SJ-01 : ચોથો અને છેલ્લો નિર્દેશ-૨૧, મારું વિલ અને વારસો

ચોથો અને છેલ્લો નિર્દેશ

ગયા વર્ષે ચોથી વાર મને ફરીથી એક અઠવાડિયા માટે બોલાવવામાં આવ્યો. પહેલાંની જેમ જ સંદેશ આવ્યો. આજ્ઞાના પાલનમાં મોડું કરવાનું ક્યાં હતું! મારું શરીર સોંપેલાં કાર્યો કરતું રહ્યું છે, પણ મન તો સદૈવ દુર્ગમ હિમાલયમાં મારા ગુરુ પાસે જ રહ્યું છે. કહેતાં સંકોચ થાય છે પણ એવું લાગે છે કે ગુરુદેવનું શરીર હિમાલયમાં રહે છે, પણ તેમનું મન મારી આસપાસ ફરતું રહે છે. તેમની વાણી અંતરમાં પ્રેરણા બનીને ગુંજતી રહે છે. આ ચાવીને ભરવાથી જ દય અને મસ્તિષ્કનું લોલક હાલતું ચાલતું અને ઊછળતું રહે છે.

પહેલાંની ત્રણ વખતની જેમ યાત્રા કઠિન ન રહી. આ વખતે સાધનાની પરિપક્વતાના કારણે સૂક્ષ્મ શરીરને જ આવવાનો નિર્દેશ મળ્યો હતો. એ કાયાને એકસાથે ત્રણેય પરીક્ષાઓ ફરીથી આપવાની હતી. સાધના ક્ષેત્રમાં એક વાર પાસ થઈ જતાં કસોટી થયેલાને ફક્ત ચકાસવામાં જ આવે છે. માર્ગ જોયેલો હતો. દિનચર્યા બનાવેલી હતી જ. ગોમુખ પાસે મળવું અને તપોવન સુધી સહજ રીતે પહોંચી જવું એ જ ક્રમ ફરીથી ચાલ્યો. એમનું સૂક્ષ્મ શરીર ક્યાં રહે છે, શું કરે છે એ મેં કદી પૂછયું નથી. મને તો મળવાના સ્થાનની ખબર છે. મખમલનો ગાલીચો અને બ્રહ્મકમળની ઓળખાણ થઈ ગઈ હતી. તેને શોધી કાઢતો અને મળતાંવેત ગુરુદેવનાં ચરણ કમળો પર ચઢાવી દેતો. વંદન અને આશીર્વાદના શિષ્ટાચારમાં જરા પણ વાર થતી નહિ અને કામની વાત તરત જ શરૂ થઈ જતી.આ જ પ્રકરણ આ વખતે પણ દોહરાવવામાં આવ્યું. રસ્તામાં મન વિચારતું હતું કે જેટલી વાર બોલાવવામાં આવ્યો છે તેટલી વાર જૂનું સ્થળ છોડીને બીજે જવું પડ્યું છે. આ વખતે પણ સંભવ છે કે એવું જ થશે. શાંતિકુંજ છોડીને હવે આ ઋષિપ્રદેશમાં આવવાનો આદેશ મળશે અને આ વખતે આગળ જે કંઈ કાર્યો થયાં છે તેની સરખામણીમાં અનેકગણું મોટું કાર્ય સ્વીકારવું પડશે. આ રસ્તાના સંકલ્પ-વિકલ્પ હતા. હવે તો પ્રત્યક્ષ મુલાકાત થઈ રહી હતી.

અત્યાર સુધીનાં કામો અંગે એમણે પ્રસન્નતા વ્યક્ત કરી. મેં એટલું જ કહ્યું, “કામ આપ કરો છો અને શ્રેય મારા જેવા વાનરને આપો છો. સમગ્ર સમર્પણ કર્યા પછી આ શરીર અને મન ફક્ત દેખાવ પૂરતાં જ અલગ છે. વાસ્તવમાં તો આ બધી આપની જ સંપદા છે. જ્યારે જેવું ઈચ્છો છો ત્યારે તોડી મરોડીને તેનો આપ ઉપયોગ કરી લો છો.” – ગુરુદેવે કહ્યું, “અત્યાર સુધી જે કંઈ બતાવવામાં અને કરાવવામાં આવ્યું છે તે તો સ્થાનિક અને સામાન્ય હતું. વરિષ્ઠ માનવો એ કરી શકે છે અને ભૂતકાળમાં કરતા પણ હતા. તું આગળનું કાર્ય સંભાળીશ તો આ બધાં જ કામો તારા અનુયાયી લોકો સરળતાથી કરતા રહેશે. જે સૌ પ્રથમ કદમ ઉપાડે છે તેને અગ્રણી થવાનું શ્રેય મળે છે. પાછળ તો ગ્રહનક્ષત્રો પણ – સૌરમંડળના સભ્યો પણ પોતપોતાની ધરી ઉપર વગર મુશ્કેલીએ ફરતા રહે છે. આગળનું કાર્ય આનાથી પણ મોટું છે. સ્થૂળ વાયુમંડળ અને સૂક્ષ્મ વાતાવરણ અત્યારે વિષાકત બની ગયાં છે, જેનાથી માનવીય ગરિમા જ નહિ, દૈવીસત્તા પણ સંકટમાં પડી ગઈ છે. ભવિષ્ય ખૂબ જ ભયાનક દેખાઈ રહ્યું છે. આની સામે પરોક્ષ રીતે લડવા માટે મારે અને તારે બધું જ કરી છૂટવું પડશે, જેને અદ્ભુત અને અલૌકિક કહી શકાય.

ધરતીનો સમગ્ર પરિઘ – વાયુ, પાણી અને જમીન ત્રણેય ઝેરી બની રહ્યાં છે. વૈજ્ઞાનિક કૌશલ્ય સાથે અર્થલોલુપતા ભળી ગઈ. પરિણામે યાંત્રીકરણે સર્વત્ર ઝેર ફેલાવી દીધું છે અને એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે, જેનાથી દુર્બળતા,રુષ્ણતા, બીમારી અને અકાળ મૃત્યુનું જોખમ દરેકના માથા ઉપર લટકી રહ્યું છે. અણુ આયુધોના અનાડીઓના હાથે થતા અણુપ્રયોગોના કારણે એટલો મોટો ખતરો પેદા થયો છે કે એનો જરા પણ ક્રમભંગ થતાં બધું જ ભસ્મ થઈ શકે છે. વસતીવધારો વરસાદી ઘાસની જેમ થઈ રહ્યો છે. આ બધા ખાશે શું? રહેશે ક્યાં? આ બધી વિપત્તિઓ અને વિભીષિકાઓથી ઝેરી વાયુમંડળ ધરતીને નર્ક બનાવી દેશે.

જે હવામાં લોકો શ્વાસ લઈ રહ્યા છે, એમાં જે કોઈ શ્વાસ લે છે તે અયોગ્ય ચિંતન અને દુષ્કર્મો કરવા લાગે છે. દુર્ગતિ હાથવેંતમાં જ સામે આવી રહી છે. આ અદશ્ય લોકમાં ભરાયેલ વિકૃત વાતાવરણનું પરિણામ છે. આ પરિસ્થિતિમાં જે કોઈ રહેશે તે નરપશુ અને નરપિશાચ જેવાં કૃત્યો કરશે. ભગવાનની આ સર્વોત્તમ કૃતિ ધરતી અને માનવસત્તાને આ રીતે નરક બનતી જોઈને દુઃખ થાય છે. મહાવિનાશની સંભાવનાથી કષ્ટ થાય છે. આ સ્થિતિને બદલવા, આ સમસ્યાનું સમાધાન કરવા ભારે ગોવર્ધન પર્વત ઉપાડવો પડશે. લાંબો સમુદ્ર કૂદવો પડશે. આના માટે વામન જેવાં મોટાં કદમ ભરવા માટે તને બોલાવવામાં આવ્યો છે.

આના માટે તારે એકમાંથી પાંચ બનીને પાંચેય મોરચે લડવું પડશે. કુંતાજીની જેમ પોતાની એકાકી સત્તાને નિચોવીને પાંચ દેવપુત્રોને જન્મ આપવો પડશે. જેમણે અલગ અલગ મોરચાઓ પર અલગ અલગ ભૂમિકા નિભાવવી પડશે.

વાતમાં વચ્ચે વિક્ષેપ પાડીને મેં કહ્યું, “આ તો આપે પરિસ્થિતિની વાત કરી. આટલું વિચારવું અને સમસ્યાઓનું સમાધાન શોધવું એ તો આપના જેવા મહાન આત્માઓનું કામ છે. આ બાળકને તો કામ બતાવી દો અને હમેશાંની જેમ આ કઠ પૂતળીના તારને આપની આંગળીઓ સાથે બાંધીને નાચ નચાવતા રહો. પરામર્શ કરવાની જરૂર નથી. સમર્પિતને તો ફક્ત આદેશ જ જોઈએ. પહેલાં પણ આપે જ્યારે જ્યારે કોઈ મૂક આદેશ સ્થળ યા સૂક્ષ્મ સંદેશરૂપે મોકલ્યો છે, ત્યારે મેં મારા તરફથી કોઈ આનાકાની કરી નથી. ગાયત્રીનાં ચોવીસ મહાપુરશ્ચરણોથી માંડીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા સુધી, કલમ હાથમાં પકડવાથી માંડીને વિરાટ યજ્ઞાયોજન સુધી અને વિશાળ સંગઠન ઊભું કરવાથી માંડીને કરોડોની સંખ્યામાં પરિજનો એકત્રિત કરવા સુધી આપની આજ્ઞા, સંરક્ષણ અને માર્ગદર્શને જ સમગ્ર ભૂમિકા ભજવી છે. દેશ્યરૂપે ભલે હું જ બધાની સામે રહ્યો હોઉં. પણ મારું અંત:કરણ જાણે છે કે આ બધું કરાવનાર સત્તા કોણ છે, પછી એમાં મારો મત કેવો ને મારી સલાહ કેવી? આ શરીરનો એકેએક અણુ, લોહીનું એકેએક ટીપું, ચિંતન અંતઃકરણ આપને – વિશ્વમાનવને સમર્પિત છે. એમણે પ્રસન્નવદને સ્વીકાર કર્યો અને પરાવાણીથી નિર્દેશ વ્યક્ત કરવાનો એમને સંકેત કર્યો.

ચર્ચારૂપે વાત થઈ રહી હતી તે પૂરી થઈ અને સારસંકેત રૂપે જે કંઈ કહેવાનું હતું કહેવાનું શરૂ થયું.

તાર એકમાંથી પાંચ બનવાનું છે. પાંચ રામદૂતોની જેમ, પાંચ પાંડવોની જેમ, પાંચ રીતે કાર્યો કરવાનાં છે. આથી આ શરીરને પાંચમાં વિભાજિત કરવાનું છે. એક ઝાડ ઉપર પાંચ પક્ષીઓ રહી શકે છે. તું તારામાંથી પાંચ બનાવી દે. આને “સૂક્ષ્મીકરણ” કહે છે. પાંચ શરીર સૂક્ષ્મ રહેશે, કારણ કે વ્યાપક ક્ષેત્રને સંભાળવાનું કામ સૂક્ષ્મ સત્તાથી જ થઈ શકે છે. જયાં સુધી પાંચેય પરિપકવ થઈને સ્વતંત્ર કામ સંભાળી ન શકે ત્યાં સુધી આ જ શરીરથી તેમનું પોષણ કરતો રહેજે. આમાં એક વર્ષ પણ લાગે અને વધારે સમય પણ થાય. જયારે તેઓ સમર્થ થઈ જાય ત્યારે એમને પોતાનું કાર્ય કરવા માટે મુક્ત કરી દેજે. સમય આવ્યે તારું દશ્યમાન સ્થૂળ શરીર મુક્ત થઈ જશે.”

આ તો થયું દિશાસૂચન. કરવાનું શું છે, કેવી રીતે કરવાનું છે તે બધું તેમણે પોતાની વાણીમાં સમજાવ્યું. આનું વિવરણ કરવાનો આદેશ નથી. જે કહેવામાં આવ્યું છે, તે કરી રહ્યો છું. ટૂંકમાં આટલું જ સમજી લેવું પર્યાપ્ત થશે. (૧) વાયુ મંડળનું સંશોધન (૨) વાતાવરણનો પરિષ્કાર (૩) નવયુગનું નિર્માણ (૪) મહાવિનાશનું નિરસ્તીકરણ, સમાપન (૫) દેવમાનવોનું ઉત્પાદન- અભિવર્ધન. – ““આ પાંચ કાર્યો કેવી રીતે કરવાનાં છે ? એના માટે પોતાની સત્તાને પાંચ ભાગમાં કેવી રીતે વિભાજિત કરવાની રહેશે ? ભગીરથ અને દધીચિની ભૂમિકા કેવી રીતે ભજવવી પડશે. આના માટે લૌકિક ક્રિયાકલાપોમાંથી નિવૃત્તિ લેવી પડશે. વેરવિખેર થયેલ શક્તિને એકત્ર કરવી પડશે. આ છે –“સૂક્ષ્મીકરણ

“આના માટે જે કંઈ કરવું પડશે તે તને યથાસમયે બતાવતો રહીશ. યોજનાને નિષ્ફળ બનાવવા માટે, આ શરીરને નષ્ટ કરવા માટે જે આસુરી પ્રહારો થશે તેનાથી તેને બચાવતો રહીશ. પહેલાં થયેલ આસુરી આક્રમણની પુનરાવૃત્તિ ક્યારેક કોઈ પણ સ્વરૂપમાં સજ્જનો – પરિજનો ઉપર પ્રહારરૂપે થઈ શકે છે. પહેલાંની જેમ જ બધામાં મારું સંરક્ષણ સાથે જ રહેશે. અત્યાર સુધી જે કામ તને સોંપ્યું હતું તેને તું તારા સમર્થ અને સુયોગ્ય પરિજનોને સોંપી દેજે, જેથી મિશનના કોઈ પણ કામની ચિંતા યા જવાબદારી તારા ઉપર ન રહે. જે મહાપરિવર્તનની રૂપરેખા મારા મનમાં છે તે તને પૂરેપૂરી તો નથી બતાવતો, પણ સમય આવ્યે પ્રગટ કરતો રહીશ. આવા વિષમ સમયમાં એ રણનીતિને સમય પહેલાં પ્રગટ કરી દેવાથી ઉદેશ્યને નુકસાન થશે.”

આ વખતે મને વધારે સમય રોકવામાં આવ્યો નહિ. બેટરી ચાર્જ કરીને ઘણા દિવસ ચાલે તેવું આ વખતે બન્યું નહિ. એમણે કહ્યું કે “મારી ઊર્જા હવે તારી પાછળ અદૃશ્ય સ્વરૂપે ચાલતી રહેશે. હવે મારે અને જેને પણ જરૂર હશે એ ઋષિઓએ તારી સાથે હમેશાં રહીને તારા કામમાં સહયોગ આપતા રહેવું પડશે. તારે કોઈ પણ જાતના અભાવનો, આત્મિક ઊર્જાની ખોટનો ક્યારેય અનુભવ કરવો નહિ પડે. વાસ્તવમાં તો તે પાંચગણી વધી જશે.’

મને વિદાય આપવામાં આવી અને હું શાંતિકુંજ પાછો આવ્યો. મારી સૂક્ષ્મીકરણ સાવિત્રી સાધના રામનવમી ૧૯૮૪થી શરૂ થઈ ગઈ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: