૪. ગાયત્રી જ કામધેનુ છે , ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧
March 1, 2021 Leave a comment
ગાયત્રી જ કામધેનુ છે
પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્વર્ગમાં દેવતાઓની પાસે કામધેનુ છે અને એ અમૃતના જેવું દૂધ આપે છે, જે પીને દેવતાઓ સદા સંતોષી તથા સુખી રહે છે. એ ગાયમાં એ વિશેષતા છે કે એની પાસે કોઈ પોતાની કઈ કામના સાથે જાય તો તેની ઇચ્છા તરત પૂરી થઈ જાય છે. કલ્પવૃક્ષની જેમ કામધેનુ પણ પોતાની પાસે આવનારની મનોવાંછના પૂર્ણ કરે છે.
એ કામધેનુ ગાયત્રી જ છે. જે દિવ્ય સ્વભાવવાળો મનુષ્ય આ મહાશક્તિની ઉપાસના કરે છે, તે માતાની પાસેથી જાણે આધ્યાત્મિક દુગ્ધધારાનું પાન કરે છે. એને કોઈ પણ પ્રકારની આપદા રહેતી નથી. આત્મા પોતે આનંદ સ્વરૂપ છે. આનંદ મગ્ન રહેવું એ એનો મુખ્ય ગુણ છે દુઃખો હટી જતાં અને મટી જતાં જ એ પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગમાં સદા આનંદિત રહે છે. જો તેનાં કષ્ટોનાં કારણોનું નિવારણ થઈ જાય તો મનુષ્ય પણ ભૂલોકમાં એ પ્રકારે આનંદિત રહી શકે છે. ગાયત્રી કામધેનું મનુષ્યનાં એવાં સંકટોનું નિવારણ કરી નાખે છે.
ત્રિવિધ દુઃખોનું નિવારણ સમસ્ત દુ:ખોનાં કારણો ત્રણ છે (૧) અજ્ઞાન (૨) અશક્તિ અને (૩) અભાવ. આ ત્રણ કારણોને માનવી જેટલાં પોતાથી દૂર રાખી શકે તેટલો સુખી થાય છે.
અજ્ઞાનને લીધે દષ્ટિકોણ દૂષિત થઈ જાય છે. તે તત્ત્વજ્ઞાનથી અપરિચિત હોવાને લીધે ઊંધો વિચાર કરે છે અને ઊંધાં કામ કરે છે અને દુઃખી થાય છે. સ્વાર્થ, ભોગ, લોભ, અહંકાર, અનુદારતા અને ક્રોધની ભાવના મનુષ્યને કર્તવ્યથી વિમુખ કરે છે અને તે દૂરદર્શિતાને છોડીને ક્ષણિક, શુદ્ર તથા હિન વાતોનો વિચાર કરે છે અને તેવાં જ કામ કરે છે. પરિણામે એના વિચારો અને કાર્યો પાપમય થવા લાગે છે અને પાપોનું નિશ્ચિત પરિણામ તો દુ:ખ જ છે. બીજી બાજુ અજ્ઞાનને લીધે એ તેના સંસારના-વ્યવહારના હેતુને યોગ્ય રીતે સમજતો નથી. તેને પરિણામે તે આશાઓ, તૃષ્ણાઓ અને કલ્પનાઓ કર્યા કરે છે. આવા ઊલટા દૃષ્ટિકોણને લીધે મામૂલી વાતો પણ એને ભારે દુઃખમય દેખાય છે, જેથી તે હંમેશ રોતો કકળતો રહે છે. આત્મીયજનોનાં મૃત્યુ, સાથીઓની ભિન્ન રુચિ, પરિસ્થિતિઓની ચઢતી-પડતી સ્વાભાવિક છે. અજ્ઞાની તો માને છે કે, જે વાત હું ઇચ્છું તે થતી રહે, કંઈ મુશ્કેલી નડવી ન જોઈએ. આવી અસંભવ આશાઓ કરતાં જ્યારે કંઈ વિપરીત ઘટના બને ત્યારે તે બહુ જ નિરાશ અને દુઃખી થઈ જાય છે, ત્રીજું અજ્ઞાનને કારણે અનેક જાતની ભૂલો થાય છે અને સહેલાઈથી મળતા લાભોથી વંચિત રહેવું પડે છે, એ પણ એક દુ:ખનો હેતુ છે. આ પ્રમાણે મનુષ્યની સામે અનેક પ્રકારનાં દુઃખો ઊભાં થાય છે.
અશક્તિનો અર્થ છે નિર્બળતા. શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, આધ્યાત્મિક નિર્બળતાને લીધે મનુષ્ય પોતાના સ્વાભાવિક, જન્મસિદ્ધ અધિકારોનો ભાર ઉપાડવામાં અસમર્થ નીવડે છે. પરિણામે તેને એમનાથી બાકાત રહેવું પડે છે. તંદુરસ્તી સારી ન હોય, માંદગી ઘર કરી ભોજન, રૂપવતી તરૂણી, મધુર ગીતવાદ્ય, સુંદર દશ્ય તેને માટે નિરર્થક છે. ધનદોલતનું કોઈ સુખ તે ભોગવી શકતો નથી. બૌદ્ધિક નિર્બળતા હોય તો સાહિત્ય, કાવ્ય, દર્શન, મનન, ચિંતનનો રસ પ્રાપ્ત થતો નથી અને આત્મિક નિર્બળતા હોય તો સત્સંગ, પ્રેમ, ભક્તિ, આદિનો આત્માનંદ દુર્લભ બને છે. એટલું જ નહીં પણ નિર્બળોને મિટાવી દેવા માટે પ્રકૃતિનો ‘બળવાનને મદદનો સિદ્ધાંત પણ કામ કરે છે. કમજોરને સતાવવા માટે અને તેને મિટાવી દેવાને માટે અનેક તત્ત્વો તૈયાર થઈ જાય છે. નિર્દોષ, ભલાં અને સીધાસાદાં તત્ત્વો પણ એનાથી પ્રતિકૂળ થાય છે. ઠંડી જે બળવાનના બળની વૃદ્ધિ કરે છે, રસિકોને રસ આપે છે તે કમજોર માનવીને માટે ન્યૂમોનિયા, વાતરોગ વગેરેનું કારણ બને છે. જે તત્ત્વ નિર્બળોને માટે પ્રાણઘાતક છે, તે જ બળવાનોને સહાયક થાય છે. બિચારી બકરીને જંગલી જાનવરોથી માંડીને જગતમાતા ભવાની દુર્ગા સુધ્ધાં ચટ કરી જાય છે. અરે સિંહને માત્ર વન્ય પશુઓ જ નહીં પણ મોટા મોટા સમ્રાટો પણ પોતાના રાજચિહ્નમાં ધારણ કરે છે. અશક્ત હંમેશાં દુ:ખ પામે છે. એમને માટે સારાં તત્ત્વો પણ સુખદાયક સિદ્ધ થતાં નથી.
અભાવજન્ય દુઃખ એટલે-પદાર્થોનો અભાવ, વસ્ત્ર, જલ, મકાન, પશુ, ભૂમિ, સહાયક, મિત્ર, ધન, ઔષધિ, પુસ્તક, શસ્ત્ર, શિક્ષક આદિના અભાવથી અનેક પ્રકારની પીડાઓ તેમજ મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને જીવનની મહત્ત્વપૂર્ણ ક્ષણોને માટીની કિંમતે નષ્ટ કરવી પડે છે. યોગ્ય અને સમર્થ વ્યક્તિઓ પણ સાધનોના અભાવથી મુશ્કેલીભર્યું જીવન ગુજારે છે.
ગાયત્રી કામધેનુ છે. જે એની પૂજા, ઉપાસના, આરાધના અને અભિભાવના કરે છે તે પ્રતિક્ષણ માતાના અમૃતોપમ દુગ્ધપાન કરવાનો આનંદ મેળવે છે અને સમસ્ત અજ્ઞાનો, અશક્તિઓ અને અભાવોને લીધે ઉત્પન્ન થતાં કષ્ટોથી છુટકારો પામીને ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
પ્રતિભાવો