગાયત્રી મંત્રને એવો બળવાન બનાવે છે, જે સાધકોને માટે દૈવી વરદાન સિદ્ધ થાય છે.
ગાયત્રી મંત્રને એનાથી પણ સૂક્ષ્મ બનાવતું કારણ છે – સાધકનો શ્રદ્ધામય વિશ્વાસ. વિશ્વાસની શક્તિથી બધા મનોવિજ્ઞાનવેત્તાઓ પરિચિત છે. અમે અમારાં પુસ્તકો અને લેખોમાં અનેક ઉદાહરણો અનેક વાર આપી ચૂક્યા છીએ, જેનાથી સિદ્ધ થાય છે કે લોકો કેવળ ભયના માર્યા નાહકના મૃત્યુના મુખમાં હડસેલાઈ ગયા છે, જ્યારે વિશ્વાસને લીધે મૃતપ્રાયઃ લોકોને ફરીથી નવજીવન પ્રાપ્ત થયું છે. રામાયણમાં સંત તુલસીદાસજીએ ““ભવાની શંકર વન્દે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો’- એમ ગાઈને શ્રદ્ધા અને વિશ્વાસને ભવાની શંકરની ઉપમા આપી છે. ઝાડને ભૂત, દોરીને સર્પ, મૂર્તિને દેવતા બનાવી દેવાની ક્ષમતા વિશ્વાસમાં છે. લોકો પોતાના વિશ્વાસની રક્ષાને માટે ધન, આરામ તથા પ્રાણોને પણ હસતાં હસતાં ગુમાવી દે છે. એકલવ્ય, કબીર આદિનાં એવાં અનેક ઉદાહરણો છે જેનાથી જાણી શકાય છે કે ગુરુ દ્વારા નહીં પણ કેવળ પોતાની શ્રદ્ધાના આધારથી ગુરુ પાસેથી મળતા જ્ઞાન કરતાં પણ અધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. હિપ્નોટિઝમથી રોગીને પોતાના વચન પર વિશ્વાસ બેસાડીને મનમાન્યું કાર્ય કરી લેવાય છે. તાંત્રિક લોકો મંત્ર સિદ્ધ કરેલી કઠોર સાધના દ્વારા પોતાના મનમાં એ મંત્ર પ્રત્યે અગાધ શ્રદ્ધા જમાવે છે. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા વધારે તેટલા પ્રમાણમાં તેનું કામ થાય છે. જે મંત્રથી શ્રદ્ધાળુ તાંત્રિક ચમત્કારી કામો કરી બતાવે છે, તે મંત્રમાં અશ્રદ્ધા રાખનાર ભલે તે સો વાર બોલી જાય તો પણ તેને કંઈ લાભ થતો નથી. ગાયત્રી મંત્રની બાબતમાં પણ મોટે ભાગે આ જ નિયમ કામ કરે છે. જ્યારે સાધક શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આરાધના કરે છે ત્યારે શબ્દવિજ્ઞાન અને આત્મસંબંધ એ બંને મહત્તાથી પૂર્ણ ગાયત્રીનો પ્રભાવ ઘણો વધી જાય છે અને તે એક અદ્વિતીય શક્તિ તરીકે સિદ્ધ થાય છે.
શરૂઆતના ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગાયત્રીના દરેક અક્ષરોનો કયા કયા સ્થાન સાથે સંબંધ છે ? એ સ્થાનો પર યૌગિક ગ્રંથિચક્ર છે એનો પરિચય આ પ્રકારે છે
ગાયત્રી સાધકમાં ઉપરોક્ત ૨૪ શક્તિઓ જાગૃત થાય છે. એ શક્તિઓ એટલી મહત્ત્વપૂર્ણ છે કે, એની જાગૃતિની સાથે જ અનેક પ્રકારની સફળતા, સિદ્ધિઓ અને પરિપૂર્ણતા પ્રાપ્ત થવાનો થાય છે. કેટલાક લોકો માને છે કે એ લાભ અનાયાસ કોઈ દેવી દેવતા આપી રહ્યાં છે, કારણ કે તેઓ અંદર રહેલાં સુક્ષ્મ તત્ત્વોની પ્રગતિ અને પ્રાગટ્યને જોઈ શકતા નથી. તેમજ સમજી શકતા નથી. જો તેમની સમજમાં આવે કે તેમની સાધનાથી શી શી પ્રક્રિયાઓ થઈ રહી છે તો એ સમજતાં વાર નહીં લાગે કે આ બધું કોઈ જગ્યાએથી અનાયાસ મળેલું દાન નથી, પરંતુ આત્મવિદ્યાની સુવ્યવસ્થિત પ્રક્રિયાનું જ એ પરિણામ છે. ગાયત્રી સાધના એ કંઈ અંધવિશ્વાસ નથી પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને એનાથી નિશ્ચિતરૂપે લાભ થાય છે.
પ્રતિભાવો