SJ-01 : આત્મીયજનોને અનુરોધ અને એમને આશ્વાસન-૨૮, મારું વિલ અને વારસો
March 12, 2021 Leave a comment
આત્મીયજનોને અનુરોધ અને એમને આશ્વાસન
સાધનાથી ઉપલબ્ધ થયેલ વધારાની શક્તિને વિશ્વના મૂર્ધન્ય વર્ગને ઢંઢોળવામાં અને ઊલટાવીને સીધું કરવામાં ખર્ચી નાખવાની મારી ઈચ્છા છે. દોરાને સોયમાં પરોવનારા મળી ગયા હોત તો સોનામાં સુગંધ ભળત, નહિતર હમેશાં અપરિચિતની સ્થિતિમાં બેસી રહેવામાં તકલીફ પડત. મૂર્ધન્યોમાં સત્તાધીશો, ધનવાનો, વૈજ્ઞાનિકો અને મનીષીઓનો ઉલ્લેખ છે. આ લોકો સર્વોચ્ચ સ્તરના પણ હશે અને સામાન્ય કક્ષાના પણ હશે. જો સર્વોચ્ચ સ્તરના લોકોની સૂક્ષ્મતા તીક્ષ્ણ હશે તો તેઓ અહંકારી અને આગ્રહી હશે. આથી હું એકલા ઉચ્ચ વર્ગને જ નહિ, પણ મધ્યમ વૃત્તિવાળા લોકોની સાથે ચારેય વર્ગના લોકોને મારી પકડમાં લઈ રહ્યો છું, જેથી વાત નીચેથી ઉપર સુધી પહોંચી શકે.
બીજે વર્ગ જાગૃત આત્માઓનો છે. એમનું ઉત્પાદન ભારત ભૂમિમાં હમેશાં થતું રહ્યું છે. મહામાનવ, ઋષિ, મનીષી, દેવતા વગેરે અહીં જેટલા જન્મ્યા છે તેટલા બીજે ક્યાંય જન્મ્યા નથી. આથી મને વધારે સરળતા રહેશે. હું એવા પ્રયત્નો કરીશ કે જ્યાં પણ પૂર્વસંચિત સંસ્કારોવાળા આત્માઓ નજરે પડશે તેમને સમયનો સંદેશો સંભળાવીશ. યુગધર્મ બતાવીશ. લોકોને સમજાવીશ કે આ સમય મોહ લોભમાં કાપકૂપ કરવાનો અને થોડામાં નિર્વાહ કરી સંતોષ માનવાનો છે. જે કંઈ હાથમાં છે તેને વાવી, ઉગાડીને હજારગણું કરવામાં આવે. હું એકલો જ ઊગીને મોટો થઈને તથા સુકાઈને ખલાસ થઈ જાઉં તો તે એક દુર્ઘટના બની કહેવાશે. એકમાંથી હજાર બનવાની વાત વિચારી છે અને કહેવામાં આવી રહી છે તો તેનું પ્રત્યક્ષ પરિણામ પણ હજારગણું મોટું હોવું જોઈએ. પ્રજ્ઞા પરિવાર વિશાળ છે. વળી ભારતભૂમિની ઉત્પાદન શક્તિ પણ ઓછી નથી. આ સિવાય મારી યોજના વિશ્વ વ્યાપી પણ છે. એમાં એકલું ભારત જ નહિ, સમગ્ર સંસાર આવી જાય છે. આથી વિચાર ક્રાંતિની પ્રક્રિયાને પરિસ્થિતિ અનુસાર વ્યાપક બનાવવા માટે જાગૃત આત્માઓનો સમુદાય વિશ્વના દરેક દેશમાં મળે એવો પ્રયાસ ચાલી રહ્યો છે. કાર્યપદ્ધતિ ક્ષેત્રીય વાતાવરણને અનુરૂપ બનતી રહેશે, પણ લક્ષ્ય એક જ હશે – “બ્રેઈન વોશિગ’, વિચાર પરિવર્તન – પ્રજ્ઞા અભિયાન. હું તીરની જેમ સડસડાટ કરતો લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. જેનામાં આવા પ્રકારની ચીવટ હશે તેને અનુભવ થશે કે મને કોઈ જગાડી રહ્યું છે. ઢંઢોળી રહ્યું છે, ખેચી રહ્યું છે, બાંધી રહ્યું છે. આમ તો આવા લોકો સમયની માગ પ્રમાણે અંતરાત્માની પ્રેરણાથી જાગી જતા હોય છે. બ્રાહ્મ મુહૂર્તમાં કૂકડો પણ બાંગ પોકારવા માટે ઊઠી જાય તો એવું કોઈ કારણ નથી કે જેમનામાં પ્રાણ ચેતના ભરેલી છે તેઓ મહાકાળનું આમંત્રણ ન સાંભળે તથા પેટ-પ્રજનનની જવાબદારી અને અભાવગ્રસ્તતાનું બહાનું બતાવતા રહે. સમયનો પોકાર અને મારી વિનંતીનો સંયુક્ત પ્રભાવ થોડોક પણ ન પડે એવું બની શકે જ નહિ. વિશ્વાસ રાખવામાં આવ્યો છે કે આ સ્તરનો એક શાનદાર વર્ગ તૈયાર થઈને આગળ આવશે અને સામે જ કટિબદ્ધ ઊભેલો નજરે પડશે.
ત્રીજો વર્ગ પ્રજ્ઞા પરિવારનો છે. તેની સાથે મારો વ્યક્તિગત સંબંધ છે. લાંબા સમયથી એક યા બીજા બહાને સાથે રહેવાના કારણે સંબંધો એવા ગાઢ બની ગયા છે કે તે ક્યારેય નષ્ટ થઈ શકે તેમ નથી. આનાં અનેક કારણો છે. પહેલું કારણ એ છે કે મને કેટલાય જન્મો યાદ છે, જ્યારે લોકોને નથી. જેમની સાથે પૂર્વજન્મોના ગાઢ સંબંધ છે તેઓને સંયોગવશ અથવા તો પ્રયત્નપૂર્વક મેં પરિજનોના રૂપમાં એકઠા કરી લીધા છે અને એ લોકો કોઈને કોઈ રીતે મારી આસપાસ ભેગા થઈ ગયા છે. એમને અખંડજ્યોતિ પોતાના ખોળામાં લઈ રહી છે. સંગઠનના નામે ચાલી રહેલ રચનાત્મક કાર્યક્રમો પણ આ જ સંદર્ભમાં આકર્ષણ ઉપજાવી રહ્યા છે. આ સિવાય બાળક અને માબાપની વચ્ચે જે સાહજિક વાત્સલ્યનું આદાનપ્રદાન થતું હોય છે તે પણ મારી અને એમની વચ્ચે ચાલતું રહ્યું છે. બાળકો સ્વાભાવિક રીતે વડીલો પાસે કંઈક ને કંઈક ઈચ્છતાં રહેતાં હોય છે. ભલે પછી મોઢે માગે કે ઈશારો કરીને માગે. બાળકોની અપેક્ષા વધારે મોટી હોય છે. ભલે પછી તે ઉપયોગી હોય કે બિનઉપયોગી, જરૂરી હોય કે બિનજરૂરી. તેમને તે આપીને જ શાંત કરી શકાય છે. તેમનામાં એ સમજણ નથી હોતી કે આના પૈસા વ્યર્થ જશે અને વસ્તુ પણ કંઈ કામમાં નહિ આવે. જ્યાં સુધી બાળકો બૌદ્ધિક રીતે પરિપકવ થતાં નથી અને ઉપયોગિતા- અનુપયોગિતા વચ્ચેનું અંતર સમજતાં નથી, ત્યાં સુધી બાળકો અને વડીલો વચ્ચે આ પ્યારભરી ખેચતાણ ચાલતી રહે છે. મારી સાથે પરિજનોનો એક એવો સંબંધ પણ ચાલતો રહ્યો છે.
માન્યતા એટલે માન્યતા જ. હઠ એટલે હઠ. ભલે પછી પ્રત્યક્ષ સંબંધો ન હોય પણ પૂર્વસંચિત સંબંધોનું દબાણ હોય. આપણી બધાંની વચ્ચે એક એવું પણ જોડાણ છે કે જે વિચાર-વિનિમય, સંપર્ક-સાંનિધ્ય સુધી જ સીમિત રહેતું નથી, એવું પણ ઈચ્છે છે કે વધારે આનંદમાં રહેવાનું કોઈક સાધન, કોઈક તક પ્રાપ્ત થાય. ઘણાની સામે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. કેટલાય ભ્રમ જંજાળમાં ફસાયેલા હોય છે. કેટલાયને છે તેનાથી વધારે સારી સ્થિતિ જોઈએ છે. કારણ ગમે તે હોય પણ જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો ઈચ્છાઓ અને આકાંક્ષાઓ લઈને આવે છે. બોલીને અથવા બોલ્યા વિના માગણીઓ વ્યક્ત કરે છે. સાથે વિચારે પણ છે કે અમારી વાત યથાસ્થાને પહોંચી ગઈ છે. એનો વિશ્વાસ એમને ત્યારે જ થાય છે, જ્યારે તેમનું કાર્ય સંપૂર્ણ યા અડધું પૂર્ણ થાય છે.
માગનાર અને દાતાનો સંબંધ બીજો છે. બાળકો અને માબાપોની બાબતમાં આ વાત લાગુ પડતી નથી. વાછરડું દૂધ ન પીએ તો ગાયની ખરાબ હાલત થાય છે. માત્ર ગાય જ વાછરડાને આપતી નથી. વાછરડું પણ ગાયને કંઈક આપે છે. જો આવું ન થતું હોત તો કોઈ માબાપ બાળકને જન્મ આપવાની, તેના લાલન-પાલનમાં સમય બગાડવાની, તેની પાછળ ખર્ચ કરવાની ઝંઝટમાં પડત નહિ.
ગાયત્રી પરિવાર, પ્રજ્ઞા પરિવાર વગેરે નામો તો કહેવા પૂરતાં જ રાખ્યાં છે. તેના સભ્યપદ માટે નોંધણી રજિસ્ટર તથા સમયદાન અને અંશદાનનાં બંધનો પણ છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે, જેને આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. આ છે જન્મજન્માંતરોની સંચિત આત્મીયતા. તેની સાથે જોડાયેલ અનેક પ્રસંગો અમને યાદ છે. પરિજનો એને યાદ રાખી શક્યા નહિ હોય. વળી તેઓ વિશ્વાસ પણ ધરાવે છે કે પરસ્પર આત્મીયતાની એવી મજબૂત દોરીથી બંધાયેલા છીએ કે તે કેટલીક વાર તો માત્ર હલબલાવીને જ રાખી દે છે. એકબીજાની વધારે નજીક આવવા, એકબીજા માટે કંઈક કરી છૂટવા આતુર હોય છે. આ કલ્પના નથી વાસ્તવિકતા છે. જેની બંને પક્ષોને સતત અથવા અવારનવાર અનુભૂતિ થતી રહે છે.
આ ત્રીજો વર્ગ છે બાળકોનો. એમની મદદથી મિશનનું થોડું ઘણું કામ થયું છે, પણ તે બાબત ગૌણ છે. મુખ્ય પ્રશ્ન એક જ છે કે એમને હસતાં-ખેલતાં જોવાનો આનંદ કેવી રીતે મળે? અત્યાર સુધી તો મિલન, પરામર્શ, સત્સંગ, સાંનિધ્ય વગેરે દ્વારા આ ભાવસંવેદનાની તુષ્ટિ થતી હતી, પણ હવે તો નિયતિએ એ સગવડ પણ છીનવી લીધી છે. હવે પરસ્પર મિલનનો અધ્યાય પૂર્ણ થઈ રહ્યો છે. આમાં કોઈ સમયની કમી કે વ્યવસ્થાને લગતું કારણ નથી. વાત એટલી જ છે કે આનાથી સૂક્ષ્મીકરણ સાધનામાં અવરોધ ઊભો થાય છે. મન ભટકવા લાગે છે અને જે સ્તરનું દબાણ અંતઃકરણ પર પડવું જોઈએ તે પડતું નથી. પરિણામે એ લક્ષ્યની પૂર્તિમાં અવરોધ ઊભો થાય છે, જેની સાથે સમસ્ત મનુષ્યજાતિનું ભાગ્ય-ભવિષ્ય જોયેલું છે. મારી પોતાની મુક્તિ, સિદ્ધિ અથવા સ્વર્ગ પ્રાપ્તિને લગતું કારણ હોત તો તેને ભવિષ્યમાં કરીશું તેમ કહીને ટાળી દીધું હોત. પણ સમય એવો વિકટ છે કે તે એક ક્ષણની પણ છૂટ આપતો નથી. ઈમાનદાર સૈનિકની જેમ મોરચો સંભાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે સુક્ષ્મીકરણના સંદર્ભમાં મારે મારી સાધના માટે પરિજનોને એકલા છોડી દેવા જોઈએ.
બાળકો – પ્રજ્ઞા પરિજનોને મારું એટલું જ આશ્વાસન છે કે જો તેઓ તેમના ભાવસંવેદના ક્ષેત્રને થોડું વધારે પરિસ્કૃત કરી દે તો અત્યારે જે નિકટતા છે તેના કરતાં વધારે ગાઢ નિકટતાનો અનુભવ કરશે. કારણ કે મારું સૂક્ષ્મ શરીર ઈ.સ. ૨૦૦૦ સુધી વધારે પ્રખર બનીને જીવશે. જ્યાં એની જરૂર હશે ત્યાં વિના વિલંબે તે પહોંચી જશે. એટલું જ નહિ, નેહ-સહયોગ, પરામર્શ-માર્ગદર્શન જેવાં પ્રયોજનોની પૂર્તિ પણ કરતું રહેશે. મુશ્કેલીઓમાં મદદ કરવાની, બાળકોને ઊંચે ઉઠાવી આગળ વધારવાની મારી પ્રકૃતિમાં સહેજ પણ ફરક નહિ પડે. આ લાભ પહેલાંની સરખામણીમાં વધારે મળી શકે તેમ છે.
મારા ગુરુદેવ સુક્ષ્મ શરીરથી હિમાલયમાં રહે છે. સતત ૬૧ વર્ષથી મેં તેમનું સાંનિધ્ય અનુભવ્યું છે. આમ તો આંખો દ્વારા જોવાની તક તો સમગ્ર જીવનમાં ત્રણ જ વાર પ્રાપ્ત થઈ છે અને તે પણ ત્રણ ત્રણ દિવસ માટે જ. ભાવ-સાંનિધ્યમાં શ્રદ્ધાની ઉત્કૃષ્ટતા રહેવાથી તેનું પરિણામ એકલવ્યના દ્રોણાચાર્ય, મીરાંના કૃષ્ણ અને રામકૃષ્ણનાં કાલી દર્શન જેવું હોય છે. મને પણ આ લાભ સતત મળતો રહ્યો છે. જે પરિજનો પોતાની ભાવસંવેદના વધારતા રહેશે તેઓ ભવિષ્યમાં મારી સમીપતાનો અનુભવ અપેક્ષા કરતાં વધારે કરતા રહેશે.
બાળકો વડીલો પાસે કંઈક ઈચ્છે તે બરાબર છે, પણ વડીલો બાળકો પાસે કંઈ જ ન ઈચ્છે એવું નથી. નિયત સ્થળે મળમૂત્ર ત્યાગવાની, શિષ્ટાચાર સમજવાની, હસવા-હસાવવાની, વસ્તુઓને ગમે તેમ ન વિખેરવાની તથા ભણવા જવા જેવી અપેક્ષાઓ તેઓ રાખતા હોય છે. જેટલું શક્ય હોય તેટલું તો તેમણે પણ કરવું જોઈએ. મારી અપેક્ષાઓ પણ એવી જ છે. ગોવર્ધન ઊંચકનારે પોતાના અબુધ ગોવાળિયાઓની મદદથી જ ગોવર્ધન પર્વતને ઊંચકી બતાવ્યો હતો. હનુમાનની વાત કોઈએ ન સાંભળી તો તે પોતાના સાથી રીંછ અને વાનરોને લઈ આવ્યા. નવનિર્માણના ખભા પર લદાયેલી જવાબદારીઓને વહન કરવા માટે હું એકલો સમર્થ બની શકતો નથી. આ હળીમળીને પાર પાડી શકાય તેવું કાર્ય છે. આથી જ્યારે સમજુ લોકોમાંથી કોઈ હાથમાં ન આવ્યું તો આ બાળપરિવારને લઈને મંડી પડ્યો અને જે કંઈ, જેટલું પણ બની શક્યું તેટલું કરતો રહ્યો. અત્યાર સુધીની પ્રગતિનો આ જ ટૂંક સાર છે.
હવે વાત આવે છે ભવિષ્યની, મારે મારાં બાળકો માટે શું કરવું જોઈએ તેનું હમેશાં ધ્યાન રાખતો રહ્યો છું અને જ્યાં સુધી ચેતનાત્મક અસ્તિત્વ રહેશે ત્યાં સુધી યાદ અપાવવા જેવી વાત એ જ છે કે મારી આકાંક્ષા અને આવશ્યક્તાને ભૂલવામાં આવે. સમય નજીક છે. આમાં દરેક પરિજનનું સમયદાન, અંશદાન મારે જોઈએ. જેટલું મળી રહ્યું છે તેના કરતાં વધારે પ્રમાણમાં, કારણ કે જે કંઈ કરવાનું છે તેના માટે તાત્કાલિક કામ શરૂ કરવાનું છે. વળી મોટાં કામો માટે મોટા માણસો જોઈએ અને વિશાળ સાધનસામગ્રી જોઈએ. મારા પરિવારની દરેક વ્યક્તિ મોટી છે. લઘુતાનું તો તેણે મહોરું પહેરી રાખ્યું છે. મહોરું ઉતારે એટલી જ વાર છે. ઉતાર્યા પછી તેનો અસલી ચહેરો દેખાશે. ઘેટાંના ટોળામાં ઊછરેલા સિંહનાં બચ્ચાંની વાત મારા પ્રજ્ઞા પરિજનોમાંથી દરેકને લાગુ પડે છે અથવા લાગુ પડી શકે છે.
મને મારા માર્ગદર્શક એક જ સેકંડમાં ક્ષુદ્રતાનો વાઘો ઉતરાવીને મહાનતાનો શણગાર પહેરાવી દીધો હતો. આ કાયાકલ્પમાં માત્ર એટલું જ થયું કે લોભ અને મોહના કાદવમાંથી હું બહાર આવી ગયો. જેની તેની સલાહ અને આગ્રહની ઉપેક્ષા કરવી પડી અને આત્મા તથા પરમાત્માના સંયુક્ત નિર્ણયને માથે ચડાવવાનું સાહસ કરવું પડ્યું છે. એક્લા ચાલવાનો આત્મવિશ્વાસ જાગ્યો અને આદર્શોને ભગવાન માની આગળ વધ્યો. આ પછી ક્યારેય એકલા રહેવું પડ્યું નથી કે નથી ક્યારેય સાધન વિહીન સ્થિતિનો આભાસ થયો. સત્યનું અવલંબન સ્વીકારતાં જ અસત્યનો પડદો ચિરાતો ગયો.
પરિજનોને મારો એ જ અનુરોધ છે કે મારી જીવનચર્યાને પ્રસંગોના ક્રમની દૃષ્ટિથી નહિ, પણ નિરીક્ષકની દૃષ્ટિથી વાંચવી જોઈએ કે એમાં દેવી કૃપાના અવતરણથી “સાધનાથી સિદ્ધિ વાળો પ્રસંગ જોડાયો કે નહિ ? આ જ રીતે એ પણ જોવું કે બીજાઓને સ્વીકારવા યોગ્ય આધ્યાત્મિકતા રજૂ કરીને હું ઋષિપરંપરા અપનાવવા માટે આગળ વધ્યો કે નહિ? જેને જેટલી યથાર્થતા પ્રાપ્ત થાય તે તેટલી જ માત્રામાં અનુમાન કરશે કે અધ્યાત્મ વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ આ જ છે. આંતરિક પવિત્રતા અને બાહ્ય પ્રખરતામાં જે જેટલા આદર્શોનો સમન્વય કરશે તે એ વિભૂતિઓ દ્વારા તેટલો લાભાન્વિત થશે, જે આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન અને ક્રિયા વિજ્ઞાન સાથે જોડવામાં અને બતાવવામાં આવી છે.
મારા તમામ પ્રજ્ઞા પરિજનોમાંથી દરેકના નામે મારી આ જ વસિયત અને વારસો છે કે મારા જીવનમાંથી કંઈક શીખે. કદમોની યથાર્થતા શોધે. સફળતા તપાસે અને જેનાથી જેટલો થઈ શકે તેટલો અનુકરણનો, અનુગમનનો પ્રયાસ કરે. આ નફાનો સોદો છે, ખોટનો નહિ.
પ્રતિભાવો