SJ-01 : આજે હું આ કરવામાં વ્યસ્ત છું-૨૪, મારું વિલ અને વારસો
March 10, 2021 Leave a comment
આજે હું આ કરવામાં વ્યસ્ત છું
મારી જિજ્ઞાસા અને ઉત્સુકતાઓનું સમાધાન ગુરુદેવ ઘણું કરીને મારા અંતઃકરણમાં બેસીને જ કરતા રહે છે. તેમનો આત્મા મારી પાસે જ હોય એવું મને દેખાયા કરે છે. આર્ષગ્રંથોના અનુવાદથી લઈને પ્રજ્ઞાપુરાણની રચના સુધીના લેખનકાર્યમાં તેમનું માર્ગદર્શન એક અધ્યાપક અને વિદ્યાર્થી જેવું રહ્યું છે. મારી વાણી પણ તેમની જ શિખામણને દોહરાવતી રહી છે. ઘોડે સ્વારના ઈશારા પર ઘોડો જેમ પોતાની દિશા અને ચાલ બદલતો રહે છે, તેવું જ કાર્ય હું પણ કરતો રહ્યો છું.
બૅટરી ચાર્જ કરવા માટે જ્યારે હિમાલયમાં બોલાવે છે, ત્યારે પણ તેઓ કંઈ વિશેષ કહેતા નથી. સેનેટોરિયમમાં જવાથી જેમ કોઈ દુર્બળનું સ્વાથ્ય સુધરી જાય છે, એ જ રીતે હિમાલયમાં જવાથી મને પણ એવી જ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે. અનેક પ્રસંગોએ વાર્તાલાપ પણ થતો રહે છે.
આ વખતે સૂક્ષ્મીકરણ પ્રક્રિયા અને સાધનાવિધિ તો બરાબર સમજાઈ ગઈ. જેવી રીતે કુતાના શરીરમાંથી પાંચ દેવપુત્રો જમ્યા એ જ પ્રમાણે મારા શરીરમાં વિદ્યમાન પાંચ કોષો – અન્નમય. મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષોને પાંચ વીરભદ્રો રૂપે વિકસિત કરવા પડશે. આની સાધનાવિધિ પણ સમજાઈ ગઈ. જ્યાં સુધી એ પાંચેય પૂર્ણ સમર્થ ન થઈ જાય ત્યાં સુધી વર્તમાન સ્થૂળ શરીરને પણ ધારણ કરી રાખવાનો આદેશ છે. મારી દશ્ય સ્થળ જવાબદારીઓ બીજાઓને સોંપવાની દૃષ્ટિએ પણ અત્યારે શાંતિકુંજમાં જ રહેવાનો નિર્દેશ મળ્યો છે.
આ બધું સ્પષ્ટ થઈ ગયું. સાવિત્રી સાધનાનું વિધાન પણ તેમનો નિર્દેશ મળતાં જ આ નિમિત્તે શરૂ કરી દીધું.
હવે પ્રશ્ન એ રહ્યો કે આ પાંચ વીરભદ્રોને ક્યું કામ સોંપવું પડશે અને તેઓ આ કાર્ય કેવી રીતે કરશે. વધારે જિજ્ઞાસા રહેવાના કારણે આનો જવાબ પણ મળી ગયો. આનાથી નિરાંત પણ થઈ અને પ્રસન્નતા પણ થઈ.
આ સંસારમાં આજે પણ એવી કેટલીય પ્રતિભાઓ છે, જે દિશાને બદલવા માટે જે કંઈ કરી રહી છે તેની સરખામણીમાં વધારે મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા લાગશે. ઊલટાને ઊલટાવીને સીધું કરવા માટે પ્રચંડ શક્તિની જરૂર છે તે મારા અંગે અંગ વીરભદ્રો કરવા લાગશે. પ્રતિભાઓની વિચારધારા જો બદલી નાંખી શકાય તો તેમનું પરિવર્તન ચમત્કાર બની શકે છે.
નારદે પાર્વતી, ધ્રુવ, પ્રહલાદ, વાલ્મીકિ, સાવિત્રી વગેરેની જીવનદિશા બદલી, તો તેઓ જે સ્થિતિમાં રહેતા હતા તેને લાત મારીને બીજી દિશામાં ચાલતાં થયાં અને સંસાર માટે એક અનુકરણીય ઉદાહરણ બની ગયાં. ભગવાન બુદ્ધ આનંદ, કુમારજીવ, અંગુલિમાલ, આમ્રપાલી, અશોક, હર્ષવર્ધન, સંઘમિત્રા, વગેરેનું મન બદલી નાખ્યું તો તેઓ જે કંઈ કરી રહ્યાં હતાં તેનાથી બિલકુલ ઊલટું કરવા લાગ્યાં અને વિશ્વ વિખ્યાત બની ગયાં. વિશ્વામિત્રે હરિશ્ચંદ્રને એક સામાન્ય રાજા ન રહેવા દીધો, પણ એટલો મહાન બનાવ્યો કે જેનું ફક્ત નાટક જોઈને ગાંધીજી વિશ્વવંદ્ય બની ગયા. મહા કંજૂસ ભામાશાને સંત વિઠોબાએ અંત:પ્રેરણા આપી અને સમગ્ર ધન મહારાણા પ્રતાપનાં ચરણોમાં અર્પણ કરાવી દીધું. આદ્ય શંકરાચાર્યની પ્રેરણાથી રાજા માંધાતાએ ચાર ધામોના ચાર મઠ બનાવી દીધા. અહલ્યાબાઈને એક સંતે પ્રેરણા આપીને કેટલાંય મંદિરો અને ઘાટોનો જીર્ણોદ્ધાર કરાવી દીધો અને દુર્ગમસ્થાનો પર નવાં દેવાલયો બનાવવાના સંકલ્પને પૂર્ણ કરી બતાવવા માટે સંમત કર્યા. સમર્થ ગુરુ રામદાસે શિવાજીને એ કામ કરવાની અંતઃ પ્રેરણા આપી, જે પોતાની ઈચ્છાથી ભાગ્યે જ કરી શક્યા હોત. રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રની પાછળ પડીને નરેન્દ્રને વિવેકાનંદ બનાવી દીધા. રાજા ગોપીચંદના મનમાં વૈરાગ્ય પેદા કરવાનું શ્રેય સંત ભર્તુહરિના ફાળે જાય છે.
આવાં અનેક ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે, જેમાં કેટલીયે પ્રતિભાઓને કોઈ મનસ્વી આત્મવેત્તાઓએ બદલીને શું માંથી શું બનાવી દીધા. એમની કૃપા ન થઈ હોત તો તેઓ જીવનભર પોતાની જૂની ચાલ પ્રમાણે ભાર ખેંચતા રહ્યા હોત.
મારી પોતાની વાત પણ બિલકુલ આવી જ છે. જો ગુરુદેવે મને બદલી ન નાખ્યો હોત, તો હું પણ મારા પરિવારજનોની જેમ અમારો પરોહિત્યનો ધંધો કરતો હોત અથવા બીજા કોઈ કામમાં જોડાયો હોત. આજે જે સ્થાન પર છું એ સ્થાન સુધી પહોંચી જ ન શક્યો હોત.
આજે યુગ પરિવર્તન માટે અનેક પ્રકારની પ્રતિભાઓ જોઈએ. વિદ્વાનોની જરૂર છે, જે લોકોને પોતાના તર્ક અને પ્રમાણોથી વિચારવાની નવી પદ્ધતિ પ્રદાન કરી શકે. કલાકારોની જરૂર છે, જે ચૈતન્ય મહાપ્રભુ, મીરાં, સુરદાસ, કબીર વગેરેની ભાવનાઓને એવી રીતે લહેરાવી શકે, જેવી રીતે મદારી સાપને નચાવે છે. ધનવાનોની જરૂર છે, જે પોતાના ધનને વિલાસમાં ખર્ચી નાખવાના બદલે સમ્રાટ અશોકની જેમ પોતાનું સર્વસ્વ સામયિક માગને પૂરી કરવામાં લુંટાવી શકે. રાજનીતિજ્ઞોની જરૂર છે, જે ગાંધી, રુસો, કાર્લ માકર્સ અને લેનિનની જેમ પોતાના સંપર્કના પ્રજાજનોને એવા માર્ગ ઉપર ચલાવી શકે, જેની પહેલાં ક્યારેય આશા રાખવામાં આવી ન હતી.ભાવનાશીલોને તો શું કહેવું? સંત અને સર્જન લોકોએ તો અનેક લોકોને પોતાના સંપર્કથી લોખંડમાંથી પારસની ભૂમિકા ભજવતા કરી નાંખીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા.
મારા વીરભદ્રો હવે આવું જ કરશે. મેં પણ આ જ કર્યું છે. લાખો લોકોની વિચારણા અને ક્રિયા પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કર્યું છે અને એમને ગાંધીના સત્યાગ્રહીઓની જેમ, વિનોબાના ભૂદાનીઓની જેમ, બુદ્ધના પરિવ્રાજકોની જેમ પોતાનું સર્વસ્વ લુંટાવી દેવા માટે તૈયાર કરી દીધા. પ્રજ્ઞા પુત્રોની આટલી મોટી સેના હનુમાનના અનુયાયી વાનરોની ભૂમિકા નિભાવે છે. આટલા નાનકડા જીવનમાં પણ મારી પ્રત્યક્ષ ક્રિયાઓ દ્વારા હું જ્યાં પણ રહ્યો ત્યાં ચમત્કારો સર્જી દીધા, તો પછી એવું કોઈ કારણ નથી કે મારા જ આત્માના ટુકડાઓ જેની પાછળ કે, તેને ભૂતપલિતની જેમ તોડીફોડીને ઠીક નહિ કરી દે.
આવનાર સમયમાં અનેક દુષ્પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ઉખાડવાની જરૂર પડશે. એના માટે ગાંડી વધારીઓની જરૂર પડશે, જે અર્જુનની જેમ કૌરવોની અક્ષૌહિણી સેનાઓને ભોંયભેગી કરી દે. એવા હનુમાનની જરૂર પડશે, જે એક લાખ પુત્રો અને સવા લાખ સંબંધીઓ ધરાવતી લંકાને માત્ર પછડાથી બાળીને ખાખ કરી દે. આવાં પરિવર્તનો અંત:કરણ બદલાવાથી જ થઈ શકે છે. અમેરિકાના અબ્રાહમ લિંકન અને જયોર્જ વોશિંગ્ટન ખૂબ જ સામાન્ય કુટુંબોમાં જન્મ્યા હતા, પણ પોતાના જીવન પ્રવાહને બદલીને અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા.
પ્રતિભાહીન લોકોની વાત જવા દો. તેઓ તો પોતાની ક્ષમતા અને બુદ્ધિમત્તાને ચોરી, લૂંટફાટ, ડાકુગીરી, ઠગાઈ વગેરે નીચ કામોમાં વાપરે છે, પણ જેમનામાં ભાવના ભરેલી છે, તેઓ પોતાના સામાન્ય પરાક્રમથી સમગ્ર દિશા બદલીને ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. સ્વામી દયાનંદ, શ્રદ્ધાનંદ, રામતીર્થ વગેરેનાં કેટલાય ઉદાહરણો નજર સામે છે, જેમની દિશાધારા બદલાઈ ગઈ તો અસંખ્ય લોકોને બદલવામાં તેઓ સમર્થ બની ગયા.
અત્યારે પ્રતિભાઓ ભોગવિલાસમાં, સંગ્રહમાં, અહંકારની પૂર્તિમાં વ્યસ્ત છે. આમાં જ તેઓ પોતાની ક્ષમતા અને સંપન્નતાને નષ્ટ કરતી રહે છે. જો આમાંથી થોડીક પણ પોતાની વિચારધારા બદલી નાંખે તો ગીતા પ્રેસવાળા જયદયાલ ગોએન્કાની જેમ એવી સામગ્રી ઊભી કરી શકે, જેને અદભુત તથા અનુપમ કહી શકાય.
કઈ પ્રતિભાને કઈ રીતે બદલવાની છે અને તેની પાસે કયું કામ કરાવવાનું તેનો નિર્ણય માર્ગદર્શક તરફથી થતો રહેશે. અત્યારે જે લોકો વિશ્વ યુદ્ધ કરવાની અને સંસારને ખેદાન મેદાન કરી નાંખવાની વાતો વિચારે છે, તેમના દિમાગને જો બદલીશું તો વિનાશના કાર્યમાં વપરાનારી બુદ્ધિ, શક્તિ અને સંપદાને વિકાસના કાર્યોમાં વાળી દઈશું. એટલાથી જ પરિસ્થિતિ બદલાઈને ક્યાંથી ક્યાં પહોંચી જશે. પ્રવૃત્તિઓ અને દિશા બદલાઈ જવાથી મનુષ્યનું કર્તૃત્વ શું નું શું થઈ જાય છે અને જે શ્રેય માર્ગ ઉપર કદમ ભરે છે તેની પાછળ ભગવાનની શક્તિ સહાયતા માટે નિશ્ચિતપણે હાજર રહે છે. બાબાસાહેબ આપ્ટેની જેમ તેઓ અપંગોનું વિશ્વવિદ્યાલય, કુષ્ઠ ઔષધાલય બનાવી શકે છે. હીરાલાલ શાસ્ત્રીની જેમ વનસ્થલી કન્યા વિદ્યાલય ઊભું કરી શકે છે. લક્ષ્મીબાઈની જેમ કન્યા ગુરુકુળ ઊભાં કરી શકે છે.
મનુષ્યની બુદ્ધિની ભ્રષ્ટતાએ તેની ગતિવિધિઓને ભ્રષ્ટ, પાપી અને અપરાધી બનાવી દીધી છે. તે જે કંઈ કમાય છે તે તરત જ અયોગ્ય કાર્યોમાં નાશ પામે છે. પોતાને તો બદનામી અને પાપનું પોટલું જ મળે છે. આ સમુદાયના વિચારોને કોઈ બદલી શકે, તેમની રીતિનીતિ અને દિશાધારાને બદલી શકે તો એ જ લોકો એટલા બધા મહાન બની શકે, એટલાં મહાન કાર્યો કરી શકે કે તેમનું અનુકરણ કરીને લાખો લોકો ધન્ય બની શકે અને જમાનો બદલાતો જોઈ શકે.
આજે મારી જે સાવિત્રી સાધના ચાલી રહી છે તેના માધ્યમથી જે અદશ્ય મહાવીરો ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે, તેઓ છાનામાના અસંખ્ય લોકોના અંતઃકરણમાં ઘૂસી જશે. એમની અનીતિને છોડાવીને જ જંપશે અને એવાં રત્નો મૂકીને આવશે કે તેઓ પોતે પણ ધન્ય બની જશે અને “યુગ પરિવર્તન” જે અત્યારે કઠિન દેખાઈ રહ્યું છે તેને કાલે સરળ બનાવી શકે.
પ્રતિભાવો