SJ-01 : મનીષીરૂપે મારી પ્રત્યક્ષ ભૂમિકા-૨૫, મારું વિલ અને વારસો
March 10, 2021 Leave a comment
મનીષીરૂપે મારી પ્રત્યક્ષ ભૂમિકા
મનુષ્ય પોતાની અંતઃશક્તિના સહારે સુષુપ્તને જાગૃત કરી આગળ વધી શકે છે. આ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે તપ તિતિક્ષાથી પ્રખર બનાવેલું વાતાવરણ, શિક્ષણ, સાંનિધ્ય, સત્સંગ, પરામર્શ અને અનુકરણ પણ એટલી જ સશક્ત ભૂમિકા ભજવી શકે છે. જોવા મળે છે કે કોઈ સમુદાયમાં તદ્દન સામાન્ય વર્ગના મર્યાદિત શક્તિ સંપન્ન માણસો એક પ્રચંડ પ્રવાહના સહારે અશક્ય પુરુષાર્થને પણ શક્ય કરી બતાવે છે. પ્રાચીનકાળમાં મનીષીઓ અને મુનિઓ આ જ ભૂમિકા ભજવતા હતા. તેઓ યુગ સાધનામાં વ્યસ્ત રહીને કલમ અને વાણીનું સશક્ત તંત્રના માધ્યમથી જનમાનસના ચિંતનને નવી દિશા આપતા હતા. આવી સાધના અનેક ઉચ્ચસ્તરનાં વ્યક્તિત્વોને જન્મ આપતી હતી, એમની સુષુપ્ત શક્તિને જગાડીને, તેમને નવી દિશા આપીને સમાજમાં ઈચ્છિત પરિવર્તન લાવતી હતી. શરીરની દૃષ્ટિએ સામાન્ય દેખાતી વ્યક્તિ પણ પ્રતિભા, કૌશલ્ય અને ચિંતનની શ્રેષ્ઠતાથી પૂર્ણ દેખાતી હતી.
સર્વવિદિત છે કે અધ્યાત્મક્ષેત્રની પ્રતિભાવાન વ્યક્તિઓ તરીકે મુનિ અને ઋષિ એ બે વર્ગોની જ ગણતરી થતી રહી છે. ઋષિ એ છે જે તપશ્ચર્યા દ્વારા કાયાને ચેતના સાથે જોડીને તેનાં પરિણામો દ્વારા જનસમુદાયને લાભ પહોંચાડે. મુનિ એને કહેવામાં આવે છે જે ચિંતન, મનન અને સ્વાધ્યાય દ્વારા જનમાનસના પરિષ્કારનું કાર્ય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક પવિત્રતાનું પ્રતીક છે, બીજું પ્રખરતા. બંનેને તપ સાધનામાં વ્યસ્ત રહીને સૂક્ષ્મતમ બનવું પડે છે, જેથી પોતાના સ્વરૂપને વધારે વિરાટ અને વ્યાપક બનાવીને ખુદને આત્મબળ સંપન્ન બનાવીને યુગચિંતનના પ્રવાહને વળાંક આપી શકે. મુનિઓને પ્રત્યક્ષ સાધનોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા હોય છે, ઋષિઓ માટે તે અનિવાર્ય નથી. તેતો પોતાના સૂક્ષ્મ રૂપમાં પણ વાતાવરણને આંદોલિત તથા સંસ્કારિત બનાવી રાખી શકે છે.
લોકવ્યવહારમાં મનીષી શબ્દનો અર્થ એવો મહાપ્રાજ્ઞ સમજવામાં આવે છે, જેનું મન પોતાના કાબૂમાં હોય. જે પોતાના મનથી સંચાલિત થતો નથી, પણ પોતાના વિચારો દ્વારા મનને ચલાવે છે, તેને મનીષી કહેવામાં આવે છે અને એવી પ્રજ્ઞાને મનીષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારોનું કથન છે કે, “મનીષા અતિ વેષાં તે મનીષીન: ” પણ સાથે એવું કહ્યું છે, “મનીષી નતુ ભવન્તિ પાવનાનિ ન ભવત્તિ’ અર્થાત્ મનીષી તો ઘણા બધા હોય છે. મોટા મોટા બુદ્ધિમાન હોય છે. બુદ્ધિમાન હોવું જુદી વાત છે અને પવિત્ર-શુદ્ધ અંતઃકરણ રાખવું એ જુદી વાત છે. આજે સંપાદક, બુદ્ધિજીવી, લેખક, અન્વેષક અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો તો અનેક છે, દેશ-વિદેશમાં ફેલાયેલા છે, પણ તેઓ મનીષી નથી. કેમ? કારણ કે તેમણે તપ શક્તિ દ્વારા, અંત:શોધન દ્વારા પવિત્રતા પ્રાપ્ત કરી નથી.
સાહિત્યની આજે ક્યાંય ખોટ છે? આજે જેટલાં પત્ર-પત્રિકાઓ છપાય છે, જેટલું સાહિત્ય રોજ વિશ્વભરમાં છપાય છે તે પહાડ જેટલી સામગ્રીને જોતાં લાગે છે કે મનીષીઓ વધ્યા છે અને વાચકો પણ વધ્યા છે, પણ આ બધાનો પ્રભાવ કેમ પડતો નથી? કેમ લેખકની કલમ ફક્ત કુત્સાને ભડકાવવામાં જ વ્યસ્ત રહે છે તથા એ જ સાહિત્યને વાંચીને સંતોષ પામનારાઓની સંખ્યા કેમ વધે છે ? એનાં કારણો શોધવાં હોય તો ત્યાં જ આવવું પડશે. જ્યાં કહેવામાં આવ્યું હતું, પાવનાનિ ન ભવત્તિ ” જો આટલા મોટા પ્રમાણમાં ઉચ્ચસ્તરીય ચિંતનને ઉત્કૃષ્ટ બનાવનાર સાહિત્યની રચના કરવામાં આવી હોત અને એની ભૂખ વધારવા માટેની યોગ્યતા લોકસમુદાયના મનમાં પેદા કરવામાં આવી હોત તો શું આજે સમાજમાં મોજૂદ છે એ વિકૃતિઓ જોવા મળત ? આ જીવનની સમસ્યાઓનું સમાધાન જો શક્ય છે તો તે યુગ મનીષાના હાથે જ થશે.
મેં આગળ પણ કહ્યું છે કે જો નવો યુગ આવશે તો વિચારોના પરિષ્કાર દ્વારા જ, ક્રાન્તિ થશે તો તે લોહી અને લોઢાથી નહિ, પણ વિચારોથી વિચારોને કાપીને થશે. સમાજનું નવનિર્માણ સદ્વિચારોની પ્રતિષ્ઠા દ્વારા સંભવ બનશે. અત્યાર સુધીમાં જેટલી મલિનતા સમાજમાં ઘૂસી છે તે બુદ્ધિમાનો દ્વારા જ ઘૂસી છે. વૈષ, ઝઘડા, જાતિવાદ, વ્યાપક નરસંહાર જેવાં કાર્યોમાં બુદ્ધિમાનોએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો તેઓ સન્માર્ગગામી હોત, તેમનાં અંતઃકરણ પવિત્ર હોત, તપશક્તિનું બળ તેમને મળ્યું હોત તો તેમણે વિધેયાત્મક વિજ્ઞાનપ્રવાહને જન્મ આપ્યો હોત, સસાહિત્ય રચ્યું હોત અને એવાં જ આંદોલનો ચલાવ્યાં હોત. હિટલરે જ્યારે નિજોના “સુપરમેન’ રૂપી અધિનાયકને પોતાનામાં સાકાર કરવાની ઈચ્છા કરી તો સૌ પ્રથમ તેણે સમગ્ર રાષ્ટ્રના વિચાર પ્રવાહને એ દિશામાં વાળી દીધો. અધ્યાપક અને વૈજ્ઞાનિકોનો વર્ગ નાઝીવાદનો ચુસ્ત સમર્થક બન્યો, તો તેની નિષેધાત્મક વિચારસાધના દ્વારા તેને “મીનકેમ્ફના રૂપમાં આરોપિત કરી, ત્યાર બાદ તેણે સમગ્ર રાષ્ટ્રનો અભ્યાસક્રમ તથા છાપાઓની દિશાધારાને પોતાની ઈચ્છા પ્રમાણે બદલી નાખ્યાં. જર્મન રાષ્ટ જાતિવાદના અહંકારમાં તથા સર્વશ્રેષ્ઠ જાતિનું પ્રતીક હોવાના ગર્વોન્માદમાં ઉન્મત્ત થઈને વ્યાપક નરસંહાર કરીને નષ્ટ થયું. આ પણ એક મનીષાએ આપેલા વળાંકનું પરિણામ છે. આ વળાંક જો સાચી દિશામાં વાળ્યો હોત તો આવા સમર્થ અને સંપન્ન રાષ્ટ્રને ક્યાંથી ક્યાં લઈ જઈ શકાયું હોત.
કાર્લ માકર્સે તમામ અભાવોમાં જીવન જીવીને અર્થશાસ્ત્રરૂપી એવા દર્શનને જન્મ આપ્યો જેણે સમગ્ર સમાજમાં ક્રાંતિ કરી. મૂડીવાદી કિલ્લાના કાંગરા ખરતા ગયા અને સામ્રાજ્યવાદ પોણા ભાગની ધરતી ઉપરથી નષ્ટ થઈ ગયો. “દાસ કેપિટલ’ રૂપી આ રચનાએ એ નવયુગનો શુભ આરંભ કર્યો, જેમાં શ્રમિકોને પોતાના અધિકારો પ્રાપ્ત થયા અને મૂડીના સમાન વિતરણનો નવો અધ્યાય ખૂલ્યો. જેમાં કરોડો વ્યક્તિઓને સુખ અને આનંદની તથા સ્વાવલંબી જિંદગી જીવવાની સ્વતંત્રતા મળી. રસોએ પ્રજાતંત્રનો પાયો નાખ્યો. આનો મૂળ સ્રોત રાજાશાહી અને સામ્રાજ્યવાદના ચાહકોની રીતિનીતિમાંથી પ્રગટ્યો.
જો રુસોની વિચારધારાનો વ્યાપક પ્રભાવ લોકસમુદાય ઉપર પડ્યો ન હોત, તો મતાધિકારની સ્વતંત્રતા, બહુમતીના આધારે પ્રતિનિધિત્વ વગેરે વિકસિત થયાં ન હોત. “બળિયાના બે ભાગ’ની નીતિ બધે જ ચાલતી. કોઈ વિરોધ પણ દર્શાવી શકતું ન હતું. જાગીરદારો અને વંશપરંપરા પ્રમાણે રાજા બનનાર અણઘડોનું જ વર્ચસ્વ હતું. આને એક પ્રકારની મનીષા પ્રેરિત ક્રાંતિ જ કહેવી જોઈએ. જોતજોતામાં મૂડીવાદ સમાપ્ત થઈ ગયો. શોષક વર્ગનો સફાયો થઈ ગયો. આના સંદર્ભમાં હું કેટલીય વાર લિંકન અને લ્યુથર કિંગની સાથેસાથે એક મહિલા હેરએટ સ્ટોનો ઉલ્લેખ કરતો રહ્યો છું, જેની કલમે કાળા લોકોને ગુલામીની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા. પ્રત્યક્ષતઃ આ યુગ મનીષાની જ ભૂમિકા છે.
બુદ્ધની વિવેક અને નીતિમત્તા પર આધારિત વિચારક્રાંતિ અને ગાંધી, પટેલ, નહેર દ્વારા પેદા કરવામાં આવેલ સ્વાતંત્ર્ય આંદોલનની આંધી એ પરોક્ષ મનીષાનાં પ્રતીક છે, જેણે પોતાના સમયમાં એવો પ્રચંડ પ્રવાહ ઉત્પન્ન કર્યો જેનાથી યુગ બદલાતો ગયો. તેમણે કોઈ વિચારોત્તેજક સાહિત્યની રચના કરી હોય એવું પણ બન્યું નથી. તો પછી આ બધું કેવી રીતે શક્ય બન્યું ? જ્યારે એમણે મુનિ કક્ષાની ભૂમિકા નિભાવી, પોતાની જાતને તપાવીને વિચારોમાં શક્તિ પેદા કરી અને તેનાથી વાતાવરણને પ્રભાવિત કર્યું ત્યારે જ આ થઈ શક્યું.
પરિસ્થિતિ આજે પણ વિષમ છે. વૈભવ અને વિનાશના હીંચકે ઝૂલતી માનવજાતિને ઉગારવા માટે આસ્થાઓના મર્મસ્થળ સુધી પહોંચવું પડશે અને માનવ ગરિમાને ઉગારવા દૂરદર્શી વિવેકશીલતાને જગાડે તેવો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. સાધનો આ કાર્યમાં યોગદાન આપશે એમ વિચારવું એ નરી મૂર્ખતા છે. દુર્બળ આસ્થાવાળા અંતઃકરણને તત્ત્વદર્શન અને સાધના પ્રયોગના ખાતરની જરૂર છે. અધ્યાત્મવેત્તાઓ આ મરુસ્થળને સંભાળવાની જવાબદારી પોતાના ઉપર લે છે તથા સમયે સમયે વ્યાપેલી ભ્રાંતિઓમાંથી માનવજાતને ઉગારે છે. અધ્યાત્મની શક્તિ વિજ્ઞાન કરતાં પણ વધુ છે. અધ્યાત્મ જ વ્યક્તિના અંતઃકરણમાં ઘર કરી ગયેલી વિકૃતિઓની સામે લડીને તેને નાબૂદ કરનારાં સક્ષમ તત્ત્વોની પ્રતિષ્ઠા કરી શકે છે. મેં વ્યક્તિત્વમાં પવિત્રતા અને પ્રખરતાનો સમાવેશ કરવા માટે મનીષાને જ મારું માધ્યમ બનાવીને ઉજ્જ્વળ ભવિષ્યનું મેં મારા ભાવિ જીવનક્રમ માટે જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે તેમાં મુખ્ય છે લોકચિંતનને સાચી દિશા આપવા માટે એક એવો વિચારપ્રવાહ ઊભો કરવો, જે કોઈ પણ સંજોગોમાં અવાંછનીયતાને ટકવા જ ન દે. આજે જનસમુદાયના દિલ અને દિમાગમાં જે દુર્મતિ ઘૂસી ગઈ છે, તેનું પરિણામ એવી સ્થિતિ રૂપે દેખાઈ રહ્યું છે, જેને જટિલ અને ભયાનક કહી શકાય. આવા વાતાવરણને બદલવા માટે વ્યાસની જેમ બુદ્ધ; ગાંધી અને કાર્લ માકર્સની જેમ;માર્ટિન કીંગ લ્યુથર, અરવિંદ અને મહર્ષિ રમણની જેમ ભૂમિકા ભજવનાર ઋષિઓ અને મુનિઓની જરૂર છે. જેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયાસો દ્વારા વિચારક્રાંતિનું પ્રયોજન પૂરું કરી શકે. આ પુરુષાર્થ અંતઃકરણની પ્રચંડ તપસાધના દ્વારા જ સંભવ બની શકે છે. આનું પ્રત્યક્ષ રૂપ યુગમનીષાનું જ હોઈ શકે, જે પોતાની શક્તિથી જેને યુગાન્તરીય કહી શકાય એવું ઉત્કૃષ્ટ કક્ષાનું સાહિત્ય રચી શકે. અખંડ જ્યોતિના માધ્યમથી આજથી છેતાલીસ વર્ષ પહેલાં સંકલ્પ લીધો હતો તેને અતૂટ નિભાવતા રહેવાની મારી નૈતિક જવાબદારી છે.
યુગઋષિની ભૂમિકા પરોક્ષ સ્વરૂપમાં નિભાવતા રહીને એ સંશોધનોની પૃષ્ઠભૂમિ બનાવવાનું મને મન હતું. જે વૈજ્ઞાનિક અધ્યાત્મનું પ્રત્યક્ષ રૂપ આ તર્ક, તથ્ય, પ્રમાણોને આધાર માનનાર સમુદાય સમક્ષ મૂકી શકું. આજે ચાલી રહેલાં વૈજ્ઞાનિક સંશોધનો એમની પાસેથી દિશા લઈને સાચા માર્ગ ઉપર ચાલી શકે તો મારો પ્રયત્ન સફળ થયો ગણાશે. આત્માનુસંધાન માટે સંશોધન કાર્ય કેવી રીતે ચાલવું જોઈએ? સાધના-ઉપાસનાનો વૈજ્ઞાનિક આધાર કયો છે ? મનની શક્તિઓના વિકાસમાં સાધના ઉપચાર કઈ રીતે મદદરૂપ થાય છે? ઋષિકાલીન આયુર્વિજ્ઞાનને પુનર્જીવિત કરી શારીરિક અને માનસિક સ્વાસ્થને કેવી રીતે અખંડ બનાવી શકાય છે? ગાયત્રીની શબ્દશક્તિ તેમ જ યજ્ઞાગ્નિની ઊર્જા કેવી રીતે વ્યક્તિત્વને સામર્થ્યવાન તથા પવિત્ર અને કાયાને જીવનશક્તિ સંપન્ન બનાવીને પ્રતિકૂળતાઓ સામે લડવામાં સમર્થ બનાવી શકે? જ્યોતિર્વિજ્ઞાનના પુરાતન પ્રયોગો દ્વારા આજના માનવ સમુદાયને કેવી રીતે લાભાન્વિત કરી શકાય ? આવા અનેક પ્રશ્નોને મેં અથર્વવેદીય ઋષિપરંપરા હેઠળ ચકાસીને નવીન સ્વરૂપમાં રજૂ કર્યા છે. મેં એની શુભ શરૂઆત કરીને બુદ્ધિજીવી લોકોને એક નવી દિશા આપી છે, એક આધાર ઊભો કર્યો છે. પરોક્ષ રીતે હું સતત તેનું પોષણ કરતો રહીશ. સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય આ દિશામાં વિચારતો થાય અને આત્મિક શોધમાં પોતાની પ્રજ્ઞાને નિયોજિત કરીને ધન્ય બની શકે તેવો મારો પ્રયત્ન રહેશે. સમગ્ર માનવજાતિને મારી મનીષા દ્વારા તથા શોધ-સંશોધનના નિષ્કર્ષો દ્વારા લાભાન્વિત કરવાનો મારો સંકલ્પ સૂક્ષ્મીકરણ તપશ્ચર્યાની સ્થિતિમાં વધુ પ્રખર બની રહ્યો છે. આનું ફળ તો આવનારો સમય જ બતાવશે.
પ્રતિભાવો