SJ-01 : જીવનસાધના ક્યારેય અસફળ થતી નથી-૧૫, મારું વિલ અને વારસો

જીવનસાધના ક્યારેય અસફળ થતી નથી

બાળકની જેમ મનુષ્ય સીમિત છે. એને સુસંપન્ન સર્જનહાર ભગવાન પાસેથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે, પણ એક શરત છે. નાનાં બાળકો વસ્તુઓનો સાચો ઉપયોગ જાણતાં હોતાં નથી કે તેની કાળજી રાખી શકતાં નથી. તેથી બાળકોને લાડમાં જે મળે છે તે હલકું-ફૂલકું હોય છે. ફુગ્ગા, સિસોટી, ચોકલેટ, લોલિપોપ જેવી આનંદદાયક વસ્તુઓ જ માંગવામાં અને મેળવવામાં આવે છે. ઉંમરલાયક થતાં છોકરો ઘરની જવાબદારી સમજે અને નિભાવે છે. પરિણામે માગ્યા વગર જ અધિકારો સોંપવામાં આવે છે. એના માટે પ્રાર્થના કે માગણી કરવી પડતી નથી કે કરગરવું પડતું નથી. જેટલો આપણને માંગવાનો ઉત્સાહ છે, એનાથી હજારગણો ઉત્સાહ ભગવાન અને મહામાનવોને આપવાનો હોય છે. મુલી એક જ છે, કે સદુપયોગ કરી શકવાની પાત્રતા વિક્સી છે કે નહિ.

આ બાબતમાં ભવિષ્યનો જૂઠો વાયદો કરવાથી કામ ચાલતું નથી. સાબિતી આપવી પડે છે, કે જે અત્યાર સુધી પોતાની પાસે હતું તેના ઉપયોગ યોગ્ય રીતે થયો છે. “હિસ્ટ્રી શીટ’ આનાથી બને છે અને પ્રમોશનમાં આ પાછલું વિવરણ જ કામ આવે છે. મારે પાછલા કેટલાય જન્મોમાં મારી પાત્રતા અને પ્રામાણિકતા સિદ્ધ કરવી પડી છે. જ્યારે પાત્રતા અને પ્રામાણિકતાની ખાતરી થઈ ગઈ કે તરત જ મારા માર્ગદર્શકની કૃપા આપોઆપ જ મળવી શરૂ થઈ ગઈ.

સુગ્રીવ, વિભીષણ, સુદામા, અર્જુન વગેરેએ જે મેળવ્યું અને જે કરી બતાવ્યું તે એમના પરાક્રમનું ફળ નહતું. એમાં ભગવાનની સત્તા અને મહત્તા કામ કરતી રહી છે. મોટી નદી સાથે જોડાયેલી રહેવાથી નહેરો, સાથે જોડાયેલાં ઢાળિયાં ખેતરોને પાણી પૂરું પાડતી રહે છે. જો આ એકસૂત્રતામાં ક્યાંય ગરબડ ઊભી થાય તો અવરોધ ઊભો થશે અને ક્રમ તૂટી જશે. ભગવાનની સાથે મનુષ્ય પોતાનો સુદઢ સંબંધ સુનિશ્ચિત આધારો પર જ જાળવી રાખી શકે છે. એમાં ખુશામદની કોઈ શક્યતા નથી. ભગવાનને કોઈ સાથે નથી મિત્રતા, નથી દુશ્મનાવટ. તેઓ નિયમોથી બંધાયેલા છે, સમદર્શી છે.

આપણી વ્યક્તિગત ક્ષમતા તદ્દન નગણ્ય છે. મોટેભાગે સામાન્ય માણસ જેવી સમજી શકાય. જે કંઈ વધારે દેખાય છે કે બને છે એને વિશુદ્ધ દેવીકૃપા માનવી જોઈએ. તે સીધું ઓછું મળે છે અને માર્ગદર્શના માધ્યમ દ્વારા વધારે આવે છે, પણ એનાથી કોઈ ફેર પડતો નથી કારણ કે ધન બેંકનું છે. ભલે પછી તે રોકડમાં, ચેક યા ડ્રાફટથી મળ્યું હોય.

આ દેવીકૃપાની પ્રાપ્તિ કેવી રીતે શક્ય બની એનો એક જ જવાબ છે કે પાત્રતાની અભિવૃદ્ધિ. એનું નામ જીવનસાધના છે. ઉપાસનાની સાથે એનો અનન્ય અને ઘનિષ્ઠ સંબંધ છે. વીજળી ધાતુમાં વહે છે. લાકડામાં નહિ. આગ સૂકી વસ્તુને સળગાવે છે, ભીનીને નહિ. જ્યારે બાળક ચોખું, સ્વચ્છ હોય ત્યારે જ માતા તેને ખોળામાં લે છે. મળમૂત્રથી ગંદું હોય તો પહેલાં તેને પાણીથી સાફ કરશે, પછી લૂછશે, પછી જ તેને ખોળામાં લઈ દૂધ પિવડાવશે.

ભગવાનની નજીક જવા માટે શુદ્ધ ચારિત્ર્ય હોવું જોઈએ. કેટલીય વ્યક્તિઓ શરૂઆતના જીવનમાં ચારિત્ર્યહીન હતી, પણ જે દિવસથી ભક્તિમાં કે સાધનામાં જોડાઈ એ જ દિવસથી એમણે શુદ્ધ ચારિત્ર્યથી કાયાકલ્પ કરી લીધો છે. વાલ્મીકિ, અંગુલિમાલ, બિલ્વમંગળ, અજામિલ વગેરે શરૂઆતના જીવનમાં ભલે ખરાબ રહ્યા હોય પણ જે દિવસથી ભગવાનના શરણે આવ્યા એ દિવસથી સાચા અર્થમાં સંત બની ગયા. આપણેલોકો તો, “રામનામ જપના, પરાયા માલ અપના’ની નીતિ અપનાવીએ છીએ. કુકર્મ પણ કરતાં રહીએ અને સાથે ભજનકીર્તનના સહારાથી ભગવાનના દંડમાંથી છુટકારો મેળવવાનું વિચારીએ એ કેવી વાત !

કપડાંને રંગતાં પહેલાં ધોવું પડે છે. બીજ વાવતાં પહેલાં જમીન ખેડવી પડે છે. ભગવાનની કૃપા મેળવવા માટે પણ શુદ્ધ જીવન આવશ્યક છે. સાધક જ સાચા અર્થમાં ઉપાસક બની શકે છે. જેનાથી જીવન સાધના ન થઈ શકે એનું ચિંતન, ચારિત્ર્ય, આહાર, વિહાર અને મસ્તિષ્ક અનિચ્છનીય બાબતોથી ભરેલાં રહેશે. પરિણામે સાધનામાં મન લાગશે જ નહિ. લાલચ અને ઈચ્છાઓ જેના મનને આખો દિવસ ઉદ્વિગ્ન રાખે છે, એનામાં એકાગ્રતા આવશે નહિ અને એના ચિત્તમાં તન્મયતા આવશે નહિ. કર્મકાંડ જેવી ગૌણ બાબતથી કામ ચાલશે નહિ. ભજનનો ભાવના સાથે સીધો સંબંધ છે, જ્યાં ભાવના હશે ત્યાં મનુષ્ય પોતાના ગુણ, કર્મ અને સ્વભાવમાં સાત્ત્વિકતાનો સમાવેશ અવશ્ય કરશે.

પૂજનીય મહેમાન આવવાના હોય, ઉત્સવ હોય તો ઘરની સાફસફાઈ કરીએ છીએ. તો જે હૃદયમાં ભગવાનને સ્થાન આપવાનું છે તે હ્રદયને દોષદુર્ગુણ ત્યજી પવિત્ર અને સ્વચ્છ કરવું જોઈએ. એના માટે આત્મનિરીક્ષણ, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસની ચારે દિશાઓમાં આગળ વધવું જરૂરી છે. આ તથ્યો મને સારી રીતે સમજાવવામાં આવ્યાં અને મેં સાચા મનથી તે અમલમાં મૂક્યાં. વિચાર્યું કે જીવન દુઃખી કેમ બને છે? નિષ્કર્ષ કાઢ્યો કે આ બધાનાં ઉદ્ગમ કેન્દ્ર ત્રણ છે- લોભ, મોહ, અહંકાર. જેનામાં એની માત્રા જેટલી વધારે હશે એટલો જ તે અવગતિ તરફ ઢસડાતો જશે.

ક્રિયાઓ વૃત્તિઓમાંથી પેદા થાય છે. શરીરનું સંચાલન મન દ્વારા થાય છે. મનમાં જેવી ઈચ્છાઓ થાય છે એવું કાર્ય શરીર કરે છે. એટલા માટે ખરાબ કૃત્યો માટે શરીરને નહિ, મનને જવાબદાર માનવું જોઈએ. આ તથ્યને ધ્યાનમાં રાખીને ખરાબ વિચારોને જડમૂળથી હટાવીને જીવન સાધનાના મૂળભૂત આધાર એવા મનને સુધારીને જીવન સાધનાનો આરંભ કર્યો.

એવું જોવા મળ્યું છે કે અપરાધ મોટે ભાગે આર્થિક પ્રલોભનો અથવા જરૂરિયાતોના કારણે થાય છે. એટલે એનું મૂળ કાપવા સરેરાશ ભારતીય સ્તરનું જીવન જીવવાનું વ્રત લેવામાં આવ્યું. આપણી પોતાની આવક ભલેને ગમે તેટલી હોય. ભલે તે ઈમાનદારી કે પરિશ્રમથી મેળવેલી કેમ ન હોય, પણ સરેરાશ ભારતીય સ્તરનું જીવન જીવવાનું શક્ય બને એ રીતે પોતાના માટે કે પરિવાર માટે બહુ જ ઓછો ખર્ચ કરવામાં આવે. આ “સાદું જીવન, ઉચ્ચ વિચારનો વ્યાવહારિક સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને કેટલાક લોકો પસંદ કરે છે, એનું સમર્થન પણ કરે છે, પરંતુ પોતાના જીવનમાં એને ઉતારવાનો પ્રશ્ન આવે છે ત્યારે તેને અશક્ય ગણાવે છે. આને વ્રતશીલ બનીને જ નિભાવી શકાય છે. સાથે સાથે પરિવારના સભ્યોને પણ આના માટે સૈદ્ધાંતિક અને વ્યાવહારિક રીતે તૈયાર કરવા પડે છે. આ બાબતમાં સૌથી મોટી મુશ્કેલી લોક રિવાજની આવે છે. જ્યારે બધા લોકો ઈમાનદારી કે બેઈમાનીની કમાણીથી મોજમજા કરે છે, તો આપણે જ આપણા ઉપર આવો અંકુશ શા માટે મૂકવો? પરિજનો અને એમનો પક્ષ લેનારા સગાંસંબંધીઓને આ બાબતમાં સહમત કરવાં બહુ મુશ્કેલ છે, છતાં પણ પોતાની વાત તર્ક, તથ્ય અને પરિણામની સાબિતી આપી. જો યોગ્ય રીતે રજૂ કરવામાં આવે અને જો પોતાનું મનોબળ મજબૂત હોય તો પછી પોતાનાં નજીકનાં સંબંધીઓ પર તેની અસર ન પડે એવું બનતું નથી. આર્થિક અનાચારનું મૂળ કાપવું હોય તો આ કાર્ય આ સ્તરના લોકશિક્ષણ અને રિવાજથી શક્ય બનશે. હું એ વિશ્વાસના આધારે મારી વાત પર દઢ રહ્યો. ઘીયામંડી, મથુરામાં મારો પરિવાર પાંચ વ્યક્તિઓનો હતો. ૧૯૭૧માં હરિદ્વાર ગયો ત્યાં સુધી નિયમિત રૂપે માસિક ખર્ચ રૂપિયા ૨૦૦ રાખવામાં આવ્યું. હળી મળીને ઓછા ખર્ચે બીજા લોકોથી મારો સ્તર જુદા પ્રકારનો બનાવી લેવાને કારણે બધું મજાથી ચાલતું. આમ તો આવક વધારે હતી. પિતાની મિલક્તમાંથી પૈસા આવતા હતા, પણ સંબંધીઓનાં બાળકોને બોલાવી ભણાવવાની નવી જવાબદારી ઉઠાવી તેમાં એ પૈસાનો ખર્ચ કરતો. દુર્ગુણો અને વ્યસનો વિશે એટલા પૈસા જ બચવા દીધા ન હતા. જીવન સાધનાનો એક મહત્ત્વપૂર્ણ પક્ષ સરળતાથી નિભાવતો રહ્યો.

પરિવારને સજાવવાનો, સુસંપન્ન બનાવવાનો અને વારસદારો માટે સંપત્તિ મૂકી જવાનો દરેકને મોહ થાય છે. લોકો પોતે વિલાસી જીવન જીવે છે અને બાળકોને પણ એવી ટેવ પાડે છે. પરિણામે અપવ્યયનો ક્રમ ચાલે છે અને અનીતિની કમાણી માટે અનાચારનો વિચાર અને પ્રયાસ કરવામાં આવે છે. બીજાઓનું પતન અને અનુભવ જોઈને મેં એવા ચિંતન અને રિવાજને ઘરમાં પ્રવેશવા ન દીધાં. એ રીતે ખોટું ખર્ચ ન થયું, દુર્ગુણો પણ ન વધ્યા, કુરિવાજ પણ ન પ્રવેશ્યો અને સુસંસ્કારી પરિવાર વિકસતો ગયો.

ત્રીજો પક્ષ અહંકારનો છે. ડંફાસ, મોટાઈ, ઠાઠમાઠ, સજાવટ, ફેશન વગેરેમાં લોકો ઘણો સમય બગાડે છે અને ઘણું ખર્ચ કરે છે. મારા જીવનમાં તથા પરિવારમાં નમ્રતા અને સાદગીનું એવું બ્રાહ્મણોચિત વાતાવરણ બનાવી રાખ્યું, જેથી અહંકારના પ્રદર્શનની શક્યતા ન રહે. ઘરનું કામકાજ જાતે કરવાની ટેવ પાડી. માતાજીએ ઘણો સમય હાથે જ દળ્યું છે. ઘરનું તથા અતિથિઓનું ભોજન તો તેઓ ઘણા સમયથી બનાવતાં આવ્યાં છે. જ્યારે બહારનાં કાર્યોનો ખૂબ વિસ્તાર થવા લાગ્યો અને એમાં વ્યસ્ત રહેવાને લીધે માતાજી એના માટે સમય કાઢી શકતાં નહિ ત્યારે ઘરમાં નોકરની જરૂર તો પડી.

ઠાઠમાઠથી રહેતા માણસો મોટા કહેવાય અને ગરીબાઈમાં ગુજરાન કરનાર ઉદ્વિગ્ન, અભાગી અને પછાત હોય છે એવું અનુમાન ખોટું નીકળ્યું. મારી બાબતમાં આ વાત ક્યારેય લાગુ પડી નથી, જો હું આળસ અને અયોગ્યતાના લીધે ગરીબાઈ ભોગવતો હોત તો જરૂર એવો ગણાત, પણ કમાણી વધુ હોવા છતાં પણ સાદગી સ્વેચ્છાપૂર્વક અપનાવવામાં આવી. એમાં સિદ્ધાંતોનું પાલન કરવાનું લક્ષ્ય હતું. જે મિત્રો અને સંબંધીઓને મારી સાદગીભરી રહેણીકહેણીની ખબર પડી એમાંથી કોઈએ પણ આને દરિદ્રતા કહી નહિ, પરંતુ બ્રાહ્મણ પરંપરા પ્રમાણેનું જીવન માન્યું. મરચું ન ખાવું. પાદુકા પહેરવી એવી સાદગીથી લોકો સાત્ત્વિકતાની જાહેરાત માત્ર કરે છે, પરંતુ સાચી આધ્યાત્મિકતા સર્વતોમુખી સંયમ અને અનુશાસનથી નભે છે. એમાં સમગ્ર જીવનચર્યાને બ્રાહ્મણ જેવી બનાવવાનો અને અભ્યાસમાં ઉતારવાનો પ્રયત્ન કરવો પડે છે. આ લાંબા સમયની અને ક્રમિક સાધના છે. મેં એના માટે પોતાની જાતને સાધી અને જે કોઈ મારી સાથે જોડાયા એમને પણ શક્ય એટલી સાદગી અપનાવડાવી.

સંચિત કુસંસ્કારોની અસર બધા પર રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે પોતાનો પરિચય આપતા રહ્યા, પણ તેમને ઊગતા જ દાબી દીધા. અજાણ રહેવાથી – ક્ષમ્ય ગણવાથી તે વધત અને કબજો જમાવવામાં સફળ થાત. જ્યારે જયારે એવો અવસર આવ્યો ત્યારે તેમને ફગાવી દીધા. ગુણ, કર્મ અને સ્વભાવ આ ત્રણેય પર ધ્યાન રાખવામાં આવ્યું કે એમાં સાધકની જેમ સાત્ત્વિકતાનો સમાવેશ થાય છે કે નહિ. સંતોષની વાત છે કે આ આંતરિક મહાભારત સાથે જીવનભર લડતા રહેવાના કારણે અત્યારે તેના પર વિજય પ્રાપ્ત થઈ શક્યો.

જન્મથી બધાં અણઘડ હોય છે. જન્મોજન્મના કુસંસ્કાર બધાં પર ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. તે એમ ને એમ દૂર થતા નથી. ગુરુકૃપા અથવા પૂજાપાઠથી પણ એ હેતુ સિદ્ધ થતો નથી. એના સમાધાનનો એક જ ઉપાય છે એમની સામે ઝઝૂમવું. જેવા કુવિચારો આવે કે તરત જ સદ્વિચારોની સેનાને પહેલેથી જ પ્રશિક્ષિત કટિબદ્ધ રાખવી અને તેની સામે લડવા મોકલી દેવી. જો તેમને મૂળ જમાવવાનો અવસર ન મળે તો કુવિચારો અથવા કુસંસ્કાર લાંબા સમય સુધી ટક્તા નથી. એમનું સામર્થ્ય ઓછું હોય છે. તે ટેવ અને રિવાજ પર આધારિત હોય છે. જ્યારે સદ્વિચારોની પાછળ તર્ક, તથ્ય, પ્રમાણ, વિવેક વગેરે અનેકનાં મજબૂત સમર્થનો રહેલાં છે. એટલા માટે શાસ્ત્રકારની વાત એવા સમયે સાચી પડે છે, કે “સત્યનો જ વિજય થાય છે. અસત્યનો નહિ.” આ વાતને આ રીતે પણ કહી શકાય કે પરિપકવ થયેલા સુસંસ્કારો જ જીતે છે, કુસંસ્કાર નહિ. જો સરકસનાં રીંછ અને વાંદરાને આશ્ચર્યજનક ખેલ બતાવવા તાલીમ આપી તૈયાર કરી શકાય તો પછી અણઘડ મન અને જીવનક્રમને સંકલ્પબળથી સુસંસ્કારી ન બનાવી શકવાનું કોઈ કારણ નથી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: