૧૦. ગાયત્રી-સાધનાથી આપત્તિઓનું નિવારણ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
ગાયત્રી-સાધનાથી આપત્તિઓનું નિવારણ
વિપરીત પરિસ્થિતિઓનો પ્રભાવ બહુ પ્રબળ હોય છે. એની ઝપટમાં જેઓ ફસાઈ ગયા, તે વિપત્તિઓ તરફ તણાતા જ જાય છે. બીમારી, ધનહાનિ, મૃત્યુ, કોર્ટ, શત્રુતા, બેકારી, ગૃહકલહ, વિવાહ, કરજ આદિની હારમાળા જ્યારે ચાલુ જ રહે છે ત્યારે માણસ હેરાન-પરેશાન થઈ જાય છે. કહેવત છે કે વિપત્તિ એકલી આવતી નથી, તે હંમેશાં કુટુંબ-કબીલા સાથે આવે છે. એક મુશ્કેલી આવે છે ને ચારેબાજુથી ઘેરાયેલો માણસ ચક્રવ્યુહમાં ફસાયાનો અનુભવ કરે છે. એવા વિકટ સમયમાં જે લોકો નિરાશા, ચિંતા, ભય, નિરુત્સાહ, ગભરાટ, કિંકર્તવ્યમૂઢતામાં પડીને હાથપગ ચલાવવાનું છોડી દે છે અને ધ્રુજવા માંડે છે, તેઓ લાંબા સમય સુધી ઘણાં કષ્ટ ભોગવે છે.
વિપત્તિ અને વિપરીત પરિસ્થિતિમાંથી છૂટવા માટે ધૈર્ય, સાહસ, વિવેક અને પ્રયત્નની આવશ્યકતા છે. આ ચાર ખૂણાવાળી નાવમાં બેસીને જ સંકટોની નદી પાર કરવાનું સુગમ થઈ પડે છે. આપત્તિના સમયમાં ગાયત્રીની સાધના આ ચાર તત્ત્વોને મનુષ્યના અંતઃકરણમાં વધારે ગાયત્રી મહાવિજ્ઞાન પ્રોત્સાહિત કરે છે, જેથી યોગ્ય માર્ગ શોધવામાં તે સફળ થાય છે અને વિપત્તિમાંથી ઊગરી જાય આપત્તિમાં ફસાયેલી અનેક વ્યક્તિઓ ગાયત્રીની કૃપાથી કેવી રીતે પાર ઊતરી તેના કેટલાક દાખલાઓ અમારી જાણમાં છે.
ઘાટકોપર, મુંબઈના શ્રી આર. બી. વેદ ગાયત્રીની કૃપાથી સાંપ્રદાયિક ઘોર દંગાના દિવસોમાં મુસ્લીમ વસતીમાંથી નિર્ભયપણે નીકળતા હતા. એમની છોકરીને એક વાર ભયંકર કૉલેરા થયો, તે પણ એની કૃપાથી શાંત થયો. એક મહત્ત્વપૂર્ણ કેસ એમની ગેરહાજરીમાં જ ચાલી ગયો અને તેનો નિર્ણય તેમની તરફેણમાં જ આવ્યો.
ઈંદોર, કાંગડાના ચૌ, અમરસિંહ એક એવી જગ્યાએ માંદા પડ્યા કે જ્યાંનાં હવાપાણી ઘણાં જ ખરાબ હતાં અને જ્યાં દાક્તરી સારવાર પણ મળી શકે એમ ન હતી. એ ભયંકર માંદગીમાં ગાયત્રીની પ્રાર્થનાને એમણે ઓસડ બનાવ્યું અને સારા થઈ ગયા.
મુંબઈના પં. રામશરણ શર્મા જ્યારે ગાયત્રી અનુષ્ઠાન કરી રહ્યા હતા તે દિવસોમાં તેમના માતાપિતા સખત બીમાર હતા. પરંતુ અનુષ્ઠાનના પ્રભાવથી તેમનો વાળ પણ વાંકો ન થયો. બંને નીરોગી થઈ ગયાં.
– ઇટૌઆધુરાના ડૉ. રામનારાયણજી ભટનાગરને એમની સ્વર્ગસ્થ પત્નીએ સ્વપ્નમાં દર્શન દઈને ગાયત્રી જપ કરવા જણાવ્યું હતું. ત્યારથી તે બરાબર એની સાધના કરતા રહ્યા છે. ચિકિત્સા કરવામાં એમના હાથને એવો જશ છે કે, મોટા મોટા અસાધ્ય રોગો એમની ચિકિત્સાથી સારા થયા છે.
કનકુવા હમીરપુરાના લક્ષ્મીનારાયણ શ્રીવાસ્તવ બી.એ.એલ.એલ.બી.નાં પત્ની પ્રસવકાળમાં અત્યંત કષ્ટથી પીડિત થયા કરતાં હતાં. ગાયત્રી ઉપાસનાથી એમનું કષ્ટ ઘણું ઓછું થઈ ગયું. એક વાર એમનો છોકરો મોતીઝરાથી પીડિત થયો, તેની બેહોશી અને બૂમોથી બધા લોકો ગભરાઈ ગયા. વકીલ સાહેબની ગાયત્રી પ્રાર્થનાથી તેને સારી ઊંઘ આવી અને થોડા જ દિવસમાં તે તદ્દન સારો થઈ ગયો.
જફરાપુરના ઠા. રામકિરણજી વૈદ્યની ધર્મપત્ની એક બે વર્ષથી સંગ્રહણીથી પીડાતી હતી. અનેક ઉપચારો કરવા છતાં પણ કંઈ લાભ થયો નહીં ત્યારે સવાલાખ જપનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. ફળ સ્વરૂપે તે તદન સારી થઈ ગઈ અને તેને એક પુત્ર પણ થયો.
કસરાવદ, નિમાડના શ્રી શંકરલાલ વ્યાસનો પુત્ર એટલો માંદો હતો કે દાકતર વૈદ્યોએ તેના જીવવાની આશા છોડી દીધી હતી. દસ હજાર ગાયત્રીના જપથી તે સારો થઈ ગયો. એક વાર વ્યાસજી એક પહાડી જંગલમાં ફસાઈ ગયા. હિંસક પશુઓ ત્યાં બૂમો પાડતાં આમતેમ ફરી રહ્યાં હતાં. આ સંકટ સમયમાં એમણે ગાયત્રીનું ધ્યાન કર્યું અને એમના પ્રાણ બચી ગયા.
બિહિયા, શાહાબાદના શ્રી ગુરુચરણ આર્યને એક પ્રસંગે કેદમાં પૂરવામાં આવ્યા. છુટકારાને માટે તે જેલમાં જપ કરતા રહ્યા. તે અચાનક જેલમાંથી છૂટી ગયા અને તેમની સામે ચાલતા કેસમાં પણ તેઓ નિર્દોષ તરીકે છૂટી ગયા.
મુદ્રાવજાના શ્રી. પ્રકાશ નારાયણ મિશ્ર ધોરણ ૧૦ના અભ્યાસમાં કૌટુંબિક મુશ્કેલીઓમાં ધ્યાન આપી શકયા નહીં. પરીક્ષાના ૨૫ દિવસો બાકી રહી ગયા ત્યારે એમણે વાંચવાનો અને સાથે જ ગાયત્રી જપનો આરંભ કર્યો. પાસ થવાની આશા ન હોતી. છતાં એમને સફળતા મળી. મિશ્રાજીના પિતાને દુશ્મનના એક કારસ્તાનથી જેલમાં જવું પડે એમ હતું. પરંતુ ગાયત્રીના અનુષ્ઠાનથી તેઓ એ આપત્તિમાંથી બચી ગયા.
કાશીના પંડિત ધરણીદત્ત શાસ્ત્રીનું કથન છે કે મારા દાદા પં. કનૈયાલાલજી ગાયત્રીના ઉપાસક હતા. બચપણમાં હું મારા દાદાની સાથે રાતના વખતે કૂવા પર પાણી લેવા ગયો. ત્યાં એક ભયંકર પ્રેતાત્મા મારા જોવામાં આવ્યો. તે કોઈ વાર પાડો બનીને તો કોઈ વાર ડુક્કર બનીને મારા પર આક્રમણ કરવા મથતો હતો. તે કદી મોઢામાંથી તો કદી માથામાંથી ભયંકર અગ્નિજ્વાળાઓ કાઢતો. કદી મનુષ્ય તો કદી હિંસક જંતુ બનીને એક દોઢ કલાક સુધી તે ભય ઊભો કરતો રહ્યો. દાદાએ મને ડરી ગયેલો જોઈને સમજાવ્યો કે, બેટા આપણે ગાયત્રીના ઉપાસક છીએ. આ ભૂત આપણું કંઈ પણ બગાડી શકે એમ નથી. આખરે અમે બંને ઘેર ક્ષેમકુશળ આવી ગયા. ભૂતનો ગુસ્સો નિષ્ફળ ગયો.
સનાચે જીવન” ઈટાવાના સંપાદક પં. પ્રભુદયાળ શર્મા કહે છે કે, એમની પુત્રવધૂ અને પૌત્રીઓને કોઈ દુષ્ટ પ્રેતાત્માનો વળગાડ થયો હતો. હાથ, પગ અને મગજમાં ભારે પીડા સાથે તેઓ બેભાન થઈ જતી હતી. રોગમુક્તિના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે ગાયત્રીનો આશ્રય લેવાથી એ તકલીફ દૂર થઈ ગઈ. એ જ રીતે પંડિતજીનો ભત્રીજો મૃત્યુના મુખમાં સપડાયો હતો. એને ખોળામાં લઈને ગાયત્રીના જપ કરવામાં આવ્યા અને બાળક સારો થઈ ગયો.
શર્માજીના કાકા દાનાપુર (પટના) ગયા હતા. ત્યાં તેઓ સ્નાન કર્યા પછી ગાયત્રીનો જપ કરતા હતા ત્યારે અચાનક એમને કાને શબ્દો પડયા કે જલદી ભાગી નીકળો, આ મકાન હમણાં પડી જવાનું છે. તેઓ બારીમાંથી કૂદીને બહાર નીકળ્યા અને માંડ ચાર છ ડગલાં ગયા હશે ત્યાં તો મકાન પડી ગયું અને તેઓ આબાદ રીતે બચી ગયા.
શેખપુરના અમોલચંદ ગુપ્તાના બચપણમાં જ પિતાનું અને કિશોરાવસ્થામાં માતાનું મૃત્યુ થવાથી કુસંગમાં પડવાથી અનેક બૂરી આદતોમાં ફસાઈ ગયા હતા. દોસ્તોનો ડાયરો આખો દિવસ જામતો અને પાનાં, શેતરંજ, ગાયનવાદન, વેશ્યાનૃત્ય, સિગારેટ, શરાબ, જુગાર, વ્યભિચાર, નાચ, તમાશા, ભોજન પાર્ટી આદિના મોજશોખ ચાલતા રહેતા. આવા કુચક્રમાં પાંચ વર્ષમાં જ રોકડ, ઝવેરાત, મકાન અને વીસ હજારની મિલકત સ્વાહા થઈ ગઈ. જ્યારે કંઈ ન રહેવા પામ્યું ત્યારે નિર્વાહની મુસીબત ઊભી થઈ. એ સ્થિતિમાં એમનું ચિત્તે ખૂબ જ અશાંત રહેવા લાગ્યું. એવામાં એક દિવસ એક મહાત્માએ એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો. તેમની શ્રદ્ધા તેમાં બેઠી. એથી ધીમે ધીમે ઉત્તમ વિચારોની વૃદ્ધિ થઈ. પશ્ચાત્તાપની ભાવના વધવાથી એમણે ચાંદ્રાયણ વ્રત, તીર્થયાત્રા, અનુષ્ઠાનો અને પ્રાયશ્ચિત્ત કર્યા. હાલમાં તેઓ એક દુકાન માંડીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે તેઓ જૂની કુટેવોથી મુક્ત થઈ ગયા છે.
રાનીપુરાના ઠા. જંગજીત રાઠોડ એક ધાડ કેસમાં સપડાયા હતા. પરંતુ જેલમાં ગાયત્રીના જપ કરતા રહ્યા તેથી નિર્દોષ છૂટી ગયા.
અંબાલાના મોતીલાલ માહેશ્વરીનો છોકરો કુસંગમાં પડવાથી એવી ખરાબ આદતોનો શિકાર બની ગયો હતો કે એમના પ્રતિષ્ઠિત કુટુંબ પર કલંકના છાંટા ઊડતા હતા. માહેશ્વરીજીએ દુઃખી થઈને ગાયત્રીનું શરણ લીધું. એ તપશ્ચર્યાના પ્રભાવથી છોકરાની મતિ પલટાઈ અને અશાંત કુટુંબમાં ફરીથી શાંત વાતાવરણ ઉત્પન્ન થયું.
ટોકના શિવનારાયણ શ્રીવાસ્તવના પિતા મરી જવાથી જમીનદારીની બે હજાર રૂપિયાની વાર્ષિક આવક પર ૧૬ વ્યક્તિઓનો ગુજારો કરવાનો હતો. કોઈ કામ કરતું ન હતું અને જમીનની આવકમાંથી જ બધો ખર્ચ કરવા માગતા હતા. તેથી એ ઘર ફાટફૂટ અને કલહનો અખાડો બની ગયું. માહેશ્વરીને એ વાતનું મોટું દુઃખ હતું, કારણ કે તેઓ જ કુટુંબના વડા હતા. અંતે એક મહાત્માના ઉપદેશથી તેમણે ગાયત્રીના જપનો આરંભ કર્યો પરિસ્થિતિ બદલાઈ. સહુની બુદ્ધિમાં સુધારો થયો. કમાવા જેવા લોકો નોકરી અને વ્યાપારમાં લાગી ગયા, ઝઘડા શાંત થયા, ડગમગતું ઘર બચી ગયું.
અમરાવતીના સોહનલાલ મેહરોત્રાની સ્ત્રીને ભૂતની તકલીફ નડતી હતી. ભારે મુસીબત હતી અને હજારો રૂપિયા ખર્ચ કરી ચૂક્યા હતા. સ્ત્રી દિવસે દિવસે નબળી પડતી હતી. એક દિવસ હેરાત્રીના સ્વપ્નમાં એમના પિતાજીએ કહ્યું- બેટા ગાયત્રીનો જપ કર, બધી વિપત્તિઓ દુર થઈ જશે. બીજા દિવસથી તેમણે તેમ કર્યું. પરિણામે ભૂતના ઉપદ્રવો શાંત થઈ ગયા અને સ્ત્રી રોગમુક્ત થઈ ગઈ. એની બહેનની નણંદ પણ એ જ ઉપાયથી ભૂતની બાધામાંથી મુક્ત થઈ.
ચચૌડાના બા. ઉમાશંકર ખરેના સ્વરૂપની સ્ત્રી પણ ભૂતબાધાથી મરણ પામે એવી સ્થિતિએ પહોંચી ગઈ હતી. એની પ્રાણની રક્ષા પણે એક ગાયત્રી ઉપાસકના પ્રયત્નથી થઈ.
બિઝૌલીને બા. ઉમાશંકર ખરેના કુટુંબને ગામના જાટોની સાથે દુશ્મનાવટ હતી. તેને લીધે અનેક વાર તેમના ઘર પર ધાડ પડી ને મોટા મોટાં નુકસાનો થયાં. સદાને માટે તેમનો જાન જોખમમાં રહેતો. ખરેજીએ ગાયત્રી ભક્તિનો માર્ગ અપનાવ્યો. એમના મધુર વ્યવહારથી ગામ સાથેનું પુરાણું વેર સમાપ્ત થઈને સદ્ભાવના સ્થપાઈ. બધા લોકો પ્રેમથી હળીમળીને રહેવા લાગ્યા.
ખડકપુરાના શ્રી ગોકુલચંદ સકસેના રેલવેના ગુડઝ ક્લાર્ક હતા. એમની સાથે કામ કરનારા બીજા કર્મચારીઓ એમનો દ્વેષ કરતા હતા અને એમની નોકરી છૂટી જાય એમ ઇચ્છતા હતા, પણ તેમના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. સકસેનાજીને વિશ્વાસ છે કે, ગાયત્રી માતા એમનું રક્ષણ કરે છે અને કોઈ એમનું કંઈ બગાડી શકતું નથી.
મુંબઈના શ્રી માણેકચંદ પાચોટિયા વેપારમાં ખોટ આવવાથી કરજદાર બની ગયા. કરજ ચૂકવવાની કંઈ વ્યવસ્થા થતી ન હતી. સટ્ટામાં વધારે નુકસાન થઈ ગયું. દેવાળિયા થઈને પ્રતિષ્ઠા ખોવાઈને દુ:ખી જીવન જીવવાનાં સ્પષ્ટ ચિહ્નો દેખાવા લાગ્યાં. વિપત્તિમાં સહાય મેળવવા માટે એમણે ગાયત્રી પુરશ્ચરણ કરાવ્યું. વખત જતાં એમને થોડો થોડો લાભ થયો. રૂ અને ચાંદીમાં એવા કેટલાક ઉત્તમ ચાન્સ લાગી ગયા કે એમનું બધું કરજ ભરપાઈ થઈ ગયું. તૂટી ગયેલો વેપાર પાછો ચમકવા લાગ્યો.
દિલ્હીના પ્રખ્યાત પહેલવાન ગોપાલ વિશ્નોઈ કોઈ મોટી કુસ્તી રમવા જતા, તો તે પહેલા ગાયત્રી પુરશ્ચરણ કરતા હતા. તેથી તે સદા જીત મેળવતા હતા
વાંસવાડીના શ્રી સીતારામ માલવીયને ક્ષય રોગ થયો હતો. એક્સરમાં દેખાડતાં ડૉક્ટર ફેફસાં બગડી ગયાનો અભિપ્રાય આપ્યો હતો. દશા નિરાશાજનક હતી. સેંકડો રૂપિયાની દવા ખાવાં છતાં કંઈ આરામ થયો નહીં. પછી એક વયોવૃદ્ધના કહેવાથી એમણે ખાટલા પર પડ્યા પડ્યા ગાયત્રી જપ શરૂ કર્યો અને મન સાથે પ્રતિજ્ઞા કરી કે મારું જીવન બચી જાય તો દેશહિતમાં ગાળીશ. પ્રભુની કૃપાથી તેઓ બચી ગયા. ત્યારથી આજ સુધી તેઓ આદિવાસી ભીલો તથા પછાત વર્ગની સેવા કરી રહ્યા છે.
થરથરાના લા. કરસનદાસનો છોકરો બહુ જ નબળો અને કમજોર થઈ ગયો હતો અને વારંવાર બીમાર પડતો હતો. તેની ઉંમર સોળ વર્ષની હોવા છતાં તે ૧૩ વર્ષનો હોય એવો દેખાતો હતો. છોકરાને તેના કુલગોરે ગાયત્રી ઉપાસના કરવાનો ઉપદેશ આપ્યો. તેનું મન એ તરફ લાગ્યું. એક એક કરીને તેની બધી બીમારીઓ જતી રહી. કસરત કરવા લાગ્યો. એ ત્રણ વર્ષમાં એનું શરીર દોઢું બની ગયું અને ઘરનું કામકાજ હોશિયારીથી કરવા લાગ્યો.
પ્રયાગના શ્રી મુન્નુલાલજીના દોહિત્રની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. ગળું સુજી ગયું હતું. ડૉક્ટરો બધા જ પ્રયત્નો કરતા પણ કોઈ પ્રયત્નમાં સફળતા મળી નહિ. આથી તેમના કુટુંબીજનોએ ગાયત્રી ઉપાસનાનું શરણ લીધું. આખી રાત ગાયત્રી જપ અને ગાયત્રી ઉપાસનાનું શરણ લીધું. આખી રાત ગાયત્રી જપ અને ગાયત્રી ચાલીસાના પાઠ ચાલુ રહ્યા. સવાર થતાં થતાં તો સ્થિતિમાં આશ્ચર્યકારક સુધારો થયો અને બે ચાર દિવસમાં તો તે હરતો ફરતો ખેલતો-કૂદતો થઈ ગયો.
આરા નિવાસી શ્રી રામકરણજી આમંત્રણ મળ્યાથી કોઈને ત્યાં ભોજન કરવા ગયા. ત્યાંથી પાછા ફરતાં જ તેમનું મગજ વિકૃત થઈ ગયું. ગાંડાની જેમ આમતેમ ફરવા લાગ્યા, એક દિવસ પોતાની જાંઘ પર ઈટ મારીને જાંઘ સુઝવી નાંખી. તેથી એમનું જીવન લગભગ નિરર્થક જેવું જ થઈ ગયું. એક દિવસ તેમના કેટલાક સંબંધીઓ તેમને પકડીને જબરજસ્તીથી પ્રસિદ્ધ ગાયત્રી-ઉપાસક પ. રામગોપાલજીની પાસે લઈ આવ્યા. તેમણે કૃપા કરીને ગાયત્રી મંત્રથી મંત્રેલા ચોખાના દાણા તેમના પર નાખ્યા તેથી તેઓ મછિત થઈ ગયા. થોડી વાર પછી તેઓની મુર્છા વળીને તેમણે પીવાનું પાણી માગ્યું. ગાયત્રી મંત્ર વડે અભિમંત્રિત જળ તેમને પીવડાવ્યું. થોડા જ દિવસમાં તેઓ તદ્દન સ્વસ્થ થઈ ગયા.
શ્રી નારાયણપ્રસાદ કશ્યપ રાજનાંદગામવાળાના એક ભાઈ પર કેટલાક લોકોએ ફોજદારી કેસ માંડ્યો. એ કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો એવી જ રીતે એમના નાનાભાઈ પર ખૂનનો કેસ થયો. એમણે ગાયત્રીનો આશ્રય લીધો અને બંને નિર્દોષ છૂટી ગયા.
સ્વામી યોગાનંદજીને કેટલાક પ્લેચ્છો અકારણ બહુ જ સતાવતા હતા. એમને ગાયત્રીનું આગ્નેયાસ્ત્ર સિદ્ધ હતું. તેનો પ્રયોગ તેમણે કેટલાક પ્લેચ્છો પર કર્યો અને તેમનાં શરીર એવાં બળવા લાગ્યા કે જાણે કોઈએ અગ્નિ લગાવ્યો હોય. તેઓ મરણતુલ્ય કષ્ટથી તરફડવા લાગ્યા. ત્યારે લોકોએ પ્રાર્થના કરવાથી એ અંતર્દાહને શાંત કર્યો. ત્યાર પછી એ બધા તદ્દન સીધા થઈ ગયા.
નન્દનપુરવાના સત્યનારાયણજી એક સારા ગાયત્રી ઉપાસક હતા. એમને વગર કારણે સતાવનાર કેટલાક ગુંડાઓ પર એવો વ્રજપાત થયો કે એમાંનો એક ભાઈ ૨૪ જ કલાકમાં કૉલેરાથી મરી ગયો અને ધાડ પાડવા બદલ બાકીના પોલીસોને હાથે પકડાઈ ગયા. એમને પાંચ પાંચ વર્ષની જેલ પડી.
આવાં અનેક પ્રમાણો મોજૂદ છે, જેનાથી એ સાબિત થાય છે કે, શ્રદ્ધાપૂર્વક ગાયત્રી માતાનો આશ્રય લેવાથી મનુષ્ય અનેક આપત્તિમાંથી છૂટી જાય છે અને અનિવાર્ય કર્મભોગો તેમજ કઠોર પ્રારબ્ધમાં પણ કેટલીક વાર આશ્ચર્યજનક સુધારો દેખાય છે.
ગાયત્રી ઉપાસનાનો મૂળ લાભ આત્મશાંતિ છે. આ મહામંત્રના પ્રભાવથી આત્મામાં સત્ત્વગુણ વધે છે અને અનેક પ્રકારની આત્મિક સમૃદ્ધિ વધે છે. તેની સાથે જ અનેક પ્રકારના દુન્યવી લાભો પણ મળતા જાય છે. અલબત્ત દુન્યવી લાભો તો ગૌણ જ ગણવા જોઈએ.
પ્રતિભાવો