SJ-01 : ત્રીજી હિમાલય યાત્રા – ઋષિ પરંપરાનું બીજારોપણ-૧૭, મારું વિલ અને વારસો
March 3, 2021 Leave a comment
૧૬. ત્રીજી હિમાલય યાત્રા – ઋષિ પરંપરાનું બીજારોપણ
મથુરાનું કાર્ય સારી રીતે ચાલવા લાગ્યું એટલે હિમાલયથી ત્રીજી વાર આદેશ આવ્યો. તેમાં ભવિષ્યમાં ઉઠાવવાનાં ચોથાં પગલાંનો સંકેત હતો. સમય પણ ઘણો થઈ ગયો હતો. આ વખતે કામનું ભારણ વધારે રહ્યું અને સફળતાની સાથેસાથે થાક પણ વધતો ગયો હતો. આવી સ્થિતિમાં બેટરી ચાર્જ કરવાનું આ નિમંત્રણ મારા માટે ખૂબ જ ઉત્સાહવર્ધક હતું. નક્કી કરેલા દિવસે પ્રયાણ શરૂ થયું. જોયેલા માર્ગને પસાર કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. વળી ઋતુ પણ એવી હતી કે જેમાં કડકડતી ઠંડીનો સામનો ન કરવો પડ્યો અને પહેલી વારની જેમ એકલતાની તકલીફનો સામનો ન કરવો પડ્યો. ગોમુખ પહોંચ્યા પછી ગુરુદેવના છાયા પુરુષનું મળવું અને અત્યંત સરળતાપૂર્વક નંદનવન સુધી પહોંચાડી દેવાનું કાર્ય પહેલાંના જેવું જ રહ્યું. સદ્ભયી આત્મીયજનોનું પારસ્પરિક મિલન કેટલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું હોય છે તે તો જેને અનુભવ થયો હોય તે જ જાણી શકે. રસ્તામાં જે શુભ ઘડીની પ્રતીક્ષા કરવી પડી તે અંત આવી ગઈ. અભિવાદન અને આશીર્વાદનો ક્રમ શરૂ થયો અને પછી કીમતી માર્ગદર્શન આપવાનો ક્રમ શરૂ થઈ ગયો.
આ વખતે મથુરા છોડી હરિદ્વારમાં ડેરા નાખવાનો નિર્દેશ મળ્યો અને કહેવામાં આવ્યું, કે “ત્યાં રહીને ઋષિપરંપરાને પુનર્જીવિત કરવાનું કાર્ય શરૂ કરવાનું છે. તને યાદ છે ને કે જ્યારે અહીં પ્રથમ વાર આવ્યો હતો ત્યારે મેં સૂક્ષ્મ શરીરધારી ઋષિઓનાં દર્શન કરાવ્યાં હતાં. દરેક જણે તેમની પરંપરા લુપ્ત થઈ જવાને કારણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તે વચન આપ્યું હતું કે એ કાર્યોને પણ પૂર્ણ કરીશ. આ વખતે આ નિમિત્તે બોલાવવામાં આવ્યો છે.”
“ભગવાન અશરીરી છે. જ્યારે પણ તેને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યો કરાવવાં હોય છે ત્યારે તે ઋષિઓ દ્વારા કરાવે છે. તેઓ મહાપુરુષોને પેદા કરે છે. સ્વયં તપ કરે છે અને પોતાની શક્તિ દેવાત્માઓને આપીને મોટાં કામો કરાવી લે છે. વિશ્વામિત્ર ભગવાન રામને પોતાને ત્યાં રક્ષણના બહાને લઈ ગયા અને ત્યાં બલા-અતિબલા (ગાયત્રી – સાવિત્રી)ની વિદ્યા શિખવાડીને તેમના દ્વારા અસુરતાનો નાશ અને રામરાજ્ય – ધર્મરાજ્યની સ્થાપનાનું કાર્ય કરાવ્યું હતું. કૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા અને ત્યાં ગીતાગાયન, મહાભારતનો નિર્ણય તથા સુદામા ઋષિની કાર્યપદ્ધતિને આગળ વધારવાનો નિર્દેશ લઈને પરત આવ્યા હતા. બધાં પુરાણો એવા ઉલ્લેખોથી ભરેલાં છે કે ઋષિઓએ મહાપુરુષો પેદા કર્યા હતા અને તેમની મદદથી મહાન કાર્યો પૂર્ણ કર્યા હતાં. તેઓ પોતે તો શોધ અને સાધનાઓમાં જ સંલગ્ન રહે છે. આ કાર્યને હવે તારે પૂરું કરવાનું છે.”
“ગાયત્રીના મંત્રદ્રષ્ટા વિશ્વામિત્ર હતા. તેમણે સપ્તસરોવર નામના સ્થાનમાં રહીને ગાયત્રીની સિદ્ધિ મેળવી હતી. એ જ સ્થાન તારા માટે પણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપયોગી થાન તને સરળતાપૂર્વક મળી જશે. તેનું નામ શાંતિકુંજ – ગાયત્રી તીર્થ રાખજે અને પુરાતન કાળના ઋષિઓ સ્થૂળ શરીરથી કરતા હતા એ બધાં કાર્યોનું બીજારોપણ કરજે. અત્યારે તેઓ સુક્ષ્મ શરીરમાં છે. આથી ઈચ્છિત પ્રયોજનને પૂર્ણ કરવા માટે કોઈ શરીરધારીને માધ્યમ બનાવવાની જરૂર પડી છે. મને પણ આવી જરૂરિયાત પડી છે અને તેથી તારા સ્થૂળ શરીરને સત્પાત્ર માનીને એ કાર્યમાં લગાવ્યું છે. આ ઈચ્છા બધા જ ઋષિઓની છે. તું એમની પરંપરાનું નવેસરથી બીજારોપણ કરજે. આ કામ અપેક્ષા કરતાં વધારે અઘરું છે અને એમાં મુશ્કેલીઓ પણ વધારે રહેશે, પણ સાથેસાથે એક વધારાનો લાભ પણ છે કે માત્ર મારું જ નહિ, પરંતુ બધાનું પણ સંરક્ષણ અને અનુદાન તને મળતું રહેશે. આથી કોઈ પણ કાર્ય અટકાશે નહિ.”
જે ઋષિઓનાં અધૂરાં કાર્યો મારે આગળ વધારવાનાં હતાં તેનું ટૂંકું વિવરણ આપતાં તેઓએ કહ્યું, “વિશ્વામિત્ર પરંપરામાં ગાયત્રી મહામંત્રની શક્તિથી દરેકે દરેક વ્યક્તિને પરિચિત કરાવવી અને એક સિદ્ધપીઠ – ગાયત્રી તીર્થનું નિર્માણ કરવાનું છે. વ્યાસ પરંપરામાં આર્ષસાહિત્ય સિવાય અન્ય વિષયો ઉપર સાહિત્યનું સર્જન કરવું તેમ જ પ્રજ્ઞાપુરાણના ૧૮ ભાગ લખવા, પતંજલિ પરંપરામાં યોગસાધનાના તત્ત્વજ્ઞાનનો વિસ્તાર કરવાનું, પરશુરામ પરંપરામાં અનીતિના નાશ માટે જન માનસમાં પરિષ્કારનું વાતાવરણ સર્જવું તથા ભગીરથ પરંપરામાં જ્ઞાનગંગાને જન જન સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી. ચરક પરંપરામાં વનૌષધિને પુનર્જીવિત કરીને તેની. વૈજ્ઞાનિક શોધખોળ કરવાનું, યાજ્ઞવલ્કય પરંપરામાં યજ્ઞથી મનોવિકારોનું શમન કરે તેવી ચિકિત્સા પદ્ધતિ નક્કી કરવી. જમદગ્નિ પરંપરામાં સાધના આરણ્યકનું નિર્માણ અને સંસ્કારોનું બીજારોપણ કરવું, નારદ પરંપરામાં સત્પરામર્શ – માધ્યમથી ધર્મ ચેતનાનો વિસ્તાર, આર્યભટ્ટ પરંપરામાં ધર્મતંત્રના માધ્યમથી રાજ્યતંત્રનું માર્ગદર્શન, શંકરાચાર્ય પરંપરામાં દરેક સ્થાને પ્રજ્ઞા સસ્થાનોનું નિર્માણ, પિપ્પલાદ પરંપરામાં આહાર – કલ્પના માધ્યમથી સમગ્ર સ્વાથ્યનું સંવર્ધન અને સૂત – શૌનક પરંપરામાં દરેક સ્થળે પ્રજ્ઞા આયોજનો દ્વારા લોકશિક્ષણની રૂપરેખાનાં સૂત્રો મને બતાવવામાં આવ્યાં. અથર્વવેદીય વિજ્ઞાન પરંપરામાં કણાદઋષિ પ્રણીત વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિના આધારે બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનની રૂપરેખા તૈયાર થઈ. – હરિદ્વારમાં રહીને મારે શું કરવાનું છે અને માર્ગમાં આવનાર મુશ્કેલીઓનું સમાધાન કેવી રીતે કરવું તે મને ઉપર બતાવેલ નિર્દેશો – અનુસાર વિસ્તારપૂર્વક બતાવી દેવામાં આવ્યું. પહેલાની જેમ જ બધી વાતોને ગાંઠે બાંધી લીધી. પ્રથમવાર તો ફક્ત ગુરુદેવની એકલાની જ ઈચ્છાઓ પૂરી કરવાનો ભાર હતો. આ વખતે તો આ બધાનો ભાર ઉપાડીને ચાલવું પડશે. ગધેડાએ વધારે સાવધાની રાખવી પડશે અને વધારે મહેનત પણ કરવી પડશે.
આ સાથે એ પણ જણાવ્યું કે આ બધું પૂરું કરી લીધા પછી ચોથી વાર આવવાનું અને તેનાથી પણ મોટી જવાબદારી સંભાળવાનું અને સૂક્ષ્મ શરીર અપનાવવાનું પગલું ભરવું પડશે. આ બધું આ વખતે તેમણે સ્પષ્ટ ન કર્યું, ફક્ત સંકેત જ કર્યો. એ પણ બતાવ્યું કે “હરિદ્વારની કાર્યપદ્ધતિ મથુરાના કાર્યક્રમ કરતાં મોટી છે. આથી એમાં ઉતાર – ચઢાવ પણ બહુ રહેશે. અસુરતાનાં આક્રમણોને પણ સહેવાં પડશે, વગેરે વગેરે બાબતો સંપૂર્ણપણે સમજાવી દીધી. સમયની વિષમતા જોતાં એ ક્ષેત્રમાં વધારે રહેવું તેમને ઉચિત નહિં લાગતાં એક વર્ષની જગ્યાએ છ મહિના રહેવાનો નિર્દેશ આપ્યો. ક્યાં, કેવી રીતે રહેવું અને કઈ દિનચર્યાનું પાલન કરવું તે બધું સમજાવીને એમણે વાત પૂરી કરી અને પ્રથમ વારની જેમ જ અંતધ્યાન થઈને જતાં જતાં એટલું કહેતા ગયા કે, “આ કાર્યને બધા જ ઋષિઓનું સંયુક્ત કામ સમજજે, ફક્ત મારું નહિ.” મેં પણ વિદાય સમયે પ્રણામ કરતી વખતે એટલું જ કહ્યું કે, “મારા માટે આપ જ સમસ્ત દેવતાઓના, સમસ્ત ઋષિઓના અને પરબ્રહ્મના પ્રતિનિધિ છો. આપના આદેશને આ શરીર હશે ત્યાં સુધી નહિ ટાળું.” વાત પૂરી થઈ. હું વિદાય લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. છાયાપુરુષે (વીરભદ્ર) ગોમુખ સુધી પહોંચાડી દીધો અને આગળ બતાવેલા સ્થાને હું ચાલતો થયો.
આ યાત્રામાં જે જે સ્થાનો પર મારે રોકાવું પડ્યું તેનો ઉલ્લેખ અહીં એટલા માટે કરવામાં નથી આવ્યો કે તે બધા દુર્ગમ હિમાલયની ગુફાઓના નિવાસી હતા. સમયાંતરે સ્થાન બદલતા રહેતા હતા. હવે તો તેઓનાં શરીરો પણ નષ્ટ થઈ ગયાં હશે, એવી પરિસ્થિતિમાં ઉલ્લેખ કરવાની જરૂર નથી. પાછા આવતાં ગુરુદેવે સપ્તઋષિઓની તપોભૂમિમાં જે સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો, ત્યાં હરિદ્વારમાં તે સ્થાન પર રોકાયો. સારો એવો હિસ્સો સૂમસામ હતો અને વેચવાનો પણ હતો. જમીનમાં પાણી વહેતું હતું. પહેલાં અહીં ગંગા વહેતી હતી. આ સ્થાન ગમ્યું પણ ખરું. જમીનના માલિક સાથે વાતચીત થઈ અને જરૂરી જમીનનો સોદો પણ સરળતાથી પતી ગયો. જમીન ખરીદવામાં રજિસ્ટર, દસ્તાવેજ કરાવવામાં જરાય વિલંબ ન થયો. જમીન મળી ગયા પછી એ જોવાનું હતું કે ત્યાં કઈ જગ્યાએ શું બનાવવાનું છે? આનો નિર્ણય પણ એક્લાએ જ કરવો પડ્યો. સલાહકારો સાથેની વાતચીત કામ ન લાગી, કારણ કે ખૂબ કોશિશ કરવા છતાં પણ તેમને હું એ ન સમજાવી શક્યો કે અહીં ક્યા પ્રયોજન માટે કેવા આકારનું નિર્માણ થવાનું છે. એ કાર્ય પણ મેં જ પૂરું કર્યું. આ રીતે શાંતિકુંજ, ગાયત્રી તીર્થની સ્થાપના થઈ.
પ્રતિભાવો