SJ-01 : બ્રાહ્મણ મન અને ઋષિકાર્ય-૧૯, મારું વિલ અને વારસો
March 5, 2021 Leave a comment
બ્રાહ્મણ મન અને ઋષિકાર્ય
અંતરમાં બ્રાહ્મણવૃત્તિ જાગતાં જ બહિરંગમાં સાધુ પ્રવૃત્તિનો ઉદય થાય તે સ્વાભાવિક છે. બ્રાહ્મણ અર્થાત લાલસાઓ સાથે સંઘર્ષ કરી શકવા યોગ્ય મનોબળનો માલિક, પ્રલોભનો અને દબાણોનો સામનો કરવામાં સમર્થ સરેરાશ ભારતીય સ્તરના નિર્વાહમાં સંતુષ્ટ. આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા માટે આરંભિક જીવનમાં જ માર્ગદર્શકનું સમર્થ પ્રશિક્ષણ મળ્યું. એ હતો બ્રાહ્મણ જન્મ. માતાપિતા તો એક માંસના પિંડને જન્મ આપી ચૂક્યાં હતાં. આવા નરપશુઓનું શરીર કોણ જાણે કેટલીયેવાર ધારણ કરવું પડ્યું હશે અને ત્યાગ પણ કરવો પડ્યો હશે. તૃષ્ણાઓની પૂર્તિ માટે કોણ જાણે કેટલીય વાર પાપનાં પોટલાં બાંધવાં, ઉપાડવાં અને ઢસડવાં તેમ જ ભોગવવાં પડ્યાં હશે, પણ સંતોષ અને ગૌરવ આ જન્મ પર છે, જેને બ્રાહ્મણ જન્મ કહી શકાય. એક શરીર નરપશુનું અને બીજું નરનારાયણનું પ્રાપ્ત કરવાનો સુયોગ આ વખતે મળ્યો છે.
બ્રાહ્મણની પાસે સામર્થ્યનો ભંડાર ભરેલો રહે છે, કારણ કે શરીરયાત્રાનો ગુજારો તો બહુ જ ઓછામાં થઈ જતો હોય છે. હાથી, ઊંટ, ભેંસ વગેરેનાં પેટ મોટાં હોય છે. આથી તેને તે ભરવા માટે વધારે સમય લાગે તો તે સમજી શકાય, પણ મનુષ્ય સામે આ મુશ્કેલી નથી. દશ આંગળીઓવાળા બે હાથ, કમાવાના હજાર હુન્નરો શોધી શકે એવું મગજ, સાધનો અને કુટુંબનો સહકાર – આટલી બધી સગવડો રહેતાં કોઈને ગુજરાનમાં ન કમી પડવી જોઈએ, ન અસુવિધા. વળી પેટની લંબાઈ-પહોળાઈ તો ફક્ત છ ઈંચની જ છે. આટલું તો મોર અને કબૂતર પણ કમાઈ લે છે. મનુષ્યની સામે પોતાના ગુજરાન માટે કોઈ જ સમસ્યા નથી. થોડાક કલાકોની મહેનતમાં જ તે જરૂરિયાત પૂરી થઈ જાય છે. પછી સારો એવો સમય બચી જાય છે. જેના અંતરાલમાં સંત જાગી જાય છે તે એક જ વાત વિચારે છે કે સમય, શ્રમ,મનોયોગની જે પ્રખરતા અને પ્રતિભા પ્રાપ્ત થઈ છે તેનો ઉપયોગ ક્યાં કરવો? ક્વી રીતે કરવો?
આ પ્રશ્નનો ઉત્તર મેળવવામાં વધારે વાર નથી લાગતી. દેવમાનવોનો પુરાતન ઇતિહાસ આના માટે અનેક પ્રમાણભૂત ઉદાહરણોથી ભરેલો છે. તેમાંથી જે કોઈ પ્રિય લાગે, અનુકૂળ લાગે તેને પોતાના માટે પસંદ કરી અપનાવી શકાય છે. કેવળ દૈત્યની જ ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી થતી નથી. કામના, વાસના અને તૃષ્ણાઓ ક્યારેય કોઈની પૂરી થઈ નથી. સાધનોનો વિપુલ ભંડાર એકત્રિત કરી તેને અતિશય પ્રમાણમાં ભોગવવાની યોજનાઓ તો ઘણા બધાએ બનાવી, પણ હિરણ્યકશિપુથી માંડીને સિકંદર સુધી કોઈ પણ એને પૂરી શક્યા નથી.
આત્મા અને પરમાત્માનું મધ્યવર્તી મિલન એટલે દેવમાનવ. આનાં બીજાં પણ ઘણાંય નામો છે. મહાપુરુષ, સંત, સુધારક, શહીદ, વગેરે. પુરાતનકાળમાં એમને ઋષિ કહેવામાં આવતા હતા. ઋષિ એટલે એવા લોકો કે જેઓ પોતાનું ગુજરાન બહુ જ ઓછામાં ચલાવે અને વધારાની શક્તિ અને સંપત્તિનો એવાં કામોમાં ઉપયોગ કરે કે જે સમયની માગને પૂરી કરે. વાતાવરણમાં સત્પ્રવૃત્તિઓનો વધારો કરે. જેઓ શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધી રહ્યા છે તેમને અનુકૂળ મનોબળ મળે. જેઓ વિનાશ કરવા માટે આતુર છે તેમના કુચક્રને સફળતા ન મળે. ટૂંકમાં આવાં જ કાર્યો માટે ઋષિઓના પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયાસો નિરંતર ગતિએ ચાલતા રહે છે. ગુજરાન કરતાં વધેલી ક્ષમતાને તેઓ આવાં કામોમાં વાપરતા રહે છે. જો તેનો હિસાબ કરવામાં આવે તો ચોક્કસ પ્રતીતિ થાય છે કે તેઓએ કેટલું મહાન કાર્ય કરી નાખ્યું. કેટલી લાંબી મંજિલ પાર કરી નાખી. આ એક એક ડગલું સતત ચાલતા રહેવાનું પરિણામ છે. એક એક ટીપું જમા કરતા રહેવાનું પરિણામ છે.
જેમાં માત્ર ભાવોન્માદ જ હોય, આચરણની દૃષ્ટિએ બધું ક્ષમ્ય હોય એવી ભક્તિ મને સમજાઈ નથી. નથી એનો કોઈ સિદ્ધાંત ગમ્યો કે નથી એ કથનના ઔચિત્યના વિવેકને સ્વીકાર્યો. આથી જ્યારે જ્યારે ભક્તિ જાગી ત્યારે અનુકરણ કરવા માટે ઋષિઓનો માર્ગ જ પસંદ પડ્યો અને જે સમય હાથમાં હતો તેને સંપૂર્ણપણે ઋષિપરંપરામાં ખર્ચવાનો પ્રયત્ન ચાલતો રહ્યો. પાછો વળીને જોઉં છું કે નિરંતર પ્રયત્નો કરનાર કણમાંથી મણ ભેગું કરે છે. ચકલી એક એક તણખલું વીણી લાવીને સરસ મજાનો માળો બનાવી દે છે. મારું પણ કંઈક આવું જ સૌભાગ્ય છે કે ઋષિપરંપરાનું અનુકરણ કરવા માટે થોડા ડગલાં ભર્યા, તો તેનું પરિણામ એ આવ્યું કે જેને સમજદાર લોકો ભવ્ય કહે છે.
વિવિધ ઋષિઓએ પોતપોતાના સમયે પોતપોતાના ભાગનાં કામો સંભાળ્યાં અને પૂરાં કર્યા હતાં. એ દિવસોમાં એવી પરિસ્થિતિ, એવા પ્રસંગો અને એટલો અવકાશ પણ હતો કે સમયની માગ પ્રમાણે પોતપોતાનાં કાર્યોને ધીરજપૂર્વક ઉચિત સમયે તેઓ પૂરાં કરતા રહી શક્યા, પણ અત્યારે તો આપત્તિકાળ છે. અત્યારના દિવસોમાં તો અનેક કામો એકસાથે ઝડપથી પૂરાં કરવાનાં છે. ઘરમાં આગ લાગે ત્યારે તેને હોલવવા માટે પ્રયત્ન કરવા ઉપરાંત બાળકોને, કપડાંલત્તાને, સરસામાન, પૈસા ટકા વગેરેને બહાર કાઢવાનું કામ પણ કરવું પડે છે. મારે આવા જ આપત્તિકાળનો સામનો કરવો પડ્યો છે અને હિમાલય યાત્રા વખતે ઋષિઓ દ્વારા સોપેલાં કાર્યોમાંથી દરેકને ઘણું ખરું એક જ સાથે બહુમુખી જીવન જીવીને સંભાળવાં પડ્યાં છે. આના માટે પ્રેરણા, દિશા અને સહાયતા મારા સમર્થ માર્ગદર્શક તરફથી મળી છે અને શરીરથી હું જે કંઈ કરવાને શક્તિમાન હતો, તે સંપૂર્ણ તત્પરતા અને તન્મયતા સાથે પૂર્ણ કરી શક્યો છું. તેમાં પૂરેપૂરી ઈમાનદારી રાખી છે. પરિણામે એ બધાં જ કાર્યો જાણે પહેલેથી જ પૂરાં કરીને ન મૂકી રાખ્યાં હોય એ રીતે પૂરાં થયાં છે! કૃષ્ણ અર્જુનનો રથ હાંક્યો અને અર્જુને ગાંડીવને ઉઠાવ્યું એ પુરાતન ઇતિહાસની વાતો હોવા છતાં મને તો મારા સંદર્ભમાં ચરિતાર્થ થતી દેખાઈ રહી છે.
યુગ પરિવર્તન જેવું મહાન કાર્ય હોય તે તો ભગવાનની ઈચ્છા, યોજના અને ક્ષમતા પર આધારિત હોય છે, પણ તેનું શ્રેય તેઓ ઋષિ, કલ્પ જીવન મુક્ત આત્માઓને આપતા રહે છે. આજ તેમની સાધનાનો-પાત્રતાનો સર્વોત્તમ ઉપાર છે. મારા માટે પણ આવું જ શ્રેય અને ઉપહાર આપવાની ભૂમિકા બની અને હું ધન્ય બની ગયો. દૂરના ભવિષ્યની ઝાંખી અત્યારથી થઈ રહી છે. આથી મને આ લખવામાં રજ માત્ર પણ સંકોચ નથી. – હવે પુરાતન કાળના ઋષિઓ પૈકી કોઈનું પણ સ્થૂળ શરીર રહ્યું નથી. તેમની ચેતના નિર્ધારિત જગ્યાએ મોજુદ છે. એ બધાની સાથે મારો પરિચય કરાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ બધાના પગલે મારે ચાલવાનું છે. એમની કાર્યપદ્ધતિ અપનાવવાની છે. દેવાત્મા હિમાલયના પ્રતીકરૂપે શાંતિકુંજ, હરિદ્વારમાં એક આશ્રમ બનાવવો અને ઋષિપરંપરાને એ રીતે કાર્યાન્વિત કરવી, જેથી યુગ પરિવર્તનની પ્રક્રિયાનું ગતિચક્ર સુવ્યવસ્થિત રૂપે ચાલવા લાગે.
જે ઋષિઓ અને તપસ્વી માનવોએ ક્યારેક હિમાલયમાં રહીને વિવિધ કાર્યો કર્યા હતાં તેની યાદ મને મારા માર્ગદર્શકે ત્રીજી હિમાલય યાત્રા વખતે વારંવાર અપાવી હતી. આમાં હતા ભગીરથ (ગંગોત્રી), પરશુરામ (યમુનોત્રી), ચરક (કેદારનાથ), વ્યાસ (બદરીનાથ), યાજ્ઞવલ્કય (ત્રિયુગી નારાયણ), નારદ (ગુપ્તકાશી), આદ્ય શંકરાચાર્ય (જ્યોતિર્મઠ), જમદગ્નિ (ઉત્તરકાશી), પતંજલિ(રુદ્રપ્રયાગ), વશિષ્ઠ (દેવપ્રયાગ), પિપ્પલાદ, સૂતશૌનક, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન (હૃષીકેશ), દક્ષ પ્રજાપતિ, કણાદ, અને વિશ્વામિત્ર સહિત સપ્ત ઋષિગણ (હરિદ્વાર). આ ઉપરાંત ચૈતન્ય મહાપ્રભુ, સંત જ્ઞાનેશ્વર અને તુલસીદાસજીનાં કાર્યોની ઝલક બતાવીને ભગવાન બુદ્ધના પરિવ્રાજક ધર્મચક્ર પ્રવર્તન અભિયાનને યુગાનુકૂળ પરિસ્થિતિઓમાં સંગીત, સંકીર્તન અને પ્રજ્ઞાપુરાણ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ફેલાવવાનો અને પ્રજ્ઞાવતાર દ્વારા બુદ્ધાવતારનો ઉત્તરાર્ધ પૂરો કરવાનો પણ નિર્દેશ હતો. સમર્થ રામદાસના રૂપમાં જન્મ લઈને જેવી રીતે વ્યાયામ શાળાઓ, મહાવીર મંદિરોની સ્થાપના સોળમી સદીમાં મારી પાસે કરાવવામાં આવી હતી, તેને નૂતન અભિનવ રૂપમાં પ્રજ્ઞા સંસ્થાનો, પ્રજ્ઞાપીઠો, ચરણપીઠો, જ્ઞાન મંદિર તથા સ્વાધ્યાય મંડળ દ્વારા સંપન્ન કરાવવાનો સંપ્ન હિમાલય પ્રવાસ વખતે માર્ગદર્શક દ્વારા આપી દેવામાં આવ્યો હતો.
શાંતિકુંજને દેવાત્મા હિમાલયનું પ્રતીક બનાવવા માટેનો જે નિર્દેશ મળ્યો હતો તે કાર્ય સામાન્ય ન હતું. શ્રમ અને ધન પૂરતી માત્રામાં માગી લે તેવું હતું. સહયોગીઓની સહાયતા પર પણ આધારિત હતું. આ ઉપરાંત અધ્યાત્મના આ ધ્રુવકેન્દ્રમાં સૂક્ષ્મ શરીરથી નિવાસ કરનાર ઋષિઓના આત્માઓનું આહ્વાન કરી પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવાની હતી. આ બધાં કામો એવાં છે, જેને દેવાલય પરંપરામાં અદ્ભુત તથા અનુપમ કહી શકાય છે. દેવતાઓનાં મંદિરો તો અનેક જગ્યાએ બન્યાં છે. તે અલગ અલગ પણ છે. એક જ જગ્યાએ બધા જ દેવતાઓની સ્થાપનાનો તો ક્યાંક સુયોગ થઈ શકે છે, પણ સમસ્ત દેવતાઓ અને ઋષિઓની એક જ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવું સંસારભરમાં ક્યાંય બન્યું નથી. વળી આનાથી પણ મહત્ત્વની વાત તો એ છે કે અહીં ઋષિઓના ક્રિયાકલાપોનો, પ્રવૃત્તિઓનો પરિચય અને દર્શન ફક્ત ચિનપૂજાને બદલે યથાર્થ રૂપમાં થઈ રહ્યાં છે. આ રીતે શાંતિકુંજ, બ્રહ્મવર્ચસ અને ગાયત્રી તીર્થ એક રીતે તો બધા જ ઋષિઓની કાર્યપ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે.
ભગવાન રામે લંકાવિજય અને રામરાજ્યની સ્થાપના નિમિત્તે મંગલાચરણના રૂપે રામેશ્વરમાં શિવ પ્રતીકની સ્થાપના કરી હતી. મારું સૌભાગ્ય છે કે મને યુગપરિવર્તન માટે સંઘર્ષ અને સર્જનના પ્રયોજન માટે દેવાત્મા હિમાલયની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આદેશ મળ્યો. શાંતિકુંજમાં પાંચ પ્રયાગ, પાંચ કાશી, પાંચ સરિતાઓ અને પાંચ સરોવરો સહિત દેવાત્મા હિમાલયનું ભવ્ય મંદિર જોઈ શકાય છે. આમાં બધા જ ઋષિઓનાં સ્થાનોનાં દિવ્ય દર્શન છે. આને એ રીતે અદૂભુત અને અનુપમ દેવાલય કહી શકાય. જે લોકોએ હિમાલયનાં એ દુર્ગમ સ્થાનોનાં ક્યારેય દર્શન કર્યા હોય તેઓ આ નાનકડા હિમાલયનાં દર્શન કરી એ જ લાભ પ્રાપ્ત કરી શકે છે.
જમદગ્નિના પુત્ર પરશુરામે ફરસીથી અનેક ઉદ્ધત અને ઉચ્છૃંખલ લોકોનાં મસ્તક કાપ્યાં હતાં. આ વર્ણન આલંકારિક પણ હોઈ શકે. એમણે યમુનોત્રીમાં તપશ્ચર્યા દ્વારા પ્રખરતાની સાધના કરી અને સર્જનાત્મક ક્રાંતિનો મોરચો સંભાળ્યો. જે વ્યક્તિઓ તત્કાલીન સમાજના નિર્માણમાં બાધક અને અનીતિમાં રચીપચી હતી એવા લોકોની વૃત્તિઓનો એમણે નાશ કર્યો. દુષ્ટ અને ભ્રષ્ટ જનમાનસના પ્રવાહને ઉલટાવીને સીધો કરવાનો પુરુષાર્થ એમણે નિભાવ્યો. આ જ આધારે તેમને ભગવાન શિવ પાસેથી “પરશુ” (ફરસી) પ્રાપ્ત થઈ હતા. ઉત્તરાર્ધમાં એમણે ફરસી ફેંકીને હાથમાં પાવડો ધારણ કર્યો. સ્થૂળ દષ્ટિએ વૃક્ષારોપણ અને સૂક્ષ્મ દૃષ્ટિએ રચનાત્મક પ્રવૃત્તિઓનું બીજારોપણ કર્યું. શાંતિકુંજથી ચાલી રહેલ કલમે અને વાણીએ એ જ પરશુની ભૂમિકા નિભાવી અને અસંખ્યોની માન્યતાઓ, ભાવનાઓ, વિચારણાઓ અને પ્રવૃત્તિઓમાં ધરમૂળથી પરિવર્તન કરી દીધું છે.
ભયંકર દુષ્કાળ પડતાં પાણીના અભાવને નિવારવા માટે ભગીરથે કઠોર તપ કરી સ્વર્ગમાંથી ગંગાને ધરતી પર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી, તે ભાગીરથી શીલા ગંગોત્રીની નજીક છે. ગંગા તેમના તપ અને પુરુષાર્થથી અવતરિત થઈ. આથી તે ભાગીરથી કહેવાઈ. લોકમંગળના પ્રયોજન માટે પ્રચંડ પુરુષાર્થ કરી ભગીરથ દેવી કસોટીમાં પાર ઊતર્યા અને ભગવાન શિવના કૃપા પાત્ર બન્યા. આજે ચારે બાજુ આસ્થાઓનો ભયંકર દુષ્કાળ પડ્યો છે. આને દિવ્ય જ્ઞાનની ગંગાધારાથી જ નિવારી શકાય છે. બૌદ્ધિક અને ભાવનાત્મક દુષ્કાળના નિવારણાર્થે શાંતિકુંજથી જે જ્ઞાનગંગાનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે તે જોતાં આશા બંધાય છે કે આ આસ્થાનો દુકાળ દૂર થઈ જશે. સદૂભાવનાનો પ્રકાશ ચારે બાજુ ફેલાશે.
ચરકઋષિએ કેદારનાથની આસપાસનાદુર્ગમ ક્ષેત્રમાં વનૌષધિઓની શોધખોળ કરીને રોગીઓને નીરોગી કરનાર સંજીવની શોધી કાઢી હતી. શાસ્ત્રોનું કથન છે કે ચરકઋષિ વનસ્પતિ સાથે વાતો કરીને તેના ગુણ પૂછતા હતા અને યોગ્ય સમયે તેને એકઠી કરી તેના ઉપર પ્રયોગો કરતા હતા. જીવનશક્તિનું સંવર્ધન, મનોવિકારોનું શમન અને વ્યાવહારિક ગુણ, કર્મ અને સ્વભાવમાં પરિવર્તન કરવાના ગુણ ધરાવનાર અનેક ઔષધિઓ તેમના સંશોધનની દેન છે. શાંતિકુંજમાં દુર્લભ ઔષધિઓ શોધી કાઢવાના, તેમના ગુણ અને પ્રભાવને વૈજ્ઞાનિક યંત્રોના માધ્યમથી ચકાસણી કરવાના પ્રયોગો ચાલી રહ્યા છે. તેણે એક રીતે આયુર્વેદને પુનર્જીવિત કર્યો છે. સાચી ઔષધિના સેવનથી કેવી રીતે નીરોગી રહીને દિર્ધાયુષી બની શકાય છે, તે સંશોધન આ ઋષિ પરંપરાનાં પુનર્જીવન માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોની કડી છે.
મહર્ષિ વ્યાસે નર અને નારાયણ પર્વતની વચ્ચે વસુધારા ધોધની નજીક વ્યાસગુફામાં ગણેશજીની મદદથી પુરાણો લખવાનું કાર્ય કર્યું. ઉચ્ચસ્તરીય કાર્ય માટે એકાંત, શાંત અને સતોગુણી વાતાવરણ જરૂરી હતું. આજની પરિસ્થિતિઓમાં જ્યારે પ્રેરણાદાયી સાહિત્યનો અભાવ છે, પુરાતન ગ્રંથો લુપ્ત થઈ રહ્યા છે ત્યારે મેં આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ચાર વેદ, અઢાર પુરાણ, ૧૦૮ ઉપનિષદ, છ દર્શન શાસ્ત્રો, ૨૪ ગીતાઓ, આરણ્યક, બ્રાહ્મણગ્રંથો વગેરેનું ભાષ્ય કરી જનહિતાય સરળ અને વ્યાવહારિક બનાવીને મૂકી દીધું હતું. આની સાથે જ જનસમુદાયની દરેક સમસ્યાઓના વ્યાવહારિકસમાધાન માટેયુગાનુકૂળ સાહિત્ય સતત લખ્યું છે, જેણે લાખો વ્યક્તિઓના મન – મસ્તિષ્કને પ્રભાવિત કરીને સાચી દિશા આપી છે. પ્રજ્ઞાપુરાણના ૧૮ ભાગ તદ્દન નવું સર્જન છે, જેમાં કથા સાહિત્યના માધ્યમથી ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને જન સુલભ બનાવવામાં આવ્યું છે.
પતંજલિ ઋષિએ રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિની નદીના સંગમ સ્થાનમાં રહીને યોગવિજ્ઞાનના વિવિધ પ્રયોગોનો આવિષ્કાર અને તેનું પ્રચલન કર્યું હતું. એમણે પ્રમાણિત કર્યું કે માનવીય કાયામાં ગુપ્ત ઊર્જાનો ભંડાર છુપાયેલો છે. આ શરીરતંત્રનાં ઊર્જાકેન્દ્રોને પ્રસુપ્ત અવસ્થામાંથી જાગૃત કરી મનુષ્ય દેવમાનવ બની શકે છે. રિદ્ધિ-સિદ્ધિ સંપન્ન બની શકે છે. શાંતિકુંજમાં યોગ સાધનાના વિવિધ નિયમો યોગત્રયી, કાયાકલ્પ અને આસન – પ્રાણાયામના માધ્યમથી આ માર્ગ પર ચાલનાર જિજ્ઞાસુ સાધકોની કીમતી ઉપકરણોથી શારીરિક-માનસિક પરીક્ષા સુયોગ્ય ચિકિત્સકો પાસે કરાવીને સાધના બતાવવામાં આવે છે અને ભાવિ જીવનસંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે.
યાજ્ઞવલ્કયએત્રિયુગી નારાયણમાં રહીને યજ્ઞવિદ્યાની શોધ કરી હતી. તેના ભેદ-ઉપભેદોનું પરિણામ મનુષ્ય અને સમગ્ર જીવ – જગતના સ્વાથ્થસંવર્ધન માટે, વાતાવરણની શુદ્ધિ, વનસ્પતિ સંવર્ધન અને વરસાદ વરસાવવા રૂપે પરીક્ષણ કર્યું હતું. હિમાયેલના આ દુર્ગમ સ્થાનમાં એક યજ્ઞકુંડ છે અને તેમાં અખંડ અગ્નિ છે, જેને શિવપાર્વતીના લગ્ન સમયથી અખંડ માનવામાં આવે છે. આ તે પરંપરાની પ્રતીક અગ્નિ શિખા છે. આજે વિજ્ઞાનની લુપ્ત થઈ ગયેલી શૃંખલાને ફરીથી શોધીને સમયને અનુરૂપ અન્વેષણ કરવાની જવાબદારી બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાને પોતાના માથે લીધી છે. યજ્ઞોપચાર પદ્ધતિ (યજ્ઞપેથી)ના સંશોધન માટે સમયને અનુરૂપ આધુનિક સાધનોથી સુસજ્જ એવી એક સર્વાગ સંપૂર્ણ પ્રયોગશાળા બ્રહ્મવર્ચસ્ શોધ સંસ્થાનના પ્રાંગણમાં મધ્યમાં બનાવવામાં આવી છે. વનૌષધિયજનથી શારીરિક અને માનસિક રોગોનો ઉપચાર, મનોવિકારોનું શમન, સંજીવની શક્તિનો વધારો, પ્રાણવાન વર્ષા અને વાતાવરણને સંતુલિત કરવાના પ્રયોગો અને તેનાં પરિણામો જોઈ જિજ્ઞાસુઓ આશ્ચર્યચકિત રહી જાય છે.
વિશ્વામિત્રને ગાયત્રી મહામત્રના દ્રષ્ટા અને નૂતન સૃષ્ટિના સટ્ટા, માનવામાં આવ્યા છે. તેમણે સપ્તર્ષિઓ સહિત જે સ્થાનમાં તપ કરી અને આદ્યશક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો તે પાવન ભૂમિ આ શાંતિકુંજ, ગાયત્રી તીર્થની જ છે. જેને મારા માર્ગદર્શકે દિવ્યચક્ષુઓ દ્વારા બતાવી હતી અને આશ્રમ નિર્માણ માટે પ્રેરણા આપી હતી. વિશ્વામિત્રની સર્જન સાધનાના સૂક્ષ્મ સંસ્કારો અહીં સધન છે. મહાપ્રજ્ઞાને યુગશક્તિનું રૂપ આપવા, તેમની ચોવીસ મૂર્તિઓની સ્થાપના કરી સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં આદ્યશક્તિનો વસુધૈવ કુટુંબકમ્ અને સદ્બુદ્ધિની પ્રેરણાવાળો સંદેશ અહીંથી જ ઉદૂર્ઘોષિત થયો. અનેક સાધકોએ અહીં ગાયત્રી અનુષ્ઠાનો કર્યા છે અને આત્મિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે. શબ્દશક્તિ અને સાવિત્રી વિદ્યા ઉપરનું વૈજ્ઞાનિક સંશોધન વિશ્વામિત્ર પરંપરાનું જ પુનર્જીવન છે.
જમદગ્નિનું ગુરુકુળ – આરણ્યક ઉત્તરકાશીમાં આવેલું હતું. બાળકો તથા વાનપ્રસ્થોના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા ત્યાં થતી હતી. અલ્પકાલીન સાધના, પ્રાયશ્ચિત્ત તથા અન્ય સંસ્કારો કરાવવાની તથા પ્રૌઢોને શિક્ષણ આપવાની અહીં સમુચિત વ્યવસ્થા હતી. પ્રખર વ્યક્તિઓ તૈયાર કરવાનું, વાનપ્રસ્થો અને પરિવ્રાજકો જેવા લોકસેવકો તૈયાર કરવાનું શિક્ષણ, ગુરુકુળમાં બાળકોને નૈતિક શિક્ષણ તથા શિલ્પી વિદ્યાલયમાં સમાજ નિર્માણની વિદ્યાનું શિક્ષણ – આ ઋષિ પરંપરાને આગળ વધારવા માટે શાંતિકુંજ દ્વારા સંચાલિત ક્રિયા-ક્લાપો આવા જ છે.
દેવર્ષિ નારદે ગુપ્ત કાશીમાં તપશ્ચર્યા કરી. તે હમેશાં પોતાના વીણા વાદન દ્વારા જનજાગરણનું કાર્ય કરતા રહેતા હતા. તેમણે સત્પરામર્શ દ્વારા ભક્તિ ભાવનાઓને જાગૃત તથા વિકસિત કરી હતી. શાંતિકુંજના યુગગાયન શિક્ષણ વિદ્યાલયે અત્યાર સુધીમાં હજારો પરિવ્રાજકોને પ્રશિક્ષણ આપીને તૈયાર કર્યા છે. આ તૈયાર થયેલ પરિવ્રાજકો પોતપોતાના ક્ષેત્રમાં એક્લા અથવા તો સમૂહમાં જીપટોળી દ્વારા ભ્રમણ કરીને નારદ પરંપરાનું અનુકરણ કરી રહ્યા છે.
રામને યોગવાશિષ્ઠનો ઉપદેશ આપનાર વશિષ્ઠ ઋષિ દેવપ્રયાગમાં ધર્મ અને રાજનીતિનો સમન્વય ચલાવતા હતા. ઈ.સ. ૧૯૩૦ થી ૧૯૪૭ સુધી શાંતિકુંજના સૂત્રધારે આઝાદીની લડત વખતે જેલમાં જઈ કઠોર યાતનાઓ પણ સહન કરી છે. પછીથી સાહિત્યના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ધર્મ અને રાજનીતિના સમન્વય માટે જે કંઈ થઈ શક્યું તે કર્યું છે અને પૂરા મનોયોગ સાથે કરી રહ્યો છું.
આદ્ય શંકરાચાર્યએ જ્યોતિર્મઠમાં તપ કર્યું અને દેશના ચાર ખૂણે ચાર ધામોની સ્થાપના કરી. વિભિન્ન સંસ્કૃતિઓનો સમન્વય કરવો અને ધાર્મિક સંસ્થાઓના માધ્યમથી જનજાગરણ કરવું તે તેમનું લક્ષ્ય હતું. શાંતિકુંજના તત્ત્વાવધાનમાં ૨૪૦ ગાયત્રી શક્તિપીઠોનું નિર્માણ થયું છે, જ્યાંથી ધર્મધારણાને સમુન્નત કરવાનું કાર્ય નિરંતર ચાલતું રહે છે. આ ઉપરાંત પણ મકાન વગરનાં હરતાંફરતાં પ્રજ્ઞા સંસ્થાનો અને સ્વાધ્યાય મંડળો દ્વારા સમગ્ર દેશમાં ચેતના કેન્દ્રો ઠેર ઠેર કામ કરી રહ્યાં છે. તમામ કેન્દ્રો ચારેય ધામોની પરંપરામાં પોતપોતાના ક્ષેત્રમાં યુગચેતનાનો આલોક ફેલાવી રહ્યાં છે.
મહર્ષિ પિપ્પલાદે હૃષીકેશની નજીકમાં જ અન્નનો મન પર કેવો પ્રભાવ પડે છે તેનું સંશોધન કર્યું હતું. તેઓ પીપળાના વૃક્ષનાં ફળો પર નિર્વાહ કરીને આત્મસંયમ દ્વારા ઋષિત્વ પામી શક્યા. મેં ચોવીસ વર્ષ સુધી જવની રોટલી અને છાશ ઉપર રહીને ગાયત્રી અનુષ્ઠાનો કર્યા. આ ઉપરાંત આજીવન બાફેલો આહાર અને અન્ન તથા શાકભાજી પર રહ્યો. અત્યારે પણ બાફેલાં અનાજ અને લીલી વનસ્પતિઓના કલ્પ પ્રયોગની પ્રતિક્રિયાનું સંશોધન શાંતિકુંજમાં “અમૃતાશન શોધ’ નામથી ચાલી રહ્યું છે. હૃષીકેશમાં જ રહીને સૂત શૌનક ઋષિ દરેક જગ્યાએ કથા વાંચન દ્વારા પુરાણકથાનાં જ્ઞાન સત્રો કરાવતા હતા, પ્રજ્ઞાપુરાણનું કથા વાચન એટલું તો પ્રચલિત થયું છે કે લોકો તેને યુગ પુરાણ કહે છે. તેના ચાર ભાગ છપાઈ ગયા છે. હજુ ચૌદ ભાગ પ્રકાશિત થવાના છે. – હરિદ્વારમાં હરકી પૈડીમાં સર્વમેધ યજ્ઞમાં હર્ષવર્ધને પોતાની તમામ સંપત્તિ તક્ષશિલા વિશ્વ વિદ્યાલયના નિર્માણમાં આપી દીધી હતી. શાંતિકુંજના સૂત્રધારે પોતાની તમામ સંપદા ગાયત્રી તપોભૂમિ તથા જન્મભૂમિમાં વિદ્યાલયના નિર્માણ માટે આપી દીધી. પોતાના માટે કે બાળકો માટે આમાંથી એક પૈસો પણ રાખ્યો નથી. હવે આ પરંપરાને કાયમ માટે શાંતિકુંજમાં સ્થાયી રૂપે જોડાતા લોકસેવકો નિભાવી રહ્યા છે.
કણાદ ઋષિએ અથર્વવેદની શોધ પરંપરા હેઠળ પોતાના સમયમાં અણુવિજ્ઞાનના વૈજ્ઞાનિક અધ્યાત્મવાદનું સંશોધન કર્યું. બુદ્ધિવાદીઓને ગળે ઉતારવા માટે સમયને અનુરૂપ આપ્ત વચનોની સાથેસાથે તર્ક, તથ્ય અને પ્રમાણ પણ અનિવાર્ય છે. બ્રહ્મવર્ચસ્ શોધ સંસ્થાનમાં અધ્યાત્મ (દેવ) અને વિજ્ઞાન (રાક્ષસ) ના સમન્વયનું સમુદ્ર મંથન ચાલી રહ્યું છે. ફક્ત દાર્શનિક સંશોધન જ નહિ, પણ વૈજ્ઞાનિક પ્રમાણો રજૂ કરવાં તે એની સૌથી મોટી વિશેષતા છે. શાંતિકુંજની ઉપલબ્ધિઓ તરફ સમગ્ર સંસાર મોટી મોટી આશાઓ રાખીને બેઠો છે.
બુદ્ધના પરિવ્રાજકો દીક્ષા લઈને સંસારભરમાં ધર્મચક્ર પ્રવર્તન માટે નીકળ્યા હતા. શાંતિકુંજમાં, માત્ર પોતાના દેશમાં જ ધર્મપ્રસાર માટે નહિ, પણ જગતના બધા જ દેશોમાં જ દેવ – સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા માટે પરિવ્રાજકોને દીક્ષિત કરવામાં આવે છે. અહીં આવનાર પરિજનોને ધર્મ ચેતનાથી ભરી દેવામાં આવે છે. ભારતમાં જ ઘણુંખરું એક લાખ પ્રજ્ઞાપુત્રો સતત પ્રવ્રજયા કરી ઘેર ઘેર અલખ જગાવવાનું કાર્ય કરી રહ્યા છે.
આર્યભટ્ટે સૌરમંડળના બધા જ ગ્રહ-ઉપગ્રહોનું ગણિત ગણી એ જ્ઞાન મેળવ્યું હતું કે સૌરમંડળ પૃથ્વી સાથે શું આદાન-પ્રદાન કરે છે અને તેના આધારે પૃથ્વીનું વાતાવરણ અને સમગ્ર પ્રાણી-સૃષ્ટિ કેવી રીતે પ્રભાવિત થાય છે. શાંતિકુંજમાં એક વેધશાળા બનાવવામાં આવી છે અને તેની સાથે આધુનિક યંત્રોનું જોડાણ કરી જયોતિર્વિજ્ઞાનનું સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે. દશ્ય ગણિત પંચાંગ અહીંની એક અનોખી ભેટ છે.
ચૈતન્ય મહાપ્રભુ, સંત જ્ઞાનેશ્વર, સમર્થ ગુરુ રામદાસ, પ્રાણનાથ મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ વગેરે તમામ મધ્યકાલીન સંતોની ધર્મધારણાના વિસ્તારની પરંપરાનું અનુસરણ શાંતિકુંજમાં કરવામાં આવ્યું છે.
સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આશ્રમનું વાતાવરણ એટલા પ્રબળ સંસ્કારોથી યુક્ત છે કે અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ સહજ રીત અધ્યાત્મ તરફ ખેચાય છે. તેનું કારણ અહીં સૂક્ષ્મ સત્તાધારી ઋષિઓની હાજરી છે. તેઓ મારા વડે સંપન્ન થઈ રહેલ કાર્યોને પુનર્જીવિત થતાં જોઈ ચોક્કસ પ્રસન્ન થતા હશે અને ભાવપૂર્ણ આશીર્વાદ આપતા હશે. ઋષિઓના તપના પ્રતાપથી જ આ ધરતી દેવ માનવોથી ધન્ય બની છે. વાલ્મીકિ આશ્રમમાં લવ અને કુશ તથા કવિ આશ્રમમાં ચક્રવર્તી ભરતનો વિકાસ થયો હતો. કૃષ્ણ અને રુક્મિણીએ બદ્રીનારાયણમાં તપ કરી પ્રદ્યુમ્નને જન્મ આપ્યો હતો. પવન અને અંજનીએ તપસ્વી પૂષાના આશ્રમમાં બજરંગબલીને જન્મ આપ્યો. આ હિમાલય ક્ષેત્રમાં કરેલી તપ સાધનાનાં જ ચમત્કારી વરદાનો હતાં.
સંસ્કારવાન ક્ષેત્ર અને તપસ્વીઓના સંપર્ક-લાભનાં અનેક ઉદાહરણો છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું ટીપું છીપમાં પડવાથી મોતી, વાંસમાં વંશલોચન અને કેળમાં કપૂરનું નિર્માણ થાય છે.ચંદનની નજીક ઊગેલાં ઝાઝાંખરાં પણ સુગંધિત બની જાય છે. પારસનો સ્પર્શ કરી લોખંડ સોનું બની જાય છે. મારા માર્ગદર્શક સૂક્ષ્મ શરીરથી પૃથ્વીના સ્વર્ગ જેવા હિમાલયમાં સૈકાઓથી રહે છે જેના દ્વારે હું બેઠો છું. મારી બેટરી ચાર્જ કરવા માટે મને સમયાંતરે બોલાવતા રહે છે. જ્યારે પણ નવું કામ સોંપવાનું હોય છે ત્યારે તેઓ નવી શક્તિ આપવા માટે મને બોલાવે છે અને પાછા આવતી વખતે મને લખલૂટ શક્તિનો ભંડાર આપી રવાના કરે છે તેનો મને અનુભવ થયો છે.
હું પ્રજ્ઞાપુત્રોને જાગૃત આત્માઓને યુગપરિવર્તનના કાર્યમાં રીંછ વાનર, ગ્વાલ બાલની ભૂમિકા નિભાવવાની શક્તિ આપવા માટે શિક્ષણ આપવા અને સાધના કરાવવા માટે ઘણીવાર શાંતિકુંજ બોલાવતો રહું છું. આ સ્થાનની પોતાની આગવી વિશેષતા છે. ગંગાની ગોદ, હિમાલયની છાયા, પ્રાણચેતનાથી ભરપૂર વાતાવરણ અને દિવ્ય સંરક્ષણ અહીં ઉપલબ્ધ છે. અહીં થોડોક સમય પણ રહેનારાઓ પોતાનામાં કાયકલ્પ જેવું પરિવર્તન થયાનું અનુભવે છે. એમને લાગે છે કે ખરેખર કોઈ જાગૃત તીર્થમાં નિવાસ કરીને અભિનવ ચેતના પ્રાપ્ત કરીને પાછા આવી વા છીએ. આ એક પ્રકારનું આધ્યાત્મિક સેનેટોરિયમ છે.
સાઠ વર્ષથી ચાલતો અખંડ દીપક, નવકુંડી યજ્ઞ શાળામાં નિત્ય બે કલાક યજ્ઞ, બંને નવરાત્રિમાં ૨૪-૨૪ લાખનાં ગાયત્રી મહાપુરશ્ચરણ, સાધના આરણ્યકમાં નિત્ય ઉપાસકો દ્વારા નિયમિત ગાયત્રી અનુષ્ઠાન વગેરેથી મલયાચલ પર્વત ઉપર ચંદન વૃક્ષોનું મનગમતી સુગંધ જેવા દિવ્ય વાતાવરણનું અહીં નિર્માણ થાય છે. સાધના કર્યા વગર પણ અહીં એવો આનંદ આવે છે, જાણે કે સમય તપમાં જ પસાર થયો છે. અહીં સતત દિવ્ય અનુભૂતિ થતી રહે છે એ જ શાંતિકુંજ ગાયત્રી તીર્થની વિશેષતા છે. આ સંસ્કારિત સિદ્ધપીઠ છે. કારણ કે અહીં સૂક્ષ્મ-શરીરધારી એ બધા જ ઋષિઓ તેમના ક્રિયાકલાપો રૂપે વિદ્યમાન છે, જેમનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.
ઉપર્યુક્ત વર્ણનમાં ઋષિ-પરંપરાની કેટલીક તૂટતી કડીઓને જોડવાનો એ ઉલ્લેખ છે, જેને બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આવા પ્રસંગો એક નહિ પણ અનેક છે, જેના ઉપર છેલ્લાં ૭૦ વર્ષોથી કામ ચાલી રહ્યું છે. એ સિદ્ધ કરવામાં આવી રહ્યું છે કે લગન તથા તત્પરતાયુક્ત ઉચ્ચ સ્તરીય પ્રયોગો કરવામાં આવે તો તેનાં પરિણામો કેટલાં મહત્ત્વપૂર્ણ હોય છે.
મારા જીવનનું સૌથી મોટું અને મહત્ત્વનું કામ એક જ છે કે વાતાવરણને બદલવા માટે દેશ્ય અને અદશ્ય પ્રયત્નો કરવામાં આવે. અત્યારે આસ્થા સંકટ સર્વત્ર વ્યાપેલું છે. લોકો નીતિ અને મર્યાદાને તોડવા માટે ખરાબ પ્રયાસો કરી રહ્યા છે. પરિણામે અનાચારોની અભિવૃદ્ધિના કારણે ચારે બાજુ અનેક સંકટો છવાઈ ગયાં છે. નથી વ્યક્તિ સુખી, નથી સમાજમાં સ્થિરતા. સમસ્યાઓ,વિપત્તિઓ તથા વિભીષિકાઓ નિરંતર વધી રહ્યાં છે. સુધારણાના પ્રયત્નો ક્યાંય સફળ થતા નથી. સ્થિર સમાધાન માટે લોકમાનસનો પરિષ્કાર અને સમ્પ્રવૃત્તિઓનું સંવર્ધન આ જ બે ઉપાયો છે. આ બંને ઉપાયો પ્રત્યક્ષ રચનાત્મક, સંગઠનાત્મક અને સુધારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા અને પરોક્ષ આધ્યાત્મિક ઉપાયો દ્વારા પણ ચાલવા જોઈએ. ગત વર્ષોમાં આ જ કરવામાં આવ્યું છે. મારા સંપૂર્ણ સામર્થ્યને આમાં જ હોમી દેવામાં આવ્યું છે. એનાં આશ્ચર્યજનક પરિણામો આવ્યાં છે અને હવે જે કંઈ થશે તે અકથ્ય હશે.
એક શબ્દમાં કહેવું હોય તો આ બ્રાહ્મણ મનોભૂમિ દ્વારા અપનાવેલી સંત પરંપરા અપનાવવામાં દાખવેલી તત્પરતા છે. આવા પ્રયત્નોમાં જોડાયેલા લોકો પોતાનું કલ્યાણ તો કરે જ છે, સાથે બીજાઓનું પણ કરે છે.
પ્રતિભાવો