૬. ગાયત્રી દ્વારા સત્ત્વગુણ વૃદ્ધિના દિવ્ય લાભો…., ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
ગાયત્રી દ્વારા સત્ત્વગુણ વૃદ્ધિના દિવ્ય લાભો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ગાયત્રી સદ્દબુદ્ધિદાયક મંત્ર છે. એ સાધકના મનને, અંતઃકરણને, મગજને, વિચારધારાને, સન્માર્ગ તરફ પ્રેરે છે. સત્ તત્ત્વની વૃદ્ધિ કરવી એ એનું મુખ્ય કામ છે. સાધક જ્યારે આ મંત્રના અર્થનો વિચાર કરે છે ત્યારે તેને માલુમ પડે છે કે, જગતની સર્વોપરી સમૃદ્ધિ અને જીવનની સર્વથી મોટી સફળતા સદ્બુદ્ધિને પ્રાપ્ત કરવામાં રહેલી છે. આ માન્યતા સુદઢ થયા પછી એની ઈચ્છાશક્તિ આ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે ઉત્સુક બને છે. એ આકાંક્ષા મનઃલોકમાં એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. ચુંબકત્વની આકર્ષણ શક્તિથી અખિલ આકાશના ઈશ્વરતત્ત્વમાં ભ્રમણ કરનારી વિચારધારાઓ અને ભાવનાઓ પ્રેરણાથી ખેંચાઈ આવીને એ જગા પર જમા થવા માંડે છે. વિચારોની ચુંબક શક્તિનું વિજ્ઞાન સર્વવિદિત છે. એક જાતિના વિચારો પોતાના સજાતીય વિચારોને આકાશમાંથી ખેચે છે પરિણામે જગતના મૃત અને જીવિત સત્પુરુષોએ ફેલાવેલા અવિનાશી સંકલ્પો જે શૂન્યમાં સદૈવ ભ્રમણ કર્યા કરે છે, તે ગાયત્રી સાધકની પાસે દૈવી વરદાનની માફક અનાયાસ જ આવીને જમા થાય છે અને સંચિત મૂડીની જેમ તેનો મોટો ભંડાર ભરે છે.
શરીર અને મનમાં સત્ત્વગુણની માત્રા વધવાનું ફળ આશ્ચર્યજનક હોય છે. સ્થૂળ નજરે જોવાથી ન તો એ લાભની સમજ પડે, ન તેનો અનુભવ થાય છે, ન એની કશી મહત્તા પણ માલુમ પડે. પરંતુ જેને સૂક્ષ્મ શરીરની વિશેષ માહિતી છે, તે જાણે છે કે તમ્ અને રજનું ઘટવું અને તેને સ્થાને સત્ત્વનું વધવું એવું જ છે, જેમ શરીરમાં ભરાઈ રહેલા રોગો, મળ, વિષ, વિજાતીય પદાર્થો ઘટી જાય અને તેને સ્થાને શુદ્ધ, સજીવ, પરિપુષ્ટ લોહી અને વીર્યનો વધારો થાય તો પરિણામ સારું જ આવે. એવું પરિવર્તન ભલે ખુલ્લી આંખે જોઈ શકાતું ન હોય પણ તેનો સ્વાસ્થ્યની ઉન્નતિ પર જે ચમત્કારી પ્રભાવ પડે છે, એમાં કંઈ સંદેહ નથી. શરીરનો કાયાકલ્પ કરવો એ એક વૈજ્ઞાનિક કાર્ય છે. તેનાથી ચોક્કસ લાભ થાય છે જ. એ લાભ દૈવી હોય કે માનવીય, એ માટે મતભેદ હોઈ શકે છે પણ તે મતભેદનું કશું મહત્ત્વ નથી. ગાયત્રીથી સત્ત્વગુણ વધે છે અને હલકી કોટિનાં તત્ત્વોનું નિવારણ થાય છે. પરિણામે સાધકનો એક સૂક્ષ્મ કાયાકલ્પ થઈ જાય છે. આ પ્રકારના લાભોને વૈજ્ઞાનિક લાભો કહેવા કે દૈવી વરદાન ? આ પ્રશ્ન પર ઝઘડવામાં કશો લાભ નથી. વાત એક જ છે કોઈ કાર્ય ગમે તે પ્રકારે થાય, તેમાં ઈશ્વરીય સત્તા જુદી નથી. તેથી જગતમાંનાં બધાં કાર્યો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થાય છે. ગાયત્રી-સાધનાથી થતા લાભ વૈજ્ઞાનિક આધાર પર પ્રાયઃ થયેલા પણ કહેવાય અને ઈશ્વરીય કૃપાના આધાર પર થયેલા છે એમ કહેવામાં પણ કંઈ દોષ નથી.
શરીરમાં સત્ તત્ત્વની અભિવૃદ્ધિ થવાથી શરીરચર્યાની પ્રવૃત્તિમાં પણ ઘણો ફરક પડી જાય છે. ઇન્દ્રિયોની ભોગોમાં ભટકવાની ગતિ મંદ થઈ જાય છે. ખાવાપીવાના અભરખા પણ ઓછા થઈ જાય છે અને રાજસી, તામસી ખાદ્યો તરફ એને ધૃણા થઈ જાય છે. હલકા, સુપાચ્ય, સરસ સાત્ત્વિક અન્નથી એ તૃપ્ત થાય છે. જીહૂન્દ્રિય વશ થવાથી કુપથ્યનું એક ભારે સંકટ દૂર થાય છે. એ જ કામેન્દ્રિયની ઉત્તેજના પણ સત્ત્વગુણી વિચારોથી શમી જાય છે. કુમાર્ગમાં, વ્યભિચારમાં, વાસનામાં મન ઓછું દોડે છે અને બ્રહ્મચર્યમાં તેની શ્રદ્ધા વધે છે. પરિણામે વીર્યરક્ષાનો માર્ગ સરળ થઈ જાય છે. કામેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય એ બે જ મુખ્ય ઇન્દ્રિયો છે. એમનો સંયમ થવો એ સ્વાથ્ય-રક્ષા અને શરીરવૃદ્ધિનો પ્રધાન હેતુ છે. એની સાથે સાથે પરિશ્રમ, સ્નાન, સૂવું, જાગવું, સફાઈ જેવી બીજી દિનચર્યાઓ પણ સત્ત્વગુણી થઈ જાય છે. એનાથી આરોગ્ય અને દીર્ઘ જીવનના મૂળ મજબૂત થાય છે.
માનસિક ક્ષેત્રમાં સત્ત્વગુણોની વૃદ્ધિને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, સ્વાર્થ, આળસ, વ્યસન, વ્યભિચાર, છળ, જૂઠ, પાખંડ, ચિંતા, ભય, શોક, કંજૂસાઈ જેવા દોષો ઓછા થવા માંડે છે. એ ઓછા થવાની સાથે જ સંયમ, નિયમ, ત્યાગ, શમતા, નિરહંકાર, સાદાઈ, નિષ્કપટતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા, નિરાલસ્ય, વિવેક, સાહસ, ધૈર્ય, દયા, પ્રેમ, સેવા, નિશ્ચિતતા, ઉદારતા, કર્તવ્યપરાયણતા, આસ્તિકતા જેવા સદ્ગણો વધે છે. એવા માનસિક કાયાકલ્પનું પરિણામ એ આવે છે કે દૈનિક જીવનમાં ખાસ કરીને નિત્ય આવતાં દુ:ખોનું સહજ સમાધાન થાય છે. ઈન્દ્રિયસંયમ અને સંયમિત દિનચર્યાને લીધે શારીરિક રોગોનું મોટે ભાગે નિરાકરણ થઈ જાય છે. વિવેક જાગૃત થવાથી અજ્ઞાનજન્ય ચિંતા, શોક, ભય, આશંકા, મોહ, મમતા, હાનિ આદિ દુઃખોમાંથી છુટકારો થાય છે. ઈશ્વર-વિશ્વાસને લીધે બુદ્ધિ સ્થિર રહે છે અને ભાવિ જીવન નિશ્ચિત બની જાય છે. ધર્મ પ્રવૃત્તિને લીધે પાપ, અન્યાય અનાચાર વગેરે સંભવતાં નથી. પરિણામે રાજદંડ, સમાજદંડ, આત્મદંડ અને ઈશ્વરદંડની વાતથી પીડિત થવું પડતું નથી. સેવા, નમ્રતા, ઉદારતા, દાન, ઈમાનદારી, લોકહિત વગેરે ગુણોને લીધે બીજાઓનું ભલું કરી શકાય છે અને નુકસાનની શંકા રહેતી નથી. એનાથી પ્રાયઃ બધા લોકો કૃતજ્ઞ, પ્રશંસક, સહાયક, ભક્ત તેમજ રક્ષક બને છે. પારસ્પરિક સદ્ભાવનાઓ પરિવર્તનથી આત્માને તૃપ્ત કરનાર પ્રેમ અને સંતોષ નામક રસ દિનપ્રતિદિન અધિક પ્રમાણમાં ઉપલબ્ધ થઈને જીવન આનંદમય થતું જાય છે. આ પ્રકારે શારીરિક અને માનસિક ક્ષેત્રોમાં સત્ તત્ત્વની વૃદ્ધિ થવાથી બંને બાજુ આનંદનો સ્રોત વહે છે અને ગાયત્રીનો સાધક એમાં નિમગ્ન રહીને આત્મસંતોષ અને પરમાનંદનું રસાસ્વાદન કરતો રહે છે.
આત્મા ઈશ્વરનો અંશ હોવાથી, ઈશ્વરમાં હોય છે એ બધી શક્તિઓ બીજરૂપે તેની અંદર છૂપાયેલી રહે છે. એ શક્તિઓ સુષુપ્તાવસ્થામાં જ રહે છે અને માનસિક તાપોના, વિષય-વિકારોના, દોષદુર્ગણોના ઢગલામાં અજ્ઞાતરૂપે પડી રહે છે. લોકો માને છે કે અમે દીનહીન, તુચ્છ અને અશક્ત છીએ. પણ જે સાધકો મનોવિકારોનો પડદો હટાવીને નિર્મલ આત્મજ્યોતિનું દર્શન કરવા સમર્થ થાય છે, તેઓ જાણે છે કે સર્વશક્તિમાન ઈશ્વરની જ્યોતિ એમના આત્મામાં મોજૂદ છે અને તેઓ પરમાત્માના સાચા ઉત્તરાધિકારી છે. અગ્નિ ઉપરની રાખ ઉડાડી દેવાથી ફરીથી અંગારો પ્રગટ થાય છે. એ અંગારો નાનો હોય છે, છતાં ભયંકર અગ્નિકાંડોની સંભાવનાથી ભરેલો હોય છે. ગાયત્રી સાધનાથી સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે અમે આત્મા પર પડેલાં આવરણ હટી જાય છે. એ પડદો ફાટી જતાં જ તુચ્છ મનુષ્ય મહાન આત્મા (મહાત્મા) બની જાય છે. કેમ કે આત્મામાં અનેક જ્ઞાન, વિજ્ઞાન, સાધારણ, અસાધારણ, અદ્દભુત, આશ્ચર્યજનક શક્તિનો ભંડાર છુપાઈ રહેલો છે, તે ખૂલી જાય છે અને તે સિદ્ધ યોગીના રૂપમાં દેખાવા માંડે છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવાને માટે બહારથી કંઈ લાવવું પડતું નથી, પણ માત્ર આત્મા પરનાં આવરણો દૂર કરવાં પડે છે. ગાયત્રીની સત્ત્વગુણી સાધનાનો સૂર્ય, તામસિક અંધકારના પડદાને હટાવી દે છે અને આત્મા સહજ ઈશ્વરીયરૂપે પ્રક્ટ થઈ જાય છે. આત્માનું એ નિર્મળ રૂપ સર્વ રિદ્ધિ-સિદ્ધિઓથી પૂર્ણ હોય છે.
ગાયત્રી દ્વારા થયેલ સત્ત્વગુણની વૃદ્ધિ અનેક પ્રકારની આધ્યાત્મિક અને સાંસારિક સમૃદ્ધિઓની જનની છે. શરીર અને મનની શુદ્ધિ સાંસારિક જીવનને અનેક દષ્ટિએ સુખશાંતિમય બનાવે છે. આત્મામાં વિવેક અને આત્મબળની માત્રામાં વધારો થવાથી પર્વત જેવડી મોટી લાગતી મુશ્કેલીઓ આત્મવાન વ્યક્તિને તણખલા જેવી હલકી જણાય છે. એનું કોઈ પણ કામ અટકી રહેતું નથી. કાં તો એની ઇચ્છા પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ જાય છે અથવા પરિસ્થિતિ અનુસાર તે પોતાની ઈચ્છાને બદલે છે. કલેશનું કારણ ઇચ્છા અને પરિસ્થિતિની વચ્ચે રહેલી પ્રતિકૂળતા હોય છે. વિવેકી માણસ એ સંઘર્ષને બંનેમાંથી કોઈ એકને અપનાવીને ટાળી દે છે અને સુખપૂર્વક જીવન વિતાવે છે. એને માટે આ પૃથ્વી પર પણ સ્વર્ગીય સુખસરિતા વહેવા લાગે છે.
ખરી રીતે સુખ અને આનંદનો આધાર બહારનાં સુખસાધનો પર હોતો નથી પરંતુ મનુષ્યની માનસિક સ્થિતિ પર હોય છે. મનની ભાવનાને કારણે જે માણસ એક વખત રાજસી ભોજનોથી તેમજ રેશમી ગાદી તકિયાથી પણ સંતોષ પામતો ન હતો, તે જ માણસ એક સંતના ઉપદેશથી ત્યાગ અને સંન્યાસ ગ્રહણ કરે છે એટલું જ નહિ પણ જંગલની ભૂમિને જ ઉત્તમ પથારી માને છે. તેમજ વનનાં કંદમૂળને જ ઉત્તમ ભોજન માનવા લાગે છે. આ જે ફેરફાર થયો તે માત્ર મનોભાવ કે વિચારધારાના બદલાવાના કારણે જ થયો ને ! ગાયત્રી બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે અને તેની પાસે આપણે- સદ્બુદ્ધિ જ માગ્યા કરીએ છીએ. તેથી કરીને ગાયત્રી ઉપાસનાના ફળરૂપે આપણા વિચારોનો સ્તર ઊંચો આવે અને માનવજીવનની વાસ્તવિકતાને પોતાની વર્તમાન સ્થિતિમાં જ આપણે આનંદ-આનંદ અનુભવતા રહીએ એ દીવા જેવું સ્પષ્ટ અને સ્વાભાવિક છે.
ઘણા લાંબા સમયથી અમે ગાયત્રી ઉપાસનાનો પ્રચાર કરીએ છીએ, તેથી અનેક સાધકોનો અમને પરિચય છે. હજારો વ્યકિતઓને આ દિશામાં અમારા માર્ગદર્શનથી પ્રોત્સાહન મળ્યું છે. એમાંથી જે લોકો સાધના ક્ષેત્રમાં ચાલુ રહ્યા છે તેમને આશ્ચર્યજનક લાભો થાય છે. તે લોકો એ લાભોને ગાયત્રીનું વરદાન માને છે. તેઓ એના ઊંડા વિવેચનમાં ઊતરવા માગતા નથી કે કઈ રીતે, કયા વૈજ્ઞાનિક નિયમોને આધારે સાધના-શ્રમનું સીધું સાદું ફળ એમને મળ્યું છે. એના વિવેચનમાં એમને સામાન્ય રીતે અરુચિ હોય છે. એમનું કહેવું છે કે, ભગવતી ગાયત્રી કૃપા પ્રત્યેની કૃતજ્ઞતા જ અમારી ભક્તિભાવના વધારશે અને તેથી જ અમને અનેક લાભો થશે અને એમનું આ મંતવ્ય ઘણી રીતે સાચું છે. શ્રદ્ધા અને ભક્તિ વધારવાને માટે ઈષ્ટ દેવતાના સાધના સ્વરૂપ પ્રત્યે ગાઢ પ્રેમ, કૃતજ્ઞતા, ભક્તિ અને તન્મયતા હોવાં આવશ્યક છે. ગાયત્રી સાધના દ્વારા એક સૂક્ષ્મ વિજ્ઞાનસંમત પ્રણાલિથી લાભ થાય છે. એ જાણીને એ મહાતત્વ સાથે સંબંધ દઢ કરવા માટે કૃતજ્ઞતા અને ભક્તિભાવનાનો પુટ અધિકાધિક રાખવો આવશ્યક છે.
ગાયત્રી ઉપાસનાથી અનેક લોકોને જે અનેક પ્રકારના લાભો થયો છે, એનાં ઘણાં સંસ્મરણો આજે પણ અમારી સ્મૃતિમાં છે. એમાંથી થોડાંક સંસ્મરણો હવે પછીનાં પૃષ્ઠોમાં આપવાનો વિચાર રાખીએ છીએ કે જેથી વાચકો પણ આ માર્ગનું અનુકરણ કરીને લાભાન્વિત થઈ શકે.
પ્રતિભાવો