SJ-01 : તપશ્ચર્યા આત્મશક્તિના ઉદ્ભવ માટે અનિવાર્ય-૨૨, મારું વિલ અને વારસો

તપશ્ચર્યા આત્મશક્તિના ઉદ્ભવ માટે અનિવાર્ય

અરવિંદે વિલાયતથી પાછા આવતાં અંગ્રેજોને ભગાડવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા, પણ પરિણામ કંઈ જ ન આવ્યું. રાજાઓનું સંગઠન કર્યું, વિદ્યાર્થીઓની સેના બનાવી, એક પક્ષનું સંગઠન કરીને જોયું કે આટલી મોટી સશક્ત સરકાર સામે આ છૂટાછવાયા પ્રયત્નો સફળ નહિ થાય. આની સામે ટક્કર લેવા માટે તો સમાન સ્તરનું સામર્થ્ય જોઈએ. એ વખતે ગાંધીજીના સત્યાગ્રહ જેવો સમય ન હતો. આવી દશામાં એમણે આત્મશક્તિ ઉત્પન્ન કરીને તેનાથી વાતાવરણને ગરમ કરવાનું કામ હાથમાં લીધું. અંગ્રેજોની પકડમાંથી એક બાજુ આવીને તેઓ પોડિચેરી ચાલ્યા ગયા અને એકાંતવાસ મૌન સાધના સહિત વિશિષ્ટ તપ કરવા લાગ્યા.

લોકોની દષ્ટિએ તો એ પલાયનવાદ હતો, પણ વાસ્તવ હતું. સૂક્ષ્મદ્રષ્ટાઓની દષ્ટિએ આ તપ દ્વારા અદશ્ય સ્તરની પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થઈ. વાતાવરણ ગરમ થયું અને એક જ સમયે દેશમાં એટલા બધા મહાપુરુષો ઉત્પન્ન થયા કે ઈતિહાસમાં બીજા કોઈ પણ દેશમાં એટલા પેદા નથી થયા.રાજનૈતિક નેતા તો ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે અને ગમે તે બની પણ શકે છે. પરંતુ મહાપુરુષો તો દરેક દષ્ટિએ ઉચ્ચ સ્તરના હોય છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ ઊંચું હોય છે. લોકમાનસને ઉલ્લાસિત અને આંદોલિત કરવાની ક્ષમતા તેમનામાં હોય છે. બે હજાર વર્ષની ગુલામીમાં ઘણું બધું ખોઈ નાખનાર દેશને આવા જ કર્ણધારોની જરૂર હતી. જેવી રીતે ઉનાળામાં વંટોળ પેદા થાય છે તેવી રીતે એવા એક નહિ, પણ અનેક મહાપુરુષો એક જ સમયમાં ઉત્પન્ન થયા. પરિણામે અરવિંદનો એ સંકલ્પ સમય જતાં પૂર્ણ થયો, જેને તેઓ અન્ય ઉપાયોથી પૂરો કરવા માટે શક્તિમાન ન બની શક્ત.

અધ્યાત્મવિજ્ઞાનના ઈતિહાસમાં ઉચ્ચસ્તરીય ઉપલબ્ધિઓ માટે તપસાધના જ એકમાત્ર ઉપાય છે. તે સગવડ્યુક્ત વિલાસી રહેણીકરણી અપનાવીને કદી થઈ શકતી નથી. એકાગ્રતા અને એકાત્મતા પ્રાપ્ત કરવા માટે બહુમુખી બાહ્યોપચાર અને તેના પ્રચાર-પ્રસારથી દૂર રહેવું પડે છે. એમ ન કરવાથી શક્તિઓ વિખરાઈ જાય છે. પરિણામે કેન્દ્રીકરણનું એ પ્રયોજન પૂરું નથી થતું, જે બિલોરી કાચ ઉપર સૂર્યનાં કિરણો એકત્ર કરીને અગ્નિ પ્રગટ કરવા જેવી પ્રચંડતા ઉત્પન્ન કરી શકે. અઢાર પુરાણો લખતી વખતે વ્યાસ ઉત્તરાખંડની ગુફાઓમાં વસોધારા શિખર પાસે જતા રહ્યા હતા. સાથે લેખન કાર્યની સહાયતા માટે ગણેશજી પણ એમની સાથે હતા. શરત એ હતી કે એક પણ શબ્દ બોલ્યા વિના મૌન રહેવું. આટલું મહાન કાર્ય એનાથી ઓછામાં તો શક્ય પણ ન હતું.

ભારતીય સ્વાધીનતાસંગ્રામ વખતે મહર્ષિ રમણનું મૌન તપ ચાલતું હતું. આ ઉપરાંત હિમાલયમાં અનેક ઉચ્ચસ્તરીય આત્માઓનું વિશિષ્ટ તપ આ હેતુ માટે ચાલતું રહ્યું. રાજનેતાઓ દ્વારા સંચાલિત આંદોલનને સફળ બનાવવામાં આ અદશ્ય સૂત્ર સંચાલનનું કેટલું મોટું યોગદાન હતું તેનું અનુમાન સ્થૂળ દૃષ્ટિએ નહિ થઈ શકે, પણ સૂક્ષ્મદષ્ટિ આ રહસ્યો ઉપર પૂરો વિશ્વાસ રાખે છે.

જેટલું મોટું કાર્ય તેટલો જ મોટો તેનો ઉપાય -આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આ વખત વિશિષ્ટ તપશ્ચર્યા વાતાવરણના પ્રવાહને બદલવા – સુધારવા માટે કરવામાં આવી છે. આથી તેનું સ્વરૂપ અને સ્તર અઘરાં છે. શરૂઆતના દિવસોમાં જે કામની જવાબદારી મારા ખભે આવી હતી તે પણ લોકમાનસનો પરિષ્કાર કરીને જાગૃત આત્માઓને એક સંગઠન સૂત્રમાં પરોવવાની અને રચનાત્મક કાર્યક્રમોના ઉત્સાહને જગાવવાની હતી. આટલાથી જ જો કામ થઈ જાય તો તેની વ્યવસ્થા સમર્થ લોકો પોતાની પાસેથી અથવા બીજાઓની પાસેથી માંગીને પણ સરળતાથી કરી લેતા અને અત્યાર સુધીમાં તો પરિસ્થિતિને બદલીને ક્યાંયની ક્યાં પહોંચાડી દીધી હોત. કેટલાય લોકોએ આ પ્રયત્ન જોરશોરથી કર્યો પણ ખરો. પ્રચારાત્મક સાધનો પણ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કરવામાં આવ્યાં, પણ અસરકારક પ્રભાવ પેદા થાય તેવું કાર્ય થયું નહિ. વસ્તુસ્થિતિને સમજનાર માર્ગદર્શક સૌ પ્રથમ એક જ કામ સોંપ્યું. છેલ્લાં ત્રીસ વર્ષમાં જે કંઈ થયું તે આ ચોવીસ વર્ષની સાધનાનું પરિણામ છે. કમાણીની એ મૂડી જ અત્યાર સુધી કામ આપતી રહી છે. પોતાનું વ્યક્તિ વિશેષનું, સમાજનું, સંસ્કૃતિનું જો મારાથી કંઈક ભલું થતું હોય તો ચોવીસ વર્ષના સંચિત ભંડારને ખર્ચી નાખવાની વાત સમજી શકાય તેવી છે. એ વખતે પણ ફક્ત જપ સંખ્યા જ પૂરી કરવામાં આવી ન હતી, પણ તેની સાથે કેટલાય નિયમો, અનુશાસન અને વ્રતપાલન પણ જોડાયેલાં હતાં.

જપ સંખ્યા તો કોઈ નવરો માણસ જેમ તેમ કરીને પણ પૂરી કરી શકે છે, પણ વિલાસી અને અસ્તવ્યસ્ત જીવનચર્યા અપનાવનાર કોઈ વ્યક્તિ માત્ર એટલી જ ચિહ્નપૂજા કરીને કોઈ મોટું કામ કરી શકતો નથી. સાથે તપશ્ચર્યાના કઠોર નિયમો પણ જોડાયેલા હોવા જોઈએ, જે સ્થળ, સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણેય શરીરોને તપાવીને દરેક રીતે સમર્થ બનાવે છે. સંચિત દોષદુર્ગુણો પણ આત્મિક પ્રગતિના માર્ગમાં ખૂબ મોટા અવરોધો હોય છે. તેનું નિરાકરણ અને નિવારણ પણ આ ભઠ્ઠીમાં પ્રવેશ કરવાથી થઈ જાય છે. જમીનમાંથી કાઢતી વખતે લોખંડ કાચું માટી ભળેલું હોય છે. અન્ય ધાતુઓ પણ આવી જ અણઘડ સ્થિતિમાં જ હોય છે. તેને ભઠ્ઠીમાં નાંખીને તપાવવામાં આવે છે અને ઉપયોગને યોગ્ય બનાવવામાં આવે છે. રસશાસ્ત્રીઓ બહુમૂલ્ય ભસ્મ બનાવવા માટે તેનો અગ્નિસંસ્કાર કરે છે. કુંભારની પાસે વાસણને પકવવા માટે નિભાડામાં મૂકવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. મનુષ્યોને પણ આ જ નિયમ લાગુ પડે છે. ઋષિમુનિઓની સેવાસાધના, ધર્મધારણા તો જાણીતી છે જ, પણ તેઓ પોતાના લક્ષ્યની પૂર્તિ માટે આવશ્યક શક્તિ પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા પણ સમય આવ્યે કરતા રહેતા હતા. આ પ્રક્રિયા પોતપોતાની રીતે દરેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિએ કરવી પડી છે અને કરવી પડશે. કારણ કે ઈશ્વરદત્ત શક્તિઓનું ઊર્ધ્વીકરણ અને પરિપોષણ આના વગર થઈ શકતું નથી. વ્યક્તિત્વમાં પવિત્રતા, પ્રખરતા અને પરિપકવતા ન હોય તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી. છળકપટ, દંભ અને આતંકના આધારે પ્રાપ્ત કરેલી સફળતાઓ જાદુગરની જેમ હથેળીમાંથી કંકુ કાઢવા જેવા ચમત્કારો બતાવીને નષ્ટ થઈ જાય છે. મૂળ વગરનું ઝાડ કેટલા દિવસ ટકે અને કઈ રીતે ફૂલેફાલે?

તપશ્ચર્યાનો મૌલિક સિદ્ધાંત છે – સંયમ અને સદુપયોગ. ઈન્દ્રિયસંયમથી પેટ ઠીક રહે છે. સ્વાથ્ય બગડતું નથી. બ્રહ્મચર્યપાલનથી મનોબળનો ભંડાર ખૂટતો નથી. અર્થસંયમથી, નીતિની કમાણીથી સરેરાશ ભારતીય સ્તરનું જીવન જીવવું પડે છે. પરિણામે ગરીબી પણ આવતી નથી અને બેઈમાની કરવાની જરૂર પણ પડતી નથી. સમય સંયમથી વ્યસ્ત સમયપત્રક બનાવીને ચાલવું પડે છે. પરિણામે કુકર્મો માટે સમય જ મળતો નથી. જે કંઈ થાય છે તે શ્રેષ્ઠ અને સાર્થક જ થાય છે. વિચારસંયમથી એકાગ્રતા સધાય છે. આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો દૃષ્ટિકોણ વિકસિત થાય છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની સાધના સહજ રીતે સધાતી રહે છે. સંયમનો અર્થ છે બચત. ચારેય પ્રકારના સંયમનું પાલન કરવાથી મનુષ્ય પાસે એટલી બધી વધારાની બચત થાય છે, જેથી પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત પણ તે મહાન પ્રયોજનો માટે પુષ્કળ પ્રમાણમાં વાપરી શકાય સંયમશીલ વ્યક્તિઓને વાસના, તૃષ્ણા અને અહંકારની ખાઈમાં ખપી જવું પડતું નથી. આથી સારા ઉદ્દેશ્યોની દિશામાં આગળ વધવાની જરૂર પડે ત્યારે અભાવ, ચિંતા, સમસ્યા વગેરેનાં બહાનાં કાઢવાં પડતાં નથી. સ્વાર્થ અને પરમાર્થ બંને સાથેસાથે સધાતા રહે છે અને હસતી – રમતી હલકી ફૂલ જેવી જિંદગી જીવવાનો અવસર મળે છે. આ માર્ગ ઉપર આજથી ૬૦ વર્ષ પહેલાં મારા માર્ગદર્શક ચાલતાં શિખવાડ્યું હતું. આ ક્રમ અતૂટ રીતે ચાલતો રહ્યો. અવારનવાર બેટરી ચાર્જ કરવા માટે મને બોલાવવામાં આવતો. છેલ્લાં ત્રીસ વર્ષોમાં એક એક વર્ષના એકાંતવાસ અને વિશેષ સાધના ક્રમ માટે જવું પડ્યું. એનો હેતુ એક જ હતો. તપશ્ચર્યાના ઉત્સાહ તથા પુરુષાર્થના વિશ્વાસ અને શ્રદ્ધામાં જરા પણ ઓટ ન આવી. જ્યાં પણ ખોટ પડી રહી હોય ત્યાં ભરપાઈ થતી રહે.

ભગીરથ શિલા-ગંગોત્રીમાં કરવામાં આવેલી સાધનાથી ધરતી પર જ્ઞાનગંગાની – પ્રજ્ઞા અભિયાનના અવતરણની ક્ષમતા અને દિશા મળી. ઉત્તરકાશીના પરશુરામ આશ્રમમાંથી એ કુહાડો પ્રાપ્ત થયો જેની મદદથી વ્યાપક અવાંછનીયતાની સામે લોકમાનસમાં વિક્ષોભ ઉત્પન્ન કરી શકાય. પૌરાણિક પરશુરામે આ ધરતી ઉપર અનેક આતંકવાદીઓનાં કેટલીય વાર માથાં કાપ્યાં હતાં. મારે મન માથું કાપવું એટલે બ્રેઈન વોશિંગ કરવું. વિચારક્રાંતિ અને પ્રજ્ઞા અભિયાનમાં સર્જનાત્મક જ નહિ, સુધારાત્મક પ્રયોજન પણ સમાયેલાં છે. આ બંને ઉદેશ જે રીતે જેટલા વ્યાપક બન્યા, જેટલી સફળતા સાથે સંપન્ન થતા રહ્યા છે, તેમાં નથી તો શક્તિનું કૌશલ્ય, નથી સાધનોનો ચમત્કાર, નથી પરિસ્થિતિઓનો સહયોગ. આ તો ફક્ત તપશ્ચર્યાની શક્તિથી જ થઈ રહ્યું છે.

આ અત્યાર સુધી ભૂતકાળની જીવનચર્યાનું વિવરણ થયું. વર્તમાનમાં આ જ દિશામાં એક મોટો કૂદકો મારવા માટેનો નિર્દેશ એ શક્તિએ કર્યો છે, જે સૂત્રધારના ઈશારે કઠપૂતળીની જેમ નાચતાં નાચતાં સમગ્ર જીવન વીતી ગયું. હવે મારે તપશ્ચર્યાની એક નવી જ ઉચ્ચસ્તરીય કક્ષામાં પ્રવેશ કરવો પડ્યો છે. સર્વસાધારણ લોકોને તો એટલી જ ખબર છે કે હું એકાંતવાસમાં છું અને કોઈને મળતો નથી. આ માહિતી સંપૂર્ણ રીતે અધૂરી છે, કારણ કે જે વ્યક્તિના રોમેરોમમાં કર્મઠતા, પુરુષાર્થપરાયણતા, નિયમિતતા તથા વ્યવસ્થા ભરેલી હોય તે આ રીતે લોકો સમજે છે તેવું નિરર્થક અને નિષ્ક્રિય જીવન જીવી શકે નહિ. એકાંતવાસમાં પહેલાં કરતાં મારે વધારે કામ કરવું પડ્યું છે, વધારે કાર્યરત રહેવું પડ્યું છે. લોકોની સાથે ન મળવા છતાં પણ એટલા બધા અને એવા લોકોની સાથે સંપર્ક સાધવો પડ્યો છે, જેમની સાથે બેસવામાં કલાકોના કલાકો ચાલ્યા જાય છે, છતાં મન ભરાતું નથી, પછી એકાંત ક્યાં રહ્યું ? ન મળવાની વાત ક્યાં રહી? માત્ર કાર્યપદ્ધતિમાં જ સાધારણ પરિવર્તન થયું છે. મળનારાઓનો વર્ગ અને વિષય જ બદલાયો. આવી દશામાં પલાયનવાદ અને અકર્મણ્યતાનો દોષ ક્યાં આવ્યો? તપસ્વીઓ હમેશાં આવી જ રીતરસમ અજમાવે છે. તેઓ દેખાય છે નિષ્ક્રિય, પરંતુ વાસ્તવમાં તો વધારે કાર્યરત રહે છે. ભમરડો જ્યારે ઝડપથી ફરતો હોય છે ત્યારે સ્થિર લાગતો હોય છે. જ્યારે તેની ગતિ ધીમી પડે છે અને બેલેન્સ જળવાતું નથી ત્યારે જ એના ફરવાની ખબર પડે છે.

આઈન્સ્ટાઈન જે દિવસોમાં અતિ મહત્ત્વપૂર્ણ અણુ સંશોધનમાં વ્યસ્ત હતા ત્યારે તેમની જીવનચર્યામાં વિશેષરૂપે ફેરફાર કરવામાં આવ્યો હતો. તેઓ વિશાળ ભવનમાં એકલા જ રહેતા હતા. બધી જ સાધનસામગ્રી ત્યાં ઉપલબ્ધ હતી. સાહિત્ય, સેવક અને પ્રયોગનાં સાધનો પણ. જેનાથી એકાન્તમાં એકાગ્ર થનારા ચિંતનમાં કોઈક અવરોધ પેદા થાય તે બધાથી તેઓ દૂર રહ્યા હતા. તે જ્યાં સુધી ઈચ્છતા ત્યાં સુધી તદ્દન એકાંતમાં રહેતા. તેમના કામમાં કોઈ જરા પણ વિક્ષેપ પાડી શકતું ન હતું. જ્યારે ઈચ્છતા ત્યારે ઘંટડી વગાડીને નોકરને બોલાવી લેતા અને જરૂરી સાધનસામગ્રી મેળવી લેતા. મળનારાઓ કાર્ડ આપી જતા અને મહિનાઓ સુધી રાહ જોતા. નિકટતા કે ઘનિષ્ઠતા બતાવીને તેમના કાર્યમાં કોઈ પણ વ્યક્તિ વિક્ષેપ પાડી શકતી ન હતી. આટલો પ્રબંધ થતાં તેઓ દુનિયાને આશ્ચર્યમાં નાખી શક્યા. જો તેઓ પણ સગાંસંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહ્યા હોત અને સામાન્ય કામોમાં જ રસ લેતા રહ્યા હોત તો તેઓ પણ બીજાઓની જેમ કીમતી જીવનનો કોઈ કહેવા યોગ્ય ફાયદો ન ઉઠાવી શક્યા હોત. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓની જીવનચર્યા આ જ પ્રકારની હતી. એમની સમક્ષ આત્મવિજ્ઞાન-સંબંધી અનેક સંશોધન કાર્યો હતો. તેમાં તન્મયતાપૂર્વક પોતાનું કાર્ય કરવા માટે તેઓ કોલાહલરહિત શાંત સ્થાન પસંદ કરતા હતા અને સંપૂર્ણ તન્મયતાપૂર્વક નિર્ધારિત પ્રયોજનોમાં વ્યસ્ત રહેતા હતા.

મારી સામે પણ આ જ નવા સ્તરનાં કાર્યો મૂકવામાં આવ્યાં છે. તે ખૂબ ભારે પણ છે અને અત્યંત મહત્ત્વપૂર્ણ પણ છે. આમાંથી એક છે – વિશ્વવ્યાપી સર્વનાશ નોતરનારાં સંકટોને દૂર કરી શકવા યોગ્ય તેવી આત્મશક્તિ ઉત્પન્ન કરવાનું. બીજું છે – સર્જનશિલ્પીઓ જે શક્તિ અને પ્રેરણા વિના કશું જ કરી શકતા નથી તેની પૂર્તિ કરવાનું. ત્રીજું છે.

નવયુગના નિર્માણ માટે જે સત્પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનું છે, તેમનું સ્વરૂપ નક્કી કરી રૂપરેખા તૈયાર કરવાનું. આ ત્રણેય કામો એવા છે જે એકલા સ્થૂળ શરીરથી થઈ શકે તેમ નથી. તેની સીમા અને શક્તિ ઘણી ઓછી છે. ઈન્દ્રિયોની શક્તિ નાના ક્ષેત્રમાં કામ કરી શકે છે અને સીમિત વજન ઉપાડી શકે છે. હાડમાંસના આ પૂતળામાં બોલવાની, વિચારવાની, ચાલવાની ફરવાની, કમાવાની, પચાવવાની થોડી શક્તિ છે. આટલાથી તો મર્યાદિત કાર્યો જ થઈ શકે છે. મર્યાદિત કામોથી શરીરયાત્રા ચાલી શકે છે અને નિકટમાં રહેતા સંબંધિત લોકોનું જ યથાશક્તિ ભલું થઈ શકે છે. વધારે વિશાળ અને વધારે મોટાં કામો માટે તો સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને વિકસાવવાની જરૂર ઊભી થાય છે. ત્રણેય જ્યારે એકસાથે સામર્થ્યવાન અને ગતિશીલ બને છે ત્યારે જ આટલાં મોટાં કામો થઈ શકે, જેની આજે જરૂર પડી છે.

રામકૃષ્ણ પરમહંસ સામે આ જ સ્થિતિ આવી હતી. તેમને વ્યાપક કામ કરવા માટે બોલાવવામાં આવ્યા. યોજના અનુસાર તેમણે પોતાની ક્ષમતા વિવેકાનંદને સોંપી દીધી તથા તેમના કાર્યક્ષેત્રને સરળ અને સફળ બનાવવા માટે તાણાવાણા વણી આપવાનું આવશ્યક કાર્ય સંભાળતા રહ્યા. આટલું મોટું કાર્ય તેઓ ફક્ત સ્થળ શરીરથી કરી શકતા ન હતા. આથી તેમણે નિઃસંકોચ સ્થૂળ શરીરનો ત્યાગ પણ કરી દીધો. બચત કરતાં વધારે વરદાનો આપવાના કારણે તેઓ ઋણી પણ બની ગયા હતા. એની પૂર્તિ વગરગાડી ચાલે નહિ. આથી સ્વેચ્છાપૂર્વક કેન્સરનો રોગ પણ સ્વીકારી લીધો. આ રીતે ઋણમુક્ત થઈને વિવેકાનંદના માધ્યમથી આ કાર્યમાં લાગી ગયા, જે કામ કરવાનો સંકેત તેમના નિર્દેશ કર્યો હતો. પ્રત્યક્ષ રીતે રામકૃષ્ણ મૃત્યુ પામ્યા. તેમની ગેરહાજરી ખૂંચી, શોક પણ લાગ્યો, પરંતુ જે શ્રેયસ્કર હતું એ જ થયું. દિવંગત થવાના કારણે તેમની શક્તિ હજાર ગણી વધી ગઈ. એની મદદથી એમણે દેશ અને વિશ્વમાં અનેક પ્રવૃત્તિઓનો ફેલાવો કર્યો. જીવન દરમિયાન તેઓ પોતાના ભક્તોને થોડા ઘણા આશીર્વાદ આપતા રહ્યા અને એક વિવેકાનંદને પોતાની શક્તિભંડાર સોંપવામાં સમર્થ બન્યા, પણ જ્યારે એમને સૂક્ષ્મ અને કારણ શરીરથી કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો, તો એમનાથી એટલું બધું વિશાળ કામ થઈ શક્યું કે જેનાં લેખાંજોખાં માંડવાનું સામાન્ય કક્ષાની સૂઝ-સમજણથી સમજવું શક્ય નથી.

ઈસુ ખ્રિસ્તની જીવનગાથા પણ આવી જ હતી. તેઓ સમગ્ર જીવન દરમિયાન અથાક પ્રયત્નો કરીને ફક્ત ૧૩ શિષ્યો જ બનાવી શક્યા હતા, તેમણે જોયું કે સ્થૂળ શરીરથી તેઓ ઈચ્છતા હતા એટલું મોટું કામ થઈ શકશે નહિ, આવી સ્થિતિમાં સૂક્ષ્મ શરીરનું અવલંબન લઈ સમગ્ર સંસારમાં ખ્રિસ્તી મિશન ફેલાવી દેવામાં આવે એ જ યોગ્ય સમજાયું. આવા પરિવર્તનના સમયે મહાપુરુષો પૂર્વજન્મના હિસાબો ચૂકતે કરવા કષ્ટસાધ્ય મૃત્યુને સ્વીકારે છે. ઈસુ ખ્રિસ્તનું ક્રોસ પર ચડવું, સોક્રેટિસનું ઝેર પીવું, કૃષ્ણને તીર વાગવું, પાંડવોએ હિમાલયમાં હાડ ગાળવાં, ગાંધીનું ગોળીથી વિધાવું, આદ્ય શંકરાચાર્યને ભગંદર થવું વગેરે બનાવો એમ દર્શાવે છે કે ભવિષ્યના મહાન ઉદેશ્યો માટે ચૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડે છે. તેઓ સ્થૂળ શરીરનો આ રીતે અંત લાવે છે, જેને બલિદાન કક્ષાની પ્રેરણા આપનાર અને મૃત્યુ વખતની પવિત્રતા અને પ્રખરતા પ્રદાન કરવા યોગ્ય કહી શકાય. મારી બાબતમાં પણ આવું જ થયું છે અને ભવિષ્યમાં આવું થવાનું છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: