SJ-01 : સ્થૂળનું સૂક્ષ્મમાં પરિવર્તનઃ સૂક્ષ્મીકરણ-૨૩ મારું વિલ અને વારસો
March 9, 2021 Leave a comment
સ્થૂળનું સૂક્ષ્મમાં પરિવર્તનઃ સૂક્ષ્મીકરણ
યુગપરિવર્તનની આ ઐતિહાસિક વેળા છે. આ વિસ વર્ષોમાં મને મચી પડીને કરવાની ફરજ સોંપવામાં આવી હતી. ઈ.સ. ૧૯૮૦થી આજ સુધીનાં પાંચ વર્ષોમાં જે કામ થયું છે તે પાછલા ૩૦ વર્ષોના કામની સરખામણીમાં ઘણું વધારે છે. સમયની જરૂરિયાત પ્રમાણે તત્પરતા બતાવવામાં આવી અને ખપતને ધ્યાનમાં રાખીને તદનુરૂપ શક્તિ અજિત કરવામાં આવી. આ વર્ષે કેટલી જાગરૂકતા. તન્મયતા, એકાગ્રતા અને પુરુષાર્થની ચરમસીમાએ પહોંચીને વ્યતીત કરવાં પડ્યાં છે તેનો ઉલ્લેખ કરવાનું યોગ્ય નથી, કારણ કે આ તત્પરતાનું પ્રતિફળ ૨૪00 પ્રજ્ઞાપીઠો અને ૧૫,૦૦૦ પ્રજ્ઞા સંસ્થાનોના નિર્માણ સિવાય બીજું કંઈ પ્રત્યક્ષ દેખાતું નથી. દરરોજ એક ફોલ્ડર લખવાનું કાર્ય આમાં વધુ જોડી શકાય છે. બાકી તો બધું પરોક્ષ જ છે. પરોક્ષનાં લેખાંજોખાં પ્રત્યક્ષમાં કઈ રીતે કરી શકાય?
યુગસંધિની વેળામાં હજી ૧૫ વર્ષ બાકી રહ્યાં છે. આ ગાળામાં ગતિચક્ર વધુ ઝડપથી ફરશે. એક બાજુ તેની ગતિ વધારવી પડશે તો બીજી બાજુ ગતિને રોકવી પડશે. વિનાશની ગતિને રોકવાની અને વિકાસની ગતિને વધારવાની જરૂર પડશે. અત્યારે બંને ગતિ મંદ છે. આ રીતે જોતાં ઈ.સ. ૨૦૦૦ સુધી ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકશે નહિ, આથી કુદરતના પ્રયત્નો વધારે વેગવાન બનશે. એમાં મારી પણ ગીધ અને ખિસકોલી જેવી ભૂમિકા છે. કામ કોણ, ક્યારે, શું, કઈ રીતે કરે તે તો આગળની વાત છે. પ્રશ્ન છે જવાબદારીનો. યુદ્ધકાળમાં જે જવાબદારી સેનાપતિની હોય છે તે જ જવાબદારી રસોઈયાની પણ હોય છે. સંકટના સમયે કોઈ ઉપેક્ષા કરી શકે નહિ.
આ સમયગાળામાં એકસાથે અનેક મોરચાઓ ઉપર લડાઈ લડવી પડશે એવો પણ સમય આવે છે, જ્યારે ખેતરમાં કાપણી કરવી, પશુઓને ઘાસચારો નાખવો, બીમાર પુત્રનો ઈલાજ કરાવવો, કોર્ટમાં તારીખે હાજર રહેવું, ઘેર આવેલા મહેમાનોનું સ્વાગત કરવું વગેરે કેટલાંય કામો એક જ વ્યક્તિએ, એક જ સમયે, કરવાં પડે છે. યુદ્ધકાળમાં તો બહુમુખી ચિંતન અને જવાબદારીઓ વધુ સઘન અને વિરલ બની જાય છે. ક્યા મોરચા ઉપર કેટલા સૈનિકો મોકલવાના છે, જે લડી રહ્યા છે તેમનો દારૂગોળો ખૂટી ન જાય તેનું ધ્યાન રાખી પ્રબંધ કરવો, ઘાયલોને પાટાપિંડી કરવી, દવાખાને પહોંચાડવા, મરેલા સૈનિકોને ઠેકાણે પાડવા, આગળના મોરચા માટે ખાઈ ખોદવી જેવાં કામો બહુમુખી હોય છે. બધાં કામો ઉપર સરખું ધ્યાન આપવું પડે છે. એકાદમાં પણ જરા સરખી ચૂક થઈ જવાથી વાત વણસી જાય છે. કર્યું-કારવ્યું ધૂળ થઈ જાય છે.
મને મારી પ્રવૃત્તિઓને બહુમુખી બનાવી લેવાનું કહેવામાં આવ્યું છે. આમાં સૌથી મોટી મુશ્કેલી સ્થૂળ શરીરની મર્યાદા છે. તે સીમિત છે અને સીમિત ક્ષેત્રમાં જ કામ કરી શકે છે. સીમિત જવાબદારી જ ઉપાડી શકે છે. જ્યારે કામ અસીમ છે ત્યારે એકસાથે અનેક કામ થવાં જોઈએ. તે કેવી રીતે થાય? તેના માટે એક ઉપાય એ છે કે સ્થૂળ શરીરનો ત્યાગ કરી દેવામાં આવે અને જે કંઈ કરવાનું છે તે પૂર્ણપણે એક અથવા અનેક સૂક્ષ્મ શરીરોથી સંપન્ન કરવામાં આવે. નિર્દેશકને જો એ જ ઉચિત લાગશે તો સ્થૂળ શરીરનો ત્યાગ કરવામાં જરા પણ વાર નહિ લાગે. સ્થૂળ શરીરની એક મુશ્કેલી છે કે તેની સાથે કર્મફળ ભોગવવાનું વિધાન જોડાઈ જાય છે. જો લેણદેણ બાકી રહે તો બીજા જન્મ સુધી તે બોજો ઉપાડીને ફરવું પડે છે. આવી દશામાં ભોગ ભોગવવામાં જ નિશ્ચિતતા રહે છે.
રામકૃષ્ણ પરમહંસે આશીર્વાદ – વરદાનો ખૂબ આપ્યાં હતાં. પ્રાપ્ત કરેલો પુણ્યનો ભંડાર ઓછો હતો. હિસાબ પૂરો કરવા માટે ગળાનું કેન્સર નોતરવું પડ્યું ત્યારે જ હિસાબ ચૂકતે થયો. ભગંદરના ગૂમડાએ આદ્ય શંકરાચાર્યનો પ્રાણ લીધો હતો. મહાત્મા નારાયણ સ્વામીને પણ આવો જ રોગ ભોગવવો પડ્યો હતો. ગુગુ ગોલવલકર કેન્સરના રોગથી પીડાઈને જ સ્વર્ગવાસી થયા હતા. એવાં ઘણાં ઉદાહરણો છે, જેમાં પુણ્યાત્માઓને અંતિમ સમય વ્યથાપૂર્વક વિતાવવો પડ્યો છે. આનું કારણ પોતાનાં પાપકર્મોનું ફળ જ નથી હોતું, પણ પુણ્યનો વ્યતિરેક થતાં તેની ભરપાઈરૂપે પણ ભોગવવાનું હોય છે. તેઓ કેટલાંયનાં કષ્ટો. પોતાના ઉપર લેતા રહે છે. વચમાં ચૂકવી શક્યા તો ઠીક, નહિ તો અંતિમ સમયે હિસાબ ચૂકતે કરે છે, જેથી આગલા જન્મમાં કોઈ મુશ્કેલી બાકી ન રહે અને જીવનમુક્ત સ્થિતિ બની રહેવામાં ભૂતકાળનું કોઈ કર્મફળ અવરોધ ઊભો ન કરે.
મૂળ પ્રશ્ન છે જીવન સત્તાના સૂક્ષ્મીકરણનો. સૂક્ષ્મ શરીર વ્યાપક અને બહુમુખી હોય છે. એક જ સમયે અનેક જગ્યાએ કામ કરી શકે છે. એકસાથે કેટલીયે જવાબદારીઓ ઉપાડી શકે છે, જ્યારે સ્થળ માટે એક સ્થાન અને એક સીમાનું બંધન હોય છે. સ્થૂળ શરીરધારી પોતાના ક્ષેત્રમાં જ દોડધામ કરી શકે છે. સાથે ભાષા જ્ઞાનને અનુરૂપ વિચારોનું જ આદાનપ્રદાન કરી શકે છે, પરંતુ સૂક્ષ્મમાં પ્રવેશ કર્યા પછી ભાષાની મુશ્કેલી દૂર થઈ જાય છે. વિચારોનું આદાનપ્રદાન ચાલે છે. વિચારો સીધેસીધા મસ્તિષ્કમાં કે હૃદયના ઊંડાણ સુધી પહોંચાડી શકાય છે. આના માટે ભાષાનું માધ્યમ જરૂરી નથી. વ્યાપકતાની દષ્ટિએ આ એક મોટી સગવડ છે. વાહનવ્યવહારની સગવડ પણ સ્થળ શરીરને જોઈએ. પગની મદદથી તો તે કલાકના માંડ ત્રણ માઈલ ચાલી શકાય. વાહન જેટલું ઝડપી હોય તેટલી જ ઝડપી તેની ગતિ પણ રહેવાની. એક વ્યક્તિને એક જ જીભ હોય છે. તે તેનાથી જ બોલી શકશે, પણ સૂક્ષ્મ શરીરની ઈન્દ્રિયો ઉપર આવું કોઈ બંધન નથી. તેની જોવાની, સાંભળવાની અને બોલવાની શક્તિ સ્થૂળ શરીરની સરખામણીમાં અનેકગણી વધી જાય છે. એક જ શરીર સમય પ્રમાણે અનેક શરીરોમાં પ્રવેશ કરી શકે છે. રાસ રમતી વખતે કૃષ્ણનાં અનેક શરીર્ટી ગોપીઓ સાથે નાચતાં દેખાતાં હતાં. કંસવધ વખતે અને સીતા સ્વયંવર વખતે કૃષ્ણ અને રામની વિવિધ પ્રકારની આકૃતિઓ દેખાતી હતી. વિરાટ રૂપનાં દર્શનમાં ભગવાને અર્જુનને તથા યશોદાને જે દર્શન કરાવ્યું હતું તે તેમના સૂક્ષ્મ તથા કારણ શરીરનો જ આભાસ હતો. આલંકારિક કાવ્યરૂપે એમનું વિવેચન કરવામાં આવે છે તે પણ અમુક હદ સુધી જ યોગ્ય હોય છે.
આ સ્થિતિ શરીર ત્યાગતાં જ દરેકને પ્રાપ્ત થાય તે શક્ય નથી. આમ તો ભૂતપ્રેત પણ સૂક્ષ્મ શરીરમાં જ જાય છે. પણ તેઓ કઢંગી અણઘડ સ્થિતિમાં જ રહે છે. ફક્ત સંબંધિત લોકોને જ પોતાની જરૂરિયાત દર્શાવવા માટે કેટલાંક દૃશ્યો બતાવી શકે છે. પિતૃ સ્તરના આત્માઓ આના કરતાં વધારે સક્ષમ હોય છે. તેમનો વ્યવહાર અને વિવેક વધારે ઉદાત્ત હોય છે. આ માટે તેમનું સક્ષમ શરીર પહેલેથી જ પરિષ્કૃત બની ચૂક્યું હોય છે. સૂક્ષ્મ શરીરને ઉચ્ચસ્તરીય ક્ષમતા સંપન્ન બનાવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડે છે. તેઓ તપસ્વી કક્ષાના હોય છે. સામાન્ય કાયાના સિદ્ધપુરુષ પોતાની કાયાની સીમામાં રહીને દિવ્ય ક્ષમતાઓ પ્રાપ્ત કરી લે છે. તેનાથી બીજાઓની સેવા, સહાયતા કરે છે, પણ શરીરને વિકસિત કરી લેનારાઓએ સિદ્ધિઓના સ્વામી પણ બની શક્યા છે, જેને યોગશાસ્ત્રમાં અણિમા, ગરિમા, લઘિમા વગેરે કહેવામાં આવી છે. શરીર હલકું થઈ જવું, ભારે થઈ જવું, અદશ્ય થઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેવું વગેરે પ્રત્યક્ષ શરીર હોય ત્યાં સુધી શક્ય નથી, કારણ કે શરીરગત પરમાણુઓની રચના એવી નથી કે પદાર્થ વિજ્ઞાનની મર્યાદાઓની બહાર જઈ શકે. કોઈ મનુષ્ય નથી હવામાં ઊડી શકતો, નથી પાણી ઉપર ચાલી શકતો. કદાચ જો આમ કરી શક્યો હોત તો વૈજ્ઞાનિકોના પડકારને ઝીલી શક્યો હોત અને પ્રયોગશાળામાં જઈ વિજ્ઞાનનાં પ્રતિપાદનોમાં એક નવો અધ્યાય ચોક્કસ ઉમેરી શકાયો હોત. દંતકથાઓના આધારે કોઈ આવી સિદ્ધિઓને વખાણ કરવા લાગે તો તે અતિશયોક્તિ જ ગણાય. હવે પ્રત્યક્ષને પ્રમાણિત કર્યા વિના કોઈનું કશું ચાલી શકે તેમ નથી.
પ્રશ્ન સૂક્ષ્મીકરણ સાધનાનો છે જે હું અત્યારે કરી રહ્યો છું. આ એક વિશેષ સાધના છે, જે સ્થળ શરીરમાં રહીને પણ કરી શકાય છે અને સ્થૂળ શરીર ત્યાગી દીધા પછી પણ કરવી પડે છે. બંને પરિસ્થિતિઓમાં પ્રયોગ, પુરુષાર્થ અને તપસાધના સિવાય આ સ્થિતિ શક્ય નથી. આને યોગાભ્યાસ તપશ્ચર્યાનું એક વધારાનું ચરણ કહેવું જોઈએ.
આના માટે કોણે શું કરવાનું હોય છે તેનો આધાર તેના વર્તમાન સ્તર અને ઉચ્ચ પ્રકારના માર્ગદર્શન ઉપર હોય છે. બધાના માટે એક જ પાઠ્યક્રમ હોઈ શક્તો નથી, પણ એટલું અવશ્ય છે કે પોતાની શક્તિઓનો બાહ્ય બગાડ રોકવો પડે છે. ઈંડું જ્યાં સુધી પાકી જતું નથી ત્યાં સુધી એક કોચલામાં બંધ રહે છે. ત્યાર પછી તે એ કોચલાને તોડીને બહાર નીકળી ચાલવા, ફરવા, ઊડવા લાગે છે. લગભગ આ જ અભ્યાસ સૂક્ષ્મીકરણનો છે, જે મેં શરૂ કર્યો છે. પ્રાચીનકાળમાં ગુફાસેવન, સમાધિ વગેરેનો પ્રયોગ ઘણુંખરું
આ માટે જ કરવામાં આવતો હતો. – સૂક્ષ્મ શરીરધારીઓનું વર્ણન અને વિવરણ પુરાતન ગ્રંથોમાં વિસ્તારપૂર્વક મળે છે. યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે થયેલા વિગ્રહ અને વિવાદનું વર્ણન “મહાભારત’ માં વિસ્તારથી કરવામાં આવ્યું છે. યક્ષ, ગંધર્વ, બ્રહ્મરાક્ષસ વગેરે કેટલાય વર્ગો સૂક્ષ્મ શરીરધારીઓના હતા. વિક્રમાદિત્ય સાથે પાંચ ‘વીર’ રહેતા હતા. શિવજીના ગણો “વીરભદ્ર કહેવાતા હતા. ભૂત, પ્રેત, જિન વગેરેનો અલગ વર્ગ હતો. જેમણે
અલાઉદીનનો ચિરાગ’ વાંચ્યું હશે તેમને આ વર્ગની ગતિવિધિઓની વિશેષ જાણકારી હશે. છાયા પુરુષ સાધનામાં પોતાના જ શરીરથી એક વધારાની સત્તાનું નિર્માણ કરે છે અને તે એક અદશ્ય સાથી, સહયોગી જેવું કામ કરે છે.
આ સૂક્ષ્મ શરીરધારીઓમાં મોટા ભાગનાનો ઉલ્લેખ હાનિકર્તા તરીકે કે નૈતિક દૃષ્ટિએ હેય સ્તર પર થયો છે. સંભવ છે કે એ વખતે અતૃપ્ત વિક્ષુબ્ધ સ્તરના યોદ્ધાઓ રણભૂમિમાં મર્યા પછી આવું જ કંઈક રૂપ લેતા હશે. એ જમાનામાં સૈનિકોની કાપકૂપી જ સર્વત્ર વ્યાપેલી હતી. આની સાથે સાથે સૂક્ષ્મ શરીરધારી દેવર્ષિઓનો પણ ઓછો ઉલ્લેખ નથી. રાજર્ષિ અને બ્રહ્મર્ષિ સૂક્ષ્મ શરીરધારી જ બનતા હતા, પરંતુ જેમની ગતિ સૂક્ષ્મ શરીરમાં પણ કામ કરતી હતી તે દેવર્ષિ કહેવાતા હતા. તેઓ વાયુ ભૂત થઈને વિચરણ કરતા હતા. લોકલોકાંતરોમાં જઈ શકતા હતા. જ્યાં જરૂર જણાતી ત્યાં ભક્તોને માર્ગદર્શન આપવા પણ પહોંચી જતા હતા.
ઋષિઓમાં મોટાભાગના ઋષિઓનો આવો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ સમય પ્રમાણે ધીરજ આપવા, માર્ગદર્શન આપવા જ્યાં જરૂર પડી ત્યાં પહોંચ્યા છે, પ્રગટ્યા છે. પગે ચાલીને જવું પડ્યું નથી. અત્યારે પણ હિમાલયના ઘણા ખરા યાત્રીઓ માર્ગ ભૂલી જતાં કોઈક આવીને એમને પોતાના સ્થાન સુધી પહોંચાડી ગયાની વાતો સાંભળીએ છીએ. કેટલાય લોકોએ ગુફાઓમાં, શિખરો ઉપર અદશ્ય યોગીઓને પ્રગટ થતા અને અદશ્ય થતા જોયા છે. તિબેટના લામાઓની માન્યતા છે કે આજે પણ હિમાલયના ધ્રુવકેન્દ્રમાં એક એવી મંડળી છે કે જે વિશ્વશાંતિમાં પોતાનો સહયોગ આપી રહી છે. આને તેઓએ “અદશ્ય સહાયક એવું નામ આપ્યું છે.
અહીં યાદ રાખવાની બાબત એ છે કે આ દેવર્ષિઓનો સમુદાય પણ મનુષ્યોનો જ એક વિકસિત વર્ગ છે. યોગીઓ, સિદ્ધપુરુષો તથા મહામાનવોની જેમ તેઓ સેવા સહાયતામાં વધારે સમર્થ છે પણ એમ માનવું ભૂલ ભરેલું છે કે તેઓ સર્વ સમર્થ છે અને કોઈની પણ મનોકામનાઓ તરત જ પૂરી કરી શકે છે અથવા અમોધ વરદાન આપી શકે છે. કર્મફળની વરિષ્ઠતા સર્વોપરિ છે. તેને ભગવાન જ ઘટાડી કે મિટાવી શકે છે. એ મનુષ્યની શક્તિ બહારનું કામ છે. જે રીતે બીમારને દાક્તર અને ગરીબને પૈસાદાર મદદ કરી શકે છે તેવી જ રીતે સૂક્ષ્મ શરીરધારી દેવર્ષિ પણ સમયાંતરે સત્કર્મો કરવા માટે બોલાવવાથી અથવા વગર બોલાવ્યું પણ મદદ માટે દોડી આવે છે. આનાથી ઘણો લાભ મળે છે. આમ છતાં પણ કોઈએ એમ માની લેવું ન જોઈએ કે પુરુષાર્થની જરૂર જ નથી અથવા તેમની મદદથી નિશ્ચિત સફળતા મળી જશે. આવું જ હોત તો લોકો એમનો આશ્રય મેળવીને નિશ્ચિત થઈ જાત અને પોતાના પુરુષાર્થની જરૂર જ ન સમજત. પોતાનાં કર્મફળ નડે છે અને પરિસ્થિતિઓ બાધક બને છે એ વાતને માનત પણ નહિ.
અહીં એક સરસ ઉદાહરણ મારા હિમાલયવાસી ગુરુદેવનું છે. સૂક્ષ્મ શરીરધારી હોવાના કારણે તેઓ એવા પ્રકારના વાતાવરણમાં રહી શકે છે, જ્યાં જીવન નિર્વાહનાં કોઈ જ સાધનો નથી. જરૂર પડ્યું મને માર્ગદર્શન અને સહાયતા આપતા રહે છે. એનો અર્થ એવો નથી કે મારે કંઈ જ કરવું પડ્યું નથી, કોઈ મુશ્કેલી નડી નથી, ક્યારેય અસફળતા મળી જ નથી. આ પણ થતું જ રહ્યું છે, પણ એટલું ચોક્કસ છે કે જે કંઈ હું એક્લો કરી શકત તેના કરતાં એમના દિવ્ય સહયોગથી મારું મનોબળ ઘણું મજબૂત થયું છે. યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. મુશ્કેલીના સમયમાં ધર્મ તથા સાહસ યથાવત્ સ્થિર રહ્યાં છે. આ કંઈ ઓછું નથી. એટલી જ આશા બીજા પાસે પણ રાખવી જોઈએ. બધાં જ કામો કોઈક પૂરાં કરી જશે એવી આશા ભગવાન પાસે પણ ન રાખવી જોઈએ. લોકો એ ભૂલ કરે છે કે કોઈ દૈવી સહાયતાનું નામ લઈને જાદુઈ લાકડી ફેરવશે અને મનપસંદ કામ થઈ જશે. આવા અતિવાદી લોકો ક્ષણવારમાં આસ્થા ગુમાવી બેસતા જોવા મળે છે. દૈવી શક્તિઓ અને સૂક્ષ્મ શરીરો પાસે સામયિક મદદની આશા રાખવી જોઈએ. સાથેસાથે પોતાની જવાબદારી વહન કરવા માટે કટિબદ્ધ પણ રહેવું જોઈએ. અસફળતાઓ અને મુશ્કેલીઓને શ્રેષ્ઠ શિક્ષક માનીને આગળનું કદમ વધારે સાવધાની, વધારે બહાદુરીપૂર્વક ભરવાની તૈયારી કરવી જોઈએ.
સામાન્ય રીતે સૂક્ષ્મ શરીરોની શક્તિ પણ વિશેષ હોય છે. ઘણું કરીને દૂરદર્શન, દૂરશ્રવણ, પૂર્વાભાસ, વિચાર-સંપ્રેષણ વગેરેમાં સૂક્ષ્મ શરીરની જ ભૂમિકા રહે છે. એમની સહાયતાથી જ કેટલાયને મુશ્કેલીઓમાંથી ઉગરવાની તક મળી છે.કેટલાયને એવી સહાય મળી છે, જેના વિના તેમનું કાર્ય અટકી જ ગયું હોત. બે સાચા મિત્રો મળવાથી એ લોકોની હિંમત અનેકગણી વધી જાય છે. એવો જ અનુભવ અદશ્ય સહાયકોની સાથે સંબંધ જોડીને કરવો જોઈએ.
જેવી રીતે આપણું દૃશ્ય સંસાર છે અને તેમાં દશ્ય શરીરવાળા જીવધારી રહે છે. એ જ રીતે એક અદશ્ય લોક પણ છે. તેમાં સૂક્ષ્મ શરીરધારીઓ નિવાસ કરે છે. આમાં કેટલાક તદ્દન સામાન્ય, કેટલાક દુષ્ટાત્મા અને કેટલાક અત્યંત ઉચ્ચ સ્તરના હોય છે. આ લોકો મનુષ્ય લોકમાં પૂરેપૂરો રસ લે છે. બગડેલાને સુધારવાના અને સુધારેલાને વધારે સફળ બનાવવાના કાર્યમાં અયાચિત સહાયતા માગવાનું પ્રયોજન અને માગનારનું સ્તર યોગ્ય હોય તો વધારે સારી રીતે અને વધારે પ્રમાણમાં સહાયતા મળે છે.
આ તો સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ લોકની ચર્ચા થઈ. પ્રસંગ પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવાનો છે. આ વિષમ વેળા છે. આમાં પ્રત્યક્ષ શરીર ધરાવનારા પ્રત્યક્ષ ઉપાયો – ઉપચારોથી જે કંઈ કરી શકાય તે કરી જ રહ્યા છે. કરવું પણ જોઈએ, પણ આટલાથી જ કામ થશે નહિ. સશક્ત સૂક્ષ્મ શરીરોએ બગડેલાને વધુ ન બગડવા દેવા માટે પોતાનું જોર કામે લગાડવું પડશે. સંભાળવા માટે જે કંઈ પ્રક્રિયા ચાલી રહી છે તે પૂરતી નથી. તેને વધારે સરળ અને સફળ બનાવવા માટે અદશ્ય મદદની જરૂર પડશે.આ સામૂહિક સમસ્યાના ઉકેલ માટે પણ અત્યંત જરૂરી ગણાશે અને વ્યક્તિગત રૂપે પણ આ યોજનોમાં સંલગ્ન વ્યક્તિઓને રમાડી અને યશસ્વી બનાવવાની દૃષ્ટિએ પણ જરૂરી ગણાશે.
જ્યારે મને આ કામ સોંપવામાં આવ્યું તો એ કરવામાં આનાકાની કેવી? દિવ્યસત્તાના સંકેતો ઉપર બહુ લાંબા સમયથી ચાલતો રહ્યો છું અને જ્યાં સુધી આત્મબોધ જાગૃત રહેશે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે. આ જ કાર્યક્રમ ચાલતો રહેશે. આ વિષમ વેળા છે. અત્યારના સમયમાં દશ્ય અને અદશ્ય ક્ષેત્રમાં જે વિષ ફેલાઈ ગયું છે તેનું પરિશોધન કરવાનો પ્રયાસ અત્યંત જરૂરી બની ગયો છે, જેમાં એક ક્ષણનો વિલંબ પણ પાલવે તેમ નથી. આથી સંજીવની બુટી લાવવા માટે પર્વત ઉખાડી લાવવાનું અને સુષેણ વૈદ્યને શોધવા માટે જે કંઈ કરવું પડે તે કરવું જોઈએ. આ કાર્યસ્થૂળ શરીરને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત સ્થિતિમાં લાવવા માટે મારે વિના વિલંબે લાગી જવું પડ્યું અને ગત બે વર્ષમાં કઠોર તપશ્ચર્યાનું એકાન્ત સાધનાનું અવલંબન લેવું પડ્યું.
પ્રતિભાવો