SJ-01 : મારી ભવિષ્યવાણી – “વિનાશ નહિ, સર્જન’ -૨૬, મારું વિલ અને વારસો
March 10, 2021 Leave a comment
મારી ભવિષ્યવાણી – “વિનાશ નહિ, સર્જન’
આવનાર સમય અનેક સંકટોથી ભરેલો છે. આ વાત વિવિધ તત્ત્વવેત્તાઓએ પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે અલગ અલગ રીતે જોરદાર શબ્દોમાં કહી છે. ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલમાં જે “સેવન ટાઈમ્સ’માં પ્રલયકાળ જેવી વિપત્તિ આવશે એવું વર્ણન છે તે બરાબર અત્યારનો જ સમય છે. ઈસ્લામ ધર્મમાં ચૌદમી સદીના અંતમાં મહાન સંકટોનો ઉલ્લેખ છે. “ભવિષ્ય પુરાણમાં અત્યારના આ સમયમાં ભયંકર આપત્તિઓ તૂટી પડવાનો સંકેત છે. શીખોના “ગુરુ ગ્રંથ સાહેબ’માં પણ આવી જ અનેક ભવિષ્યવાણીઓ છે. કવિ સુરદાસે પણ આ સમયમાં જ મુશ્કેલીઓ આવશે એવા સંકેતો કર્યા હતા. ઈજિપ્તના પિરામિડોમાંથી આવા જ શિલાલેખો પ્રાપ્ત થયા છે. ભારતના અનેક ભવિષ્યવેત્તાઓએ અધ્યાત્મના આધારે અને દશ્ય ગણિત – જયોતિષના આધારે એવી આગાહીઓ કરી છે કે અત્યારના સમયમાં ભયંકર ઊથલપાથલ થશે.
પશ્ચિમના દેશોમાં જે ભવિષ્યવેત્તાઓની આણ પ્રવર્તે છે અને જેમની ભવિષ્યવાણીઓ ૯૯ ટકા સાચી પડે છે તેમાં જિન ડિક્સન, પ્રો. હરાર, એંડરસન, જહોન બાબેરી, કીરો, આર્થર, ક્લાર્ક, નોસ્ટ્રાડેમસ, મધર શિમ્પટન, આનંદાચાર્ય વગેરેએ અત્યારના સમયના સંદર્ભમાં જે કંઈ શક્યતાઓ વ્યક્ત કરી છે તે ભયાનક છે. થોડાક સમય પહેલાં કોરિયામાં આખી દુનિયાના ભવિષ્યવેત્તાઓનું એક સંમેલન યોજાયું હતું. તેમાં પણ ભય પમાડે તેવી ભયાનક શક્યતાઓની આગાહી કરવામાં આવી હતી. ટોરેન્ટો-કેનેડામાં સમગ્ર વિશ્વના ભવિષ્ય વિજ્ઞાન વિશેષો (ફયુયરાન્ટોલોજિસ્ટો) નું એક સંમેલન યોજાયું, જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં કહ્યું હતું કે ખરાબ દિવસો ખૂબ જ નજીક આવી ગયા છે. ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે અત્યારે સૂર્ય પર પડતા ધબ્બાઓ ઝડપથી વધી રહ્યા છે તે અને સૂર્ય ગ્રહણો થઈ રહ્યાં છે તે બંને પૃથ્વીવાસીઓ માટે હાનિકારક છે.
સામાન્ય બુદ્ધિના લોકો પણ જાણે છે કે ઘોડાપૂરની જેમ વધી રહેલ વસતિના કારણે ભવિષ્યમાં અન્ન-જળ તો શું, પણ સડકો પર ચાલવા માટે રસ્તો પણ નહિ મળે. ઔદ્યોગિકીકરણ – યાંત્રીકરણની આંધળી હરણફાળના કારણે અત્યારે હવા અને પાણી પણ ખૂટવા લાગ્યાં છે અને ઝેરી બની રહ્યો છે. ખનિજ તેલ, કોલસ અને અન્ય ધાતુઓનો ખજાનો પચાસ વર્ષ સુધી ચાલે તેટલો પણ નથી રહ્યો. અણુપ્રયોગોના કારણે ઉત્પન્ન થતાં વિકિરણોને લીધે વર્તમાન જનસમુદાય અને આવનાર પેઢી કેન્સર જેવા ભયાનક રોગોમાં સપડાય તેવો ભય છે. જો અણુયુદ્ધ થયું તો ફક્ત માણસોનું જ નહિ, પરંતુ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓનું પણ નિકંદન નીકળી જશે. અસંતુલિત તાપમાનના કારણે ધ્રુવો ઉપરનો બરફ પીગળવાની અને સમુદ્રમાં તોફાન આવવાની તથા હિમયુગ ફરી શરૂ થઈ જવાની અનેક સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. અનેક પ્રકારનાં સંકટોનાં અસંખ્ય કારણો વિદ્યમાન છે. આ સંદર્ભમાં સાહિત્ય ભેગું કરો તો તેમાં એવી સંભાવનાઓ સુનિશ્ચિત દેખાઈ આવે છે, જેના કારણે આ વર્ષોમાં ભયંકર ઊથલપાથલ થાય. ઈ.સ. ૨૦૦૦માં યુગ પરિવર્તનની ઘોષણા છે. આવા સમયમાં પણ વિકાસ પહેલાં વિનાશ, ઘાટ આપતાં પહેલાં ગાળવાની સંભાવનાનું અનુમાન કરી શકાય છે. ગમે તે બાજુથી વિચાર કરો પ્રત્યક્ષદર્શી અને ભાવનાશીલ મનીષી – ભવિષ્યવેત્તાઓ અત્યારના સમયમાં વિશ્વસંકટને વધારે ભયાનક થતું જુએ છે.
પત્રકારો અને રાજનીતિજ્ઞો પણ ચિંતામાં ઘેરાયા છે. તેઓ પણ વિચારે છે કે અત્યારે જે સંક્ટો મનુષ્ય જાતિની સામે આવીને ઊભાં છેતેવાં સંકટોમાનવીય ઉત્પત્તિના સમયમાં પણ આવ્યાં નહોતાં. શાંતિ પરિષદ જેવી અનેક સંસ્થાઓ એ બાબત અંગે પ્રયત્નશીલ છે કે મહાવિનાશનું જે સંકટ માનવજાતિ ઉપર છવાયેલું છે તેને કોઈ પણ પ્રકારે ટાળવું, નાની મોટી છૂટક છૂટક લડાઈ તો વિવિધ ક્ષેત્રોમાં થતી રહે છે. ઠંડુ યુદ્ધ ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ભૂતકાળમાં પણ દેવાસુર સંગ્રામો થતા રહ્યા છે, પણ જનજીવનના સર્વનાશની પ્રત્યક્ષ સંભાવનાનો સર્વસંમત આવો પ્રસંગ આ પહેલાં ક્યારેય આવ્યો નથી.
આ સંકટોને ઋષિકલ્પ સૂક્ષ્મધારી આત્માઓ સારી રીતે જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે. એવા સમયે એ આત્માઓ મૌન રહી શકે નહિ. ઋષિઓનું તપ સ્વર્ગ, મુક્તિ તથા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નથી હોતું. આ ઉપલબ્ધિઓ તો આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરનારા સ્થૂળ શરીરધારીઓ પણ પ્રાપ્ત કરી લે છે. આ તો મહામાનવોને મળતી વિભૂતિઓ છે. ઋષિઓને ભગવાનનું કામ સંભાળવું પડે છે અને તેઓ તે પ્રયત્નને પોતાનું લક્ષ્ય માનીને સતત સંલગ્ન રહે છે.
મારી ઉપર જે ઋષિનો, દેવી સત્તાનો અનુગ્રહ છે, તેમણે તમામ કાર્યો લોકમંગલ નિમિત્તે કરાવ્યાં છે. શરૂઆતનાં ૨૪ મહાપુરશ્ચરણો પણ આ નિમિત્તે કરાવ્યાં છે, જેથી આ કક્ષાની આત્મિક સમર્થતા પ્રાપ્ત થઈ શકે અને તેના આધારે લોકલ્યાણનાં અતિ મહત્ત્વ પૂર્ણ કાર્યો પૂરાં કરવામાં કોઈ જ મુશ્કેલી ન પડે.
વિશ્વ ઉપર છવાયેલાં સંકટને ટાળવાની એમને ચિંતા છે. ચિંતા જ નથી, પ્રયત્નો પણ કર્યા છે. આ પ્રયત્નોમાં મારા વ્યક્તિત્વને પવિત્રતા અને પ્રખરતાથી ભરી દેવાનો પણ સમાવેશ થાય છે. આધ્યાત્મિક સામર્થ્ય આના આધારે જ વિકસિત થાય છે.
ઉપાસનાનું વર્તમાન ચરણ સૂક્ષ્મીકરણની સાવિત્રી સાધનારૂપે ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાની પાછળ કોઈ વ્યક્તિ વિશેષની ખ્યાતિ, સંપદા, વરિષ્ઠતા કે વિભૂતિ નથી. માનવીય સત્તા અને તેના ગૌરવના લથડિયાં ખાતા પગને સ્થિર કરવા એ જ એકમાત્ર પ્રયોજન છે. પાંચ વીરભદ્રોના ખભાઓ ઉપર પોતાના ઉદ્દેશ્યને લાદીને તેને સંપન્ન પણ કરી શકે છે. હનુમાનના ખભા ઉપર રામ – લક્ષ્મણ બંને બેસીને ફરતા હતા. આ તો શ્રેષ્ઠતા આપવા પૂરતું છે. આને માધ્યમ સ્વીકારવાની પસંદગી કહી શકાય. એક ગાંડીવ ધનુષ્યના આધારે આટલું મોટું વિશાળ મહાભારતનું યુદ્ધ કેવી રીતે લડી શકાયું? સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો તે અશક્ય જ લાગે, પણ ભગવાનની જે ઈચ્છા હોય છે તે તો કોઈને કોઈ રીતે પૂરી થાય જ છે. મહાબલી હિરણ્યકશિપુને નૃસિંહ ભગવાને ફાડી નાખ્યો હતો, એમાં પણ ભગવાનની જ ઈચ્છા હતી.
આ વખતે પણ મારી પોતાની અનુભૂતિ એવી છે કે અસુરતા દ્વારા ઉત્પન્ન થયેલ વિભીષિકાઓને સફળ થવા દેવામાં આવશે નહિ. પરિવર્તન એ રીતે થશે કે જે લોકો આ મહાવિનાશમાં જોડાયા છે, એની રચના કરી રહ્યા છે તેઓ ફરી જશે અથવા તેમને ફેરવનારાઓ નવા પેદા થશે. વિશ્વશાંતિમાં ભારતની ચોક્કસ કોઈ મોટી ભૂમિકા હોઈ શકે છે.
સમસ્ત સંસારના અગ્રગણ્ય, શક્તિશાળી અને વિચારશીલ લોકોને એક જ શંકા છે કે વિનાશ નજીક આવી રહ્યો છે. મારા એકલાનું જ કહેવું છે કે ઊલટાને ઊલટાવીને સીધું કરવામાં આવશે. મારા ભવિષ્યકથનને ખૂબ જ ગંભીરતાપૂર્વક સમજી લેવું જોઈએ. પ્રચંડ તોફાની પ્રવાહ વિનાશની ઘટાઓને આગામી દિવસોમાં ઉડાડીને ક્યાંય લઈ જશે અને અંધકાર ચીરીને પ્રકાશ બહાર આવતો જોઈ શકાશે. આ ઋષિઓનાં પરાક્રમોથી જ શક્ય છે. આમાં કેટલીક પ્રત્યક્ષ અને કેટલીક પરોક્ષ ભૂમિકા મારી પણ હોઈ શકે છે.
સામાન્ય માણસોની ઈચ્છા શક્તિ પણ કામ કરે છે એવું પણ માનવું જોઈએ. લોકમતનો પણ પ્રભાવ પડે છે. જે લોકોના હાથમાં અત્યારે વિશ્વના વાતાવરણને બગાડવાની ક્ષમતા છે, તેમણે જાગૃત લોકમતની સામે ઝૂકવું જ પડશે. લોકમતને જાગૃત કરવાનું અભિયાન પ્રજ્ઞા આંદોલન’ દ્વારા ચાલી રહ્યું છે. તે ક્રમશઃ આગળ વધતું જશે અને શક્તિશાળી બનતું જશે. આનો ભાવ દરેક પ્રભાવશાળી ક્ષેત્રની સમર્થ વ્યક્તિઓ ઉપર પડશે અને તેમનું મન બદલાશે કે પોતાનાં કૌશલ્યો અને ચાતુર્યને વિનાશની યોજના બનાવવાના બદલે વિકાસના કાર્યમાં વાપરવાં જોઈએ. પ્રતિભા એક મહાન શક્તિ છે. તે જ્યાં પણ અગ્રેસર થાય છે ત્યાં ચમત્કાર બતાવતી જાય છે.
વર્તમાન સમસ્યાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એકસાથે બીજીનો ઘનિષ્ઠ સંબંધ છે. પછી તે પર્યાવરણ હોય કે યુદ્ધ સામગ્રીની જમાવટ, વધતી અનીતિ હોય કે ભ્રષ્ટાચાર, દુષ્કાળ હોય કે ભયંકર રોગચાળા જેવી કુદરતી આપત્તિઓ. એકને ઉકેલવામાં આવે અને બાકીની બધી ગૂંચવાયેલી પડી રહે એમ ન બની શકે. બધાના ઉક્ત શોધવા પડશે અને જો સાચા મનની ઈચ્છા હશે તો તેનો ઉકેલ આવીને જ રહેશે.
શક્તિઓમાં બે જ મુખ્ય છે. તેના જ માધ્યમથી કાં તો નિર્માણ થાય છે કાં તો નાશ. એક છે શસ્ત્રબળ – ધનબળ, બીજું છે બુદ્ધિબળ સંગઠનબળ. છેલ્લા ઘણા લાંબા સમયથી શસ્ત્રબળ અને ધનબળના આધારે મનુષ્યોને પાડવામાં આવ્યા, અયોગ્ય રીતે દબાવવામાં આવ્યા, જે મનમાં આવ્યું તે મુજબ તેમની પાસે કરાવવામાં આવી રહ્યું છે. આ છે રાક્ષસી શક્તિ. આગામી દિવસોમાં દૈવી શક્તિએ આગળ આવવાનું છે અને બુદ્ધિબળ અને સંગઠનબળના પ્રભાવનો અનુભવ કરાવવાનો છે. સાચી દિશામાં ચાલવાથી દૈવી શક્તિ શું શું કરી શકે છે તેની અનુભૂતિ બધાને કરાવવાની છે.
ન્યાયની સ્થાપના થાય, સર્વ દિશામાંથી નીતિને માન્યતા મળે. બધા લોકો હળીમળીને રહે અને વહેંચીને જ ખાય – આ સિદ્ધાંતને લોકો દ્વારા ખરા મનથી સ્વીકારવામાં આવશે તો પછી નવી દિશા મળશે, નવા ઉપાયો સૂઝશે, નવી યોજનાઓ બનશે. નવા પ્રયાસો થશે અને અંતે લક્ષ્ય સુધી પહોંચવાના ઉપાયો તૈયાર થઈ જશે.
આત્મવત સર્વભૂતેષુ” અને “વસુધૈવ કુટુમ્બકમ્’ આ બે જ સિદ્ધાંતો એવા છે જેને અપનાવી લેવામાં આવે તો તાત્કાલિક એ સમજાવા લાગશે કે અત્યારના સમયમાં કઈ અવાંછનીયતાને અપનાવવામાં આવી છે અને તેને છોડવા માટે ક્યા પ્રયત્નો કરવા પડશે, ક્યા પ્રકારનો સંઘર્ષ કરવો પડશે. માનવીનું સામર્થ્ય અપાર છે. તે જ કરવાનો નિશ્ચય કરે અને ઔચિત્યના આધારે અપનાવી લેતો કોઈ કાર્યએવું કઠિન નથી, જેને પૂરું કરી શકાય.
આગામી દિવસોમાં એક વિશ્વ, એક ભાષા, એક ધર્મ અને એક સંસ્કૃતિનું રાષ્ટ્ર બનવાનું છે. જાતિ, લિંગ, વર્ણ અને ધનના આધારે માનવીય ઓળખની વિષમતાનો અંત હવે નજીક આવી ગયો છે. તેના માટે જે કંઈ કરવું જરૂરી છે તે સૂઝશે પણ ખરું અને વિચારશીલ લોકો દ્વારા પરાક્રમપૂર્વક કરવામાં પણ આવશે. એ સમય નજીક છે. તેની આપણે સૌ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ શકીએ છીએ.
પ્રતિભાવો