SJ-01 : જીવનના ઉત્તરાર્ધનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ધારણ-૨૭, મારું વિલ અને વારસો
March 11, 2021 Leave a comment
જીવનના ઉત્તરાર્ધનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ધારણ
સખત અને કઠિન પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી જ કોઈના મહિમા અને ગરિમાની જાણકારી મળે છે. પ્રતિસ્પર્ધામાં ઉત્તીર્ણ થવાથી જ પદાધિકારી બની શકાય છે. રમતગમતમાં જે બાજી મારે છે તે જ ઈનામ જીતે છે. અગ્નિમાં તપાવ્યા પછી જ સાચા સોનાની ઓળખાણ થઈ શકે છે. હીરાને એટલા માટે કીમતી સમજવામાં આવે છે કે તે સામાન્ય આરીથી લોખંડના ઓજારથી કપાતો નથી. મોરચા પર વિજય મેળવીને પાછા ફરનારા સેનાપતિને સન્માન સાથે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
પડકારોનો સ્વીકાર કરનાર જસાહસિક કહેવાય છે. એમણે દુખો વિપત્તિઓમાંથી પાર થઈને જ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. યોગી, તપસ્વી જાણીબૂજીને જ ઉગ્ર તપસ્યા કરે છે. જે દુષ્ટો કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી ગયા તેઓ શરૂઆતથી જ એમને હેરાન કરવા લાગ્યા. બકાસુર,અઘાસુર, કાલીનાગ, કંસ વગેરે અનેક સામે લડવું પડ્યું. પૂતના તો બાળપણમાં જ એમને ઝેર આપવા આવી હતી. આખી જિંદગી એમને દુષ્ટતા સામે સંઘર્ષ કરવો પડ્યો. મહાનતાનો માર્ગ એવો જ છે, જેના પર ચાલનારે ડગલે ને પગલે જોખમ ખેડવાં પડે છે. દધીચિ, ભગીરથ, હરિશ્ચંદ્ર અને મયૂરધ્વજ વગેરેનાં ગુણગાન એમના તપ ત્યાગના કારણે જ ગવાય છે.
ભગવાન જેને સાચા મનથી પ્રેમ કરે છે તેણે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. ભગવાનનો પ્રેમ જાદુગરની જેમ ચમત્કાર જોવા બતાવવામાં નથી. મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ પણ ત્યાં થતી નથી.
મારા અંગત જીવનમાં ભગવાનની કૃપા સતત વરસતી રહી છે. જ્યારે રમવા-કૂદવાના દિવસો હતા ત્યારે ચોવીસ લાખનાં મહાપુરશ્ચરણોનો અત્યંત કઠોર સાધનાક્રમ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી સંગઠન, સાહિત્ય, જેલ, પુણ્ય-પરમાર્થનાં એક એકથી કઠિન કામ સોંપવામાં આવ્યાં. સાથેસાથે એ વાતની પણ પરખ થતી રહી કે જે કામ કરવામાં આવ્યું તે એના સ્તરને અનુરૂપ થયું કે નહિ? સાંસારિક ખ્યાતિ મેળવવા માટે ઢોંગ-આડંબર તો નથી રચ્યાને? એની પણ સમય પર પરીક્ષા લેવામાં આવી.આદ્યશક્તિ ગાયત્રીને યુગશક્તિ રૂપે વિકસિત અને વિસ્તૃત કરવાની જવાબદારી સોંપીને એ જાણી લેવામાં આવ્યું કે એક બીજે પોતાને ગાળીને નવા ૨૪ લાખ સહયોગી સમર્થક કેવી રીતે બનાવી લીધા? એમના દ્વારા ૨૪00 પ્રજ્ઞાપીઠો વિનિર્મિત કરાવવાથી માંડીને સતયુગી વાતાવરણ બનાવવા અને પ્રયોગ-પરીક્ષણોની શૃંખલા અદ્દભુત – અનુપમ સ્તર સુધીની બનાવી લેવામાં આત્મ સમર્પણ જ એકમાત્ર આધારભૂત કારણ રહ્યું. ઇંધણ જવલંત જવાળા બનીને ભભૂકે છે તો તેનું કારણ ઈંધણનું અગ્નિમાં સમર્પિત થઈ જવાને જ માની શકાય છે.
આજે જ્યારે ૭૫ વર્ષોમાંથી પ્રત્યેક આ રીતે તપતાં તપતાં વિતાવી લીધાં તો એક મોટી કસોટી શિરે નાંખી. તેમાં નિયંતાની નિષ્ક્રુરતા ન શોધવી જોઈએ, પણ એમ વિચારવું જોઈએ કે તેમણે આપેલી પ્રખરતાના પરીક્ષણ ક્રમમાં વધુ વેગ લાવવાની વાત ઉચિત સમજવામાં આવી.
હીરકજયંતીના વસંત પર્વ પર આકાશમાંથી એક દિવ્ય સંદેશ ઊતર્યો. એમાં “લક્ષ્ય’ શબ્દ હતો અને પાંચ આંગળીઓનો સંકેત, જો કે આ એક કોયડો હતો, પણ એને ઉકેલતાં વાર ન લાગી. પ્રજાપતિએ દેવ, દાનવ અને માનવોને એક વાર એક શબ્દનો ઉપદેશ આપ્યો હતો – ‘દ ત્રણેય ચતુર હતા. એમણે એ સંકેતનો સાચો અર્થ કાઢી પોતાની સ્થિતિ અને આવશ્યકતાને અનુરૂપ લીધો. દેવતાઓએ “દમન, દૈત્યોએ “દયા’, માનવોએ દાનના રૂપમાં એ સંકેતનું ભાષ્ય કર્યું, જે સર્વથા ઉચિત હતું.
એક એક લાખની પાંચ શૃંખલાઓનું સર્જન કરવાનો સંકેત થયો. એનું તાત્પર્ય છે કળીમાંથી કમળની જેમ ખીલવું. હવે મારે આ જન્મની પૂર્ણાહુતિમાં પાંચ હવ્યનો સમાવેશ કરવો પડશે. તે આ પ્રકારે છે. (૧) એક લાખ કુંડીનો ગાયત્રી યજ્ઞ. (૨) એક લાખ યુગ સર્જકો તૈયાર કરવા અને એમને પ્રશિક્ષણ આપવું. (૩) એક લાખ અશોક વૃક્ષોનું આરોપણ. (૪) એક લાખ ગ્રામતીર્થોની સ્થાપના. (૫) એક લાખ વર્ષના સમયદાનનો સંચય. – આ પાંચેય કાર્યો એકએકથી કઠિન લાગે છે અને સામાન્ય મનુષ્યની શક્તિથી બહાર, પરંતુ વાસ્તવમાં એવું નથી. આ કામ સરળ પણ છે અને શક્ય પણ છે. આશ્ચર્ય એટલું જ છે કે જોનારા એને અદ્દભુત અને અનુપમ કહેશે.
વસ્તુ સ્થિતિ એ છે કે મિશનની પત્રિકાઓની ગ્રાહક સંખ્યા લગભગ ૪ લાખ જેટલી છે. સૌ કોઈ ભાવનાશીલ છે, તો પણ એમાંથી દરેક ચાર પરિજનની પાછળ એકની પાસે એવી આશા રાખી શકાય કે તે નવસર્જનના આ મહાપર્વ પર પોતાના કર્તવ્યનું પાલન કરે અને એવાં કામ કરી બતાવે કે જેની તાતી જરૂરિયાત છે અને આશા રાખવામાં આવી છે.
(૧) એક લાખ ગાયત્રી યજ્ઞ: બધા વરિષ્ઠ પ્રજ્ઞાપુત્રોએ પોતાનો જન્મદિવસ ઘર આંગણે ઊજવવો પડશે. એમાં એક નાની વેદી બનાવીને ગાયત્રી મંત્રની ૧૦૮ આહુતિઓ તો આપવી જ પડશે. એની સાથેસાથે સમયદાન – અંશદાન આપવાની પ્રતિજ્ઞા લેવી પડશે અને એનું પાલન પણ કરવું પડશે. સ્વભાવમાં પ્રવેશી ગયેલા દુર્ગુણોમાંથી ઓછામાં ઓછા એકને છોડવો પડશે અને પ્રવૃત્તિ વધારવા માટે ઓછામાં ઓછો એક સદ્ગુણ ધારણ કરવો પડશે. આ પ્રમાણે અંશદાનથી ઝોલા પુસ્તકાલય ચાલવા લાગશે અને ભણેલા લોકોને યુગ સાહિત્ય વંચાવવા તથા અભણોને વાંચી સંભળાવવાનો ક્રમ ચાલુ થઈ જશે. પોતાની કમાણીનો એક અંશ પરમાર્થનાં કાર્યોમાં વાપરવાની પ્રતિજ્ઞાનું પાલન કરવાથી દરેક પ્રજ્ઞા સંસ્થાનના કાર્યક્રમ ચાલુ થઈ જશે.
દરેક ગાયત્રી યજ્ઞની સાથે જ્ઞાનયજ્ઞ જોડાયેલો છે. આ અવસર પર કુટુંબી, સંબંધી, મિત્ર, પાડોશી વગેરે સૌને બોલાવવા જોઈએ. જ્ઞાન યજ્ઞના રૂપમાં સુગમ સંગીત તથા અવસરને અનુરૂપ પ્રવચન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. યજ્ઞ વેદીનો મંડપ પોતાની કળા કુશળતાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારી રીતે શણગારી શકાય છે. વેદીને લીંપવામાં આવે અને રંગોળી પૂરવામાં આવે તો તે આકર્ષક બની જાય છે. એક ઠેકાણે એક લાખ કુંડોનો યજ્ઞ કરવાથી એનો પ્રભાવ આસપાસના વિસ્તારમાં જ પડશે પરંતુ જો એક લાખ ઘરોમાં યજ્ઞ થાય તો એનો પ્રભાવ દેશવ્યાપી પડશે, ૧ લાખ x ૧૦૮= લગભગ ૧ કરોડ આહુતિઓ. આ સંખ્યા ઓછામાં ઓછી છે. એનાથી વધારે આહુતિઓ આપી શકાય તો ૨૪૦ સુધી આપી શકાય છે. અતિથિ સત્કારમાં ખર્ચ કરવાની મનાઈ છે. એટલા માટે દરેક અમીર કે ગરીબ વ્યક્તિ સૌથી ઓછા ખર્ચે આ યજ્ઞ કરી શકે છે.
યુગસંધિની વેળા સન ૨૦૦૦ સુધી છે. હજુ એમાં લગભગ ૧૪ વર્ષ બાકી છે. એક લાખ કાર્યકર્તાઓ દર વર્ષે જન્મદિવસ ઊજવે તો એક લાખ નાના યજ્ઞો થાય. દેખાદેખીમાં બીજા લોકો પણ જન્મદિવસ નિમિત્તે યજ્ઞ કરાવશે. આ રીતે દર વર્ષે કેટલાય લાખ યજ્ઞો અને કરોડો આહુતિઓ થઈ શકે છે. એનાથી વાયુ મંડળ અને વાતાવરણ બંને શુદ્ધ થશે. સાથે જન માનસનો પરિષ્કાર કરનારી અનેક સમ્પ્રવૃત્તિઓ આ અવસરે લેવામાં આવેલ અંશદાન – સમયદાનના સંકલ્પના આધારે સુવિકસિત થતી જશે.
(૨) સંજીવની વિદ્યાનું પ્રશિક્ષણઃ શાંતિકુંજમાં એવી વ્યવસ્થા કરવામાં આવનાર છેકે ૧૦૦૦ શિબિરાર્થીઓને નિયમિતપણે શિક્ષણ આપી શકાય. આ પ્રશિક્ષણમાં વ્યક્તિત્વનો વિકાસ, પ્રતિભાનું જાગરણ, કુટુંબમાં સુસંસ્કારિતા અને સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવા જેવા મહત્ત્વપૂર્ણ વિષયો ભણાવવામાં આવશે. આશા રાખવામાં આવે છે કે આ પ્રશિક્ષણમાં જે કાંઈ શીખવવામાં આવશે, જે પ્રેરણા આપવામાં આવશે તે જેને સાધનાના તત્ત્વજ્ઞાનનો સાર કહી શકાય તેવી હશે. આશા રાખવી જોઈએ કે જે કોઈ આ સંજીવની વિદ્યા ભણશે તે પોતાનામાં નવા પરિવર્તનનો અનુભવ કરશે અને નેતૃત્વ શક્તિનો વિકાસ કરશે, જે દરેક ક્ષેત્રમાં સફળતા આપી શકે. આ શિક્ષિત કાર્યકર્તાઓ પોતપોતાના ક્ષેત્રમાં પાંચસૂત્રી યોજનાનું સંચાલન કરશે.
મિશનની પત્રિકાના વાચકો તો ગ્રાહકોની સરખામણીમાં પાંચગણા વધારે છે. પત્રિકા ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓ વાંચે છે. આમ, પ્રજ્ઞા પરિવારની સંખ્યા ૨૪-૨૫ લાખ થઈ જાય છે. આમાં શિક્ષિત વર્ગનાં નર-નારી છે. તમામને આ પ્રશિક્ષણમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દર પચીસે એક વિદ્યાર્થીમળે તો સંખ્યા એકલાખ જેટલી થઈ જાય છે. યુગસંધિની અવધિ સુધીમાં આટલા શિક્ષાર્થી વિશેષ રૂપે લાભ લઈ ચૂક્યા હશે. તેમને માત્ર શાળાના વિદ્યાર્થીઓ ન માનવા જોઈએ, પરંતુ જે ઉચ્ચસ્તરીય જ્ઞાન મેળવીને તેઓ પાછા ફરશે તો તેમનું વ્યક્તિત્વ મહામાનવ સ્તરના યુગ નેતૃત્વની પ્રતિભાથી ભરપૂર હશે એવી આશા રાખી શકાય.
આ શિક્ષણ મે, ૧૯૮૬થી શરૂ થયું છે. તેની વિશેષતા એ છે કે શિક્ષાર્થીઓ માટે નિવાસ, પ્રશિક્ષણની જેમ ભોજન પણ નિ:શુલ્ક છે. સ્વેચ્છાપૂર્વક કોઈ કંઈ આપે તો તેનો અસ્વીકાર કરવામાં આવતો નથી, પણ અમીર-ગરીબનો ભેદ કરનારી શુલ્ક પરિપાટીને આ પ્રશિક્ષણમાં પ્રવેશવા જ નથી દીધી. પ્રાચીન કાળનાં વિદ્યાલયો, વાલી અને અધ્યાપકની બેવડી ભૂમિકા નિભાવતાં હતાં. આ પ્રયોગને પણ તે પ્રાચીન વિદ્યાલય પ્રણાલીનું પુનર્જીવન કહી શકાય
જીવનની બહુમુખી સમસ્યાઓનું સમાધાન, પ્રગતિના પથ પર આગળ વધવાનું રહસ્ય ઉપરાંત ભાષણકળા, સુગમ સંગીત, જડીબુટ્ટી વિજ્ઞાન, પૌરોહિત્ય શિક્ષણ, સ્વાસ્થ્ય, ગૃહઉદ્યોગોની જાણકારી વગેરે વિવિધ વિષયો પણ સામેલ કરવામાં આવ્યા છે. જેથી એનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પોતે ઉઠાવી શકે અને બીજાને પણ આપી શકે.
અનુમાન છે કે આગામી ૧૪ વર્ષમાં એક લાખ જેટલા છાત્રોના ઉપર્યુક્ત પ્રશિક્ષણ અંગે ભારે ખર્ચ થશે, ઘણુંખરું તો ભોજન ખર્ચ જ એક કરોડ જેટલું થશે. નવું મકાન, ફર્નિચર, વીજળી વગેરેનું નવું ખર્ચ જે વધશે તે પણ આનાથી ઓછું નહિ હોય. આશા છે કે યાચના કર્યા વિના ભારે ખર્ચ વહન કરીને અત્યાર સુધી નિભાવેલું વ્રત આગળ પણ નિભાવતા રહી શકાશે અને આ સંકલ્પ પણ પૂરો થઈને રહેશે. આ ઉચ્ચસ્તરીય શિક્ષણમાં ૨૫ લાખનો સમાવેશ થવો જરા પણ કઠિન નથી, પરંતુ તેમ છતાંય પ્રતિભાવાનોને પ્રાથમિક્તા આપવાની શોધ અને પૂછપરછ કરવી પડી છે અને પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસે તેમનો વિસ્તૃત પરિચય માગવામાં આવ્યો છે.”
(૩) એક લાખ અશોક વૃક્ષોનું આરોપણઃ વૃક્ષારોપણનું મહત્ત્વ સૌ કોઈ જાણે છે. વાદળોને ખેંચીને વરસાદ પાડવો, જમીનનું ધોવાણ અટકાવવું, જમીનની ફળદ્રુપતા વધારવી, પ્રાણવાયુ પૂરો પાડવો, પ્રદૂષણનું શોષણ કરવું, છાંયડો, પ્રાણીઓને આશ્રય, ઈમારતી લાકડું, બળતણ વગેરે કેટલાય લાભો આપણને વૃક્ષો દ્વારા મળે છે. ધાર્મિક અને ભૌતિક દષ્ટિએ વૃક્ષારોપણને એક ઉચ્ચ કોટિનું પુણ્યકાર્ય માનવામાં આવે છે.
વૃક્ષોમાં અશોકનું પોતાનું આગવું મહત્ત્વ છે. સમ્રાટ અશોકની જેવું એનું ગુણગાન ગાઈ શકાય. હનુમાનજીએ પણ અશોક ઝાડ પર આશ્રય લીધો હતો. સીતાજીને પણ અશોક વાટિકામાં જ રાખવામાં આવ્યાં હતાં. આયુર્વેદમાં પણ સ્ત્રીરોગો માટે અશોક રામબાણ ઔષધિ રૂપ માનવામાં આવે છે. તે પુરુષોમાં બળ અને તેજ વધારવામાં વિશેષ રૂપે લાભદાયક છે. સાધના માટે અશોકવનમાં રહેવામાં આવે છે. એની શોભા અસાધારણ છે. જો જનતાને અશોક વૃક્ષના ગુણ સમજાવવામાં આવે તો દરેક વ્યક્તિ અશોકવાટિકા તો નહિ પણ પોતાના આંગણામાં અશોકનું એક ઝાડ તો ઉગાડી શકે છે.
એકલાખ અશોકવૃક્ષો વાવવાનો સંકલ્પ પૂરો કરવા માટે જો પ્રજ્ઞા પરિજનો ઉત્સાહ સાથે પ્રયત્ન કરે તો નિશ્ચિત પણે સફળતા મળે જ, સામૂહિક શક્તિ મહાન છે. એની આગળ કોઈ અવરોધ ટકી શક્તો નથી. અશોકવાટિકાઓને મંદિર જેવી પ્રતિષ્ઠા આપવામાં આવશે. બિહારના હજારી નામના ખેડૂત સ્વપ્રયત્ન એકહજાર આંબાનો બાગ તૈયાર કર્યો હતો. પછી એવું કોઈ કારણ નથી કે એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂરો ન થાય. એના રોપા શાંતિકુંજમાંથી આપવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે અને દરેક પ્રજ્ઞા પરિજનને કહેવામાં આવ્યું છે કે તેઓ અશોક વાટિકા તૈયાર કરવા-કરાવવામાં કોઈ ઊણપ ન રહેવા દે. એનાથી હવા શુદ્ધ થવાનું કાર્ય શાશ્વત શાસ્ત્ર સંમત યજ્ઞ સમાન જ સમજવું. યજ્ઞનો પ્રભાવ થોડો સમય પડે છે, જ્યારે વૃક્ષ તો કેટલાંય વર્ષો સુધી રાતદિવસ વાયુ શુદ્ધ કરે છે.
(૪) દરેક ગામ એક યુગતીર્થ: જયાં સત્કાર્યો થતાં રહે છે એ સ્થાનોની અર્વાચીન કે પ્રાચીન ગતિવિધિઓ જોઈને આદર્શવાદી પ્રેરણા મળતી રહે છે. એ સ્થાનોને તીર્થ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુ માણસો જે દર્શનીય સ્થાનોની તીર્થયાત્રા કરે છે, એ સ્થાનો અને ક્ષેત્રોની સાથે કોઈ એવો ઈતિહાસ જોડાયેલો છે કે જેમાં સંયમશીલતા-સેવા ભાવનાનું સ્વરૂપ પ્રદર્શિત થાય છે. પ્રસ્તુત તીર્થોમાં ક્યારેક ઋષિ આશ્રમો પણ રહ્યા છે. ગુરુકુળ આરણ્યકો ચાલ્યાં છે અને પરમાર્થ સંબંધી વિવિધ કાર થતાં રહ્યાં છે.
આજે પ્રખ્યાત તીર્થ બહુ થોડાં છે. ત્યાં પર્યટકોની ભીડ વધારે રહે છે. પુણ્યકાર્યોનો ક્યાંય પત્તો નથી. આ પરિસ્થિતિઓમાં તીર્થ ભાવનાને ફરીથી જગાડવા માટે એવું વિચારવામાં આવ્યું છે કે ભારતના દરેક ગામને એક નાના તીર્થ રૂપે વિકસિત કરવામાં આવે. ગામનું તાત્પર્ય અહીં શહેરો સાથે દ્વેષ કે ઉપેક્ષા ભાવ રાખવાનો નથી, પરંતુ ગામડાના પછાત તથા ગરીબ વર્ગને આગળ લાવવાનો હેતુ છે. માતૃભૂમિનો પ્રત્યેક કણ દેવતા છે. દરેક ગામ અને ઝૂંપડી પણ જરૂર એ વાતની છે કે એમના માથા પર લાગેલું પછાતપણું ધોવામાં આવે અને સપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે. આટલું કરવાથી ગામડાંમાં નવો પ્રાણ ફૂંકાશે. “દરેક ગામ તીર્થ બને’ યોજનાનો હેતુ છે- “ગ્રામોત્થાન”, ગ્રામસેવા અને ગ્રામવિકાસ. આ કાર્ય પૂરા મનથી કરવામાં આવે અને મહેનતને ગ્રામદેવતાની પૂજા માનવામાં આવે. આ તીર્થસ્થાપના થઈ. આ કામ ગામલોકો અને બહારના સેવાભાવી કાર્યકર્તાઓ હળીમળીને પૂરું કરી શકે છે. પછાતપણાના પ્રત્યેક પાસાં સામે ઝઝૂમવા અને પ્રગતિના પ્રત્યેક પાસાને ઉજાગર કરવા માટે જરૂરી છે કે ગામની સાર્થક પદયાત્રા કરવામાં આવે, જનસંપર્ક કરવામાં આવે અને યુગચેતનાનો અલખ જગાવવામાં આવે.
દરેક ગામને તીર્થ રૂપમાં વિકસિત કરવા માટે તીર્થયાત્રા ટોળીઓ કાઢવાની યોજના છે. પદયાત્રાને સાઈકલ યાત્રાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. ત્રણ સાઈક્લ સવારોની એક ટુકડી પીળાં વસ્ત્રો પહેરીને, ગળામાં પીળો થેલો લટકાવીને, સાઈકલો પર પીળા રંગનાં કમંડળ લટકાવીને પ્રવાસ પર નીકળશે. આ પ્રવાસ ઓછામાં ઓછા દસ દિવસના-પંદર દિવસના અથવા વધારેમાં વધારે એક મહિનાના હશે. યાત્રા માટે સૌથી પહેલાં એક રૂપરેખા બનાવવામાં આવશે. યાત્રા જ્યાંથી શરૂ થશે ત્યાં આવીને સમાપ્ત થશે. સવારે પાણી પીને ટોળી નીકળશે. રસ્તામાં આવતાં ગામોની દીવાલો પર આદર્શ વાક્ય લખશે. નાના ડબ્બામાં રંગ હશે. સુંદર અક્ષરે લખવાનો અભ્યાસ પહેલેથી જ કરી લીધો હશે. (૧) હું બદલાઈશ-યુગ બદલાશે (૨) હું સુધરીશ-યુગ સુધરશે (૩) નરને નારી એક સમાન, જાતિ, વંશ સર્વ એકસમાન. જ્યાં જે વાક્ય યોગ્ય લાગે ત્યાં બ્રશથી લખતા જશે.
જ્યાં રાત્રિરોકાણ કરવાનું નક્કી કર્યું હોય ત્યાં શંખ-ઘડિયાળથી ગામની પરિક્રમા કરવામાં આવે અને જાહેરાત કરવામાં આવે કે અમુક જગ્યાએ તીર્થયાત્રા મંડળીનાં ભજન-કીર્તન થશે.
એક દિવસના આ કીર્તનમાં એક બાજુ ગામલોકોને સુગમ સંગીતના માધ્યમથી ભક્તિરસમાં તરબોળ કરવામાં આવશે અને બીજી બાજુ એ પણ બતાવવામાં આવશે કે ગામને સજ્જનતા અને પ્રગતિના માર્ગ પર આગળ વધારવા માટે શું કરવું જોઈએ. પ્રૌઢશિક્ષણ, બાળસંસ્કાર શાળા, સ્વચ્છતા, વ્યાયામશાળા, શાકવાટિકા, કુટુંબનિયોજન, નશાબંધી, સહકારિતા, વૃક્ષારોપણ વગેરે સત્પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવીને બતાવવામાં આવશે કે સૌ ગામલોકો ભેગા મળીને આ કાર્યક્રમોને કેવી રીતે અમલમાં મૂકી શકે છે અને એનો લાભ ઉઠાવી શકે છે.
સંભવ હોય તો સભાના અંતમાં ઉત્સાહી પ્રતિભાશાળી લોકોની એક સમિતિ બનાવી દેવામાં આવે તો વધુ સારું. બીજા દિવસે સવારે ગામની એકતા અને પવિત્રતાના પ્રતીક રૂપે એક અશોક વૃક્ષ રોપવામાં આવે. આ અશોક દેવમૂર્તિ, ઉપયોગિતા અને ભાવનાની દષ્ટિએ બહુ જ ઉપયોગી છે.
એક લાખ ગામોમાં આ આંદોલનના વિસ્તાર માટે શાંતિકુંજે પહેલું પગલું ભર્યું છે. એના માટે સંચાલન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં ત્રણ નવી સાઈકલો, ત્રણ નાના ડબ્બા, બિસ્તરા, સંગીતના સાધનો અને યુગ સાહિત્ય રાખવામાં આવ્યાં છે. થોડા દિવસની તાલીમ પછી સમયદાનીઓ આ સાધનોની મદદથી યાત્રા પર નીકળી શકશે. જ્યારે દરેક ગામમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ દરરોજ સમયદાન અને અંશદાન આપીને ગામ લોકોને યુગ સાહિત્ય વંચાવવાનું વ્રત લેશે ત્યારે આ કાર્યક્રમ સફળ થયો કહેવાશે. જે ગામમાં આ રચનાત્મક કાર્યક્રમો ચાલશે તે ગામ ટૂંક સમયમાં પ્રગતિના રાજમાર્ગ પર દોડવા લાગશે. આ છે તીર્થ ભાવના – તીર્થ સ્થાપના. એના માટે એક હજાર કેન્દ્ર સ્થાપવાની યોજના છે. એક કેન્દ્ર સંચાલક પોતાના ક્ષેત્રની જવાબદારી સંભાળશે. કેન્દ્રમાં તીર્થયાત્રા માટેના જરૂરી સાધન સગવડો રાખવામાં આવશે. સમયદાનીઓને તાલીમ આપવામાં આવે અને એક ટુકડી પોતાનો પ્રવાસ પૂરો કરીને આવે ત્યાં સુધી બીજી ટુકડી તૈયાર કરવામાં આવે અને એને બીજા ગામના પ્રવાસ પર મોકલવામાં આવે. વિચારવામાં આવ્યું છે કે દરેક પચાસ માઈલના ક્ષેત્રમાં એક તીર્થમંડળ બનાવવામાં આવે અને એમાં જેટલાં ગામ આવતાં હોય તેમાં વર્ષે બે વાર તીર્થયાત્રાની ટુકડીઓ મોક્લવામાં આવે. આ બધી વ્યવસ્થા ક્ષેત્ર સંચાલકે સંભાળવાની રહેશે. એમની નિમણૂક શાંતિકુંજથી કરવામાં આવશે.
દેશમાં સાત લાખ ગામડાં છે, પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોતાં એક લાખ ગામડાં જ હાથ પર લેવામાં આવ્યાં છે. ૨૪ લાખ પ્રજ્ઞા પરિજનો એક લાખ ગામોમાં ફેલાયેલા હશે. તેમની મદદથી આ કાર્યક્રમ સરળતાથી સંપન્ન થઈ શકે છે. ત્યારબાદ એ હવા સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે. ક્રમિક ગતિએ ચાલવું અને શક્ય હોય તેટલું તરત જ કરતાં જઈને આગળની યોજનાને વિસ્તાર દેતાં ચાલવું એ બુદ્ધિમત્તાનું કામ છે.
(૫) એક લાખ વર્ષનું સમયદાનઃ જેટલા વિશાળ અને બહુમુખા યુગ પરિવર્તનની કલ્પના કરવામાં આવી છે, એના માટે સાધનોની તુલનામાં શ્રમ અને સહયોગની વધારે જરૂર પડશે. ફક્ત સાધનોથી જ કામ લઈ જતું હોત તો અબજો રૂપિયાનો ખર્ચ કરતી સરકારો આ કામને પણ હાથમાં લઈ શક્તી હોત. ધનવાન લોકો પણ આ કામ કરી શક્ત યાદ રાખવું જોઈએ કે ફક્ત સાધન અને રૂપિયાથી દરેક કામ થઈ શકતાં નથી. લોકોની ભાવના જગાડવી, પોતાની પ્રામાણિકતા, અનુભવશીલતા, યોગ્યતા અને ત્યાગ ભાવનાનો જનતાને વિશ્વાસ આપવો પડે છે. જો જનતાના ગળે આટલી વાત ઊતરી જાય તો જનકલ્યાણનાં કાર્યોમાં બીજાને પ્રોત્સાહિત કરીને એમનો અમૂલ્ય સહકાર મેળવી શકાય છે. બાકી તો મોટો પગાર અને ભરપૂર સગવડો આપીને પણ પછાત તથા ગરીબ જનતાને આદર્શવાદી કામ કરવા માટે તૈયાર કરી શકાય નહિ. જે ભાવનાશીલ હોય તે જ બીજાની ભાવના ગાડી શકે છે. સર્જનાત્મક કાર્યોમાં હમેશાં કર્મવીરો જ આગળ રહે છે.
વાત પર્વત જેટલી ભારે છે, પરંતુ સાથે જ રાઈટલી સરળ પણ છે. જે વ્યક્તિ સાદું જીવન જીવે અને કુટુંબને સ્વાવલંબી, સુસંસ્કારી બનાવવાની જવાબદારી પૂરી કરે તો સમજવું જોઈએ કે સેવા સાધનાના માર્ગમાં જે મુશ્કેલી હતી તે દૂર થઈ ગઈ. વિચારશીલ વ્યક્તિ મનથી નક્કી કરી લેતો જનકલ્યાણ માટે, યુગપરિવર્તન માટે દરરોજ ઓછામાં ઓછા બે ક્લાકનો સમય આપી શકે છે. પ્રાચીનકાળમાં બ્રહ્મચારી, વાનપ્રસ્થો અને સદ્ગૃહસ્થો આવું સાહસ કરતા હતા. ગુરુ ગોવિંદસિંહે પોતાના શિષ્યોમાંથી દરેક ગૃહસ્થનો મોટો દીકરો સિપાઈ બનાવવા માટે માગ્યો હતો. આ કારણે જ શીખોનો ઇતિહાસ વીજળીની જેમ ચમકે છે. દેશના રક્ષણ માટે અને આબરૂ બચાવવા માટે લાખો લોકોએ બલિદાનો આપ્યાં અને મુશ્કેલીઓ વેઠી. આ પરંપરા બુદ્ધ અને ગાંધીના જમાનામાં પણ સક્રિય હતી. વિનોબાનું સર્વોદય આંદોલન આના આધારે ચાલ્યું હતું. સ્વામી વિવેકાનંદ, દયાનંદ વગેરેએ સમાજને અસંખ્ય ઉચ્ચસ્તરીય કાર્યકર્તાઓ આપ્યા હતા. આજની સૌથી મોટી આવશ્યક્તા એ જ છે. સમયની માગ એવા મહામાનવોની છે, જે પોતે આગળ વધે અને બીજાને આગળ વધારે.
માની લીધું કે આજે સમાજ સ્વાર્થી અને સંકુચિત થઈ ગયો છે, તો પણ એટલું તો માનવું જ પડશે કે આ ધરતીને વાંઝણી’તો ન જ કહી શકાય. ૬૦ લાખ સાધુ બાવા ધર્મના નામે ઘરબાર છોડીને ભટકી શકે તો પછી એવું કોઈ કારણ નથી કે મિશનની એક લાખ વર્ષની સમયદાનની માગણી પૂરી ન થઈ શકે. એક વ્યક્તિ જો દરરોજ બે કલાકનું સમયદાન આપી શકે, તો એક વર્ષમાં ૭૨૦ ક્લાક થાય છે. ૭ ક્લાક દિવસ માનવામાં આવે તો એક વર્ષમાં ૧૦૩ દિવસ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ૨૦ વર્ષની ઉંમરમાં આ સંક્લ્પ લે અને ૭૦ વર્ષ સુધી એનું પાલન કરે તો આ ૫૦ વર્ષના કુલ પાંચ હજાર દિવસ થાય છે. એનો અર્થ થયો ૧૪ વર્ષ. એક લાખ વર્ષનો સમય પૂરો કરવા માટે એવા ૧૦OOOO/૧૪=૭૧૪૩ લોકો પોતાના જીવનમાં જ એક લાખ વર્ષની સમયદાનની માગણી પૂરી કરી શકે છે. આ તો એક નાનો હિસાબ થયો. મિશનમાં એવા પરિજનોની ખોટ નથી, જે આજે પણ સાધુ બ્રાહ્મણ જેવું પરોપકારી જીવન જીવી રહ્યા છે અને પોતાનો બધો સમય યુગપરિવર્તનની યોજનાઓમાં આપી રહ્યા છે. આજે પણ એવા હજારો બ્રહ્મચારી અને વાનપ્રસ્થીઓ છે. એમનો પણ સમય ગણવામાં આવે તો સમયનો આંક એક લાખ વર્ષને પણ વટાવી જાય છે.
વાત એટલા પૂરતી સીમિત નથી. પ્રજ્ઞા પરિવારના એવા કેટલાય ઉદારતા છે. જેમણે હીરકજયંતીના અનુસંધાનમાં સમયદાનના આગ્રહ અને અનુરોધને દેવી નિર્દેશ માન્યો છે અને પોતાની પરિસ્થિતિઓ સાથે તાલમેળ બેસાડીને એક વર્ષથી માંડીને પાંચ વર્ષ સુધીનો સમય આપ્યો છે. એવા લોકો પણ અસંખ્ય છે, જેઓ પ્રવાસ પર તો જઈ નથી શકતા, પરંતુ ઘરે રહીને જ અવારનવાર મિશનની ગતિવિધિઓને અગ્રગામી બનાવવા સમય આપતા રહેશે. સ્થાનિક ગતિવિધિઓ સુધી જ સીમિત રહીને નજીકના કાર્યક્ષેત્રને પણ સંભાળતા રહેશે.
પુરુષોની જેમ સ્ત્રીઓ પણ આ સમયદાનના યજ્ઞમાં ભાગ લઈ શકે છે. શારીરિક અને બૌદ્ધિક બંને પ્રકારનો શ્રમ કરીને સ્ત્રીઓ મહિલા સમાજમાં નવચેતના જગાડી શકે છે. અભણ સ્ત્રીઓ પણ ઘરોની આગળ પાછળ શાકવાડી લગાડી શકે છે. જેમના પર કૌટુંબિક જવાબદારી નથી, શારીરિક રીતે સ્વસ્થ અને સ્કૂર્તિવાન છે, તેઓ શાંતિકુંજના ભોજનાલયમાં કામ કરી શકે છે અને અહીંના વાતાવરણમાં રહીને આશાતીત સંતોષભર્યું જીવન જીવી શકે છે.
પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક કાર્યક્રમોમાં એવાં કેટલાંય કામ છે, જે પોતપોતાની પરિસ્થિતિઓને અનુરૂપ કરી શકાય છે. પ્રચારાત્મક સ્તરનાં કાર્યો (૧) ઝોલા પુસ્તકાલય (૨) જ્ઞાનરથ (૩) સ્લાઈડ પ્રોજેક્ટર પ્રદર્શન, ટેપરેકોર્ડરથી યુગસંદેશ અને યુગસંગીત જનજન સુધી પહોંચાડવું (૪) દીવાલ પર આદર્શ વાક્યો લખવાં (૫) સાઈકલ યાત્રામાં સામેલ થવું. સંગીત, સાહિત્ય તથા કળાના માધ્યમથી પણ ઘણું કામ થઈ શકે છે. સાધનદાનથી પણ અનેક સત્પ્રવૃત્તિઓનું પોષણ થઈ શકે છે. રચનાત્મક કામોમાં (૧) પ્રૌઢશિક્ષણ પુરુષોની રાત્રિ પાઠશાળા, સ્ત્રીઓની મધ્યાહન પાઠશાળા (૨) બાળ સંસ્કારશાળા (૩) વ્યાયામશાળા (૪) સ્વચ્છતા અભિયાન (૫) વૃક્ષારોપણ વગેરે. સુધારાત્મક કાર્યોમાં કુરિવાજો, અનૈતિકતા, અંધવિશ્વાસ વગેરે દૂર કરવાં તે મુખ્ય છે. (૧) નાતજાત, ઊંચનીચ (૨) પડદાપ્રથા (૩) દહેજ (૪) નશાબાજી (૫) ફૅશનના નામે નકામું ખર્ચ. બાળલગ્ન વગેરે કુપ્રથાઓ નાબૂદ કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા. ઉપરાંત શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે સંબંધિત કેટલાય કાર્યક્રમો એવા છે કે કોઈ પણ ક્ષેત્રમાં અને કોઈપણ સ્થિતિમાં તેનો અમલ કરવાને અવકાશ છે. જેમને નવસર્જન માટે સમય આપવો છે, તેમણે પોતાની યોગ્યતા અને પરિસ્થિતિ અનુસાર કોઈક કામ પસંદ કરી લેવું જોઈએ. આ તમામ કાર્યોના પ્રયાસ અને પ્રગતિ સમયદાન પર આધારિત છે.
એક લાખ વર્ષનો સમય એમ તો કહેવા-સાંભળવામાં બહુ વધારે લાગે છે, પરંતુ જયારે બધા પરિજનો ભેગા મળીને એના માટે કમર કસે છે, ત્યારે દરેકના ભાગમાં થોડોક જ સમય આવે છે.
મોટું અનુદાન – મોટું વરદાનઃ ફોલ્લાની રસી સોય ભોંકીને પણ કાઢી શકાય છે, પણ મગજમાં કે હ્રદયમાં ઘૂસી ગયેલી ગોળી કાઢવા માટે કુશળ દાક્તર અને કીમતી યંત્રોની જરૂર પડે છે. કરોળિયાનું પેટ એક માખીથી ભરાઈ જાય છે પણ હાથીને દરરોજ બે-ચાર મણ શેરડી જોઈએ. કૂવામાંથી કોઈ પણ વ્યક્તિ ઘડો પાણી ખેંચી શકે છે, પણ સ્વર્ગમાંથી ધરતી પર ગંગાનું અવતરણ કરવા ભગીરથ જેવું તપ અને શિવની જટાઓનો આધાર હોવો જોઈએ, વૃત્રાસુરનો વધ કરવા માટે ઋષિ દધીચિનાં હાડકાંમાંથી વ્રજ બનાવવું પડ્યું હતું. નાનાં કામ સાધારણ મનુષ્યોના સહકારથી, ઓછાં સાધનોથી થઈ શકે છે, પરંતુ મહાન કાર્યો માટે વિશાળ યોજનાઓ બનાવીને આગળ વધવું પડે છે. ધરતીની તરસ બુઝાવવા અને સમુદ્રની સપાટી જાળવી રાખવા માટે હજારો નદીઓનું પાણી એમાં સતત પડવું જોઈએ.
પરિવર્તન અને નિર્માણ બંને કષ્ટસાધ્ય છે. ભૂણ જ્યારે શિશુરૂપે ધરતી પર આવે છે તો પ્રસવ પીડાની સાથે થતો રક્તસ્રાવ પથ્થરદિલને પણ પીગળાવી દે છે. પ્રસ્તુત પરિસ્થિતિઓના દૃશ્ય અને અદશ્ય બંને પક્ષ એવા છે, જેના કણકણમાંથી મહાવિનાશનો પરિચય મળે છે. સમયની આવશ્યકતા એટલી મોટી છે કે ઘણાબધાએ ઘણુંબધું કરવું જોઈએ. વિનાશ સામે ઝઝૂમવા અને વિકાસને પ્રત્યક્ષ કરવા માટે અસામાન્ય વ્યક્તિત્વ, અસામાન્ય કૌશલ્ય અને અસીમ સાધન જોઈએ. એટલાં અસીમ કે જેને ભેગાં કરવાનું કોઈ વ્યક્તિ કે સમુદાય માટે કઠિન છે. એ તમામ સરંજામને ભેગો કરવાનું માત્ર પરમેશ્વરના હાથમાં છે. હા, એટલું અવશ્ય છે કે નિરાકારને સાકાર જીવધારીઓમાં નિયજિત રણનીતિની અને કૌશલભરી વ્યવસ્થાની જરૂર પડે છે. એ પણ પરિમાણમાં. એવાં કાર્યોનું સંયોજન તો ભ્રષ્ટાની વિધિવ્યવસ્થા જ કરે છે, પરંતુ એનું શ્રેય શ્રદ્ધાવાન સાહસિકોને મળી જાય છે. હનુમાન અને અર્જુનની શક્તિ એમણે પોતે ઉપાર્જિત કરેલી ન હતી,
તેઓ સૃષ્ટાનું કામ કરતાં કરતાં તેના સામર્થ્યને પ્રાપ્ત કરી શક્યા. અર્જુનને જો સારથિનું સમર્થન ન રહ્યું હોત, તો મહાભારત ક્વી રીતે જીતી જાત? હનુમાન પોતે જો બળવાન હોત તો સુગ્રીવ સાથે ઋષ્યમૂક પર્વત પર છૂપાછૂપા ન ફરતા હોત. સમુદ્રને લાંઘવાનું, લંકાને બાળવાનું, પર્વત ઉખાડવાનું સામર્થ્ય એમને અમાનતરૂપે એટલા માટે મળ્યું હતું કે તેઓ રામકાજમાં સમર્પિત હતા. કોઈ અંગત મનોકામના માટે કોઈ ભક્ત માગ્યું છે તો નારદ-મોહ વખતે મળેલા ઉપાસની જેમ તેણે તિરસ્કૃત થવું પડ્યું છે.
મહાન પરિવર્તન સાથે જોડાયેલા નવસર્જનનું ઉભયપક્ષીય કાર્ય એવું છે કે જેને સંપન્ન કરવા માટે એટલાં સાધન જોઈએ, જેનું વિવરણ શબ્દોમાં કરી શકાતું નથી. એ ભેગાં કરવાનાં છે, ભેગાં થશે પણ.
અભીષ્ટ પ્રયોજનની મહાનતાને સંપૂર્ણ રૂપમાં આંકી શકાતી નથી. એના કેટલાય કાર્યક્રમો છે. પ્રસ્તુત સંકટ કે સંક્લ્પ આ જ પ્રકારનો છે જે અવતરણ પર્વ પરગત વસંત પંચમીએ પ્રગટ થયો. સગવડની દૃષ્ટિએ એને પાંચ ભાગોમાં વહેંચી દેવામાં આવ્યો છે. (૧) એક લાખ યજ્ઞ (૨) એક લાખ નરરત્ન (૩) એક લાખ અશોક વાટિકા (૪) એક લાખ ગ્રામતીર્થ (પ) એક લાખ વર્ષનું સમયદાન સંક્લન. આ પાંચ કામ ધરતીને માથા ઉપર ઉઠાવવા જેટલાં ભારે છે. કોઈપણ મનુષ્યનું મગજ એની યોજના વિચારી શકતું નથી, તો પછી એને હાથમાં લેવાની વાત વિચારી જ કેવી રીતે શકાય? આ દેવકાર્ય છે, જે મારા જેવી તુચ્છ વ્યક્તિ કદાપિ કરી શકે નહિ. આ પરમ સત્તાનું કામ છે અને તે કઠપૂતળીની જેમ પ્રજ્ઞા પરિવારને નચાવી રહ્યા છે.
સારું તો એ છે કે આ ગોવર્ધનને હળી મળીને ઊંચકવામાં આવે. સારું તો એ છે કે સમુદ્ર સેતુ બાંધવામાં ખિસકોલીની જેમ યથા સંભવ ફાળો આપીને યશ કમાવામાં આવે. આ યોજનામાં ફાળો આપવાથી પ્રજ્ઞા પરિજનોને લાભ જ થશે. જેટલું ગુમાવશે એના કરતાં મળશે વધારે. બીજને થોડીક ક્ષણો જ ગળવાનું કષ્ટ સહેવું પડે છે. તે પછી તો વધવાનો, હરિયાળા થવાનો અને કૂલવા ફાલવાનો આનંદ જ આનંદ છે. વૈભવ જ વૈભવ છે. સ્વતંત્રતા સંગ્રામમાં જેઓ આગળ આવીને કૂદી પડ્યા તેઓ આઝાદી પછી મિનિસ્ટર બનવાથી માંડીને પેન્શનના લાભ મેળવી શક્યા, આજનો અવસર પણ આવો જ છે, જેમાં લીધેલી ભાગીદારી મણિમુક્તકોની ખાણને કોડીના મૂલે ખરીદી લેવા સમાન છે. જેનું શ્રેય, યશ અને વૈભવ સુનિશ્ચિત છે, જે હસ્તગત કરવામાં કંજૂસાઈથી વધુ બીજું કંઈ થઈ શકે નહિ.
પ્રતિભાવો