SJ-01 : મારી પ્રત્યક્ષ સિદ્ધિઓ-૨૦, મારું વિલ અને વારસો
March 6, 2021 Leave a comment
મારી પ્રત્યક્ષ સિદ્ધિઓ
જ્યારે સંપત્તિ એકઠી થાય છે ત્યારે તેનો પ્રભાવ દૃષ્ટિગોચર થવા લાગે છે. શારીરિક રીતે સ્વસ્થ મનુષ્ય બળવાન અને સુંદર દેખાય છે. ધનવાનોના ઠાઠમાઠ વધી જાય છે. બુદ્ધિશાળીઓનો વૈભવ તેમની વાણી અને રહેણીકરણીમાં દેખાવા લાગે છે. એ જ રીતે આધ્યાત્મિક સંપત્તિ વધવાથી તેનો પ્રભાવ પણ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થવા લાગે છે. સાધનાથી સિદ્ધિનો અર્થ છે- અસાધારણ સફળતાઓ. સાધારણ સફળતાઓતો સામાન્ય માણસ પણ પોતાના પુરુષાર્થ અને સાધનોથી પ્રાપ્ત કરતા રહે છે અને વિવિધ પ્રકારની સફળતાઓ પણ પ્રાપ્ત કરતા રહે છે. અધ્યાત્મક્ષેત્ર વિશાળ છે. આથી તેની સિદ્ધિઓ પણ સામાન્ય માણસના એક્લાના પ્રયાસથી ન મેળવી શકાય એટલી જ ઊંચી હોવી જોઈએ.
દુર્ભાગ્યની વાત તો એ છે કે આજે આધ્યાત્મિકતાનું અવમૂલ્યન થતાં થતાં તે જાદુગરીના સ્તરે પહોંચી ગઈ છે અને સિદ્ધિઓનું તાત્પર્ય લોકો કૌતુક – કુતૂહલ ઉત્પન્ન કરતા અને દર્શકોને અચંબામાં નાખતા ચમત્કારને સમજવા લાગ્યા છે. પછી ભલે આવાં કૌતુકો નિરર્થક કેમ ન હોય? હાથમાંથી કંકુ કાઢવું એ કોઈ એવું કાર્ય નથી કે જેનાથી કોઈનું ભલું થતું હોય. અસાધારણ કૃત્યો, અચંબો પમાડે તેવી હાથચાલાકી જાદુગરો જ કરતા હોય છે અને તેના સહારે વાહવાહ બોલાવે છે અને પૈસા કમાય છે. પણ આમાંથી એક પણ કાર્ય એવું નથી, જેનાથી માનવહિત થઈ શકતું હોય. કુતૂહલ પેદા કરી મોટાઈ સાબિત કરવી એ જ એમનું કામ હોય છે. આના સહારે ગુજરાન ચલાવે છે, સિદ્ધ-પુરુષોમાં પણ કેટલાય એવા છે, જેઓ થોડીક હાથચાલાકી બતાવી પોતાની સિદ્ધિઓની જાહેરાત કરતા હોય છે. હવામાં હાથ હલાવી ઈલાયચી અથવા મીઠાઈ મંગાવવી, ડબલ પૈસા કરવા વગેરેના બહાને ચમત્કૃત કરીને કેટલાય ભોળા લોકોને ઠગવાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે. જે લોકો જાદુ અને અધ્યાત્મની સફળતા વચ્ચેનો ભેદ સમજી શકતા નથી તેઓ બાળક બુદ્ધિના છે. જાદુગરો અને સિદ્ધ-પુરુષોના જીવન વ્યવહાર અને સ્તરમાં જે મૌલિક તફાવત હોય છે તેને ઓળખવો ખૂબ જ જરૂરી છે.
સાધનાથી સિદ્ધિનું તાત્પર્ય એવાં વિશિષ્ટ કાર્યો સાથે છે, જે લોક કલ્યાણ સાથે સંબંધિત હોય છે તથા તે કાર્યો એટલાં વિશાળ અને ભારે હોય છે કે કોઈ એક જ વ્યક્તિ પોતાના એકાકી સંકલ્પ અથવા પ્રયાસથી સંપન્ન કરી શકતી નથી. છતાં સિદ્ધ-પુરુષો એ કરવાનું દુસ્સાહસ કરે છે, આગળ વધવાનું પગલું ભરે છે અને અશક્ય લાગતાં કાર્યને પણ શક્ય કરી બતાવે છે. સમયાનુસાર લોકોનો સહકાર એમને પણ મળતો રહે છે. કોઈ પણ કાર્યમાં સૃષ્ટિના નિયમો મુજબ સહયોગ મળતો રહે છે, તો પછી એવું કોઈ કારણ નથી કે શ્રેષ્ઠ કાર્યો માટે લોકોનોં સહકાર ન મળે. પ્રશ્ન એક જ છે કે અધ્યાત્મવાદીઓ સાધનો અને સહયોગ વિના પણ આગળ ડગલાં માંડે છે અને આત્મવિશ્વાસ તથા ઈશ્વર-વિશ્વાસના સહારે પોતાની નાવ પાર થઈ જશે એવો ભરોસો રાખે છે. સામાન્ય લોકોની મનઃસ્થિતિ આવી નથી હોતી. તેઓ પોતાની સામે સાધન અને સહયોગની વ્યવસ્થા જોયા પછી જ તેમાં હાથ નાખે છે.
સાધનારત સિદ્ધ-પુરુષો દ્વારા જ મહાન કાર્યો સંપન્ન થતાં રહે છે. આ જ તેમની સિદ્ધિનો ચમત્કાર છે. દેશમાં સ્વતંત્રતા – સંગ્રામનું આંદોલન ચાલુ કરાવવા માટે સમર્થ ગુરુ રામદાસ એક મરાઠા બાળકને આગળ કરી તેમાં જોડાઈ ગયા અને તેને આશ્ચર્યકારક સીમા સુધી વધારી શક્યા. બુદ્ધ વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપી બુદ્ધિવાદી આંદોલન ચલાવ્યું અને સમગ્ર સંસારમાં ખાસ કરીને એશિયા ખંડના ખૂણેખૂણામાં ફેલાવ્યું. ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન ચાલુ કર્યું, મુઠ્ઠીભર લોકોના સહયોગથી ધરાસણામાં મીઠું બનાવવાની સાથે શરૂ કર્યું, તેનો કેટલો વિસ્તાર થયો અને કેવાં પરિણામો આવ્યાં તે સૌ જાણે છે. એકલા વિનોબા દ્વારા શરૂ કરવામાં આવેલું ભૂદાન આંદોલન કેટલું વ્યાપક અને સફળ થયું તે કોઈથી અજાણ્યું નથી. સ્કાઉટિંગ, રેડક્રોસ જેવાં કેટલાંય આંદોલન બહુ જ નાનકડા સ્વરૂપમાં શરૂ થયાં અને આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયાં. રાજસ્થાનનાં વનસ્થળી બાલિકા વિદ્યાલય, બાબા આપ્ટેનું અપંગ અને રક્તપિત્તિયાઓનું સેવાસદન વગેરે એવાં પ્રત્યક્ષ કાર્યો છે. જેને સાધનાની સિદ્ધિનું પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. એવાં અગણિત કાર્યો સંસારમાં પૂરાં થયાં છે, જેમાં તે શરૂ કરનારાઓનાં કૌશલ્ય, સાધન અને સહયોગ નગણ્ય હતાં, પણ તેમનું આત્મબળ અસીમ હતું. એટલાથી જ એમની ગાડી ચાલવા લાગી અને જ્યાં ત્યાંથી તેલ-પાણી મેળવીને તેની મંજિલ સુધી જઈ પહોંચી. સારા ઉદ્દેશોની પૂર્ણતા પાછળ સાધનાથી સિદ્ધિનો જ પ્રકાશ જોઈ શકાય છે.
મારી જીવનસાધનાની પરિણતિને જો કોઈ સિદ્ધિના સ્તર પર શોધવા ઈચ્છે તો તેને નિરાશ થવું નહિ પડે. દરેક ડગલું કૌશલ્ય અને ઉપલબ્ધ સાધનોની સીમા કરતાં વધારે ઊંચા સ્તરનું ભર્યું છે. શરૂઆત કરતી વખતે સિદ્ધિઓનું પર્યવેક્ષણ કરનારાઓએ એને મૂર્ખતા કહી અને પાછળથી હાસ્યાસ્પદ બનવાની ચેતવણી પણ આપી, પરંતુ તે હાથમાં લેવા માટે જેની પ્રેરણા કામ કરાવી રહી હતી તે ભગવાન સાથે હોવાનો મનમાં અતૂટ વિશ્વાસ હતો. લિપ્સારહિત અંતઃકરણમાં એવા જ સંકલ્પો જગતા હોય છે, જે લોકમંગળનાં કાર્યો સાથે સંબંધિત હોય છે અને જેની પાછળ દિવ્ય સહયોગ મળી રહેવાનો વિશ્વાસ હોય.
સાધનાની ઊર્જા સિદ્ધિના સ્વરૂપમાં પરિપક્વ થઈ તો તેને સામયિક જરૂરિયાતોના કોઈપણ કાર્યમાં હોમી દેવાનો નિશ્ચય કર્યો. કાર્ય શરૂ થયું. સહયોગનાં સાધનો મળી રહેવાનું વાતાવરણ જોતાં જ પ્રયત્નો એવી રીતે આગળ વધ્યા જાણે કોઈએ તેની પહેલેથી જ સાંગોપાંગ વ્યવસ્થા ન કરી રાખી હોય! સલાહકારોમાંથી ઘણાએ આને શરૂઆતમાં દુસ્સાહસ કહ્યું હતું, પણ જેમ જેમ સફળતાઓ મળતી ગઈ તેમ તેમ તે સફળતાઓને સાધનાની સિદ્ધિ કહેવા લાગ્યા.
આ દુસ્સાહસોની તો તૂટક તૂટક ચર્ચા કરવામાં આવી ચૂકી છે. આ બધાને પુનઃ દોહરાવી શકાય.
(૧) પંદર વર્ષની ઉંમરમાં ચોવીસ વર્ષ સુધી ચોવીસ ગાયત્રી મહાપુરશ્ચરણ, ચોવીસ વર્ષમાં અનેક કડક નિયમો સાથે પૂર્ણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.તે કોઈ પણ જાતના વિઘ્ન વિના નિયત સમય મર્યાદામાં પૂર્ણ થયો.
(૨) આ મહાપુરશ્ચરણની પૂર્ણાહુતિમાં નિર્ધારિત જપનો હવન કરવાનો હતો. દેશભરના ગાયત્રી ઉપાસકોને આશીર્વાદ આપવા માટે આમંત્રિત કરવાના હતા. તપાસ કરી, સરનામાં મેળવી એવા ચાર લાખ લોકોને ઈ.સ. ૧૯૫૮માં સહસ્ર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આમંત્રિત કરવામાં આવ્યા. આનંદની વાત તો એ હતી કે આમાંથી એક પણ ગેરહાજર ન રહ્યો. પાંચ દિવસ સુધી નિવાસ, ભોજન, યજ્ઞ વગેરેનો નિઃશુલ્ક પ્રબંધ કરવામાં આવ્યો. વિશાળ યજ્ઞશાળા, પ્રવચન મંચ, વિજળી, પાણી, સફાઈ વગેરેની સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવી. સાત માઈલના વિસ્તારમાં સાત નગર બનાવવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થયું. લાખો રૂપિયાનું ખર્ચ થયું, પણ કોઈની આગળ હાથ ફેલાવવો ન પડ્યો.
(૩) ગાયત્રી તપોભૂમિ મથુરાનાં ભવનના નિર્માણનો શુભારંભ અમારી પૈતૃક સંપત્તિ વેચીને કર્યો. પાછળથી લોકોની અયાચિત સહાયતાથી તેનું ધર્મતંત્રથી લોકશિક્ષણની જવાબદારી સંભાળનાર કેન્દ્ર રૂપે એક વિશાળકાય માળખું તૈયાર થયું.
(૪) અખંડજ્યોતિ પત્રિકાનું ઈ.સ. ૧૯૩૭થી અવિરત પ્રકાશન. જાહેરાતો લીધા વિના અને ફાળો ઉઘરાવ્યા વિના પડતર કિંમતે પ્રગટ થતી રહી. જ્યારે ગાંધીજીનું “હરિજન માસિક ખોટ જવાના કારણે બંધ કરવું પડ્યું હતું, ત્યારે “અખંડ જયોતિ’ અનેક મુસીબતોનો સામનો કરતી પ્રગટ થતી રહી અને અત્યારે દોઢ લાખની સંખ્યામાં છપાય છે. એક અંકને અનેક લોકો વાંચે છે. આ દષ્ટિએ આ પત્રિકાના વાચકો દસ લાખથી ઓછા નથી.
(૫) સાહિત્ય સર્જન. આર્ષગ્રંથોનો અનુવાદ તથા વ્યાવહારિક જીવનમાં અધ્યાત્મના સિદ્ધાંતોનો સફળ સમાવેશ કરનાર સસ્તાં છતાં અત્યંત ઉપયોગી અને ઉચ્ચસ્તરીય પુસ્તકોનું પ્રકાશન. આ પુસ્તકોના અન્ય ભાષાઓમાં અનુવાદ. આ લેખન કાર્ય એટલું વિશાળ છે કે એક મનુષ્યના શરીર સાથે તોલવામાં આવે તો તેના વજન કરતાં પણ સાહિત્યનું વજન વધી જાય. આને કરોડો લોકોએ વાંચીને નવો પ્રકાશ અને પ્રેરણા પ્રાપ્ત કર્યા છે.
(૬) ગાયત્રી પરિવારનું ગઠન- તેના દ્વારા લોકમાનસના પરિષ્કાર માટે પ્રજ્ઞા અભિયાનનું અને સત્પ્રવૃત્તિ સંવર્ધન માટેયુગનિર્માણ યોજનાનું કાર્યાન્વયન. આ બંને અંતર્ગત લાખો જાગૃત આત્માઓનું એકીકરણ. આ બધાનું નવસર્જનના કાર્યમાં પોતપોતાની રીતે ભાવભર્યું યોગદાન.
(૭) યુગશિલ્પી પ્રજ્ઞાપુત્રો માટે આત્મનિર્માણ અને લોકનિર્માણના સમગ્ર અભ્યાસક્રમનું નિર્ધારણ અને સત્ર યોજના અંતર્ગત નિયમિત શિક્ષણ. દસ દસ દિવસનાં ગાયત્રી સાધનાસકોની એવી વ્યવસ્થા, જેમાં નિવાસ, ભોજન વગેરેની પણ વ્યવસ્થા છે.
(૮) અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયની શોધ માટે બ્રહ્મવર્ચસ્ શોધ સંસ્થાનની સ્થાપના. આમાં યજ્ઞ વિજ્ઞાન અને ગાયત્રી મહાશક્તિનું ઉચ્ચસ્તરીય સંશોધન ચાલે છે. આ ક્રમને આગળ વધારીને જડીબુટ્ટી વિજ્ઞાનની “ચરક કાલીન’ પ્રક્રિયાનું અભિનવ સંશોધન પણ હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે જ ખગોળ વિજ્ઞાનની તૂટેલી કડીઓને નવેસરથી જોડવામાં આવી રહી છે.
(૯) દેશના ખૂણેખૂણે ૨૪૦૦ પોતાના મકાનવાળી પ્રજ્ઞાપીઠો અને વગર ઈમારતોનાં ૭૫૦૦ પ્રજ્ઞા સંસ્થાનોની સ્થાપના કરીને નૈતિક, બૌદ્ધિક અને સામાજિક પુનર્નિર્માણની યુગાન્તરીય ચેતનાને વ્યાપક બનાવવાનો સફળ પ્રયાસ. આ પ્રયત્નને ૭૪ દેશોમાં નિવાસ કરતા ભારતીયો સુધી પણ ફેલાવવામાં આવ્યો છે.
(૧૦) દેશની તમામ ભાષાઓ તથા સંસ્કૃતિઓનું અધ્યયન અને અધ્યાપનનું એક અભિનવ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે, જેથી દરેક વર્ગના લોકો સુધી આ નવયુગની વિચારધારાને પહોંચાડી શકાય. પ્રચારકો દરેક ક્ષેત્રોમાં પહોંચી શકે. અત્યારે તો
જનજાગરણ માટે પ્રચારક ટોળીઓ જીપગાડીઓ દ્વારા હિન્દી, ગુજરાતી, ઉડિયા, મરાઠી ક્ષેત્રોમાં જ જાય છે. પણ હવે ખૂણેખૂણે પહોંચશે અને પવિત્રતા, પ્રખરતા અને એકતાનાં મૂળ મજબૂત કરશે.
(૧૧) અત્યાર સુધીનું સમગ્ર પ્રચારકાર્ય ટેપરેકૉર્ડર અને સ્લાઈડ પ્રોજેક્ટરોના માધ્યથી જ ચાલતું રહ્યું છે. હવે એમાં વીડિયો ફિલ્મ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
(૧૨) પ્રજ્ઞા અભિયાનની વિચારધારાને ફોલ્ડર યોજના દ્વારા દેશની તમામ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી રહી છે, જેથી કોઈ ખૂણો એવો ન રહે જ્યાં નવચેતનાનું વાતાવરણ ન જાગે.
(૧૩) પ્રજ્ઞાપુરાણના પાંચ ભાગોનું પ્રકાશન દરેક ભાષામાં તથા તેનાં ટેપ પ્રવચનોનું નિર્માણ. આના આધારે નવીનતમ સમસ્યાઓનું પુરાતન કથાના આધારે સમાધાન કરવાનો પ્રયત્ન.
(૧૪) હંમેશ માટે શાંતિકુંજમાં વિદ્યાર્થીઓ, મહેમાનો તથા તીર્થયાત્રીઓ મળીને એક હજાર કરતાં વધુ લોકો ભોજન લે છે. કોઈની પાસેથી કંઈ પણ માગવામાં આવતું નથી. બધા જ ભાવના અને શ્રદ્ધાથી પ્રસાદ ગ્રહણ કરીને જ જાય છે.
અગણિત લોકો ગાયત્રી તીર્થમાં આવીને અનુષ્ઠાન સાધના કરતા રહે છે. આનાથી તેમના વ્યક્તિત્વમાં સુધારો આવ્યો છે, મનોવિકારોથી મુક્તિ મળી છે તથા ભાવિ જીવનનો ક્રમ નક્કી કરવામાં મદદ મળી છે. વિજ્ઞાન સંમત પદ્ધતિથી બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનમાં તેમનું પર્યવેક્ષણ કરીને તેની સત્યતાને પ્રમાણિત પણ કરવામાં આવી છે.
ઉપર્યુક્ત મુખ્ય કાર્યો અને નિર્ધારણોને જોઈને સહજ રીતે અનુમાન કરી શકાય છે કે આને માટે કેટલો શ્રમ, કેટલો મનોયોગ,કેટલાં સાધન અને કેટલા બધા લોકો મંડી પડ્યા હશે તેની કલ્પના કરતાં લાગે છે કે આ બધાની પાછળ વપરાયેલ સરંજામ પહાડ જેટલો હોવો જોઈએ. આને ઉપાડવામાં, આમંત્રિત કરવામાં અને એકત્રિત કરવામાં એક વ્યક્તિની અદશ્ય શક્તિ કામ કરતી રહી છે. પ્રત્યક્ષ માગણી, અપીલ અથવા ફાળો ઉઘરાવવાનું કાર્ય ક્યારેય અપનાવવામાં આવ્યું નથી. જે કંઈ ચાલ્યું છે તે સ્વેચ્છાયુક્ત સહયોગથી થયું છે. સૌ જાણે છે કે આજકાલ ધન એકત્રિત કરવા માટે કેટલાં દબાણ, આકર્ષણ અને યુકિતઓ કામે લગાડવી પડે છે, પણ ફક્ત આ એક જ મિશન એવું છે કે રોજના જ્ઞાનઘટના દશ પૈસા અને ધર્મધટનું એક મુઠી અનાજથી પોતાનું કાર્ય બહુ જ સારી રીતે ચલાવી લે છે. જે આટલો નાનકડો ત્યાગ કરે છે તેને એવો પણ અનુભવ થાય છે કે સંસ્થા અમારી છે, અમારા શ્રમ અને સહયોગથી ચાલી રહી છે. પરિણામે તેની આત્મીયતા પણ આ મિશન સાથે સઘન રીતે જોડાયેલી રહે છે. સંચાલકને પણ આટલા બધા લોકોને જવાબ આપવા માટે એકએક પાઈનું ખર્ચ ખૂબ જ સમજી વિચારીને કરવું પડે છે. ઓછી રકમમાં આટલું વિશાળ કાર્ય કરવું અને સફળતા પ્રાપ્ત કરવી તેનું રહસ્ય આ લોકપ્રિયતા જ છે.
નિઃસ્વાર્થ, નિસ્પૃહ અને ઉચ્ચસ્તરીય વ્યક્તિત્વવાળા જેટલા કાર્યકર્તાઓ આ મિશન પાસે છે તેટલા ભાગ્યે જ કોઈ બીજા મિશન પાસે હશે. આનું કારણ એક જ છે, એના સંચાલકને બહુ જ નજીકથી પારખ્યા પછી એ વિશ્વાસ રાખવો કે અહીં તો બ્રાહ્મણ આત્મા સાચા અર્થમાં કામ કરી રહ્યો છે. બુદ્ધને લોકાએ ઓળખ્યા અને લાખો પરિવ્રાજકો ઘરબાર છોડીને તેમના અનુયાયી બની ગયા. ગાંધી સત્યાગ્રહીઓએ પણ વેતન માગ્યું નથી. અત્યારે દરેક સંસ્થા પાસે પગારદાર કર્મચારીઓ કામ કરે છે. ત્યારે ફક્ત પ્રજ્ઞા અભિયાન જ એક એવું તંત્ર છે, જેમાં હજારો લોકો પાસે ઉચ્ચ પ્રકારની યોગ્યતા હોવા છતાં ફક્ત ભોજન અને વસ્ત્રો લઈને જ પોતાનો નિર્વાહ કરે છે.
આટલી વ્યક્તિઓનો શ્રમ અને સહયોગ, એક એક ટીપાંની જેમ એકત્ર થતું આટલું ધન અને સાધનો ક્યા ચુંબકથી ખેંચાઈને ચાલ્યાં આવે છે તે પણ એક સિદ્ધિનો ચમત્કાર છે, જે બીજે ભાગ્યે જ જોવા મળે !
ભૂતકાળમાં વારંવાર હિમાલય જવાનો અને એકાંત સાધના કરવાનો આદેશ નિભાવવો પડ્યો. રાક્ષસ, વેતાળ યા તો કોઈ સિદ્ધ-પુરુષ સાથે મુલાકાત થઈ હશે. એ બધાનું જીવન જોયું હશે. અદશ્ય અને પ્રગટ થનાર કોઈ જાદુઈ ચિરાગ જેવું હશે. આ બધી ઘટનાઓ સાંભળવાનું મન થતું હશે. તેઓ તો એમ સમજે છે કે હિમાલય એટલે જાદુનો ખજાનો, ત્યાં જતાંની સાથે જ કોઈ ચમત્કારિક બાવો ભૂતની જેમ કૂદી પડતો હશે અને જે કોઈ ત્યાં આવતું હશે તેને જાદુથી, ચમત્કારોથી મુગ્ધ કરી દેતો હશે. હકીકતમાં હિમાલયમાં મારે વધુ અંતર્મુખી થવા માટે જવું પડ્યું. બહિરંગ જીવન ઉપર પ્રસંગો છવાયેલા રહે છે અને અંતઃક્ષેત્ર પર ભાવનાઓ. ભાવનાઓનું વર્ચસ્વ જ અધ્યાત્મવાદ છે. કામનાઓ, વસ્તુઓ અને ધનની આંધળી દોટ એટલે ભૌતિકવાદ. આમ તો આપણું જીવન બંનેનું સંગમસ્થાન છે. આથી વચ્ચે વચ્ચે એકાંતમાં બહિરંગના જામેલા પ્રભાવને દૂર કરવાની જરૂર પડે છે. આત્માને પ્રકતિના સાંનિધ્યથી બની શકે તેટલો દૂર લઈ ગયો અને આત્માને પરમાત્માની નજીક લાવવા જેટલું શક્ય હતું તેટલું હિમાલયના અજ્ઞાતવાસમાં કર્યું. પરિસ્થિતિવશ આહારવિહારમાં અધિક સાત્વિકતાનો સમાવેશ થતો રહ્યો. આ ઉપરાંત સૌથી મોટો લાભ થયો ઉચ્ચસ્તરીય ભાવ સંવેદનાઓનું ઉન્નયન અને રસાસ્વાદ. એ માટે માણસોની, સાધનોની તથા પરિસ્થિતિઓની જરૂર પડતી નથી. જે કંઈ ખરું ખોટું સામે છે તેના ઉપર પોતાના ભાવચિંતનનું આરોપણ કરી એવું સ્વરૂપ બનાવી શકાય છે, જેનાથી કંઈને કંઈ જોવા મળે. કણકણમાં ભગવાનની, તેની રસ-સંવેદનાની અનુભૂતિ થવા લાગે.
જેમણે મારું “સૂનકારના સાથી” (સુનસાન કે સહચર) પુસ્તક વાંચ્યું છે તેઓ સમજ્યા હશે કે સામાન્ય પ્રસંગો અને પરિસ્થિતિઓમાં પણ પોતાની ઉચ્ચ ભાવનાઓનો સમાવેશ કરીને કેવી રીતે સ્વર્ગીય ઉમંગોથી ભરપૂર વાતાવરણ બનાવી શકાય છે અને તેમાં મગ્ન રહીને સત, ચિત અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. આ પણ એક ઉચ્ચસ્તરીય સિદ્ધિ છે. એ પ્રાપ્ત કરીને હું સામાન્ય લોકોના જેવી જીવનચર્યામાં રત રહીને સ્વર્ગમાં રહેનાર દેવતાઓની જેમ આનંદમગ્ન જીવન જીવી રહ્યો છું.
પ્રતિભાવો